બે હજાર ચોવીસ સમક્ષ/આજ અનુપમ દીઠો – સંજુ વાળા

From Ekatra Foundation
Jump to navigation Jump to search

કવિતા

‘આજ અનુપમ દીઠો’ : સંજુ વાળા

હૃષીકેશ રાવલ

આંતરમનના આદેશની તાજગીવાળી કવિતા

પૂરી નિષ્ઠા અને નિસબતપૂર્વક ગીત, ગઝલ અને અછાંદસ એમ બધા જ પ્રકારની કવિતા રચનાર સંજુ વાળાનો આ છઠ્ઠો સંગ્રહ છે. એમાં ૬૧ ગીતો અને ૬૦ જેટલી ગઝલો છે. ઈ.સ. ૧૯૮૫થી કાવ્યસાધના કરનાર આ કવિને નોકરીમાંથી સેવાનિવૃત્ત(૨૦૧૮) થયા પછી જે નિરાંત મળી એ નિરાંતના મનોમંથનકાળમાં કવિચિત્તમાં આવી સ્ફુરણા જાગેલી છે. અંદરથી આદેશ ઊઠ્યો :

જા રસવંતીને તીરે ધખાવ ધૂણો!
જોતું’તું એ જડ્યું જીવણજી!
હવે જરીકેય ના ઊતરતો ઊણો!

આ બધી જ રચનાઓ એમના આંતરમનના આદેશ પછી કવિએ કવિતાની રસવંતીને કિનારે જે ધૂણો ધખાવ્યો છે, એ ધૂણામાંથી તપાવીને આવેલી છે. કેમ કે, કવિને તો કવિતા સહજસાધ્ય છે એટલે તે અંદરથી સ્ફૂરીને આવી છે. એમને આયોસોનો સહારો લેવો પડતો નથી. એટલે તેઓ લખે છે કે,

શોધ તો એણે કરવાની હોય, જેને ના હો અડ્યું,
અમને તો જી! ગાતે-ગાતે મબલખ હોવું ચડ્યું.

પરંતુ એને પામનાર પોતે જ સાચી પાત્રતા ધરાવતો ન હોય અને પછી એમાં ગુણદોષ જુએ તો એમાં કવિનો શું વાંક? એવો ભાવ કવિ ‘વાણીનો તું કસબી’ રચનામાં પ્રગટ કરતાં લખે છે  :

વાણીનો તું કસબી કિન્તુ, જગ આખું છે બહેરું!
પથ્થર ઉપર પાણી ઢોળ્યે શું ઓછું? અદકેરું!
લય-લાઘવથી પાયા પૂર્યા રસથી ચાચર બાંધ્યાં
પછી ખૂટતું પૂરું કરવા સરસ્વતી આરાધ્યાં.

જે સભાનતા બહુ ઓછા સર્જકોમાં હોય છે તે પોતાની વિશેષતાઓ અને મર્યાદાઓથી કવિ ખૂબ જ સારી રીતે અવગત છે. એમાં કવિની પોતાની નિષ્ઠા અને સહજતાની સાથેસાથે એક પ્રકારની ખુમારી પણ અભિવ્યક્ત થતી જણાય છે. સંજુ વાળાના આ સંગ્રહનું શીર્ષક ‘આજ અનુપમ દીઠો’ વાંચતાં જ વાચકના મનમાં સૌપ્રથમ અધ્યાત્મનો ભાવ જાગ્રત થતો જણાય. આ સિવાય ‘ગુરુગમ કાજે ઘેલા’, ‘જુઠાણાની જુગતિ’, ‘કોને કહીએ?’, ‘વાણીનો તું કસબી’, ‘કહે કબીર’, ‘પરભવ પારખવા’, ‘ઝટપટ જીવણ હાલો’, ‘જોગ વડો જોગેશર’, જેવી ગીતરચનાઓ પણ પ્રથમ નજરે પદ-ભજન જેવી લાગે. પરંતુ આ બધી જ રચનાઓમાં કવિએ ભજનના લય, ઢાળ, કે સંકેતોને આધારે કાવ્યગત રીતે પોતાની એક આગવી આંતરદૃષ્ટિથી નવા જ ભાવોને, નવા જ અંદાજમાં અને નવા જ પરિપ્રેક્ષ્યમાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. જેમ કે, ભજનના લયમાં લખાયેલી એક ગીતરચનામાં કવિએ વર્તમાન સમયમાં ભ્રષ્ટાચારની સરવાણી સમાન સહકારી મંડળીઓને કેવી રીતે ઉઘાડી પાડી આપી છે :

