બે હજાર ચોવીસ સમક્ષ/લગભગપણું – અભિમન્યુ આચાર્ય

Revision as of 02:44, 10 October 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ટૂંકી વાર્તા

‘લગભગપણું’ : અભિમન્યુ આચાર્ય

કિરીટ દૂધાત

અભિમન્યુ આચાર્યનો બીજો પડાવ

અભિમન્યુ આચાર્ય એક સજ્જ વાચક છે જેનો લાભ એની અંદરના વાર્તાકારને મળતો રહ્યો છે. હજી ગઈકાલે જેણે લખવાનું શરૂ કર્યું છે એવો ગુજરાતી લેખક કે કવિ મોટાભાગે પોતાની પ્રતિભા પર આધાર રાખીને લખે છે. પોતાની માતૃભાષામાં અગાઉ જે લખાઈ ગયું છે કે દુનિયામાં જે લખાઈ રહ્યું છે એનું વાચન કરીને પોતાને મળેલી પ્રતિભાનું લાલનપાલન કરવું જોઈએ એવું એ માનતો નથી. ક્યારેક સૂચન કરીએ તો એને ગમતું નથી હોતું. આ બધાંમાં અભિમન્યુ અલગ પડે છે. ‘લગભગપણું’ની વાત કરતાં પહેલાં થોડી વાત અભિમન્યુના પહેલા સંગ્રહની કરી લઈએ. એ વાર્તાસંગ્રહ ‘પડછાયાઓ વચ્ચે’માં રચનારીતિનો એક ચોક્કસ આગ્રહ દેખાય છે જ્યારે લગભગપણુંની પ્રસ્તાવનામાં અભિમન્યુએ નિવેદન કર્યું છે કે ‘પ્રથમ વાર્તાસંગ્રહમાં ‘સ્વથી પર સુધી જવાની મથામણ હતી. પ્રસ્તુત વાર્તાસંગ્રહમાં સ્વ અને પરના ભેદ ભૂંસાઈ જાય અને દરેકમાં રહેલું માનવીય તત્ત્વ તાગી શકાય એવો પ્રયત્ન હું હવે જોઈ શકું છું.’ અને બીજું પણ એક વિધાન કર્યું છે જે મારી દૃષ્ટિએ ઘણું મહત્ત્વનું છે. ‘હવે નવા વિષયો ખાસ શોધવા નથી પડતા. અલગ પડવાની મથામણમાં વાર્તાસ્વરૂપ સાથેનાં પ્રયોગાત્મક ચેડાં કરવાનાંય બંધ કર્યાં છે ચકાચકીની વાર્તા જેટલા સરળ ફોર્મેટમાં વાર્તા આલેખવી છે અને છતાં એ છેતરામણી સરળતા હોય અને મૂળ વાત સંકુલ બને તેવી નેમ છે.’ એટલે કે અભિમન્યુને હવે વાર્તાના આકાર કરતાં વધારે રસ સીધાસાદા કથન દ્વારા સંકુલ નિવેદન થઈ શકે તે કરવામાં છે અને એમાં માનવીય તત્ત્વ લાવવામાં પણ રસ છે. એટલે અભિમન્યુના પહેલા વાર્તાસંગ્રહ કરતાં આ બીજા સંગ્રહમાં આ બંને પરિવર્તન જોઈ શકાય છે. આ સંગ્રહમાં કુલ ૯ વાર્તાઓ છે એમાંથી પાંચ વાર્તાઓ કેનેડાના વાતાવરણ પર લખાયેલી છે અને ચાર વાર્તાઓ ભારતના વાતાવરણમાં આકાર લે છે. અહીં મુકાયેલી બે વાર્તાઓ ‘સ્કૂલ’ અને ‘લોન્ડ્રીરૂમ’ મૂળ અંગ્રેજીમાં લખાયેલી અને ત્યાર બાદ લેખકે પોતે