પ્રતિપદા/ચાર કવિઓ – થોડીક રેખાઓ – રમણ સોની

From Ekatra Wiki
Revision as of 11:52, 21 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચાર કવિઓ – થોડીક રેખાઓ| રમણ સોની}} મુખ્યત્વે વિવેચક-અધ્યાપ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ચાર કવિઓ – થોડીક રેખાઓ

રમણ સોની

મુખ્યત્વે વિવેચક-અધ્યાપક. ‘ગુજરાતી સાહિત્યકોશ’(૧ થી ૩)ની રચનામાં સંશોધક-લેખક-સંપાદક તરીકે મહત્ત્વનું યોગદાન. સમ્પ્રતિ ‘પ્રત્યક્ષ’ તથા ઈ-સામયિક ‘સંચયન’ના સમ્પાદક તરીકે પ્રવૃત્ત. વડોદરા નિવાસી. આશરે એક દાયકો ઈડર કૉલેજમાં અધ્યાપન, પછી (૧૯૮૦ થી ૮૬) ગુજરાતી સાહિત્ય પરિષદના કોશકાર્ય સાથે સંલગ્ન. ૧૯૮૮થી મ.સ.યુનિ. વડોદરામાં ગુજરાતી પ્રાધ્યાપક તરીકે જોડાયા અને ત્યાંથી જ નિવૃત્ત થયા. કર્મઠ અને મૂલ્યનિષ્ઠ અધ્યાપક. સાહિત્ય-કલા-પદાર્થને માર્મિક દૃષ્ટિથી જોનારા-પરખનારા અભ્યાસી વિદ્વાન. ચિમનલાલ ત્રિવેદી પાસે એમણે ‘ઉશનસ્ઃ સર્જક અને વિવેચન’ વિષય પર સંશોધન કાર્ય કર્યું. શોધગ્રંથ પ્રકાશિત કર્યો. ‘વિવેચન સન્દર્ભ’ પણ એમના ધ્યાનપાત્ર અભ્યાસલેખોનો સંચય છે. હમણાં હમણાંથી પ્રવાસનિબંધ, ચરિત્રનિબંધ અને હાસ્યનિબંધ લખે છે. અમેરિકા પ્રવાસ કરવા ઉપરાંત અકાદમી દ્વારા મોકલાયેલ ભારતીય લેખક પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે ઝેકોસ્લૉવેકિયા(પ્રાગ)નો પ્રવાસ કર્યો છે.

(દલપત પઢિયાર, કાનજી પટેલ, કમલ વોરા તથા જયદેવ શુક્લની કવિતા વિશે)

યોજક અને સંયોજક મિત્રો, કવિમિત્રો તથા મારા જેવા સૌ વાચકમિત્રો-શ્રોતામિત્રો

આ કાર્યક્રમનો મોરચો સરસ છે – આ નથી કેવળ કાવ્યપઠનનો કાર્યક્રમ, કે નથી માત્ર કવિતા વિશેનાં પ્રવચનોનો કે કોઈ પરિસંવાદનો ઉપક્રમ. અહીં સત્તર અનુઆધુનિક કવિઓની સાથે જ ચાર અનુઆધુનિક અ-કવિઓ છે એટલે કે કવિતાના વાચકો છે. એ વાચકો છે એથી જ, એ ચાર હોવા છતાં એમની આ સભામાં, બહુમતી છે. આપણે ઇચ્છીએ કે કોઈપણ સાહિત્યસમાજમાં કવિઓ કરતાં વાચકોની સંખ્યા વધારે હોય – કેમ કે વાચકસ્તત્ર દુર્લભઃ