કેવી મંડળીનાં માલમત્તે મીટડી રે...
ખૂલે સહકારી ક્ષેત્રોમાં ખાણ : પાણારાજ!
થાય સરપંચ ખવડાવી નિવેદડાં રે...
નવાં નિર્મિત કરશે એ મસાણ : પાણારાજ!

આપણાં લગ્નગીતોમાં પ્રયોજાતા ‘માણારાજ’ શબ્દને સ્થાને કવિએ અહીં પ્રયોજેલો ‘પાણારાજ’ શબ્દ પણ આકર્ષણનું કેન્દ્ર બને છે. વર્તમાન સમાજમાં ઠેરઠેર જોવા મળતી દંભી અને બનાવટી ગુરુ-ચેલકાઓની ફોજ આજે નિર્દોષ અને ભોળા ભક્તજનોની લાગણીઓ સાથે કેવી વરવી રમતો રમે છે તેને ‘પંડિતત્રયી’ નામની રચનાઓમાં કવિએ સરસ રીતે ઉઘાડી પાડી છે. આ ત્રણેય રચનાઓની શીર્ષક-પંક્તિઓ પણ વિશેષ ધ્યાન ખેંચનારી બને છે. જેમ કે –

પંડિતજી આજકાલ પડ્યા રે પથારીએ ને
ચેલકાઓ ચડી બેઠા છાપરે!
જામેલ જમેલાનો ભામણફળિયામાં ધોમ ઊડે
અણદીઠો ઉત્તાપ રે!
+++
અરે! અરે! પંડિતજી! પાણીના બખ્તર કાં સીવો?
ત્રણેત્રણ કાળના છો સોંપટ વિદ્વાન છતાં ટાઢા ટબુકલાની વાતોથી બીવો!
+++
પંડિતજી પહોંચ્યા પરમના દ્વારે!
કરી હાથ જોડી વિનંતી : બોલ્યુંચાલ્યું માફ કરો નહિતર ચડશું વરવી ચકચારે!
પંડિતજી પહોંચ્યા પરમના દ્વારે!
‘ગુરુગમ કાજે ઘેલા’ પણ આવા જ પ્રકારની એક રચના છે. જુઓ –
ગુરુગમ કાજે ઘેલા!
વૃદ્ધ બળદને વળગેલી
ઇતરડી માફક ઝૂઝે ચેલી-ચેલા!
ગુરુગમ કાજે ઘેલા!

આ સંગ્રહમાં એમની ‘નામ-વચન-વિવેક’, ‘પાકે નહીં જે સડે’, ‘નહિ કોઈ બાહરાં’, ‘નોબત નિશાન’, ‘ચપટીભર સૂંઠ’, ‘ઉઘાડવાસ અળપીને’ તથા ‘નહીં આવન - નહીં જાવન’ના પેટાશીર્ષકો ધરાવતી ‘સંતોસપ્તક’ નામની રચના પણ નોંધપાત્ર બને છે. એમાં એની પ્રથમ રચના ‘નામ-વચન-વિવેક’માં કવિએ સાચા સંત કેવા હોય, એનાં લક્ષણો દર્શાવ્યાં છે. જેમ કે –

જી રે! એની વાડીમાં વણાતાં
નામ-વચન-વિવેક સંતો!
જી રે! એણે ગાઈ ગાઈ વહેંચી
મોંઘા મૂલે રૂડી મહેક સંતો!

આ સિવાયની જે છ રચનાઓ છે તેમાં કવિએ બનાવટી સંતો અને તેમની આસપાસની દુનિયા ઉપર પણ તીવ્ર કટાક્ષ કર્યો છે. આ પ્રકારની રચનાઓ સિવાય પણ કવિએ ઘણી કટાક્ષ-રચનાઓ આપી છે. જેમાં સમાજમાં ઘણાં લોકો કશુંય ન જાણતા હોવા છતાં જાણે કે, પોતે બધા જ વિષયોમાં પારંગત હોવાનો ઢોંગ કરીને બધી જ વાતોમાં પોતાનો અભિપ્રાય આપતા રહેતા હોય છે. આવા જાતે બની બેઠેલા પ્રબુદ્ધજનો ઉપર કવિએ સુંદર કટાક્ષ કરતાં ‘પછી કંઈક બોલ’ નામની ગીતરચનામાં લખ્યું છે કે,

તારું સ્થાનક શોધ, તને તું સ્થાપ, પછી કૈં બોલ!
એ કહેવાશે બહેતર જે કંઈ થતું હોય તે
થવા જ દઈને આઘે ઊભા રહી બધું યે તોલ
તારું સ્થાનક શોધ, તને તું સ્થાપ, પછી કૈં બોલ!

આ મોટાભાગની ગીતરચનાઓમાં ક્યાંક ભજન અથવા તો લોકગીતનો લય અનુભવાય છે. એની સાથેસાથે કવિએ લોકબોલીના તળપદા શબ્દો પણ તેના લય સાથે પ્રયોજ્યા છે અને એના શિષ્ટ અર્થ કાવ્યની નીચે નોંધ્યા છે. સંગ્રહના બીજા ભાગમાં કવિએ ૬૦ જેટલી ગઝલો આપી છે. ગઝલ એ કવિ સંજુ વાળાનો પ્રથમ પ્રેમ છે. લગભગ ચાલીસેક વર્ષોની અવિરત ગઝલયાત્રાને કારણે ગઝલસ્વરૂપ એમને સહજસિદ્ધ થયું છે. પરિણામે મૂળ ઉર્દૂ ગઝલમાં પણ ભાગ્યે જ પ્રયોજાતા છંદવિધાન ‘ગાલલગા લગાલગા ગાલલગા લગાલગા’ને કવિએ કુશળતાપૂર્વક ગુજરાતી ગઝલમાં પણ પ્રયોજીને બતાવ્યું છે. જેમ કે,

પામી કે ઓળખી ગયા કહેવું સહજ નથી નથી,
આભ કદીય કોઈની મુઠ્ઠીનું જગ નથી નથી.

આવું જ એક બીજું છંદવિધાન ‘ગાલલગા ગાલગાલ ગાલલગા ગાલગાલ’નું ઉદાહરણ પણ ગઝલરસિકોએ અવશ્ય નોંધવું જોઈએ. જેમ કે,

વાત અને વર્તનેય વાવી નથી કોઈ વાત,
જાત વિશે હદ ઉપરની ધારી નથી કોઈ વાત.
આ બંને શેરો એમનું છંદકૌશલ્ય દર્શાવે છે.

કવિને જૂઠ, દંભ અને બનાવટ તથા જેની કરણી અને કથનીમાં ફેર હોય તેવા લોકો તરફ ખૂબ નફરત છે :

જૂઠું બોલે અને આચરે જુદું એમાં નવાઈ
કે આશ્ચર્ય શું હોય?
કીર-કબૂતર બાજ-વેશમાં નીકળે પણ
પરખાઈ જશે તાત્પર્ય શું હોય?

