‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/સંપાદકો-લેખકોની રોયલ્ટીનો પ્રશ્ન : કાંતિ પટેલ
કાન્તિ પટેલ
સંપાદકો-લેખકોની રૉયલ્ટીનો પ્રશ્ન
પ્રિય રમણભાઈ, રૉયલ્ટીના એક વિકટ પ્રશ્ન વિશે ‘પ્રત્યક્ષ’ના વાચકો સાથે મારે સીધી જ કેટલીક વાતો કરવી છે. લેખકનું કામ લખવાનું. તેને વાચકો સુધી પહોંચાડવાનું કામ પ્રકાશકનું. બેની સરખામણીમાં બીજું કામ વધારે કપરું અને પડકારરૂપ. સામયિક કે પુસ્તક યથાસમયે, રંગેરૂપે જચે અને ખિસ્સાને પરવડે એ રીતે તૈયાર કરવું, તેને વિધવિધ એજન્સીઓ મારફતે વાચકો સુધી પહોંચાડવું એમાં આર્થિક સિવાય પણ અનેક જવાબદારીઓ સંકળાયેલી છે. તો બીજે પક્ષે લેખકને માટે પણ વાચક-વિવેચક-પ્રકાશકને સ્વીકાર્ય બને એવું લખવું એ કંઈ ઓછી જવાબદારીનું કામ નથી. જેમ સર્જન ન થાય તો ભાવન અને ભાવકનો પ્રશ્ન રહેતો નથી, તેવું લેખનને અંગે પણ કહી શકીએ. લેખક લખે નહીં તો વાચક શું વાંચે? અને પ્રકાશક શું છાપે? તેથી, એ રીતે તો, લેખક સર્વોપરિ ગણાવો જોઈએ. પણ વાસ્તવમાં તો પ્રકાશક વિના લેખક અને વાચક બંને નિરાધાર છે. વાચકને પક્ષે તો એક લેખક નહીં તો બીજો લેખક, એક પુસ્તક નહીં તો બીજું પુસ્તક, એવી કંઈક પસંદગી હોય છે ખરી પણ લેખકને પક્ષે તો બહુ ઓછી પસંદગી હોય છે. પોતાનો પ્રાણ જેમાં રેડ્યો હોય એવી કીમતી ’હસ્તપ્રત’ લઈને તે પ્રકાશક પાસે પહોંચે છે ત્યારે તેને બહુ ઠંડો આવકાર મળે છે. લેખક કે પુસ્તકમાં પોતાને રસ પડ્યો હોય તોપણ તે તેવું જણાવતો નથી. તે સમગ્ર ઘટનાક્રમમાં ‘નિર્લેપ’ બનીને વર્તે છે. બલકે ઘણી વાર તો તે રુક્ષ બનીને વાત કરે છે. લેખક સાથે સોદો કરે છે ત્યારેપણ તે બહુ સસ્તામાં સોદો કરે છે. ગુજરાતી પ્રકાશનક્ષેત્રે તો પ્રકાશક લેખકની પાસે સામેથી પૈસા માગે એવા અનેક દાખલાઓ મળી આવે. નવોદિત લેખકોની કૃતિઓને તે હાથ લગાડવા તૈયાર નથી હોતા. કોઈ પણ લેખકના પ્રથમ પુસ્તકના પ્રકાશનનો ઇતિહાસ ન માનવા જેવો જ હોવાનો. દુનિયાના મહાન લેખકોને પણ પ્રકાશકના પંજાનો અનુભવ ન થયો હોય એવું જવલ્લે જ બન્યું હશે. મોટા ભાગના લેખકો આ બાબતમાં મૌન રહેવાનું પસંદ કરે છે. લેખક-પ્રકાશક-વાચક આ ત્રણે એકબીજા પર