ગુજરાતી બાળવાર્તા સંપદા/સો’ણલિયો

Revision as of 07:40, 8 November 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સો’ણલિયો

નાગરદાસ ઈ. પટેલ

‘લાવ તારું સો’ણું’

ફર ફર પવન આવતો હોય, ઉનાળાના દહાડા હોય, આંબાનો છાંયો હોય, માથે કોયલ બોલતી હોય, ને બપોરનો વખત થયો હોય તો કોને ઝોકું ન આવે? ભલભલનાં ડોકાં હાલવા લાગે તો મનુનું શું ગજું? એને બિચારાને પણ એમ જ ઝોકું આવી ગયું. પહેલાં આવ્યાં બગાસાં, પછી આવ્યાં ઝોકાં ને તેની પાછળ ઊંઘ. ઊંઘ બગાસું મોકલે, જા બગાસા તું, તારાથી જો નહિ ઢળે તો ઢોળી પાડીશ હું! ને મનુભાઈએ તો ખાસ્સાં કોપરાં જોખવા માંડ્યાં. એની બાએ એને તડકે સૂકવેલા ચોખા સાચવવા બેસાડ્યો હતો. હાથમાં વેણની સોટી લઈને એ બેઠો હતો. એણે ઊંઘવા માંડ્યું, ત્યાં તો ત્રણ-ચાર ખિસકોલીઓએ આવીને ચોખાની ઉજાણી કરવા માંડી. ખાતી જાય, કૂદતી જાય ને પૂંછડી હલાવતી જાય. ખિલ-ખિલ-ખિલ હસતી જાય. એની બાએ દૂરથી જોયું તો મનુ આંબાને થડિયે અઢેલીને ઊંઘે છે, ને ખિસકોલીઓ ચોખાની ચટણી કરે છે. મનુની બાનો સ્વભાવ ચીડિયો હતો. જરા જરામાં ગરમ થઈ જાય. મનુની ગફલત જોઈ એને ખૂબ જ ગુસ્સો ચઢ્યો. એ દોડી આવીને મનુને ઢંઢોળવા લાગી. આંખો ચોળતો મનુ જાગ્યો. ‘અરરર! મારું મઝાનું સો’ણું બગાડ્યું!’ ‘અરે વાહ રે સો’ણાવાળા! અહીં બધા ચોખાની ચટણી થઈ ગઈ ને ભાઈને સ્વપ્નાં આવે છે! તને તે ચોખા સાચવવા બેસાડ્યો છે કે કોપરાં જોખવા? શું સો’ણું આવ્યું હતું?’ મનુને એની બાએ સવાલ કર્યો એટલે એણે કહેવા માંડ્યું : ‘સ્વપ્નું તો બહુ મોટું હતું; પણ મને એટલું યાદ છે કે રાજાજીના રત્નજડિત સિંહાસન ઉપર આપણા રામ બેઠા છે ને એક બાજુ સૂરજ ને બીજી બાજુ ચાંદો ઝગમગે છે. પગ આગળ શુક્રનો તારો ઝબૂકે છે, ને દરબાર આખો ભરાયો છે –’ ‘વાહ ભાઈ, વાહ! તારું સો’ણું તો ભારે મઝાનું. મને ઘણું ગમી ગયું. લાવ તારું સો’ણું–’ મનુની બાએ બૂમ મારી. ‘સો’ણું તે કંઈ અપાતું હશે?’ મનુએ કહ્યું. અપાય તોય આપ ને ન અપાય તોયે આપ. લાવ, નહિ તો મારું!’ અને મારવાની વાત આવી એટલે મનુ તો મૂઠીઓ વાળીને જાય નાઠો. આગળ મનુ ને પાછળ એની બા. બેઉ જણ જાયરે નાઠાં. મનુ તો ક્યાંનો ક્યાં નીકળી ગયો ને એની બા પાછળ પડી ગઈ. મનુ દોડતો હતો ત્યાં એને રાજાજી સામા મળ્યા. એ એકલા ફરવા નીકળ્યા હતા. દખ્ખણ દેશના એ મહારાજા હતા. અવારનવાર એ રીતે ફરવા નીકળવાનો એમને શોખ હતો. મનુને હાંફળોફાંફળો જોઈ એમણે ઊભો રાખ્યો ને પોતાની સાથે લઈ ગયા. ધીરે રહીને એમણે એને વાત પૂછી. મનુએ એક પછી એક બધી વાત કહી. એને સ્વપ્નું આવેલું તે કહ્યું અને એ એની બાને ગમી ગયેલું તે પણ કહ્યું. રાજાજીને પણ એનું સ્વપ્ન ગમી ગયું. ‘લાવ તારું સો’ણું.’ એમણે કહ્યું. ‘એ તે કૈં અપાતું હશે?’ ‘અપાય તોયે આપ ને ન અપાય તોયે આપ. લાવ નહિ તો મારીશ!’ ને મનુ તો નાઠો. મૂઠીઓ વાળીને દોટ જ મૂકી. પણ નાસી નાસીને કેટલે નાસે? આ તો રાજાજી હતા. એમની પાસે સિપાઈ હતા, સવાર હતા, ઘોડા હતા, ઊંટ હતાં, ને બધુંયે હતું. હોકારો કરે કે સૌ હાજર. એ કૈ ઓછી એની બા હતી કે બિચારી થાકીને અટકી જાય. રાજાજીએ ઘોડેસવારોને હુકમ કર્યાં. તે પડ્યા મનુની પાછળ અને એને પકડી લાવ્યા. ‘લાવ તારું સો’ણું–’ રાજાજીએ હઠ પકડી. ‘પણ સો’ણું શી રીતે અપાય?’ ‘ન અપાય તો જેલમાં જા.’ ‘ભલે.’ અને મનુ જેલમાં ગયો. એ જેલ જોવા જેવી હતી. આખો દહાડો જાતજાતનું ને ભાતભાતનું શીખવાનું, હરવા-ફરવાનું ને રાતે ભોંયરા જેવી કોટડીઓમાં પુરાવાનું. બહાર જવા-આવવાનું કૈ નહિ. રાજાજીને એક દીકરી હતી. એનું નામ મેના. એણે મનુનું સો’ણું સાંભળ્યું હતું અને એ પણ ખુશ થઈ ગઈ હતી. મનુને જેલમાં મોકલ્યો તે જોઈને એને દુઃખ થયું. મનુની એને દયા આવી. એણે જેલરને મનુને પૂરતી છૂટ આપવા સૂચના કરી. એ પોતે મનુને ખાવાનું પહોંચાડવા લાગી અને ખબરઅંતર પૂછવા લાગી. દિવસે દિવસે મનુએ પોતાનું શરીર કેળવવા પાછળ ધ્યાન આપ્યું. એમ ને એમ ચાર-પાંચ વરસ વહી ગયાં ને મનુ તો ખાસ્સો જુવાનજોધ પહેલવાન થઈ ગયો. રંગ છે રે સો’ણલિયા! રાજા રણમલનો દરબાર ભરાયો હતો. સભામાં સામંતો, શૂરવીરો, અમલદારો, ભાયાતો ને પ્રજાજનો હતા. એવામાં ઓતરાખંડના રાજ ઉદયસિંહનો રાજબારોટ આવી લાગ્યો. એણે મહારાજને ઝૂકીને નમન કર્યું અને બોલ્યો : ‘મહારાજાસાહેબ, ઓતરાખંડના રાજા ઉદયસિંહજીએ આપ નામદારને સરખેસરખી ચાર પંચકલ્યાણી ઘોડીઓ મોકલાવી છે. એમાં મા કઈ, મોટી વછેરી કઈ, વચેટ કઈ ને સૌથી નાની વછેરી કઈ એ પારખીને આઠ દિવસમાં કહેવરાવવાની વિનંતિ કરી છે. આપનો દરબાર એનો ખુલાસો ત્યાં સુધીમાં ન કરી શકે તો આપનાં રાજકુમારી મેનાવતીને અમારા રાજાજીના ખાંડા સાથે વરાવવાં એમ કહેવાની મને એમણે આજ્ઞા કરી છે.’ રાજાના બારોટને મોઢેથી આ વાત સાંભળી દરબાર આખોય વિચારમાં પડી ગયો. બધાયે બારોટે આણેલી ચારે પંચકલ્યાણી ઘોડીઓ જોઈ. ચારે ઘોડી રૂપ રંગ ને દેખાવમાં એક જ સરખી. ચારેની ટેવો પણ જુદી નહિ, અને ચારે એટલી સરસ હતી કે એનો જોટો મળવો મુશ્કેલ. સૌ ગૂંચવાડામાં પડી ગયા કે આની પરીક્ષા શી રીતે કરવી? કોઈની હિંમત ચાલી નહિ. એક પછી એક દિવસો જવા લાગ્યા ને રાજાજીની મૂંઝવણ વધવા માંડી. મેનાએ વાત સાંભળી. એણે મનુને કહી અને શું કરવું તે પૂછ્યું. મનુએ વિચાર કરીને કહ્યું : ‘રાતના વખતે એ ચારે ઘોડીઓને જુદાજુદા તબેલામાં પૂરવી અને ખૂબ ચંદી ખવરાવવી. ચંદીમાં પૂરતા પ્રમાણમાં મીઠું નાખવું રાતના જરાયે પાણી પાવું નહિ. સવારમાં ચારે ઘોડીના તબેલા સાથે ઉઘાડવા. એ બધામાં જે સૌથી પહેલી નીકળે ને આગળ ચાલે તે મા, તેને જોઈને જે તરત જ બહાર આવે તે સૌથી નાની વછેરી પછીથી આવે તે વચેટ, ને છેલ્લી આવે તે મોટી વછેરી. આ એ વાતનો ખુલાસો છે.’ એ સાંભળીને મેના ખૂબ રાજી થઈ. એને ઓતરાખંડના રાજા સાથે પરણવું જ ન હતું. એણે રાજાજીને વાત કરી. રાજાજીએ રાતના વખતે ચારે ઘોડીને જુદા જુદા તબેલામાં પુરાવી. ને સારી રીતે મીઠું નાખીને ચંદી ખવરાવી. રાત્રે પાણી આપવાની બંધી કરી. સવારે ચારે તબેલા સાથે ઉઘડાવ્યા એટલે પીઢ સ્વભાવની ઘોડી પહેલી બહાર આવી. એને બહાર નીકળેલી જોઈ બીજી ઘોડી નાચતીકૂદતી બહાર આવી ને તે પછી ત્રીજી બહાર નીકળી, તે જરા ઠરેલ હતી ને છેવટે આવી તે વધારે ઠરેલ હતી. ચારેની રીતભાત ઉપરથી જ ઘટતો ખુલાસો થઈ જતો હતો. રાજાજીએ દરબાર ભરીને બારોટને ઘટતો ખુલાસો કર્યો ને ઓતરાખંડના રાજાને જવાબ આપ્યો. ઉદયસિંહને ઘટતો જવાબ મળવાથી એને આનંદ થયો કે રાજા રણમલના દરબારમાં પણ રત્નોનો અભાવ નથી. એણે રાજકુમારી મેનાવતીનાં રૂપગુણની પ્રશંસા સાંભળી હતી, અને એ ઉપરથી કુંવરીનું માગું કરવાનું એને મન થયું હતું; પણ સીધી રીતે માગું કરવાને બદલે એણે દરબારની પરીક્ષા લેવાને ઉપર જણાવ્યા પ્રમાણે યુક્તિ કરી હતી. હવે એણે બીજો રસ્તો લીધો. એક મહા ભારી બાણ એણે છોડાવ્યું, તે દખ્ખણ દેશના રાજા રણમલના દરબારમાં જઈને પડ્યું. દરબારના ચોકમાં સરર કરતું બાણ આવ્યું