ગુજરાતી બાળવાર્તા સંપદા/સાચી દિશાનો પ્રયત્ન

Revision as of 16:34, 10 November 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સાચી દિશાનો પ્રયત્ન

નટવર પટેલ

નીરવ નામનો એક વિદ્યાર્થી ભણવામાં ન બહુ હોશિયાર કે ન બહુ ઠોઠ. પરીક્ષા સમયે વધારે મહેનત કરે એટલે પાસ તો થઈ જાય. જોકે ટકા બહુ ન આવે, પણ એને એનાથી સંતોષ થાય. નીરવને રમત-ગમતમાં ભારે ૨સ. એમાં વળી કબડ્ડીનો એ ખાસ શોખીન. કબડ્ડીમાં એને કોઈ ન પકડી શકે, ને એની પકડમાંથી કોઈ છટકીય ન શકે. વળી દોડવામાંય નંબર લાવે. આમ, એનું શરીર કસાયેલું હતું. પ્રાથમિક શાળા પૂરી કરી એ હાઈસ્કૂલમાં આવ્યો. તે જ્યાં ભણતો હતો ત્યાં સાતમા ધોરણ સુધીની જ શાળા હતી. તેથી તેને બીજી સ્કૂલમાં દાખલ થવું પડ્યું. એક તો શાળા નવી અને નીરવનો કોઈ ભાઈબંધ નહીં. વાતાવરણ પણ બદલાઈ ગયું. નીરવને શાળામાં ઓછું ગમે. ભણાવનારા શિક્ષકો પણ વિષયવાર નવા નવા આવે. નીરવ ન તો કોઈ શિક્ષકને ઓળખે કે ન શિક્ષક નીરવને. જૂની સ્કૂલમાં તો નીરવની નામના હતી, પણ અહીં નીરવ એકલો પડી ગયો. નીરવ ભણવામાં નબળો હતો તે વાત શિક્ષકોના ધ્યાનમાં આવી ગઈ. વર્ગમાં શિક્ષક પ્રશ્ન પૂછે, તેનો ઉત્તર નીરવને ન આવડે. શિક્ષક નીરવને પૂછે. નીરવ ગભરાતો ગભરાતો ઊભો થાય. ખોટો ખોટો ઉત્તર આપે, જે સાંભળી આખો વર્ગ હસી પડે. બિચારો નીરવ ! શરમાઈ જાય ને ઉપરથી શિક્ષક તેને ઠોઠ, ગમાર, અબુધ, ‘ઢ’ જેવાં વિશેષણોથી નવાજે. રિસેસમાં પણ ની૨વ એકલો સૂનમૂન થઈ ફર્યા કરે. તેને શાળા છોડીને ભાગી જવાનું મન થતું, પરંતુ હિંમત ન ચાલે, શાળા બદલવાની ઇચ્છા થતી, પણ ઘરે આ વાત કહેવી કઈ રીતે ? દિવસે દિવસે નીરવનું વર્તન બદલાતું ગયું. નટખટ, રમતિયાળ, હસમુખો નીરવ સૂનમૂન બની ગયો. રમતના પિરિયડમાં પણ ઉદાસ રહેવા લાગ્યો. નીરવનું બદલાયેલું આ વર્તન તેની મમ્મીના ધ્યાન પર આવ્યું. તે ઘણી વા૨ પૂછતી : ‘બેટા ! તને કંઈ થાય છે ? નિશાળમાં તને કોઈ વઢે છે ?’ નીરવ બધા જ પ્રશ્નોના જવાબ નકારમાં આપતાં કહેતો : ‘મને કંઈ જ નથી થયું’ ને એ ચોપડી લઈ વાંચવા બેસી જતો, પણ વાંચવામાં તેનું ચિત્ત ચોંટતું નહીં. તેના પપ્પાને તો ધંધામાંથી નવરાશ જ મળતી ન હતી. રાત્રે જ્યારે તેઓ મોડેથી ઘેર આવતા ત્યારે નીરવની મમ્મી કહેતી : ‘શાળા બદલાયા પછી ની૨વના વર્તનમાં ખૂબ જ ફે૨ પડી ગયો છે.’ ‘એટલે ?’ પપ્પા નવાઈ પામીને પૂછતા. ‘એ પહેલાંની જેમ હસતો, રમતો નથી.’ ‘હવે એ હાઈસ્કૂલમાં આવ્યો છે ને એટલે.’ પપ્પા કહેતા. ‘ના, એવું નથી. તમે એક વાર તેની શાળાએ જઈ આવો. વર્ગશિક્ષકને મળી આવો તો કંઈક ખ્યાલ આવે.’ ત્યારે તેના પપ્પા હસમુખભાઈ આ વાતને સામાન્યમાં ખપાવી નાખતા અને કહેતા : ‘એ તો નવી શાળા છે ને એટલે, સમય જતાં એનું મન ત્યાં ગોઠી જશે... પછી કોઈ સવાલ નહીં રહે.’ આમ ને આમ બે-અઢી માસ વીતી ગયા. શાળામાં પ્રથમ કસોટી લેવામાં આવી. થોડા દિવસો બાદ પરિણામ આવ્યું. નીરવને દરેક વિષયમાં ખૂબ જ ઓછા ગુણ મળ્યા હતા. નીરવનું આવું ખરાબ પરિણામ જોઈ તેનાં મમ્મી-પપ્પા ડઘાઈ ગયાં. નીરવ બહુ હોશિયાર ન હતો એ સાચી વાત, પણ પરિણામ તદ્દન ખરાબ આવશે તેની કલ્પના તેનાં મમ્મી-પપ્પાને ન હતી. ‘કહું છું તમે શાળામાં જઈ મળી આવો.’ મમ્મીએ કહ્યું. ‘ભલે. જઈ આવીશ.’ પપ્પાએ કહ્યું. બીજે દિવસે હસમુખભાઈ શાળાએ ગયા. આચાર્યશ્રીને મળ્યા. આચાર્યશ્રીએ આવવાનું પ્રયોજન પૂછ્યું. હસમુખભાઈએ ની૨વની વાત કરી. આચાર્યશ્રીએ વર્ગશિક્ષકને કાર્યાલયમાં બોલાવી તેમનો અભિપ્રાય પૂછ્યો. ‘કોણ નીરવ ? પેલો ભણવામાં ઠોઠ છે તે ?’ વર્ગશિક્ષક બોલ્યા. તેમને ખબર ન હતી કે નીરવના પપ્પા પણ ઑફિસમાં હાજર છે, ‘એનું પરિણામ કેવું છે ?’ આચાર્યે પૂછ્યું. ‘સાહેબ, એ તો દરેક વિષયમાં નાપાસ થયો છે, એને કંઈ જ આવડતું નથી.’ વર્ગશિક્ષક બોલ્યા. આચાર્યે પૂછ્યું : ‘તેની પાછળ વ્યક્તિગત ધ્યાન આપીએ તો ફેર પડે કે કેમ ?’ ‘સાહેબ, એની પાછળ મહેનત કરવાનો કશો જ અર્થ નથી.’ વર્ગશિક્ષકે અભિપ્રાય આપી દીધો. આચાર્યે વર્ગશિક્ષકને વિદાય કર્યા. નીરવના પપ્પા સાથે ઓળખ કરાવી તેમને શરમાવવા ઇચ્છતા ન હતા. વર્ગશિક્ષક અને આચાર્યશ્રી વચ્ચેનો સંવાદ સાંભળી હસમુખભાઈને ખૂબ જ દુઃખ થયું. તે કંઈક બોલવા જતા હતા ત્યાં જ એમને અટકાવી આચાર્યશ્રીએ કહ્યું : ‘હસમુખભાઈ, મનમાં ખોટું ન લગાડશો. વર્ગશિક્ષકના અભિપ્રાય સાથે હું સંમત નથી. મને નીરવમાં છુપાયેલી શક્તિમાં વિશ્વાસ છે. જો તમે મને સહકાર આપશો તો હું નીરવના ભવિષ્યને બદલી શકીશ.’ હસમુખભાઈ આચાર્યશ્રીના હકારાત્મક વલણથી રાજી થયા. તેઓ બોલ્યા : ‘સાહેબ, આમ તો નીરવ કબડ્ડીનો સારો ખેલાડી છે. દોડમાં પણ નંબર લાવે છે.’ આ સાંભળી આચાર્યશ્રીએ શાળામાં રમતોત્સવની જાહેરાત કરી. તેમાં કબડ્ડી, ખોખો, વૉલીબૉલ જેવી સાંઘિક રમતો અને દોડ, લીંબુ ચમચો, ઊંચી કૂદ, લાંબી કૂદ જેવી વૈયક્તિક રમતો અંગે વાત કરી. પ્રાર્થના બાદ નીરવને ઑફિસમાં બોલાવી તેનું નામ કબડ્ડી અને દોડમાં લખાવવા કહ્યું. આચાર્યશ્રીએ તેના બરડે હાથ મૂકી પ્રેમથી કહ્યું, ‘જો નીરવ, મને ખબર છે તું એક સારો ખેલાડી છે. તારી તાકાત બતાવવાનો પ્રસંગ આવ્યો છે. તું એ કામ કરી બતાવ.’ આચાર્યશ્રીની આ વાતથી નીરવમાં ઉત્સાહ જાગ્યો. વર્ગમાં તેણે દોડમાં અને કબડ્ડીની ટીમમાં નામ લખાવ્યું. આ જોઈ ફરી લોકો હસવા લાગ્યા. સૌને મનમાં એમ જ હતું કે ઠોઠ નીરવ શું બહાદુરી બતાવવાનો છે ! રમતોત્સવ શરૂ થયો. પ્રથમ દિવસે ૮-અ અને ૮-બની કબડ્ડીની ટીમ વચ્ચે સ્પર્ધા યોજાઈ. નીરવ ધો૨ણ-૮-અની ટીમમાં હતો. રમત શરૂ થઈ. ૮-અની ટીમ હારવાની અણી પર હતી, ત્યારે નીરવ ‘કબડ્ડી કબડ્ડી’ બોલતો પ્રતિસ્પર્ધીની ટીમમાં ઘૂસ્યો. બધાંને એમ કે એને પકડી પાડીએ. પણ નીરવ સજાગ હતો. તે બે-ત્રણ ખેલાડીને અડકીને જીવતો પાછો આવ્યો. તેની ટીમના ખેલાડીઓના જીવમાં જીવ આવ્યો. ને પછી તરત જ આવનાર સામેની ટીમના ખેલાડીને નીરવે પગ પકડીને ખેંચી જ લીધો. પ્રેક્ષકોમાંથી ‘નીરવ ઝિંદાબાદ’ના નારા શરૂ થયા. ને નીરવની ટીમ જીતી ગઈ. સૌ નીરવનાં ગુણગાન ગાવા લાગ્યા. વર્ગશિક્ષક પણ નીરવની પ્રશંસા કરવા લાગ્યા. રમતોત્સવના બીજા દિવસે દોડની સ્પર્ધા હતી. પ્રથમ રાઉન્ડમાં નીરવ પ્રથમ રહ્યો. ત્રીજો રાઉન્ડ ફાઇનલ દોડનો હતો. છ ખેલાડીઓમાં નીરવ પ્રથમ આવ્યો. નીરવની બોલબાલા વધી ગઈ. સૌ નીરવના ભાઈબંધ થવા તલપાપડ થવા લાગ્યા. અંતિમ દિવસે ધો૨ણ-૧૦ની ટીમ સામે ધોરણ ૮-અની ટીમની કબડ્ડીની ફાઇનલ મેચ ગોઠવાઈ. આખી શાળાના વિદ્યાર્થીઓ રમત જોવા ગોઠવાઈ ગયા હતા. દસમા ધોરણના મોટા અને મજબૂત ખેલાડીઓ સામે આઠમા ધોરણના ખેલાડીઓ નાના અને નમણા લાગતા હતા, પરંતુ એમનામાં ઉત્સાહ અનેરો હતો. રમત શરૂ થઈ. નીરવે સામેની ટીમ ૫૨ ચઢાઈ કરી, ખેલાડીઓએ તેને પકડવા પેંતરો કર્યો, પરંતુ નીરવ બે ખેલાડીઓને આઉટ કરી પોતાની ટીમમાં આવી ગયો. પછી તો રસાકસીભરી મૅચ ચાલી. ને છેવટે ધોરણ ૮-અની ટીમ વિજેતા જાહેર થઈ. સૌએ નીરવને ખભા પર ઊંચકીને સરઘસાકારે મેદાનમાં ફેરવ્યો. રમતોત્સવ પૂરો થયો. ઇનામ વિતરણ પ્રસંગે આચાર્યશ્રીએ નીરવની ભારોભાર પ્રશંસા કરી. એને રમતોત્સવનો શ્રેષ્ઠ ખેલાડી જાહેર કર્યો. જાહેરમાં એનું સન્માન કર્યું. બીજે દિવસે આચાર્યશ્રીએ નીરવને પોતાની ઑફિસમાં બોલાવ્યો. નીરવ આચાર્યશ્રીના પગે પડ્યો. આચાર્યશ્રીએ બરડો થાબડી શાબાશી આપી. પછી કહે, ‘ની૨વ, તારામાં શક્તિ છે. જોયું ને ? તું આ રીતે જો ભણવામાં ધ્યાન આપીશ તો મને વિશ્વાસ છે કે તું અવશ્ય સારા ગુણ લાવી શકીશ.’ નીરવ ધ્યાનથી આચાર્યશ્રીની વાત સાંભળતો હતો. તેનામાં હવે આત્મવિશ્વાસ જાગૃત થયો હતો. તે બોલ્યો : ‘સર, હું અવશ્ય મહેનત કરીશ.’ ને પછી નીરવે અભ્યાસમાં પણ ચિત્ત પરોવ્યું. હવે તેને શાળામાં ગમતું હતું. શાળામાં તેના ભાઈબંધો વધ્યા. શિક્ષકો પણ હવે તેને માન આપતા હતા. બીજી કસોટી લેવામાં આવી. પરિણામ આવ્યું. ની૨વ ૬૦ ટકા ગુણ સાથે પાસ થયો હતો. આ જોઈ તેનાં મમ્મી-પપ્પા પણ ખુશ થયાં. તેઓ આચાર્યશ્રીને મળવા ગયાં ને તેમનો ખૂબ આભાર માન્યો. આચાર્યશ્રીનો સાચી દિશાનો પ્રયત્ન રંગ લાવ્યો હતો.