ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/રાઘવજી માધડ
દશરથ પરમાર
સર્જક-પરિચય :
રાઘવજી માધડનો જન્મ તા. ૦૧-૦૬-૧૯૬૧ના રોજ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના દેવળીયા ગામે. માતાનું નામ કાળીબેન અને પિતાનું નામ દાનાભાઈ. અભ્યાસ : પી.ટી.સી., એમ.એ., બી.ઍડ્., પીએચ.ડી. પ્રાથમિક શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી, શિક્ષણ વિભાગની સંસ્થા ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદમાંથી રિસર્ચ ઍસોસિએટના હોદ્દા પરથી નિવૃત્ત થઈ ગાંધીનગર ખાતે વસવાટ. કિશોરાવસ્થામાં વાર્તાઓ સાંભળતા-વાંચતા થયા. ગ્રામજીવનના સારા-માઠા પ્રસંગો, ગીતો, રાસડા, લોકગીતો, સંતવાણી, ભવાઈ, કથા-શ્રવણ, શાળા-પુસ્તકાલયમાંથી વાંચેલી બાળકથાઓ વગેરેથી એમનું ભાવવિશ્વ ઘડાયું છે. સ્વાનુભવમાંથી પ્રથમ ટૂંકીવાર્તા નિપજી ‘કાચા કૂબા, કઠણ માનવી’. ત્યાર બાદ સતત લખતા રહ્યા છે. એમની વાર્તા ‘વાડીમાં ઊગ્યો એક ટહુકો’ને જનસત્તા વાર્તા હરિફાઈ-૧૯૯૨નું પ્રથમ, ‘એક મરી ચૂકેલો માણસ’ને ‘મુંબઈ સમાચાર વાર્તા હરિફાઈ-૧૯૯૨નું પ્રથમ, ‘પ્રતીક્ષા’ને સમકાલીન વાર્તા હરિફાઈ-૧૯૯૫નું દ્વિતીય, ‘સિક્કો’ને ‘હયાતી’વાર્તા હરિફાઈ-૨૦૦૦નું તૃતીય, ‘ભડકો’ને કેતન મુનશી વાર્તાસ્પર્ધા-૨૦૧૪નું પ્રથમ પારિતોષિક મળ્યું છે, ડૉ. જીવરાજ મહેતા ફાઉન્ડેશન દ્વારા ‘નિરંજન વર્મા વાર્તાકથા પુરસ્કાર-૧૯૯૩’, ગુજરાત સરકારનો ‘સંતશ્રી કબીર દલિત સાહિત્ય ઍવોર્ડ-૨૦૦૬’, હ્યુમન સોસાયટી ઑફ ઇન્ડિયાનો ‘ઝવેરચંદ મેઘાણી ઍવોર્ડ-૨૦૧૧’, ‘ઝાલર’ (૧૯૯૧) વાર્તાસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનું દ્વિતીય તથા ‘પ્રેમ પછી’ (ધુમ્મસ શ્રેણી : ૩) અને ‘લોકવાર્તાની લ્હાણ’ને ગુજરાત સાહિત્ય અકાદમીના જે-તે વર્ષના શ્રેષ્ઠ પુસ્તકોના પુરસ્કારો તેમજ ‘હુકમની રાણી’ નવલકથાને ત્રિપદા ફાઉન્ડેશન અને અસાઇત સાહિત્ય સભાનું પારિતોષિક વગેરે સન્માન પ્રાપ્ત થયાં છે. ગુજરાતી ફિલ્મોમાં કથા-પટકથા-સંવાદો અને દૂરદર્શન માટે શ્રેણીલેખનની સાથોસાથ અઢી દાયકાથી વર્તમાનપત્રોમાં કટારલેખન પણ કરે છે.
સાહિત્ય-સર્જન :
વાર્તાસંગ્રહ : (૧) ઝાલર (૨) સંબંધ (૩) જાતરા (૪) અમરફળ (૫) મુકામ તરફ (૬) પછી આમ બન્યું...
નવલકથા : (૧) તરસ એક ટહુકાની (૨) સગપણ એક ફૂલ (૩) જળતીર્થ (૪) સંગાથ (૫) કૂખ (૬) સફર (૭) હુકમની રાણી.
લોકકથાસંગ્રહ : (૧) લોકવાર્તાની લ્હાણ (૨) ધીંગી ધરાનાં જોમ (૩) ઇતિહાસનું સોનેરી પાનું (૧/૨) (૪) એવાં હતાં મનેખ (૫) લોકવાણી.
નિબંધ : (૧) બે શબદની વાત (૨) ભવની ભવાઈ (૩) ગુલમહોર.
શિક્ષણ : (૧) વર્ગ એ જ સ્વર્ગ (૨) મારી શિક્ષણગાથા (૩) વર્ગખંડનું શિક્ષણ.
કૃતિ પરિચય :
(૧) ‘ઝાલર’ (બીજી આવૃત્તિ : ૨૦૧૯, પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ)
સોળ વાર્તાઓ ધરાવતા આ સંગ્રહની, બીજી આવૃત્તિના આરંભે લેખકનાં પુસ્તકો તથા પુરસ્કારોની યાદી, ત્યાર બાદ ‘જીવતરની સારપ’ શીર્ષક હેઠળ જોસેફ મૅકવાનની પ્રસ્તાવના અને ‘નવી આવૃત્તિ નિમિત્તે...’માં લેખકનું નિવેદન રજૂ થયું છે. અધિકાંશ રચનાઓમાં સૌરાષ્ટ્રના ગ્રામ્ય-ગરીબ વર્ગના જીવનની વિપદાઓ, વિષમતાઓ, જિજીવિષા, અવૈધ સંબંધો, દલિતોની અવદશા, માનવસંબંધોની આંટીઘૂંટીઓ વગેરે તળપદી બોલી અને ગ્રામ્ય પરિવેશના માધ્યમથી પારંપરિક રચનારીતિએ અભિવ્યક્તિ પામ્યાં છે. ‘પછડાટ’ એક વિખરાઈ જતા પરિવારની અવદશાની સરળ શૈલીમાં લખાયેલી કરુણાંત વાર્તા છે. મોભાદાર અને પાંચમાં પૂછાતા રામજી જીવાના પાંચ દીકરાઓ દ્વારા એમની સંપત્તિના ભાગ પાડવામાં આવતાં માનસિક આઘાત અનુભવતા રામજી જીવા ભીતર-બહારથી તૂટી પડે અને સમયનું પરિવર્તન સહન ન કરી શકતાં અંતે ઢળી પડે છે. ‘એક ટુકડો જિંદગી’માં વતનમાં પરિવાર સાથે સ્મૃતિઓના સહારે જીવન ગુજારતા નિવૃત્ત શિક્ષક નવનીતરાયને પસંદગીની પત્ની ન મળ્યાનો અને ગીરના નેસમાં એક નવયૌવના દ્વારા માર્દવભર્યા ઇજનના ઇન્કારનો વસવસો છે. એકાકી અને અસંતુષ્ટ જીવનથી સંત્રસ્ત નવનીતરાયને અન્ય લોકોનાં જીવન અને ગામનો પરિવેશ વગેરે પણ પીડે છે. એની પ્રતિક્રિયારૂપે ઘેર પરત ફરતાં ‘હા..અ...ક... થૂ...’ કરી, જિંદગીનો એક ટુકડો ઓછો થયાનો હાશકારાનો ભાવ અનુભવે છે. ‘જિજીવિષા’માં વિધવા મણિડોશીને મોટો દીકરો વેળા વાળશે એવી અબળખા છે. પરંતુ લગ્ન પછી મગનનો મા-ભાઈ પ્રત્યેનો સ્નેહ ઘટતો જાય છે. કજિયાળી વહુની ચડવણીથી એની નોખા થવાની વાતે ડોશીની રહીસહી આશાનો તંતુ પણ તૂટી જાય છે. મગન પત્ની સાથે એના પિયર જતો રહેતાં ડોશીને જીવનનો અંત આવ્યા જેવું લાગે ત્યાં નાના દીકરાને પરણાવવાની જિજીવિષા સજીવન થઈ ઊઠે અને પુનઃ પ્રવૃત્ત થઈ જાય છે. ‘મેલી મથરાવટી’માં ખેતમજૂરી કરી જીવનનિર્વાહ ચલાવતી અને સવર્ણો દ્વારા વારંવાર અપમાનિત થતી ગંગા પોતાની જાતને બચાવવાના ઘણા પ્રયાસો પછી પણ મુખીના શોષણનો ભોગ બની, સગર્ભા થાય છે. ફજેતી થવાની બીકે મુખી આર્થિક મદદની લાલચ આપી, ગંગાના બાપાને એના હાથ પીળા કરવા સમજાવે તે વેળાનો મુખીને જાહેરમાં ખુલ્લા પાડતી ગંગાનો આક્રોશ વાંઝિયો નીવડે છે. દીકરીની પીડા સમજતો બાપ આશ્વાસનના બે શબ્દો કહેવાના આશયથી રાત્રે એની પથારી પાસે જઈ જુએ તો એની પથારી ખાલી છે. લાચારી અને અસ્પૃશ્યતાના ક્રૂર યથાર્થની વાર્તા. ‘હોળી’ની સાંજે મુખીની દીકરી કસ્તુરી અને દલિત વશીયાને લીમડાની ઓથે ઊભેલાં જોઈ ગામલોક સળગી ઊઠે છે. સરપંચને જાણ થતાં વાસના લોકોને બોલાવી વશીયાને ગામ છોડવાની સજા ફરમાવી, દલિતોનો બહિષ્કાર કરે છે. દરમ્યાન શામજી નામના યુવાનનું મોત થતાં મુખી અને સરપંચ ચૂંટણીના ડરથી વાસમાં બેસવા જાય ત્યાં જાણ થાય કે કસ્તૂરી અને વશીયો વાડીના ઓઘામાં પુનઃ મળ્યાં છે. કડબના ઓઘામાં જ એ બન્નેને જીવતાં સળગાવી દેવાનો માર્ગ ચીંધતા નિર્દય મુખીને પોતાની દીકરી સળગી જવાનો પણ સહેજેય રંજ નથી. ગામડામાં દલિતોની અવદશા અને સવર્ણોની અમાનવીયતાનું આલેખન. ‘વાડીમાં ઊગ્યો એક ટહુકો’માં આધેડ ઉંમરે ગૃહભંગ થયેલા, બીજું ઘર ન કરનાર સંતાપિત પિતા એકના એક પુત્ર છગનના આકસ્મિક મૃત્યુ પછી એ વાતે ચિંતિત છે કે, વહુ અને વાડી નોંધારાં બની ચૂક્યાં છે. એમને પુત્રવધૂની આ જ ઘરમાં જીવવા-મરવાની જિદ ગમતી નથી. એકવાર વાડીએ પાણીની કુંડીમાં વહુને નહિવત્ વસ્ત્રોની આડશમાં નહાતી જોઈ વિચલિત થઈ ઊઠે છે. પરિણામે તેઓ એક યોજના ઘડી છગનનો બાળગોઠિયો રવજી વાડી-ખેતરની દેખરેખના બહાને વિલાસની નિકટ આવે એવી ગોઠવણ કરે છે. આ સંકેતને સમજી વાડીએ આવતો-જતો રવજી સમયાંતરે વિલાસ સાથે હળેભળે અને માધા પટેલની યોજના સફળ બને છે. થોડુંક લંબાણ હોવા છતાં વિષયવસ્તુ, ગ્રામ્ય પરિવેશ, બોલીની બળકટતા, પાત્રોનાં આંતરસંઘર્ષો વગેરેને લીધે વાર્તા સરળ અને કથનાત્મક બયાનબાજીમાંથી ઉગરી ગઈ છે. ‘બદલો’માં કુપાત્ર દીકરાને લીધે બહિષ્કૃત રામભાઈ પુત્રવધૂની પ્રસૂતિ માટે માન-સન્માન નેવે મૂકી, ડૉક્ટરને બોલાવવા શામજીભાઈને ઘેર જાય એમાં એમની લાચારીનું ચિત્રણ છે. ઉપકારનો બદલો ઉપકારથી વાળતા સરપંચની સારપ અંતે દેખાઈ આવે છે. ‘ચિઠ્ઠી’માં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને વિદ્યાર્થીઓમાં લોકપ્રિય થયેલા શિક્ષક અને કથળેલી શિક્ષણ વ્યવસ્થા વગેરે સુપેરે ઉજાગર થયાં છે. ‘નાની અમથી વાત’માં અમસ્તી શંકાને લીધે મોતી-મંગાના સુખી દામ્પત્યજીવનમાં તિરાડ પડે અને બન્ને છૂટાં પડે છે. વાર્તાન્તે મોતીને તેડ્યા વગર પરત ફરતા મંગાને મળવા મોતી દોડી આવે એમાં ઔચિત્ય વરતાતું નથી. ‘ભણકારા’માં લેખકને કેન્દ્રબિંદુ જડ્યું નથી. અતિશય લંબાણ અને ભાષાની ભેળસેળ પણ વ્યવધાનરૂપ બને છે. પરિણામે એ કથકના આત્મસંલાપથી વિશેષ પ્રભાવ પાડી શકતી નથી. ‘ખેંચાણ’માં નમાલા પતિ અને પક્ષાઘાતને લીધે પથારીવશ પિતાની સારવાર સારુ પિયરમાં રહી ઘરનો વહીવટ સંભાળતી બિન્ધાસ્ત નબુ પોતાને ત્યાં બહારથી કામે આવેલા કમાના બળથી પ્રભાવિત થાય છે. પરંતુ કમાનો ‘તારા જેવી બાયડી જોઈએ છે’નો એકરાર સાંભળી એને તમાચો ચોંડી દે છે. ફજેતી થવાની બીકે ખેતરમાંથી બારોબાર ગામ પરત ફરતો કમો અધવચ્ચેથી પાછો વળે એમાં ઔચિત્યભંગ છે. ‘અમે રોપ્યા’તા શમણાંના છોડ’માં ભૂતકાળની પ્રેમિકાને લઈ જવા નટડાનો વેશ ધારણ કરી મંગો ગામમાં આવી દોરા-ધાગા કરે અને છેલ્લે એના પ્રેમમાં પાગલ થયેલી સવુને લઈ ભાગી જાય, એવી કથાસંયોજના છે. નાટ્યાત્મક ઘટનાઓથી ભરપૂર ‘કંકુ’માં મુખ્ય પાત્ર કંકુના શોષણગ્રસ્ત જીવન અને યુવાન લખમણ પ્રત્યેના આકર્ષણની વાત છે. ‘આથમતા પ્હોરે અજવાળાં’માં સાસરવાસી બે દીકરીઓની વિધવા માતા મોતીને અનહદ ચાહતો કાળુ દેવું ભરવાના પૈસા આપી એને નવજીવન બક્ષવા તૈયાર છે. આરંભે થોડીક આનાકાની બાદ વર્તમાન સ્થિતિથી વાકેફ થતાં મોતી દોડીને કાળુને વળગી પડે છે. ‘માતૃત્વ’ મૅલોડ્રામેટિક રચના છે. ‘મુકુંદરાય’નું સ્મરણ કરાવતી ‘વાંઝણી તૃષ્ણા’માં બદલાતા સમયમાં માતા-પુત્રના સંબંધમાં આવેલી ઓટ આલેખાઈ છે. આમ, ‘ઝાલર’ની તમામ રચનાઓમાંથી તળપદા ભાવવિશ્વનાં દર્શન થાય છે. ગ્રામજીવનનો પરિવેશ, કઠોર વાસ્તવિકતાઓ, અમરેલી પંથકની લોકબોલી, પાત્રોના મનોસંઘર્ષો, નારી અને દલિતોનું શોષણ, અવૈધ સંબંધો, તૂટતાં જતાં પરિવારો, શિક્ષણપ્રથાની ખામીઓ, સમાજમાં પ્રવર્તી રહેલા કુરિવાજો વગેરેનું યથાર્થ આલેખન કરી, તત્કાલીન ગ્રામજીવનનો ધબકાર ઝીલીને લેખક જીવનવાદી વાર્તાકાર તરીકે ડગ માંડતા જણાય છે.
