ગુજરાતી બાળવાર્તા સંપદા/સોનેરી ઘોડો

સોનેરી ઘોડો

જૈનેશ પટેલ

એક મોટું શહેર હતું. બહુ સુખી સંપન્ન અને સુંદર. આવા સુંદર શહેરમાં બે મિત્રો રહે. બન્ને બહાદુર. વીર. એકનું નામ ગોપાલ અને બીજાનું નામ મહેશ. બન્ને પોતાનાં માતાપિતાની સાથે રહે. એમની આજ્ઞાનું પાલન કરે અને મન દઈને ભણે. આ રળિયામણા શહેરના પાછલા ભાગમાં એક વિશાળ મેદાન આવેલું હતું. ખૂબ જ ગીચ. અસંખ્ય ઝાડવાં ઊગેલાં. સૂરજનો તડકો પણ જમીન પર ન પડે એવું ગીચ. અને એટલે તો એ અંધારિયા મેદાન તરીકે જ ઓળખાતું. શહેરમાં લોકો એના વિશે વાત કરતા કે, આ અંધારિયા મેદાનમાં એક સોનેરી ઘોડો રહે છે, પણ એ કોઈને દેખાતો નથી. અદૃશ્ય છે. પણ છે જબરો. એની ઝડપ જ અદ્ભુત. એની તોલે કોઈ જ ન આવે. જો કોઈ એને પકડી લે તો ઘોડો એનો થઈ જાય. પણ ઘોડો અદૃશ્ય રહે છે. એને પકડવો શક્ય જ નથી. શહેરમાં ચર્ચાતી વાત એક દિવસ ગોપાલ અને મહેશે પણ સાંભળી. તેમણે વિચાર્યું; ‘વિશાળ અંધારિયા મેદાનમાં આવો કોઈ અદૃશ્ય ઘોડો હોય એવું બને જ નહીં.’ પછી ગોપાલે મહેશને કહ્યું, ‘મહેશ, શહે૨માં જાતજાતની વાત થાય છે. પણ બધી વાત માની ન લેવાય. આપણે જાતે જ અંધારિયા મેદાનમાં જઈને તપાસ કરીએ તો કેવું ?’ મહેશે જવાબ આપતાં કહ્યું : ‘હા, ગોપાલ. તારી તો વાત સાચી છે. પણ મેં એવું સાંભળ્યું છે કે આ સોનેરી ઘોડો અદૃશ્ય છે. દેખાતો નથી તો તપાસ કેમ કરવી ?’ ‘તારી વાત સાચી છે.’ ગોપાલે કહ્યું : ‘પણ વાત તો એવી પણ થાય છે કે ઘોડો અમાસની અંધારી રાતે દેખાય છે. માત્ર થોડા સમય માટે. આપણે એ સમયે જઈએ તો !’ મહેશને ગોપાલની વાત યોગ્ય લાગી. એણે તૈયારી બતાવતાં કહ્યું : ‘હા, એ બરોબર છે. આપણે અમાસની રાતે જ જઈએ. સાથે ટૉર્ચ અને જાડું દોરડું પણ લઈ જઈશું. પછી ગોપાલે અને મહેશે જરૂરી વસ્તુઓ એકઠી કરી લીધી અને સાચવીને મૂકી દીધી અને રાહ જોવા લાગ્યા કે ક્યારે અમાસની રાત આવે. થોડા દિવસ પછી અમાસની અંધારી રાત પણ આવી ગઈ. ગોપાલ અને મહેશ તો આ જ સમયની રાહ જોતા હતા. એ તો બધી તૈયારી સાથે જ હતા. જેવી રાત પડી કે તરત જ એ તો ચાલી નીકળ્યા અંધારિયા મેદાનની તરફ. અદૃશ્ય ઘોડાને પકડવા. થોડા જ સમયમાં બન્ને મિત્રો અંધારિયા મેદાનમાં પહોંચી ગયા અને દૂર રહીને ઘોડાને જોવા પ્રયત્ન કરવા લાગ્યા. એટલામાં થોડે દૂર ઊંચા ઘાસમાંથી ઘોડાની હણહણાટી સાંભળવા મળી. એ બન્ને અવાજની દિશામાં ધારી ધારીને જોવા લાગ્યા. એટલામાં અચાનક મહેશ આનંદથી બોલી ઊઠ્યો : ‘ગોપાલ, અહીં તો સાચે જ સોનેરી ઘોડો છે. અવાજ સંભળાય છે એ તરફ મને કાંઈક ઝાંખું ઝાંખું દેખાય છે. મને તો લાગે છે કે આ હણહણાટી એ સોનેરી ઘોડાની જ છે.’ ગોપાલ વધુ સાવધ થઈ ગયો. એણે આંખો ઝીણી કરીને જોયું. અને પછી એ તરફ ટૉર્ચ કરી. મહેશે હાથમાં દોરડું તૈયાર રાખ્યું. ટૉર્ચનું અજવાળું થતાં સોનેરી ઘોડો ભડક્યો. એણે આગલા પગ ઊંચા કરી જોરથી અવાજ કર્યો. અને મોટી છલાંગ મારવા કૂદ્યો. પણ ગોપાલ અને મહેશ તૈયાર જ હતા. ગોપાલે બૂમ પાડીને મહેશને કહ્યું: ‘મહેશ, ઝડપથી એના ગળામાં દોરડું નાંખી દે.’ મહેશ તો તૈયાર જ હતો. એણે ચપળતાથી દોરડું સોનેરી ઘોડાના ગળામાં નાંખી દીધું. ઘોડો આગળ ચાલી ન શક્યો. અને સાવ સ્થિર થઈને ઊભો રહી ગયો. બન્ને મિત્રો એને એકીટસે જોઈ જ રહ્યા. બન્ને આભા બની ગયા. હા, સાચ્ચે જ એ સોનેરી ઘોડો હતો. અસ્સલ સોના જેવો. સોનેરી સોનેરી. થોડી હણહણાટી કરીને શાંત થઈ ગયા પછી ઘોડો બોલ્યો : ‘વાહ, બાળકો. તમે તો ખૂબ જ બહાદુર છો. હું તમારું સાહસ અને ચતુરાઈ જોઈને બહુ ખુશ થયો છું. સોનેરી ઘોડાને માણસની જેમ બોલતો જોઈને ગોપાલ અને મહેશને વધારે નવાઈ લાગી. ગોપાલ તો બોલી પણ પડ્યો : ‘અરે, તું તો અમારી જેમ બોલે છે, સોનેરી ઘોડા ! સોનેરી ઘોડો જવાબ આપતાં કહેવા લાગ્યો : ‘દોસ્તો, હું તો સ્વર્ગના દેવોનો ઘોડો છું. મને તો પાંખો પણ હતી. પણ વર્ષો પહેલાં મને એક દુષ્ટ જાદુગરે પોતાના જાદુથી પાંખ વિનાનો ઘોડો બનાવી દીધો હતો અને એના સોનેરી વાળ જેવો સોનેરી રંગી નાંખ્યો. અને પછી ફૂંક મારીને બોલ્યો કે, જા અદૃશ્ય થઈ જા. પછી તો હું દેખાતો જ બંધ થઈ ગયો. પણ મેં બહુ વિનંતી કરી એટલે મને દર અમાસની રાતે બધા જોઈ શકે તેવો કર્યો. એણે કહેલું કે કોઈ નાના બહાદુર છોકરા તારા ગળામાં દોરડું નાંખી દે ત્યારે તું મારા જાદુની અસરમાંથી મુક્ત થઈ જઈશ. આજે તમે મને એના જાદુમાંથી મુક્ત કર્યો છે. તમારા બન્નેનો ખૂબ ખૂબ આભાર.’ ગોપાલ અને મહેશ સોનેરી ઘોડાની વાત સાંભળી ખુશ થયા. એમણે ઘોડાના ગળામાંથી દોરડું કાઢી લીધું. પણ આ શું ? જેવું દોરડું કાઢ્યું કે તરત જ સોનેરી ઘોડો સ્વસ્થ બનીને ઊભો રહી ગયો. સ્વર્ગનો સોનેરી ઘોડો બન્ને મિત્રોને ભેટી પડ્યો. અને બન્નેને કોઈ વરદાન માંગવા જણાવ્યું. ગોપાલ અને મહેશે ઘોડાને પોતાના ઘરે આવવાનો ખૂબ આગ્રહ કર્યો. ઘોડો એક શરતે તૈયાર થયો કે તેમણે કોઈ વરદાન માંગવું પડશે. પછી સોનેરી ઘોડાએ બન્નેને પોતાની પીઠ પર બેસાડી દીધા. બન્ને મિત્રો સોનેરી ઘોડાને ઘરે લઈ આવ્યા. એને પાણી પિવડાવ્યું. ચણા ખવડાવ્યા. ઘરના સભ્યો તો સોનેરી ઘોડાને જોતા જ રહ્યા. સોનેરી ઘોડાએ કહ્યું: ‘મિત્રો, હવે મારે ઝડપથી સ્વર્ગમાં મારા ઘરે જવાની ઇચ્છા છે. તમે ખૂબ બહાદુર છો. કોઈ વરદાન માંગો.’ ગોપાલ અને મહેશે એકબીજા સાથે ધીમી ગુસપુસ કરી અને પછી ગોપાલ બોલ્યો, ‘હે સોનેરી ઘોડા, શહેરના પાછલા ભાગમાં આવેલા અંધારિયા મેદાનથી લોકો ખૂબ ડરે છે. બાળકો રમવા જતા નથી. પક્ષીઓ પોતાના માળા બાંધતાં નથી. લીલુંછમ ઘાસ હોવા છતાં કોઈ પોતાનાં ઢોર ચરાવવા માટે પણ જતું નથી. અમારી ઇચ્છા છે કે તમે એ મેદાનને પ્રકાશથી ભરી દો. એને અજવાળિયું બનાવી દો. જેથી બાળકો ત્યાં રમી શકે. લોકો પોતાનાં ઢોર ચરાવી શકે.’ સોનેરી ઘોડો તો પોતાના દોસ્તોની આવી માંગણીથી ખુશ થઈ ગયો. એણે તરત જ અંધારિયા મેદાનને અજવાળાંથી ભરી દીધું. ગોપાલ અને મહેશ તો આનંદથી કૂદવા જ લાગ્યા. પછી સોનેરી ઘોડો બોલ્યો : ‘વહાલા દોસ્તો, હવે મને રજા આપો.’ બન્ને મિત્રોએ એના માથે હાથ પસવાર્યો. એને વહાલ કર્યું. થોડી વારમાં સોનેરી ઘોડાને બે સુંદર સોનેરી પાંખો નીકળી આવી. એણે પાંખોને હવામાં ફેલાવી અને ધીમે ધીમે એ ઊડવા લાગ્યો. થોડી વારમાં તો એ ઊંચે આકાશમાં પહોંચી ગયો. ગોપાલ અને મહેશ એને હાથ હલાવીને ‘આવજે, પ્રિય સોનેરી ઘોડા’ એમ કહી રહ્યા.