સ્વાધ્યાયલોક—૨/ટેનિસન: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ટેનિસન}} {{Poem2Open}} <center> '''*''' </center> {{Poem2Close}} {{HeaderNav2 |previous = વર્ડ્ઝવર્થ |next = ડ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Poem2Open}}
{{Poem2Open}}


 
ટેનિસનના જીવનકાળમાં એનું પ્રસિદ્ધ ઊર્મિગીત ‘Break, Break, Break’ કબ્રસ્તાનમાં ખાંભીઓ પર મૃત્યુલેખ તરીકે આંકવામાં આવતું હતું અને એનું એવું જ બીજું પ્રસિદ્ધ ઊર્મિગીત ‘Crossing the Bar’ દેવળમાં પ્રાર્થનાપોથીના પાના પર ભજન તરીકે છાપવામાં આવતું હતું. એનું સર્વશ્રેષ્ઠ કરુણકાવ્ય ‘In Memoriam’ ૧૮૫૦માં પ્રથમ વાર પ્રગટ થયું ત્યારે એની સાઠ હજાર નકલોનું વેચાણ થયું હતું. અસંખ્ય પ્રજાજનોની જેમ રાણી વિક્ટોરિયાએ પણ પોતાના પતિના મૃત્યુ પછી એમાંથી આશ્વાસન પ્રાપ્ત કર્યું હતું. એની અંગત નકલ ચાલુ વપરાશથી ચૂંથાઈ ગઈ હતી. અંગ્રેજ પ્રજાએ આ કાવ્યનો બાઇબલ જેવો મહિમા કર્યો હતો અને ૧૮૫૦માં રાજકવિપદે અને ૧૮૮૪માં ઉમરાવપદે સ્થાપીને એના કવિનો પુરસ્કાર કર્યો હતો.
એક યુગપુરુષ તરીકે ટેનિસને અંગ્રેજ પ્રજાની સ્વતંત્રતા, સંસ્થાઓ, સામાજિક રીતરસમો અને રૂઢિઓ, જીવનશૈલી વગેરેનો પુરસ્કાર તથા પ્રચાર કર્યો હતો. ક્રિમિયન યુદ્ધ જેવા રાષ્ટ્રના કટોકટી અને કરુણતાના પ્રસંગોએ ‘The Charge of the Light Brigade’ જેવાં વાસ્તવવાદી કાવ્યો દ્વારા પ્રજાને પ્રોત્સાહન આપ્યું હતું. અને શાંતિના સમયમાં કિંગ આર્થર વિશેનાં આદર્શવાદી કાવ્યો દ્વારા પ્રજાને ઉદ્બોધન કર્યું હતું. સમકાલીનોએ ટેનિસનની કવિતામાં કાવ્યની ઉપેક્ષા અને અકાવ્યનો ઉલ્લેખ કરીને ટેનિસનનો પયગંબર, ફિલસૂફ, ચિંતક, સુધારક, ઉપદેશક, નેતા વગેરે વગેરે તરીકે પુરસ્કાર કર્યો હતો એમ એકંદરે કહી શકાય.
તો ત્યાર પછી અનુગામીઓએ એથી ઊલટું જ કાવ્યની ઉપેક્ષા અને અકાવ્યનો ઉલ્લેખ કરીને જ ટેનિસનનો પંતૂજી, ભાટ, ચારણ, પ્રચારક, lawn Tennyson, Victorian Virgil વગેરે વગેરે તરીકે તિરસ્કાર કર્યો હતો એમ એકંદરે કહી શકાય.
હવે આટલે વર્ષે હેરલ્ડ નિકલસન જેવા વિવેચકો અને એલિયટ-ઑડન જેવા કવિઓની સમતોલ સૂઝસમજને કારણે ટેનિસનનો કવિ તરીકે સ્વીકાર થયો છે.
કવિ તરીકે ટેનિસનની નિરીક્ષણશક્તિ અસાધારણ છે. ટેનિસન short-sighted — નિકટદર્શી હતો. એથી નિકટના પદાર્થોનું એનું નિરીક્ષણ અને નિરૂપણ વિગતપૂર્ણ અને વિશદ છે એટલું જ આનંદપૂર્ણ અને આસ્વાદ્ય છે. મિસિસ ગાસ્કેલની નવલકથા ‘ક્રેનફર્ડ’માં એક પાત્ર એકરાર કરે છે કે પોતાને ઇંગ્લૅન્ડની પ્રકૃતિનો પૂરો પરિચય હોવા છતાં જ્યારે ટેનિસનની ‘More black than ashbuds in the front of March’ પંક્તિ વાંચી ત્યારે જ ભાન થયું કે માર્ચ મહિનામાં ઍશબડ્ઝનો રંગ કાળો હોય છે.
