વિવેચનની ભૂમિકા/કૃતિ-પરિચય

From Ekatra Foundation
Revision as of 14:41, 15 November 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કૃતિપરિચય : ‘વિવેચનની ભૂમિકા’

વિવેચન-સિદ્ધાન્તોની વિચારણા અને એ પૈકીના કેટલાક સિદ્ધાન્તોનું ગુજરાતી સર્જનપ્રવાહોમાં, સ્વરૂપોમાં દર્શન – એવી વિનિયોગલક્ષી વિચારણા પ્રમોદકુમાર પટેલના વિવેચનનો એક મહત્ત્વનો વિશેષ રહ્યો છે. ૧૮૯૦માં પ્રગટ થયેલું એમનું આ પુસ્તક ‘વિવેચનની ભૂમિકા’ એવા માતબર ને દીર્ઘ ૧૦ વિવેચનલેખોને સમાવતું એમનું એક યશોદાયી પુસ્તક છે. પ્રમોદભાઈ આરંભ કરે છે ‘કાવ્યતત્ત્વવિચાર અને એના તાત્ત્વિક સંદર્ભો’ની દ્યોતક ચર્ચાથી ને પછી ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’ તપાસવા તરફ જાય છે. આમ ‘તત્ત્વ’-વિચાર એ એમનો પ્રિય વિવેચન-પ્રદેશ છે. પરંતુ એ પછી આ સન્નિષ્ઠ વિવેચક, કૃતિવિવેચન અને સાહિત્યશાસ્ત્રના સંદર્ભોમાં વિવેચકની ભૂમિકા શી છે એ સ્પષ્ટ કરી આપવા તરફ પણ જાય છે ને એમ એક મોટા મહત્ત્વાકાંક્ષી વિવેચન-તત્ત્વના ખંડને આવરી લે છે. જુદાજુદા વાદો, વિવેચન-દૃષ્ટિકોણોને લઈને એમણે સાહિત્ય અને મનોવિજ્ઞાનની, સાહિત્યમાં રંગદર્શિતાવાદની તેમજ સાહિત્યમાં વાસ્તવવાદ અને પ્રકૃતિવાદની ચર્ચા પણ એક-એક સંગીન દીર્ઘ લેખમાં કરી છે ને વિવેચનવિદ્યાના એક બીજા મહત્ત્વના વર્તુળને ચર્ચામાં આવરી લીધું છે. એ પછી, તત્ત્વદર્શનને પ્રવાહલક્ષી ચર્ચામાં મૂકતા બે મહત્ત્વના લેખો વિનિયોગની તપાસ કરે છે. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્યમાં પ્રયુક્ત એવી પાશ્ચાત્ય વિવેચનની વિભાવનાઓની ચિકિત્સક વિવેચના આપવાનો તથા વર્તમાન ગુજરાતી નવલકથાના આસ્વાદની ભૂમિકા તથા એના મૂલ્યાંકનના માપદંડોને મૂકી આપવાનો વિવેચકધર્મ પણ એ બજાવે છે. વિવેચનની ભૂમિકા તપાસતું આ પુસ્તક એક સજ્જ અને વિદગ્ધ વિવેચકના વ્યાપનો પરિચય કરાવે છે. વિવેચકની ભૂમિકા શી હોઈ શકે ને એમાં કેવાં પ્રજ્ઞા અને પરિશ્રમ પરોવાયેલાં હોય છે એના દર્શન માટે આ લેખો વાંચવા તૃપ્તિકર નીવડશે. તત્ત્વચર્ચા પણ માંડીને કરવી ને વાતને વિશદ રાખવી એ પ્રમોદકુમારનો વિવેચક તરીકેનો વિશેષ છે.

– રમણ સોની