ને ફરસબંધીમાં પેસી ગયું. એને છેડે એક કાગળ બાંધેલો હતો. એમાં લખ્યું હતું કે આ બાણ અમારા દરબારમાં પાછું ફેંકાવજો અને એવો બાણાવળી તમારે ત્યાં ન હોય તો મેનાકુમારીને અમારા ખાંડા સાથે પરણાવવાની તૈયારી કરજો. કાગળ વાંચીને દરબારના બધાયે શૂરવીરો, સરદારો, ગરાસિયા ને વાંટાદાર, ભાયાતો ને સેનાનીઓ સૌ મથ્યા પણ કેમે કર્યું એ બાણ નીકળે જ નહિ. પથ્થર ફાડીને એ એટલું ઊંડું ઊતરી ગયેલું કે કોઈથી એ નીકળી શક્યું નહિ. રાજકુમારી મેનાને એ વાતની ખબર પડી. બીજે દહાડે એણે મનુને વાત કરી. મનુ કહે : ‘એમાં શું? મને જરા બહાર કાઢો ને. પછી હું ખેંચી કાઢીશ.’ અને બેઉ જણે નક્કી કર્યું કે રાતના વખતે મેનાકુમારીએ દોરડું લટકાવીને મનુને બહાર કાઢવો ને એણે એ બાણ ખેંચી કાઢવું ને પાછા પોતાના ભોંયરામાં પુરાવું. એ રીતે મેનાવતીએ દોરડું લચકાવીને મનુને બહાર કાઢ્યો. બેઉ જણ દરબાર ગઢના ચોકમાં ગયાં અને મનુએ બાણ ખેંચી કાઢ્યું. સારાયે દરબારમાં ભારે રસાકસી જામી. કોણે કાઢ્યું ને કોણે નહિ તે શી રીતે ખબર પડે! કોણ ખરું ને કોણ નહિ તે શી રીતે સમજાય? મેનાકુમારી ચોક પાછળ બેઠીબેઠી આ ગમ્મત જોતી હતી. એને ભારે મઝા પડી. છેવટે રાજાએ સૂચના કરી. ‘જેણે એ બાણ ખેંચ્યું હોય તેણે એને ઓતરાખંડના રાજા ઉદયસિંહ દરબારમાં ફેંકવું. જે કોઈ એ રીતે ફેંકી શકશે તેની સાથે હું મેનાકુમારીને પરણાવીશ.’ સૌ કોઈ જોઈ રહ્યા. બધાયે ફડાકીદાસનાં મોઢાં સિયાંવિયાં થઈ ગયાં! કોની તાકાત હોય કે બાણ ઉપાડીને આ રીતે ફેંકી શકે! મેનાએ રાજાજીને કહેવરાવ્યું કે : ‘એ કામ પેલા સો’ણાવાળા મનુનું છે માટે એને બોલાવો.’ ‘વાહ રે સો’ણલિયા!’ કહીને રાજાજીએ મનુને બોલાવવાનો હુકમ કર્યો. મનુ આવ્યો. એણે શસ્ત્રગારમાંથી એક મોટું જૂના વખતનું ધનુષ મંગાવ્યું ને તેની પણછ ચઢાવી બાણ છોડ્યું. સણસણાટ કરતું બાણ જઈને પડ્યું ઓતરાખંડના રાજાના દરબારમાં. સૌ આંખો ફાડીને જોઈ રહ્યા. ‘રંગ છે રે! સોણલિયા રંગ છે!’ બારોટે હોંકારો દીધો. રાજા રણમલે તપાસ કરાવી તો બાણ બરાબર ઉદયસિંહના દરબાર ચોકમાં ઊંડું ઊતરી ગયું હતું. એમણે ઘડિયાં લગ્ન લેવરાવ્યાં ને મેનાકુમારીને મનુ સાથે પરણાવી. બેઉના આનંદનો પાર ન રહ્યો. સો’ણલિયાના નામનો ડંકો વાગ્યો. સૌ કોઈ એનાં ગુણગાન ગાવા લાગ્યું.