કવિ તરીકે ટેનિસનની શ્રવણશક્તિ એટલી જ અસાધારણ છે. કિશોરવયમાં જ એના કાને પવનનો અવાજ પકડ્યો હતો  ‘I hear a voice that’s speaking in the wind.’ મધમાખના મૃદુમંદ ગુંજન કે ઉત્તર સમુદ્રના પ્રચંડ ગર્જનથી તે મનુષ્યના કોમળ કે કઠોર કંઠ લગીના વિવિધ અવાજોને એણે વાણીમાં પ્રગટ કર્યા છે. એડિસનની કચકડાની ચૂડી પર આંકેલો એનો પોતાનો અવાજ લગભગ ૮૦ વર્ષની વયે પણ ધાતુ જેવો નક્કર હતો.
ટેનિસનમાં પામર પોચટતા ન હતી, પોલાદી પૌરુષ હતું. અન્યાય, અમાનુષિતા, કઠોરતા, ક્રૂરતા, મૂર્ખતા કે મંદતા સામે એનો પુણ્યપ્રકોપ અનેક કાવ્યોમાં પ્રગટ્યો છે. સુખ, દુઃખ, રોષ કે રમૂજ જેવા માનવહૃદયના વિવિધ ભાવોની સૂઝથી એનું વ્યક્તિત્વ સભર અને સમૃદ્ધ છે. જીવનનો આનંદ એણે આકંઠ જાણ્યો-માણ્યો છે. સુંદર દારૂ, તમાકુ અને ભોજનનો એ ભારે શોખીન હતો. લંડનની ટેમ્પલ બાર પાસેની ‘The Cock’ નામની પ્રસિદ્ધ ભોજનગૃહમાં એ ક્યારેક ભોજન લેતો. ‘Will Waterproof’s Lyrical Monologue’ નામના કાવ્યમાં ત્યાંના વેઇટરને એણે પ્રેમપૂર્વક અંજલિ અર્પી છે.
ટેનિસને ગતિનું — ઝરણના જલની વિવિધ ગતિનું વર્ણન વિવિધ ક્રિયાપદો દ્વારા ‘The Brook’માં કર્યું તો ગતિહીનતાનું એવું જ વર્ણન ‘The Day Dream’માં કર્યું. હજુ તો રાઇટ ભાઈઓનું પહેલું વિમાન કીટી હૉક પર ઊડે તેના ૬૦ વર્ષ પૂર્વે ૧૮૪૨ની આસપાસ ટેનિસને કલ્પનાચક્ષુથી સમુદ્રનું વિહંગદર્શન ‘The Eagle’માં ‘The wrinkled sea beneath him crawls’માં કર્યું તો બરાબર એક સદી પછી બીજા વિશ્વયુદ્ધમાં યુરોપની અનેક મહાનગરીઓ પર વરસનારી બૉમ્બવર્ષાનું ભવિષ્યદર્શન ‘The Locksley Hall’માં ‘…there rain’d a ghastly dew from the nations’ airy navies’માં કર્યું.
લિંકનશાયરના સૉમર્સ્બી ગામમાં ૧૮૦૯માં ઑગસ્ટની ૬ઠ્ઠીએ ટેનિસનનો જન્મ. આસપાસના પ્રદેશની પ્રકૃતિમાંથી અને વત્સલ ભાષાવિદ પિતાના પુસ્તકાલયમાં ગ્રીક, લૅટિન, અંગ્રેજી વગેરે સાહિત્યમાંથી પ્રેરણા પામીને સ્વપ્નસૃષ્ટિનો આ સૌંદર્યોપાસક ૧૮૨૮માં અભ્યાસ અર્થે કેમ્બ્રિજ આવ્યો. અહીં આ ગભરુ ગ્રામબાલ તેજસ્વી બુદ્ધિજીવીઓના મંડળ ‘The Apostles’નો સભ્ય બન્યો. બીજે વર્ષે આર્થર હૅલમનો પરમ મિત્ર બન્યો. ધાર્મિક, રાજકીય, સામાજિક, આર્થિક પ્રશ્નોની ઉગ્ર ચર્ચાઓ દ્વારા સ્વપ્ન-સૃષ્ટિમાંથી એ વાસ્તવલોકમાં આવીને વસ્યો. ‘The Lotos Eaters’નો ટેનિસન ‘Ulysses’નો ટેનિસન બન્યો. ૧૮૩૦માં બન્ને મિત્રો કુટુંબમાં કોઈને કહ્યા વિના જ સ્પેનના સ્વાતંત્ર્યયુદ્ધમાં સહાય કરવા પિરિનીઝ લગી પહોંચી ગયા પણ નિર્ભ્રાન્ત અને નિરુત્સાહ બનીને પાછા ફર્યા.