એનું ગુજરાતી સંસ્કરણ કર્યું છે સંગ્રહને જેનું નામ અપાયું છે એ શબ્દ લગભગપણું એ એક ચોક્કસ વાર્તાનું શીર્ષક તો છે પણ મોટાભાગની વાર્તાઓનો ધ્વનિ રહીરહીને આ શબ્દ દ્વારા પ્રગટ થાય છે. અહીં બધી વાર્તાઓનાં પાત્ર કોઈ ચોક્કસ મનોદશામાં બંધ હોવાને બદલે ક્યારેક એક બાજુ તો ક્યારેક બીજી બાજુએ હોય એવી મનોદશામાં જીવે છે. ‘બ્લેકી’ વાર્તામાં મહેતાઅંકલના ઉપકાર નીચે દબાયેલા નાયકને મહેતાઅંકલના કૂતરા બ્લેકીને પોતાની ઇચ્છાવિરુદ્ધ ટટ્ટી કરાવવા લઈ જવો પડે છે તેથી એ તંગ મનોદશામાં જીવે છે. મહેતા અંકલ અહીંની કેનેડિયન સ્ત્રીને પરણેલા, દીકરો પણ હતો પણ હવે કદાચ છૂટાછેડા થઈ ગયા છે એટલે એમના જીવનનો અને લાગણીનો આધાર માત્ર બ્લેકી છે. અંતે નાયક એવું પગલું લઈ બેસે છે કે મહેતાઅંકલ અને બ્લેકી બંનેનાં જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. એના મૂળમાં, નાયકને મહેતાઅંકલ મદદ તો કરે છે પરંતુ સાથોસાથ શોષણ પણ કરે છે એ બંને સ્થિતિ પડેલી છે. નાયકને પોતાનું શોષણ થાય છે એનો ડંખ છે. (વાર્તાના અભ્યાસીઓને અહીં આ વિષય પર લખાયેલી અનિલ વ્યાસની વાર્તા ‘માંકડ’ યાદ આવશે.) આ બંને પરિસ્થિતિ જ્યારે એકબીજા સાથે અથડાય છે ત્યારે મહેતાઅંકલ અને બ્લેકીનાં જીવનમાં ટ્રેજેડી સર્જાય છે તો નાયકના મનમાં એક ગુનાહિત લાગણી પેદા થાય છે. આ છે લગભગપણું! ‘સમાંતર રેખાઓ’ વાર્તામાં નાયક એક વિશિષ્ટ ભૂમિકાએ, દૂરથી (વાર્તાકારના પક્ષે aesthetic distanceથી?)પોતાનાં માતાપિતાનું દામ્પત્યજીવન જુએ છે. જો એ વિદેશ ન ગયો હોત તો આ જોવાની સભાનતા એનામાં આવી ન હોત. એ કેનેડામાં એક સ્ટોરમાં કામ કરે છે જ્યાં તેની બોસ બેકી નામની આધેડ વયની સ્ત્રી છે. બેકી અનેક પુરુષોનો સહચાર માણે છે. લેખક કહે છે, ‘એ સામાન્ય કેનેડિયન લોકો કરતાં ઊંચા અવાજે બોલતી, જોરજોરથી હસતી, અવનવી ગાળો બોલવાનો તેને શોખ પણ હતો, અંગ્રેજી અને ફ્રેંચ બંને ભાષાઓમાં.’ પણ એને આપણે સુખી કહીશું? જો કે બેકીની વાત વાર્તાની અધવચ્ચે આવે છે. વાર્તાની શરૂઆત થાય છે ત્યારે કેનેડામાં રહેલો નાયક ભારતમાં રહેતાં પોતાનાં માબાપ સાથે વોટ્‌સએપ પર વિડીયોકોલ દ્વારા વાતો કરે છે. નેટને કારણે અને બરાબર પ્રકાશની વ્યવસ્થા ન હોવાથી તેને માતાપિતાના ચહેરા હલતા, વચ્ચેથી તૂટેલા અને અરધા અંધકારમાં હોય એમ દેખાય છે. આ વર્ણન વાસ્તવિક છે, આપણને પણ આવા અનુભવ થતા હોય છે. પરંતુ લેખક આ વિગતનો ઉપયોગ પોતાના માતા-પિતાનું દામ્પત્યજીવન નિરૂપવામાં કરે છે. આમ તો મા અને બાપને કોઈ અસંતોષ નથી. પણ નાયક પોતાની માતાને કુટુંબજીવનમાં ઢબુરાઈ ગયેલી અવસ્થામાં જુએ છે ત્યારે એને અનાયાસ બેકી અને પોતાની માતાની કેટલીક રેખાઓ સમાંતરે ચાલતી હોય તેમ જણાય છે. બેકી આટલી બિન્દાસ હોવા છતાં નાયક એને એકવાર રડતી જુએ છે. એ સુખી નથી, એનું જોર જોરથી બોલવું કે ગાળો બોલવી એ આની પ્રતિક્રિયા રૂપે આવ્યાં હશે. જ્યારે એ પોતાની મમ્મીને જુએ છે ત્યારે નિરીક્ષણ કરે છે કે એમનું લગ્નજીવન વાસી થઈ ગયું છે. કરુણતા એ છે કે એની મમ્મીને એનો ખ્યાલસુધ્ધાં નથી જેમ બેકીને પણ નથી. આપણે સ્ત્રીઓને ચારે બાજુથી કહેવાતા સુખના ખ્યાલોથી ઘેરીને રાખીએ છીએ તે તરફ અહીં અંગુલીનિર્દેશ છે. નાયક ત્યાં બેઠાંબેઠાં મમ્મી પોતાના પતિથી અલગ અસ્તિત્વ સિદ્ધ કરે એવા પ્રયત્નો કરતો રહે છે પણ પિતા કહે છે કે ‘આ રથને બહાર કાઢવા જેવું નથી.’ અહીં પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીની મર્યાદિત કરી નખાયેલી ભૂમિકા તરફ ઇશારો છે. એની સામે બેકી અને વાર્તામાં આવતી અઢાર વરસથી નાની વયે દારુની લતે ચડી ગયેલી લીઝી ઘણું મુક્ત જીવન જીવતાં હોવા છતાં સ્વત્વનો અનુભવ કરતાં હોય એવું જણાતું નથી. કોઈ સામાન્ય લેખક હોત તો આપણી સ્ત્રીઓની આપણે આવી દશા કરી છે એવા કે વિદેશમાં સ્ત્રીઓ સ્વતંત્ર હોવા છતાં પણ સ્વત્વ સિદ્ધ કરી શકી નથી એવા બોલકા નિરૂપણમાં સરી પડ્યા હોત. પણ અભિમન્યુ બંનેના જીવનને સમાંતરે ગોઠવીને બંનેનું અસ્તિત્વ લગભગપણામાં ઝોલાં ખાય છે તે તરફ નિર્દેશ કરે છે, કોઈ આખરી ફેંસલો આપતા નથી. ‘લગભગપણું’ વાર્તામાં પરિસ્થિતિ મોટા પરિમાણમાં રજૂ કરી છે. છે અહીં કથક ભારતીય યુવાન છે અને એ વાંગ નામના ચીની યુવાન સાથે એક જ ઘરમાં રહે છે. શરૂઆતમાં તો આ બધું બરાબર ચાલે છે પરંતુ કોવિડને કારણે જેમ આખા વિશ્વમાં આતંક ફેલાયો હતો તેમ કેનેડામાં પણ ફેલાય છે. હવે નાયક વાંગ સાથે સહજતાનો અનુભવ કરતો