ગુજરાતી બાળવાર્તા સંપદા/સસલાની ટંગડી
ગિરા પિનાકીન ભટ્ટ
ધોળોધબ્બ હું સસલોજી, વાઘ, વરુથી ના ડરતોજી,
આભલા પેઠે ગરજતોજી, પાછી પાની ના કરતોજી.
રૂના ઢગલા જેવો શનો સસલો બહુ વાયડો ! વાઘ-વરુથી પણ હું ના ડરું, તેવી ડંફાશનું ગીત ગાયા કરે. એક દિવસ શનો સસલો કૂણું કૂણું ઘાસ ખાઈ રહ્યો હતો. ત્યારે.. ચાલાક કાગડો ત્યાં આવી ચડ્યો. કાગડાને જોઈ શનો સસલો ગાવા માંડ્યો :
ધોળોધબ્બ હું સસલોજી, વાઘ, વરુથી ના ડરતોજી,
આભલા પેઠે ગરજતોજી, પાછી પાની ના ભરતોજી.
કાગડાએ વિચાર્યું, ઓત્તારીની... સાલું આ શનોડું સસલું કોઈથી ના ડરે એવું કદી બને ? કાગડાને એની પરીક્ષા લેવાનું સૂઝ્યું. કાગડો બોલ્યો : એ..ય...વાયડા, ફંટૂસ તારી જાત છે, મોટી-મોટી ને ખોટી ડંફાશ ના માર. તારી જાત તો સાવ બીકણ.’ આ સાંભળી શનોડાનો મિજાજ ગયો. એય મોં સંભાળીને બોલ, કાળા કાળા કાગડા, આ... તારા કરમોના કારણે તું કાળો મેંશ છે. શું સમજ્યો..? આ... જો... મારી સામું. છું ને ધોળોધબ્બ. રૂના ઢગલા જેવો ! મારી જાત હવે બીકણ નથી રહી. કળિયુગનું પાણી મેં પણ પીધું છે. તું શું સમજે ?’ ‘ના...ના, શનાજી. હું તો કાંઈ ન સમજું, પરંતુ તમારામાં આટલી બધી હિંમત ? અરે ! ગઈ કાલે જ હું વરુને મળ્યો હતો. એ પણ તમારી હિંમતનાં વખાણ કરતો હતો.’ સસલો તો આ સાંભળી વધારે ફુલાયો ને બોલ્યો, જોયું ને ! પીઠ થાબડ, મારી પીઠ.’ કાગડાએ સસલાની પીઠ થાબડી. પછી બોલ્યો, ‘ચાલો, આપણે સાથે વનમાં ફરવા જઈએ. મારે તમારી પાસેથી નિર્ભયતાના પાઠ શીખવા છે.’ સસલાએ કહ્યું : ‘ચાલો... અહીં કોણ ડરે છે ? તને ખબર નથી, બીએ એ બીજા, આ સસલા રાજા નહીં, શું સમજ્યો ?’ કહેતાં સસલાજી ચાલી નીકળ્યા. કાગડો તો ઠેકડા ભરે, થોડું ચાલે, થોડું ઊડે, એમ બંને વાતો કરતા જાય. થોડે દૂર ગયા ત્યાં... શિકારી કૂતરાના ભસવાનો અવાજ આવ્યો... શનો સસલો તો ભાગ્યો, ને ગીચ ઝાડીમાં સંતાઈ ગયો. કાગડો ઊડી ઝાડ પર બેઠો : ‘કાં....શનાજી, કાં ડરી ગયા ?’ ‘ઓય કાળા ભમ્મર કાગડા, હું નથી ડર્યો. આ તો ભસતા કૂતરાનાં અપશુકન થાય એટલે બહાર જવું નહીં, એવું મારી મા કહેતી. એટલે ઝાડીમાં જઈ બેઠો. બાકી આપણે... બહાદુ૨ બંકા, એકલા જ ચઢી આવ્યા, ગઢ લંકા.’ થોડી વા૨ પછી કૂતરા ભસતા બંધ થયા. શનોજી હળવેથી બહા૨ આવ્યો. કાગડો ને શનો સસલો બંને ચાલી નીકળ્યા. ચાલતાં ચાલતાં શનોજી ડંફાશ હાંકે રાખે. આપણે એટલે કોણ ? ‘હેં ?’ ‘આપ કોણ ?’ ‘આપ તો મોટા રાજા.’ કાગડો સસલાને ફુલાવ્યે રાખે. શનો સસલો ફુલાઈ જાય ને કહે : ‘હું તો રાજાનો રાજા, મહારાજા ! વળી મહારાજાને ડર કોનો ?’ ત્યાં તો દૂરથી કાળું, જાડું-પાડું મોટું રીંછ આવતું જણાયું. સસલો તો નાઠો, ને એક ઝાડની બખોલમાં ભરાઈ ગયો. કાગડો તો ઊડીને બખોલ પાસે આવ્યો. ‘એ ય શનાજી, બહાર નીકળો ને,’ ‘અલ્યા, ઘડી શ્વાસ તો લેવા દે.’ ‘કેમ, કેમ ગભરાઈ ગ્યા ?’ ‘ના... ના ગભરાય એ ગધેડા. આપણે એટલે કોણ ? પાંડવોનો ગુરુ, હું છું ગુરુ દ્રોણ.’ ‘ઓહ ! એમ વાત છે. ડર તમારાથી દૂર ભાગે તો આમ કેમ બખોલમાં પેઠા ?’ અરે ! જો કાગડા, તારાં કરતૂત મારી જાણમાં છે. કાનુડાના હાથમાંથી તો તેં દહીંથરું પડાવી લીધેલું, એટલે મને થોડો વહેમ પડ્યો કે, કહાનો પણ કાળો, ને તું પણ કાળો, બંનેનાં કારસ્તાન ભારે. વળી, આ રીંછને તું બેય કાળાં, એટલે બંને કાળા ભેગા થાય ત્યાં આપણે હાજર નહીં રહેવું, એવું મારા નિયમમાં આવે છે. ‘તમારી વાતમાં તો ઘણું તથ્ય છે, હોં શનાજી, પરંતુ રીંછ તો ક્યારનુંય અહીંથી નીકળી ગયું. હવે બહાર નીકળો બહાર.’ શનાજીએ બખોલમાંથી ડોકું બહાર કાઢી ચારે તરફ એમની આંખો ચકળ-વકળ ફેરવી, પછી બહાર નીકળ્યા ને પાછા ચાલવા લાગ્યા. પાંચ-પંદર ડગલાં માંડ ભર્યાં ત્યાં તો વાઘની ગર્જના સંભળાઈ. લાંબી-લાંબી ફલાંગો ભરતો, હવામાં કૂદતો હોય એવી અદાથી શના સસલા ભણી એ આવતો હતો. શનાજી તો જાય ભાગ્યા. જમીનમાં સાવ નાનકડું બાકોરું જોઈ માંડ-માંડ અંદર ભરાયા. બહાર ડોકું કાઢે એ બીજા. વાઘે ઘણી ગડમથલ કરી જોઈ, પણ શનોજી બહાર ના નીકળ્યા. વળી, બખોલની જમીન પણ કઠણ હતી. એટલે ભૂખ્યો વાઘ કંટાળી ત્યાંથી ચાલ્યો ગયો. વળી પાછો કાગડો ત્યાં આવ્યો, ‘કાં શનાજી, કાં ભાગે ?’ ‘અરે ! મેં... મેં... કબ ભાગા ? મેં નહીં ભાગા. એ સાલા સામને આ ગયા નાગા !’ ‘લ્યો, ભારે કરી તમે તો ?’ ‘જો, સાચું કહું તો નાગાઓને નવ ગજ દૂરથી નમસ્કાર કરવાનું સમજું છું. આ વાત કદાચ તું નહીં જાણતો હોય.’ કાગડો બોલ્યો, ‘ના... ના... હું એ બધું જ જાણું છું.’ કાગડાને શનાજીની ખેંચવામાં મજા આવતી હતી. એ વાતને સમજી ગયો હતો. છતાં વાત વધારતાં બોલ્યો, ‘શનાજી, આ તમે પણ ક્યાં કપડાં પહેરો છો તે વાઘને નાગો કહો છો ?’ ‘જો, કાગડા મારા ડિલે કેટલી બધી રુંવાટી છે. મને તો ઓલરેડી ભગવાને કપડાં પહેરાવીને જ મોકલ્યો છે. બાકી, સાલ્લો વાઘ... કહેવાય જંગલનો રાજા, ને કપડાં જ ન પહેરે... તે શોભે ખરું ?’ એમ વાતો કરતાં કરતાં ચાલતાં હતાં, ત્યાં જ એક શિયાળ આવી ચડ્યું. પીઠ બતાવી સસલું ભાગ્યું. દૂર દૂર નાસી ગયું. શિયાળ કંટાળ્યું, ‘હવે સાલું શનોડું નહીં મળે’ કહી ત્યાંથી ચાલ્યું ગયું, ઊડતાં ઊડતાં કાગડાએ શનાજીને શોધી કાઢ્યા, ‘કાં... શનાજી, કાં ગભરાયા ?’ ‘ઓત્તારીના કાગડા, તું મારી પાછળ કેમ પડ્યો છે ? મારી હિંમતને તેં જોઈ નથી લાગતી. આખેઆખો વગડો વીંધી નાખ્યો મારા ભરોસે. પેલા છેડેથી આ છેડે તને હું લઈ આવ્યો, ને બદમાશ તું મને ડરપોક સમજે છે ? સાલા... મારી બહાદુરીના વખાણ કરવાનું તો દૂર ને મારી જ હાંસી ?’
