‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/લેખકોને રોયલ્ટી : ડંકેશ ઓઝા
ડંકેશ ઓઝા
લેખકોને રોયલ્ટી
પ્રિય મુ. રમણભાઈ, મહાશિવરાત્રીની સાંજે જયંત ગાડીતની ગાંધીવિષયક, ચાર ભાગોમાં પથરાયેલી, નવલગાથા (આ નિમંત્રણપત્રિકામાં પ્રયોજાયેલો શબ્દ છે) ‘સત્ય’નો લોકાર્પણવિધિ નારાયણ દેસાઈના હાથે થયો. સ્વમાન પ્રકાશનનો આ પ્રથમ પ્રયોગ હતો. આ નવલકથા લખાતી હતી ત્યારથી તેમાં ગુજરાતી સાહિત્યજગતે ઉત્સુકતાભર્યો રસ દાખવેલો તે આપણે જાણીએ છીએ. મારે કાર્યક્રમનો અહેવાલ નથી આપવો. મહેશભાઈ દવેએ સ્વમાન પ્રકાશનના આ કાર્યક્રમમાં જે મહત્ત્વની અને અભૂતપૂર્વ જાહેરાત કરી તે પર આવવું છે. પરંતુ તે પહેલાં મારે ખાસ કહેવું છે કે આ નવલગાથા ઊંઝાજોડણીમાં લેખકના આગ્રહ મુજબ છાપવામાં આવી છે. તેથી જ હૉલ નાનો હોવા છતાં નહીં ભરાયો હોય કે કેમ એ પ્રશ્ન મનમાં ઘુમરાયા કરે છે. મહેશભાઈએ જાહેરાત કરી કે પ્રેસ-બીલની માફક જ ૪૫-૬૦ દિવસના અંતે લેખકની રૉયલ્ટી પણ સ્વમાન પ્રકાશન ચૂકવી દેશે. (પુસ્તકો ક્યારે/કેટલાં વેચાયાં, ન વેચાયાંની પળોજણમાં પડ્યા વિના). હસમુખ ગાંધી જીવતા હોત તો ‘સમકાલીન’ દૈનિકમાં આ વીગત સમાચારની હેડલાઈન બની શકે તેવી ગણાઈ હોત એવું મારું માનવું છે. પરંતુ આજકાલ મીડિયા પાસે એવી કોઈ આશા રખાય એવું જ ક્યાં છે? પ્રકાશકો લેખકના ભોગે ધનવાન બને છે. વરસેદહાડે હિસાબ કરાય. કેટલી નકલો વેચાઈ વગેરે મુજબ. પછી તેનાં નાણાં ચૂકવાય. આનો કોઈ અંત પણ નહીં. લાંબા ગાળે કદાચ બન્ને તે ભૂલી પણ જતા હશે! ખબર નથી, અનુભવ નથી. ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી લેખકોની સંસ્થાએ પણ આમાંથી કંઈ શીખવા જેવું ખરું. ત્યાં પણ લેખક સાથેનો વહેવાર અન્ય પ્રકાશકો કરે છે તેવો જ હોય છે. પરંતુ લેખકનો આ રીતે આદર પ્રકાશકો કરી શકે તેવું ઉદાહરણ સ્વમાન પ્રકાશન પેશ કરવા જઈ રહ્યું છે એમ કહેવામાં કોઈ ઉતાવળ નથી થઈ રહી. મહેશ દવેએ તો કહ્યું કે ‘લેખકના સ્વમાનની ચિંતા કરવા જેવી છે. તે જ પ્રમાણે સામયિકો પણ લેખકને પારિશ્રમિક (રૉયલ્ટી નહીં) ચૂકવે તે જરૂરી છે. કેટલાંક ચૂકવે છે, બીજાં નથી પણ ચૂકવતા. ભોગીલાલ ગાંધી જેવા પ્રતીક-પારિશ્રમિક પણ આગ્રહ પૂર્વક સિદ્ધાંતની જેમ ચૂકવતા!’ ‘પ્રત્યક્ષે’ પણ એ શિરસ્તો જાળવ્યો છે; એ સારી વસ્તુ છે. પ્રકાશકોની દુનિયા વિશે ગ્રંથોના ગ્રંથો ભરીને લખી શકાય તેમ હોવા છતાં ઓછું જ લખાય છે. લેખકો પણ તે વિશે લખતાં સંકોચ જ અનુભવતા હોય છે. એવા આ કપરા કાળમાં મારે મહેશભાઈ અને સ્વમાન પ્રકાશનને જાહેર અભિનંદન પાઠવવા છે. તમે સંમત કે?
વડોદરા : ૨, માર્ચ ૨૦૧૦
– ડંકેશ ઓઝા
* શા માટે નહીં? આ વિચાર અભિનંદનીય છે જ. મેં તો, સાહિત્ય પરિષદના એ ઠરાવનો વિરોધ કરેલો કે, પુસ્તકની નકલો વેચાતી જાય એમ રોયલ્ટી ચૂકવવી એમાં તો લેખકનું (પરિષદ જેવી લેખકોની સંસ્થા દ્વારા) અપમાન છે. તત્કાલીન પ્રમુખશ્રી નારાયણભાઈ સાથે લાંબો પત્રવ્યવહાર થયેલો. સાંભળ્યું તો છે કે પરિષદ ફેરવિચાર કરી રહી છે. તો એ ફેરવિચાર ‘પરબ’માં પ્રગટ થવો જોઈએ. – સંપા