અવલંબિત છે. એમાંથી કોઈની પણ ઉપેક્ષા થઈ શકે નહીં ત્રણે એકબીજા વિના અધૂરાં છે. તેમ છતાં વાસ્તવમાં તો પ્રકાશક જ સર્વોપરિ છે, લેખકનો હાથ નીચો હોય છે. વાચકો દ્વારા આવકાર પામેલાં પુસ્તકો તથા લેખકોને પણ તેઓ ઉપકાર કરતા હોય તે રીતે જ સ્વીકારે છે. તો પછી નવોદિતો કે ઓછાં જાણીતાં લેખકોને તો એ કોઠું આપે જ શેના? લેખક પ્રકાશકના આ love-hate relation વિશે ઘણું ઘણું લખાયું છે. મહાન લેખકોની યશસ્વી કૃતિઓને અનેક પ્રકાશકોએ જાકારો દીધો હોય એવું પણ બનતું આવ્યું છે, અને બનતું રહેશે. બધા ગુજરાતી લેખકોના પ્રકાશકો સાથેના અનુભવ સર્વથા સુખદ તો નહીં જ હોય. સર્વમાન્ય લેખકોને પણ પ્રકાશકોનો કડવો ઘૂંટડો ગળવો પડતો હોય છે. અંતે થાકીને, હારીને લેખક પોતે જ પુસ્તક છાપે કે છપાવે અથવા પોતાનું પ્રકાશનગૃહ ઊભું કરે એવું પણ ગુજરાતી ભાષામાં બન્યું છે. સામાન્ય રીતે પુસ્તકોના વેચાણના સર્વસ્વીકૃત અમુક ચોક્કસ ટકાની રકમ પ્રકાશકે લેખકને ચૂકવવાની હોય છે. પણ આમાં લેખકપક્ષે પુસ્તકોના વેચાણનું પગેરું મેળવવાનું મુશ્કેલ હોય છે. પ્રકાશક મોટે ભાગે વેચાણનો આંકડો ઓછો બતાવીને રૉયલ્ટી ઓછી આપવા અથવા નહીં આપવા પ્રયત્નશીલ રહે છે. ક્યારેય પેટછૂટી વાત કરતો નથી. જાણીતા લેખકો સાથે આવો વ્યવહાર થતો હોય તો નવોદિત લેખકોની શી દશા થતી હશે? આ એક સર્વસ્વીકૃત પ્રશ્ન છે, જેનો ઉપાય પ્રત્યેક લેખકે પોતાની રીતે ઉકેલવાનો છે. વળી પ્રકાશકોના બહુધા આ પ્રકારના વ્યવહારની સામે અલ્પસંખ્યક પ્રકાશકોની ઉમદા નીતિરીતિની સરાહના કરવી જ પડે. નિયમોની સામે અપવાદો તો હોવાના જ ! અત્રે લેખકે લખેલાં પુસ્તકોની નહીં, પણ સંપાદિત ગ્રંથોની વાત કરવી છે. એમ કહી શકાય કે છેલ્લા દોઢ બે દાયકામાં સંપાદિત ગ્રંથોની બોલબાલા રહી છે. અગાઉ પણ ‘આપણી કવિતાસમૃદ્ધિ’ જેવાં સાહિત્યિક સંપાદનોની સુદીર્ઘ પરંપરા રહી છે, જેનું કંઈક સાતત્ય હજી જળવાયું છે. નરી સાહિત્યિક દૃષ્ટિથી થતાં કે પાઠ્યપુસ્તક કે એવાં અભ્યાસનિષ્ઠ આશયોથી થતાં સંપાદનોની નહીં પણ નર્યા વ્યાપારી વલણથી થતાં સંપાદનોની વાત કરવી છે. સ્વરૂપલક્ષી કે વિષયલક્ષી દૃષ્ટિથી થતાં સંપાદનોનું વેચાણ વળતર સારું