ગુજરાતી બાળવાર્તા સંપદા/કીડીનું સ્નાન

Revision as of 03:37, 11 November 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કીડીનું સ્નાન

કિશોર વ્યાસ

એક હતી કીડી. એને ચાલવાની બહુ ટેવ. એક વાર નાગજીભાઈની ગાડી ઘૂ...મ કરતી પસાર થઈ. એ રસ્તા પર તો ઠેર ઠેર કાદવ જામ્યો હતો. એ કાદવના છાંટા કીડીને ચારે તરફ ફર...ર...ર કરતા ઊડ્યા. કીડી પગથી માથા સુધી કાદવથી ભરાઈ ગઈ. કીડીને થયું કે હવે નહાવું પડશે. આખા શરીરને ઘસીઘસીને સાફ કરવું પડશે. એ તો નદી તરફ વળી ગઈ. કીડીને આમેય નદીમાં નહાવાનું બહુ જ ગમે. નદીમાં ધુબાકા મારવાનો એને બહુ આનંદ આવે. કીડી તો ટગુમગુ ચાલતાં ચાલતાં ગાવા લાગી – નદીયે નહાવા જઈશ, ચોખ્ખી ચોખ્ખી થઈશ. રસ્તામાં એક ખાબોચિયું આવ્યું. એમાં એક કીડીબાઈ છબછબિયાં કરતાં હતાં. ધબાધબ કપડાં ધોતાં હતાં. કીડી એને તરત ઓળખી ગઈ. ખાબોચિયામાંથી કીડીબાઈને કહ્યું, ‘કેમ, ક્યાં ચાલ્યાં ?’ ‘હું તો જાઉં છું નદીએ નહાવા. જુઓને, હું કેટલી ગંદી થઈ ગઈ છું.’ કીડીએ જવાબ આપ્યો. કીડીબાઈ તરત બોલ્યાં, ‘તે અહીં નાહી લો ને ! હું તો રોજ અહીં જ નહાવા આવું છું. નદીમાં તો કેટલું બધું પાણી હોય ! ઊંડા પાણીમાં ક્યાંક ડૂબી જવાય તો ?’ કીડી કહે, ‘ના...રે, ના બાઈ, આ ખાબોચિયામાં કોણ નહાય ? પાણી પણ કેવું ડહોળાયેલું છે. નદીનું પાણી તો ચોખ્ખું કાચ જેવું, વહેતું ને વળી ધસમસતું, મને તો એવા પાણીમાં નહાવાનું ખૂબ ગમે.’ આમ કહીને કીડીએ ફરી લલકાર્યું – નદીયે નહાવા જઈશ, ચોખ્ખી ચોખ્ખી થઈશ. કીડી તો નદી તરફ ચાલતી થઈ. નદીકિનારે ઠંડો પવન વાતો હતો. એનાં ધસમસતાં પાણીનો અવાજ કીડીને તો બહુ ગમ્યો. નદીના વહેતા પાણીમાં એણે તો ઝબ્બ... દઈને પગને ઝબોળ્યા, ‘અહા ! કેટલું ઠંડું ઠંડું પાણી ! થોડી વાર તો કીડીને ટાઢ ચડી ગઈ. પણ, મજાયે બહુ આવતી હતી. બે’ય હાથથી પાણી લઈ એ તો ચારે તરફ ઉડાડવા માંડી. નાચતી જાય પાણીને ઉડાડતી જાય ને એક એક ટીપે નહાતી જાય પણ કીડીને આટલાથી સંતોષ ન થયો. એને લાગ્યું કે હજુ સહેજ આગળ પાણીમાં જઈને નહાવું જોઈએ. ધરાઈને ડૂબકીઓ મારવી જોઈએ, તે ગઈ એ તો આગળ. આગળ તો ખૂબ ઊંડું પાણી હતું. તે કીડી તો માંડી તણાવા. જાય આગળ... જાય આગળ...’ કીડીના મોંમાં પણ પાણી ઘૂસી ગયું. એ તો ડબક... ડબક ડૂબકાં ખાવા લાગી. આંખે હવે અંધારાં આવતાં હતાં. આટઆટલા પાણીમાંથી કેમ ઊગરવું ? એમ વિચારતી કીડીને સામી બાજુએથી એક દેડકાભાઈ તરતા આવતા દેખાયા. કીડી તો રાજીના રેડ. દેડકાભાઈ જેવા એમની પાસેથી પસાર થયા કે કીડીએ હતું એટલું બળ અજમાવી છલાંગ લગાવી. જોયું તો પોતે દેકડાભાઈની પીઠ પર... કીડીને હાશ થઈ. હજુ તો કીડીનો શ્વાસ હેઠો બેસે એ પહેલાં દેડકાભાઈ કોઈ જીવડાને પકડવા ઊંડા પાણીમાં દોડ્યા... પીઠ ઉપર લાં.... બા પગ કરીને બેઠેલી કીડી તો લપસી ગઈ અને પાણીમાં ફરી તણાવા લાગી. કીડીએ દેડકાભાઈને બે-ચાર સાદ પણ પાડ્યા પણ નદીના આટલા અવાજમાં એ સાંભળે જ શાના ? કીડીને થયું કે હવે તો આ પાણી મને તાણી જ જવાનું. તે છતાં એ હિંમત હારી નહીં. હાથપગને હલાવતી જાય. ડૂબકાં ખાતી જાય ને થોડું થોડું પાણી પીતી જાય. આજુબાજુ જોતી પણ જાય. કીડીનાં નસીબ બહુ સારાં સામેથી એક મસમોટી હોડી આવતી હતી. હોડીમાં ઘણાબધા મુસાફરો બેઠા હતા. કીડી તો હોડીના તળિયાને વળગી પડી. થોડી કળ વળી એટલે કીડી હોડીના ઉપરના ભાગે સંભાળીને ચઢવા લાગી. હોડી ઉપર એ આવી ત્યારે ખૂબ થાકી ગઈ હતી. કકડીને ભૂખ પણ લાગી હતી. હોડીની કિનારી પરથી કીડીને એક થેલીમાં ગોળ ભરેલો જોવા મળ્યો. એ તો ફરી રાજીના રેડ... કોઈને ખબર ના પડે એમ તાપમાં એ બેઠી. સૂરજદાદાએ તો પટ્ દઈને એને સૂકવી દીધી. કીડી હળવે હળવે ગોળ ભરેલી થેલીમાં ઊતરી. થેલીમાં તો જાણે ગોળનો પહાડ હતો. કીડીએ ગોળને ચબડ... ચબડ કાતરવા માંડ્યો ને પેટ ભરાયું ત્યાં સુધી ગોળને ચટકાવ્યા કર્યો. જ્યારે હઅ...મ્મ કરતો ઓડકાર આવ્યો, ત્યારે કીડીએ ગોળનું એક દડબું કાપી થેલીમાંથી બહાર નીકળવા ચાલવા માંડ્યું. હવે કિનારો નજીક હતો. થેલીને ઊંચકી મુસાફરે જેવો કિનારા પર પગ માંડ્યો કે કીડીએ થેલીની બહાર નીકળવા માંડ્યું. ઊંચા કૂદકાઓ મારવામાં કીડી આમેય બહુ હોશિયાર હતી. તે ધબ્બ... ધુબાકો મારી એ જમીન પર આવી ગઈ. સૌ મુસાફરો વાતો કરતાં કરતાં ચાલવા લાગ્યાં હતાં. નહાઈને ચોખ્ખી થયેલી કીડી પણ આનંદથી ચાલવા લાગી. થોડી વાર થઈ ત્યાં પેલું ખાબોચિયું આવ્યું. કીડીબાઈ હજુ કપડાં ધોવામાંથી પરવાર્યા ન હતાં. કીડીને જોઈ એ કીડીબહેન બોલ્યા, ‘કાં, નદીએ જઈને નહી આવ્યાં ?’ કીડી બોલી, ‘અરે, નદીએ નહાવા તો ગઈ’તી પણ ડૂબતી ડૂબતી માંડ બચી.’ કીડીબહેન કહે, ‘એટલે જ હું તમને કહેતી હતી કે આ ખાબોચિયું શું ખોટું છે ? પણ તમે મારું માનો તો ને !’ કીડીએ બાથમાં પકડેલું ગોળનું દડબું બતાવીને કહ્યું, ‘નદીએ ડૂબકાં ખાવા મળ્યાં એમ આ મધમીઠો ગોળ પણ ખાવા મળ્યો ને ! આ ખાબોચિયે રહી હોત તો ગોળ થોડો મળત ?’ કીડીએ ગોળનું એ દડબું કીડીબહેનને આપ્યું. કીડીબહેન પણ ગોળ ખાઈને ગેલમાં આવી ગયાં. એણે કીડીનો આભાર માન્યો. બે’ય બહેનપણીઓ હાથ પકડીને નાચવા લાગી ‘નદીએ ગયાં’તાં નહાવા ગોળ મળ્યો ખાવા.’ ખાધું, પીધું ને રાજ કર્યું.