૧૮૩૩માં ટેનિસનના જીવનનો કરુણમાં કરુણ પ્રસંગ બન્યો. વિયેનામાં હૅલમનું ૨૪ વર્ષની કાચી વયે કરુણ મૃત્યુ થયું. ટેનિસનનું જીવન શૂન્ય બની ગયું. એનું વિશ્વ અર્થશૂન્ય બની ગયું. ચિત્તમાં આત્મહત્યાનો વિચાર ચમકી ગયો. હૅલમના મહાન આદર્શો — સ્વમાન, સંયમ, સાહસ, સહનશીલતા, વીરતા, ભવ્યતા, ઉદાત્તતા — ને ‘Ulysses’માં તત્કાલ અંજલિ અર્પી. અને હૅલમના મૃત્યુ પછી ૨૩ વર્ષની વયે જીવનનો ત્યાગ કરવાને બદલે બીજાં ૬૦ વર્ષ જીવી ૮૩ વર્ષની વયે મૃત્યુ પામનાર ટેનિસને પોતાના જીવનની વિધિવક્રતાને ‘Tithonus’માં વાચા અર્પી.
હૅલમના મૃત્યુથી ટેનિસનની ઇહલોકમાંની આશાનો અને પરલોકમાંની શ્રદ્ધાનો લોપ થયો. આ જ સમયમાં ડાર્વિનના ઉત્ક્રાન્તિવાદથી મનુષ્યમાત્રની આ આશા અને શ્રદ્ધા હચમચી હતી. મગતરું હોય કે મનુષ્ય — હેલમ જેવો મહાન મનુષ્ય — હોય બન્નેના મૃત્યુ પ્રત્યે વિશ્વ એકસરખું ઉદાસીન! આ વિશ્વમાં વ્યક્તિ ક્ષુદ્ર, ક્ષુલ્લક અને ક્ષણિક છે. આ વિચારથી સૌનાં હૃદય અને બુદ્ધિ બન્ને ક્ષુબ્ધ બન્યાં હતાં. આ પ્રશ્ન સૌને પડકારરૂપ હતો, આહ્વાનરૂપ હતો. ૧૮૩૩થી ૧૮૫૦ લગી ટેનિસને આ એક જ વિચાર પર, એક જ પ્રશ્ન પર અને એના એક જ કાવ્ય ‘In Memoriam’ પર પોતાનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર્યું. એમાં એની સમસ્ત કલ્પના અને સર્જકતા પ્રવૃત્ત કરી. એથી જ ‘In Memoriam’ માત્ર એક જ મનુષ્યનું નહિ, મનુષ્યમાત્રનું કાવ્ય છે. એમાં વિશિષ્ટ શ્લોકરચનામાં શોક, શૂન્યતા, શંકા અને શરણાગતિનો અનુભવ છે. સાથોસાથ સંયમ, સાહસ, સહનશીલતા, ધૈર્ય અને ધાર્મિકતાની અનુભૂતિ છે. શોકમાંથી શાંતિમાં, અસારતામાંથી આશામાં પર્યવસાન પામતું શંકાનું આ મહાન કાવ્ય એ કોઈ શુષ્ક ફિલસૂફનો સુગ્રથિત તર્ક નથી, કોઈ પાદરીનું પ્રવચન નથી પણ એક સંવેદનશીલ આત્માની હપતે હપતે આલેખાયેલી ડાયરી છે. ‘In Memoriam’ એ ટેનિસનની આધ્યાત્મિક આત્મકથા છે.
ટેનિસને ઉત્તરજીવનમાં એક આર્થરના જીવન અને મૃત્યુમાંથી પ્રેરણા પામીને બીજા આર્થર — કિંગ આર્થરના જીવન અને મૃત્યુ વિશેની કાવ્યમાલા રચી. કિંગ આર્થરની અસ્પષ્ટ, ધૂંધળી, શોકઘેરી, ઉદાર, ઉદાત્ત મૂર્તિમાં આર્થર હૅલમનો અણસારો આવે છે. એમાં સમકાલીન સમાજમાં ટેનિસનને જે શ્રદ્ધા અને સંસ્કારોની ઊણપ સાલી એનો સતત ઉલ્લેખ થયો છે. આ કાવ્યો મુખ્યત્વે બોધાત્મક એટલે કે અકલાત્મક છે. એમાં મધ્યકાલીન રહસ્યકથા અને પુરાણકથા દ્વારા ટેનિસને મનુષ્યત્વનો આદર્શ રજૂ કર્યો છે. સાથોસાથ સમકાલીન વાસ્તવિકતાની વ્યથામાંથી છુટકારારૂપ સ્વપ્નસૃષ્ટિ સર્જી છે.