(૨) ‘સંબંધ’ (પ્રથમ આવૃત્તિ ૧૯૯૯, આર. આર. શેઠની કંપની, અમદાવાદ)
એકવીસ વાર્તાઓનોઆ સંગ્રહ લેખકે ‘મને વાર્તાસૃષ્ટિ સુધી લઈ જનાર – જૉસેફ મૅકવાનને’ અર્પણ કર્યો છે. ‘વંચિતોની વેદનાને વાચા આપતી વાર્તાઓ’ શીર્ષક અંતર્ગત શ્રી મણિલાલ હ. પટેલની પ્રસ્તાવના અને ‘વાર્તા વિશે...’માં કેટલાક વરિષ્ઠ સર્જકોના લેખકની વાર્તાકલા વિશેના અભિપ્રાયો ધરાવતા સંગ્રહમાં સ્ત્રીજીવનની સમસ્યાઓ, દલિતો-ઉપેક્ષિતોના જીવનની આપદાઓ, જાતિગત માનસિકતા વગેરે તળપદી બોલીમાં અભિવ્યક્ત થયાં છે.
‘સંબંધ’માં લોકોના શોષણનો ભોગ બનેલી અને મેલી મથરાવટી ધરાવતી સુમલ એક વેળાએ શેતલ નદીની જેમ બે કાંઠે છલકાતી હતી. એના ઘરની ચા પીવા મળે એ સૌભાગ્ય ગણાતું એવા સમયે કથકને ઘી-સાકર મિશ્રિત દૂધની તાંસળીઓ પીવા મળી હતી. કથકના વયસંક્રાન્તિના દિવસોમાં ઘરેણાં અને રૂપિયાની નોટોને અલગ તારવી ડાયરીમાં લખાવતી યુવાન સુમલ હવે સાવ ઘસાઈ ગઈ છે. ગામ આવેલા કથકને એ ઘેર આવવાનું આમંત્રણ આપે છે, જેનો અર્થ કથક એમ સમજે છે કે રૂપિયા જોઈતા હશે તે કો’ક છોકરું નીકળે તો દસની નોટ મોકલાવી દઉં. પરંતુ ત્યાં ગયા પછી એને સુમલની અકબંધ લાગણીની પ્રતીતિ થાય છે. એ ચા બનાવીને વહાલથી પીવડાવે ત્યાંથી માંડીને પટારામાંથી રૂપિયાની પોટલી કાઢી પછાડે ત્યાં સુધીની એની તમામ ક્રિયાઓ સંકુલતા સાથે આલેખાઈ છે. અંતે, સુમલના પોતાની ધારણા વિરુદ્ધના ભાવોની સચ્ચાઈથી અવગત થતો કથક ઢસડાતા પગે ત્યાંથી માંડ બહાર નીકળે છે. સરળ શૈલીમાં યદ્યપિ, કેન્દ્રવર્તી ક્ષણને પકડી, એનો ક્રમિક વિકાસ સાધી લેખકે એક સ્ત્રીના સ્વાભિમાનના આલેખનમાં કલાપૂર્ણ સંયમ દાખવ્યો છે. ‘પ્રતીક્ષા’માં રક્તપિત્તનો ભોગ બનેલો નાયક ઘર છોડી, પ્રિય પાત્ર સરિતાને એકવાર જોવા-મળવાના આશયથી રસ્તે ભીખ માગવા બેસી જાય છે. અંતે એની પ્રતીક્ષા ફળે પરંતુ પોતાની સાંપ્રત સ્થિતિથી વાકેફ થયેલો એ સરિતાની સમ્મુખ થવાનું ટાળે છે. ‘જીવતર’માં છ મહિનાના સુખી દામ્પત્યજીવન પછી મનજી દ્વારા તરછોડાયેલી મંગુને વર્ષો પછી કામના સ્થળે એ જોવા મળે છે. ક્રોધી અને વહેમી પતિ કાનિયાની અનુપસ્થિતિમાં મંગુ મનજીને મળવા જાય ત્યારે ઘટસ્ફોટ થાય કે પોતાને થયેલા ટી.બી.ને લીધે મંગુ વિધવા ન બને તેથી એણે એનો ત્યાગ કર્યો હતો. આ જાણી મંગુનો મનજી પ્રત્યેનો ભાવ બદલાઈ જાય છે. બીજે દિવસે સવારે રોટલો લઈ એના ઝૂંપડે જાય ત્યારે મનજી ત્યાંથી પણ ચાલ્યો ગયો હોય છે. ‘હવે નહીં આવે’ના કાનજીને ટી.બી. થતાં જલ્દી મટાડવા ગામમાં આવ્યો છે. એની જાણ થતાં પૂર્વ પ્રેમિકા કમળા પોતાનો હકદાવો સમજી એની શુશ્રૂષામાં લાગી જાય છે. લોકલાજે એને અહીં આવતી બંધ કરવા ઇચ્છતા કાનજી સમક્ષ સાચી હકીકત જણાવતાં કમળા કહે છે કે એનો ધણી પણ ટી.બી.માં પરેજીના અભાવે મૃત્યુ પામ્યો હતો. વિધવા થવાની પોતે ભોગવેલી પીડા કાનજીની પત્નીને ભોગવવી ન પડે માટે એ આ બધું કરી રહી છે. સ્ત્રીની વેદનાને સ્ત્રી જ સારી રીતે સમજી શકે એવો અર્થ નિષ્પન્ન કરતી રચના. ‘છેહ’માં પરિવાર સાથે સુખેથી રહેતો કૂવા ખોદનાર સોમો રમુભાઈના વાદે ચડી રાજનીતિમાં ઝંપલાવે છે. રમુભાઈનો રાત-દિવસ પ્રચાર કરતા સોમાને વિશ્વાસ છે કે, રમુભાઈ જીતી જશે તો વાસમાં બધી સુવિધાઓ આવી જશે. પરંતુ, રાજરમતના પાક્કા ખેલાડી રમુભાઈ જીતી ગયા પછી એની સામે તાકતા પણ નથી. અંતે ભ્રમનિરસન થતાં ત્રિશંકુ જેવી દશામાં મૂકાયેલો રાની પશુની જેમ હસતો અને ચોર પગલે અંધારામાં ઓગળી જતો સોમો સવર્ણો દ્વારા થતા દલિતોના રાજકીય શોષણનો પ્રતિનિધિ બની રહે છે. ‘સૂરજને કહો, ઊગે નહીં...’માં જમીન પ્રકરણમાં જીતેલા દલિત વશીયાને એક તરફ વાસના લોકો બોલાવવાનું બંધ કરે છે. તો બીજી બાજુ ગામ દ્વારા વાસનો બહિષ્કાર કરવામાં આવે છે. નાસીપાસ થયા વગર બહિષ્કૃત કાનિયો જમીન ખેડીને ખેતી કરે એ સવર્ણોને મંજૂર નથી. ખેતરમાં બાળી નાખવામાં આવેલા તલના પાક સાથે વશીયો પણ બળી મરે છે. આગ અને ઊગમણા આભમાં કોર કાઢતા સૂરજના પ્રતીક દ્વારા દલિતોની સાંપ્રત સ્થિતિનું પ્રત્યક્ષીકરણ થયું છે. ‘થીંગડું’માં પુત્રીનું યૌનશોષણ ન થાય તેની સતત તકેદારી રાખતી મા જાણે છે કે ભગતબાપાને ત્યાં વાળવા જતી પુત્રીની સલામતી નથી. ‘સોડી લૂગડાં ફાટી નીં અંગ ઉઘાડા કરી નાખી ઈ પેલાં ઈને થીંગડું મારી દેવું પડે, હમજીને મારી બાઈ!’ કહેતી મા અંતે, ‘સોડી.. અવીં વનો મળે તીં આંય બરકતી આવજે’ કહે એમાં વનાને ચાહતી દીકરીનું એની સાથે ગોઠવાઈ જાય એવું ઝંખતી માની કોઠાસૂઝનાં દર્શન થાય છે. ‘પૂંછડું’નો શિક્ષિત મનજી બેકાર ગામનાં ગદ્ધાવૈતરાં કરે છે. ખેતરમાં કામ કરતાં સખત તરસ લાગે. પરંતુ માટલીમાંય પાણી ન હોવાથી ગામ ભણી ચાલી નીકળે છે. ડેલીએ પહોંચતાં જ ખેડૂત દ્વારા અપમાનિત થયેલા મનજીની સ્થિતિ વધારે દયનીય બને છે. આસપાસનાં જાનવરો સાથે પોતાની જાતની સરખામણી કરતા એને જાનવરોનું જીવન વધુ સારું લાગે છે. તેથી અચાનક એનો હાથ પોતાની પીઠ પાછળ જાય ને થાય છે કે, મારેય પૂંછડું હોત તો...! દલિતોને પશુથીય બદતર ગણવાની અમાનવીય વૃત્તિઓને પરિણામે નાયકને આવો વિચાર આવે એમાં લેખકનો કલાકરતબ વરતાય છે. ‘ભરોંહો’માં લગ્ન માટે આનાકાની કરતો સામર્થ્યવાન વાઘજી પોતાની ભાભી સાથે દિયરવટુ વાળવા તૈયાર થાય છે. લોક સમજે છે કે બે બાળકોની માતા નોંધારી ન થઈ જાય માટે એણે આવું પગલું ભર્યું હશે. પરંતુ ભાભી સમક્ષ સાચી વાતનો ઘટસ્ફોટ કરતાં કહે છે કે એ માણસમાં જ નથી. ‘તો પછી આવો દાખડો શું કરવા કર્યો’ના ઉત્તરમાં એ ભાભીને કહે કે, ‘આવતલ મારી એબ ઉઘાડી કરીને હાલી જાત... ને તમે મારી એબ તો ઢાંકી રાખો ને...’ પોતાના પરના ભરોસાને લીધે દિયરે આવો નિર્ણય લીધો છે એવું જાણ્યા પછી ભાભીનું વર્તન બદલાઈ જાય છે. ‘ટપાલ’માં વિધવા થતાં બીજે પરણાવી દેવામાં આવેલી મા જાણે છે કે એ ક્યારેય પરત ફરી શકવાની નથી છતાંય વિદાય વેળાએ સાવકા દીકરા મનુને ‘ટપાલ’ લખી પોતાની પાસે તેડાવી લેવાની ખાતરી આપે છે. યુવાવસ્થાએ પહોંચે ત્યાં સુધી મનુ એની ટપાલની રાહ જોયા કરે છે. અંતે વર્ષો પછી અચાનક આવેલી ટપાલને વાંચ્યા વિના જ ચૂલામાં સળગાવી મૂકે એમાં મનુનો ટપાલ અને સાવકી માના વર્ષો જૂના વળગણમાંથી મુક્ત થવાનો સંકેત છે. ટપાલ કોની હતી, એમાં શું હતું વગેરે અધ્યાહાર રાખીને લેખકે વાર્તાને મુખરતામાંથી ઉગારી લીધી છે. અન્ય વાર્તાઓમાં વિષય, અભિવ્યક્તિ કે રચનારીતિનો કોઈ નવીન અભિગમ દેખાતો નથી. ‘મૃગજળ’માં વાર્તાન્તે થતા નાયિકાના વૈચારિક પરિવર્તન અને સમજદારીને લીધે સંબંધ અક્ષુણ્ણ રહે છે. ‘ચૂડલો’માં જૂના-નવા પતિના વર્તન-વ્યવહાર વચ્ચે ઝોલા ખાતી કેસરની ભાવશબલતા અને ‘ઢોલ ઢબૂકતો હતો’માં આર્મીમૅનની પ્રણયકથાનું વૈફલ્ય આલેખાયું છે. ‘રખોપું’માં પતિના દૈહિક સુખથી વંચિત વિમુને એના પ્રેમી, સીમના રખોપિયા ભીખા દ્વારા સ્ખલનમાંથી ઉગારી લેવાય છે. ‘પીડા’માં એક નાનકડી ગેરસમજને લીધે નાતરું ફોક કરતી શારદાનું વર્ષો પછી અપરિણીત પ્રેમીને મળતાં ભ્રમનિરસન થાય છે. સ્ત્રીસ્વાતંત્ર્યની ભાવના વ્યક્ત કરતી ‘ટેલિફોન’, ‘બંધાણ’માં પરિવર્તિત સમયનાં સુખદ સ્મરણો વાગોળતો, પ્રેમિકાના અવસાનથી વિક્ષુબ્ધ થયેલો ચલમનો બંધાણી વૃદ્ધ દલિત, ‘વેણીનાં ફૂલ’માં નાનપણની એક અશોભનીય ઘટનાને પરિણામે નાયકના માનસ પર થતી વિપરીત અસર વગેરે નિરૂપાયાં છે. ‘જેરૂડી’માં ભવાઈમાં પ્રેયસી વિમુનાં વસ્ત્રો પહેરી સ્ત્રી પાત્ર ભજવતો જશવંત મુગ્ધાવસ્થાની સ્મૃતિઓ અને તજ્જન્ય પીડાને લીધે સ્ત્રીનો વેશ ઊતારી, વર્તમાનની ક્ષણે સ્ટુડિયોમાંથી બહાર નીકળી જાય છે. સંક્ષિપ્તમાં; સંગ્રહની તમામ રચનાઓમાં પરિવર્તન પામતું ગામડું અને પરંપરા તથા શોષણની વિવિધ સમસ્યાઓના આલેખનમાં લેખકનો જીવનવાદી અભિગમ જોવા મળે છે. નોંધવું રહ્યું કે, રચનારીતિ સન્દર્ભે લેખકે આદિ, મધ્ય અને અંત – એવો પારંપરિક અભિગમ અપનાવ્યો છે. ઘણી રચનાઓમાં વસ્તુ સંકલના નબળી પડતી જણાય છે. ચમત્કૃતિપૂર્ણ અંત કે શીર્ષકને સાર્થક કરવાના પ્રયાસને લીધે વાર્તાની ગતિ અને અંતઃતત્ત્વોને ક્યાંક ક્યાંક હાનિ પહોંચી છે.
