બે હજાર ચોવીસ સમક્ષ/દૂરનાં સગપણ – ધીરેન્દ્ર મહેતા

From Ekatra Foundation
Revision as of 01:32, 11 October 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

નવલકથા

‘દૂરનાં સગપણ’ : ધીરેન્દ્ર મહેતા

રવીન્દ્ર પારેખ

દૂરનાં સગપણ : નજીકથી

નવલકથા, વાર્તા, નિબંધ, કવિતા, આત્મકથા, વિવેચન – એ બધાંમાં મહત્ત્વનું અર્પણ કરનાર ધીરેન્દ્ર મહેતાની આ નવલકથા ૨૪ પ્રકરણો અને દરેકનાં જુદાંજુદાં સૂચક શીર્ષકો ધરાવે છે. નવલકથા ધીરેન્દ્રભાઈએ ‘અજ્ઞેય’ને અર્પણ કરી છે. તેની અર્પણપંક્તિ – ‘કઈ હરે-ભરે દ્વીપ અવશ્ય હી હોંગે...’— નવલકથામાં આવતાં રણ અને સંબંધો-સંદર્ભે સૂચક છે. નવલકથાને પાછલે પૂંઠે કમલ વોરાનું કાવ્ય મુકાયું છે, તેની અંતિમ પંક્તિઓ, ‘તું સાવ સામે આવી ઊભો રહે ત્યારે/તને/હું તારું નામ ન પૂછું’માં પણ, પરિચિતને અપરિચિત રાખવાની વૃત્તિ નવલકથાના વર્ણ્ય વિષયને સંદર્ભે સાર્થક લાગે છે. મુખપૃષ્ઠ છબી રમણીક સોમેશ્વરની છે. બે આંગળીઓ વચ્ચે પકડી રખાયેલું જાળીવાળું પાન તેની નસો વચ્ચેથી પણ એટલું પારદર્શી તો છે જ કે પાછલું દૃશ્ય, ભલે ધૂંધળું, પણ પ્રગટે તો ખરું જ! એની સાથે નવલકથાની નાયિકા સુલોચના અને પૂનુનો સંવાદ નોંધવા જેવો છે : ‘સુલોચનાએ હાથ લંબાવ્યો નહિ. એણે હાથમાં એક પાન પકડેલું હતું. એ જોઈને પૂનુ બોલી, ‘પાનખરની મોસમ છે, ઝાડ પરનાં પાન સુકાઈ જાય છે અને ખરે છે.’ હાથમાંનું પાન એને બતાવતાં સુલોચનાએ કહ્યું, ‘હા, પણ જો, આ ખરેલું પાન નથી, તૂટેલું પાન છે.’ (પૃ. ૧૩૬) પાનખરમાં પાન ખરે એ સહજ છે, પણ સુલોચનાના હાથમાં છે તે પાન ખરેલું નથી, તૂટેલું છે... નિવૃત્તિ પછી સુલોચના વતનને ગામ આવી છે. અહીં એને પૂનુનો ભેટો થાય છે. એ ઘરની સંભાળ રાખવા માટે છે. ઘર બંધ હતું ત્યારે એ થોડેથોડે દિવસે સાફસફાઈ માટે આવતી હતી, પણ સુલોચના રહેવા આવી છે, તો રોજ આવવાનું થાય છે. સુલોચનાનું વતનનું ઘર મોટું છે. સેલફોન બેડરૂમમાં ભૂલીને રવેશમાં આવી છે, એક છેડેથી બીજે છેડે ફોન લેવા જવાનું સુલોચનાને થકવનારું લાગે છે, પણ કોઈનો ફોન આવે તો અહીં નહિ સંભળાય ને સંભળાય તો પણ તે દોડીને ત્યાં પહોંચી ન શકે એટલે તે બેડરૂમ તરફ આવવા નીકળે છે. અહીં પહોંચીને પણ તે વિચારોમાં એટલી ખોવાયેલી છે કે રિંગ વાગે છે ત્યારે જ તેને ખ્યાલ આવે છે કે તે ફોન લેવા પાછી ફરી