‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘સંદર્ભસૂચિ ૧૯૯૬’ વિશે :

Revision as of 13:40, 18 October 2025 by Meghdhanu (talk | contribs)
૨૩
‘સંદર્ભસૂચિ : ૧૯૯૬’ વિશે

૨૩ ક
[૧]

સૂચિની ઉપયોગિતા તો નિર્વિવાદ છે. વિભાગીકરણ પણ એકંદરે ઉપયોગિતાલક્ષી થયું છે, પણ છેલ્લો વિભાગ સાહિત્યવિવેચન અન્ય (લેખો)માં અન્ય નાખવા જેવું નહોતું અને વિવેચનસંશોધનાદિની ગ્રંથસમીક્ષા પછી એ વિષયના અભ્યાસલેખો મૂકવા જોઈતા હતા એમ લાગે છે. અન્ય (ગ્રંથસમીક્ષા) પછી અન્ય (અભ્યાસલેખો) આવી શકે. આવું કેટલુંક ધ્યાનથી જોતાં તમને ને ભાઈ કિશોર વ્યાસને પણ સૂઝશે. મારો લેખ ‘મેઘાણીનું લોકસાહિત્યવિષયક સંશોધન’ તરીકે ઉલ્લેખાયેલો છે, વસ્તુતઃ લેખમાં ઉપશીર્ષક મૂકેલ છે તે પ્રમાણે એ છે ‘મેઘાણીનું લોકસાહિત્ય વિવેચન’ વિશે. બે વસ્તુનો ભેદ તમે સમજી શકશો. સૂચિમાં લેખોનાં શીર્ષકો આપ્યાં નથી. સમીક્ષિત ગ્રંથોનાં નામ કે લેખનો વિષય દર્શાવ્યો છે. જેમકે, મારા મેઘાણીવિષયક લેખનું શીર્ષક તો છે. ‘હજુએ અનન્ય’. ‘શબ્દસૃષ્ટિ’ની અનુક્રમણિકામાં એ હોવાનું. તો આ પદ્ધતિ થોડી અગવડરૂપ ન બને? શીર્ષક અને વિષય બન્ને આપવા જતાં જગ્યા વધારે રોકાય. પણ એ વિકલ્પ વિચારવા જેવો નહીં? ‘દર્શકની નવી નાટ્યત્રયી’એ લેખનું શીર્ષક જણાય છે. સમીક્ષિત ગ્રંથનું નામ તો જુદું હશે ને? ‘અભિજ્ઞાન જાનકી એક લુપ્ત સંસ્કૃત નાટક’ તો ગ્રંથસમીક્ષા નહીં, અભ્યાસલેખ જ હોવાનું સમજાય છે. ‘ઝવેરચંદ મેઘાણી’ ઉષા જોશીનું પુસ્તક વિવેચનાત્મક છે કે ચરિત્રાત્મક? ‘માણસાઈના દીવા’ને નવલકથાના વિભાગમાં મૂકવામાં પણ કંઈક સરતચૂક થઈ લાગે છે. ‘આઈસ લેન્ડ’ના કવિ જહૉન કાવ્ય-આસ્વાદમાં છે પણ કવિલક્ષી લેખ હોવાનો કરવો ભાસ કરાવે. કૌંસમાં તેની કવિતાનો નિર્દેશ જોઈએ નહીં? નજર કરતાં થોડું દેખાયું તે તરફ ધ્યાન દોર્યું છે પણ એથી સૂચિનું મૂલ્ય ઓછું થતું નથી. કિશોર વ્યાસને હૃદયપૂર્વકનાં અભિનંદન.

૨૪, સત્યકામ, અમદાવાદ-૧૫.

– જયંત કોઠારી

૨૩ ખ [૨]