મળે છે, એ જ આશય સંપાદક તથા પ્રકાશકનો હોય છે. સાહિત્યિક દૃષ્ટિએ થયેલાં સંપાદનોમાં ક્યારેક વિવિધ વિશ્વવિદ્યાલયોમાં તે પાઠ્યપુસ્તક બને એવી પણ ગણતરી હોય છે. એ પ્રકારના પ્રયત્નો પણ સંપાદક તથા પ્રકાશકને પક્ષે હોય છે. આ પુસ્તકોની પણ અનેક આવૃત્તિઓ થતી હોય છે. જેમની કૃતિઓ આમાં સમાવિષ્ટ થઈ હોય એ લેખકોને તો એક વાર નજીવી રકમ મહેનતાણારૂપે મળી હોય તે જ. ક્વચિત તે રકમ ન ચૂકવાઈ હોય એવું બને. મારે જે વાત કરવી છે તે ધંધાકીય ધોરણે થતાં સંપાદનોની. જીવનલક્ષી સાહિત્યની બોલબાલા છે. માતા-પિતા, દીકરો-દીકરી, સાસુ-વહુ ઇત્યાદિ સંબંધો વિશે સ્વાનુભવ આધારિત લખાણોની તો બોલબાલા છે જ. જીવનના વિશાળ અનુભવોમાંથી અમુકને કેન્દ્રિત કરીને થતાં લખાણોની માગ રહેતી આવી છે. મૃત્યુ જેવા અસ્પૃશ્ય મનાતા વિષયો ઉપર પણ સંપાદનો થયાં છે. વાંચનભૂખ વધી છે. તેથી જીવન વિશે હકારાત્મક અભિગમથી લખાયેલાં પુસ્તકો તથા અનુવાદોની પણ માગ સર્વવ્યાપી બની છે. આ અનુવાદિત ગ્રંથોની પણ અનેક આવૃત્તિઓ થાય છે. પણ અનુવાદકને તો એક જ વાર રકમ ચૂકવાઈ હોય છે. અંગ્રેજીમાં સર્વાધિક વેચાતા પુસ્તક ‘The Secret’નો આ લખનારે ગુજરાતી અનુવાદ કર્યો છે, જેની પહેલી આવૃત્તિની રકમ તેને મળી છે પણ આ પુસ્તક હજારોની સંખ્યામાં વેચાતું રહ્યું છે પણ અનુવાદકને તેનો કોઈ જ લાભ થયો નથી. આ વાત ઝાઝા ભાગના અનુવાદોને લાગુ પડે છે. સન્મિત્ર રમણ સોનીએ જાપાનીઝ ભાષાની પ્રતિષ્ઠિત કૃતિ ‘તોત્તોચાન’નો અનુવાદ કરેલો, જે પુસ્તક નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા પ્રગટ થયેલો. આ ગ્રંથ લોકપ્રિય થયો છે અને તેની અનેક આવૃત્તિઓ થઈ છે. તોપણ રમણભાઈને તો એક વખત રકમ મળી એ મળી! અન્ય ભાષાની લોકપ્રિય કૃતિઓના અનુવાદકોને પણ એક જ વાર રૉયલ્ટી ચૂકવાઈ હોય અથવા ન ચૂકવાઈ હોય એવું બનતું આવ્યું છે. અગાઉ કહ્યું એમ, વિવિધ વિષયોને લઈને થયેલાં મૌલિક સંપાદનોની પણ એકાધિક આવૃત્તિઓ થતી હોય છે. આ લખાણ લખનારને તો ખૂબ જ નજીવી રકમ ચૂકવાતી હોય છે. અમુક પ્રકાશકો તો એ બાબતમાં પણ લાસરિયા હોય છે. આ લખનારે ઈ.