ગુજરાતી બાળવાર્તા સંપદા/પાંચ રૂપિયા, બે તમાચા, એક સમજણ

પાંચ રૂપિયા, બે તમાચા, એક સમજણ

નટવર પટેલ

તનુએ પગ માટીમાંથી હળવે રહીને બહાર કાઢ્યો. ભીની રેતીનું સરસ ઘર બની ગયું. તે રાજી થયો. એણે ઊંચે આકાશ ભણી જોયું વાદળાં વ૨સીને જાણે પોરો ખાતાં હતાં. ગઈ કાલે રાત્રે એને સપનું આવ્યું હતું. વાદળલોકમાંથી સફેદ પાંખોવાળી એક પરી ઊતરી આવી હતી ને તેને ઢંઢોળી કહે, ‘તનુ, લે...’ તેણે આંખો ચોળી ૫રી સામે જોયું હતું. પરીના હાથમાં શું હતું ? ફાઇવ સ્ટાર ચૉકલેટ...! તેણે હોઠ ૫૨ જીભ ફે૨વીને ચૉકલેટ લેવા હાથ લંબાવ્યો ને પ૨ી ગાયબ ને ચૉકલેટ ક્યાં ?... ગઈ કાલે શાળાની રિસેસમાં પેલો ચિત્તુ એની સામે ઊભો રહી આવી ચૉકલેટ કેવો ચગળતો હતો ! તેને થયું કે સમડીની જેમ ઝપટ મારી ભાગી જાય... પણ પછી ફરિયાદ, સાહેબના તમાચા ને...... તે ડરી ગયો. તેણે ઘ૨ની આસપાસ ઓટલો બનાવવા વિચાર કર્યો. તે માટી ખોદી એકઠી કરવા લાગ્યો. આ શું ? ઠીકરું હાથમાં આવ્યું કે શું ? તનુએ કઠણ પદાર્થ પરથી માટી હઠાવી જોયું... અરે ! આ તો પૈસા... કેટલા છે ? પાંચ રૂપિયા...! ને એની સામે પરી, ચિન્તુ, ફાઇવ સ્ટાર... બધું જ ઝડપથી પસાર થઈ ગયું. બિચારાને ગરીબ મા-બાપ ક્યારેય રૂપિયો વાપરવા આપતાં ન હતાં. ને આજ અચાનક પાંચનો સિક્કો હાથ લાગી ગયો. જાણે અલ્લાદ્દીનનો ચિરાગ મળી ગયો. આજે ફાઇવ સ્ટાર ખવાશે. એક વા૨ એણે દુકાને જઈ ફાઈવ સ્ટાર તરફ આંગળી ચીંધીને એનો ભાવ પૂછ્યો હતો. દુકાનદારે એનાં લઘ૨વઘર ગંદાં કપડાં જોઈ નાકનું ટેરવું ચડાવી કહેલું : ‘એ કંઈ તારા જેવા માટે નથી, એના પાંચ રૂપિયા કિંમત છે. સમજ્યો !’ …ને આજે પાંચ રૂપિયા જડી ગયા હતા. ફાઇવ સ્ટાર ખાવાની ઇચ્છા આજ પૂરી થશે. તે તો હાથપગ ખંખેરતો દોડ્યો ગામના બજા૨માં. દુકાને જઈ હાંફતો હાંફતો ઊભો રહી ગયો. દુકાને થોડી ભીડ હતી. એની નજર તો પેલી ફાઇવ સ્ટાર ચૉકલેટ ૫૨ જ હતી. ઘરાકો પતાવી દુકાનદારે પૂછ્યું : ‘એય છોકરા, શું જોઈએ તારે ?’ તનુ કહે, ‘પેલ્લી ચૉકલેટ...!’ ‘એ મોંઘી છે. પાંચ રૂપિયા થશે. સમજ્યો ?’ દુકાનદારે તનુનાં ગંદાંમેલાં કપડાં જોઈ છાસિયું કર્યું. ‘લો...’ તનુએ હાથ આગળ કરી પાંચનો સિક્કો ધર્યો. મને એ ફાઇવ સ્ટાર આપો.’ ફાઇવ સ્ટાર હાથમાં આવી. તનુનો ચહેરો ખિલખિલ થઈ ગયો. હાલ ખઈ જાઉં... ? ના, ના કાલે નિશાળે લઈ જઈશ ને પછી પિન્ટુ, ચિત્તુની સામે ઊભો રહી ખાઈશ. એમનેય ખબર પડે કે હું ય ફાઇવ સ્ટાર ખાઈ શકું એમ છું. સમજ્યા ?... પણ હાલ તો ઘે૨ જાઉં. બાને ચૉકલેટ બતાવું. ના, ના... મૂઠીમાં દબાવી બાને પૂછીશ.... બા બોલ મારી મૂઠીમાં શું હશે ? ને બા આનું નામ કહી જ નહીં શકે... ધારી જ નહીં શકે. કદી આવી ચૉકલેટ જોઈ હોય તો ને ! ને તનુએ ઘ૨ તરફ દોટ મૂકી. પરંતુ ઘેર જઈ એણે જે દૃશ્ય જોયું તે જોઈ તે ઢીલો પડી ગયો. પડોશમાં રહેતાં જીવીકાકી તેની બા સાથે ઝઘડી રહ્યાં હતાં. બોલાચાલી સાંભળી તનુ ખરી હકીકત પામી ગયો. એકાદ મહિના પહેલાં તનુની બા ખૂબ જ બીમા૨ પડી ગઈ હતી. દવા પાછળ ખાસ્સો ખર્ચ થઈ ગયો હતો. એક વા૨ બાએ જીવીકાકી પાસેથી દસ રૂપિયા ઉછીના લીધા હતા. આજ આપીશ, કાલ આપીશ... એવા વાયદા કર્યા હતા પણ હજી આપી શક્યાં ન હતાં. બાપુજી જે કમાઈને લાવતા હતા તે બધા પૈસા રોજેરોજ વપરાઈ જતા હતા. બચત થતી ન હતી. આજે જીવીકાકી પૈસાની કડક ઉઘરાણી કરી રહ્યાં હતાં. આ અગાઉ ઘણી વાર તેઓએ ઉઘરાણી કરી હતી. બા પાસે પાંચેક રૂપિયા પડ્યા હતા. પાંચ ખૂટતા હતા. બા પાંચ આપતી હતી ને બાકીના પાંચ આવતી કાલે આપી દઈશ કહ્યે જતી હતી. પરંતુ વટ ખાતર જીવીકાકી અધૂરા પૈસા લેવા તૈયાર ન હતાં, જીવીકાકી બાને ગાળો ભાંડતાં હતાં. તનુ તે સાંખી ન શક્યો તેને થયું કે તે સીધો ઘેર આવ્યો હોત તો...? ને બીજી જ પળે તેણે ફરી દુકાન તરફ દોટ મૂકી. તનુને ફરી આવેલો જોઈ દુકાનદાર મૂછમાં હસ્યો ને બોલ્યો, ‘કેમ લ્યા, ફાઇવ સ્ટાર દાઢે ચડી કે શું ?’ પ્રત્યુત્તરમાં તનુએ ફાઇવ સ્ટારવાળો હાથ દુકાનદાર સામે લંબાવ્યો. દુકાનદાર ચમક્યો. આ શું ? ફાઇવ સ્ટાર...! તેણે છોકરા સામે જોયું. ‘લો...!’ તનુ બોલ્યો, ‘આ પાછી લો, મને મારા પૈસા પાછા આપો.’ દુકાનદારે નાકનું ટેરવું ચડાવ્યું. તનુને ધુત્કારતાં બોલ્યો, ‘ના, ના પાછી લેવાવાળી ! જોતો નથી... બારણે પાટિયું લટકાવ્યું છે તે ? વેચેલો માલ પાછો લેવામાં આવશે નહિ... સમજ્યો ?’ તનુનો લંબાવેલો હાથ ઢીલો પડી ગયો. તેનો ચહેરો રોવા જેવો થઈ ગયો. તે કરગર્યો. પણ દુકાનદાર જેનું નામ ! સાવ વેપારી નીકળ્યો. તનુના હૈયાની લાગણી તેના જડ હૃદયને ન સ્પર્શી શકી. તનુ નિરાશ વદને ઘર ત૨ફ જવા લાગ્યો. રસ્તામાં થોડે દૂર ગનુ મળ્યો. ગનુ તેનો ભાઈબંધ. બંને સાથે ભણતા હતા. ગનુના બાપ કડિયાકામ કરી તનુના બાપ કરતાં વધારે કમાઈ લેતા હતા. ગનુએ તનુને બોલાવ્યો. તનુને ઢીલો જોઈ તે બોલ્યો, ‘કેમ ગનુ, શું થયું ? ઠીક નથી કે શું ?’ તનુ આનાકાની કરવા લાગ્યો. ગનુએ માના સમ ખવરાવી સાચી હકીકત કઢાવી. આ સાંભળી ગનુ હસીને બોલ્યો, ‘તનુ આવી સામાન્ય વાત છે ? કશો વાંધો નહિ. જો સાંભળ, મારી પાસે પાંચ રૂપિયા છે.’ આમ કરી ગનુએ ગજવામાંથી સિક્કો કાઢી તનુ સામે ધર્યો. ‘આજે મારા મામા આવ્યા છે. એમણે મને ચૉકલેટ લેવા આપ્યા છે. હું દુકાને જાઉં છું ચૉકલેટ લેવા.’ તનુને થયું કે જો ગનુ એની ફાઇવ સ્ટાર લઈ લે ને એના બદલામાં મને પાંચ રૂપિયા આપે તો...? પણ... આ વાત એને કેમ કહેવાય... ? ગનુ તનુના ચહેરા સામે જ જોઈ રહ્યો હતો. તે તનુની મૂંઝવણ સમજી ગયો હતો. ‘દોસ્ત’ ગનુએ તનુના ખભે હાથ મૂકી કહ્યું. ‘તારી મૂંઝવણ હું સમજી ગયો. લાવ એ ફાઇવ સ્ટાર ને લે આ પાંચ રૂપિયા... બસ હવે ?’ ને આ શબ્દોએ તનુના શરી૨માં ચેતનાનો સંચાર કર્યો. તેને થયું કે ભગવાને તેની પ્રાર્થના સાંભળી ખરી. તેમણે જ દેવદૂતના રૂપમાં ગનુને મોકલી આપ્યો. ને બંને મિત્રોએ બન્નેને જરૂરી એવી ચીજોની આપ-લે કરી. એકને ખાવાની ચીજ જોઈતી હતી ને બીજાને પૈસા. પાંચ રૂપિયા હાથમાં આવતાં જ તનુ ઘર ત૨ફ ભાગ્યો. એના પગમાં ચેતન આવ્યું. તેને થયું કે જતાંવેંત એ જીવીકાકીનાં મોં ૫૨ પાંચના સિક્કાનો ઘા ક૨શે ને કહેશે. ‘કાકી બંધ થાવ. મારી માને ગાળો ન દો. લો, આ તમારા પૈસા, સમજ્યાં ?’ પરંતુ તે ઘરે પહોંચ્યો ત્યારે વાદળો વરસીને વિખેરાઈ ગયાં હતાં. ઝઘડો શાંત પડી ગયો હતો, જીવીકાકી એમના ઘરમાં જતાં રહ્યાં હતાં. ને બા સૂનમૂન થઈ લમણે હાથ દઈ બેઠી હતી. તનુ બાની નજીક સરક્યો, ‘બા, કેમ આમ બેઠી છે ? શું થયું ?’ ને બાનો પિત્તો ઊછળ્યો, ક્યારનોય દિલની અંદર સમસમીને ભરાયેલો ગુસ્સો ઠાલવતાં બાએ તનુને એક તમાચો ચોડી દીધો ને બોલી : ‘ક્યાં મરી ગ્યો’તો ? આખો દા’ડો રખડ રખડ કરે છે તે ? ઘરમાં ટાંટિયો ટકતો નથી. જા રખડી ખા.’ જીવીકાકી ૫૨નો ગુસ્સો બા તનુ ૫૨ ઠાલવી રહી હતી. તનુ સમજી ગયો. છતાં તેને ગુસ્સો ન ચઢ્યો. તે બાના ગુસ્સાનું કારણ સમજતો હતો. તેણે બા સામે હાથ લંબાવ્યો. મૂઠી બંધ હતી. ‘શું છે હજી ?’ ને પ્રત્યુત્તરમાં તનુએ મૂઠી ખોલી. તનુની હથેળીમાં પાંચ રૂપિયા જોઈ બાની આંખો ચમકી પણ બીજી જ પળે તેને વહેમ પડ્યો, કદાચ ક્યાંકથી ચોરી કરીને.. ‘ક્યાંથી લાવ્યો ? ક્યાં ચોરી કરી ? બોલ...’ને બાએ તનુને બીજો તમાચો... તનુ હચમચી ગયો. તેણે રડતાં રડતાં સઘળી હકીકત ત્રુટક ત્રુટક કહી ને પછી ઉમેર્યું : ‘બા, જીવીકાકી તારી પાસે દસ રૂપિયા માંગે છે ને... તો લે આ ખૂટતા પાંચ રૂપિયા ને ઝટ એના મોં ૫૨ નાખી આવ એટલે...’ આમ કહી તનુ ફરી રડવા લાગ્યો. બાને થયું કે પોતાનાથી ભૂલ થઈ ગઈ. ગુસ્સામાં તેણે ખોટી રીતે તનુને માર્યો. માતૃત્વને પશ્ચાત્તાપ થયો. બાએ તનુને પોતાના ખોળામાં ખેંચી લીધો. ને જે ગાલ ૫૨ તમાચા માર્યા હતા તે ગાલ ૫૨ બાએ બચીઓ કરીને અશ્રુબિંદુઓથી તે ગાલને નવરાવી દીધો ! ને બા બબડતી ગઈ... મારો સમજુ દીકરો...! મારો લાડકો દીકરો...!