‘સામયિક લેખ-સૂચિ : ૧૯૯૬’ વિશે મારાં કેટલાંક નિરીક્ષણો આ મુજબ છે. ૧. સાહિત્યિક સામયિકોની સંખ્યા વિશે મર્યાદા રાખવામાં આવી હોવા છતાં ‘કુમાર’, ‘નવનીત-સમર્પણ’, ‘કવિતા’ જેવાં સામયિકોનો સમાવેશ આવકાર્ય ગણાય. ૨. સાહિત્યનાં જે સ્વરૂપોને પસંદ કરીને સૂચિ તૈયાર કરવામાં આવી છે તેનાં સ્વરૂપશીર્ષકોની ગોઠવણ વર્ણાનુક્રમે કરવામાં આવી નથી. ઉ.ત. કવિતા, વાર્તાસંગ્રહ, નવલકથા, આત્મકથા. એટલું જ નહીં પણ સ્વરૂપના પેટાશીર્ષકોમાં પણ આવો ક્રમ જાળવવામાં આવ્યો નથી. ઉ.ત. કવિતા-ગ્રંથસમીક્ષા, કવિતા અભ્યાસ. આમ થવાથી માહિતીની શોધમાં મુશ્કેલી ઊભી થાય છે. ૩. ચરિત્ર વિષયક અને સંસ્મરણાત્મક સ્વરૂપના લખાણોને ગ્રંથસમીક્ષાની સૂચિરૂપે સાંકળેલ છે, જ્યારે તેને આનુષંગિક લેખોનો ઉલ્લેખ શા માટે ટાળવામાં આવ્યો છે તે સમજાતું નથી. ૪. લેખસૂચિના એક શીર્ષક તરીકે ‘નવલકથાઃ સમીક્ષા’ લેવામાં આવ્યું છે એ ખરેખર ‘નવલકથા : ગ્રંથસમીક્ષા’ હોવું જોઈએ એમ લાગે છે. ૫. તૈયાર કરાયેલ લેખસૂચિમાં ગ્રંથસમીક્ષાઓનું પ્રભુત્વ વિશેષ હોઈ, તમામ ગ્રંથસમીક્ષાઓની સ્વરૂપલક્ષી પૃથક્કરણ સાથે વર્ણાનુક્રમ સળંગ ગોઠવણ વધુ ઉપયોગી સાબિત થઈ શકે. ૬. લેખસૂચિની ગોઠવણ જે તે વિષય (અહીં સાહિત્ય સ્વરૂપ) અંતર્ગત લેખનામો અથવા કૃતિવિષયક શીર્ષકોથી કરવામાં આવી છે. આથી કર્તાનામના આધારે માહિતી શોધનાર ઉપયોગકર્તાને સરળતાથી માહિતી ઉપલબ્ધ થતી નથી. ૭. જે તે સ્વરૂપ અંતર્ગત ગોઠવવામાં આવેલ લેખસૂચિમાં વર્ણાનુક્રમનો એકથી વધુ વખત ભંગ થાય છે. આથી તે અંગેની ચોક્કસાઈ અને કાળજી રાખવી આવશ્યક ગણાય. અલબત્ત, કોઈપણ ભાષામાં પ્રકાશિત સાહિત્યને ઉપયોગકર્તા સુધી પહોંચાડવા (૧) જો તે પુસ્તક હોય તો ગ્રંથાલય સૂચિ (લાયબ્રેરી કેટલોગ) અને (૨) જો સામયિકમાં પ્રગટ થયેલ સાહિત્ય હોય તો સાહિત્યસૂચિ યા લેખસૂચિ યા વાઙ્‌મયસૂચિ (બીબલીયોગ્રાફી) વડે દિશાનિર્દેશ કરી. સામગ્રી અને ઉપયોગકર્તાનો સુમેળ સાધી શકાતો હોઈ, કિશોર વ્યાસ દ્વારા તૈયાર કરાયેલ સામયિક લેખસૂચિઃ ૧૯૯૬, ગુજરાતી ભાષા-સાહિત્યમાં રસ અને રુચિ ધરાવનાર જિજ્ઞાસુઓ માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થશે. તેમને અભિનંદન.

ગ્રંથપાલ. શામળદાસ કોલેજ, ભાવનગર-૨

–ભાર્ગવ જાની

૨૩ ગ [૩]

કિશોર વ્યાસે મહેનત લેવી પડે એવું, ને સૂઝવાળું, કામ કર્યું છે. સૂચિ જોતાં જણાયું કે આવી યોજના ગ્રાફ જેવી છે. ગ્રાફના ચડાવ ઉતાર પરથી વિકાસની લાક્ષણિકતાનો ખ્યાલ આવે. એમ આ સૂચિ સૂચવી જાય છે કે કેવાકેવા પ્રકારનાં લખાણો થયાં છે – શેના પર વધુ ભાર રહ્યો છે ને શેના પર ઓછો... એમ કહીએ કે, ગયા વર્ષે ગૂર્જર વિવેચકે-અવલોકનકારે કેવું પર્ફોર્મન્સ કર્યું, તો જુઓ આ સૂચિ! બીજો ખ્યાલ એ આવે છે કે કેટલા લેખકો સક્રિય રહ્યા છે. પીએચ.ડી., એમ.ફીલ. કરતા વિદ્યાર્થીઓને પણ આ સૂચિ મદદરૂપ થશે... આ બધું ખરું. પણ મુખ્ય વાત તો એ કે અભ્યાસીઓને એ કેટલી બધી ઉપયોગી છે! ગત વર્ષનાં સામયિકોમાંથી જે કંઈ કામનું, મહત્ત્વનું વાંચવું બાકી રહી ગયું હોય એ જોઈ વાંચી લેવામાં પણ આ સૂચિની મદદ ઓછી નહીં હોય. કિશોર વ્યાસે શગ સંકોરવાનું અભિનંદનીય કામ કર્યું છે. ‘પ્રત્યક્ષ’ના સંપાદક નવીન યોજનાઓ માટે પંકાયેલા છે એટલે કિશોર વ્યાસનો ઉપયોગી પરિશ્રમ આમ મૂર્ત થયો. ‘પ્રત્યક્ષ’ હવે શિરસ્તારૂપે દર વર્ષે આવી સૂચિ – આ વખતે તૈયાર મળી એમ ન મળે તો પણ તૈયાર કરાવડાવીને વાચકોના દિલ-દિમાગને બહેલાવશે, મૂલ્યવાન સામગ્રી સંપડાવશે, એવી અપેક્ષા રાખીએ જ.

