કથાવિવેચન પ્રતિ/‘થીંગડું’ : અસ્તિત્વનું કરુણ દર્શન વ્યક્ત કરતી નવલિકા

From Ekatra Foundation
Revision as of 12:59, 29 November 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
‘થીંગડું’ :
અસ્તિત્વનું કરુણ દર્શન વ્યક્ત કરતી નવલિકા

૧૯૫૬માં સુરેશ જોષીનો પ્રથમ નવલિકાસંગ્રહ ‘ગૃહપ્રવેશ’ પ્રગટ થયો, તે સાથે આપણા નવલિકાસાહિત્યમાં મોટો વળાંક આરંભાયો, એ તો હવે જાણીતી વાત છે. નવલિકાના કળાસ્વરૂપ વિશેની તેમની આગવી સમજ એમાં પ્રેરક બની હતી. સાહિત્યસર્જન એટલે કેવળ લીલામય પ્રવૃત્તિ, શબ્દનાં રૂપો જોડે ક્રીડા કરવાની પ્રવૃત્તિ, એવી ભૂમિકા એની પાછળ રહી હતી. કવિતા અને નવલકથા જેવા પ્રકારોમાં, તેમ નવલિકામાં પણ, તેઓ સતત પ્રયોગશીલ રહ્યા છે. એ સ્વરૂપની નવી નવી શક્યતાઓ નાણી જોવાનું બળવાન વલણ તેમણે દાખવ્યું છે. ‘ગૃહપ્રવેશ’ પછી ‘બીજી થોડીક’, ‘અપિ ચ’ અને ‘ન તત્ર સૂર્યો ભાતિ’ – સંગ્રહો તેમણે આપ્યા. એમાં તેમની નવલિકા વિભિન્ન રૂપે જોવા મળે છે. તેમની નવલિકા-લેખનની પ્રવૃત્તિને જો અમુક તબક્કાઓ પાડીને જોઈએ તો, ‘થીંગડું’એ બીજા તબક્કાની રચના છે. ‘ગૃહપ્રવેશ’ની નવલિકાઓમાં જોવા મળતા સામાજિક સંદર્ભો અહીં વધુ ને વધુ લુપ્ત થતા રહ્યા છે. જોકે એમાં કોઈ કોઈ રચનામાં ‘વાર્તા’નું તત્ત્વ શેષ રહ્યું છે. સુરેશ જોષી આપણા સાહિત્યજગતમાં કળા અને સર્જન વિશે ઘણા નવા ક્રાંતિકારી વિચારો લઈને પ્રવેશ્યા. નવલિકા અને નવલકથા જેવા કથામૂલક સાહિત્યપ્રકારોને પણ સર્જનના સ્તરે પહોંચાડવા, તેમાં ઊર્મિકાવ્ય જેવી સઘન રસસૃષ્ટિ નિર્માણ કરવી, અને એમાં કલ્પન પ્રતીક પુરાણકથા આદિ તત્ત્વોના ઉપયોગ દ્વારા વ્યંજના વિસ્તારવી – એવી તેમની નેમ રહી છે. પ્રસ્તુત સંદર્ભે તેમણે એ વાત ભારપૂર્વક રજૂ કરી કે, નવલિકા(તેમ નવલકથા)માં કથ્ય વસ્તુ કરતાંયે તેનું રૂપનિર્માણ એ ઘણી અગત્યની વસ્તુ છે. કથાવસ્તુ પોતે તો લેખક માટે માત્ર ‘કાચી સામગ્રી’ છે. જ્યારે સર્જનના વ્યાપારને અંતે વિશિષ્ટ સંવિધાન પ્રાપ્ત થાય છે ત્યારે જ કળાનું આગવું મૂલ્ય તેને પ્રાપ્ત થાય છે. આને અનુષંગે તેમણે ‘ઘટનાના હ્રાસ’ની વાત પણ કરી. ‘ઘટનાના