ભરત વિંઝુડાની ગઝલસંપદા/છોકરીઓ

From Ekatra Foundation
Revision as of 15:11, 13 November 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૭
છોકરીઓ

પળમાં જળ પળમાં વાદળ છોકરીઓ
પગથી માથા લગ ચંચળ છોકરીઓ
પુષ્પોની વાગે પાંખડીઓ જેને
તન મનથી એવી કોમળ છોકરીઓ
શેરીએ નીકળી ચાલું કઈ ઝડપે
આગળ છોકરીઓ, પાછળ છોકરીઓ
જળ યાને કે છે ઘૂઘવાતો દરિયો
જળ યાને ઝીણી ઝાકળ છોકરીઓ
બોલો તો સામે બોલે છે કોયલ
થઈ જાતી ત્યારે વિહ્ વળ છોકરીઓ
પોતાની સાથે સાંકળવા માટે
થઈ જાશે પોતે સાંકળ છોકરીઓ
હું દોડું ત્યારે દોડે છે એ પણ
જાણે લાગે છે મૃગજળ છોકરીઓ
પરબીડિયાં જેવી બિડાયેલી હો
કાયમને માટે અટકળ છોકરીઓ
આઝાદી અરધી રાતે લઈ આવે
ગાંધીબાપુની ચળવળ છોકરીઓ!

(પ્રેમપત્રોની વાત પૂરી થઈ)