૩. સુભાષનગર. રૈયા રોડ, રાજકોટ -૧

– મધુ કોઠારી

૨૩ ઘ [૪]

એપ્રિલ-જૂન ૧૯૯૭ના અંકમાં, કિશોર વ્યાસે તૈયાર કરેલી ‘સંદર્ભસૂચિઃ ૧૯૯૬’ની ખૂબ જ ઉપયોગી કાર્ય બન્યું છે. બધાં નહીં, છતાં લગભગ સર્વ અગત્યનાં સાહિત્યસામયિકો પસંદ કરીને એમાંથી વિષય-વિભાગ મુજબની કૃતિ/લેખક્રમાનુસાર કરેલી આ સૂચિ કર્તાક્રમાનુસારી સૂચિ-વિભાગને સમાવતી નથી છતાં એની ઉપયોગિતા બહુ ઘટતી નથી કેમકે, વાર્ષિક સૂચિમાં એવાં વિભાગો, શ્રમ અને પાના વધે એના પ્રમાણમાં તો, થોડાક ઓછા કામના રહે. કૃતિઓની સૂચિમાં એના લેખકે આપેલા લેખ-શીર્ષકને બદલે કૃતિનામ પસંદ કર્યું છે એમાં પણ કિશોર વ્યાસની સૂઝ દેખાય છે. કેમકે આખરે તો કૃતિસંદર્ભ જ અભ્યાસીને માટે વધુ અગત્યનો છે (ને એક કૃતિ-વિશે એકથી વધારે લેખો એકસાથે પ્રાપ્ત થાય છે એ વધારાનો લાભ છે); કૃતિવિષયક લેખશીર્ષકોનો અકારાદિક્રમ કૃતિને શોધવામાં ઊલટી અગવડ ઊભી કરે; સિવાય કે પાછી અલગ કૃતિસૂચિ પણ આપી હોય. એમની વાત સાચી છે કે બૃહદ વર્ગીકૃત સૂચિને લીધે પાનાં વધે અને પુસ્તિકારૂપ ધારણા કરતી એ સૂચિનું પ્રકાશન જો બેપાંચ વર્ષ પછી થાય (જેમ વિદ્યાપીઠની સૂચિનું થયું) તો એની ઉપયોગિતા શી રહે? આવી સૂચિ તૈયાર કરવા માટે કિશોર વ્યાસને તથા એ પ્રગટ કરવા માટે ‘પ્રત્યક્ષ’ને અભિનંદન.

એમ.ટી.બી. કૉલેજ, સુરત-૧.

– વિજય શાસ્ત્રી

[જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૯૭, પૃ. ૪૯-૫૦]

૨૩ ઘ
કિશોર વ્યાસ
[‘સંદર્ભસૂચિ’ ચર્ચામાં પૂર્તિ]