નથી. હવે પોતે ભારતીય છે અને વાંગ ચીની છે, એવા દેશનો નાગરિક કે જ્યાંથી કોવિડ ફેલાયાનું કહેવાય છે. આ સભાનતા એમની દોસ્તીમાં લગભગપણું લાવી દે છે. અંતે દોસ્તી તૂટી જાય છે. કોઈ અસામાન્ય પરિસ્થિતિ તમને નજીકના વ્યક્તિનો તિરસ્કાર કરતા કરી મૂકે છે. આ લગભગપણું દરેક મનુષ્યમાં હોય છે પરંતુ સુષુપ્ત હોય છે. એ જ્યારે કોઈ કટોકટીભરી પરિસ્થિતિમાં મુકાય ત્યારે આગળ તરી આવે છે. છેવટે વાંગ આ સહિયારું ઘર છોડીને જતો રહે છે. છેલ્લે નાયક સૂના ઘરમાં એકલોએકલો પિયાનો વગાડે છે પરંતુ એમાંથી કોઈ મધુર સૂર વાગવાને બદલે ઘોંઘાટ સંભળાય છે. આ ઘોંઘાટ પિયાનોનો તો છે પરંતુ વિક્ષુબ્ધ માનવતાનો પણ છે. નાયક પિયાનોમાંથી સોનાટા સાંભળવાને બદલે કાળીધોળી ચાંપોને તાકી રહે છે. માણસને કાળા અને ધોળામાં વિભાજિત કરતી માનસિકતા તરફ આ વાર્તા પ્રકાશ ફેંકે છે. હું યહૂદી છું તો તમારે આરબ હોવું જરૂરી છે, હું રશિયન હોઉં તો તમારે યુક્રેનિયન હોવું જરૂરી છે, હું હિન્દુ હોઉં તો સામા પક્ષે મુસ્લિમ હોવું જરૂરી છે. ઈટાલીના વિચારક ઉંબર્તો એકોના એક પુસ્તકનું નામ છે WHO IS YOUR ENEMY? મારું હોવું મને ત્યારે જ સફળ થયું અનુભવાય જ્યારે મારો દુશ્મન હું શોધી શકું! વાંગને એની હાજરીમાં નાયક તિરસ્કારે છે પણ એ ચાલી જાય છે ત્યારે નાયકને દુઃખ થાય છે.આ શબ્દ, લગભગપણું સર્જક અભિમન્યુનું location (કેન્દ્ર-સ્થાન) નક્કી કરી આપે છે. મિકી વાર્તાનો મિકી – કથકનો કૉલેજકાળનો મિત્ર મિહિર દેસાઈ – પોતાને સંગીતનો આંતરરાષ્ટ્રીય કોન્ટ્રાક્ટ મળે એટલા માટે કેનેડા આવી ચડે છે. હોટેલનું ભાડું મોંઘું લાગતાં તે પોતાના મિત્ર (કથક) અને તેની પત્ની મેઘા સાથે થોડા દિવસ રોકાય છે. નાયક આમ ગણો તો જરૂર કરતાં વધારે ગંભીર એટલે કે પંતૂજી છે, મેઘા પ્રમાણમાં મુક્ત મનની છે, મિકી પણ એવો જ છે એટલે અત્યાર સુધી પોતાના દામ્પત્યજીવનમાં જે ખૂટતું હતું તેનો અહેસાસ મેઘાને મિકીની ધાકડ શૈલીથી થાય છે. અહીં મિકી અને નાયક, નાયક અને મેઘા વચ્ચેના સંબંધોમાં તણાવ આવે છે. નાયક એવું માનતો થઈ જાય છે કે મેઘા મિકી તરફ આકર્ષાયેલી છે. વધારામાં મિકી કૉલેજમાં પ્લેબોય જેવો હતો એ છાપ એને આવું માનવા પ્રેરે છે. પોતાની