હ્રાસ’નો ખ્યાલ, અલબત્ત, ઠીક ઠીક સંદિગ્ધ રહ્યો છે. પણ એથી તેમને કંઈ એમ અભિપ્રેત દેખાય છે કે લોકજીવનની માત્ર અસામાન્ય કે સ્થૂળ ઘટના(કે ઘટનાઓ)નો આધાર લઈને લેખક તરી જઈ શકે નહિ. આવી ઘટનાનાં પ્રતિરૂપો લેખકે રચી આપવાં જોઈએ. એક રીતે, સુરેશ જોષીનો સમગ્ર પુરુષાર્થ કથામૂલક સાહિત્યને – નવલિકાને તેમ નવલકથાને – નર્યા ‘વાસ્તવવાદ’માંથી મુક્ત કરવાનો દેખાય છે. સમાજજીવનનાં સુખ-દુઃખો, તેની સમવિષમ પરિસ્થિતિ કે તેના સામાજિક-આર્થિક પ્રશ્નો, અલબત્ત, વાસ્તવિકતાનો જ ભાગ છે. પણ આપણા અનુભવમાં આવતી એ વાસ્તવિકતા તો બહુ પાતળી અને ચપટી વસ્તુ છે. અસ્તિત્વની અભેદ્ય ગહરાઈ અને તેના કૂટ પ્રશ્નોની તુલનામાં એ અતિ સંકીર્ણ એવું એક segment માત્ર છે. સર્જકનું કામ એ જડ સાંકડી વાસ્તવિકતાને ઓળંગી જવાનું છે. કથાસાહિત્યની સૃષ્ટિમાં, આથી કલ્પનોત્થ વાસ્તવનું અનુસંધાન થવું જોઈએ. પુરાણકથા, દંતકથા કે કપોલકલ્પિતના વિનિયોગ દ્વારા, કે પરિચિત વાસ્તવમાં કલ્પનાના પ્રક્ષેપ દ્વારા તેનું ગહન સંકુલ અને અનંતપાર્શ્વી રૂપ પ્રગટ કરવાનો તે પ્રયત્ન કરે, એ ખરેખર આવશ્યક છે. સુરેશ જોષીની કળાવિષયક આ જાતની ભૂમિકા જોતાં, ‘થીંગડું’ નવલિકા, ઉપલક નજરે તો, પરંપરાગત શૈલીની સાવ સાદીસીધી વાર્તા લાગશે. પણ એની આ સાદગી અને સરળતા ભ્રામક છે. પ્રભાશંકરના જીવનની એક કૌટુંબિક (કે સામાજિક) સમસ્યા એમાં રજૂ થઈ છે, અથવા એકાકી વયોવૃદ્ધ વિધુરના માનસિક જીવનની આ કથા છે અથવા પલટાતા જીવનસંયોગો વચ્ચે સામાન્ય માનવીની સામાજિક-આર્થિક પરિસ્થિતિની વિષમતાની આ કથા છે, એમ કોઈ કહે તો પ્રસ્તુત કૃતિનું એ અતિસરલીકૃત અર્થઘટન થયું કહેવાય. ‘થીંગડું’માં એથી ઘણું ઊંડું રહસ્ય છુપાયેલું છે. કૃતિનું રચનાસંવિધાન એ પ્રકારનું છે કે એને પ્રતીકાત્મક અર્થ કે મૂલ્ય પ્રાપ્ત થાય છે. અસ્તિત્વમાં મૂળભૂત રીતે નિહિત રહેલી એબ્સર્ડિટીનું કરુણ ભાન એમાં વ્યક્ત થઈ જાય છે. કૃતિના સંવિધાનમાં બે ભિન્ન વૃત્તાંતોનું સંયોજન જેટલું કળાત્મક છે, તેટલું જ અર્થસંપન્ન છે. પ્રભાશંકરના એકાકી જીવનની જ આ વાત હોત, તો તો કદાચ એ એટલી ગંભીર ન પણ બનત. પણ એની સાથે રાજકુમાર