ગુજરાતી બાળવાર્તા સંપદા/બાપા, જામફળ !
રમણલાલ પી. સોની
એક હતો સસલો. એનું નામ છોટુ. પણ કોઈ છોટુ કહે તો એને ખોટું લાગતું. એક વાર જેમંગલ હાથી કહે : ‘એ..ઈ છોટુ –’ તરત છોટુ કહે : ‘છોટુમિયાં કહો. મોટા થઈને તમે બીજાને માનથી નહિ બોલાવો તો તમને મોટા કોણ કહેશે ?’ હાથી માથું હલાવીને કહે : ‘વાત તો તમારી ખરી, છોટુમિયાં !’ આવા હતા એ છોટુમિયાં.
*
છોટુમિયાંને વેપાર કરવાનું મન. તેમણે શીમળાના ઝાડ હેઠળ જામફળ વેચવાની દુકાન કરી. ગામનાં અને સીમનાં બધાં જાનવ૨ એમની દુકાને માલ લેવા આવે. વાઘ આવે, વરુ આવે, હાથી આવે, ઊંટ આવે, ઘોડો આવે, ગાય આવે, વાંદરો આવે અને શિયાળ પણ આવે ! છોટુમિયાંની દુકાને એક જ ભાવ ! છોટુમિયાં કોઈને છેતરે નહિ ! એક દિવસ ગલબો શિયાળ આવીને કહે : ‘છોટુમિયાં, મારે અડધા રૂપિયાનાં જામફળ જોઈએ છે. કેટલાં આપશો ?’ છોટુમિયાં કહે : ‘પચાસ.’ ગલબો કહે : ‘એકાવન આપો તો લઉં !’ છોટુમિયાં કહે : ‘જી, ના ! મારી દુકાને એક જ ભાવ છે !’ ગલબો કહે : ‘ઠીક. તો પૂરાં પચાસ જામફળ ગણી દો !’ છોટુમિયાંએ પચાસ જામફળ ગણી દીધાં. ગલબાની આખી થેલી ભરાઈ ગઈ. થેલી ખભે નાખી ગલબો કહે : ‘લો, આ અડધો રૂપિયો !’ છોટુમિયાંએ જોયું તો સિક્કો ઘસાયેલો હતો. છોટુમિયાં કહે : ‘ગલબાજી, આ સિક્કો નહિ ચાલે, બીજો આપો !’ ગલબો ડોળા કાઢી કહે : ‘નહિ કેમ ચાલે ? ચાલશે !’ છોટુમિયાં કહે : ‘એ ઘસાયેલો છે !’ ગલબો કહે : ‘ચૂ... ૫ !’ આમ કહી એ માલ લઈને ચાલી ગયો. ગલબાના ગયા પછી છોટુમિયાં કાન ફફડાવી, મૂછો આમળી કહે : ‘મારી મૂછોના સમ ! આજે મારો માલ તું મફતમાં લઈ જાય છે, પણ કાલે તારી વાત છે ! તારી પાસેથી આ અડધો રૂપિયો વસૂલ ન કરું, તો મારું નામ છોટુમિયાં નહિ ! આ છોટુમિયાં કદી કોઈને છેતરતો નથી, તેમ એ કદી કોઈથી છેતરાતો નથી એ લખી રાખજે, બૂચા !’
*
ગલબાનાં છોકરાંને જામફળ બહુ ભાવી ગયાં. બીજે દિવસે દશે છોકરાંએ રઢ લીધી : ‘બાપા, જામફળ ! બાપા, જામફળ !’ ગલબાએ મિજાજ ખોઈ છોકરાંને ધોલધપાટ કરી. પણ એથી તો છોકરાંએ રોકકળ કરી મેલી. છેવટે ગલબીથી રહેવાયું નહિ. તે બોલી : ‘છોકરાંને જામફળ બહુ ભાવે છે, તો જરી છોટુમિયાંની દુકાનેથી લઈ આવો ને ! પણ આ વખતે પાવલી-અડધાનાં નહિ, પૂરા રૂપિયાનાં જ લાવજો !’ હવે શું થાય ? ગલબો થેલો લઈને છોટુમિયાંની દુકાને ગયો. પછી કહે : ‘જામફળનો શો ભાવ છે ?’ છોટુમિયાં કહે : ‘પાવલીનાં પચીસ !’ ગલબો કહે : ‘પાવલીનાં કોણે પૂછે છે ? અમે સામટાં ખરીદવાવાળા છીએ ! રૂપિયાનાં કેટલાં ?’ છોટુમિયાં કહે : ‘રૂપિયાનાં સો !’ ગલબો રૂઆબથી કહે : ‘તો સો જામફળ ગણી દે !’ છોટુમિયાં કહે : ‘પહેલાં પૈસા, પછી માલ ! મારી દુકાનનો એ ધારો છે !’ ‘તો પહેલા પૈસા લે !’ આમ કહી ગલબા શિયાળે છટાથી છોટુમિયાંના હાથમાં રૂપિયો ધરી દીધો. છોટુમિયાંએ જોયું તો ગાંધીછાપનો રૂપિયો હતો – સાવ સાચો ! ગલબો થેલી ધરીને ઊભો. છોટુમિયાં એમાં જામફળ નાખતા ગયા ને ગણતા ગયા : ‘૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭ –’ ગણતાં ગણતાં અટકી જઈ કહે : ‘હેં ગલબાચાચા, તમારાં સાતે છોકરાં મજામાં ને ?’ ગલબો કહે : ‘સાત નહિ, દશ ! બોલ, કેટલાં ? દશ ! હં બોલ, દશ. છોટુમિયાં કહે : ‘હા, દેશ !’ પછી છોટુમિયાં થેલામાં જામફળ નાખતાં કહે : ‘આ ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮, ૧૯, ૨૦, ૨૧ –’ ગણતાં ગણતાં વળી અટકી પડી છોટુમિયાં કહે : ‘હેં ગલબાચાચા, પેલે દી તમે દરાખ ખાવા કૂદેલાને, તે વખતે રાજાએ ખુશ થઈ તમને એકવીસ રૂપિયા ઈનામ આપેલું, ખરું ને ?’ ગલબો કહે : ‘એકવીસ નહિ, એકાવન ! બોલ, કેટલા ? એકાવન ! હં બોલ, એકાવન !’ છોટુમિયાં કહે : ‘હા, એકાવન !’ પછી એણે જામફળની ગણતરી આગળ ચલાવી. ‘આ ૫૧, ૫૨, ૫૩, ૫૪, ૫૫, ૫૬, ૫૭, ૫૮, ૫૯, ૬૦, ૬૧, ૬૨, ૬૩, ૬૪ - હેં ગલબાચાચા, તમે ચોસઠ ગામના ઠાકોર, ખરું ને ?’ એકદમ ખિજાઈ જઈ ગલબો કહે : ‘ચોસઠ નહિ, ચોરાશી ! બોલ, કેટલા ? ચોરાશી હં, બોલ, ચોરાશી!’ છોટુમિયાં કહે : ‘હા, ચોરાશી !’ પછી એમણે ગણતરી આગળ ચલાવી : ‘આ ૮૪, ૮૫, ૮૬, ૮૭, ૮૮, ૮૯, ૯૦, ૯૧, ૯૨, ૯૩, ૯૪, ૯૫, ૯૬, ૯૭, ૯૮, ૯૯ અને આ એકડે મીંડે સો ! લો, ગલબાચાચા, સો જામફળ પૂરાં !’ થેલો ખભે નાખી ગલબો ખુશ થતો થતો ઘેર ગયો. ઘેર ગયા પછી દશે છોકરાંને ગોળ કુંડાળે બેસાડી ગલબો કહે : ‘મારા થેલામાં સો જામફળ છે, અને તમે દશ જણા છો. બોલો, દરેકના ભાગમાં કેટલાં જામફળ આવશે ?’ ગલબાનાં છોકરાં ગણિતમાં હોશિયાર હતાં. બધાંએ જવાબ દીધો : ‘દશ ! દરેકના ભાગે દશ ! અમને બધાંયને દશ-દશ જામફળ આપો, બાપા !’ ગલબો ખુશ થઈ કહે : ‘શાબાશ ! દરેકને દશ ! દરેકને દશ !’ પછી થેલામાંથી કાઢી એ અકેકને દશ-દશ જામફળ દેતો ગયો. પણ આ શું ? પાંચમાને દશ જામફળ ગણી આપતાં થેલો ખાલી થઈ ગયો ! ગલબો નવાઈ પામી ગયો કે સો જામફળનાં પચાસ જામફળ કેવી રીતે થઈ ગયાં ? બાકી રહેલાં પાંચ છોકરાંએ ગલબાનાં નાક, કાન, મૂછો ખેંચી ચીસાચીસ કરી મૂકી : ‘બાપા, જામફળ ! બાપા, જામફળ !’ ગલબી પણ ઊમરામાં આવી ઊભી. કહે : ‘મારો ભાગ ? મનેયે જામફળ બહુ ભાવે છે !’ ગલબો વિચારમાં પડી ગયો હતો. જોરથી માથું ખણી એ કહે : ‘માળું, કંઈ સમજાતું નથી ! એકડે મીંડે સો ! એમ સો જામફળ પૂરાં ગણીને છોટુમિયાંએ મને દીધાં છે, ને ઘરે આવતાં સોનાં પચાસ કેવી રીતે થઈ ગયાં !’ ગલબી હસીને કહે : ‘કેવી રીતે થઈ ગયાં, કહું ? વાટમાં પચાસ જામફળ તમે ખાઈ ગયા !’ છોકરાં કહે : ‘હા, બાપા ! તમે જ ખાઈ ગયા છો ! લાવો અમારાં જામફળ !’ ‘આ લો, ખાઓ !’ કહી ગલબાએ છોકરાં ૫૨ સોટી ચલાવી. ઘરમાં ખરી ધમાધમ થઈ રહી. પણે દુકાનમાં બેઠો બેઠો છોટુમિયાં મૂછો આમળી કહે છે : ‘બંદાની આગળ કોઈની ચાલાકી નહિ ચાલે ! આ છોટુમિયાં કોઈને છેતરતો નથી અને કોઈથી છેતરાતો નથી ! ખરી વાત એ છે કે, જે બીજાને છેતરે છે તે પોતે જ છેતરાય છે ! હું છેતરતો નથી, માટે જ છેતરાતો નથી !’