(૩) ‘જાતરા’ (પ્રથમ આવૃત્તિ : જાન્યુઆરી, ૨૦૦૫, આર. આર. શેઠની કંપની, અમદાવાદ)
વીસ વાર્તાઓ ધરાવતો આ સંગ્રહ લેખકે ‘પ્રશિષ્ટ સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરીને...’ અર્પણ કરી, ‘બે બોલ’ શીર્ષક અંતર્ગત પોતાની રચના પ્રક્રિયાની વાત કરી છે. સંગ્રહમાં ગ્રામજીવનના વિવિધ રંગો વડે રંગાયેલી ગ્રામચેતના, નારીચેતના અને દલિતચેતનાની વાર્તાઓ મળે છે. આલેખન સંદર્ભે લેખક પરંપરાનો માર્ગ ત્યજી સહેજ ઉફરા ચાલવાનો આયાસ કરતા હોય તેવું દેખાઈ આવે છે. ‘અવતાર’ના જીવણને રમખાણમાં ઝૂંપડું અને પરિવાર ગુમાવ્યા પછી ‘જીવવું શા માટે?’ એવો પ્રશ્ન થાય છે. મન સાથે અનેક તર્કો, દલીલો અને સંવાદ કરી એ પોતાની વેદનાને સતત વળ ચડાવે છે. જીવવા વિશેનાં કારણો શોધતા એને ખાસ્સી ગડમથલને અંતે પોતાના ઝૂંપડાના કાટમાળ પાસે બે બાળકો રમતાં દેખાય અને એ પોતે પણ નાના બાળકની જેમ ભાંખોડિયાં ભરતો એ તરફ ગતિ કરે એમાં નૂતન જીવનની શક્યતાનો સંકેત પડેલો છે. ‘સિક્કો’માં પ્રમુખ માટે મહિલા અનામત સીટ આવી હોવાથી કાથડ બાપુ, મોહન પટેલ વગેરે મંગા મેતરની થોડું ભણેલી પુત્રવધૂને ઉમેદવારી માટે સંમત કરે છે. રાજરમતમાં પારંગત કાથડ બાપુ જાણે છે કે નાગજીની વહુ ભલે ભણેલી રહી, ‘આપડે ઓડું ગોતી લેવાનું છે. આપડે કેઈના સઈ કરે. ને આપડે કેઈના ઊઠે ને બેહે...’ બાપુની ગાડીની પોચી ગાદીમાં બેસી ગલગલિયાં અનુભવતાં નાગજી અને લીલાને લઈ બીજે દિવસે સવારે આખી મંડળી તાલુકે પહોંચે છે. પક્ષના કાર્યાલય પર લીલાનું નામ જાહેર થતાં જ તાળીઓના ગડગડાટ પછી પંચાયત ભવનમાં ઉમેદવારી, હારતોરા, ફ્લૅશના ઝબકારા, સુંવાળી ગાદી, થાળીમાં સમાય નહીં તેટલાં પકવાનો, હોટલ, રૂમ... વગેરેથી અંજાયેલી લીલાને સાંજે પક્ષના કાર્યાલયે પરત ફરે ત્યારે ખબર પડે કે નાગજી એની સાથે નહોતો. વાર્તાન્તે, બન્ને ઘેર પહોંચે ત્યારે કલુ ડોશીને અગાઉ પોતાના કોઈ સગામાં સરપંચ બનેલી સ્ત્રી પાસેથી સિક્કા વિશે માહિતી મળેલી હોઈ લીલાને પડખે ચડી પૂછે : ‘સિક્કો ક્યાં?’ના ઉત્તરમાં ‘સિક્કો?’ ડોકનો ઝટકો મારી દાંત ભીંસીને લીલા બોલી ઊઠે છે કે ‘મારું દીધો!’ વહુની આ ક્રિયાથી આઘાત પામેલાં ડોશી અને ડોસા નજર મેળવી ન શકે તે દ્વારા ઘણું બધું સૂચવાઈ જાય છે. પોતાને મળેલા માન-સન્માનથી રાજી થઈ પક્ષના કાર્યાલયેથી લાવેલું છાપું વાંચતો નાગજી શોષણની ઘટનાથી અજ્ઞાત છે. લીલાની પ્રતિક્રિયા પરથી ફલિત થાય છે કે બાપુએ એના પર જાતીય શોષણનો સિક્કો મારી દીધો છે, જે એને ગમ્યું નથી. ચૂંટણીનું વાતાવરણ, બોલીયુક્ત બળકટ સંવાદો, સવર્ણોની રાજરમતો વગેરે દ્વારા દલિતોની વાસ્તવિક સ્થિતિનું સચોટ બયાન થયું છે. અનેક અર્થચ્છાયાઓ ધરાવતી ‘સિક્કો’ ઉત્તમ દલિત વાર્તા બની છે. પ્રથમ પુરુષના કથનકેન્દ્રથી કહેવાયેલી ‘સરપંચ’માં ચૂંટણી આવતાં નક્કી થાય છે કે આખાય ગામમાં સૌથી વધુ ભણેલો કાનો સરપંચની ઉમેદવારી કરશે. કાનાને ગુમાન આવી જાય છે. ખાદીનાં નવાં વસ્ત્રો પહેરી ફરતા કાનાનો સરપંચ થયાનો વહેમ વકરવા લાગે છે. પરંતુ ગોલણ બાપુ અને ગલા ગોરને આ સહન ન થતાં તેઓ કૂવા ખોદનાર સોમાને ફૉર્મ ભરાવી, જીતાડીને સરપંચ બનાવે છે. આ પરિણામ ન જીરવી શકતા કાનાની અવદશા થાય છે. વાર્તાન્તે થાંભલે ચડેલા કાનાને ‘કાના.. વાયરને અડતો નઈ મારા ભાઈ..!’ કહેતા ગોલણ બાપુનો ઘા એમના ધારેલા ઠેકાણે લાગે છે. અને વાયર પકડી કાનો જીવ ગુમાવે છે. લોકશાહીમાં બહુમતી ધરાવતો એક ચોક્કસ વર્ગ, હોશિયારને બદલે અભણ-અયોગ્ય વ્યક્તિને પસંદ કરી એની પાસે અંગૂઠો મરાવી રાજ કરવા અવનવા કારસા રચે છે, એવું સૂચવતી આ દલિત વાર્તામાં રાજકારણ દ્વારા થતી શિક્ષિત દલિતોની અવદશાનું યથોચિત આલેખન થયું છે. ‘ડીંગલ વાજા’માં વાર્તાના આરંભે સરપંચની બે દીકરીઓનાં લગ્નમાં ઢોલ વગાડવા માટે હમણાં કોઈક કહેવા આવશે-ની આશામાં પત્નીની પરવાનગીથી દારૂ ઢીંચી વાટ જોતા કાનાની વાંઝણી અપેક્ષાનું આલેખન થયું છે. ગામમાંથી કહેણ આવતું નથી. આવે છે, ડીંગલ વાજાનો અવાજ. વસ્તુસ્થિતિનું ભાન થતાં કાનો ભાન ભૂલી એક પગે ચકરડી ફરીને, હાથ ઉલાળી ઢોલ પર દાંડી પીટતો ત્યાંથી ભાગીને ગામ વચ્ચે જાનના સામૈયામાં બૅન્ડવાજા આગળ જઈ ઢોલ વગાડવા મંડી પડે છે. એના આગમનથી નારાજ લોકો એને ધક્કો મારતાં એ ઢોલ સહિત ગોથું ખાઈ જાય છે. પરંતુ ભાન ભૂલેલો કાનો કશું જ ન બન્યું હોય એમ હાથ ઉલાળીને જોરથી દાંડી વળગાડી ઢોલ વગાડવા જાય ત્યાં જ દાંડી સમેત એનો હાથ ફૂટી ગયેલા ઢોલના પડમાં સલવાઈ જાય છે. સામૈયું આગળ વધી જાય પરંતુ કાનો ગાંડાની જેમ હસતો જ રહે. પરાકાષ્ઠાની આ પીડાદાયક ક્ષણોમાં કાનાના હાસ્ય પછવાડે રહેલી અકથ્ય વેદના અને પોતાના અસ્તિત્વને સાબિત કરવાની એની અબળખા ડીંગલવાજાના શોરમાં દબાઈ જાય છે. આધુનિકતાના વાઘા પહેરીને લોકસંસ્કૃતિથી વિમુખ થતા લોકો એક અદના કલાકારની કેવી અવદશા કરે છે, તેના કરુણ ચિત્રની સાથોસાથ બદલાયેલો સમય, સાંસ્કૃતિક મૂલ્યોનું ધોવાણ વગેરે કૌશલ્યપૂર્ણ અભિવ્યક્તિ પામ્યાં છે. ‘સાંકળ’માં દીકરાના લગ્નપ્રસંગે નાતના વ્યવહાર માટે આબરૂદાર ડોસા પાસે પૂરતાં નાણાં નથી. બહિષ્કારને લીધે ગામમાંથી પણ મળે એમ નથી. સગાંવહાલાંના હમણાં જ વ્યવહાર કરવાના આગ્રહથી વાત વધુ વણસે એ પૂર્વે સવારે વ્યવહાર કરીશું, એમ કહી વાતને ઠેલતો ડોસો એક યોજના કરી; ડોસીને બીમાર પડવાનું નાટક કરવા સમજાવે છે. પરંતુ સંવેદનશીલ ડોસી નાટક કરવાને બદલે અનાજમાં નાખવાની ટીકડીઓ લઈ જીવ આપી દે છે. આબરૂ બચાવવા ડોસીએ અપનાવેલો આ માર્ગ ડોસાને ક્ષુબ્ધ કરી મૂકે છે. દલિત સમાજની સામાજિક અને આર્થિક સ્થિતિ તેમજ લાચારીનું કરુણ, હૃદયસ્પર્શી આલેખન. ‘ભૂખ’માં આરંભથી જ ભૂખે ટળવળતા પરિવારજનોને લીધે વિહ્વળ બની સીમમાં મરેલા બળદનું માંસ લેવા નીકળેલા મેઘાની મનોયંત્રણા આલેખાઈ છે. ગામે દલિતોનો બહિષ્કાર કર્યો છે. મરેલું ઢોર પણ સીમમાં ફેંકી આવે છે. ઢોર ઉખેળવામાં પારંગત મેઘો ભારે અવઢવ પછી સીમમાં જઈ ચૂંથાઈ ચૂકેલા બળદમાંથી બકડિયું ભરીને માંસ લઈ ઘેર પરત ફરતાં કોઈની નજરે ચડી ન જવાય તેનું સતત ધ્યાન રાખતો હોવા છતાંય કોઈકની નજરે ચડી જાય અને છેક ઘર પાસે પહોંચે ત્યાં જ વાંસામાં પડેલા બોથડ પદાર્થના વારથી ગડથોલિયું ખાઈ ભોંય પડે. મોઢામાં ધૂળ ભરાઈ જાય અને નેફામાં ભરાવેલી છરી એના પેટમાં ઘૂસી જાય છે. ફંગોળાયેલા બકડિયામાંથી માંસના લોચાની ખેંચતાણ કરતાં કૂતરાંના અવાજમાં ભૂખ્યા મેઘાનો અવાજ દબાઈ જાય તે ક્ષણો એના જીવનની કરુણાંતિકા બની રહે છે. ‘નાગપાંચમ’માં પ્રિય પાત્રને જોઈ ભગવાં ત્યજવા તત્પર સ્વામી સમક્ષ પ્રેયસી ખુદ ભગવાં ધારણ કરીને ઉપસ્થિત થાય એવા વિચિત્ર પુનર્મિલનની વાત છે. ‘રૉયલ રોમાન્સ’માં લાઈટ શો નિમિત્તે કિલ્લાનો ઇતિહાસ, બાદશાહ અને રાણીની પ્રણયકથાને સમાંતરે હમીરસિંહની વાળંદકન્યા લીલાવતી સાથેનાં પ્રણયદૃશ્યોની સહોપસ્થિતિ અને અંતે અપરાધભાવથી પીડાતો હમીરસિંહ રાણીની મજાર પાસે ઢળી પડે એવી કથાસંયોજના આસ્વાદ્ય છે. ચમત્કારિક અંત ધરાવતી ‘હૈયાનો હાર’માં દાયણ મોંઘીમા એક વેળાએ એમના હાથે જેનો જન્મ થયો હતો