સ. ૧૯૯૫માં ‘અભિયાન’ના તત્કાલીન તંત્રી વિનોદ પંડ્યા તથા મેનેજીંગ ડિરેક્ટર દિલીપ પટેલ આગળ, દીકરી વિશેના લેખોનું સંપાદન કરવાનો વિચાર રજૂ કરેલો જે તેમણે તરત અમલમાં મૂક્યો. અલબત્ત તે એની પાંચસોથી અધિક પ્રતો છાપવા તૈયાર નહોતા, ત્યારે મેં કહ્યું કે હજાર નકલો છાપો, જેટલી વધશે એટલી હું ખરીદી લઈશ. તેમ છતાં તેમણે પાંચસો નકલો જ છાપી. વિનોદ પંડ્યા અને કાન્તિ પટેલ સંપાદિત આ પુસ્તક ‘દીકરી વહાલનો દરિયો’નું વિમોચન ભાવનગરમાં વંદનીય મોરારિબાપુના વરદ હસ્તે થયેલું. વિનોદ પંડ્યા તે વખતે પાંચસો નકલો લઈને ગયેલા જે તરતોતરત વેચાઈ ગયેલી. બીજી પાંચસો નકલોનો ઓર્ડર લઈને તે આવેલો. પછી આ પુસ્તકે તથા તેના પ્રકાશકે પાછું વળીને જોયું નથી. અત્યાર સુધીમાં તેની ત્રીસ આવૃત્તિઓ થઈ છે, દરેક વખતે હજાર નકલ તો છાપે જ તેથી ત્રીસ હજાર નકલો વેચાઈ છે એમ કહેવાય. આ પુસ્તક લગ્ન કે વેવિશાળ પ્રસંગે ભેટપુસ્તક તરીકે સતત વેચાતું રહ્યું છે. પાંચસો, હજાર કે તેથી વધુ સંખ્યાના બલ્ક ઑર્ડર તેમને આજ દિન સુધી મળતા રહ્યા છે. મારા સુરતના એક શિક્ષકમિત્ર મને મળ્યા ત્યારે તેમણે કહ્યું કે આ પુસ્તકની ત્રણ નકલો, ત્રણ જુદી જુદી નિમંત્રણપત્રિકાઓ સાથે તેમને તાજેતરમાં મળી છે. તેથી આ પુસ્તકની એક લાખ નકલ વેચાયાનું અનુમાન સહેલાઈથી થઈ શકે. (પ્રકાશક તો આ વાતનો નનૈયો જ ભણવાના!) શરૂઆતમાં આ પુસ્તકની કિંમત રૂા. ૨૨૫ હતી, જે ઉત્તરોત્તર વધતી વધતી ત્રણસો ઉપર પહોંચી છે. એટલે કે પ્રકાશકને પક્ષે ત્રણ કરોડ રૂપિયાનો વેપલો થયો. એમાં વળતર અને અન્ય ખર્ચાઓ બાદ કરીએ તો ચોખ્ખો નફો બે કરોડનો થયો. પણ સંપાદકો તથા લેખકોને તો એક અને અંતિમ વાર પાંચસો રૂપિયા ચૂકવાયા એ ચૂકવાયા! તેમણે આ અંગે ફરિયાદો કરેલી, ગ્રૂપના અધ્યક્ષ શ્રી ભૂપત વડોદરિયાને પત્ર પણ લખેલો. પણ તેમને માટે સંપાદકો તથા લેખકોની કોઈ જ વિસાત નથી. શ્રી વિનોદ પંડ્યા તથા શ્રી દિલીપ પટેલ દોસ્ત હતા, તેથી ગુડ ફેઈથમાં કંઈ લખણ કરેલું નહીં, જેનો ભરપૂર લાભ અભિયાન પ્રકાશનગૃહે લીધો છે. પેલા બંને મિત્રો તો જાણીને પણ અજાણ્યા રહીને આ બાબતમાં અકળ મૌન સેવી રહ્યા છે – જાણે કે કશું બન્યું જ નથી! ‘દીકરી વહાલનો દરિયો’ના આ અનુભવ પછી જ્યારે નવભારત સાહિત્ય