ગુજરાતી બાળવાર્તા સંપદા/પંખી રે પંખી

Revision as of 09:55, 8 November 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઢબ્બુની કિંમત

રમણલાલ પી. સોની

દરિયાની વચમાં એક બેટ હતો. બેટ પર પંખીઓનો વાસ હતો. એક વા૨ એક યુવાન પંખીએ દરિયામાં વહાણ જતું જોયું. પંખી ઊડીને વહાણના કૂવાથંભ ૫૨ જઈને બેઠું. વહાણ ધસમસતું ચાલી જતું હતું. પંખી કહે : ‘વાહ, આ તો મજાનું ! પાંખો હલાવ્યા વિના ઊડવાનું !’ ખલાસીઓ પંખીને જોઈ કહે : ‘પંખી રૂપાળું છે, ભલે બેઠું. આપણે રાજાને એ ભેટ ધરશું; રાજા ઈનામ દેશે.’ આમ સવારથી સાંજ થઈ. પંખીએ પોતાની નાતનાં કેટલાંક પંખીઓને આકાશમાં ઊડતાં જતાં જોયાં – એ બધાં ઘર તરફ જતાં હતાં. પંખીએ એમને રામ રામ કર્યાં. પંખીઓએ કહ્યું : ‘અરે, તું અહીં કેમ બેઠું છે ? તારે ઘેર નથી આવવું ?’ પંખીએ કહ્યું : ‘ઘર તો રોજ છે, આવી મફતની મોજ ફરી ક્યાં મળવાની ? જુઓને, જરીકે તકલીફ વગર હું સફર કરું છું.’ પંખીઓએ પૂછ્યું : ‘તું ક્યાં જાય છે ? તને કોણ લઈ જાય છે ?’ પંખીએ કહ્યું : ‘મારે સફર સાથે કામ, કોણ સફર કરાવે છે તે જાણીને શું કામ ?’ પંખીઓએ કહ્યું : ‘જો ભાઈ, જેના કુળઅકુળની કે નામઠામની આપણને ખબર ન હોય એનો વિશ્વાસ ન કરવો એવું શાસ્ત્રમાં કહેલું છે.’ પંખીએ તિ૨સ્કા૨થી કહ્યું : ‘કહ્યું હશે કોઈ બીકણે !’ પંખીઓ ચાલી ગયાં. વહાણ દૂર દેશાવર પહોંચી ગયું. ખલાસીઓ કહે : ‘હે પંખી, રાજાનો દરબાર તારે જોવો છે ? તો ચાલ અમારી સાથે !’ પંખીને આ ગમ્યું. તે રાજાના દરબારમાં પહોંચ્યું. ખલાસીઓએ રાજાને કહ્યું : ‘મહારાજ, આ રૂપાળું પંખી અમે આપને ભેટ ધરીએ છીએ.’ પંખીને જોઈ રાજા ખુશ થયો. પંખીને હવે ખબર પડી કે મફતની મોજ કરવા જતાં હું કેદ થઈ ગયું છું. રાજાએ કહ્યું : ‘પંખી, એક ગીત ગા, ને અમને ખુશ કર !’ પંખીએ કહ્યું : ‘કોઈના હુકમથી ગાવાની મને ટેવ નથી.’ રાજાએ કહ્યું : ‘તો નૃત્ય કર !’ પંખીએ કહ્યું : ‘હું કોઈના હુકમથી નૃત્ય કરતું નથી.’ રાજાએ કહ્યું : ‘હું તને ઈનામ આપીશ, તારી ચાંચ સોને મઢાવીશ.’ પંખીએ કહ્યું : ‘મારી ચાંચ જેવી છે તેવી મને ગમે છે.’ રાજાએ કડક સ્વરે કહ્યું : ‘પંખી, મારો હુકમ નહિ માની તું મારું અપમાન કરે છે.’ પંખીએ કહ્યું : ‘મને કોઈનું અપમાન કરતાં આવડતું નથી. હું માત્ર મારું માન જાળવું છું.’ હવે રાજાએ કહ્યું : ‘પંખી, તું ગા, તું નૃત્ય કર ! હું તને ‘પંખીકુલ-ભૂષણ’નો ખિતાબ આપીશ. તારું માન ખૂબ વધી જશે !’ પંખીએ કહ્યું : ‘ભગવાને મને પંખીનો ખિતાબ આપ્યો છે એ જ મારે મન સૌથી મોટો ખિતાબ છે. બીજા કોઈ ખિતાબની મારે જરૂર નથી.’ હવે રાજાના હુકમથી પંખીને પાંજરામાં પૂરવામાં આવ્યું. પાંજરું સોનાનું હતું; એમાં ખાવા-પીવાનું હતું. સ્નાન માટે સુગંધીદાર જળ હતું. પણ પંખીએ ન સ્નાન કર્યું, ન ખાધું, ન પીધું, ન ગાયું, ન નૃત્ય કર્યું. રાજમહેલની બારીમાંથી દેખાતા દરિયા ભણી એ જોઈ રહ્યું, બસ, જોઈ જ રહ્યું. એક દિવસ દરિયા ભણી જોતાં તેનાથી રડી પડાયું. એ રોતાં રોતાં કહે : મારાં માતાજીને કહેજો, સાગ૨રાજ ! મારા પિતાજીને કહેજો, સાગ૨રાજ ! કે બાળુડો તમારો ન ઊંઘે, ન જાગે, બાળુડો તમારો નથી ખાતો, નથી પીતો ! મારાં બંધુડાંને કહેજો, સાગ૨રાજ ! મારાં બહેનીબાને કહેજો, સાગ૨રાજ ! કે ભઈલો તમારો રાજાને મહેલ, ભઈલો તમારો સોનાની જેલ ! કે ભઈલો તમારો રોતો રોતો ગાય, કે ભઈલો તમારો આંસુડે ન્હાય ! બોલતાં બોલતાં પંખીની આંખોમાંથી ટપ દઈને એક આંસુ ખર્યું ન ખર્યું એવું દડ દડ દડ દડ કરતું એ રાજાના મહેલમાંથી નાઠું ને સીધું દરિયામાં જઈને પડ્યું. તરત એક નાનકડા મોજાએ એને પોતાના ખોળામાં ઝીલી લીધું ને ધીમેથી ઢબૂરીને સુવાડી દીધું. પછી એ મોજાએ દરિયામાં દોટ મૂકી. તે સીધું પંખીના દેશમાં પહોંચી ગયું. પંખીનાં મા-બાપ અને ભાઈઓ, બહેનો બધાં પંખીના શોકમાં ઝૂરતાં હતાં. મોજાએ આવીને એમના પગ પખાળ્યા અને પોતાના ખોળામાં સૂતેલા અશ્રુબિંદુને વહાલ કરી જગાડી પંખીની માતાના ખોળામાં મૂકી દીધું. માએ તેને છાતીએ ચાંપ્યું, ત્યાં એ અશ્રુબિંદુના કંઠમાંથી ગીત નીકળ્યું :

