ગુજરાતી બાળવાર્તા સંપદા/મહારાણી વિક્ટોરિયાનું બાવલું

From Ekatra Foundation
Revision as of 05:25, 9 November 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મહારાણી વિક્ટોરિયાનું બાવલું

નગીન મોદી

આજથી લગભગ પચાસેક વર્ષ પહેલાં આપણો દેશ ગુલામ હતો. આપણા દેશમાં પરદેશી ગોરી પ્રજા રાજ્ય કરતી હતી, તે સમયની વાત છે. દુનિયાભરમાં બ્રિટનની મહારાણી વિક્ટોરિયાનો સૂરજ સોળે કળાએ તપતો હતો. ઓગણીસમી સદીના અંત ભાગમાં એટલે કે સને ૧૮૯૭માં એક કમનસીબ ઘટના બની. મુંબઈમાં આવેલા મહારાણી વિક્ટોરિયાના સફેદ આરસના બાવલા ૫૨ એક રાત્રે કોઈ એક ડામીસે ડામર ચોપડી દીધો. કોઈ કહેતાં કોઈને જાણ સુધ્ધાં ન થઈ. લગભગ છત્રીસ કલાક પછી મુંબઈની પોલીસે ત્યાંની મ્યુનિસિપાલિટીને ખબર કરી. આટલા સમય દરમિયાન તો આ પૂતળાના ધોળા અને છિદ્રાળુ આરસમાં ડામરનો કાળો રંગ ઘણો ઊંડો ઊતરી ગયો હતો. બધે હાહાકાર મચી ગયો. બ્રિટિશ સરકારે આ કામને કાળા કામ તરીકે ગણ્યું. આમ કરનારનો હેતુ તો મહારાણીનું સીધેસીધું અપમાન કરવાનો જ હતો અને તે બર પણ આવ્યો હતો. નગરપાલિકાના ઇજનેરસાહેબે ટર્પેન્ટાઇન વાપરી ડામરનો થોડો ભાગ દૂર કર્યો. બીજે દિવસે પૂતળાને સાબુ અને સોડાખાર વડે ધોઈ કાળો રંગ કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. કાળા ડાઘ થોડાક ઝાંખા થયા પણ તદ્દન દૂર કરી શકાયા નહિ. સમય વીતતો જતો હતો. ડામરના કાળા ડાઘ સફેદ આરસ પર બેસતા જતા હતા. કોઈ પણ તરકીબ વાપરી પહેલાં ડામરને સાફ કરવાનો હતો. કોઈની સલાહ પ્રમાણે મીઠાનો મંદ તેજાબ વાપરી જોયો ત્યારે ડાઘા સાધારણ ઝાંખા થયા. પ્રયત્ન પર પ્રયત્ન થતા રહ્યા. ત્રણ ત્રણ અઠવાડિયાં વીતી ગયાં પણ ડાઘ મચક આપતા ન હતા. કોઈકે બાવલાને કાળું રંગી નાખવાની સલાહ આપી. પણ તે ન સ્વીકારાઈ. પછી પરદેશી નિષ્ણાતોની સલાહ લેવાઈ. તેમની સૂચના પ્રમાણે ડાઘ કાઢવાના પ્રયત્ન થયા, પણ કંઈ વળ્યું નહિ. ડાઘ કાઢવા માટે પ્રયોગો પર પ્રયોગો થતા રહ્યા. પણ સફળતા દૂર ને દૂર ભાગતી ગઈ. રંગાટ કામના એક અનુભવી પ્રોફેસરને આ ડાઘ કાઢવા માટે સમજાવ્યા. અને સાહેબ કુશળ રસાયણવિજ્ઞાની હતા. મુંબઈની નગરપાલિકાએ થોડીક આનાકાની પછી પ્રોફેસરસાહેબને ડાઘા કાઢવા માટે પરવાનગી આપી. સફેદ આરસ ઝાંખો ન પડે અને બગડે પણ નહિ તે શરતે એમને એ કામ સોંપાયું. જે કામ સરકારી કે વિદેશી નિષ્ણાતો ન કરી શક્યા તે કામ પ્રોફેસરસાહેબે ચોમાસું હોવા છતાં ત્રણ મહિનામાં પતાવ્યું. સરકારની કાળી ટીલી જેવા કાળા ડાઘા નીકળી તો ગયા. મહામૂલા આરસને સહેજે આંચ ન આવી. આરસ જેવો ને તેવો બગલાની પાંખ જેવો સફેદ રહ્યો. આ ડાઘ કાઢવા માટે પ્રોફેસરસાહેબે ભાતભાતના દ્રાવકો વાપર્યા હતા. જુદા જુદા તાપમાને આ દ્રાવકોનો ઉપયોગ કર્યો. તાપમાન વધે તેમ દ્રાવકની દ્રાવ્યશક્તિ (ઓગળવાની શક્તિ) પણ વધે. છેવટે એસેટિક ઍસિડ (સ૨કો) વાપરવાથી કંઈક સારું પરિણામ આવ્યું. એમણે નિર્જળ ગ્લેશિયલ ઍસિડથી ડાઘા કાઢવાનો પ્રયત્ન કર્યો તો ડાઘા સમૂળગા ગયા તો નહિ પણ તે ડાઘા પીળા પડી ગયા. પછી પીળા ડાઘ કાઢવા રંગહારક ક્લોરિન અને ક્લોરિનયુક્ત દ્રવ્યો વાપર્યાં. ડામર ચોપડનાર પણ હોશિયાર હતો. તેણે ડામર સાથે લોહયુક્ત સંયોજનો ભેળવ્યાં હતાં. કાળા ડાઘ નીકળી ગયા પછી લોખંડને લીધે લાલ ડાઘ બનતા હતા. લોખંડના ડાઘા કાઢવા કેટલાક ઓક્સેલેટ નામનાં રસાયણોનો ઉપયોગ કર્યો. આ ઉપરાંત બીજાં ઘણાં રસાયણોનો ઉપયોગ પ્રોફેસર સાહેબે કર્યો હતો. છેવટે ગરમ ગ્લિસિરીન વાપરી જોયું. તેનાથી ડાઘ તદ્દન નીકળી ગયા. આરસ જેવો ને તેવો સરસ રહ્યો. આમ આ મુશ્કેલ અને જવાબદારીભર્યું કામ પાર પાડતાં પ્રોફેસરસાહેબને નવનેજાં પાણી ઊતર્યાં. અનેક મુશ્કેલીઓ સામે આવી, પરંતુ છેવટે કામ સફળ થયું. જે કામ વિદેશી નિષ્ણાતો ન કરી શક્યા તે કામ આપણા દેશના એક દેશી ગુજરાતીએ પાર પાડ્યું. આ કામ કરનાર કોણ હતા, તે જાણો છો ? એ હતા પ્રોફેસર ત્રિભુવનદાસ કલ્યાણરાય ગજ્જર. સૂરતમાં જન્મેલા, વડોદરામાં ભણેલા ગજ્જરસાહેબ આપણા દેશના મહાન રસાયણશાસ્ત્રી હતા. મોટા વૈજ્ઞાનિક હતા. ગજ્જરસાહેબની કુનેહ, આવડત અને પ્રજ્ઞા પર દેશપરદેશના વૈજ્ઞાનિકો અને મહારાણી વિક્ટોરિયા સુધ્ધાં વારી ગયાં. દુનિયાભરમાં એમની વાહ વાહ પોકારાઈ.