‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/સાક્ષર લોકોને જ મનાવવા જોઈએ : કાકા કાલેલકર

Revision as of 03:10, 18 October 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨૧ છ
કાકા કાલેલકર

સાક્ષરલોકોને જ મનાવવા જોઈએ.

આ લિપિ-સુધારાના કામમાં સૌથી મોટી મુશ્કેલી એ છે કે જેમને તેનાથી વધારેમાં વધારે ફાયદો થવાનો છે એવા તો ભવિષ્યના લોકો જ, એટલે આપણાં બાળબચ્ચાં – અને તે તો આજે પોતાનો મત આપી શકવાના નથી. તેમ જ આ લિપિના સુધારાથી જે કરોડો લોકોને લાભ પહોંચવાનો છે, તેઓ પણ નથી આ વસ્તુનો વિચાર કરી શકતા કે નથી પોતાનો મત સુદ્ધાં આપી શકતા. લિપિમાં પરિવર્તન કરવાનો જેમને અધિકાર છે તેઓ ઉંમરમાં એટલા વધી ગયા છે કે ‘પરિવર્તન’ શબ્દ સાંભળતાવેંત જ ધખરાઈ જાય છે. પોતાના ભાઈ-બહેનો અને ઉત્તરાધિકારી એવાં બાળબચ્ચાંઓને આમાં લાભ જ છે, તે આ લોકો જોઈ શકતા નથી. તો પણ આખરે તેમને હાથે જ આ કામ થવાનું છે. આપણા દેશના કરોડો નિરક્ષર લોકોની સગવડ માટે જે ઉપાય કરી શકાય, અને તેમને અક્ષરજ્ઞાન આપવાની પદ્ધતિમાં જેટલી સરળતા ને સુલભતા આણી શકાય તેટલી આણવી જ જોઈએ. નિરક્ષર અને લગભગ મૂક જેવી જનતાની સગવડ તરફ દુર્લક્ષ કરવું, એ રાષ્ટ્રદ્રોહનું પાપ કરવા બરાબર છે. દુઃખની વાત એ છે કે સુધારા કરવા-ન-કરાવાનું જેમના હાથમાં છે, તેઓ તો લિપિ શીખીને તૈયાર થઈ ગયેલા છે. લિપિ શીખવાનો બધો ત્રાસ તેઓ સહન કરી ચૂક્યા છે. હવે એ બધી અગવડની તેમને કલ્પના જ રહી નથી; અને જેમના હિત માટે ફેરફારો સૂચવીએ છીએ તેમને બિચારાઓને મત જ નથી. તેઓ સંગઠિતપણે આ બાબતમાં શી રીતે આગ્રહી બની શકે? એટલે સાક્ષર લોકોને જ મનાવીને તેમના હૈયામાં લાગણી પેદા કરવી જોઈએ. જે લોકો એક કે બીજી લિપિ શીખ્યા છે. અથવા જેઓ માનસિક ઘડપણ ભોગવે છે, તે પોતાની ટેવ છોડવા તૈયાર થઈ શકવાના નથી. તેમને સામાન્ય રીતે એમ લાગે છે કે, આજ સુધી જે ચાલતું આવ્યું છે તેમાં વળી ફેરફાર શું કામ કરવો? તેમની મુખ્ય મુશ્કેલી ટેવની જ છે. ભારતના કરોડો લોકો નિરક્ષર છે, તેમને લાંબા કાળ સુધી રાખવા નથી. કરોડો બાળકોને અક્ષરજ્ઞાન આપવાનું છે. જો આપણી લિપિ જટિલ રહેશે, તો તેથી રાષ્ટ્રની નવી પેઢી ઉપર કેટલો ભયંકર બોજો પડશે, એનો ખ્યાલ આપણે કરવો પડશે. કક્કાના ૪૩૬ અક્ષરો માટે જો અલગ અલગ સંજ્ઞા હોત, અલગ અલગ અક્ષરો હોત, તો બાળકોના માથા ઉપર કેટલો ભારે બોજો પડત! પણ સ્વરની નિશાની નક્કી કરીને બારાખડી બનાવવાથી કેટલી થોડી સંજ્ઞાઓથી આ ૪૩૬ અક્ષરો બાળકો શીખી લે છે! આ રીતે બધા અક્ષરો માટે વર્ણો જેવી શાસ્ત્રીય વ્યવસ્થા કરવામાં આવે, તો ૨૫ કે ૩૦ લિપિ-ચિહ્નોમાં આપણી આખી વર્ણમાળા આપણે લાવી શકીએ. આપણે લિપિમાં કેટલાક સુધારા કરવા માગીએ છીએ, કેટલીક શાસ્ત્રીયતા લાવવા માગીએ છીએ, અને તેને આજના કરતાં વધુ સહેલી કરવા માગીએ છીએ. જેઓ હજારો વરસથી લિપિ સરખી પણ જાણતા નથી એવા લોકોમાં અક્ષરજ્ઞાનનો પ્રચાર કરવાની દૃષ્ટિએ લિપિમાં સુધારા કરવાની આવશ્યકતા છે. નવા વિદ્યાર્થીઓ અને કરોડો લોકો સહેલાઈથી નવી લિપિ શીખી જાય, એવી સગવડ એમાં હોવી જોઈએ. લિપિ તો માત્ર સંજ્ઞા છે. એટલે એને વિશે કોઈ ખાસ અભિમાન કે આગ્રહ રાખવાની જરૂર નથી. લિપિમાં આપણે જે કાંઈ ફેરફાર કરીએ, તેમાં નીચેનાં તત્ત્વો જળવાવાં જોઈએ : આજે છે તેના કરતાં વધારે સંજ્ઞાઓ શીખવી ન પડે. અને આખી લિપિની રચના આજે છે એના કરતાં સહેલી હોવી જોઈએ. નવી લિપિ સુલભ હોવી જોઈએ. અક્ષરના મરોડ એવા ન હોય કે કલમનો પ્રવાહ વારેઘડીએ અટકે. યુક્તાક્ષરો ઘટક જવામાં સુસ્પષ્ટ અને ઓળખી શકાય એવા હોવા જોઈએ. – કાકા કાલેલકર

(કાલેલકર ગ્રંથાવલિ ભાગ : ૯માંથી ગોપાલ મેઘાણી, મહેન્દ્ર મેઘાણીએ કરી મોકલેલા સંકલનમાંથી કેટલાક અંશો.) [જાન્યુઆરી-માર્ચ, ૧૯૯૮, પૃ. ૩૯-૪૦]