ગુજરાતી બાળવાર્તા સંપદા/કુબેરના ભંડારની ચોરી
સુશીલા ઝવેરી
અંતરા ચાર વર્ષની હતી ત્યારથી વસ્તુઓ ભેગી કરવાનો એને ભારે શોખ. શાળાના કપાઉન્ડમાંથી નાના નાના પથ્થર, લાદીના નાના ટુકડા, તૂટેલી લાકડી, પડી ગયેલી ઘૂઘરી, કાચના કે પ્લાસ્ટિકના મણકા, બરૂના કિત્તા, તૂટેલી બૉલપેન, બાટલીનાં ઢાંકણાં, તોરણમાંથી તૂટી ગયેલી, કાચની સળીઓ... જાતજાતનો એનો ખજાનો હતો. જાણે કુબેરનો ભંડાર હોય એમ અંતરા એનું જતન કરતી. એ મોસાળ જતી ત્યારે નદીની રેતીમાંથી છીપલાં વીણી લાવતી તે દૂધિયા કાંકરા વડે તો એ કૂકા રમતી. એની ઢીંગલીના જાતજાતના શણગાર હતા. એ કોટન ચીંદરડાને સાળુ કહેતી ને રેશમી ચીંદરડાને બુટ્ટા હોય તો એ અમ્મર કહેવાતું. વળી કયા તહેવારે કયું પહેરાવવું એ પણ નક્કી હતું. અંતરા બંગડીના કાચ ભેગા કરતી. પછી એના માપસરના નાના નાના ટુકડા કરતી. એ બાજી રમવામાં કૂકરી તરીકે કામ આવતા. બંગડી ડિઝાઇનવાળી હોય તો એની કિંમત વધારે ગણાતી. વળી એનોય વેપાર અને બદલી થતી. ચાર લઈને છ કાચની જોડ આપતી. એક જોડમાં ચાર કાચના ટુકડા, એટલે ચોવીસ ટુકડા આપી એક ચીર લેતી. એક વાર અંતરા પાડોશીની છોકરીના લાદીના રંગીન ટુકડા પૂછ્યા વિના લઈ આવી. અંતરા એકદમ આનંદમાં એને જુદી જુદી રીતે ગોઠવતી હતી. એટલામાં આઠ વર્ષનો એનો ભાઈ ઉદય આવ્યો. એણે લાદીના ટુકડા જોઈ કહ્યું, ‘મમ્મી, અંતરા ફાલ્ગુનીને ત્યાંથી ટુકડા લઈ આવી છે.’ મમ્મીએ માથે હાથ ફેરવી અંતરાને પૂછ્યું, ‘બેટા ! તને આ ફાલ્ગુનીએ આપ્યા ? સાચ્ચું બોલજે.’ સાચ્ચા પર મમ્મીએ ભાર મૂક્યો એટલે અંતરા જૂઠું બોલી ન શકી અને અંતરાએ કહ્યું, ‘મમ્મી, એ તો ફાલ્ગુની દૂધ પીવા ગઈ ત્યારે મેં સંતાડી રાખ્યા ને દૂધ પીને આવી ત્યારે મેં કહ્યું કે મારો પણ દૂધ પીવાનો સમય થઈ ગયો છે. જાઉં છું, પછી આવીશ.’ મમ્મીએ કહ્યું, ‘બેટા ! પૂછ્યા વિના લઈએ એ ચોરી કહેવાય. જાઓ, પાછા આપી આવો.’ અંતરાને ભાઈ પર ખૂબ ચીડ ચઢી. એણે ચાડી ન ખાધી હોત તો આટલા સરસ ટુકડા પાછા ન આપવા પડત – એમ મનમાં થયું. અંતરાને મમ્મી ખૂબ વહાલી એટલે એનું કહ્યું તરત જ કરે. એ ટુકડા આપવા ગઈ પણ કહ્યું નહીં. છાનીમાની મૂકી આવી. અંતરાને થયું કે આમ કહેવું જોઈએ, પણ પછી હું એને ઘેર જાઉં ત્યારે મને ચોર જ સમજે ને ? પાછી બિમલેશ, ગૌરાંગ, બિરજુ, બિનીતા, સુધા, બધાંને