ગુજરાતી બાળવાર્તા સંપદા/ચકલીબાઈની કવિતા
ગિરીશ રઢુકિયા
લીલીછમ લીલોતરીથી હર્યુંભર્યું એક મોટું જંગલ. જંગલમાં જાત-જાતનાં ભાતભાતનાં વૃક્ષો. આ વૃક્ષોની હરિયાળીમાં અનેક પશુ-પંખીઓ રહે અને આનંદ-કિલ્લોલ કરે. રોજ સવારે સૂર્યના પહેલા કિરણના પ્રકાશ સાથે સૌ કલરવ કરી સૂર્યનું સ્વાગત કરે. દિવસ આખો પોતાનાં બાળબચ્ચાં માટે ખોરાકની શોધમાં વિતાવે. સાંજ પડતાં જ સૌ પોતપોતાની બખોલ અને માળાઓમાં લપાઈ જાય. એક દિવસ આ જંગલમાં બાજુના જંગલમાંથી એક બિલાડો આવી ચઢ્યો; તેનું નામ બિલ્લુ હતું. આ બિલ્લુને જંગલ ખૂબ ગમી ગયું. તેણે અહીં જ રહેવાનું નક્કી કર્યું. તેણે એક ઘટાદાર વૃક્ષના થડમાં પોતાની બખોલ બનાવી અને મજાથી રહેવા લાગ્યો. આ બિલ્લુ બિલાડો ખૂબ ખાઉધરો. દોડતા ઉંદરને પલકારામાં પકડે. ચીલઝડપે તે છલાંગ લગાવે. ગમે તેવા ઊંચા ઝાડ પર પણ તે ઝટપટ ઝટપટ ચડી જાય તેવો બાહોશ. પણ બિલ્લુને એક કુટેવ એવી હતી કે ઉંદરની સાથે સાથે તે પંખીઓનાં બચ્ચાંઓને પણ ખાઈ જતો. ધીમે ધીમે જંગલમાં પંખીઓનાં ઈંડાં અને બચ્ચાં ગુમ થવાની ઘટનાઓ વધતી ગઈ. પંખીઓમાં ફફડાટ વધતો ગયો અને સૌએ પોતપોતાનાં ઈંડાં અને બચ્ચાંઓને સાચવવાની જવાબદારી ઉઠાવી. બિલ્લુનું નાક એટલું સતેજ કે તેને નવાં બચ્ચાંઓની ગંધ આવી જતી અને ગણતરીની મિનિટોમાં જ એ બચ્ચાંઓને ચાઉં કરી જતો. જંગલ આખામાં વાયુવેગે આ વાત પ્રસરી ગઈ કે પંખીઓનાં માળામાંથી ઈંડાં અને બચ્ચાંઓ ગુમ કરનાર બીજું કોઈ નહીં પણ બિલ્લુ બિલાડો જ છે. તેનાથી સૌએ ચેતતા રહેવું. એક પિલુડીની ડાળ પર ચકલી માળો બાંધી તેમાં ઈંડાં સેવતી અને ઈંડાં જોઈ તે મનોમન હરખાતી. માળો છોડીને ક્યાંય જતી નહીં. બાજ, ઘુવડની નજરોથી તે ઈંડાંને બચાવતી. ધીમે ધીમે સમય જતાં ઈંડાંના કોચલામાંથી સુંદર મજાનાં બે બચ્ચાં અવતર્યાં અને ‘ચીં-ચીં’ ‘ચીં-ચીં’ કરીને ચકલી સાથે રમવા લાગ્યાં. ચકલી તો બચ્ચાંઓને જોતી જાય અને મલકાતી જાય. તે બચ્ચાંઓ માટે અનાજના દાણા, જાતજાતનાં જીવજંતુઓ લઈ આવે; બચ્ચાંઓને ખવરાવે. એક દિવસ બિલ્લુ પીલુડી પાસેથી પસાર થતો હતો. તે એકાએક અટક્યો. તેની માંજરી આંખો ચકળવકળ થઈ. પિલુડીની ડાળીઓ પર ફરવા લાગી. ચકલીની નજર બિલ્લુ પર પડી. તેના પેટમાં ફાળ પડી. ‘બિલ્લુ હમણાં જ બચ્ચાંઓને હડપ કરી જશે, હવે શું થશે ?’ નીચે જોયું તો બિલ્લુ પિલુડીની ફરતે ચક્કર કાપતો હતો. ચકલીએ મનોમન એક યુક્તિ કરી. તે માળામાંથી ઊડી બીજી ડાળ પર જઈને બેઠી અને બિલ્લુને કહેવા લાગી, ‘અરે બિલ્લુભાઈ, બિલ્લુભાઈ, હું કેટલાય દિવસથી તમને જ યાદ કરતી હતી. મેં તમારા માટે એક સુંદર કવિતા તૈયાર કરી છે. તે તમે સાંભળો....’ બિલ્લુ તાડૂક્યો, ‘હું કવિતા સાંભળવા નહીં પણ તારાં બચ્ચાં ખાવા આવ્યો છું. મને બહુ ભૂખ લાગી છે.’ ચકલી કહે, ‘બિલ્લુભાઈ, તમ તમારે નિરાંતથી બચ્ચાં ખાજો પણ પહેલાં કવિતા તો સાંભળો...’ ‘સારું સારું, ઝડપથી સંભળાવ.’ બિલ્લુએ કહ્યું. ચકલી સુંદર અવાજે ગાવા લાગી...
