ગુજરાતી બાળવાર્તા સંપદા/કોથળી મુકો કારભારી

From Ekatra Foundation
Revision as of 12:05, 15 November 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કોથળી મૂકો કારભારી

જયભિખ્ખુ

એક રજપૂતનો છોકરો. નામ દોલુભા. ખાનદાન કુટુંબનો, પણ ગરીબ. એને એક ધોબીના છોકરા સાથે દોસ્તી. ધોબી ગરીબ, પણ મહેનતુ. દિલનો દિલાવર. એનું નામ ગલછો. બંને દોસ્ત નદી પર મળે. ધોબીના ભાતામાં ડુંગળી ને રોટલો હોય, બંને સાથે બેસીને મોજથી ખાય. ડુંગળી અને રોટલાની ભારે મીઠાશ આવે. પેટમાં કડકડતી ભૂખ હોય, પછી વાસી રોટલો પણ ખાજાં જેવો મીઠો લાગે. ધોબીએ એક કૂતરો પાળેલો. કૂતરાને બંને જણા રમાડે, ને પોતાના ખાવામાંથી ભાગ આપે. રજપૂતનું કુળ ઊંચું. ઊંચા કુળવાળાથી બીજાં કામ થાય નહિ. ભૂખે મરવું હા, પણ મજૂરી થાય નહિ. અને મજૂરી વગર પેટ કેમ ભરાય? દોલુભા મજૂરીમાં માને. વહેલો એ વનમાં જાય. સૂકાં લાકડાં કાપે. ભારો બાંધે ને ધોબીને આપે. ધોબી કઠિયારાઓ સાથે સોદો કરે. એને વેચવા આપે. જે કિંમત આવે એમાંથી અડધોઅડધ કરી લે. આમ આ બંને મિત્રો મજૂરીનો રોટલો ખાય અને મજા કરે. રાતે ગેડીદડો રમે. તલકછાંયડી રમે. વાંસળી વગાડે ને દુહા ગાય! દુઃખ ગણો તો ઘણું, અને ન ગણો તો રાજાને પણ આવી મોજ મળતી નહિ હોય. થોડા દિવસો વીતી ગયા. બંને જુવાન થયા, ત્યાં ગામનો રાજા મરણ પામ્યો. રાજાને પાછળ દીકરો નહિ. રાજના કારભારીએ તપાસ કરી કે રાજાનાં સગાં કોણ કોણ? એમાં છોકરાં કોને કોને? એમાં ગાદીપતિ થવાને લાયક કોણ? આખરે પેલા રજપૂતના છોકરાનું નામ પસંદ થયું. એક દહાડો એને ગાદી પર બેસાડ્યો. દોલુભાના દોલતસિંહ બની ગયા. નિઘા રખ્ખો મહેરબાન! ખૂબ જલસા જામ્યા, ને નાચરંગ થયા. દોલુભાને પહેલાં તો મોજ પડી. ખાવાની મોજ. બત્રીસા પકવાન મળે. ઊંઘવાની મોજ. છત્રપલંગ મળે. ફરવાની મોજ. અરબી ઘોડો ચઢવા મળે. પાણી માગે ત્યાં દૂધ મળે. એકને બોલાવે ત્યાં એકવીસ હાજર થાય. દોલુભાને થોડા દહાડા ખૂબ ગમ્યું, મોજ આવી, પણ ધીરે ધીરે જૂના દિવસો યાદ આવવા લાગ્યા. એને થયું કે ખાવા તો મળે છે, પણ પેટમાં ભૂખ જ નથી! રમવા તો મળે છે, પણ પેલા દોસ્તો ક્યાં છે? આ બધું તો ઠીક, પણ એમને પેલો ગલછો ધોબી યાદ આવ્યા કરે. પણ ધોબીને રાજાથી કેમ મળાય? ઘણી વાર મળવા બોલાવ્યો, પણ કારભારી અડધેથી તગેડી મૂકે. કહે કે એવા હલકા માણસને મળાય કેમ? તમે કોણ? રાજા! આમ ઠીક ઠીક વખત વીતી ગયો. એક દહાડાની વાત છે. રાજા અને કારભારી ઘોડે બેસીને ફરવા નીકળેલા. ચોમાસાના દિવસો. ફરતા ફરતા આઘે નીકળી ગયા. એમ કરતાં નદી તરફ નીકળ્યા. રાજાને તરત પોતાના જૂના દિવસો યાદ આવ્યા. એને પોતાનો મિત્ર ધોબી સાંભર્યો. મનમાં અફસોસ થયો કે હું રાજા થયો, પણ મારાથી એનું કંઈ ભલું ન થયું! ફટ છે મારું જીવતર! રાજાએ કારભારીને કહ્યું : ‘ગલછો મારો મિત્ર હતો. અહીંના ઘાટ પર કપડાં ધોતો હશે.’ કારભારી કહે : ‘રાજાજી! એવી વાત ન કરશો. લોકો જાણે કે આપ હલકા લોકોની સંગતમાં હતા, તો ભારે થઈ પડે.’ રાજા કહે : ‘પણ કારભારી! મારા એ જૂના મિત્ર માટે કંઈ કરવું ઘટે. પછી તો લોકોમાં કહેવત છે કે રાજા કોનો થયો કે થશે – એ કહેવત સાચી ઠરે.’ કારભારી કહે : ‘જુઓ, રાજાજી! હું ડાહ્યો ને દૂરંદેશી માણસ છું. મેં હુક્મ આપી રાખ્યો છે કે આપણા રાજનો ધોબી મરી જાય, પછી ગલછાને રાજધોબી કરવો.’ રાજા કંઈ ન બોલ્યો, ગમ ખાઈ ગયો. રાજનો જુવાન ધોબી મરે ક્યારે ને ઘરડો થતો ગલછો રળે ક્યારે! બધી વાત બનાવવાની. કારભારીઓ રાજાને બેવકૂફ બનાવતા આવ્યા છે. વળી થોડે દહાડે રાજા ને કારભારી ફરવા નીકળ્યા. મારગમાં એક ઘરડો માણસ કપડાંનો ગાંસડો ઉપાડીને લાકડીને ટેકે ટેકે જતો હતો. પાછળ એક કૂતરો ચાલતો હતો. રાજાને જોઈ એ નિમકહલાલ પ્રાણી પૂંછડી પટપટાવવા લાગ્યું. રાજાને તરત ખાતરી થઈ : અરે! આ જ પોતાનો મિત્ર ગલછો. ખૂબ મહેનત કરીને વહેલો ઘરડો થઈ ગયો. રાજાએ મનમાં કંઈક વિચાર કર્યો ને ઘોડાને પાસે લીધો ને પૂછ્યું : ‘કોણ ભાઈ ગલછા!’ ‘હા રાજાજી હું ગલછો ધોબી.’ રાજા કહે : ‘બે ચાલે છે – ને હવે ભેગો ત્રીજાને પણ લીધો?’ ગલછો કહે : ‘હા, મહારાજ લેવો પડે છે.’ રાજા ગલછાના મોં સામે જોઈ બોલ્યો : ‘જે પછીથી આવ્યા એ પહેલાં ગયા કાં?’ ગલછો કહે : ‘મહારાજ! પછી આવ્યા ને પહેલા ગયા. ઝાડ ને પંખીની માયા છે.’ રાજા કહે : ‘આઠ માર્યા તોય ચાર માર્યા વગર ચાલતું નથી?’ ગલછો કહે : ‘ના, મહારાજ! પણ હું આપને પૂછું કે ચાર, બાર ને ચોવીશ એ બધું જ અમ ગરીબને તો સરખું જ છે. પણ આપ રાજાજીને હજુય રાશ ને ખીલા રહ્યા છે?’ રાજા કહે : ‘જો, મારે તો એક બે ને ત્રણ!’ ગલછો કહે : ‘ના કરતાં દશમો સારો.’ રાજા કહે : ‘વારુ, પણ કોઈ લેવા આવે તો મોંઘા વેચજો.’ ગલછો કહે : ‘સારું.’ અને બધા છૂટા પડ્યા. કારભારીને આમાં કંઈ ગતાગમ પડી નહિ. રાજ હોય ત્યાં ખટપટ હોય જ. કારભારીને આમાં કઈંક ખટપટની ગંધ આવી. મોડી રાતે એ ધોબીના ઘેર ગયો. ધોબી પોતાનું કામ કરતો જાગતો હતો. કારભારી કહે : ‘ગલછા! મને તારી અને રાજાજી વચ્ચે થયેલી વાત સમજાવ!’ ગલછો કહે : ‘એ સમજાવાના પૈસા બેસે. રાજાજીએ કહ્યું છે કે મોંઘા વેચજે. એક વાતના એક હજાર લાવો.’ કારભારી કહે : ‘ભલે!’ ગલછો કહે : ‘ઉધાર નહિ, રોકડા મૂકો!’ કારભારીને અત્યારે ગરજ હતી. એ તો તરત જ એક એક હજારની કોથળી લઈને આવ્યા. ‘કોથળી મૂકો, કારભારી!’ ગલછાએ વાત શરૂ કરતાં કહ્યું. એક હજારની કોથળી મૂકીને પહેલો પ્રશ્ન પૂછ્યો : ‘બે ચાલે છે ને ભેગો ત્રીજાને લીધો-આનો અર્થ શો?’ ગલછો કહે : ‘રાજાએ કહ્યું કે બે પગ ચાલે છે, તોય ત્રીજી લાકડી લેવી પડી? મેં કહ્યું કે વહેલું ઘડપણ આવ્યું તેથી. ગરીબને ઘડપણ વહેલું વળગે.’ બીજા એક હજારની કોથળી મૂકીને ફરીથી કારભારી કહે : ‘બીજા સવાલનો અર્થ શો હતો?’ ગલછો કહે : ‘પછીથી આવ્યા ને પહેલાં ગયા, એટલે દાંત. રાજાએ પૂછ્યું કે તારા દાંત પણ જતા રહ્યા? મેં કહ્યું, હા જી, ઝાડ જૂનું થાય એટલે પંખી ઊડી જાય.’ કારભારી કહે : ‘આઠ માર્યા તોય ચાર મારવા પડે છે – એનો અર્થ?’ ગલછો કહે : ‘કાયદા મુજબ કોથળી મૂકો, કારભારી!’ કારભારીએ ત્રીજી કોથળી મૂકી. ગલછો કહે : ‘રાજાજીએ એમ પૂછ્યું કે આઠ મહિના મજૂરી કરે છે તોય ચોમાસાના ચાર મહિના કામ કરવું પડે છે? મેં કહ્યું કે ગરીબને તો બારે માસ ને ચોવીસે પક્ષ સરખા. એને ચોમાસું શું ને ઉનાળો શું?’ કારભારી કહે : ‘પણ પછી તેં સામે એમ પૂછ્યું કે રાશ અને ખીલા હજીય આપને છે – એ શું?’ ગલછો કહે : ‘એ જુદો પ્રશ્ન છે. નવી કોથળી મૂકો, કારભારી!’ કારભારીને આટલા રૂપિયા કાઢતાં ટાઢ વાતી હતી, પણ કરે શું? એણે એક હજારની એક વધુ કોથળી મૂકી. ગલછો કહે : ‘કારભારી સાહેબ! મેં એમ પૂછ્યું કે શું હજીય આપને કારભારી કહે તેમ બોલવું ને ચાલવું પડે છે? તો એમણે કહ્યું કે હવે એક, બે ને ત્રણ કર્યા વગર છૂટકો નથી.’ કારભારી કહે : ‘એક, બે ને ત્રણ શું?’ ગલછો કહે : ‘એ નવો પ્રશ્ન છે. કોથળી મૂકો, કારભારી.’ કારભારીએ કચવાતે મને વળી એક કોથળી મૂકી. એણે આખા ભવમાં આટલા રૂપિયા કોઈને આપ્યા નહોતા. ગલછો કહે : ‘એક, બે ને ત્રણ એટલે સફાચટ. રજપૂત કંટાળે ત્યારે શું કરે? તલવાર લે.’ કારભારી કહે : ‘તલવાર લઈને શું કરે?’ ગલછો ગળે હાથ ફેરવી કહે : ‘ઝાટકા દે.’ ‘અરર! તો તો ગજબ થાય! મારાં બૈરીછોકરાં રઝળી પડે!’ કારભારી તો ધ્રૂજી રહ્યા ને વળી પૂછવા લાગ્યા : ‘તેં શો જવાબ દીધો?’ ‘જવાબ જાણવો હોય તો કોથળી મૂકો, કારભારી!’ કારભારીએ તો તરત કોથળી ધરી. ગલછો કહે : ‘મેં એમ શિખામણ આપી કે દશમો ગુણ સારો.’ કારભારી કહે : ‘દશમો ગુણ વળી શું? ગલછો કહે : ‘વિવેક. મેં એમને સમજાવ્યું કે તડ ને ફડ ન કરશો. વિવેકથી કામ કરજો. રાજા વિવેકથી શોભે.’ ‘શાબાશ! ગલછા! તું મારો મિત્ર છે.’ કારભારીનો શ્વાસ હેઠો બેઠો. એ રાજી રાજી ગયા ને બોલ્યા : ‘ગલછા! આજથી તું રાજધોબી તો ખરો જ, પણ એનાથીયે વધુ તો તું મારો સલાહકાર! તને હું મારો ખાસ સલાહકાર નીમું છું.’ બીજે દહાડે તો ગલછાને સારાં કપડાં પહેરાવી, કારભારી પોતાની સાથે લઈને દરબારમાં હાજર થયા. રાજાએ ગલછાને જોઈને પૂછ્યું : ‘બધાંય મીંડાં કે એકડો ખરો?’ ગલછો કહે : ‘એકડો આગળ!’ કારભારી કહે : ‘અરે, ગલછા આ શું?’ ગલછો ધીરેથી બોલ્યો : ‘કોથળી મૂકો, કારભારી!’ કારભારી દોડીને કોથળી લઈ આવ્યા. ગલછો કહે : ‘રાજાજીએ મને એમ પૂછ્યું કે મફતમાં જ બધી વાત કરી કે કંઈ એકડા લીધા? મેં કહ્યું કે એકડા લીધા છે.’ કારભારીનું મન હવે હેઠે બેઠું. પછી જ્યારે જ્યારે રાજા સાનમાં પૂછે ત્યારે કારભારી ગલછા પાસે ખુલાસો જાણવા દોડે. ગલછો કહે : ‘કોથળી મૂકો, કારભારી!’ ધીરે ધીરે ગલછો કારબારીનો સલાહકાર મટીને રાજાનો સલાહકાર બની ગયો. હવે કારભારીને મળે છે ત્યારે રમૂજમાં કહે છે : ‘કોથળી મૂકો, કારભારી!’

ને સહુ હસી પડે છે!