ગુજરાતી બાળવાર્તા સંપદા/બાપુ બાર લાડુ ખાય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
બાપુ બાર લાડુ ખાય

ગિરા પિનાકીન ભટ્ટ

ગામ આખામાં સહુ બાપુને ઓળખે. ગણેશચોથે ગામમાં લાડવા ખાવાની હરીફાઈ યોજાઈ. નાનાં-મોટાં સહુને એમાં ભાગ લેવાનું મન થાય. પરંતુ બાપુ એટલે બાપુ. છેલ્લાં પાંચ વરસથી એ મેદાન મારી જાય. સૌને બાપુના ભાણામાં રસ પડે, ને બાપુ પણ એવા ગમતીલા, બધાંને આનંદ કરાવે, આનંદ લૂંટે ને એમ ગામ આખામાં બાપુની વાતો ઘેર ઘેર થાય. ગામનાં છોકરાં બાપુને જોઈ ગીતો ગાય...

બાપુની ઘેર ઘેર વાતો થાય,
બાપુ તો બાર બાર લાડુ ખાય.

આ સાંભળી બાપુ ભારે ફુલાય. ‘જોયું ને ! મારી પેઠે બાર બાર લાડવા ખાવાવાળું છે કોઈ ? એ કામ તો આ બાપુનું, સમજ્યા....? બીજા કોઈનું નહીં.’ ને બાપુ આ કારણે મૂછોમાં મલકતા રહે. વળી, સહુ કોઈનેયે કહેતા ફરે કે... ‘બાર બાર લાડવા ખાવાનું ઇનામ ન લઉં તો ફટ્ કહેજો આ બાપુને, શું કહ્યું, ઇનામ ન લઉં તો બાપુ નહીં... વળી પેલું,

ઘેર ઘેર વાતો થાય,
બાપુ બાર બાર લાડુ ખાય.

એ ગીત છોકરાં એકલાં જ નહીં, નાનાં-મોટાં સૌના મોંએ ગણગણાતું. ગામના જુવાનિયાઓ ને બીજા હરીફો ચાર-પાંચ લાડુ ખાતાં આઉટ થઈ જાય, ત્યારે આ બાપુ દસ દસ લાડવા ખાય, પછી ટુકડો ટુકડો કરતાં બારે પહોંચી જાય. હવે બન્યું એવું કે... ગામમાં એક તેજો રહે, તે પોતાના ગામમાં વર્ષોથી યોજાતી હરીફાઈ જોતો આવેલો, એને પણ આમાં ભાગ લેવાના અભરખા જાગ્યા. કોઈને કહ્યા વિના મનોમન ઘે૨ લાડવા ખાવાની પ્રૅક્ટિસ કરવા માંડી. દર વરસની પેઠે શ્રાવણ ઊતર્યો ને ભાદરવો બેઠો. લાડુ હરીફાઈની તૈયારીઓ થવા માંડી, સહુની આતુરતા વચ્ચે પંગત પડી. દર વખતની જેમ જુવાનિયાઓ ને બીજા ભાગ લે, પરંતુ ચાર-પાંચ કે વધુમાં વધુ સાડા પાંચ, ને સહુ હાથ ધોઈ નાખે. છેલ્લે બેઠા હોય તે બાપુ સમજી જ જવાનું ને ! સાડા પાંચ લાડુ પછી છઠ્ઠો... ‘અલ્યા... આ કોઈ દિ’ નહીં ને તેજો હજુ બેઠો છે, બાપ રે ! તેજા ઊભો થા, આ તારું ગજું નથી હો.’ તેજાએ અને બાપુએ છઠ્ઠો લાડુ પૂરો કર્યો. સાતમો લાડુ પીરસાયો. સહુ ઘડી બાપુ સામે જોતા તો ઘડી તેજા સામે. ટોળે વળી ગામલોકો ઊભા હતા. સાતમા પછી આઠમો પી૨સાયો. ત્યાં તો છોકરાં બોલી ઊઠ્યાં : ‘ઓ બાપ રે ! તેજા તડબૂચિયાએ આઠ આઠ લાડવા ખાધા, ના હોય !’ ‘ના હોય શું ? જો...જો... જામી છે હોં...’ બીજો બોલી ઊઠ્યો. ત્યાં તો ત્રીજાએ વાત વધારી... ‘તેજો ગમે એટલા ખાય પણ બાપુના તોલે ન જ આવે... લાગી શરત !’ -ને એમ છોકરાં પણ શરત લગાવવા માંડ્યાં. આમ ચડસા-ચડસી ચાલતી હતી ત્યાં તો નવમો લાડુ પીરસાયો. બંને જણા નવમો લાડુ પણ ખાઈ ગયા. પછી દસમો... લોકો તો બાપુ સામે તો ઘડી તેજા સામે ફાટી આંખે જોઈ જ રહેતા. વળી કહેતા પણ ખરા કે... આ કંઈ કાચી માટીના ખેલ નથી, લાડવા છે, કંઈ સોપારી નથી. એકે’ક લાડુ શેર-શેરનો છે. બાપુને ફુલાવવા છોકરાં ગાતાં...

