ગુજરાતી બાળવાર્તા સંપદા/નીરપરી

From Ekatra Foundation
Revision as of 15:53, 10 November 2025 by Meghdhanu (talk | contribs) (ફૂટરમાં અનુક્રમણિકા પ્રમાણે ક્રમ બદલ્યો)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નીરપરી

શ્રદ્ધા ત્રિવેદી

નાનકડી નીરાને માટી રગદોળવી ખૂબ ગમે. તે ભાંખોડિયાં ભરતાં શીખી ત્યારથી જ ધૂળ-માટીમાં રમતી. નીરા નાની પણ એનો બંગલો મોટો. બંગલાની આસપાસ ખુલ્લી જમીન. એક બાજુ તુલસીનાં ઝુંડેઝુંડ ને બીજી બાજુએ જાતભાતનાં ફૂલ! બંગલાના મુખ્ય દરવાજા પાસે લીલુંછમ્મ ઘાસ! ને તેમાં વચ્ચોવચ બાંધેલો હીંચકો! સવાર પડી નથી કે નીરા ઘાસમાં ગઈ નથી! એક બાજુએ પાણીનો નળ! કોઈ ન હોય તો નીરા નળ ખોલી નાખે ને પાણી સાથે રમઝમ રમે ને કિલકિલ હસે! એ નળ ખોલે ને પાણી ધડા…ધડ… વહેવા માંડે કે અંદરથી દાદાજીની બૂમ પડી જ હોય : ‘કોણ છે? કોઈ જઈને નળ બંધ કરો. ને નીરાને લઈ આવો. તે માંદી પડશે. ને પાણી નકામું વહી જાય છે.’ જોકે નળમાંથી નીકળતા પાણીમાં નીરા હાથ નાખે, પાણી ઉડાડે ને બસ મજા કરે! નીરાની મમ્મી સુધાબહેનને ખૂબ ચિંતા રહે. નીરા માંદી પડશે તો? પણ નીરા તો જો પાણીમાં ન રમે તો માંદી પડે! પાણીમાં રમે ને રાજી થાય ને સાજીતાજી રહે! પછી તો એ માટીનો જે કાદવ થાય તેનાથી પણ રમે! આમ, પાણી ને માટીમાં રમતાં રમતાં તે મોટી થઈ. હવે તેને નિશાળે મૂકી. શરૂમાં તો તેને ત્યાં ગમ્યું નહીં. પણ એક દિવસની વાત છે. નિશાળમાં માટી આપવામાં આવી. ને માટીમાંથી રમકડાં બનાવતાં શિખવાડ્યું. નીરા તો ખુશખુશાલ! પહેલાં તો તેણે સાપ બનાવ્યો. ને પછી બનાવી છુકછુક ગાડી! પછી વિમાન! પછી હોડી ને હાથી! પછી બનાવ્યો સરસ મજાનો ઘડો! બસ, પછી તો ઘરમાં કે નિશાળમાં! તે માટીમાંથી કંઈક બનાવતી જ હોય! એક દિવસ એને થયું : ‘હું મમ્મી બનાવું.’ ને તેણે એક સ્ત્રી બનાવી! પછી તેણે એક સરસ સાડી પહેરાવી કપાળે ચાંલ્લો કર્યો ને મમ્મીને બતાવવા દોડી : ‘મમ્મી! મમ્મી! જો મેં મમ્મી બનાવી!’ ‘હેં! તેં મમ્મી બનાવી?…હાસ્તો તું આવી પછી જ તો હું મમ્મી થઈને! ત્યાં સુધી તો માત્ર સુધા જ હતી ને! પછી હું નીરાની મમ્મી બની. તેં જ તો મને બનાવી મમ્મી!’ કહી તેમણે નીરાને ખૂબ વહાલ કર્યું. એ પછી નીરાએ બનાવેલી મમ્મી જોઈ. ‘અરે વાહ! તેં તો મને જ બનાવી છે હોં! કેવો સરસ ચાંલ્લો ચોંટાડ્યો છે. ને આ રંગની લીટીઓ હાથે દોરી છે તે તો અદ્દલ બંગડીઓ જ લાગે છે. વાહ, મારી મીઠડી વાહ!’ કહી સુધાબહેને નીરાને ઊંચકી જ લીધી. પછી કહે : ‘હવે એક કામ કર. એક નાનકડી નીરા કર. નીરા વગર મમ્મી અધૂરી રહે.’ ‘હેં! હું મને બનાવું? વાહ! કેવું સરસ! પણ… ના… હું તો પરી બનાવીશ, ને એનું મોં હશે મારા જેવું.’ – ને બસ પછી તો નીરાએ એક સરસ ઢીંગલી બનાવી. તેને પરી જેવું સફેદ ફ્રોક પહેરાવ્યું. ને પછી તેના હાથમાં મૂક્યો પેલો ઘડો! જાણે પરી પાણી વહેંચવા ન નીકળી હોય! ને તેણે જ તેનું નામ પાડ્યું જળપરી!… તેણે જળપરી સુધાબહેનને બતાવી…સુધાબહેનની આંખો હસી ઊઠી! પછી કહે : ‘આ જળપરી તો ખરેખર સરસ છે! પણ આપણે તેનું નામ બદલીએ. તારુંય નામ આવે એવું નામ પાડીએ. એનું નામ જળપરી નહીં નીરપરી રાખીએ. નીરાએ બનાવેલી નીરપરી!’ ‘હા…હા…બહુ સરસ! આ મારી નીરપરી! સહુને પાણી આપે. એનો ઘડો સદાય ભરેલો જ હોય! એ એવો તો જાદુ જાણે કે ક્યારેય પાણી ખૂટે જ નહીં!.... મમ્મી! એની આંખો કેવી ચમકે છે નહીં! એ કેવી ખુશખુશાલ લાગે છે!’ ‘હા, બરોબર મારી નીરા દીકરી જેવી! જા, એને તારા ટેબલ પર મૂકી રાખ. એને ખૂબ સાચવજે હોં!’ ‘હા! મા! એ જ્યાં સુધી આવી સરસ રહેશે ત્યાં સુધી આપણને ખૂબ પાણી મળશે! ખરું ને!’ ‘હા…હા… તું કહે તે સાચું.’ ને નીરાએ નીરપરીને મૂકી પોતાના ટેબલ પર! રોજ રાત પડે કે નીરા નીરપરીને વહાલ કરીને સુવડાવી દે! ને પોતે સૂઈ જાય! સવાર પડે કે પોતે ઊઠે એટલે નીરપરીને ઉઠાડે ને પાછી ઊભી કરી દે! પોતે ખાય-પીએ તે બધું તે નીરપરીને ધરે. નીરપરી પર જરાક ધૂળ કે કચરો પડે કે નીરા દુઃખી દુઃખી થઈ જાય! બધું કામ બાજુએ મૂકી નીરપરીને સાફ-સુથરી કરવા બેસે! નીરા કહે : ‘મમ્મી! પાણી પોતે જ નીરપરી કહેવાય ને! આ નીરપરી બગડે તો મને ન ગમે. તો પાણી બગડે કે ઢોળાય તો મારી આ નીરપરીને ન ગમે. તને ખબર છે, મમ્મી? કાલે મેં નીરપરીના સામું જોયું તો તે હસી નહીં. તે તો મારી સામે જુએ જ નહીં! એ તો રસોડામાં જુએ. રસોડામાં લીલા બા રાંધતાં હતાં. નળમાંથી ધીમું ધીમું પાણી જાય. લીલાબા તો શાક સમારે. હું તો તરત સમજી ગઈ. મેં તો લીલાબાને કહ્યું : ‘લીલાબા! ખાલી ખાલી નળ ખુલ્લો ન રાખો. મારી નીરપરીને દુઃખ થાય છે.’ લીલાબા પહેલાં તો કહે : ‘મૂઈ તારી નીરપરી! મારે વારે વારે હાથ ધોવા પડે તે નળ ક્યાં બંધ કરું? પણ મેં તો જીદ કરી. તેમણે નળ બંધ કર્યો. ને જ્યાં તેમણે નળ બંધ કર્યો કે નીરપરી મારી સામું જોઈ હસી ઊઠી.’ ‘એમ કે! તો નીરા! આપણે પણ પાણી ખૂબ સાચવીશું. તારી નીરપરી હસતી જ રહે તેવું કરીશું.’ ને ખરેખર નીરાના ઘરમાં નીરપરી સદાય હસતી જ રહેતી. નીરાને બહેનપણીઓ સાત : હેમા, હીરલ, ગીતા, સ્મિતા, જાગુ, જ્યોતિ ને પ્રીતિ. બધાં રોજ નીરાને ઘેર રમવા આવે. નીરાએ બધાંને નીરપરી બતાવી. હેમાને તો તે ખૂબ ગમી ગઈ. રમી રહ્યાં પછી ઘેર જતી વખતે તે કહે : ‘નીરા! હું નીરપરી મારે ઘેર લઈ જાઉં? કાલે પાછી લાવીશ.’ નીરાએ ચોખ્ખી ના પાડી. એટલે હેમાનું મોં ઊતરી ગયું. સુધાબહેને નીરાને સમજાવી કે, ‘આપ ને, તું બીજી બનાવજે. પણ નીરા ના જ માની; કહે : ‘કાલે હું બીજી બનાવીને આપીશ પણ આ નહીં આપું.’ ને ખરેખર તેણે બીજી નીરપરી બનાવીને હેમાને આપી. હેમા ખુશ થઈને ઘેર ગઈ ને નીરપરીને તેણેય પોતાના ટેબલ પર મૂકી. ને પછી બધાંએ નીરા પાસે નીરપરી માગી. ને નીરાએ પણ હોંશથી નીરપરીઓ બનાવી ને દરેકને એક એક આપી. ને એમ બધાંને ઘેર નીરપરી પહોંચી ગઈ. થોડા દિવસ પછી હેમા નીરપરી પાછી લાવી કહે : ‘નીરા! નીરા! જોને, મારી આ નીરપરી કેવી થઈ ગઈ? સાવ ઝાંખી ઝપાટ થઈ ગઈ છે. રંગ ઊડી ગયો. ને હસતી હતી તેને બદલે જોને, જાણે રડે છે!’ ‘હેં! આમ કેમ?’ નીરા વિચારતી રહી. બીજે દિવસે હીરલ પણ તેની નીરપરી પાછી લાવી હતી. કહે : ‘નીરા! જો, જો, મારી નીરપરીયે જો! તેની આંખોની ચમક જતી રહી છે.’ નીરા પહેલાં તો એ માની જ ના શકી કે પોતે બનાવી આપેલી તે જ આ નીરપરી છે? ‘ઓ બાપ રે! આ નીરપરીઓ તો જુઓ! ઓળખી શકાતીયે નથી. કેવી હતી ને કેવી થઈ ગઈ? તેનું હૈયું ભરાઈ આવ્યું. તે કશું બોલી જ ના શકી. ચૂપચાપ તેણે એ નીરપરીને પોતાના ટેબલ પર પોતાની નીરપરી સાથે મૂકી દીધી. બે દિવસમાં તો બધી જ પોતપોતાની નીરપરીને લઈને આવી. બધાંની નીરપરી સુકાઈ ગયેલી ને સાવ ફિક્કી થઈ ગયેલી. ના મળે મોં પર નૂર કે ના આંખોમાં ચમક! નીરાના ટેબલ પર આઠ નીરપરીઓની હાર થઈ ગઈ. એકમાત્ર તેની જ નીરપરી સુંદર, હસતી ને સાજીતાજી હતી. બાકી બધી તો સાવ ઝાંખીઝપટ! તેજ વગરની! તે રાત્રે નીરા નીરપરીને ઊંઘાડીને પોતેય ઊંઘી ગઈ. શરૂમાં તો તેને ઊંઘ ના આવી. પછી ઘણી વારે તે ઘસઘસાટ ઊંઘી ગઈ. ઊંઘમાં તેને લાગ્યું કે કોઈ તેને બોલાવે છે, તેને ઢંઢોળે છે ને કહે છે : ‘નીરા! ઓ નીરા! જાગ ને. મારે તારી સાથે વાતો કરવી છે. જાગ ને!’ નીરા કહે : ‘કોણ છે? અરે નીરપરી તું? બોલ, મારે તારું જ કામ છે.’ ‘મને ખબર છે એટલે જ તો તને જગાડી. તું આ બીજી નીરપરીઓને જોઈને દુઃખી થઈ ગઈ ને! તારું દુઃખ મારાથી ખમાતું નથી.’ નીરપરી બોલી. ‘હા! ખરી વાત! મને એ નથી સમજાતું કે આ બધી નીરપરી આવી કેમ થઈ ગઈ? પણ સાંભળ, હવે છે ને હું આ બધી નીરપરીઓને સરસ રંગોથી રંગીશ, પછી સરસ કપડાં પહેરાવીશ... એટલે તે હતી તેવી થઈ જશે. ખરેખર ને?’ નીરપરી કહે : ‘ના એવું નથી. નીરપરીને તું રંગીશ તોય તે હતી તેવી નહીં થાય. સાંભળ! માણસ માંદું હોય ને મોંઘાં કપડાં પહેરે તેથી સાજું થયું ન ગણાય. એની માંદગી જવી જ જોઈએ. એમ આ નીરપરીઓ આવી શાથી થઈ તે જાણ. તે કારણ દૂર કર. તે આપોઆપ હતી તેવી થઈ જશે.’ ‘એમ? તો કહે ને! શું કારણ છે?’ નીરાએ પૂછ્યું. ‘ના, હું તને નહીં કહું. આ મારી બધી બહેનપણીઓએ મને બધી વાત કરી છે. તું સાંભળ કાલે તારી બહેનપણીઓ આવેને એટલે દરેકને એમની નીરપરી તું એમને આપી દેજે, ને કહેજે : ‘આજે તમારા સપનામાં નીરપરી આવશે. તમે તેને પૂછજો : ‘નીરપરી, તું કેમ સુકાઈ ગઈ છે?’ બધાંને તેના જવાબો મળી રહેશે. તું દુઃખી ના થા. હવે શાંતિથી ઊંઘી જા.’ ને નીરા ઘસઘસાટ ઊંઘી ગઈ. બીજે દિવસે સાતેય સહેલીઓ નીરાને ઘેર આવી. રમી રહ્યા પછી બધાં ઘેર જતાં હતાં ત્યાં નીરા કહે : ‘અલી, હેમા, હીરલ, પ્રીતિ બધાં ઊભાં રહો. લો, તમે બધાં તમારી નીરપરીને ઘેર લઈ જાઓ. આજે જ્યારે ઊંઘવા જાવ ત્યારે નીરપરીને પૂછજો : ‘તું કેમ સુકાઈ ગઈ છે? પછી ઊંઘમાં નીરપરી તમને જવાબ આપશે.’ હેમા ને જાગુએ તે વાત ધ્યાનથી સાંભળી. ‘હેં! ખરેખર! નીરપરી અમને કહેશે? તો તો બહુ સારું.’ પણ હીરલ કહે : ‘એમ તે કંઈ નીરપરી બોલતી હશે? હમ્બગ... હું કંઈ આ ઢીંગલી નથી લઈ જતી. છો પડી તારા ટેબલ પર.’ નીરાને ખૂબ દુઃખ થયું. પણ તે કંઈ ન બોલી. હીરલ સિવાયના બધાં જ નીરપરીને પોતપોતાને ઘેર લઈ ગયાં. બીજે દિવસે સાંજે પહેલી હેમા આવી. નીરા પૂછે એ પહેલાં કહે : ‘નીરા! નીરા! ગજબ કહેવાય ને! તેં કહેલું તેમ રાતે મેં નીરપરીને પૂછ્યું. ને પછી ઊંઘી ગઈ. પછી તો સપનામાં નીરપરી આવી. ને મને કહે : ‘હેમા! તારા ઘરમાં પાણી કેટલું વેડફાય છે? તારા ઘરનો એકેક નળ ટપક્યા જ કરે છે. કાયમ બધું ભીનું ભીનું જ હોય! ને પછી થાય છે મસી ને મચ્છર! ઘરમાં ચોખ્ખું લાગતું જ નથી. આ પાણી ટપકે છે ને તે જાણે મારું લોહી ટપકે છે. પછી હું ફિક્કી જ પડી જાઉં ને!’ એમ કહી એ તો રોવા લાગી. હું તો એકદમ જાગી ગઈ. બાથરૂમમાં ગઈ તો નળ ટપક… ટપક… ટપક, મને મમ્મી પર બહુ જ ખીજ ચડી. ગુસ્સામાં ને ગુસ્સામાં જોરથી નળ બંધ કર્યો. પછી જાજરૂમાં જઈને જોયું તો ત્યાં પણ એ જ હાલત! હું બધે ઠેકાણે નળ બંધ કરી પાછી આવી તો નીરપરી હસતી હતી!… ને નીરા, મેં તો સવારમાં જ પપ્પા પાસે બધા નળ સરખા કરાવ્યા ને બધાંને કહી દીધું : ‘પાણી આમ ખાલી ખાલી જવા ના દો. પાણી આમ વહી જાય તો મારી નીરપરી સુકાઈ જાય ને!’ ને આજે આખો દિવસ પાણી ટપક્યું નથી ને મારી નીરપરી! એ તો ચમકવા લાગી છે. બે-ચાર દિવસમાં તો એ હતી તેવી થઈ જશે.’ ‘એમ કે? સરસ! હવે તું પાણી સાચવજે હોં! નીરપરી સદાય હસતી રહેશે. હસતી નીરપરી કેવી સરસ લાગે છે નહીં?’ ‘હા...’ ત્યાં તો જાગુ આવી. હેમા કહે : ‘જાગુ! તેં નીરપરીને પૂછ્યું હતું?’ જાગુ કહે : ‘પૂછું જ ને! તો મને નીરપરી કહે જાગુ, તારે ઘેર વાસણ સાફ કરવામાં તમે કેટલું બધું પાણી વેડફો છો? આ તારી મમ્મી! નળ ફૂલફટાક ચાલુ કરી દે છે. પછી તેની ધારમાં વાસણો ધરે. સરખો હાથ પણ ન ફેરવે. અ…ધ…ધ…ધ… પાણી વપરાય ને તોય વાસણ ચોખ્ખાં ના થાય. ને ગંદા ઘડા ને પ્યાલામાં મને રાખો. મને નથી ગમતું. બે તગારામાં પાણી લો. ઘસીને સાફ કરો. ઓછાં પાણીયેય વાસણ ચોખ્ખાં રાખો. મને તો ચોખ્ખાઈ ગમે ને વેડફાઈ જાઉં તે તો જરાય ના ગમે. મને તો ઊબકા આવે છે!’ હું તો સાંભળી સડક થઈ ગઈ. આજે મેં સવારે મમ્મીને બધું કહ્યું. તેની સાથે કામ કરવા લાગી. બે ડોલમાં પાણી ભર્યું. ઘસીને વાસણ સાફ કર્યાં. મેં નીરપરી સામે જોયું તો તેનું મોં પણ ચકચકિત!’ ત્યાં તો ગીતા, પ્રીતિ બધાં આવ્યાં. બધી બહેનપણીઓ આજ વાત કરતી હતી ત્યાં નીરાના દાદા આવ્યા. નીરા તરત દાદા માટે પાણી લેવા ગઈ. દાદા કહે : ‘નીરા બેટા! અડધો પ્યાલો જ પાણી લાવજે.’ નીરા અડધો પ્યાલો જ પાણી લાવી. ચકચકિત પ્યાલામાં ચોખ્ખું ચણાક પાણી! એટલે પ્રીતિ કહે : ‘નીરા, ખબર છે! મને નીરપરીએ આવું જ કહ્યું હતું. જોઈએ તેટલું જ પાણી લો. તારે ઘેર તો બધાં પ્યાલો પાણી લો છો, બે ઘૂંટ પીવો છો ને બાકીનું ઢોળી દો છો! તમને પાણીની કિંમત જ ક્યાં છે? જેને મારી કિંમત ના હોય ત્યાં હું ક્યાંથી ખુશ રહું?’ આ સાંભળી દાદા કહે : ‘ખરી વાત છે. તમને ખબર છે કે પાણી તો જીવન છે. તેને સાચવીને વાપરવાનું હોય. પાણી જો ગમે તેમ વેડફ્યા જ કરીએ તો? સાગરેય ખાલી થઈ જાય. પાણી શામાં ના જોઈએ? પાણી પીવું પડે, શરીર ચોખ્ખું રાખવા પણ જોઈએ, જાજરૂ-બાથરૂમમાં જોઈએ. માની લો કે તમને થોડા દિવસ પાણી ના મળે તો?’ હીરલ બધાંની વાતો સાંભળતી હતી. તેણે જોયું કે બધાંની નીરપરી સરસ લાગતી હતી. માત્ર તેની નીરપરી નીરાના ટેબલ પર ઝાંખી લાગતી હતી. દાદાની વાતો તો તેણે ધ્યાનપૂર્વક સાંભળી. પણ એક દિવસ તો ગજબ થયો. નીરાના ટેબલ પર હીરલની જે નીરપરી હતી તે સાજીતાજી થઈ ગઈ હતી. તેની આંખોય ચમકવા લાગી. તે તરત જ હીરલના ઘેર ગઈ. તો હીરલ તેની મમ્મીને કહેતી હતી : ‘મમ્મી ! આપણે કેટલું પાણી વેડફીએ છીએ! આપણે ન્હાવા માટે નળ ખુલ્લો રાખી બે-બે-ત્રણ-ત્રણ ડોલ શરીર પર ઢોળ્યા જ કરીએ છીએ. ને બગીચામાં નળ ખુલ્લો મૂકી દીધો કે બંધ કરવાની વાત જ નહીં. જો, પેલા ખૂણામાં કેટલો કાદવ થયો છે. ને પાણી પીવું થોડું હોય તો મોટા મોટા ગ્લાસ ભરીએ છીએ ને પછી અડધો પ્યાલો પાણી ઢોળી દઈએ છીએ. એટલે મારી નીરપરી ઝાંખી જ રહે ને! મારી નીરપરી ક્યાંથી સારી રહે? હવેથી આ બગાડ બંધ!’ આ સાંભળી નીરા દોડતી દોડતી હીરલને વળગી પડી ને કહે : ‘હીરલ! જો... જો… તારી નીરપરીયે કેવી સરસ થઈ ગઈ છે? ચાલ, તારા ટેબલ પર મૂકીએ.’ હીરલની મમ્મીએ જોયું. નીરપરી ખરેખર ખૂબ સુંદર લાગતી હતી. હીરલ કહે : ‘નીરપરી! તું સદાયે આવી જ રહેજે હોં!’ ‘તે તો તારા હાથમાં છે! ચાલ, હવે મારે ઘેર રમવા જઈએ.’ બંને જણ નીરાને ઘેર આવ્યાં. જોયું તો નીરાની નીરપરી તો હતી તેનાથીયે સરસ લાગતી હતી! નીરાના આનંદનો પાર નહોતો. તે ને હીરલ ગોળગોળ ઘૂમવા લાગ્યાં. આ જોઈ નીરાની મમ્મી કહે : ‘જો, જો પેલા… અરીસામાં જો. મને તો તું જ નીરપરી લાગે છે! મારી નીરપરી કેવી ખુશખુશાલ છે! નીરપરી! તું સદાયે આવી જ રહેજે હોં!’