મંદિર (મુંબઈ)ના મુ. ધનજીભાઈ શાહ તથા શ્રી અશોકભાઈ શાહના આગ્રહથી ઉક્ત લોકપ્રિય ગ્રંથના અનુસંધાનમાં ‘દીકરી એટલે દીકરી’નું સંપાદન કર્યું ત્યારે આવૃત્તિદીઠ રૉયલ્ટી સંપાદક તથા લેખકોને મળે એવો લેખિત કરાર કરેલો. એ સ્વીકારવું પડે એમ છે કે પ્રથમ ગ્રંથની માફક આ દ્વિતીય ગ્રંથને પણ એટલી જ સ્વીકૃતિ મળી છે. વધુમાં ‘દીકરી વહાલનો દરિયો’ના મુખ્ય વિક્રેતા હોવાને લીધે આ બંને ગ્રંથોને સંયુક્તપણે વેચવામાં તેમને ફાયદો જ થાય. આ બંને પુસ્તકો તેમને તગડી કમાણી કરી આપતા હોવા છતાં તેમણે પણ સંપાદક તથા લેખકોની અવજ્ઞા જ કરી છે. લેખકોને નક્કી કર્યા મુજબ નહીં, પણ અડધી જ રકમ પ્રથમ આવૃત્તિ વખતે આપેલી. સંપાદકને પણ બે જ આવૃત્તિની રકમ ચૂકવેલી. અત્યાર સુધીમાં તેમણે તેની ત્રીજી આવૃત્તિ પછી સંવર્ધિત આવૃત્તિ કરીને આમ તો આઠ દસ આવૃત્તિઓ કરી નાંખી છે. લેખકો તથા સંપાદકને કમાણીનો હિસ્સો જાય નહીં તેની આ તથા અન્ય મોટા ભાગના પ્રકાશકો ખાસ કાળજી લેતા હોય છે. દુઃખની વાત એ છે કે આ લોકપ્રિય સંપાદનોમાં સમાવિષ્ટ લેખકોને ક્યારેય પ્રશ્ન થતો નથી કે પ્રકાશક આટલું કમાય છે, તો તેનો થોડોક ભાગ અમને પણ મળે! સંપાદિત ગ્રંથોની પહેલી આવૃત્તિ વખતે લેખકોને તથા સંપાદકોને નક્કી કર્યા મુજબ રૉયલ્ટીનો ચેક તથા પુસ્તક પહોંચે એની કાળજી પ્રકાશક પૂરેપૂરી રાખે છે. પછીથી તેઓ તેમને સદંતર વિસરી જાય છે. તેથી આ અંગે એક જ સૂચન કરવાનું મન થાય છે કે સંપાદક જ્યારે લેખકોને નિમંત્રણ આપે ત્યારે તેને પ્રથમ આવૃત્તિ વખતે કેટલી રકમ મળશે તથા અનુગામી આવૃત્તિઓ વખતે કેટલી રૉયલ્ટી મળશે તેની સ્પષ્ટતા કરે. લેખકો પણ તેનો આગ્રહ રાખે. એવું જવલ્લે જ બન્યું હશે કે સંપાદિત ગ્રંથોની બીજી-ત્રીજી આવૃત્તિ ન થઈ હોય. કવિતા, વાર્તા, નિબંધ તથા અન્ય વિવિધ સ્વરૂપોનાં સંપાદનોની પણ અનેક આવૃત્તિઓ થતી રહે છે. પણ લેખકોની રૉયલ્ટીનો પ્રશ્ન કોઈને સતાવતો નથી. લેખકોનું આ જાતનું શોષણ ઇચ્છનીય ખરું? નિસબત ધરાવતા લેખકો-વાચકો-પ્રકાશકો આ વિશે ઉચિત પ્રતિક્રિયા આપશે તો આ લખાણનો શ્રમ લેખે લાગશે.
મુંબઈ, ૦૪-૨-૨૦૧૩
– કાન્તિ પટેલ
[જાન્યુઆરી-માર્ચ, ૨૦૧૩, પૃ. ૫૧-૫૩]