આપણે એટલે કોણ ? બહાદુર બંકા,
હિંમત છે તેથી તો આવ્યા ગઢ લંકા.
હવે કાગડાએ વિચાર્યું કે ‘શનોજી ફંટૂસ એમ હાર કબૂલશે નહીં. વળી, હું પણ ક્યાં નવરો છું ? મારી કાગડી મારી વાટ જોતી હશે. આ ફંટૂસ ગાંડિયા પાછળ છેક વનમાં આવી ગયો.’ એવું વિચારી કાગડો બોલ્યો, ‘ચાલો, ત્યારે શનાજી, વિદાય લઉં, આજે વકીલોની પાર્ટી છે, મને અતિથિવિશેષ તરીકે બોલાવ્યો છે. એ હું ભૂલી ગયો હતો. ચાલો ત્યારે બાય...’ કાગડો આમ બોલતો હતો, ત્યાં જ સસલાની નજર જમણી બાજુએ ચરતા જિરાફ ઉપર પડી અને એ શાકાહારી છે, તેવું પણ એ જાણતો હતો. તેથી તેણે કહ્યું, ‘ના... ના... કાગડા, આમ આટલે સુધી લાંબો થયો ને મારા મિત્રને મળ્યા સિવાય જાય એ કેમ ચાલે ?’ ‘મિત્ર, શનાજી તમારા મિત્ર ? કોણ ? હેં કોણ ? ક્યાં છે ?’ ‘આ... આ... જો... પેલા ઝાડના પાંદડાં ઊભાં ઊભાં ખાઈ રહ્યો છે, એ જિરાફ. આપણો આપણો પાક્કો દોસ્ત છે હોં.’ ‘ઓત્તારીની, આટલું ઊંચું પશુ તો એણે ક્યારેય જોયુ નહોતું. વળી, સાવ ટચૂકડા સસલાજીને ઊંચા ઊંચા તાડ જેવા મિત્રો હોય ? સાલું સાવ ડરપોક શનોજી ને આવડા મોટા ભાઈબંધ ?’ ‘ચાલ... છેલ્લે... છેલ્લે... પરીક્ષા કરી લઉં’, કહેતો એ શનાજી સાથે ગયો. શનોજી તો જિરાફની સાવ નજીક પહોંચી ગયા. કાગડો બોલ્યો, ‘મારું વહાલું શનોડું બહાદુર તો ખરું હોં... આટલા મોટા જાનવરથી પણ ડરતું નથી. પાછું સાવ નજીક જઈને કેવું વાતે વળગ્યું છે ?’ હિંમત એકઠી કરી કાગડાને કહ્યું : ‘આવ, દોસ્ત આવ. આ મારા પરમ મિત્રને મળી લે. બાકી આપણને જે જે સામે મળ્યા ને એ બધાં તો સાવ ફોશી. ડ૨પોક ને કાયરો હતા કાયરો ! તેં જોયું કે નહીં ? મારી સામું આવતાં તેમની મૂંડી કેવી નીચે ઢાળીને ચાલતા હતા. ને આ જો છે ને છપ્પનની છાતીનો મિત્ર. કેવું મોં ઊંચું રાખે છે - મર્દ છે પાક્કો. બસ, આવા ગજાના ભાઈબંધ પાસેથી બહાદુરીના પાઠ શીખ્યો છું. બાકી, હું તો ડરને ભગાવું દસ ગાઉં દૂર !’ ‘ચાલો ત્યારે, શનાજીના મિત્ર ઊંચા જિરાફજી. આવજો.. આવજો..’ કહી કાગડો ત્યાંથી ઊડી ગયો. ઊડતાં ઊડતાં બોલ્યો : ‘મારા વહાલા શનાજી, પડે તો પણ ટંગડી ઊંચીજી.’