તે ડૉક્ટરને પુત્રવધૂની પ્રસૂતિની ફી પેટે ડૉક્ટરના પિતાએ જ આપેલો હાર સોંપી દે એવા સ્વાભિમાનપૂર્ણ વર્તનની વાત છે. ‘જાતરા’માં પૂર્વે જેના પ્રેમમાં હતો તે નાયક પ્રેયસીને સાસરેથી ભાગી પિયર આવેલી જાણી ઑફિસના કામે આગળ જવાને બદલે વચ્ચે ઊતરી પડે અને સાચી સ્થિતિથી અવગત થઈ બસ પકડી પરત ફરે છે. ‘છીંડું’માં પરપુરુષ સાથે સંબંધ બાંધવા થનગનતી શારદા પતિ દ્વારા પકડાઈ જાય અને પતિ ઊંડા વોંકળામાં પડેલા છીંડાને પૂરવા તત્પર થાય તેવી કથામાં છીંડું પ્રતીક તરીકે ઊપસી આવે છે. ‘મારા સપનાની શેરીએ’માં કુંવારી લાડુની ભૂતકાલીન પ્રેમની સ્મૃતિઓ છે. હમીરના અવસાન નિમિત્તે લોકોને રડાવવા ગયેલી લાડુ ખુદ રડવા લાગે, ખુરશી પર ઢળી પડે અને એની બંગડી નંદવાઈ જાય એ પ્રતીકાત્મક રીતે સૂચવાયું છે. ‘ટેલિફોન’માં બદલાયેલા ગ્રામસમાજમાં ટેલિફોનનું આગમન અને એકાકી જાનબાઈ એકવાર અકળાઈને રિસીવર નીચે મૂકી દે પછી પાછું ગોઠવી દે એ, એની મનોસ્થિતિની સાહેદી પૂરે છે. ‘એક બીજો ભૂકંપ’માં નાયકને એક કાર્યશિબિરમાં કચ્છના ભૂકંપમાં પોતાના પ્રેમીને ખોઈ ચૂકેલી દક્ષિણની સ્ત્રી સાથે પરિચય થાય છે. ‘એક સરકારી મૃત્યુ’માં મનુષ્યના અવસાન પછી એનો મૃતદેહ એક લૌકિક વ્યવહાર બનીને રહી જાય છે, એવું કટુ સત્ય એક સરકારી અધિકારીના મૃત્યુ પછી એના ઘર પાસે ઉપસ્થિત લોકો અને પરિવારજનોની ક્રિયાઓ તથા સંવાદોમાંથી નિષ્પન્ન થયું છે. ‘ટકોરાં’માં પત્ની અને સંતાનો હોવા છતાં એક વિધવા સાથે અવૈધ સંબંધ ધરાવતાં પાત્રો વચ્ચેના સંવાદોમાં અટવાયેલા લેખકને કેન્દ્રવર્તી ક્ષણ જડી નથી. ‘પાણી’માં પાણીના વખાને લીધે નરસિંહ બળદને કસાઈખાને વેચી દે છે. અંતે એ જ બળદ એના રામ રમાડે એવી કરુણ નિયતિની વાત છે. મિઝોરમના પરિવેશમાં આકારિત ‘મનોકામના’માં વૈભવીને ઉગ્રવાદીઓના સંકટમાંથી ઉગારતા અરવિંદાનું; વૈભવીનો કામાખ્યા મંદિરે જવાનો નકાર સાંભળી ભીડમાં ઓગળી જવું રોચક રીતે આલેખાયું છે. નોંધવું જોઈએ કે અહીં કેવળ પરિવેશ જ મિઝોરમનો છે. મિઝોરમના તત્કાલીન સમસ્યાના મૂળ સુધી જવાનું લેખકને કદાચ અભિપ્રેત નથી. પરિણામે, કથા કેવળ વૈયક્તિક સમસ્યા અને પ્રેમની વિફળતાની બનીને રહી જાય છે. ‘મનીષા’માં વડસાસુ અને સસરા સમક્ષ પતિ સાથેના છૂટાછેડાની વાત ગુપ્ત રાખી, એમની ભાવપૂર્ણ આગતાસ્વાગતા કરી, દવાખાને લઈ જતી મનીષા પાસેથી વાસ્તવિકતા જાણ્યા પછી એની પારિવારિક મૂલ્યોનું જતન કરવાની ખેવના અને સંબંધો વિશેની સમજણ સામે આઘાત પામેલાં બન્ને વડીલો લાચારી સિવાય કશું જ વ્યક્ત કરી શકતાં નથી. ‘ભડકો’માં ચોરી કરવાના આશયથી સીમમાં પડાવ નાખીને રહેતા વિચરતી જાતિના ધારસી નામના એક યુવકના સરપંચની દીકરી સાથેના પ્રેમ અને કરુણ અંજામની વાત છે. આમ, ‘જાતરા’ની વાર્તાઓમાં ગ્રામજીવનની કઠોર વાસ્તવિકતાઓ અને માનવમનનાં અગોચર પાસાંની સાથોસાથ જીવન પ્રત્યેનો અભિગમ ઠીક ઠીક અભિવ્યક્ત થયો છે.
(૪) ‘અમરફળ’ (બીજી આવૃત્તિ : ૨૦૨૨, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર)
‘અમરફળ’ (ચૂંટેલી વાર્તાઓ) શીર્ષકથી પ્રગટ થયેલા સંગ્રહમાં લેખકે પૂર્વેના ચાર સંગ્રહોમાંથી કેટલીક વાર્તાઓ અને થોડીક અપ્રગટ વાર્તાઓનું સ્વયં ચયન કર્યું છે. આરંભે ગુ. સા. અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાના ‘અધ્યક્ષ સ્થાનેથી...’માં આવકાર છે. ત્યારબાદ મહામાત્રનું ‘પ્રકાશકીય’ નિવેદન અને પછી ‘આ સંગ્રહ વિશે...’ શીર્ષક હેઠળ લેખકે સર્જન તથા ચયનની પ્રક્રિયા વર્ણવી છે. ‘અમરફળ’માં અશ્વપાલ, પિંગળા અને ભર્તૃહરિની ઐતિહાસિક કથા સાથે જીવણલાલ નામના એક પાત્રની જીવનકથાનો વિનિયોગ કરીને હાસ્ય-કટાક્ષના ટૉનમાં જીવન વિશેની ફિલસૂફી વ્યક્ત કરવાનો પ્રયાસ છે. આરંભે ગોરખનાથ સમક્ષ સ્વેચ્છામૃત્યુની યાચના કરનાર જીવણલાલ અંતે ‘મારે હજુ જીવવું છે...’ની ઝંખના વ્યક્ત કરે એવી કથાસંયોજના દ્વારા લેખક જીવનની નિઃસારતા અને એ માટે લોકો દ્વારા રચવામાં આવતા કમઠાણનું સૂચન કરે છે. અહીં સહોપસ્થિતિની પ્રયુક્તિ ઝાઝી ઉપકારક નીવડી નથી. વિષયનાવીન્ય ધરાવતી ‘ન્યૂડ મૉડલ’માં પૃથ્વી સમક્ષ મૉડલરૂપે નગ્નાવસ્થામાં બેસતી માનસી બંધ આંખે પૃથ્વીને પણ નગ્ન કલ્પે છે. એના મનોજગતમાં અવિરત ચાલતા વ્યાપારો સંયમિત રીતે નિરૂપણ પામ્યા છે. ‘એક મરી ચૂકેલો માણસ’માં માનવસંબંધોની અટપટી લીલાઓ બોલીમાં વ્યક્ત થઈ છે. એક વેળાનો ઉતાર અને માથાભારે પ્રાગજી રાધાના પ્રેમને લીધે સજ્જન બની બહારથી પરત આવી જુએ તો રાધા નાનજીને વરી ચૂકી છે. અંતે નાનજી-રાધાના સંવાદમાંથી, પોતાની સાથેના સહવાસને પરિણામે સગર્ભા બનેલી રાધાને કુંવારી મા બનવાના આળમાંથી નાનજીએ ઉગારી છે, એવું સત્ય જાણ્યા પછી પ્રાગજી પણ નાનજીની જેમ મિત્રધર્મ બજાવે છે. અને હંમેશ માટે ચાલી નીકળે છે. દુરિત પર સારપનો વિજય સૂચવતી વાર્તા. ‘વાડીનું હાડપિંજર’માં વર્તમાન સમયના ક્રૂર વાસ્તવ; દુષ્કાળ અને પ્રણયનાં ભૂતકાલીન સુખદ સ્મરણો વચ્ચે ઝોલા ખાતો, પૂર્વે પ્રેયસીની ચાહના ખાતર એની વાડીનું રખોપું કરતો નાયક પ્રેયસીનાં લગ્ન પછી એ તરફ ગયો નથી. આજે પ્રેમિકાને કરુણ પરિસ્થિતિમાં ઝઝૂમતી જોઈ વાડી જોવા લલચાયેલો એ વાડીની અવદશા જોઈ એને એ તરફ ન જવા આગ્રહ કરી, ત્યાંથી ભાગી છૂટે એવી પલટાયેલા સમયની દુઃખાંત વાર્તા. ‘હોળી’માં સવારથી જ હોળી સળગાવવાના કામમાંથી પૈસા મળે તો મરણપથારીએ પડેલી માની દવા અને પોતાનાં કપડાં લાવવાનું વિચારી રહેલો હરિયો માના મૃત્યુનું કારણ સારવારના અભાવે નહીં પરંતુ, પોતે હોળી સળગાવી એને માને; એમાં દલિતોમાં પણ પરાપૂર્વથી ચાલી આવતી બ્રાહ્મણી માનસિકતા કેવી ઘર કરી ગઈ છે, તે સૂચવાયું છે. ‘તમે છો, મૅનેજર!’માં વર્ષો પછી ગોમતીના આગમનથી વિક્ષુબ્ધ થયેલો નાયક ભૂતકાળમાં તલાટી-કમ-મંત્રી હોવા છતાં ગોમતીના ઘરના તમામ વહીવટ કરતો હોઈ એને સાંગોપાંગ ઓળખે છે. નિઃસંતાન ગોમતીને તપાસાર્થે દવાખાને લઈ જવા સુધીની જવાબદારી નિભાવતો એ જાણે છે કે ગોમતીમાં કોઈ ખામી નથી. પરંતુ દવા અને આરામના બહાને પિયર જઈ સગર્ભા બની પરત ફરતી ગોમતી અત્યારે ‘તમે મૅનેજર ખરાને...’ કહી દીકરા નવઘણના ઍડમિશનનો વહીવટ પણ નાયકને સોંપે એમાં નાયકની ક્રૂર નિયતિ અને મજબૂરી દૃશ્યમાન થાય છે. ‘સમજી જાવ સાનમાં’માં જેસલ-તોરલની ઐતિહાસિક કથાનો વિનિયોગ કરી એમનો ઇન્ટરવ્યૂ લેતાં યુવાન દિવ્યા-નિસર્ગના વ્યંગપૂર્ણ સંવાદોમાંથી સનાતન સત્ય નિષ્પાદિત કરવાનો પ્રયાસ છે. અહીં નારીચેતના અને સ્વાભિમાનનો મુદ્દો ઉચિત રીતે ચર્ચાયો છે. આધ્યાત્મિક પાત્રોની અને નવી પેઢીના પત્રકારોની ભાષાસંપૃક્તિ ધ્યાનાર્હ છે. પરંતુ, સંનિધિકરણ જેવી પ્રયુક્તિથી ભાવકને કોઈ જુદા પરિપ્રેક્ષ્યની અનુભૂતિ કરાવી નૂતન પરિમાણ પ્રગટાવવામાં લેખક અપેક્ષિત કૌશલ દાખવી શક્યા નથી. સંગ્રહની છ રચનાઓમાં જીવન અને મૃત્યુની ફિલસૂફી, મિત્રધર્મ, દુષ્કાળની સમસ્યાઓ, ગ્રામીણ લોકોની માન્યતાઓ, નારીચેતના, દલિતચેતના વગેરેનું પારંપરિક આલેખન જોવા મળે છે. સખેદ નોંધવું રહ્યું કે પોતાની જ રચનાઓના આવા ચયન-સંપાદનના વ્યામોહથી લેખકે બચવા જેવું હતું.