બાપુની ઘે૨ ઘેર વાતો થાય,
બાપુ તો બાર બાર લાડુ ખાય.’

ને બાપુને વધુ પાનો ચઢાવે. બાપુએ દસ લાડુ ખાધા. તો તેજાએ પણ... સહુ કોઈ માટે આજનો દિવસ અનેરો હતો. વળી, છેલ્લાં કેટલાંય વરસો પછી બાપુનો હરીફ આવ્યો એટલે મજાનો રંગ જામ્યો હતો. આજે એક પણ કોળિયો ખાવો બાપુ માટે અઘરો હતો. છતાં છોકરાં તો બાપુને ફુંગરાવ્યે જ જાય. ને બાપુ પણ એવા તે ફુંગરે.

ઘે૨ ઘેર વાતો થાય,
બાપુ બાર બાર લાડુ ખાય,
તેજો તો દસમાં હારી જાય...

પણ... આ શું ? બંનેને અગિયારમો લાડુ પીરસાયો ! બાપુ આજે હાંફતા હતા. જ્યારે તેજો અગિયારમો લાડુ આરામથી ખાઈ ગયો. લોકો ફાટી આંખે જોઈ રહ્યા. ગામલોકોને લાગ્યું કે... ગામમાં બાપુનો હરીફ છેવટે ઊભો થયો હોં. માંડ માંડ બાપુએ અગિયારમો લાડુ પૂરો કર્યો. બાપુ હાંફી ગયા, પરંતુ... હાર માને તો બાપુ શાના ? ‘તેજા તડબૂચિયા, તું રહેવા દે. તું જાણતો નથી કે ઓળખતો નથી, આ તું કોની સામે બેઠો છે, ખબર છે ને ?’ – ગામના એક યુવકે તડબૂચિયાને ટકોર્યો. ‘હા...હા... જો, તું બાપુ સામે જો... ને તું... અગિયાર લાડવામાં તડબૂચ જેવો બની ગયો છે. બાપુ તો ટેવાયેલા છે.’ બાપુના ઉપરાણામાં બીજો યુવક બોલી ઊઠ્યો. બાપુ આજે મનોમન સમજી ગયા હતા. પણ પાછા પડે તો... તો આબરૂ જાય, એટલે છોકરાં સામું જોઈ બાપુએ હાથનો લહેકો કરી ગાવાનો ઇશારો કર્યો ને છોકરાં સાથે ગામલોકો પણ ગાવા લાગ્યા :

ઘેર ઘેર વાતો થાય,
બાપુ બાર બાર લાડુ ખાય.
તેજો દસમાં હારી જાય,
એની ભારે ફજેતી થાય.

હવે... હવે... બંનેને બારમો લાડુ પીરસાયો. લાડવાનો ટુકડો કરવાની હિંમત હવે બાપુમાં નહોતી. જ્યારે તેજાએ જોતજોતામાં ભાણામાંનો બારમો લાડુ પૂરો કરી દીધો. ગામલોકોનું અનુમાન ખોટું પડતું લાગ્યું. બાપુનું પેટ ફાટતું હતું. એ સમજી ગયા કે હદ ઉપરાંત તો છે આ લાડુ. પરંતુ... મૂછનો સવાલ હતો. વળી પાછાં છોકરાં ને મોટેરાં મંડ્યાં ગાવા..

બાપુ, જોઈ શું રહ્યા છો... ખાઈ જાવ.
મૂછનો સવાલ છે... ખાઈ જાવ.
તેજો આગળ ના થાય.. ખાઈ જાવ.
જો...જો... પાછળ ના રહી જાવ... ખાઈ જાવ.

ભારે હિંમત કરી ત્યારે બાપુ બારમો લાડુ ખાઈ રહ્યા. ને પાણી લઈ હાથ ધોઈ નાખ્યા. પણ... પેલો તેજો... હજુ નોટ-આઉટ હતો. એના ભાણામાં તેરમો લાડુ પીરસાયો. ને એ તો જોત-જોતામાં ખાઈ ગયો. ગામલોકોની આંખો જાણે ફાટી ગઈ. અલ્યા... આ શું ? આ તેજો એના પેટમાં ઓરે છે કે હાથીના ? અંતે બાપુએ હાર સ્વીકારી... પરંતુ હસતા મોંએ, આજે છોકરાંને નચાવતાં, હસાવતાં, કૂદાવતાં ગવરાવવા લાગ્યા...

બાપુ બારમાં હારી જાય, તેજો તેર-તેર લાડુ ખાય.
ભારે રસાકસી યોજાય, સહુને આનંદ-મંગલ થાય.