છંદોવૈવિધ્ય, દ્રુતવિલંબિત ગતિનું લયપ્રભુત્વ, સંગીતમયતા, વર્ણસગાઈ, રવાનુકારિતા, પ્રાસ, પુનરાવર્તન, વિરામ, સ્વરવ્યંજનનું સંયોજન વગેરે દ્વારા ટેનિસને એક કુશળ, કસબી કારીગર કે કીમિયાગરની કવિતાકલા સિદ્ધ કરી છે. એણે ૨/૩ કવિતા શેક્સ્પિયર, મિલ્ટન કે વર્ડ્ઝવર્થનું સ્મરણ કરાવતા પ્રવાહી પદ્યમાં રચી છે. એણે ‘Mouthing out his hollow oes and aes’ પંક્તિમાં પોતાનું જ આબેહૂબ વર્ણન કર્યું છે. પોતાની સુંદરમાં સુંદર પંક્તિ તરીકે એણે ‘The mellow ouzel fluted in the elm’નો ઉલ્લેખ કર્યો હતો, એણે વર્જિલને અંજલિ આપતાં ‘a golden phrase, a lonely word’ અને ‘Stateliest measure’માં જે શક્તિનો ઉલ્લેખ કર્યો હતો તે એક ‘Break’ શબ્દમાં જ ટેનિસને સિદ્ધ કરી છે. એની પદાવલિમાં પરિશ્રમસાધ્ય પૂર્ણતાનું દર્શન થાય છે. એલિયટે ‘He had the finest ear of any English poet since Milton.’ એ શબ્દોમાં ટેનિસનની કલાને અંજલિ અર્પી છે.
પણ ટેનિસન માત્ર કલાકાર ન હતો. સમકાલીન જીવનમાં સમરસ એવો એક સજીવ સંવેદનશીલ મનુષ્ય હતો. એથી જ ધર્મ અને વિજ્ઞાનના સંઘર્ષની પીડા અનુભવતી પ્રજાએ એની કવિતામાંથી આશા અને શ્રદ્ધાપૂર્વક જીવન જીવવાની પ્રેરણા પીધી હતી. ટેનિસને વિજ્ઞાનીઓના સત્યનું આહ્વાન સ્વીકાર્યું. શંકાથી રસેલી શ્રદ્ધાનું કાવ્ય રચ્યું. ‘Nature red in tooth and claw’ તથા ‘Nature lends her evil dreams’ ગાઈને વિશ્વની વિચિત્ર રચનામાં ઉત્ક્રાન્તિના પ્રયોગમાં નામશેષ એવા અસંખ્ય જીવાત્માઓની વેદનાનું કાવ્ય કર્યું. આમ, શોક અને શંકા પછી પણ અંતે તો ટેનિસને મનુષ્યના આત્માની અજેયતા, અવિનાશિતા અને અમરતાને જ આનંદપૂર્વક પોતાની અંતિમ શ્રદ્ધાનો અર્ઘ્ય અર્પણ કર્યો છે. આ ટેનિસનનું દર્શન છે. પ્રત્યેક યુગને એનું દુ:સ્વપ્ન છે — ‘Nature lends her evil dreams’. આપણા યુગના અણુબૉમ્બના દુ:સ્વપ્ન દ્વારા આપણે ટેનિસનના યુગના ઉત્ક્રાન્તિવાદના દુ:સ્વપ્નને સહાનુભૂતિપૂર્વક આજે સમજી શકીએ. આજે આપણે જાણે કે અસ્તિત્વની અંતિમ ક્ષણોમાં જીવીએ છીએ. આજના મૃત્યુમાં ટેનિસનની કવિતા અમૃત છે. આજે પણ ‘Break, Break, Break’ આપણાં સ્વપ્નોની ખાંભી પર અને ‘Crossing the Bar’ આપણી હૃદયપોથીના પાના પર અંકિત છે.
{{Poem2Close}}
{{left|'''૧૯૫૯'''}}


<center> '''*''' </center>
<center> '''*''' </center>
{{Poem2Close}}


{{HeaderNav2
{{HeaderNav2