પીઠ પાછળ આ બંને છાનગપતિયાં કરતાં હશે એવી શંકાથી પીડાય છે, આ શંકા પાયા વગરની છે એવું જાણતો હોવા છતાં એમાંથી છૂટી શકતો નથી. મેઘા વાર્તાની શરૂઆતમાં ‘ગેટ ઇન ધ બેડ’ એવું રોમેન્ટિક આહ્‌વાન આપતી હતી તે અંતે મિકી જાય છે ત્યારે નાયક પ્રત્યે તિરસ્કાર બતાવતાં ઘરમાં દરવાજો પછાડીને પ્રવેશ કરે છે, અહીં મેઘા ઘરમાં તો આવે છે પણ લગ્નજીવનમાં પહેલા જેવાં પ્રેમ અને વિશ્વાસ રહ્યાં નથી. અહીં અભિમન્યુની કલા એ રીતે પ્રશંસનીય છે કે બંને પાત્રોના જીવનમાં જે ટ્રેજેડી સર્જાય છે એના માટે પૂરેપૂરો જવાબદાર ન તો નાયક છે ન તો એની પત્ની મેઘા છે અને ન તો મિકી છે. છતાં અત્યાર સુધી જે દામ્પત્યજીવન મજબૂત હતું તેમાં હવે તિરાડ પડી જાય છે. હું વારંવાર લગભગપણું શબ્દ એટલા માટે વાપરું છું કે સર્જક અભિમન્યુ કોઈ એક વ્યક્તિ સાચી છે એ ઠેરવવા માટે બીજી વ્યક્તિ ખોટી હોવાનું સાબિત કરવાના સહેલા સમીકરણ તરફ જતા નથી. સિતાંશુ યશશ્ચંદ્રની એક કાવ્યપંક્તિ છે કે, ‘દીવાલની બંને બાજુએ ઊભેલો હું મને ક્યારેય મળી શકતો નથી.’ અહીં અભિમન્યુ માનવસંબંધોમાં ઊભી થતી દીવાલથી પરિચિત છે તો સાથોસાથ એ દીવાલની બંને તરફ ઊભેલા મનુષ્યને અને એની લગભગપણાની માનસિકતાને એમની કક્ષાએ જઈને જાણી શકે છે. ‘ચુન્ની’ વાર્તામાં એક વિશિષ્ટ પ્રકારની નાયિકા શૈલીનો પરિચય થાય છે. આ નાયિકા આજના યુગની છે. ‘પડછાયાઓ વચ્ચે’ના પ્રકાશન પછી લખાયેલી આ પ્રથમ વાર્તામાં એ સંગ્રહની કેટલીક વાર્તાઓની છાયા ડોકાય છે. શૈલી પત્રકાર છે. એને રોજબરોજ બનતા ગુનાના અહેવાલ લખવાના હોય છે. તાજાતાજા બ્રેક અપમાંથી બહાર આવવાના પ્રયત્નોમાં બેંગલુરુ જેવા મહાનગરમાં કિંડર જેવા ડેટિંગ એપ ઉપર મળી જતા અજાણ્યા યુવકોને પોતાના ઘેર બોલાવીને તેની સાથે સહવાસ માણે છે. એને આ જાતીયતાનો કશો છોછ નથી. પરંતુ બહારની દુનિયામાં જાતીય સંબંધોમાં વિકૃતિનો જે ધોધ બની રહ્યો છે એની સાથે શૈલી સમાધાન સાધી શકતી નથી. એટલે પત્રકાર એવી શૈલી જ્યારે ગેંગરેપનો ભોગ બનેલી કોઈ છોકરી વિશે અહેવાલ લખે છે ત્યારે તેને ઊબકા અને ઊલટીનો અનુભવ થાય છે. વાર્તાને અંતે એને ખરેખર ઊલટી થાય છે. અંગત જાતીય જીવન અને બહાર ચાલતા બળાત્કારોમાં વ્યકત