એમની ‘પંડિતત્રયી’ કે ‘સંતોસપ્તક’ જેવી ગુચ્છ ગીતરચનાઓની જેમ ‘સાહેબ’ રદીફવાળી પાંચ ગઝલોની ગુચ્છરચના પણ જોવા જેવી છે. ‘સાહેબ’ રદીફવાળી પ્રથમ ગઝલનો મત્લાનો શૅર જોઈએ તો એમાં કવિ પોતાનો પરિચય આપતાં લખે છે કે, આમ તો ટૂંકો ને ટચ એ કાગળના ચોથિયામાં સમાઈ જાય તેવો મારો પરિચય છે. પરંતુ એટલો પરિચય પણ સર્જક માટે તો મહેલ બરાબર છે. જેમ કે,

ટૂંકો ને ટચ છે આમ તો પરિચય સાહેબ!
પા પાનની સર્જકતા મહાલય સાહેબ.

કવિએ એમની ગીતરચનાઓની જેમ ગઝલોમાં પણ લોકબોલીના ઘણા દુર્બોધ શબ્દોનો પ્રયોગ કર્યો છે. અલબત્ત, ભાવકોની સુગમતા ખાતર તે શબ્દનો અર્થ પણ આપ્યો જ છે. પરંતુ સામાન્ય રીતે જોઈએ તો, ગઝલ એ વિશેષપણે પ્રત્યાયનનું સ્વરૂપ હોવાથી ગઝલની ભાષા બહુ જ સહજતાથી સમજી શકાય તેવી સરળ, સચોટ અને વેધક હોવી જોઈએ. એકવાર બોલાયેલો શૅર તેની ભાષાની સરળતા અને સહજતાને કારણે તે સીધો જ ભાવકના હૃદયમાં ઊતરી જઈને તરત જ ભાવક આફરીન પોકારી ઊઠે તેવો હોવો જોઈએ. પરંતુ અહીં કવિએ ઘણા દુર્બોધ શબ્દોનો પ્રયોગ કરીને પછી નીચે તેનો શિષ્ટ અર્થ આપ્યો છે. એથી ગઝલના સૌંદર્યબોધમાં કે તેના સ્વરૂપની નજાકતમાં અવશ્ય અવરોધ ઊભો થાય છે. એટલે ઘણીવાર પ્રયોગશીલતાના આયાસમાં ક્યાંક કૃતકતા પ્રવેશતી હોય એવું અનુભવાય છે. આ ઉપરાંત આ કાવ્યોમાં જે કટાક્ષ-ની અભિવ્યક્તિ છે એ વાચકના મનમાં એક પ્રશ્ન ઊભો કરે એમ છે. એમાં કાવ્યનું સૌંદર્ય અનુભવાય છે ખરું? કટાક્ષની કવિતા માર્મિક હોય. પણ અહીં ઘણાં તો સીધાં કથન છે. આ સિવાય સંગ્રહમાં ‘હોય છે કેવી હૂર!’, ‘અક્ષર વેરાયા અનેક’, ‘લયથી જીવણ ઠમકો’ જેવી લાંબી પંક્તિની ગીતરચનાઓની જેમ ‘હાજર હોય છે’, ‘પસંદ કરજે’, ‘શું હોય!’ તથા ‘અરથ વગરનું’ જેવી લાંબા બહેરની ગઝલો પણ ભાવકો માટે અવશ્ય નોંધપાત્ર બને છે. વળી, એમની ગઝલોમાં આવતા ‘તાણીતૂસી’, ‘ગા ને!’, ‘સંકેલી લો’, ‘હો તો હો’, ‘તો ચાલે?’ જેવાં રદીફો પણ નાવીન્ય દર્શાવે છે. ‘આજ અનુપમ દીઠો’ની કવિતા કાવ્યરસિકોને તાજગી અને વૈવિધ્યનો અનુભવ કરાવશે.

[ઝેન ઑપસ, અમદાવાદ]