હતી. રસોડામાં પૂનુ એને માટે ચા બનાવે છે. એ જેટલી સહજ આ ઘરમાં છે, એટલી પોતે રહી શકતી નથી. પોતે રાહ જોતી બેઠી છે, પણ કોની રાહ જુએ છે તેની સુલોચનાને ખબર પડતી નથી. તે સુજિતની રાહ જુએ છે કે મનજિતની તે પણ નક્કી કરી શકતી નથી. પોતે સુજિતના ઘરમાં છે, પણ સુજિત ઘરમાં નથી. તે વર્ષોથી વિદેશ વસ્યો છે. ક્યારેક વાતો થાય છે. એવું જ મનજિતનું છે. નવલકથામાં તે, વિદેશ જવાનો છે, એટલા પૂરતો જણાય છે. તે સુલોચના માટે લાવેલા કમ્પ્યુટરનો મેટ્રિમોનિયલ સાઇટ્‌સ પરથી પોતાને માટે છોકરીઓ શોધવા ઉપયોગ કરવાનું કહે છે. એ સિવાય તે વિદેશથી વીડિયો કોલ દ્વારા સંપર્કમાં રહે છે. એટલો સંપર્ક સુજિત સાથે મનજિતનો નથી. મનજિત સુલોચનાનો દીકરો છે, પણ સુજિત તેનો પિતા નથી. સુલોચના સિંગલ પેરન્ટ છે. મનજિત તેનું સરોગેટ ચાઇલ્ડ છે. મનજિત માટે તે છોકરીઓ જુએ છે ને મેરિટલ સાઇટ પર તેનો બાયોડેટા મુકાય છે, પણ તેમાં સરોગેટ ચાઇલ્ડનો ઉલ્લેખ નથી. સુલોચના બાયોડેટા સુધારીને સરોગસીનો ઉલ્લેખ કરે છે ને બને છે એવું કે છોકરીઓના બાયોડેટા આવવા બંધ થાય છે. મનજિત એ મુદ્દે સુલોચનાની ગમ્મત પણ કરે છે ને મા-દીકરા વચ્ચે સંબંધ સ્પષ્ટ થતો આવે છે. એવી સ્પષ્ટતા સુજિત અને સુલોચના વચ્ચે નથી. નવલકથામાં સુજિત અને સુલોચના એક સમયે સાથે જણાય છે, પણ લગ્નની ઉંમર જેટલો મોટો થયો હોવા છતાં મનજિત નવલકથામાં લેપટોપ કે ફોન પર હોય, લગભગ એટલું જ અસ્તિત્વ ધરાવે છે. મનજિત, સુજિત અને સુલોચના નવલકથામાં એક સાથે તો જણાતાં જ નથી. એકનો બીજા સાથે સંબંધ જણાય છે, પણ બેનો એકબીજા સાથે સંબંધ સ્થપાતો જણાતો નથી. સરોગસીનો નિર્ણય સુલોચનાનો એકલીનો છે. મનજિત પણ એક તબક્કે પિતા તરીકે સુજિતનું નામ લખે છે, પણ પછી સંબંધની એવી તીવ્રતા જ કદાચ રહી નથી, એટલે તે પણ પિતાને બદલે, પાછળ સુલોચનાનું નામ લખે છે. નવલકથાની વિશેષતા/વિચિત્રતા એ છે કે જેમની વચ્ચે સામાજિક સંબંધ છે, એમની વચ્ચે સહવાસ ખાસ નથી ને જે ઘરકામ જેવી સામાજિક વ્યવસ્થા સાચવે છે, તેઓ (પૂનુ/બાઈ) એકબીજાના રોજિંદા સંપર્કમાં છે. જો કે, સુજિતે પૂનુને દૂરની બહેન ગણાવી છે, કદાચ એટલે જ સુલોચના પોતાના સંબંધ બાબતે પણ દ્વિધામાં છે, ‘પૂનુ દૂરના સગપણે નણંદ, તો સુજિત અને મનજિત? દૂરના સગપણે પતિ અને પુત્ર, એમ કહી શકાશે?’ સુલોચના માટે સંબંધોની વક્રતા એ છે કે પતિ અને પુત્રને સંબંધે સગપણ છે, પણ નહિ જેવું જ! સુલોચના નિવૃત્ત થવાની છે એનો મેસેજ સુજિત મોકલે છે. તેને એ વાતે આશ્ચર્ય પણ થાય છે કે સુજિતને પોતે નિવૃત્ત થવાની છે એની જાણ છે! ‘આ ઉંમરે’ સુલોચના વતનના ઘરે રહે એવું સૂચન પણ સુજિતનું જ છે. સુલોચનાને ‘કેવો દેખાતો હશે એ?’ એવો પ્રશ્ન પણ સુજિતસંદર્ભે થાય છે ને એ જ એક ટીસ પણ ઊભી કરે છે કે બંને એકબીજાને યાદ ન આવે એટલા સમયથી મળ્યાં નથી ને ગમ્મત એ છે કે બંને પતિ-પત્ની છે! લગ્નની શરૂઆતમાં ને તે પહેલાં પણ સુલોચના ને સુજિત ઠીકઠીક મળ્યાં છે. લગ્ન માટે પણ સુજિત બહુ ઉત્સુક નથી, એટલે જ તો કહે છે, ‘એવી કશી જરૂર લાગે છે તને?’ એ વખતે પ્રચારમાં કેટલું હશે તે તો નથી ખબર, પણ જે રીતે બંને સાથે રહેતાં હતાં તેને ‘લિવ ઇન રિલેશનશિપ’ની ઓળખ અપાય છે, પણ મંદિરમાં લગ્ન થઈને રહે છે ને અહીં પહેલી વખત સુલોચનાને સુજિત સાથે આવેલી ‘એક જ વ્યક્તિ – પૂનુ’નો પરિચય થાય છે. પૂનુ તો સહજ રીતે જ વર્તતી હોય છે, પણ સુલોચનાને એને માટે સતત શંકા રહે છે, તે જાણે ‘સંભાળ લેવા’ નહીં, પણ ‘દેખરેખ રાખવા’ મુકાઈ હોય એવું લાગે છે. કથા આચારમાં ઓછી ને વિચારમાં વધુ ચાલે છે. એને લીધે સુલોચનાને વર્તમાન કે ભૂતમાં જવા-આવવાની અનુકૂળતા રહે છે. ‘મારે માટે તો કબ્રસ્તાનમાં એકેય કબર જ ક્યાં છે?’ જેવા અસંબદ્ધ વિચારો પણ એનો કબજો લઈ લે છે. એક સાથે તે એકથી વધુ સમયખંડમાં પોતાને અનુભવે છે. બધી કાળજી લેવા છતાં એક દિવસ બાઈ અધ્ધર જીવે સુલોચનાને બાથરૂમમાં જુએ છે, ‘એના પગ પહોળા થઈને વાંકા વળી ગયા હતા. અને હાથ પેડુ પર દબાઈ ગયા હતા. એની બહાર નીકળી આવ્યા જેવી આંખો જ્યાં તાકી રહી હતી એ તરફ બાઈએ જોયું તો એની આંખો પણ ફાટી ગઈ, આ શું થઈ ગયું? સામે જે લાલચોળ રગડો હતો એને કોઈ આકાર નહોતો. એમાં ફક્ત લોહી હતું, માંસમજ્જા હતાં.’ (૩૫) સુલોચના થોડી વારે એ અંગે વિચારે છે, ‘પોતામાંથી જે આમ ઓચિંતું છૂટું પડી ગયું તે શું હતું? ઘાટઘૂટ વગરનો તણાઈને ગટરની જાળી પર જમા થયેલો એક લોચો! એણે મનોમન એને આકાર આપવા પ્રયત્ન કરવા માંડ્યો. એને અડકીને એનો ધબકાર અનુભવવાની વૃત્તિ એને થઈ આવી. એમાં કૈં ચેતન હતું કે નહિ તે જોવાનું એને મન થયું.’ (૩૬) આ જે અણધાર્યું એનાથી છૂટું પડ્યું, તેણે સુલોચનાને જાણે સુજિતથી પણ અળગી કરી દીધી. સુલોચનાની શારીરિક અને માનસિક અવસ્થાનો એ પ્રસંગ લેખકે બહુ જ ઉત્કટ અને અસરકારક રીતે આલેખ્યો છે. સુજિતને એ વાતની સુલોચનાએ જાણ કરી છે, પણ તેનો પ્રતિસાદ બહુ મોળો છે. તેને તો હતું કે વાત જાણ્યા પછી સુજિત બધું પડતું મૂકીને દોડી આવશે, પણ એક દિવસ એનો કોલ નહીં, મેસેજ આવે છે, ‘ડૉક્ટરને મળવું જોઈએ. કોઈ વાર આવું થવા માટે બીજું કારણ પણ હોય છે.’ સ્થિતિ એવી છે કે ‘આ બંને એકબીજાની સાથે હોય ત્યારે પણ જાણે એકબીજાથી છુપાતાં, છુપાવતાં જ ફરે છે. સુજિતની જે મહત્ત્વાકાંક્ષાથી પોતે આકર્ષાઈ હતી, એ જ એ બે વચ્ચે અંતર ઊભું કરે છે. બંને કચ્છના રણોત્સવમાં મળે છે. રણોત્સવની દસ્તાવેજી ફિલ્મના પ્રોજેક્ટમાં બંને સાથે છે. બંને સાથે છે, તો અલગ પણ છે. સુલોચના બે સરોવરની વચ્ચેના મેદાનમાં ઊભી રહી છે, સમયથી નિરપેક્ષ ભાવે, અને આ સ્થળમાંથી ખસવાની જ ન હોય એ રીતે, પણ ત્યાં એને સાદ સંભળાયો : ‘સુલુ, ચાલ, હવે જઈએ.’ (૫૭) સુજિતનો એ સાદ એક ઘડીમાં ‘વાસ્તવ, સ્વપ્ન અને વર્તમાન, ત્રણેને એક સાથે ડહોળી’ નાખે છે. સુલોચના એકથી વધુ વખત ચહેરાતી રહે છે. બીજે દિવસે સુલોચના સુજિત સાથે રણમાં રખડે છે, પણ, રણ એને જડતું નથી. સુલોચના આ ભૂમિ સાથે વિચ્છેદની લાગણી અનુભવે છે, ‘અસ્તિત્વને નીચોવીને પેદા થયેલું તત્ત્વ દરવખતે વહી જતું હતું તે તેની ભીતર સંચિત થવા લાગ્યું હતું. એની મનોગતિ થંભી જઈને એ પર કેન્દ્રિત થઈ ગઈ હતી અને બહારના જગતને જોતી એની આંખો ભીતર જોવા લાગી હતી. આ કોણે એને આમ ખાલી થઈ જતી રોકી લીધી હતી!’ (૭૧) એક સ્ત્રીના શરીરમાં માતૃત્વ ધારણ કરવાની ક્ષણોને લેખકે કદાચ નવલ વિશ્વમાં પહેલી વખત શબ્દસ્થ કરી છે. જો કે, વિકસી રહેલો એ આકાર શરીરમાં સચવાતો નથી અને સુજિત પણ પેલા આકારની જેમ દૂર વહી જાય છે. એની અસર ‘બાઈ’નેય થઈ હોય તેમ તે સુલોચનાને કહે છે, ‘તમે આ ઘર બદલી નાખો... આ ઘરમાં રહીને તમે આ બધામાંથી છૂટી નહીં શકો.’ ને સુલોચના ઘર બદલી પણ નાખે છે. નવલકથામાં કથક મોટે ભાગે સુલોચનાના વિચારોનું કથ્ય થઈને કથાનું નિર્વહણ કરે છે, તો ક્યાંક સુલોચના કથકને બદલે ‘હું’ થઈને પણ વિચારોનું વૈવિધ્ય પ્રગટાવવા મથે છે. કથક સુલોચનાને નામે શરૂ કરે છે ને પછી ‘મારે’થી વાત એકાએક આત્મકથનાત્મક પણ બને છે- ‘સુલોચનાને વિચાર આવ્યો. હા, એ બધું અહીં હતું તે આ ઘરને કારણે નહિ, મારે કારણે... આ બધું તો મારી સાથે આવશે...’ (૮૦) ઘર બદલ્યાની જાણ પણ સુલોચના સુજિતને તો ઘણી મોડી કરે છે ને સુજિતનો ‘જિજ્ઞાસા’ વગરનો ‘હં!’ જેટલો જ પ્રતિભાવ સાંપડે છે. તેને થાય પણ છે, ‘ઘર બદલ્યું હતું કે જિંદગીએ પડખું બદલ્યું હતું?’ સુલોચના સરોગેટ મધર થવાનો નિર્ણય કરે છે, પણ રજિસ્ટ્રેશનની એક શરત – ‘પતિની સંમતિ’ આગળ એ અટકી જાય છે. એને લાગે છે, ‘એ શબ્દોની આસપાસના બીજા બધા શબ્દો ભૂંસાઈ ગયા.’ સરોગસી વિષે સુજિતને સમજાવતી હોય તેમ એ પોતાને સમજાવે છે, ‘જેમ અન્ય વ્યક્તિના કોઈ અંગનું પ્રત્યારોપણ થાય છે એવું એક પ્રકારનું પ્રત્યારોપણ જ સમજો ને! એમ પણ નહિ, અંગ તો મારા શરીરમાં જ આકાર પામશે ને? આ તો એક દવા જેમ ઇન્જેક્શનમાં લઈએ છીએ તેમ. એ દવાનો અભ્યાસ કરીએ છીએ?’ (૯૦) સુલોચના મનજિતને જન્મ આપે છે. મનજિતને પોતાના જગતમાં ગોઠવે ત્યાં તો એ પરદેશ જવા નીકળી જાય છે. પછી જે સંપર્ક રહે છે તે વીડિયો કૉલ પૂરતો. ક્યારેક કૉલ પૂરો થતો, પણ સુલોચનાના મનમાં ચાલતો રહેતો. મનજિત અને સુજિત વચ્ચેના સંબંધને સુલોચનાના સ્વપ્ન દ્વારા આમ સૂચવાયો છે, ‘એક જ આકાશમાં બે વિમાન ઊડતાં દેખાયાં : સુજિતનું અને મનજિતનું. એમનો મેળાપ થાય કે ન થાય, આકાશ તો એક જ હતું, જેમાં એ ઊડતા હતા...’ (૯૮) આમ તો આ વિચાર-નવલ છે. એમાં સંબદ્ધ, અસંબદ્ધને પણ પૂરતો અવકાશ છે, પણ કેટલાંક પુનરાવર્તનો અને સુલોચનાના જન્મકાળની કેટલીક વિગતો ટાળી શકાઈ હોત, તો નવલકથા થોડા વિખરાવથી બચી હોત, એ સાથે જ એ પણ નોંધવું ઘટે કે નવલકથા નારીનાં ચિત્ત અને શરીરના કેટલાક એવા પ્રદેશને ઉજાગર કરે છે જે નવલકથામાં ખાસ ઊઘડ્યા નથી. ખાસ કરીને સુલોચનાના દેહમાંથી અલગ પડતા રક્તપિંડ નિમિત્તે ઉજાગર થતી અકથ્ય પીડા કે સરોગેટ મધરના અને સંતાનના, અજાણ પિતૃત્વ અને સામાજિક પિતૃત્વ સંબંધે રૂંધાતા ભાવવિશ્વને અહીં નોખા શબ્દો મળ્યા છે. કેટલાક સામાજિક વ્યવહારો સામાન્ય લાગે, પણ તે સૂચક છે. જેમ કે, પોતાના જ અસ્તિત્વના અંશ વિષે સુજિત સુલોચના પર શંકા કરે છે, તે પછી ચા મૂકવાનો પ્રસંગ બને છે. પૂનુ ઉતાવળે ચા મૂકવા જાય છે, ત્યાં સુલોચના કહે છે, ‘રહેવા દે, દૂધ ફાટી ગયું છે.’ આ વિધાન સંબંધોમાં આવેલી ખટાશનું પણ સૂચક છે. સૂચક તો એ પણ છે કે ફરી દૂધની વ્યવસ્થા કરીને પૂનુ ગરમાગરમ ચાનો કપ સુલોચનાના હાથમાં મૂકે છે ને સુલોચના એની સામે જોઈને હસે છે. મનજિતે જ કદાચ સુલોચનાની એકલતા ખાળવા, પોતાને માટે છોકરી શોધવાનું કામ સોંપ્યું હતું, તે પણ પૂરું થાય છે, કારણ મનજિત જ બર્થડે ગિફ્ટમાં છોકરી શોધાયાનો સંકેત આમ આપે છે, ‘મમ્મા! હેપ્પી બર્થ ડે! કેવી લાગી બર્થ ડે ગિફ્ટ? ગમી કે નહિ? હા... હા... હા...’ સુલોચના કહે છે, ‘ગ્રેટ સરપ્રાઈઝ બેટા!’ પણ તેને પ્રશ્ન છે, ‘અંદર ઊઠવો જોઈતો ઉમળકો કેમ ઊઠતો નથી? એમ કેમ લાગે છે કે કશુંક થવું જોઈતું ન થયું, અને એમ પણ કે પોતે આટલુંય ન કરી શકી?’ (૧૩૫) એ અફસોસ ને લાચારી સાથે સુલોચના પગથિયાં ઊતરી આંગણામાં પછીત બાજુ વળે છે. તેણે એક પાન પકડેલું છે. એ જોઈને પૂનુ કહે છે, ‘પાનખરની મોસમ છે, ઝાડ પરનાં પાન સુકાઈ જાય છે અને ખરે છે.’ સુલોચના હાથમાંનું પાન બતાવતાં બહુ સૂચક રીતે કહે છે, ‘હા, પણ જો, આ ખરેલું પાન નથી, તૂટેલું પાન છે.’ સમય થાય ને પૂરો સમય ડાળ પર રહ્યા પછી પાન ખરે તો તેનો અફસોસ ન હોય, પણ પાન સુકાયું પણ ન હોય ને આંધીમાં અકાળે તૂટે કે કોઈ તોડી નાખે તો અફસોસ ને પીડા, બંને થાય. એવો અફસોસ અંતે ભાવકપક્ષે રહે છે. નવલકથા શરૂ થાય છે તે સાથે જ એક ઉદાસીનો પાસ ભાવક પર બેસે છે ને પછી મનજિત અને સુલોચનાની અંત ભાગે થોડી ‘હાહાહીહી’ને બાદ કરતાં, એક ઓથાર સુલોચનાની જેમ જ ભાવક પર છવાયેલો રહે છે. નવલકથાકારે મુખ્ય પાત્રોને ઘણુંખરું વિચારદેહે જ સજીવ રાખ્યાં છે. એ રીતે તે વિ-દેહ વધુ છે, એટલે પાત્રોની ઉંમર, તેમની વર્તણૂક, તેમની ગતિવિધિ કલ્પવાનો ભાવકોને ઠીકઠીક અવકાશ પણ રહે છે. સુલોચનાની તો નહીં, પણ સુજિતની પહેરવા-ઓઢવાની ઢબછબ સાથેની ઓળખ પણ નવલકથામાં એક જગ્યાએ સ્પષ્ટ થઈ છે, જેથી ભાવકને ખાતરી થાય કે આ પાત્રો દેહધારી પણ છે. એ કેવું છે કે પત્ની, પતિ ને પુત્ર સૌથી નજીકનું સગપણ ધરાવે છે. અહીં તેમની વચ્ચે સંબંધ નથી, એવું નથી, પણ તે ટેક્‌નોલોજી પર ટકેલો છે. સૌથી નજીક હોવાં જોઈતાં પાત્રો સૌથી દૂર છે. એટલે જ તો ધીરેન્દ્ર મહેતાએ શીર્ષક બાંધ્યું છે, ‘દૂરનાં સગપણ’! એને દૃઢાવવા એમણે મનની ભીતરની વાત (૧૨૦) એમ ફોડ પાડીને કહ્યું પણ છે. આ સંબંધોને નવલકથાકાર એટલી સૂક્ષ્મદર્શક દૃષ્ટિથી દર્શાવે છે કે તારેતાર થયેલા સંબંધોના તારેતાર ભાવકને પણ અનુભવાય. ‘દૂરનાં સગપણ’નું નજીકથી (હૃદયથી) સ્વાગત છે, ધીરેન્દ્રભાઈ!

[ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ]