‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/કેટલીક સરતચૂક વિશે કેટલોક ખુલાસો : અમૃત ગંગર

From Ekatra Foundation
Revision as of 02:50, 18 October 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૦ છ
અમૃત ગંગર

[જુલાઈ-સપ્ટે, ૨૦૧૨ના ગુણવંત વ્યાસના પત્રના અનુસંધાનમાં]

‘કેટલીક સરતચૂક’ વિશે કેટલોક ખુલાસો’

પ્રિય રમણભાઈ. પ્રત્યક્ષ એપ્રિલ-જૂન ૨૦૧૨ના અંકમાં પ્રા. ગુણવંત વ્યાસે ટૂંકી વાર્તા ‘અભુ મકરાણી’ અને ફિલ્મ ‘મિર્ચ મસાલા’ની રૂપાંતરપ્રક્રિયાના મારા લેખમાંની કેટલીક સરતચૂકો તરફ ધ્યાન દોર્યું છે તેના વિશે થોડોક ખુલાસો કરવા ઇચ્છીશ. તેઓ કહે છે કે ‘મિર્ચ મસાલા’નું રિલિઝ વર્ષ ૧૯૮૫ નહીં પણ ૧૯૮૬ છે. ફિલ્મના પ્રમાણપત્રમાં પણ તા. ૨૦-૫-૧૯૮૬ છે.” જે તારીખ તરફ ગુણવંતભાઈ અંગુલીનિર્દેશ કરે છે તે ‘મિર્ચ મસાલા’ ફિલ્મને એ તારીખે સેન્સર બોર્ડે આપેલા પ્રમાણપત્રની તારીખ છે, નહીં કે ફિલ્મ રિલિઝ થયાની તારીખ. મારી રૂપાંતરશ્રેણીમાં આવતી આવી વિગતો માટે હું સામાન્ય રીતે આશિષ રાજાધ્યક્ષ અને પૉલ વિલેમેન સંપાદિત અને ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રકાશિત ‘એનસાઇક્લોપીડિયા ઑવ ઇન્ડિયા’નો આધાર લઉં છું. તેમાં ‘મિર્ચ મસાલા’ ફિલ્મનું વર્ષ ૧૯૮૫ છે અને એ તેનું નિર્માણવર્ષ છે – નિર્માતા એનએફડીસી. ૧૯૮૬માં આ ફિલ્મને સેન્સર બોર્ડે સર્ટિફિકેટ આપીને તેને રિલિઝ કરવા માટે યોગ્ય ગણી હતી. મારા ખ્યાલ પ્રમાણે તે કમર્શિયલ ધોરણે ન્યૂયોર્કમાં ૧૯૮૭માં રિલિઝ થઈ હતી. અને ત્યારબાદ એ વધારે ચર્ચાઈ હતી. સેન્સર બોર્ડે આપેલા પ્રમાણપત્રની તારીખ અને ફિલ્મ રિલિઝ થયાની તારીખને કોઈ સંબંધ નથી હોતો. કેટલીય ફિલ્મો સેન્સર થયા પછી રિલિઝ પણ નથી થતી. ટૂંકમાં ‘મિર્ચ મસાલા’ના મેં આપેલા વર્ષ ૧૯૮૫માં કોઈ સરતચૂક નથી. પણ અલબત્ત, ગુણવંતભાઈ મને તેની ચોક્કસ રિલિઝ તારીખ (સિનેમાઘરના નામ સહિત) આપશે તો હું તેમનો આભારી થઈશ. ગુણવંતભાઈ કહે છે, ‘અભુ મકરાણી’ મડિયાની એક નબળી વાર્તા છે. સ્વયં મડિયાએ પણ એમની શ્રેષ્ઠ વાર્તાઓના સંપાદનમાં એ સમાવી નથી.” તો પછી આ નબળી વાર્તાને કેતન મહેતાએ શા માટે પસંદ કરી? વળી એક વાર સાહિત્યકૃતિ છપાઈ ગયા પછી તેનું મૂલ્યાંકન વાચક, અભ્યાસી કે અન્ય કલાસર્જકે કરવાનું હોય છે. ધારો કે લેખકે ‘અભુ મકરાણી’ ટૂંકી વાર્તાને તેમની શ્રેષ્ઠ વાર્તાઓમાં સમાવી હોત તો શું ગુણવંતભાઈ તેને શ્રેષ્ઠ માની લેત? તો પછી આપણાં પોતાનાં મૂલ્યાંકન ધોરણો કે નિજી દૃષ્ટિ ક્યાં ગયાં? અર્નેસ્ટ હેમિંગ્વેને કોઈએ તેમની પ્રગટ થઈ ગયેલી વાર્તાઓ વિશે પૂછ્યું હતું ત્યારે તેમણે ઉત્તરમાં કહ્યું હતું, ‘ધે આર ઑલ ડૅડ લાયન્સ.’ (એ બધા મરેલા સિંહો છે). સિંહો, મગતરાં નહીં. અર્થાત્‌ તેમને લખાઈ ને પ્રગટ થઈ ગયેલી પોતાની કૃતિઓ વિશે વાતો કરવામાં બહુ અભિરુચિ નહોતી. વળી મેં મારા લેખમાં ક્યાંય કહ્યું નથી કે અભુ મકરાણી મડિયાની શ્રેષ્ઠ કે બળૂકી કૃતિ છે. ‘વાતમાં અભુનો પ્રવેશ પ્રારંભે જ છે, પણ ફિલ્મમાં તે ૪૦ મિનિટે (એટલે કે એક તૃતીયાંશ ફિલ્મ બાદ) પ્રવેશે છે.’ સરતચૂકના તેમના આ મુદ્દામાં ગુણવંતભાઈએ મેં કહેલી વાતને જ દોહરાવી છે. બાબુભાઈ રાણપુરાને મેં ‘ઢોલી ઢોલ રે બજાડ મેરે ગીત કે લિયે’ ગરબાના સૂત્રધાર ગણીને ગાયક-ગીતકાર ગણી જ લીધા છે. વાચકોએ નોંધ્યું હશે તેમ મારી સાહિત્યથી સિનેમાની રૂપાંતરની ચર્ચામાં આવી ઘણી વિગતોને હું પ્રાધાન્ય નથી આપતો કારણ કે રૂપાંતરની તાત્ત્વિક પ્રક્રિયામાં તેની ભૂમિકા બહુ અગત્યની નથી હોતી. એટલે જ પાર્શ્વભૂમાં સંભળાતા ‘દેખો સખી હરી હરી ચૂનરી લહેરાયે’ ગીતમાં ‘હરી હરી’ની જગ્યાએ ‘લાલ લાલ’ શબ્દો ગવાયા છે તેને મેં સંદર્ભ્યા નથી કારણ કે રંગો વિશેની ફિલ્મ-દિગ્દર્શકની બૃહદ ફિલસૂફી કે દૃષ્ટિ પર મેં વધારે ભાર મૂક્યો છે. પ્રારંભમાં આવતાં ગધેડા અને ભરવાડનાં પાત્રોને (સાધારણ રીતે કચ્છ કાઠિયાવાડના બારોટની ગધેડા સાથે આપણે કલ્પના નથી કરતા) હું ખરેખર પેસ્ટોરલ (Pastoral, ગોપકાવ્ય) કે Pastorale, ગોપનૃત્યના મેટાફર તરીકે લેવાનું વિચારતો હતો. ખરું કહું તો મારા માટે ભરવાડ કે બારોટ(ના કિરદાર) કરતાં ગધેડું વધારે અગત્યનું હતું. અને આ વાત કદાચ મારી ‘મિર્ચ મસાલા’ ફિલ્મ અને હાઈબ્રિડિટીની દલીલને પણ બંધબેસતી થાય છે. ગધેડું જોઈને મારા સ્મૃતિપટ પર આ પ્રાણીને ઉદાત્તતા બક્ષતી કેટલીક ફિલ્મકૃતિઓ ઊપસી આવેલી (દા. ત., રોબેર બ્રેસોંની ‘બાલ્થાઝાર’. બાલ્થાઝાર ગધેડાનું નામ છે.) અહીં બે ફિલ્મકૃતિઓ વચ્ચે તુલના કરવાનું કોઈ પ્રયોજન નથી, જસ્ટ થિન્કિન્ગ અલાઉડ! પણ ‘મિર્ચ મસાલા’ ફિલ્મના દિગ્દર્શક એ ‘બારોટ’ સાથે ગધેડું શા માટે પસંદ કર્યું હશે; ઘેટું, બકરું ગાય કે બળદ કેમ નહીં? ખેર, ‘મિર્ચ મસાલા’ને એક પેસ્ટોરલ કે પેસ્ટોરાલ કૃતિ તરીકે જોવાથી કદાચ જુદા ભાવોને પામી શકાય. પણ ફિલ્મમાં આવતા એક દોહા અને વિગતો પ્રત્યે મારું ધ્યાન દોરવા માટે તેમજ ‘પ્રત્યક્ષ’ની મારી રૂપાંતર શ્રેણીમાં ઊંડો રસ લેવા બદલ હું ગુણવંતભાઈનો અંતઃકરણપૂર્વક આભારી છું. તેમણે આપેલી પૂરક માહિતી પણ ઘણી ઉપયોગી નીવડશે. ગરબાના અંતે આવતો છંદ ડીંગળશાસ્ત્રના ચરચરી રાગમાં છે એ માહિતીને પણ હું સાચવી રાખીશ. ખૂબ ખૂબ આભાર ગુણવંતભાઈ.

મુંબઈ, ૧, ઑક્ટોબર, ૨૦૧૨

– અમૃત ગંગર

[ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૧૨, પૃ. ૫૬-૫૭]