‘પ્રત્યક્ષ’ના ગયા અંક (જુલાઈ-સપ્ટે.)માં મુકાયેલી સંદર્ભસૂચિ વિશેની ચર્ચાઓની પૂર્તિરૂપે એક-બે વાત મૂકવાનું અહીં મનમાં છે. એક જ વર્ષના સાહિત્યિક સામયિકોમાંથી સાહિત્યના જિજ્ઞાસુઓ, અભ્યાસીઓને ઉપયોગી થાય એવી લેખસામગ્રી (સર્જનાત્મક કૃતિઓ નહીં)ને જ અહીં ધ્યાન પર લાવવાની મનમાં એક સ્પષ્ટ સમજ હતી શ્રી જયંતભાઈ કોઠારીએ લખ્યું છે તેમ લેખનો વિષય દર્શાવવામાં આવ્યો છે એની પાછળનો ચોક્કસ હેતુ પણ સામગ્રી પરત્વે જ ધ્યાન આકર્ષિત કરવાનો રહ્યો છે. લેખનાં શીર્ષક આપવાનું એટલા માટે ટાળ્યું છે કે એથી કૃતિ કે વિષય તરત સૂચિત ન થાય, એક જ કૃતિ વિશેના એકાધિક લેખોનાં શીર્ષક જુદાં હોય એથી અકારાદિક્રમમાં એ એકસાથે ન આવે. જિજ્ઞાસુ કયા અંકમાં આ પ્રકારનો લેખ છે ત્યાં સુધી પહોંચે પછી એ લેખ શોધવાનું બહુ મુશ્કેલ નથી એમ હું સમજુ છું. આઈસલેન્ડના કવિ જોહાનની કવિતાનો આસ્વાદ ચંદ્રકાન્ત ટોપીવાળાએ ‘ફાર્બસ’માં કરાવ્યો છે પરંતુ એનું શીર્ષક છે. ‘આઈસલેન્ડના કવિ જોહાન’. એમાં કવિપરિચય પણ છે ને કવિતાનો આસ્વાદ પણ. એટલે એ લેખને ક્યાં દર્શાવવો એ પ્રશ્ન થાય. શ્રી ભાર્ગવ જાનીએ ‘કુમાર’, ‘નવનીત-સમપર્ણ’ જેવાં સામયિકોના સમાવેશનો મુદ્દો ઉઠાવ્યો છે પરંતુ, ‘કુમાર’ કે ‘નવનીત સમર્પણ’માં આવતી તમામ સામગ્રીની સૂચિ આપવા જઈએ તો સાહિત્યિક ચર્ચા-અભ્યાસને ચીંધવાનો હેતુ તો અસ્પષ્ટ બને ને! ‘કુમાર’માં આવેલા પક્ષીજગતનો કે ‘નવનીત-સમર્પણ’માં પ્રગટ જીવનલક્ષી લેખોનું પણ એક મૂલ્ય છે પરંતુ એ પ્રકારની સૂચિ કરવાનો કોઈ આશય મનમાં ન હતો. એ સાથે ‘કવિલોક’, ‘ધબક’ જેવાં સામયિકોનો સમાવેશ થવો જોઈતો હતો એ વાત સ્વીકારું છું. કૃતિવિષયક શીર્ષકસૂચિ સાથે કર્તાનામસૂચિ મુકાવી જોઈએ પરંતુ અહીં એની ઉપયોગિતા કેટલી? ચરિત્ર, સંસ્મરણાત્મક લેખોમાં પણ તમે જોયું હશે કે જે લેખો કોઈ ને કોઈ મહત્ત્વનો વિચાર દર્શાવી આપતા હોય, અભ્યાસમાં જેનું કંઈ મૂલ્ય હોય એવા જ લેખોને મેં મૂક્યા છે. આનુષંગિક લેખોમાં એવું જ્યાં જ્યાં નથી જણાયું ત્યાં એને મૂકવાની જરૂરિયાત પ્રમાણી નથી. આ અર્થમાં આ સૂચિ સંપૂર્ણ હોવાનો મારો કોઈ દાવો નથી. કેવળ સાહિત્યક્ષેત્રે થઈ રહેલા મહત્ત્વના અભ્યાસોને નોંધવાનો આ નમ્ર પ્રયત્ન હતો. એમાં જાણી બૂઝીને કેટલુંક છોડી દીધું છે, ને ક્યાંક ઉમેરણ પણ કર્યું છે તે આપણને સૌને ઉપયોગી થાય એવા સ્પષ્ટ પ્રયોજનથી. તે છતાં એમાં રહેલી ત્રુટીઓની જવાબદારી સંપૂર્ણપણે મારી જ ગણાય એ માટે દિલગીરી વ્યક્ત કરું છું. ‘પ્રત્યક્ષ’માં પ્રગટ થયેલા અભ્યાસીઓના આવા પ્રોત્સાહક પ્રતિભાવો સાથે કનુભાઈ જાની, દિનકર ભોજક, નિરંજન રાજ્યગુરુ, રમણિક અગ્રાવત જેવા અનેક મિત્રોએ અંગત રીતે તેમ ‘પ્રત્યક્ષ’ પર પ્રતિભાવો મોકલ્યા છે જે હવે પછીના આવા કામમાં ચોક્કસ મદદરૂપ બની શકશે. ‘પ્રત્યક્ષે’ આ ભૂમિકા રચી આપી એની સાનંદ નોંધ લઉં છું.

કાલોલ; ૧૦-૧૨-૯૭

– કિશોર વ્યાસ

[ઑક્ટોબર-ડિસેમ્બર, ૧૯૯૭, પૃ .૪૦]