ભરત વિંઝુડાની ગઝલસંપદા/સંસારીઓ પણ છે
૬૨
મન એમનું
મન એમનું
ભીડની વચ્ચે ઘણા અલગારીઓ પણ છે,
ને જુઓ વનમાં તો ત્યાં સંસારીઓ પણ છે.
ત્યાં જવા માટે ઘણી તૈયારીઓ પણ છે,
નહીં જવા માટે ઘણી લાચારીઓ પણ છે.
પૂર્ણરૂપે કોઈ મળવાનું નથી અહીંયાં,
અર્ધ નર ને એમ અરધી નારીઓ પણ છે.
બારણું છે બહાર નીકળવાને માટે પણ,
માત્ર જોવું હોય તો કંઈ બારીઓ પણ છે.
જોઈએ છે તે મળી જાશે બજારેથી,
જુદી જુદી જાતના વ્યાપારીઓ પણ છે.
સૂર્ય નામે આગનો ગોળોય છે માથે,
પૃથ્વી પર ઝીણી ઝીણી ચિનગારીઓ પણ છે.
(ચિત્તની લીલાઓ)