શરૂઆતમાં જ, એક બીજો આનંદ મારે વ્યક્ત કરવો છે એ આ કાર્યક્રમના ‘પ્રતિપદા’ એવા નામ માટે. આપણા ઉત્સવનો આ પડાવ સરસ છે – પ્રતિપદા. અને પ્રતિપદાથી પૂર્ણ ચંદ્ર તરફની યાત્રા – એવું સમજવું કાંઈ જરૂરી નથી. આપણને તો રાજેન્દ્ર શાહ કાનમાં કહી ગયા છે – કવિ હોય તે કાનમાં જ કહે, મોં સામે સંભળાવી જાય નહીં. રાજેન્દ્રભાઈએ કહ્યું જ છે કે ‘જાણે બીજને ઝરૂખડે ઝૂકી’તી પૂર્ણિમા ઝાઝેરો ઘૂમટો તાણી.’ પ્રતિપદા અને બીજના એ લયવળાંકો અને એમનું સ્પૃહા જગાડનારું ગોપન – એ પૂર્ણ ચંદ્ર કરતાં પણ વધુ આસ્વાદ્ય બની શકે. અલબત્ત, આપણને તો પૂર્ણ ચંદ્ર સામે પણ કોઈ તકરાર નથી. અનુઆધુનિક કવિતાને તો (ચંદ્ર-કળાના ને સાહિત્ય-કળાના) બધા જ વળાંકો, ને બધા જ પ્રવાહો સ્વીકાર્ય છે. હા, એક શરતે – કવિતાના ને કલાના સૌંદર્યલાભની શરતે, એવો આનંદલાભ ન થતો હોય તો હું વાચક તરીકે પણ કોઈ સોદો ન કરું! આ આનંદ-ઑચ્છવનો પ્રસંગ છે એટલે આપણે આ કવિમિત્રોની જે કવિતા હમણાં સાંભળી, એનાથી બંધાયેલા લયને ખલેલ પહોંચાડ્યા વિના જ મારી ભાવક-કથા રજૂ કરીશ. પણ હું માનું છું કે રાજીપો પણ પારદર્શક જ હોવો જોઈએ – પેટછૂટી વાત થવી જોઈએ. પ્રશંસા પણ ઘણીવાર અપારદર્શક, ધુમાડા જેવી હોય છે અને ધુમાડાથી તો ગૂંગળામણ જ થવાની – આપણને તેમજ કવિમત્રોને પણ. વળી અસલી ચાહકો તો સમજે છે કે પ્રેમમાં પણ થોડુંક આક્રમણ તો રહેવાનું જ – એનો નિર્દોષમાં નિર્દોષ દાખલો લઈએ તો ટેરવાંથી પીઠ પસવારતાં-પસવારતાં ક્યારેક ધબ્બો તો ક્યારેક એક ચૂંટી... બસ. ભૂમિકા બહુ થઈ. હવે પ્રવેશ કરું. અહીં ચાર કવિઓની કવિતા આપણે એકસાથે સાંભળી છે. દરેકની મુદ્રા અલબત્ત અલગ છે. પણ ક્યાંક આછીપાતળી સ્થૂળસૂક્ષ્મ સરખામણીને અવકાશ છે. કમલ વોરા અને જયદેવ શુક્લની મુખ્ય પીઠિકા નગરનિવાસની છે. પતંગિયું ને પુષ્પ, એનાં રંગ અને ગંધ, વૃક્ષો-પર્વતો-નદી-સમુદ્ર, અજવાસ અને અંધકાર, ને એનાં આદિમ ઊંડાણ – એ બધું એમની કવિચેતનામાં છે જ પણ એને નિતાન્ત વનસંદર્ભ નથી, એનો સંવેદનસ્પર્શ ને એનાં શબ્દરૂપો જુદાં છે. જ્યારે દલપત પઢિયાર અને કાનજી પટેલમાં જનપદ અને તળપદ છે. છેક તળિયે રહી ગયેલા આનંદની સાથે જ એમાં વિચ્છેદની વેદના છે, કાનજીમાં તો ચીસની સાથે એક આક્રોશ પણ છે. એટલે એ બંનેની કવિતાનો સંવેદનસ્પર્શ અને એનાં શબ્દરૂપો નોખાં છે. આ કારણે, આપણને તો એક મોટા ફલક પરના કવિતા-આલેખો મળે છે. આ ચારેમાં, કવિતા તરફ લઈ જતી ગતિમાં જે સરખું તત્ત્વ છે તે છે કલ્પનોનું, કલ્પનના વિવિધ રૂપોની હાજરીનું – અને ચારેમાં ગઝલની ગેરહાજરીનું.

દરેક વિશે અલગ વાત કરીએ.