ગુજરાતી બાળવાર્તા સંપદા/મટકી અને બટકી
નટવર પટેલ
એક હતી મટકી. મટકી એટલે પાણી ભરવાની માટીની નાની માટલી. મમ્મી એને મટકી કહે. રજાઓ પૂરી થઈ. નિશાળ ઊઘડી. હજી વરસાદ આવ્યો ન હતો. ગરમી તો કહે મારું કામ. મેં પપ્પાને કહ્યું, ‘મારા માટે સરસ વૉટરબૅગ લાવી દો. ને આજ મને નવી વૉટરબૅગ મળી. મટકી કરતાં સહેજ નાની એટલે એનું નામ મેં પાડ્યું – બટકી.
મટકી ને બટકી
બટકી ને મટકી
મને ગમે બટકી
મમ્મીને ગમે મટકી.
પપ્પાને પૂછ્યું – ‘તમને શું ગમે ?’ પપ્પા હસીને કહે – ‘તું !’ ને હુંય હસી પડ્યો ખીખી. પણ વાત અહીં ના અટકી. મારી વાત તો લટકી જ લટકી. મટકી ને બટકી બેમાં કોણ વધારે સારી ? મટકી કે બટકી ? એક વાર તો મેં સીધું મટકીને જ પૂછ્યું – ‘મટકી રે મટકી; બોલ તમારા બેમાં વધારે સારું કોણ ?’ મટકી વિચારમાં પડી ગઈ. તે બોલી – ‘બંટીભાઈ, મને તમારી વાત ન સમજાઈ.’ ‘જુઓ સમજાવું. તુંય પાણી પાય છે ને બટકીય પાણી પાય છે. પણ બટકીમાં તારા કરતાં વધારે આઇસ પાણી હોય છે. હોય છે કે નઈ ?’ વાત સાંભળી મટકી બોલી : ‘બંટીભાઈ, તમે એમ કહેવા માંગો છો કે મારા કરતાં બટકી વધારે સારી. કેમ ખરું ને ?’ હું મલકાયો. મારે એ જ કહેવું હતું. એટલે મટકી આગળ બોલી : ‘બંટીભાઈ, આપણે એક કામ કરીએ. કાલ સવારે મારામાં ને બટકીમાં બંનેમાં પાણી ભરીએ. ને સાંજે તમે બંનેમાંથી પાણી પીજો. ને પછી તમે જ તમારા મોઢે જવાબ આપજો. બરાબર ?’ મને મટકીની વાત મંજૂર જ હતી ને ! મને મારી બટકી પર ગળા સુધી વિશ્વાસ હતો. મેં બટકીને આ વાત કરી. તે પણ રાજી રાજી થઈ ગઈ. દિવસ ઊગ્યો. સવાર પડી, મેં ફ્રીઝમાંથી આઇસ પાણી બટકીમાં ભર્યું ને ઉપરથી થોડા બરફના ક્યૂબ પણ નાંખ્યા. પછી મટકીને પૂછ્યું : ‘મટકી તારે કેમ કરવું છે ? બોલ, આઇસ પાણી રેડું ? અંદર બરફના ગાંગડા નાંખું ?’ આ સાંભળી મટકી ચીસ પાડી ઊઠી : ‘જો જો એવું કરતા. તમે મારામાં નળમાંથી પાણી ભરી દો.’ ‘પણ નળમાં તો ગરમ પાણી આવે છે.’ મેં સમજ પાડી. ‘ભલે ચાલશે.’ મને મટકીની મૂર્ખામી ૫૨ હસવું આવી ગયું. ભલેને નળનું પાણી ભરે. મારે શું ? સાંજે વાત છે. હું મનોમન બબડ્યો. એમ ને એમ સાંજ પડી. હું મટકી પાસે ગયો ને બોલ્યો : ‘મટકી, કેમ છે હવે ?’ મટકી કહે, ‘મજામાં, બંટીભાઈ બે ગ્લાસ લઈ આવો. એકમાં બટકીનું પાણી ભરો ને બીજા ગ્લાસમાં મારું. ને પછી પપ્પાને બોલાવો.’ ‘પપ્પાને...? શા માટે ?’ મને નવાઈ લાગી. ‘નિર્ણય કરવા. એ જ સાચું કહેશે.’ મેં એમ જ કર્યું. પપ્પા દીવાનખંડમાં બેસી કશુંક લખી રહ્યા હતા. હું તેમને મારી રૂમમાં પરાણે ખેંચી લાવ્યો ને કહ્યું, ‘પપ્પા, એક ગ્લાસમાં મટકીનું ને બીજામાં બટકીનું પાણી કાઢો. ને મને કહો કે કયું પાણી વધારે ઠંડું છે.’ પપ્પાએ એ મુજબ કર્યું. બંનેમાંથી પાણી ચાખ્યું પછી પપ્પાએ નિર્ણય જાહેર કર્યો, ‘મટકીનું પાણી વધારે ઠંડું છે.’ આ હું ન માની શક્યો. મને થયું કે પપ્પા કદાચ જૂઠું તો નથી. બોલતાને ? મેં ઊભા થઈ બંને ગ્લાસને હાથ અડાડ્યો ને... સાચે મટકીનું પાણી ઠંડું હતું ! મને સવાલ થયો – આમ કેમ ? પપ્પા મારી મૂંઝવણ પારખી ગયા. એમણે મને પૂછ્યું, ‘શી વાત છે બંટી ?’ મેં પપ્પાને બધી વાત સમજાવી. પપ્પા તો ફસ્સ કરતા હસી પડ્યા. મને કહે, ‘તુંય બુદ્ધુ નહીં તો !’ ‘પણ પપ્પા આમ કેમ ?’ મેં જિજ્ઞાસાથી પૂછ્યું. પપ્પા કહે : ‘બેટા, બટકીમાં ઠંડું પાણી ભરીએ તો અમુક કલાક જ તે ઠંડું રહે. પછી તે ગરમ થઈ જાય. પણ મટકીમાંથી પાણી ઝમતું જાય તેમ તેનું બાષ્પીભવન થાય ને બાષ્પીભવનથી ઠંડક પેદા થાય. એટલે પાણી ઠંડું થાય. વિજ્ઞાનની આ વાત હવે સમજાઈ ?’ હું તો બાઘા જેવો સાંભળી જ રહ્યો.
મેં જોયું તો મટકી મારા તરફ મરક મરક હસી રહી હતી.
મટકી ને બટકી
બટકી ને મટકી
ઠંડા પાણીની વાત
બસ અહીં અટકી !