થતી જાતીયતાનાં બે પાસાં વચ્ચેના સંઘર્ષમાંથી જન્મેલો આ લગભગપણાનો પ્રતિભાવ છે. સાથોસાથ ચૂન્ની નામની બિલાડી અહીં ચકલી મારવાના સતત પ્રયત્નો કરતી રહે છે તેમાં વ્યક્તિ અને સમાજ વચ્ચે જે ઉંદરબિલ્લીની રમત રમાતી હોય છે તેની તરફ ઇશારો હોય એમ લાગે છે. છેલ્લી બે વાર્તાઓમાં અભિમન્યુ એના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળે છે. ‘ભુલભુલામણી’ વાર્તામાં એ સાયન્સ ફિકશનનો પ્રયોગ કરે છે. અહીં મહેશ મચ્છર મોબાઈલ ગેમ્સમાં પાવરધો છે પણ ઑફિસ તરફથી અપાતા લક્ષ્યાંકો હાંસલ કરવામાં ઘણો નબળો છે. સૌમેશ નામનો સહકર્મચારી બધા લક્ષ્યાંકો પૂરા કરે છે અને મહેશ મચ્છરની ઈર્ષાનો તથા છૂપા તિરસ્કારનો ભોગ બને છે. આ પરિસ્થિતિમાંથી કેવી રીતે છૂટવું તેના પ્રયત્નોમાં તેને એક વિડીયોગેમ હાથ લાગે છે જેમાં અપાતી દોરવણી મુજબ તે એક પછી એક સ્ટેજ વટાવતો જાય છે તેમ એ સૌમેશથી વધુ સફળ થતો જાય છે. પરંતુ આ ગેમમાં નિર્દોષ સૌમેશને મારી-પછાડવાનો એટલે સુધી કે એને નોકરીમાંથી કાઢી મૂકવાનો, એક પાસા તરીકે સમાવેશ થયેલો છે જેમાંથી પાછા વળી શકાતું નથી કે ગેમને અનઇન્સ્ટોલ પણ કરી શકાતી નથી. એટલે એક તબક્કે સૌમેશને જે રીતે મારી પછાડ્યો તેની પાછળના મહેશને પોતાની કુટિલતાનો અહેસાસ થયા પછી એ જ્યારે આ ગેમમાંથી છૂટવાનો મરણિયો પ્રયાસ કરે છે ત્યારે પોતાની જિંદગીમાં પણ ટ્રેજેડી સર્જાય છે. મારી દૃષ્ટિએ દરેક સાયન્સ ફિકશન અંતે તો નીતિકથા હોય છે તે અહીં પણ છે. અભિમન્યુનાં બીજાં પાત્રો જેવી સંકુલતા મહેશ કે સૌમેશના પાત્રમાં જોવા મળતી નથી. એ રીતે આ વાર્તા એકાંગી રહી જાય છે. પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને અભિમન્યુએ લખેલી બીજી એક વાર્તા ‘લબ યુ’માં રત્નો અને મીનુ જેવાં, ગામમાંથી ભાગી આવેલાં યુવક-યુવતીની વાત છે. બંને શહેરમાં આવી વગર લગ્ને પતિપત્નીની જેમ રહે છે. સમય જતાં બંનેને ભાન થાય છે કે માતા-પિતાના ખર્ચે જીવીને પ્રેમ કરવાનું ગામડામાં શક્ય હતું, હવે પોતાના પગ પર ઊભા રહેવાનું છે, જે માટે બંનેએ કમાવું પડશે. બંનેનો મિજાજ સત્તર ખાંડીનો છે પણ આ શહેર એમ સહેલાઈથી કોઈને છોડતું નથી. બંને પોતાનાં મૂળ વ્યક્તિત્વો સાથે