મારાં માતાજીને કહેજો, સાગરાજ !
મારા પિતાજીને કહેજો, સાગ૨રાજ !
કે બાળુડો તમારો ન ઊંઘે, ન જાગે,
બાળુડો તમારો નથી ખાતો, નથી પીતો !
મારાં બંધુડાંને કહેજો, સાગરરાજ !
મારાં બહેનીબાને કહેજો, સાગ૨રાજ !
કે ભઈલો તમારો રાજાને મહેલ,
ભઈલો તમારો સોનાની જેલ !
કે ભઈલો તમારો રોતો રોતો ગાય,
કે ભઈલો તમારો આંસુડે ન્હાય !

આ સાંભળીતાં જ મા-બાપ બોલી ઊઠ્યાં : ‘મારો બાળુડો !’ ભાઈ-બહેન બોલી ઊઠ્યાં : ‘મારો ભઈલો !’ ત્યાં તો મોજાએ કહ્યું : ‘હાલ્યાં આવો મારી પાછળ પાછળ !’ અને પંખીનાં મા-બાપ અને ભાઈઓ-બહેનો મોજાની પાછળ-પાછળ પંખીને મળવા ચાલી નીકળ્યાં. આ તરફ પંખી રાજાના મહેલમાં સોનાના પાંજરામાં પડેલું છે, પણ નથી ખાતું, નથી પીતું, નથી ગાતું, નથી હરખાતું ! રાજાએ કહ્યું : ‘અરે પંખી, તું નૃત્ય ન કરે તો કંઈ નહિ, તું જરી ગા !’ પંખીએ માથું ધુણાવ્યું. રાજાએ કહ્યું : ‘પંખી રે પંખી, તું ન ગાય તો કંઈ નહિ, તું જરી પી !’ પંખીએ માથું ધુણાવ્યું. રાજાએ કહ્યું : ‘પંખી રે પંખી, તું ન ખાય તો કંઈ નહિ, તું જરી ન્હા !’ પંખીએ માથું ધુણાવ્યું. રાજાએ કહ્યું : ‘પંખી રે પંખી, તું ન પીએ તો કંઈ નહિ, તું જરી પાંખો ફફડાવ !’ પંખીએ પાંખો ફફડાવી. રાજા ખુશ થયો. રાજાએ કહ્યું : ‘પંખી રે પંખી, તું જરી પાંજરામાંથી બહાર આવ !’ રાજાએ પાંજરું ઉઘાડ્યું, પંખી બહાર આવ્યું. રાજા રાજી થયો. રાજાએ કહ્યું : ‘પંખી રે પંખી, તું જરી ઠેક !’ પંખીએ થનગન થનગન ઠેકડા માર્યા. રાજા પ્રસન્ન થયો. રાજાએ કહ્યું : ‘પંખી રે પંખી, તું જરી બારી પર બેસ !’ પંખી રાજમહેલની બારીમાં બેઠું ! રાજા રાજી રાજી થયો. તેણે કહ્યું : ‘પંખી રે પંખી, હવે તારે જવું હોય ત્યાં જા !’ પંખી ઊડીને દરિયાકાંઠે ગયું. એની પાછળ રાજા પણ દોડતો દોડતો ગયો. પગમાં જોડા પહેરવાયે એ થોભ્યો નહિ, શરીર પર રાજાનો ડગલોયે નહિ ને માથા પર રાજાનો મુગટ પણ નહિ ! બરાબર તે જ વખતે પેલું મોજું ત્યાં આવી પહોંચ્યું – ઝટઝટ દરિયાકિનારાની રેતમાં ફીણની શાહીથી એણે લખી નાખ્યું : ‘તારાં મા-બાપને પગે લાગ ! ભાઈઓ-બહેનોને ભેટ !’ ત્યાં તો આકાશમાંથી પંખીનાં મા-બાપ અને ભાઈઓ-બહેનો નીચે ઊતરી આવ્યાં. બધાં પંખીને વહાલથી ભેટ્યાં. સઘળે આનંદ આનંદ થઈ રહ્યો. બધાંએ એક સાથે ગાવા-નાચવા માંડ્યું. રાજાના સુખનો પાર ન રહ્યો. ગીત ગાતું ગાતું પંખી મા-બાપ અને ભાઈ-બહેનોની સાથે દેશ ભણી ચાલી નીકળ્યું. તે જોઈ રાજાની આંખોમાં હરખનાં આંસુ આવ્યાં. તે બોલ્યો : ‘પંખી રે પંખી, તને સુખી જોઈ આજે મારા સુખનો પાર નથી.’