ગુજરાતી બાળવાર્તા સંપદા/ચતુર કાગડો-૨
રતિલાલ બોરીસાગર
એક કાગડો હતો. એ એનાં પપ્પા, મમ્મી અને બીજાં ભાઈબહેનો સાથે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતો હતો. કાગડો બહુ ચતુર હતો. અમદાવાદની સારી સારી શાળાઓની બારીઓમાં બેસીને ભણ્યો હતો. વર્ગમાં બેઠેલાં છોકરા-છોકરીઓ કોઈ વા૨ અવાજ કરતાં ત્યારે એનેય કા... કા... કા... કરી છોકરાઓને સાથ દેવાની ઇચ્છા થઈ આવતી. પણ આ રીતે વર્ગમાં અવાજ કરવાનું એને સારું ન લાગતું એટલે એ અવાજ કરતો નહીં. એક વા૨ ઉનાળાનો દિવસ હતો. ગ૨મી કહે, મારું કામ. ચારેકોર જાણે અગ્નિ વ૨સતો હતો. આપણા કાગડાભાઈને ઠંડું પીણું પીવાની ઇચ્છા થઈ. કાગડાભાઈ તો ઠંડાં પીણાંની એક દુકાન પાસે આવ્યા. ત્યાં એણે એક મોટા ખોખામાં ઠંડાં પીણાંની થોડી બાટલીઓ જોઈ. એણે જોયું કે મોટા ભાગની બાટલીઓ તદ્દન ખાલી હતી. એના પપ્પા કહેતા કે ઠંડાં પીણાંની બાટલી સાવ ખાલી હોય તો સમજવું કે અમદાવાદમાં રહેનારાઓએ પીધી છે અને બાટલીઓમાં જ્યારે થોડુંઘણું પીણું વધ્યું હોય ત્યારે એમના મહેમાને પીધી છે એમ સમજવું. કાગડાભાઈએ જોયું કે એક-બે બાટલીઓ મહેમાનોવાળીય હતી ખરી ! એમાં પીણું થોડું થોડું વધ્યું હતું. પણ ત્યાં સુધી ચાંચ પહોંચે એમ નહોતી. હવે શું કરવું ? એના પપ્પા એને કેટલીક વા૨ એના દાદાના દાદાના દાદા અને એમનાય દાદાની વાત કહેતા : આ દાદાજીને એક વા૨ ત૨સ લાગી. એમણે પાણીનો કુંજો જોયો. કુંજામાં પાણી તો હતું, પણ થોડું હોવાને કા૨ણે બહુ ઊંડે હતું. દાદા થોડી વાર મૂંઝાયા. પછી એમણે એક યુક્તિ શોધી કાઢી. એમણે કુંજામાં કાંકરા નાખવા માંડ્યા. કાંકરા નાખવાથી પાણી ઊંચે આવ્યું ને દાદાજીએ એ પાણી પીને તરસ છિપાવી.... પણ દાદાજીની યુક્તિ કાગડાભાઈને કામ આવે એમ નહોતી. અહીં એટલા કાંકરા જ ક્યાં હતા ? વળી દાદાજીએ કુંજામાં કાંકરા નાખ્યા હશે ત્યારે કોઈએ એમને જોયા નહીં હોય એટલે દાદાજીએ નિરાંતે કાંકરા નાખ્યા હશે, પણ અહીં તો કેટલા બધા માણસો હતા ! વળી કાંકરા નાખવાથી તો પીણું ગંદું થાય. ગંદું પીણું તે કંઈ પીવાય ? એક વા૨ કાગડાભાઈ એક નિશાળની બારીમાં બેઠા બેઠા ભણતા હતા ત્યારે સર કહેતા હતા કે ગંદું પાણી પીવાથી માંદા પડાય. વળી આપણા કાગડાભાઈ તો શોખીન પણ જબરા ! એને થયું કે ગંદું પીણું પીવાથી શું ટેસ આવે ? તો હવે શું કરવું ? ત્યાં એણે સામે સ્ટ્રૉનું એક બૉક્સ પડેલું જોયું. માણસોને એણે સ્ટ્રૉથી ઠંડું પીણું પીતા જોયા હતા. કાગડાભાઈ તો એકદમ બૉક્સ પાસે ગયા. પછી સ્ટ્રૉ મોંમાં લઈ કાગડાભાઈ તો ધીરેકથી બાટલીના ખોખા પાસે આવ્યા ને સ્ટ્રૉથી પીણું પીવા માંડ્યા. કાગડાભાઈને આ રીતે ઠંડા પીણાની મજા માણતા જોઈ દુકાનના માલિકનો છોકરો પપ્પુ ખુશ ખુશ થઈ ગયો. એણે એક નવી બાટલીનું ઢાંકણું ખોલ્યું, એમાં સ્ટ્રૉ નાંખી, કાગડાભાઈનું ધ્યાન પડે એટલે મૂકી. કાગડાભાઈએ બાટલી જોઈ. આ બાટલી પોતાને માટે જ છે એમ કાગડાભાઈ સમજી ગયા. એણે પપ્પુને ‘થૅન્ક યૂ’ કહ્યું અને સ્ટ્રૉથી ઠંડું પીણું પીવા માંડ્યા.