સમાધાન કરીને જીવે છે. આર્થિક રીતે થોડા સદ્ધર થયા પછી એમને મોબાઈલ લેવાનું મન થાય છે અને આ ઝંખનામાંથી એમના જીવનમાં જે કરુણતા સર્જાય છે તેની વાત થોડું હાસ્ય ઉમેરીને કરવામાં આવી છે જે છેવટે તો દુઃખદ અંત તરફ દોરી જાય છે. અહીં એમના જીવનમાં પરિસ્થિતિ ઊભી થાય છે તે આ સમયના સૌથી વધુ ઉપયોગી અને સૌથી વધુ ખતરનાક સાધન મોબાઈલથી થાય છે. અભિમન્યુની એક બીજી વિશેષતા પણ જોઈ લઈએ, એને માનવસૃષ્ટિમાં જેટલો રસ છે તેટલો જ રસ આજુબાજુનાં પશુપક્ષીઓમાં છે. બ્લેકીમાં નાયકની અંદર જે સારું અને ખરાબ છે તે અહીં બ્લેકી નામના કૂતરાની મદદથી સિદ્ધ કરવામાં એનેં ઘણી સફળતા મળી છે. તો લગભગપણુંમાં કેનેડાનું એક ભૂંડ જેવું પ્રાણી રાકુન કે જે કચરાટોપલીમાંથી એંઠાજુઠ્ઠા પર નભે છે, જે માણસજાતની સડી ગયેલી માનસિકતા પર નભતા મનુષ્યનું પ્રતીક છે. મિકીમાં ખિસકોલી અને મંકોડાના ઉલ્લેખો વારંવાર આવે છે. અહીં પણ આ બંનેનો ઉપયોગ વાર્તાને આગળ વધારવામાં થયો છે. તો ‘ચૂન્ની’માં ચૂન્ની એ બિલાડીનું નામ છે અને બિલાડી અને ચકલીના વારંવાર આવતા ઉલ્લેખ નાયિકાના અંદરના જગતમાં ઝિલાતી હિંસાને વ્યક્ત કરે છે. અહીં સમાજ અને શૈલીની વચ્ચે જે ઉંદરબિલાડી એમ કહીએ કે ચકલી અને બિલાડીની રમત રમાડી રહેલો છે તે તણાવ સરસ રીતે વ્યક્ત થાય છે. ભૂલભુલામણીમાં પણ એક જગ્યાએ સાપ દેખાય છે જે મહેશની ડંખીલી મનોવૃત્તિનો નિર્દેશ કરે છે. આમ ઘણા સમય પછી કોઈ ગુજરાતી વાર્તાકારની રચનાઓમાં આ રીતે પશુપંખીનો સફળ ઉપયોગ જોવા મળે છે. આ વાર્તાઓમાં ક્યાંકક્યાંક લેખકનું ગદ્ય પોતીકી અપૂર્વ સર્જકતા અને સામાન્ય શૈલીથી ચલાવી લેવાની વૃત્તિના મિશ્રણ જેવું છે. સમાંતર રેખાઓ વાર્તાની શરૂઆતનો અંશ તપાસીએ – ‘તેણે બારી બહાર જોયું. કાંડા પર ફેલાયેલી નસો જેવી શુષ્ક ડાળીઓ દેખાઈ. વૃક્ષો સાવ નંખાઈ ગયેલાં. તે જોઈને તેને ખબર પડી ગઈ કે ડિસેમ્બર આવી ગયેલો. હજી હમણાં તો રંગબેરંગી પાંદડાં ઝૂલી રહ્યાં’તાં, હજી હમણાં તો તડકો વરિયાળી ખાધા બાદ પીવાયેલા પાણી જેવો મીઠો લાગી રહ્યો’તો. હજી હમણાં બીક વગર બહાર નીકળી શકાતું. ક્યારે વૃક્ષોએ પાંદડાંઓના નામનું નાહી નાખ્યું? ક્યારે અંધારાએ અજવાસને ધક્કા મારી ભગાવી મૂક્યો? ક્યારે વાદળાં સૂરજને આખો સમય કોઈ ગુપ્તરોગની જેમ ઢાંકવા લાગ્યાં?’ ૧. અહીં ‘તે જોઈને તેને ખબર પડી ગઈ કે ડિસેમ્બર આવી ગયેલો’-માં આવી ગયેલોની જગાએ આવી ગયો શબ્દ વધારે યોગ્ય રહે. ૨. રહ્યા’તા અને રહ્યો’તો એવું લખ્યું છે ત્યાં રહ્યા હતા અને રહ્યા હતા કેમ નહીં? ૩. ક્યારે વૃક્ષોએ પાંદડાંઓના નામનું નાહી નાખ્યું શબ્દપ્રયોગ બરોબર લાગતો નથી કેમ કે અહીં લેખક એમ કહેવા માંગે છે કે વૃક્ષો પરથી સદંતર પાંદડાં ખરી ગયાં જ્યારે નાહી નાખવું-માં આશા છોડી દેવી એવો અર્થ થાય. ૪. ક્યારે અંધારાએ અજવાસને ધક્કા મારી ભગાવી મૂક્યો? લેખકે સૂક્ષ્મ વિવેક રાખ્યો હોત તો ભગાવી મૂક્યોની જગાએ ભગાડી મૂક્યો લખ્યું હોત. કારણ કે આ બે શબ્દો વચ્ચે માથાના વાળ જેટલો પણ ઝીણો તફાવત તો છે જ. ભગાવી મૂકવુંનો એક અર્થ દોડાવવું પણ થાય, જેમ કે એણે કાર ભગાવી મૂકી. જ્યારે ભગાડી મૂક્યોનો એક જ અર્થ થાય છે, દૂર કરી દેવું. અહીં એ પ્રયોગ વધારે બંધ બેસે. આ જ ફકરામાં, ‘હજી હમણાં તો તડકો વરિયાળી ખાધા બાદ પીવાયેલા પાણી જેવો મીઠો લાગી રહ્યો’તો.’ જેવું અદ્‌ભુત વાક્ય આવે છે કે ‘હજી હમણાં તો....’થી શરૂ થતાં ત્રણ વાક્યો ગદ્યનું એક ધ્વન્યાત્મક અનુરણનથી ઊભું થતું સંગીત પેદા કરે છે ત્યાં ઉપર જણાવેલી શિથિલતા એનું નાદસૌન્દર્ય ઘટાડી નાખે છે. આટલું પિષ્ટપેષણ કરવાનું કારણ એ છે કે અભિમન્યુએ પોતે પ્રસ્તાવનામાં મહત્ત્વાકાંક્ષા જાહેર કરી છે, ‘ચકો-ચકીની વાર્તા જેટલા સરળ ફોર્મેટમાં વાર્તાઓ લખવી છે અને છતાં એ છેતરામણી સરળતા હોય અને મૂળ વાત સંકુલ બને એવી નેમ છે.’ જેની નેમ આવી હોય એમણે ગુજરાતીની સમૃદ્ધ પરંપરામાં સમર્થ સર્જકોના ગદ્ય અને પદ્યનું સેવન કરેલું હોવું જરૂરી છે. અભિમન્યુ આવો અભ્યાસ કરી શકે એવું એનું કાઠું છે એટલે આટલી ટકોર. અંતે, ‘લગભગપણું’ વાર્તાસંગ્રહને હું અભિમન્યુનો બીજો પડાવ ગણું છું. સામાન્ય રીતે કોઈ મોટા સર્જકની સર્જનયાત્રામાં ત્રણ પડાવ આવતા હોય છે. આપણને ઇંતેજાર રહેશે કે અભિમન્યુમાં ત્રીજો પડાવ કયાં, ક્યારે અને કેવો આવે છે. બીજો પડાવ સર કરવા માટે અભિમન્યુને અભિનંદન અને ત્રીજા પડાવ માટે શુભેચ્છાઓ.

[ડિવાઈન પબ્લિકેશન, અમદાવાદ]