ચિરાયુની દંતકથાનો ખૂબ સરસ રીતે વિનિયોગ થયો છે. પ્રભાશંકરની અસ્તિત્વપરક સંવેદનાને એ દંતકથા દ્વારા બિલકુલ નવો જ અર્થ મળ્યો છે, અને કૃતિને નવું જ પરિમાણ મળ્યું છે. પ્રભાશંકરને, પોતાનો કોટ કોણીએ ફાટેલો છે એના વ્યથાપૂર્ણ ભાન સાથે, પોતાના કુટુંબજીવનની અપારવિધ સ્મૃતિઓ અને લાગણીઓ સતાવી રહે છે. સદ્‌ગત પુત્ર મણિશંકર ‘મિલિટરીનાં સસ્તે ભાવે કાઢી નાખેલાં કપડાંમાંથી’ એ લઈ આવેલો. (પ્રભાશંકરે ધારણ કરેલો એ ‘કોટ’, એ રીતે પોતાનો કે પોતાને માટે તૈયાર કરેલો કે પોતાના માપનો હતો જ નહિ! એના શરીર પર એ ‘બહારથી’ આરોપાયેલું વસ્ત્ર હતું! પોતાના ‘સ્વ’ જોડે મૂળથી જ એ વિ-રૂપ અને વિ-સંવાદી વસ્તુ હતી!) એ ‘કોટ’નું આયુષ્ય બીજા દીકરા હસમુખનાં વર્ષો જેટલું થયું હશે. (એ જાતના સ્મરણમાં પણ કરુણ-વ્યંગ રહ્યો છે.) અને, વૃદ્ધ પારવતી એમના કોટની બાંય ઝાલીને સતત બોલાવતી, એ બધાં સ્મરણોની કથા તો હવે પોતાના લોહીમાં ભળી ગઈ છે. એટલે જ તો, અંધારું થતાં બહાર નીકળવા તૈયાર થતા પ્રભાશંકર પાણિયારા પાસે જઈ પાણીના ઘૂંટડા ગળે ઉતારી પાછા વળવા જાય છે ત્યાં, એકાએક જાણે કોઈએ એમને કોટની બાંય ઝાલીને રોક્યા! બારણાના આગળામાં ફાટેલો કોટ ભેરવાયો ત્યારે પણ પોતાને પારવતી રોકી રહી છે એમ જ તેમને લાગ્યું. એ ક્ષણે પોતે જ મનોમન બોલી ઊઠ્યા : “શું છે? કોટ ફાટ્યો છે એમ કહેવું છે ને? તે શું થીંગડું મારું? પણ સોયદોરો ક્યાં છે?” અને, આ માનસિક સંચલનોને પ્રભાશંકરના દાંપત્યજીવનના છેક આરંભના પ્રસંગો જોડે સીધો માર્મિક સંબંધ છે. પરણ્યા પછી પારવતીનું આણું કરવા ગયેલા તે દિવસે પારવતીએ પ્રભાશંકરના ચેતવણીરૂપ શબ્દોનો ઉત્તર વાળતાં કહેલું : “વારુ, તમે કહેશો તેટલાં થીંગડાં મારી આપીશ. થીંગડાં મારતાં હું નહિ થાકું.” આજે એ પારવતી ડોસી પણ ‘થીંગડાં મારતાં’ થાક્યાં હોય તેમ, ચાલી નીકળ્યાં છે. રાતના ઘેરાતા અંધકારમાં, શેરીના દીવાના ઉજાસમાં, પ્રભાશંકર પોતાના એ ફાટેલા કોટમાં ‘થીંગડું’ મારવાની મથામણ કરી રહ્યા છે ત્યારે, જીર્ણશીર્ણ જિંદગીને ટેભા મારીને ટકાવવાનો તેઓ મરણિયો પ્રયત્ન કરી રહ્યા હોય એમ લાગે છે. પણ ચિરાયુની