ગુજરાતી બાળવાર્તા સંપદા/ચકલીનો મિત્ર
વરેણ્ય ત્રિવેદી
એક હતી ચકલી. એનું નામ જબરી. એ રોજ સૂર્યના ઊગતાંની સાથે ઊઠે અને દાણા શોધવા જાય અને ઊં...ચે.... ઊં...ચે... ઊડે. લોકો એના માટે ચણ વેરે. આ ઘરથી તે ઘર, કોઈ બગીચામાં અને ચબૂતરામાં ચકલી ચણ ચણવા જાય. એમ એ ફરતી રહે, ઊડતી રહે અને ચણ શોધતાં શોધતાં ખાતી રહે. એમ કરતાં સાંજ પડે. સાંજે એ પોતાના માળા પર આવે. એનો માળો એક વડની સૌથી ઉપરની ડાળી પર. સાંજે એ જ્યારે પોતાના માળા પર પાછી આવતી હોય, ત્યારે રસ્તામાં એ ઘણાં છોકરાં-છોકરીઓને બગીચા, મેદાન અને શેરીઓમાં રમતાં જુએ. એ જે વડ પર રહેતી એ વડ ગામથી થોડે દૂર. એટલે ત્યાં વધારે લોકો હોય નહીં અને આસપાસ કોઈ છોકરાં-છોકરી રમે પણ નહીં. ચકલીનો માળો જે વડ પર હતો તે વડ પાસે એક ઘર. એક દિવસની વાત છે. ચકલી દાણા ચણીને પોતાના માળામાં આવી, ત્યારે જ પેલા ઘરમાંથી પાંચેક વર્ષનો એક છોકરો આવ્યો. એના હાથમાં રંગીન પાણીથી ભરેલી એક નળી હતી. એણે એ નળીનું ઢાંકણું ખોલ્યું. એ ઢાંકણામાં એક અંગ્રેજી આઠડાની ઉપર બીજો આઠડો મૂક્યો હોય એવા કાણાવાળી એક લાકડી પણ ચોંટાડી હતી ! છોકરાએ એ કાણાંઓમાં ફૂંક મારી અને એમાંથી કંઈક ગોળ આકારનું નીકળ્યું ! આપણે એ વસ્તુની આરપાર તો જોઈ જ શકીએ, પણ સાથે જ આપણું મોં પણ જોઈ શકીએ. પાણીની જેમ ! એમાં ઘણી વાર સાત રંગનું મેઘધનુષ્ય પણ દેખાય. એ સાવ હળવું ફૂલ હતું અને એટલે જ એ હવામાં ઊડતું હતું. એ ગોળ વસ્તુ ઊડતાં ઊડતાં ચકલીના માળાની, ચકલીની પાસે આવી ગઈ. એણે કહ્યું, ‘કેમ છે ચકલી ?’ અને પછી એ વસ્તુમાંથી ‘ટપ...’ એવો અવાજ આવ્યો અને એ અદૃશ્ય થઈ ગઈ ! એની જગ્યાએ એવી બીજી વસ્તુ આવી. એ જોઈને પહેલાં તો ચકલી બી જ ગઈ. પછી હિંમત એકઠી કરીને કહ્યું, ‘તું... તું કોણ છે ? અને પ....પેલો કોણ હતો ?’ અને તમે બંને સ...સરખા કેમ દેખાઓ છો ?’ તો પેલી વસ્તુએ કહ્યું, ‘લોકો અમને પરપોટા કહીને બોલાવે છે. અમે બંને એક જ હતાં, બસ અમે અલગ અલગ શરીરોમાં વહેંચાયેલાં છીએ.’ આ વાત સાંભળતાં ચકલી તો એ પરપોટાને તાકી જ રહી, ત્યારે ફરી ‘ટપ....’ અવાજ આવ્યો અને એ અદૃશ્ય થઈ ગયો. થોડી વાર પછી ફરી એક પરપોટો આવ્યો. ચકલીએ એને એ અદૃશ્ય કેવી રીતે થાય છે એ પૂછ્યું, તો પરપોટાએ કહ્યું, ‘હું બહારથી પેલા સાબુવાળા રંગીન પાણીથી અને અંદરથી હવાનો બનેલો હોઉં છું અને હું અદૃશ્ય નથી થતો, હું બનું એની થોડી વારમાં જાતે જ ફૂટી જાઉં છું.’ અને પરપોટો ફરી ફૂટી ગયો. ચકલીને પરપોટાની વાતો સાંભળી ઘણું આશ્ચર્ય થતું હતું. પરપોટો ફૂટે અને એની જગ્યા બીજો પરપોટો લે. એમ એ બંને વાતો કરતાં હતાં. આજે ચકલીએ પરપોટાને પહેલી વાર જ જોયો હતો. થોડી વાર પછી પેલા છોકરાએ આઠની ઉપર આઠ આકારની લાકડીમાં ફૂંક મારવાનું બંધ કરી દીધું અને ધીરે ધીરે બધા પરપોટા ફૂટી ગયા પછી છોકરો ઘરમાં જતો રહ્યો. રોજ છોકરો આવે, પરપોટા બનાવે. ચકલી-પરપોટા વાતો કરે અને છોકરો ઘરે જાય. એવી રીતે ચકલી અને પરપોટા મિત્રો બની ગયાં. આમ રોજ થતું. એવી રીતે લગભગ ૧૦-૧૫ દિવસો વીતી ગયા. એક દિવસ ચકલીએ પૂછ્યું, ‘અલ્યા પરપોટા ! તું જરાક વાર જ ફૂલેલો રહે ને પટ કરતો અદૃશ્ય થાય તોય તું બહુ ખુશ લાગે છે.’ ત્યાં તો પરપોટો અદૃશ્ય થઈ ગયો ને બીજો થોડો મોટો પરપોટો આવ્યો. એ કહે, ‘સાંભળ ! ચકલી ! અમે જીવીએ થોડું એટલે બસ, ખુશ જ રહીએ. આનંદમાં રહેવું એ જ જીવન છે.’ - આટલી વાત પૂરી થઈ કે પરપોટો ગાયબ ! પણ ચકલીને મજા આવી ગઈ. પણ બીજા દિવસે ન આવ્યો છોકરો કે ન આવ્યો પરપોટો. ચકલીને તો ચિંતા થવા લાગી. એ પેલા છોકરાના ઘરની બારી પર બેઠી. એણે અંદર જોયું તો છોકરો જે નળીમાંના સાબુવાળા રંગીન પાણીની મદદથી પરપોટા બનાવતો હતો એ નળી ખાલી હતી. એમાં સાબુવાળું પાણી ન હતું. હવે ચકલીને ખબર પડી કે આજે છોકરો કેમ નહોતો આવ્યો. પરપોટાનું શરીર તો સાબુવાળા પાણીથી જ બનેલું છે. પાણી નહીં હોય તો તો પરપોટો પણ નહીં હોય. હવે ?’ આ વિચારીને ચકલી ચિંતામાં આમથી તેમ ઊડવા લાગી. પછી તે ગામ બાજુ ઊડવા લાગી, ત્યારે જ ચકલીને એક યુક્તિ સૂઝી ! ગામમાં એક બગીચો હતો. ત્યાં રમકડાં વેચવાવાળા ફેરિયાઓ હતા. ચકલી ત્યાં ગઈ. ત્યાં એને પરપોટાની બીજી નળીઓ ફેરિયા પાસે દેખાઈ. ચકલી ફેરિયા પાસે ગઈ. ચકલી : ‘રમકડાં વેચવાવાળા ભાઈ, તમે મને આ પરપોટાનું સાબુવાળું પાણી આપશો ?’ ફેરિયો : ‘હા, આની કિંમત ૩૦ રૂપિયા છે, ચકલીબાઈ.’ ચકલી : ‘પણ મારી પાસે તો એક પણ રૂપિયો નથી.’ ફેરિયો : ‘નથી ? અં....તો...હં... તો ચકીબહેન ! મારું એક કામ કરશો ? ચકી કહે : ‘હા.’ ‘તો સાંભળો ! ચકીબહેન !’ તમે પૂર્વ દિશામાં સીધા સીધા જશો તો પહેલાં એક જંગલ આવશે, પછી એક, પછી બીજું એમ ત્રણ ગામ અને પછી કેટલીક ઝૂંપડીઓ આવશે. હું હમણાં લખું છું એ પત્ર તમે ત્યાં પહોંચાડી આવો તો હું તમને આ આપીશ.’ ચકલી : ‘એમ ? હા... હા... સારું લાવો કાગળ.’ પછી એ ફેરિયાએ એક કાગળ પર કંઈક લખ્યું અને તેને દોરી વડે ચકલીના પગમાં બાંધી દીધું. પછી ચકલી તો પૂર્વ દિશા તરફ ઊડી. પહેલાં એક જંગલ આવ્યું. પછી એક ગામ, થોડા અંત૨ પછી બીજું એક ગામ અને એના પછી બીજું એક ગામ આવ્યું. ચકલી થોડું વધારે ઊડીને આગળ ગઈ તો એને કેટલીક ઝૂંપડીઓ દેખાઈ. ચકલી પેલા ફેરિયાએ કહેલું તેમ બરાબર પંદરમા નંબરની ઝૂંપડીમાં ગઈ. ત્યાં એણે ચાંચ વડે દરવાજો ખખડાવ્યો. ઘરમાંથી એક વૃદ્ધ સ્ત્રી બહાર આવી. એણે ચકલીના પગે બાંધેલ કાગળ જોયો. સ્ત્રીએ કાગળ અલગ કર્યો અને વાંચ્યો. ચહેરા પર સ્મિત અને આંખમાં અશ્રુઓ હતાં. હરખનાં આંસુ. ફેરિયાવાળાએ દૂર રહેતી પોતાની માને પોતાની ક્ષેમકુશળતાના સમાચાર આપતો પત્ર ચકલીના પગે બાંધ્યો હતો. પછી ચકલી પશ્ચિમ દિશામાં ત્રણ ગામ અને એક જંગલ પાર કરીને ફેરિયા પાસે આવી અને ફેરિયાએ ચકલીને પરપોટા કરે તેવા સાબુવાળા પાણીની નળી આપી. ત્યાં સુધીમાં બીજા દિવસની સવાર થઈ ગઈ હતી. ચકલી એ નળી લઈને પેલા છોકરાના ઘરે ગઈ અને બારીમાંથી ઘરમાં મૂકી. એ દિવસની સાંજથી ફરી પેલો છોકરો રંગીન નળી લઈને આવતો અને પરપોટા બનાવતો. પરપોટા-ચકલી વાતો કરતાં. ચકલી કહે : ‘પરપોટાની વાત સાચી. કામ કરવું ને આનંદમાં રહેવું.’ પછી તો જ્યારે દસ-પંદર દિવસે છોકરો ન આવે એટલે ચકલી ફેરિયાને મદદ કરી પરપોટાની નળી લઈને છોકરાને આપે. જેથી છોકરો ફરી પરપોટા બનાવે. આમ છોકરો પરપોટા ઉડાડે ને ચકલી ખુશખુશાલ ! ફેરિયો પણ ખુશ ને એની મા પણ ખુશ !