ગુજરાતી બાળવાર્તા સંપદા/ભૂરીની ઓઢણી
નટવર પટેલ
એક હતી વાદળી. નામ એનું ભૂરી. ભૂરી પાછી હતી રૂપાળી. એ તો આકાશમાં ખિસકોલીની જેમ દોડાદોડ કરે. એક દિવસની વાત. ભૂરી નદી બાજુ ફરવા ગઈ. નદીકિનારે કેટલીક છોકરીઓને રમતાં જોઈ. છોકરીઓએ સરસ મજાની ઓઢણીઓ ઓઢી હતી. કોઈને માથે લાલ ઓઢણી હતી તો કોઈને માથે જાંબલી. ઓઢણીમાં પાછી મજાની ભાત ચીતરેલી. ભૂરીને થયું – ‘મારે પણ આવી ઓઢણી હોય તો કેવી મજા!’ ભૂરી તો આવી ઘેર. મમ્મીને વાત કરી. મમ્મી કહે, ‘બેટા, આપણને ઓઢણી કેવી ને વાત કેવી!’ ‘ના, મમ્મી, મારેય ઓઢણી ઓઢવી છે. છોકરીઓ ઓઢણીમાં કેવી સરસ લાગતી હતી! હું એમનાથી કમ નથી.’ મમ્મીએ ભૂરીને ઘણું સમજાવી પણ ભૂરી ન માની. છેવટે મમ્મીએ ભૂરીથી છુટકારો મેળવવા કહ્યું, ‘તું એમ કર, ધરતીમાતાને જઈને વાત કર.’ ભૂરીને તો આટલું જ જોઈતું હતું. તે તો ઊપડી ધરતીમાતા પાસે. ‘ધરતીમાતા, જય જય…’ ભૂરીએ બે હાથ જોડ્યા. ‘કોણ… ભૂરી તું? આવ બેટા.’ ‘ધરતીમાતા, હું એક જરૂરી કામે આવી છું.’ ‘બોલ ને બેટા!’ ‘મારે ઓઢણી જોઈએ છે. તમે મને ઓઢણી ન અપાવો?’ ભૂરીની માગણી સાંભળી ધરતીમાતા વિચારમાં પડી ગયાં. તેમની પાસે એક જ ઓઢણી હતી, ને તેય લીલા રંગની. તે બોલ્યાં, ‘ભૂરી, મારી આ લીલી ઓઢણી ગમે તો તું લઈ જા.’ ભૂરીએ ઓઢણી ઓઢી પણ તે તો કેટલી બધી લાં….બી! ભૂરી જો ઓઢે તો નીચે જ ઘસડાય. ભૂરીને એક જ રંગની અને આવડી મોટી ઓઢણી પસંદ ન પડી. એટલે ધરતીમાતા કહે : ‘તું એમ કર, ચાંદામામા પાસે જા.’ ભૂરી તો ત્યાંથી સીધી ચાંદામામાને ઘેર. મામા તો ઘરઆંગણે ભૂરીને જોતાં રાજી થઈ ગયા. કહે, ‘આવ ભૂરી, ઘણા દા’ડે તું મારે ઘેર આવી.’ ‘ચાંદામામા, હું એક જરૂરી કામે આવી છું.’ ‘બોલ ને બહેન.’ ‘મામા, મને ઓઢણી અપાવો ને?’ ‘ઓઢણી?’ ‘હા, મામા, બસ એક ઓઢણી જ.’ મામા પાસે એક જ ઓઢણી હતી. ધોળીધોળી દૂધ જેવી! તે બતાવી મામા કહે, ‘આ એક છે મારી પાસે, તને ગમતી હોય તો તું લઈ જા.’ ભૂરીએ ઓઢણી જોઈ. આવી ધોળી તે ઓઢણી હોતી હશે? ને પાછી કેટલી મોટી છે? ‘ઊહું… મામા, આવી ન ગમે.’ ‘તો પછી કેવી ગમે?’ ‘કેવી તે, સરસ મજાની હોય તે ગમે. એનો રંગ મજાનો હોય. અંદર સરસ મજાની ભાત હોય...’ ભૂરીએ સમજ પાડી. ‘તો તું એમ કર. રાતરાણી પાસે જા. એની પાસે એક સરસ મજાની ઓઢણી છે.’ મામાએ ભૂરીને સલાહ આપી. ભૂરી તો ત્યાંથી પહોંચી રાતરાણીને ઘેર. ‘રાતરાણીમા, આવું કે?’ ‘કોણ? ઓહ! ભૂરી તું? આવને દીકરી!’ રાતરાણીએ ભૂરીને આવકાર આપ્યો. રાતરાણીએ માથે ઓઢણી ઓઢી હતી. તેમાં સરસ મજાના તારલિયા જડેલા હતા. ને તેથી ઓઢણી ઝગમગ ઝગમગ થતી હતી, પણ તેનો કાળો રંગ ભૂરીને ન ગમ્યો. ‘બોલ દીકરી, કેમ આવી?’ ‘રાણીમા, આવી તો હતી ઓઢણી લેવા પણ…’ ભૂરી રાતરાણીની ઓઢણી સામે એકીટશે જોઈ રહી. રાતરાણી હસીને બોલ્યાં, ‘તને મારી ઓઢણી ગમી હોય તો તું લઈ જા. હું તો બીજી લઈ આવીશ.’ ‘રાણીમા, તમારી ઓઢણી છે તો સરસ, પણ એનો કાળો રંગ મને જરાય ગમતો નથી. તમને આવો રંગ કેમ ગમે છે?’ રાતરાણી હસ્યાં. તે કહે, ‘ભૂરી, આ જ તો મારો રંગ છે. મારે એ રંગ ગમાડવો પડે દીકરી.’ ‘પણ મને તો રંગબેરંગી ઓઢણી ગમે.’ ભૂરીએ પોતાના મનની ઇચ્છા જણાવી. ‘તો પછી તું એમ કર. સૂરજદાદા પાસે જા. દાદા સૌની ઇચ્છા પૂરી કરે છે. તે તનેય રાજી કરશે.’ રાતરાણીએ ભૂરીને સમજ પાડી. ભૂરીને તો આટલું જ જોઈતું હતું. તે તો તરત જ ઊપડી, ગઈ સૂરજદાદાને મળવા. સૂરજદાદા પૂર્વ દિશાએથી આવી રહ્યા હતા. સાત ઘોડા જોડેલા રથને અરુણ સારથિ હાંકી રહ્યો હતો. અંદર દાદા ઊભા હતા. ‘નમસ્તે સૂરજદાદા!’ સૂરજદાદાએ અવાજની દિશામાં નજર કરી. સામે ભૂરી ઊભી હતી. સૂરજદાદા મલકીને બોલ્યા, ‘કોણ? ભૂરી બેટા તું?’ ‘હા દાદા, મને રાતરાણીએ મોકલી છે.’ ‘બોલ, શું કામ છે?’ ‘દાદા, મને ઓઢણી અપાવો ને?’ ‘બેટા, તારે ઓઢણીની શી જરૂર છે? આમેય તું સુંદર લાગે છે.’ ‘બધા ઓઢણી ઓઢે ને એક હું જ નહિ? ના, દાદા, મને ઓઢણી અપાવો.’ ભૂરીએ દાદા પાસે જીદ કરી. ‘ભલે. બોલ, તારે કેવી ઓઢણી જોઈએ?’ ‘દાદા, મને તો રંગબેરંગી ઓઢણી ગમે. જેને જોતાં જ લોકો ખુશ થઈ જાય. સુંદર મજાની ભાતકડી ઓઢણી!’ સૂરજદાદાએ થોડી વાર વિચાર કરીને કહ્યું, ‘જો ભૂરી, હું તને ઓઢણી અપાવું તો ખરો… પણ…’ ‘પણ શું દાદા...?’ ‘પણ બેટા, એ ઓઢણી તારી પાસે કાયમ માટે નહિ ટકે. કોક દિવસ જ એ ઓઢણી તને પહેરવા મળશે.’ ‘દાદા, સારાં કપડાં કાંઈ રોજ થોડાં પહેરાય? ચાલશે. પણ... એવી ઓઢણી આપો કે નાનાં–મોટાં સૌ લોકો મોંમાં આંગળાં નાખીને જોતાં જ રહી જાય.’ દાદા બોલ્યા, ‘ભલે… તો પછી તું એક કામ કર. હું અહીં પૂર્વ દિશામાં ઊભો છું. તું પશ્ચિમ દિશાએ જા.’ ભૂરી તો હરખાતી–હરખાતી મંડી દોડવા. ‘અને સાંભળ…’ દાદાએ બૂમ પાડી. ભૂરીના પગ તરત જ થંભી ગયા. ‘બોલો દાદા.’ ‘રસ્તામાં તું તારી મમ્મીને કહીને જજે કે તે વરસાદ આપે.’ ‘એમ કેમ દાદા?’ ભૂરીને નવાઈ લાગી. ‘જો વરસાદ નહિ પડતો હોય તો હું તને ઓઢણી અપાવી નહીં શકું.’ ‘ભલે દાદા.’ આમ કહી ભૂરી ઊપડી. રસ્તામાં ઘર આવ્યું. મમ્મીને કહે, ‘મમ્મી, મમ્મી! સૂરજદાદા મને ઓઢણી અપાવે છે. પણ તારે ઝરમર-ઝરમર વરસવાનું છે.’ આમ કહી ભૂરી તો મંડી ચાલવા. ‘પણ તું ક્યાં ચાલી?’ મમ્મીએ પૂછ્યું. ‘હું તો જઈશ પશ્ચિમ છેડે. ઓઢણી લેવા.’ થોડી વારમાં ભૂરી તો પશ્ચિમ છેડે પહોંચી ગઈ. સૂરજદાદા પૂર્વમાં હતા. ને વચમાં ભૂરીની મમ્મી. મમ્મીએ તો વરસવા માંડ્યું. ઝરમર ઝરમર...! ને સૂરજદાદાએ કિરણો પ્રસરાવ્યાં. તે કિરણોએ તો જાદુ કર્યો. પાણીના બિંદુમાંથી પસાર થયાં કે રંગબેરંગી થઈ ગયાં. દૂર ભૂરીને માથે સાત રંગનો અર્ધગોળાકાર પટ્ટો છવાઈ ગયો. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો! સાત રંગની સરસ મજાની ઓઢણી! રંગબેરંગી મનોહર ઓઢણી! ભૂરી તો પોતાને માથે ઓઢણી જોતાં જ રાજીના રેડ થઈ ગઈ. દૂરદૂર મમ્મીએ પણ ઓઢણી જોઈ. મમ્મી થઈ ગઈ ખુશ! ભૂરીએ નીચે નજર કરી. નાનાંનાનાં ટાબરિયાં મોંમાં આંગળાં ઘાલીને ભૂરીની ઓઢણીને એકીટશે જોઈ રહ્યાં હતાં. નદીકિનારે છોકરીઓ રમતી હતી. તેઓ પણ રમત અટકાવીને ભૂરીની ઓઢણી જોવા લાગી. ખેતરે જતા ખેડૂતો તથા ખેતમજૂરો પણ ચાલતા-ચાલતા અટકી ગયા. તેઓ પણ ઓઢણી જોઈને ખુશ થયા. મોરલાઓ તો ઓઢણી જોતાં ટહુકી પડ્યા – ટેંહુક ટેંહુક! દેડકાંઓએ ડ્રાઉં ડ્રાઉં કરી તેમાં સૂર પુરાવ્યો. ભૂરીની ઇચ્છા પૂરી થઈ. ભૂરીના હૈયાનો આનંદ ચહેરા પર છલકાતો હતો. બાલદોસ્તો, દર ચોમાસામાં ભૂરી કોકવાર આવી સરસ ઓઢણી ઓઢીને આવે છે. તમે તે ઓઢણી જોઈ છે કદી? ના જોઈ હોય તો મેઘધનુષી ઓઢણી અવશ્ય જોજો. તમનેય ભૂરીની ઓઢણી ગમી જશે.
(‘ભાવિ બાળવાર્તાશ્રેણી’માંથી)