કહે તો કેવું લાગે ? હું કંઈ ચોર થોડી જ છું ! પણ એ પછી એ વાતનું દુઃખ એના મનમાં થયું ને ત્રણેક દિવસ ફાલ્ગુનીને ત્યાં રમવા જ ન ગઈ. પછી બધું ભુલાઈ ગયું. એનો ખજાનો એ દિવસમાં બેત્રણ વખત કાઢતી, જોતી, ગોઠવતી. એના જુદા જુદા વિભાગ પાડતી. ડબ્બીની સગવડ પ્રમાણે ઢીંગલીનાં ઘરેણાં, હાર, બ્રેસલેટ, નેકલેસ અને સાસરે જાય ત્યારે પહેરવાનાં સારાં કપડાં પણ જુદાં રાખ્યાં હતાં. એક દિવસ બધું બહાર કાઢીને થાકીને ઊંઘી ગઈ અને બધું બહાર જ પડી રહ્યું. એનો ખજાનો ઓસરીમાં રહેતો ત્યાં થોડે જ આઘે કાચી જમીન હતી. પછી તો ઘરમાં બધાં જ ઊંઘી ગયાં. એવામાં બંગલાના બગીચામાં એક ઉંદરડી તાજી વિયાયેલી. એનાં નાનાં નાનાં બચ્ચાં ઘણું બધું દરમાં તાણી ગયાં. સવારે ઊઠીને અંતરાએ બ્રશ કર્યું, દૂધ પીધું, નહાઈ, ભગવાનને અને મમ્મી-પપ્પાને પગે લાગીને જ્યાં પોતાના ખજાના પાસે ગઈ તો બધું આમતેમ હતું ને ઘણી વસ્તુઓ દેખાતી નહોતી. એ જોઈને અંતરાએ મોટો ભેંકડો તાણ્યો. ત્યાં તો ઘરનાં બધાં ભેગાં થઈ ગયાં. અંતરાનો ભાઈ ઉદય પણ આવ્યો. એણે પેલી ચાડી ખાધી હતી ત્યારથી અંતરાને ભાઈ પર ગુસ્સો હતો. ઉદયે કહ્યું, ‘ચાલો, પોલીસમાં ખબર આપો. અંતરાને ત્યાં ચોરી થઈ. ઢીંગલીનાં કપડાં, દાગીના ચોરાઈ ગયાં ને ચીર, અમ્મર, સાળુ, હીરાનો હાર, મોતીની વીંટી, સોનાની બંગડી, કાળી કંઠી વગેરે વગેરે.’ અને અંતરાએ વધારે ને વધારે જોરથી રડવા માંડ્યું. ઉદય સમજી ગયો કે આ કામ ઉંદરમામાનું છે. થોડેક દૂર બગીચામાં એક ઝાડ નીચે ઉંદરનું દર હતું ત્યાં જઈ માટી ખોદવાના સળિયાથી જમીન ઊંચકી તો અંતરાનો ખજાનો મળી ગયો. ઉદયે કહ્યું કે કાલે છાપામાં આવશે. મુદ્દામાલ સાથે ચોરની ધરપકડ. પણ અંતરાનું બધું ભાઈએ શોધી આપ્યું એટલે ચિડાઈ નહીં. ઢીંગલીનાં કપડાં થોડાં બગડ્યાં હતાં. એને સાફ કરવામાં પડી હતી. વળી બધું મેળવી જોતી હતી કે કંઈ ખૂટતું તો નથી ને ? અંતરાએ કહ્યું કે ફાલ્ગુનીને ત્યાંથી લઈ આવી એ ચોરી કહેવાય તો આ ઉંદર મને પૂછીને લઈ ગયેલો ? મમ્મીએ સમજાવ્યું કે ઉંદરને કંઈ માણસ જેટલી અક્કલ ન હોય. સાચાખોટાની સમજ હોય એ ખોટું કરે એનો ગુનો મોટો ગણાય. પોતાનું ચોરાય તો શું થાય એની તને ખબર પડી ને ? ફાલ્ગુનીને પણ તારા જેટલું જ દુઃખ થાત ને ? અંતરાએ મનમાં ગાંઠ વાળી કે કોઈની ચીજ લેવી નહીં.