‘બિલ્લુભાઈ... બિલ્લુભાઈ...
સૌથી સુંદર બિલ્લુભાઈ...
પ્યારા પ્યારા બિલ્લુભાઈ......’
‘વાહ વાહ, મજા પડી ભાઈ, મજા પડી’ બિલ્લુએ કહ્યું, ‘આગળ ગાવ’. ચકલી કહે, ‘આગળની કવિતા તો બનાવવી બાકી છે. જો તમે મને એક અઠવાડિયું મારાં બચ્ચાં સાથે રહેવા દો તો હું કવિતા કરી રાખીશ.’ બિલ્લુ કહે, ‘સારું. હું આવતા અઠવાડિયે આવીશ અને ત્યારે કવિતા અને બચ્ચાં બેઉની મહેફિલ કરીશ’ તે ખુશ થતો થતો ચાલતો થયો. દિવસો વીતતા ગયા. ચકલીનાં બચ્ચાંને નાની નાની પાંખો ફૂટતી ગઈ. જેમ જેમ દિવસો વીતે તેમ ચકલીની ચિંતા વધતી જતી હતી. અઠવાડિયાનો સમય પૂરો થયો, એટલે બિલ્લુ પિલુડીએ આવી ગયો. ‘ચકલી, હું આવી ગયો છું.’ બિલ્લુએ કહ્યું. ચકલી કહે, ‘આવો આવો બિલ્લુભાઈ, સાંભળો આગળની કવિતા...
બિલ્લુભાઈ સૌથી હોશિયાર...
બિલ્લુભાઈ સૌથી બળિયા...
બિલ્લુભાઈ જંગલના રાજા..
બિલ્લુભાઈ તાજા-માજા...
બસ આટલી કવિતા થઈ છે.’
બિલ્લુ તો મનમાં હરખાતો જાય, મલકાતો જાય. બિલ્લુ કહે, ‘તમે ખૂબ જ સુંદર, કવિતા કરી હોં.’ ‘અને આનાથીય જોરદાર તો હજી કરવાની બાકી છે, પણ જો તમે મને હજી એક વધુ અઠવાડિયું બચ્ચાં સાથે રહેવા દો તો....’ ચકલીએ કહ્યું. બિલ્લુ કહે, ‘હા - હા, કેમ નહીં ?’ હું આવતા અઠવાડિયે આવીશ. તે પૂંછડી પટપટાવતો ચાલ્યો ગયો. ચકલીને ‘હાશ’ થઈ. બીજું અઠવાડિયું વીત્યું ત્યારે ચકલીએ બચ્ચાંને ઊડતાં શીખવી દીધું હતું અને ગાતાં પણ. બીજું અઠવાડિયું પૂરું થયું એટલે બિલ્લુ પિલુડી પાસે આવી ઊભો રહ્યો. ચકલી કહે. ‘આવો બિલ્લુભાઈ, આવો. સાંભળો કવિતા...
બિલ્લુભાઈ તો મૂર્ખ છે.
સૌથી મોટા મૂર્ખ છે.
ઈંડાં ફોડી ખાય છે.
બચ્ચાં ચોરી જાય છે.’
ચકલીની સાથે બચ્ચાંઓએ પણ સૂર પુરાવ્યો અને ત્રણેય એકસાથે ત્યાંથી ઊડીને દૂર ચાલ્યાં ગયાં. બિલ્લુ તેના મોટા ડોળા વડે તેમને જોતો રહી ગયો.