દંતકથા અહીં કૃતિને ખરેખર નવું જ પરિમાણ અર્પે છે. (નાનકડા બાળક મનુએ, પ્રભાશંકરને ‘વાર્તા કહો તો જ સોયમાં દોરો પરોવી આપું’ એમ કહ્યું, એટલે પ્રભાશંકરે એ દંતકથા કહી.) ચિરાયુનું સોનેરી યૌવન સિદ્ધપુરુષના ચમત્કારી રેશમી વસ્ત્રથી અકબંધ જળવાયેલું રહ્યું. પણ રાજા-રાણીએ એક પ્રસંગે રાજકુંવર વિશે ‘ખરાબ’ વિચાર કર્યો, ત્યાં ચિરાયુના રેશમી વસ્ત્રમાં કાણું પડ્યું, ને તે સાથે જ તેનાં વીતેલાં વર્ષોનાં બધાં જ કાર્યોનું એકસામટું પરિણામ તેને ભોગવવાનું આવ્યું! ખુદ રાજા-રાણીએ તેનું વસ્ત્ર સાંધવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ નિષ્ફળ ગયાં. એ વસ્ત્રને સાંધવા માટે જોઈતાં ‘કલંક વિનાનાં’ વસ્ત્રો તેમની પાસે હતાં નહિ. દરબારીઓએ પ્રયત્નો કર્યા પણ તેઓ ફાવ્યા નહિ. સાવ નિષ્કલંક આયુ કોઈ પાસે હતું જ નહિ! હવે રાજકુમાર એ વસ્ત્ર ફગાવી પણ શક્યો નહિ. તેના ચિત્તમાં ઊંડે ઊંડે એવી એક વાસના રહી ગઈ હતી – કદાચ, કોઈ એ વસ્ત્ર સાંધનાર જડી આવે તો પોતાની જુવાની પાછી મળી જાય! લોકવાયકા એવી ચાલી કે કોઈક વાર રાતના અંધારામાં લથડતે પગલે સાવ ખખડી ગયેલો ડોસો ચીંથરેહાલ દશામાં આવીને આંગણે ઊભો રહે છે ને બોલે છે : “થીંગડું મારી આપશો?” – અને, આ ક્ષણે રાજકુમાર ચિરાયુની કથા અને પ્રભાશંકરની કથા એકરૂપ થઈ જાય છે! રાજકુમારની ઝંખનામાં પ્રભાશંકરની ઝંખના ભળી જાય છે! છેવટે, મનુ એટલું જ કહે છે કે – “દાદા, તમે તો મોડે સુધી જાગતા ઓટલે બેસી રહો છો, તમને જો એ કોઈ વાર દેખાય તો મને બોલાવજો. આપણે બે મળીને એનું રેશમી વસ્ત્ર ઉતારીને ફેંકી દઈશું, પછી એને રખડવાનું તો મટશે, ખરું ને?” અને પ્રત્યુત્તરમાં પ્રભાશંકરે ‘હા’ એટલું જ કહ્યું. તે પછી મનુ ચાલ્યો ગયો. બખિયો ભરવાના એકાદ શૂન્યમનસ્ક પ્રયત્નમાં સોય તેમની આંગળીના ટેરવામાં ખૂંપી ગઈ, એટલે સોયદોરો લઈને ઘરની અંદરના અંધકારમાં તેઓ ‘અલોપ થઈ ગયા’. પ્રભાશંકરના સંવિત્‌માં આજે વીતેલી જિંદગીનો ઓથાર વેદનાનો સણકો બનીને બહાર આવ્યો છે. આરંભથી અંત સુધી, આમ જુઓ તો, કૃતિમાં ખાસ કશું ‘બનતું’ નથી; પ્રભાશંકરે ફાટેલા કોટને બખિયા ભરવાની થોડી પ્રવૃત્તિ કરી, એટલી જ એમાં ‘ક્રિયા’. પણ એ થોડીક મિનિટોના વ્યાપમાં પ્રભાશંકરના જીવનનો એક કરુણ ભાવતંતુ કેવો ઉત્કટતાથી પાંગરી ઊઠ્યો છે! અંધારાં ઊતરવાની ઘટના સાથે કૃતિ આરંભાઈ, તે પણ સૂચક બાબત છે. બહારના ઉજાસના લિસોટામાં પોતાનો ‘કોટ’ પહેરતા, ને બખિયા ભરતા પ્રભાશંકર માટે જિંદગીમાં – અંદરના ખંડમાં – અંધાર જ વ્યાપી વળ્યો છે. અંતે બખિયા ભરતાં આંગળીમાં સોય ભોંકાઈ ગઈ, એક તીણી વેદનાનો સણકો અનુભવાયો, તે પછી તેઓ અંદરના અંધકારમાં ‘અલોપ થઈ ગયા’. અંધકાર અને તેજના લિસોટાની રેખાઓ આ કૃતિમાં આગવું વાતાવરણ રચે છે. એ વાતાવરણમાંથી જ જાણે કે કૃતિનું રહસ્ય પોતાનું બળ મેળવે છે. આકૃતિને એકતા અર્પવામાં એ રીતે વાતાવરણ મોટો ભાગ ભજવે છે. કૃતિના રચનાસંવિધાનનો વિચાર કરીએ ત્યારે એમાં વ્યંગ-મર્મની ધાર ઉપસાવતા સંદર્ભોનો પણ વિચાર કરવાનો રહે. જેમ કે, પ્રભાશંકરે ગોખલામાંથી પાનની ચમચી લીધી ત્યારે તેમાંથી ચીમળાઈ ગયેલું અર્ધું જ પાન મળ્યું, એ પરિસ્થિતિમાં વેધક કરુણતા રહી છે. એ જ રીતે પાણિયારેથી પાછા વળતાં કોટની બાંય ઝાલીને કેઈ રોકી રહ્યું છે એ ચિત્રમાંયે જીવનનો કરુણ, વ્યંગ સાથે આલેખાયો છે. થીંગડા માટે પ્રભાશંકરે ગાદી નીચેથી સંઘરેલાં ગાભાચીંથરાંમાંથી માપસરનો એક ટુકડો શોધી કાઢ્યો, તો એનો રંગ કોટના રંગ સાથે મેળ ખાતો નહોતો! આવી પ્રત્યેક વિગત અહીં કૃતિના રહસ્યને ઉત્કટતાથી છતું કરવામાં સહાયક બને છે. માનવીને મળેલું આ અસ્તિત્વ – એમાં જ એની એકલતા, વિચ્છિન્નતા અને વિફલતાનાં બી રોપાયાં છે! માનવીને અમરતાની ઝંખના છે, પણ મૃત્યુ તેના અસ્તિત્વનું બીજું રૂપ નથી? ચિરાયુના “વસ્ત્રને સાંધી શકાતું ન હોય તો તેને ઉતારીને ફેંકી દઈએ તો કેમ? એને રખડવાનું તો મટશે”, મનુના આ શબ્દોમાં પ્રભાશંકર હુંકાર ભણે છે, તેમાં તેમની મુમૂર્ષા જ પ્રગટ થઈ જાય છે. અસ્તિત્વનું જે આવરણ બધી યાતનાઓનું કારણ છે તેને જ ઉતરડીને ફેંકી દઈએ તો કેમ? પ્રભાશંકર આવા કરુણ ભાન સાથે અંધકારમાં અલોપ થઈ ગયા, એ અસ્તિત્વની એબ્સર્ડિટી નહિ તો બીજું શું? આ વાર્તાનો ખરો પ્રવાહ આ રીતે એના ઊંડા પાતાળી થરોમાં વહી રહ્યો છે, એમ જોઈ શકાશે.