(૫) ‘મુકામ તરફ’ (પ્રથમ આવૃત્તિ : ૨૦૧૮, રન્નાદે પ્રકાશન, અમદાવાદ)
ત્રીસ વાર્તાઓ ધરાવતો સંગ્રહ લેખકે ‘વાર્તા સાંભળવાના હરેડ બંધાણી મારા દોહિત્ર ધૈર્ય અને રક્ષિતને...’ અર્પણ કર્યો છે. સંગ્રહમાં આધ્યાત્મિક જીવનના અનુભવો, તૂટેલા સંબંધોની કડવાશ, પિતા-પુત્રના સંબંધો, પ્રણયની વિફળતા, પ્રેમનાં વિધાયક પરિણામો, સરકારી કચેરીનો પરિવેશ, નિઃસંતાન દંપતીની વ્યથા જેવા આધુનિક જીવનનો સંસ્પર્શ પામેલા વિષયો રેખાંકિત થયા છે. ‘મુકામ તરફ’માં બે પુરુષો સાથેના પ્રણયની નિષ્ફળતા બાદ બધું છોડી, આશ્રમમાં આવેલી ભાવવિભોર અવની અન્ય સાધ્વી દ્વારા સ્વામીના અસલ સ્વરૂપનો પરિચય થતાં પરત ફરવાના આશયથી પોતાનો સામાન થેલામાં ભરવા લાગે છે. ‘વિદાય પછી...’માં નોકરીના પ્રશ્નને લઈ પતિથી અલગ રહેતી પત્ની વર્ષો પછી દીકરીના લગ્નપ્રસંગે આવે પરંતુ એનાથી હવે અહીં રોકાવું મુશ્કેલ છે, એવો ખુલાસો કરવા ઇચ્છે ત્યાં રડવાને બદલે ખડખડાટ હસતા પતિની ક્રિયા સૂચવે છે કે પુનર્મિલનની શક્યતા પર પાણી ફરી વળ્યું છે. ‘ગયા પછી...’માં ઘેર આવેલાં પુત્રી-જમાઈને જોઈ પિતાને ભૂતકાળની ક્ષણોનું સ્મરણ થાય. એનાં બધાંય કામ હરખભેર કરતી દીકરી લગ્ન પછી કેટલી ઠાવકી થઈ ગઈ છે તેની પ્રતીતિ એની ક્રિયાઓમાંથી પામ્યા પછી એની વિદાય બાદની એકલતા દંપતીને પીડે છે. ‘અધૂરી રમત’, ‘વિલ્સન હિલ’, ‘આપણે ક્યાંક મળ્યાં હતાં’ અને ‘મારે પણ નિયમ હતો’ – ચારેય એક જ કુળની વાર્તાઓ છે. ‘અધૂરી રમત’માં સહકર્મી સાથેનો પ્રેમ લગ્નમાં ન પરિણમે અને આખી રમત અધૂરી રહી જાય, ‘વિલ્સન હિલ’માં લગ્ન પછી સાસરીમાં અવહેલના થતાં પિયર પરત ફરેલી રેણુકાને પ્રકૃતિની ગોદમાંથી જીવનનું અંતિમ સત્ય પ્રાપ્ત થાય છે. પ્રેયસીને ઉદ્દેશીને લખાયેલા પત્રસ્વરૂપની ‘મારે પણ નિયમ હતો’માં યુવાવસ્થામાં પ્રેમિકાનાં કપડાં પહેરી જેરૂડીનો વેશ ભજવતો નાયક નિમુનાં લગ્ન થઈ ગયા બાદ એનાં કપડાં વગર ન રમવાનો નિયમ પાળે છે. ‘આપણે ક્યાંક મળ્યાં હતાં’માં વેણુ અને હરદ્વારની અધૂરી પ્રણયગાથા છે. ‘શરત’માં ધીરધાર અને વ્યાજ-વટાવનો વ્યવસાય કરતા કાનાને એની શિક્ષિત પત્ની આ વ્યવસાય છોડી દેવાની શરતે જાતરાએ જવા તૈયાર કરે એ સાબિત કરે છે કે, સાચી સમજણ અભ્યાસ થકી આવે છે. ‘કોઈ કારણ ન હોય’માં દીકરી દત્તક લેવામાં કાયદાકીય વ્યવધાનને લીધે કુંવારી હીરલ નાયક સાથે કામચલાઉ લગ્નસંબંધે બંધાય પરંતુ અંતે લગ્ન ફોક કરવાનાં કોઈ કારણ ન મળતાં કાયમી સહજીવનની શક્યતા ઊભી થાય છે. ‘આપો તમારું નામ’માં પિતાને ધિક્કારતા અને અંતકાળે મળવા આવેલા નાયકનો મનોડંખ પિતા દ્વારા થતા એકરારથી દૂર થાય છે. આખી વાત સ્પષ્ટ થઈ ચૂકી હોવા છતાં એક પુરાવો કબાટમાં છે, તે વાત અધ્યાહાર રાખવાનો લેખકનો શો આશય છે તે સ્પષ્ટ થતું નથી. ‘હેપી બર્થ ડે’માં રોજની આવનજાવન અને જીવનના એકધારાપણાથી સંત્રસ્ત સ્ત્રી ઘરનાં બધાંય પોતાનો જન્મદિવસ ભૂલી ગયાં છે, તેથી વ્યથિત છે. સુખાંત ધરાવતી વાર્તામાં જો કે અંતે ઘીના ઠામમાં ઘી પડી રહે છે. ‘ઇલાજ’માં નપુંસક હોવાની માનસિકતા ધરાવતા પતિને પામવા સગર્ભા હોવાની અફવા ફેલાવતી નાયિકા અંતે પતિ સમક્ષ ખુલાસો કરે, તેથી ઉત્તેજિત પતિ પોતાનો ધર્મ બજાવવા પ્રવૃત્ત થાય છે. ‘તાજી ફૂટેલી કુંપળ’માં માનસિક રીતે પ્રૅગ્નન્ટ હોવાનો ભ્રમ સેવતી યુવાન વિધવા પૂર્વીની ઝેર પીને આત્મહત્યા કરવાની કોશિશ નિષ્ફળ જતાં સાસરી પક્ષનાં સૌ સમક્ષ એકરાર કરી પિયરમાંથી નીકળી જાય પણ અંતે સસરા દ્વારા દિયર સાથે જીવન જોડવાના આશયથી પરત બોલાવવામાં આવે એવા વિધાયક અભિગમનું આલેખન છે. ‘ઑફિસમાં લેડીઝ કર્મચારી પ્રત્યે જૅન્ટસનાં મનોવલણો અંગેનો અભ્યાસ’ કરતી નેહા પ્રત્યે ખેંચાણ અનુભવતા કર્મચારી પટેલ અને ઑફિસના પરિવેશમાં પાંગરેલી ચમત્કૃતિપૂર્ણ અંતવાળી વાર્તા ‘આજ ફેસલા હો જાય’ ઝાઝી પ્રભાવક નથી. ‘દાન’માં કાંતિલાલે ગામમાં એના પિતાજી શેઠ જમનાદાસની સ્મૃતિમાં શાળા બંધાવી છે. કાર્યક્રમમાં સ્ટેજ પર બેસેલાં શેઠાણી નંદકુંવરબાની નજર નીચે બેસેલા વૃદ્ધ વાણોતર નાનજી પર પડે છે. સતત એના જ વિચારો અને ભૂતકાલીન સ્મૃતિઓમાં અટવાતાં નંદકુંવર ભીતર-બહારથી વિક્ષુબ્ધ થાય છે. ગામમાં નાની દુકાન ધરાવતા સુખી-સંપન્ન જમનાદાસને નિઃસંતાનપણું કોરી ખાય છે. છેવટે એ આંખ આડા કાન કરે અને શેઠાણી નાનજીને વટલાવી એ સુખ પ્રાપ્ત કરી લે છે. આ ઘટના પછી શેઠાણીની રજા લઈ ગામ છોડી જતો નાનજી શેઠાણી દ્વારા ધરવામાં આવેલા દાનનો ‘ઈના બદલા નો હોય’ કહી ઇન્કાર કરે છે. કાંતિલાલના જન્મ બાદ શેઠ ગામ છોડી મુંબઈ ચાલ્યા જાય છે. ત્રણ દાયકા બાદ આજના ઉપક્રમમાં કાંતિલાલ પોતાનાં માતુશ્રીના હસ્તે જૂના વાણોતર નાનજીબાપાને દાન અપાવવા ઇચ્છે છે. ઉદ્ઘોષકના એમને સ્ટેજ પર આવવાના આમંત્રણ સાથે કંપતા હૃદયે ઊભાં થયેલાં શેઠાણી જુએ તો નાનજી સભામંડપ છોડી ચાલ્યો ગયો છે. ચુસ્ત અને લાઘવયુક્ત વાર્તામાં દાનની ત્રણ ઘટનાઓ ઘટે છે. પહેલી, નાનજીનું શેઠાણીને માતૃત્વનું દાન. બીજું, શેઠાણી દ્વારા નાનજીને આપવામાં આવતું રૂપિયા-દાગીનાનું દાન અને ત્રીજું, કાર્યક્રમના અંતે આપવા ધારેલું દાન. ઉલ્લેખનીય છે કે, એક અદનો માણસ દાનસ્વીકૃતિની આ ત્રણેય સ્થિતિઓમાં સ્વમાનપૂર્વક વર્તી નિઃસ્પૃહ રહ્યો છે. ‘આષાઢી બીજ’ના મેળામાં કોઈ રૂપયૌવનાના બાણથી વીંધાયેલા રાણીંગ બાપુ એને પુનઃ મળવાની ઝંખનામાં આજીવન એકાકી રહ્યા છે. બાપુની અંતર્વેદનાની સાથોસાથ બદલાયેલા સમયને પણ તાગતી આ વાર્તા લોકવાર્તા જેવી વધારે લાગે છે. ‘ધોરિયાનું પાણી’માં દાદા અને પૌત્રની ખેતરમાં પાણત કરવાની ક્રિયાઓ અને સંવાદોમાંથી પૌત્રનું ચરિત્ર ઊઘડતું આવે છે. પી.ટી.સી. થયેલી વહુ અને પૌત્ર વચ્ચે ઝાઝો મનમેળ નથી, એની દાદાને ચિંતા છે. અંતે એ ચિંતા ગામના તલાટી દ્વારા દૂર થવાની એંધાણી મળે છે. માનવસંબંધોની ન ઉકેલી શકાય તેવી ગૂંચ કથન અને ગ્રામ્યભાષાના સંવાદો દ્વારા પ્રતીકાત્મક રીતે અભિવ્યક્ત થઈ છે. ગીર પંથકનાં મા-દીકરાના સંબંધની વાર્તા ‘મળેલાં મન’માં દીકરાનું મન મળી ગયું હોય તે છોકરીને ત્યાં માગા માટે જતી માને ભરોસો છે. પણ દીકરો જાણે છે કે છોકરી શહેરમાં રહેવાની શરતે જ તૈયાર થાય તેમ હોઈ અંતે ના પાડે ત્યારે મા-દીકરાની પીડા બેવડાય છે. ‘સમજફેર’માં પાંચ વર્ષ પછી પ્રિયતમાનો હાથ માગવા ગામમાં આવેલો મુકેશ માને છે કે દિશા ઘરભંગ થઈ છે. પરંતુ અંતે દિશાનાં સાજસજ્જા અને એનાં બાનો મોટી દીકરીનો ઘરભંગ થયાનો ઘટસ્ફોટ મુકેશને અવાક્ કરી મૂકે છે. ‘પરણેતર’માં રાજકીય પ્રતિભા ધરાવતા વાડીલાલના દીકરાના લગ્ન ટાણે જ એક અજાણ્યો યુવક આવી કહે કે, હું જ તમારો સાચો દીકરો છું, જે વર્ષો પહેલાં ગૂમ થયો હતો. અંતે એનું નાટક પકડાઈ જતાં જાણવા મળે છે કે એ વાડીલાલની પુત્રવધૂનો પ્રેમી છે. અને બન્ને પ્રેમીઓએ સાથે મળી આવું તરકટ રચ્યું છે. પરંતુ, અંતમાં ‘સાચું જે હોય તે પણ હું આસવની પરણેતર છું, અગ્નિની સાક્ષીએ તેમની સાથે ફેરા ફરી છું તે ખોટું નથી...’ કહેતી શ્વેતાની આદર્શ ભારતીય નારી તરીકેની છબી ઊપસી આવે છે. ‘શમે ના વેર વેરથી’ એવો સંદેશ આપતી ‘વેર અને પ્રેમ’માં બે પરિવારોના વર્ષો જૂના વેરને ભૂલાવી પ્રેમમાં પડતાં પ્રેમીઓનો અંતે વિજય થાય છે. ‘મારી જાતરા’માં લાંબા સમય બાદ સંતાનો સાથે પ્રવાસના બહાને ગામમાં આવેલો, નાનપણમાં જેની પાસેથી માની મમતા પામેલો તે સ્ત્રીના અવસાનના સમાચારથી વ્યથિત નાયક અંતે સંતાનો સમક્ષ ‘જાતરા પૂર્ણ થઈ’નો એકરાર કરી સમય પહેલાં પરત ફરે છે. ‘જમાના બદલ ગયા’માં બદલાતા સમય અને જમાના સાથે કદમ મિલાવતો રૂઢિચુસ્ત વૃદ્ધ પોતાના જીવનની એક ઘટનાના સ્મરણ પછી પૌત્રને એની પ્રેમિકા સાથે પ્રેમલગ્ન કરવાની સંમતિ આપે છે. ‘મારે કહેવું હતું’માં એક ગેરસમજને લીધે લગ્ન માટે નકારાયેલા નાયક પાસે વર્ષો પછી પોતાની દીકરીના ઍડમિશન માટે ગયેલી સ્ત્રીની ભૂલની ચોખવટ એની દીકરી દ્વારા થતાં નાયકને પીડા અનુભવાય છે. ‘આઈ લવ યુ’માં પતિ સમક્ષ સુહાગરાતે જ પોતે બીજાની અમાનત હોવાનો એકરાર કરતી પત્નીની અને આ જ પ્રેમપ્રકરણમાં પડેલા મૂઢ મારને લીધે પથારીવશ સાઈબર ક્રાઈમના નિષ્ણાત પ્રેમીને ક્રૂર રીતે મોતને ઘાટ ઉતારવાનું સફળ ષડ્યંત્ર રચનાર પતિ રુદ્રાક્ષની યેનકેન પ્રકારેણ પૂર્વાને પામવાની ઝંખના આલેખાઈ છે. એક જ કુળની ‘પ્રતિસ્પર્ધી’, ‘પાછા ફરવું એટલે’ અને ‘અંગત કામ’માં ઈર્ષ્યા, પિતૃસત્તાત્મકતા, જોહુકમી, સ્વાર્થવૃત્તિ જેવા વિવિધ ભાવો અને એકસમાન પરિમાણો પ્રગટ્યાં છે. ‘રમકડું’માં દરેક પ્રવાસસ્થળેથી ભવિષ્યમાં આવનાર બાળકની ઝંખનામાં રમકડું ખરીદતી નીલ્પા અત્યારે જે સ્ત્રી પાસેથી રમકડું ખરીદી રહી છે તે સ્ત્રી નીલ્પાના નપુંસક પતિને મર્દાનગી વધારવાનાં ઑસડિયાંવાળા સાથે દલીલ કરતો જોઈ હસે, તે એને ખૂંચે છે અને પ્રતિક્રિયારૂપે પતિને બાવડેથી ખેંચી પહેલીવાર રમકડું લીધા વિના ત્યાંથી ચાલી નીકળે છે. આમ, ‘મુકામ તરફ’ની ત્રીસેય રચનાઓમાં માનવસંબંધોની વિવિધ ગૂંચો, અવ્યક્ત પ્રેમ, ગ્રામજીવનના વિવિધ આયામો, નગરજીવનના પ્રશ્નો, તૂટેલા સંબંધોનાં પુનઃપ્રચલન, વ્યવસાયી મહિલાઓની આપદાઓ, નાના માણસોની મહાનતા વગેરે સરળ કથનશૈલીમાં અભિવ્યક્તિ પામ્યાં છે. અહીં વિષય વૈવિધ્ય છે. પરંતુ, રચનારીતિના કોઈ પ્રયોગો દેખાતા નથી. કથકભાષા અને પાત્રભાષાનું મિશ્ર ગદ્ય કોઈ-કોઈ રચનાની અસરને અળપાવે છે. કેટલીક વાર્તાઓમાં અંતને ચમત્કૃતિપૂર્ણ બનાવી, ભાવકને આઘાતમાં મૂકી દેવાની લેખકની નેમ વાર્તાતત્ત્વને હાનિ પહોંચાડે છે.
(૬) ‘પછી આમ બન્યું...’ (પ્રથમ આવૃત્તિ : ૨૦૧૯, આર. આર. શેઠની કંપની, અમદાવાદ)
એકવીસ વાર્તાઓ ધરાવતો આ સંગ્રહ લેખક દ્વારા ‘વાંચવું, લખવું ગમે છે એવાં ચિ. કિંજલ-અભિષેકને...’ અર્પણ કરાયો છે. લેખકનાં અન્ય પુસ્તકોની યાદી અને પારિતોષિકોની વિગતો પછી ‘આ સંગ્રહ વિશે’માં લેખકે અગાઉના સંગ્રહોની જેમ જ પોતાની રચના-પ્રક્રિયા આપી છે. ત્યાર બાદ ‘સ્પર્શક્ષમ-કલાક્ષમ વાર્તાઓનો ચંદરવો’ શીર્ષક હેઠળ ડૉ. પ્રવીણ દરજી દ્વારા પ્રાપ્ત થયેલી પ્રસ્તાવના રજૂ કરવામાં આવી છે. અહીં ગ્રામચેતનાનાં વિવિધ રૂપો આકાર પામ્યાં છે. કેટલીક વાર્તાઓમાં નગરજીવન અને બદલાયેલા સમયની છબી ઝીલવાનો પણ યથાશક્તિ પ્રયાસ થયો છે.
‘ભડકો’માં વિચરતી અને વિમુક્ત જાતિની એક પરંપરા આલેખાઈ છે. પુરુષ અત્યાચારનો ભોગ બનેલી ભવાનની દીકરી વનિતા સગર્ભા છે. માતાજીના માંડવા સમક્ષ પ્રાયશ્ચિત્ત કરી પાપની કબૂલાત કરવી એ વાર્તાની પ્રધાન ક્ષણ છે. નાતના તમામ લોકોની સાથોસાથ જોશી મા’રાજ પણ વનિતા પાસે પાપીનું નામ જાહેર કરાવવા કટિબદ્ધ છે. વનિતા વારંવાર અવઢવભરી નજરે માસ્તર તરફ જુએ છે. પરિણામે સૌને લાગે છે કે વનિતાની આ સ્થિતિ માટે માસ્તર જ જવાબદાર છે. મોટાભાગના લોકોને મન માસ્તર ભગવાનતુલ્ય છે. ભવાનના કબીલાને આ ગામમાં વસાવવાથી માંડીને બધાય લાભ અપાવવામાં માસ્તરનો અમૂલ્ય ફાળો છે. એવા માસ્તર સામે અવારનવાર નજર નાખતી વનિતા એક ક્ષણે અકળાઈને કહે છે કે, ‘એ..મું નામ નથી દેવાની...’ ભવાન જાણે છે કે આમ થાય તો વનિતાનો કોઈ હાથ ન ઝાલે. તેથી ઊભો થઈ વનિતા તરફ ડગ માંડે છે. ભવાનનો ક્રોધ અને વનિતાની વેદના પામી ગયેલા માસ્તર પળાર્ધમાં નિર્ણય લઈ લે છે કે વનિતા સરપંચના દીકરાનું નામ લેશે તો આખી વસાહત ભડકે બળશે. અને આ નાતને સ્થિર કરવાના પોતાના પ્રયાસો પર પાણી ફરી વળશે. તેથી તેઓ ‘એ... હું છું વનિતાના પ્રેમમાં... જે દંડ કરવો હોય તે મને કરો...’ બોલી આંખો બંધ કરી દે છે. માસ્તરની કબૂલાત સૌ કોઈ માટે આઘાતજનક છે. આરંભથી જ તંગ અને રહસ્યાત્મક ક્ષણોના આલેખન તથા માસ્તર અને વનિતાના મનોદ્વંદ્વને લીધે અંતમાં થતો ઘટસ્ફોટ પ્રતીતિકર લાગે છે. ‘વર અને ઘર’માં મહાનગરની રહેઠાણવિષયક સમસ્યા આલેખાઈ છે. ‘આ... આ ઘાઘરો કોનો ટીંગાય છે?’ પત્નીના પ્રશ્નથી આરંભાયેલી વાર્તામાં મુંબઈમાં રહેતા કાનાએ જ્યારે ને ત્યારે ગામડે રહેતી પત્નીની ‘ઘર લીધું’ની રટણાના આશ્વાસનરૂપે જ્યારે પોતાનું ઘર મળશે ત્યારે તને સાથે લઈ આવીશ એવું વચન તો આપ્યું છે. પરંતુ કાનો જાણે છે કે એને તેડી લાવ્યા પછી સમસ્યા સર્જાવાની જ છે. તેથી એ માનસિકરૂપે તૈયાર છે. પત્નીની પ્રેમયુક્ત ચેષ્ટાઓથી અળગો રહેતો કાનો વાર્તાન્તે ઘરની માલકણ સ્ત્રીની ઉપસ્થિતિમાં આરંભના પ્રશ્નનો જવાબ આપતાં પત્નીને કહે છે કે ‘ઈને વર નો’તો ને મારે ઘર નો’તું.. તારે ઘર જોતું’તું ને? હવે એને જ પૂછી લે, આ ઘાઘરો કોનો છે?’ આવી ચમત્કૃતિપૂર્ણ કબૂલાતથી વીજુનો ઘર માટેનો ભ્રમ ભાંગી જાય છે. ‘ધરમનું કામ’માં માનવમન અને સંબંધોની અકળ લીલાઓ આલેખાઈ છે. સંકુલ કથાસંયોજના અને ટૂંકાં વાક્યો-વાક્યાંશો અને સંવાદો વડે આકાર પામેલી સરેરાશ વાર્તા. ‘મોજડી’માં ગામના માથાભારે ભા’ દ્વારા થતી પત્નીના શોષણની કલ્પનાથી સંત્રસ્ત અરજણની મનોયંત્રણા રેખાંકિત થઈ છે. ઘરના ઉંબર પાસે મખમલી અને મોંઘીદાટ મોજડી પડી છે. અરજણે સાંભળ્યું છે કે જે સ્ત્રી ગમી જાય એની સાથે રાત્રે સહવાસ માણવા જતા ભા’ આવી ખાસ પ્રકારની મોજડી ઘરના બારણા આગળ ઊતારતા જેથી સૌ સમજી જાય કે ભા’ ઘરમાં છે. અરજણના મનમાં ભયંકર ક્રોધ વ્યાપી વળે છે. પરંતુ કશુંય કરી શકે એમ નથી. એને ડર છે કે ભા’ જોઈ જાય તો ગુસ્સે થાય અને જીવતો ન છોડે. પરિણામે ત્યાંથી જીવ લઈને સીમ તરફ ભાગે છે. રસ્તામાં કૂતરું કરડે છે. એની ભીતરનો અવ્યક્ત રોષ ખેતરમાં રોઝડાં પર છૂટ્ટી લાકડી ફેંકવાની ક્રિયામાં વ્યક્ત થયો છે. એક ક્ષણે અરજણને ઉજી પણ એટલી જ જવાબદાર લાગતાં તે એવા નિર્ણય પર પહોંચે છે કે ઘેર જઈ બન્નેને રાંપ વડે રહેંસી નાખવાં. નામરદ જેવું જીવવા કરતાં જેલ ભલી. આખી રાતની ગડમથલ બાદ ભળભાંખળે ઘેર પહોંચે છે તો કમાડ બંધ છે. મોજડી પણ નથી. એ ઉજીને પૂછે છે, ‘મોજડીવાળો ક્યાં?’ ઉજી સાવ અજાણ છે. ‘રાંડ તું ઈમ નંઈ માને’ કરી રાંપવાળો હાથ ઊંચકે ત્યાં પાછળથી એની માનો અવાજ આવે કે ‘આંય મારી પાંહે છે મોજડી!’ મા ઘટસ્ફોટ કરે છે કે ‘મેં મૂકી’તી.. ને લીધી મોજડી.. વવનું રખોપું કરવા..’ માની વાત સાંભળી એક સવાલ અરજણના મનમાં ઊઠે છે કે મા પાસે આ મોજડી આવી ક્યાંથી? પરંતુ માને એ સવાલ પૂછવો કઈ રીતે? સ્વયંસ્પષ્ટ છે કે, ભૂતકાળમાં મા ભા’ના શોષણનો શિકાર બની ચૂકી છે. ચુસ્ત વસ્તુસંકલના ધરાવતી વાર્તામાં શોષણનું સ્વરૂપ આસ્વાદ્ય રીતે આલેખાયું છે. પ્રથમ પુરુષના કથનકેન્દ્રથી કહેવાયેલી ‘મુક્કો’નો કથક એક લેખક છે. ભોપાલ જવા માટે અમદાવાદના રેલ્વે સ્ટેશન પર પત્ની સાથે ઊભેલો એ એક ગંદા-ગોબરા વ્યક્તિને પ્લેટફૉર્મ પરથી રેલ્વે ટ્રેક પર કૂદીને ગંદકીમાં હાથ નાખી એક કેળું બહાર કાઢી છાલ ઊખેડી ખાતો જુએ છે. આ જુગુપ્સાપ્રેરક દૃશ્યમાં કથકની ભીતર રહેલા લેખકને ‘કથાબીજ’ દેખાય છે. ભૂખ, પીડા, ગંદકી, ગરીબી વગેરે સંવેદનો એને માટે ઘટકતત્ત્વો બની રહે છે. તત્પશ્ચાત્ મુસાફરી આરંભાય છે. સમાંતરે પેલા દૃશ્યમાંથી વાર્તા કેવી રીતે રચવી એની ગડમથલ પણ. પોતાની સ્થિતિ પત્નીને ન સમજાવી શકતો કથક ભૂખ મરી પરવારી હોવા છતાં મૂંગા મોંએ થોડું જમી લે છે. દરમ્યાન પેલી વાર્તા મનમાં ઘૂંટાય-અમળાય ત્યાં ડબ્બામાં આવેલા એક રક્તપિત્તગ્રસ્ત ભિખારીને એ થેપલાં આપે છે. સામેની સીટ પરની વૃદ્ધા વધીઘટી વાનગીનું બૉક્સ આપે છે. થોડીવાર પછી કથક જુએ તો પેલો ભિખારી થેપલાં ખાલી બૉક્સ પર મૂકીને ચાલ્યો ગયો છે. તત્પશ્ચાત્ જાદુગરની જેમ પ્રવેશેલા બીજા ભિખારીના ખેલ જોઈને પણ કથક મનમાં અમળાતી વાર્તા સાથે આ ઘટનાનો સાંધો કરવા મથે છે. આમ, ભોપાલ સુધીની સફર પૂર્ણ કરી ગુજરાતી સમાજમાં પહોંચી, ફ્રેશ થઈ બહારનું કામ પતાવી બન્નો મોડી રાત્રે પરત ફરે ત્યારે ચોકીદાર પાસેથી જાણવા મળે કે જમવાની અહીં વ્યવસ્થા નથી. ત્રણ ટંકથી ભૂખ્યા કથકને લાગે છે કે ‘ભૂખની નિજી અનુભૂતિ વાર્તાને સંવેદનશીલ અને હૃદયસ્પર્શી બનાવશે.’ કથકની પીડા સાથે સમસંવેદન અનુભવતો ગંગારામ બાજુના લગ્નસમારંભમાંથી એક ડિશ લઈ આવે છે. પતિ-પત્ની વચ્ચે ટિપાઈ પર પડેલી ડિશ જોઈ કથક અનુભવે કે ‘મારા પેટમાં મને મારો જ મુક્કો વાગતો હોય એવું લાગે છે!’ પછીની વાત અધ્યાહાર રાખીને લેખકે વાર્તા પૂર્ણ કરી છે. ભૂખ અને ભીખના અનુભવોથી સભર આ વાર્તાને અંતે કથકમાં રહેલો લેખક સ્વયં વાર્તાનું એક પાત્ર બને એવી કથાસંયોજના લેખક કરી શક્યા, તેમાં એમનો કલાકસબ દેખાય છે. ‘હરિના જન’માં દલિત સરપંચ હરિ સાથે ગામલોકો ઓરમાયું વર્તન રાખે છે. વારિગૃહના ઉદ્ઘાટનાર્થે આવેલા મંત્રીશ્રીના કાર્યક્રમમાં સ્વાગત વેળાએ અને સ્ટેજ પર એને વેગળો રાખ્યા બાદ મંદિરમાં થનારા જમણવારમાં પણ ચતુરાઈથી દૂર રાખવાનું ષડ્યંત્ર રચવામાં આવે છે. રોષે ભરાયેલા હરિને મોબાઇલ પર જ મહંત માર્ગ બતાવે કે ‘મેં સૌને એમ કીધું છે કે, મારે નકોરડા ઉપવાસ છે... તુંય આમ કહી દે, હરિના જન..!’ જુઠ્ઠું બોલીને પાપમાં ન પડવા માગતો હરિ આકળવિકળ થઈ જુસ્સા સાથે દરવાજાની સાંકળ ખખડાવવા લાગે છે. લોકો એને રોકવાના પ્રયાસ કરે છતાં હરિ અટકતો નથી. અંતે દરવાજો ખોલી, મરકતા મહંતના ‘હરિ, મારા ભાઈ આમ ન હોય... હરિના જન આવું નો કરે..!’ના ઉત્તરમાં હરિ બોલી ઊઠે કે, ‘કરે..! હવે નો કરવાનુંય કરે!’ ક્રૂર વાસ્તવથી મુખોમુખ થયેલા હરિની આ પ્રતિક્રિયા દ્વારા મહંતને એના પ્રતિકારનો પરચો મળી જાય છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અનામતો કેવળ નામની રહી ગઈ છે. એનાથી દલિતોની વાસ્તવિક સ્થિતિમાં કશો ફરક પડ્યો નથી, એનું યથાર્થ નિરૂપણ. ‘ખેતરના શેઢે’માં આરંભે મોબાઇલના ઉપયોગથી અકળાતા ખોડા આતા મજૂર છગન અને જૂના મજૂર કાનાની નવી પત્ની ગોમતીના સંબંધ વિશે શંકાશીલ છે. પરંતુ ગોમતી છગનને પોતાના મૃત દીકરા જેવો માને છે, એવું સત્ય જાણ્યા પછી એમનું છગન પ્રત્યેનું વલણ બદલાઈ જાય છે. ‘ભવ-પરભવ’માં સ્વામીજીના આશ્રમમાં વારંવાર જતી મમ્મી પ્રત્યે પત્રકાર પુત્રીને નફરત છે. આંદામાન-નિકોબારની ધર્મયાત્રા દરમ્યાન થતા અનુભવો અને અંતે સ્વામીજીનો પર્દાફાશ કરવાના ઉદ્દેશથી આવેલી નિવ્યાને સ્વામીજી પોતાના કક્ષમાં બોલાવી ‘તું મારી પુત્રી છો!’ કહેતાં એ ભાવવિભોર થઈ જાય છે. આ જાણી એની મમ્મી પૂછે છે કે, ‘પરભવની પુત્રી એમ ન કહ્યું?’ આ પ્રશ્નમાંથી પોતાની જિજ્ઞાસાનો ઉત્તર નિવ્યાને મળી જાય છે. અહીં ત્રણેય પાત્રોના આંતરિક સંબંધોની અકળ લીલા વ્યંજનાના સ્તરે પ્રગટ થઈ છે. ‘અર્થ સમજાઈ ગયો’માં વયસ્ક પશાકાકા અને યુવાન સીતાના કજોડાની સાથોસાથ આગળથી છકડો અને પાછળથી ગાડા જેવી લારીને લોકો મજાકમાં ‘પશાકાકાનો સનેડો’ કહે છે. વાર્તાનું દ્વિઅર્થી હાસ્ય-કટાક્ષ મિશ્રિત ગદ્ય આસ્વાદ્ય છે. ‘જ્યોતિષ’માં પરિણીત જ્યોતિષ ગૌરીશંકરની વાતોમાં આવી જઈ એની સાથે દેહસંબંધ બાંધતી નિર્મળાને અંતે આત્મજ્ઞાન લાધે અને ટકોરા મારતા મા’રાજ માટે દરવાજો ન ખોલે ત્યારે ઊગતા સૂરજનાં સોનેરી કિરણોનો ઉજાસ એના અવૈધ સંબંધોમાંથી ઉગરી જવાનું સૂચન કરે છે. ‘અધિકાર’માં રજવાડી પરિવારની વાત છે. પતિ-સસરાના અવસાન બાદ કારોબાર સંભાળવાના આશયથી દિયરવટું વાળનારી સેજલ દિયર વિક્રમ સાથે અપાર વાત્સલ્યથી વર્તે પરિણામે પતિ તરીકેનો અધિકાર આપી શકતી નથી. પરંતુ, જેની ચડામણીથી વિક્રમ અધિકારની માગણી કરે તે વનરાજ સાથે સેજલ પરણવા તૈયાર થાય તેમાં અનૌચિત્ય વરતાય છે. ચમત્કૃતિપૂર્ણ અંત ધરાવતી ‘સરનામા વગરની ટપાલ’ કોઈ વિશેષ પરિમાણ પ્રગટાવી શકતી નથી. યદ્યપિ બન્ને પાત્રોની આત્મકથનાત્મક રચનારીતિને લીધે નોંધપાત્ર. ‘તૃપ્ત-અતૃપ્ત’માં પૂર્વાશ્રમમાં એકવાર મંદિરમાંથી પડતાં બચાવેલી સ્મિતા વિદેશગમનની સ્વાર્થવૃત્તિને લીધે ખરા સમયે બચાવ ન કરતાં કાનદાસ ગામ છોડી બાવો બની જાય છે. ‘આપણાં કોઈ નથી’માં પુત્ર-પુત્રવધૂનો પ્રેમ પામવા છતાં એકલતા અનુભવતા અને અંતે બધુંય છોડી નીકળી પડેલા પ્રમોદરાય બદલાયેલા સંજોગો અને પરિસ્થિતિમાં ક્યાંય ઠરીઠામ થઈ શક્યા નથી, એની પીડા વ્યક્ત થઈ છે. ‘વળાંક’માં ગીરના નેસમાં ફરજ બજાવતા શહેરી યુવાન શિક્ષક અને નેસની મુગ્ધ યુવતીના અવ્યક્ત પ્રણય અને વિદાય પ્રસંગની પીડા આલેખાઈ છે. ‘છેલ્લો સીન’માં ફિલ્મનો અભિનેતા બળદેવ અભિનેત્રી સપના સાથે લપટાયો છે. પત્ની સંગીતા દ્વારા કાકા મહીપતને જાણ કરાતાં મહીપત ફિલ્મમાં ખલનાયકનો રોલ મેળવી અંતિમ સીનમાં અસલી બંદૂક વાપરી સપનાનું કાસળ કાઢવાની યોજના રચે છે. આમાં બળદેવનો પણ સાથ મળ્યો છે, એવી જાણ થતાં સંગીતા અસંમત થાય અને બળદેવને ખબર ન પડે એમ મહીપત નકલી બંદૂકથી ફાયરિંગ કરી બળદેવને ખુલ્લો પાડે છે. ‘લખ્યું જે લલાટે’માં એક વિધવાના આશ્રમમાં આગમન બાદ વિચલિત થયેલા બાપજી અંતે એના વ્યામોહમાં ફસાઈ આશ્રમ છોડવાની તૈયારી કરે ત્યાં વાર્તારંભે એ સ્ત્રીને કહે છે તેમ ‘આ લલાટ તો સૌભાગ્યના ચાંદલા માટે સર્જાયેલું છે!’ એ સત્ય ઠરે અને સાધુજીવનની કૃતકતા ઊપસી આવે છે. બાપજીના સ્ત્રી સાથેના તથા આત્મસંવાદોમાં પ્રયોજાયેલું આધ્યાત્મિક જ્ઞાન વાર્તાને ખાસ ઉપકારક નીવડતું નથી. ‘સનેડો’માં પણ ‘ભડકો’ની જેમ એક ધાર્મિક વિધિની વાત આલેખાઈ છે. આસો સુદ આઠમે માતાજીને નૈવેદ્ય ધરવા લોકો સાગમટે ગામમાં આવે છે. માતાજીના માંડલામાં નવા ભૂવા થવાની તક મળે છે. ભૂવો થવા અત્યુત્સુક દેવો આરંભે ઉત્સાહપૂર્વક માંડલામાં આવી બેસે છે. સામે સ્ત્રીઓ વચ્ચે એની મંગેતર જશોદા બેઠી છે. દેવો બરાબર ધૂણી, એને પ્રભાવિત કરી પોતાના પ્રત્યે આકર્ષિત કરવા ઝંખે છે. દેવાને અડોઅડ બેસી એની દરેકે દરેક ક્રિયા પર નજર રાખતા સોમા ડાકલિયાએ દેવાની જશોદા તરફ જોવાની ક્રિયા પણ ધ્યાનથી નોંધી છે. સોમાનું આમ કતરાઈને જોવું દેવાથી અજાણ્યું નથી. સુરત રહેતો દેવો વરસ દહાડે નોરતાંમાં જ ગામમાં આવતો. આ વખતે બે કારણસર પાછા જવાનો ઇરાદો નથી. એક તો પૂર હોનારત પછી સુરતમાંથી મન ઊઠી ગયું છે. અને બીજું જશોદા. બરાબરનું ભાવાવરણ રચાય છે. અને દેવો રંગમાં આવી ધૂણવા લાગે છે. એને આમ અસ્સલ રંગમાં ધૂણતો જોઈ સોમાની ફાંગી આંખ ફરકે છે. ક્ષણભર ડાકની દાંડી તાલ ચૂકી જાય અને સનેડામાં દાણા વા ગોબો પડે છે. દેવાની બેઠક પછડાવા સાથે બે-ત્રણ વખત ફટ્.. ફટ્.. અવાજ આવે છે. વા છૂટ નહોતી. પેટમાં કોઈ ગડબડ પણ નહોતી. મૂંઝાયેલો દેવો હાથ પાછળ લઈ જઈ ખાતરી કરે તો નીચે લોંદેલોંદા ભર્યા હોય તેવું લાગે છે. એને ગંધ આવે છે કે કંઈક અજુગતું બન્યું છે. ભારે અવઢવમાં મૂકાયેલો દેવો અંતે ધૂણવાનું છોડી, પાછો સરકી, ઘસડાતો હોય એમ સાચવીને ઊભો થઈ પૅન્ટ બદલવા ઘેર જાય છે. ટામેટા જેવી ખાટી ગંધ પરથી પરખાય છે કે દગો થયો છે. એની ભ્રૂકુટિ ખેંચાય છે. દગો કરનારને હું જીવતો નહીં મેલું... બીજું પૅન્ટ પહેરી તે માંડલામાં પાછા જવા ઘટ્ટ અંધારામાં ફળિયું છોડી શેરીમાં આવે છે. ત્યાં કશોક અવાજ કાને અથડાય છે. કાન માંડીને સાંભળે તો હલક જાણીતી લાગે છે. જશોદા મોકળા મને અને જુદા જ રાગે સોમાએ ગવડાવ્યો હતો તે સનેડો ગાતી-ગાતી બીજી છોકરીઓ સાથે ઘેર જઈ રહી છે. દેવો સમજી જાય છે કે સોમા સાથે હળી ગયેલી જશોદા હવે મારી રહી નથી. પરિણામે એ ત્યાં જવાનું માંડી વાળે છે. લેખકે વાર્તાને હળવા ટૉનમાં આલેખી છે. માતાજીનું મંદિર, આઠમની રાત, સો એક માણસોનું માંડલું, ભૂવાઓના દાણા જોવાના ક્રિયાત્મક આવેગો વગેરેથી ક્રમિક વિકાસ પામતી વાર્તામાં ગ્રામીણ પરિવેશ પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. લેખકે સોમાની દેવા પ્રત્યેની ઈર્ષ્યા કે દ્વેષને ક્યાંય સીધાં દર્શાવ્યાં નથી. ક્ષણાર્ધમાં દેવાના પૅન્ટ નીચે ટામેટું મૂકવાનો ખેલ એણે ડાક વગાડવાની ક્રિયા દરમ્યાન કરી લીધો છે. લેખકે દાખવેલા આવા કળાકીય સંયમને લીધે વાર્તા વાચનક્ષમ બની છે. ‘દીકરી, મારી દીકરી’માં સરોગસીનો મુદ્દો છે. પોતીકી સૃષ્ટિ સર્જવા મોટી રકમની લાલચે એક નિઃસંતાન એન.આર.આઈ. દંપતીને પત્નીની કૂખ ભાડે આપનાર સ્વાર્થી પતિ પરેશથી વિરુદ્ધ રંજનનું માતૃવાત્સલ્ય અભિવ્યક્તિ પામ્યું છે. ક્યારેક તેના મનમાં પઝેસિવનેસ સાથે અપરાધભાવ પણ જાગે છે. પોતાના દ્વારા જેને જન્મ અપાયો છે તે સંતાનને કોઈ બીજાને આપી દેવા રંજનનું મન માનતું નથી. એ લોકો રંજનને પ્રસૂતિ દરમ્યાન કોઈ તકલીફ ન પડે એટલા સારુ સિઝેરિયન કરાવવા માટે પણ બીજી રકમ ચૂકવવા તૈયાર છે. પરંતુ રંજનની ઝંખના છે કે ‘મારે મારી રીતે જ પ્રસવ થવા દેવો છે.’ આ મુદ્દે એ થોડી આકરી પણ થાય છે. પેલું દંપતી દીકરીને લેવા આવે તે ક્ષણોમાં રંજન એને ઊંચકી સ્તનપાન કરાવવા બેસી જાય છે. પરેશ ઉતાવળ કરે ત્યારે પણ એ વડચકું ભરી લેતાં કહે છે, ‘હા, મને ખબર છે મોડું થાય તેની...’ ગમગીન વાતાવરણમાં રડતી દીકરીને પેલી સ્ત્રીના હાથમાં સોંપી ત્યાંથી નીકળી જવા ઇશારો કરે છે. પરેશ ખુરશીમાં મૂકેલી રૂપિયાની થોકડીઓ ભેગી કરવા લાગે ત્યાં રંજન ગાંડાની માફક હસવા લાગે છે. આમ, વાર્તામાં વાત્સલ્યભાવ સાથે કરુણ રસ છવાયેલો છે. અહીં ગણતરીબાજ પતિ અને પૈસાના જોરે નિઃસંતાનતાનું મહેણું ભાગતાં એન.આર.આઈ. દંપતી વગેરેના માધ્યમથી લેખકે એક પિતૃસત્તાક સમાજવ્યવસ્થા પર પ્રબળ પ્રહાર કર્યો છે. ‘ઉકેલ’ ગ્રામીણ પરિવેશની બે ખંડકમાં વહેંચાયેલી વાર્તા છે. પહેલા ખંડકમાં દિવાળીના દિવસની ઉજવણી વખતે ધડાધડ ફૂટતા ફટાકડામાં લખમણ ડોસાની વ્યથા આલેખાઈ છે. ડોસા મોડી રાતથી જાણે છે કે દીકરો લખમણ પથારીમાં નથી. તેથી હાંફળાફાંફળા પાદરમાં આવી ઊભા રહે છે. જુએ તો બેય તરફ ઉજાસ છે. એક તરફ દિવસ ઉગ્યાનો ને બીજી તરફ મરણતોલ ચીસો વચ્ચે વાસ સળગ્યાનો. થોડીવાર પહેલાં જ ડોસાને કોઈક કહી ગયેલું કે, ‘ડોહા, તારા દીકરાને જીવતો હળગાવી દીધો છે.’ શોષણવિરોધી કાનો ભણેલો છે. ઉચ્ચ વર્ણની વેઠ કરવા તૈયાર નથી. એક દલિત સ્ત્રી મજૂરીએ ન જતાં એને જાહેરમાં મારતાં કાનો સરપંચ સામે કેસ કરે છે. જો કે બધાય નિર્દોષ છૂટી જાય છે. પરંતુ કાનો ગામલોકોની આંખમાં કણાની માફક ખૂંચે છે. વળી તે એની સાથે ભણતી મુખીની દીકરીના પ્રેમમાં છે. કાના અને મુખીની દીકરી બેઉને સળગાવી મૂક્યાની અફવા પછી ગામ તરફથી દલિતોનો બહિષ્કાર કરવામાં આવે છે. બીજા ખંડકમાં મોડી રાતે સાંકળ ખખડતાં ડોસો ખડકી ખોલી જુએ છે તો ‘એક વાત કે’વા જ માથે રાત લીધી છે ને જોખમ પણ...’ કહેતા મુખી પ્રવેશે છે. અહીં કથક મુખી અને ડોસાના પેઢીઓ જૂના ઘરોબાથી આપણને અવગત કરાવે છે. ડોસાના પરિવારે મુખીના ઘરનાં કામ દિલથી કર્યાં છે. થોડીક વાતચીતને અંતે મુખી ઘટસ્ફોટ કરે છે કે, ‘ગંજી હળગાવતાં પેલાં કોયને ખબર પડે નંઈ એમ બેયને મેં ભગાડી મેલ્યાં છે, ગજવે પૈસા ઘાલીને...’ પછી જાતે જ કહે છે, ‘આનો ઉકેલ જ મને આ લાગે છે...!’ અંતના આ વાક્યથી કારુણ્યનું શાંત રસમાં રૂપાંતર થાય છે. રહસ્યોદ્ઘાટન કરતા મુખીના પાત્ર થકી અલગ પરિમાણ પ્રાપ્ત કરતી દલિતચેતનાની આ વાર્તા ખરેખર તો મનુષ્યચેતનાની બની રહે છે. ‘પછી આમ બન્યું...’માં માલુ નામની એક ગ્રામ્યા કેન્દ્રમાં છે. તેનાં લગ્ન તો થઈ ચૂક્યાં છે. પરંતુ પતિ નાનો અને ખોટા રૂપિયા જેવો હોવાથી પિયરમાં જ રહી ઢોર ચરાવવાનું કામ કરી જીવન વ્યતીત કરે છે. છ ખંડકમાં વિભાજિત વાર્તાના પ્રથમ ખંડકમાં મોર અને ઢેલની કામકેલિ જોઈ ગુસ્સે થતી માલુ ગોફણ વડે મોરને ઘાયલ કરી મૂકે છે. એની ભાષા અને વર્તનમાં રહેલી ક્રૂરતા એની વિક્ષિપ્ત મનોદશાની પરિચાયક બની રહે છે. ઘાયલ મોરની સારવાર કરતા ધના ભગતના મનમાં પણ માલુના આ પરાક્રમથી ઊથલપાથલ મચી જાય છે. બોખું મોં ફાડીને એ માલુની લચકતી પીઠને જોઈ રહે એ ક્રિયામાં એમની કામુકતા પ્રગટ થાય છે. બીજા કથનાત્મક ખંડકમાં માલુની દિનચર્યા આલેખાઈ છે. ત્રીજા ખંડકમાં મોરની ઘટના પછી યથાસ્થિતિગ્રસ્ત ભગતની નજર આગળથી માલુ ખસતી નથી. એક ક્ષણે એમણે મોરની જગ્યાએ પોતાને કલ્પી લીધા હતા. એનું અનુસંધાન શોધતા ભગતને હમણાંથી ખાવાનું ભાવતું નથી. શરીરમાં કોઈ છૂપો ડર પેસી જવાને લીધે સોરાતું જાય છે. ચોથા ખંડકમાં પ્રવેશેલા મગન ટપાલી અને માલુની મજાક-મશ્કરી અને કઢંગા ટપાલીની માલુના દેહને મોં વકાસીને તાકી રહેવાની ક્રિયામાંથી એના માલુ પ્રત્યેના આકર્ષણનો સૂક્ષ્મ સંકેત પ્રાપ્ત થાય છે. પછીનો ખંડક ખૂબ મહત્ત્વનો છે. ભગતના ક્રિયાકલાપોમાંથી ભગત અને માલુના જીવન વિશેની મહત્ત્વની વિગતો સાંપડે છે. માલુ હવે પહેલાં જેવી રહી નથી. ગાંડા જેવી અવસ્થામાં ભટક્યા કરતી એ હવે ઢોર ચારવા જતી નથી. ભગતને મનમાં અંદેશો છે કે પોતે પણ નહીં રહે કે શું? આવું વિચારવા પાછળનું કારણ આપતાં કથક તરત કહે છે કે ભગતના મનમાં માલુને ભોગવવાના વિચારો આવ્યા હતા. એમના આત્મસંવાદમાંથી સ્પષ્ટ થાય છે કે, ‘લાગ મળે તો માલુ સાથે રાંગ વાળવાના હતા કે નંઈ?’ આ પછી કથક ગયા ચોમાસાની એક ઘટનાનું પ્રત્યક્ષીકરણ કરાવે છે. માલુ અનરાધાર વરસાદમાં ટાઢમાં ઠૂંઠવાતા મગન ટપાલીને પાડા પર બેસાડી પાણીનું વહેણ પસાર કરાવે પછી ઊભી થયેલી પરિસ્થિતિને લીધે ટપાલી અને માલુ વચ્ચે દૈહિક સંબંધ સ્થપાય છે. અંતિમ ખંડકમાં વરસાદ થંભ્યા પછી ટપાલીની વાટ જોતી માલુની વર્તમાન સ્થિતિનું આલેખન છે. ગામનું કોઈ મનેખ એના પાડા પાસે ભેંસ દવરાવવા માટે આવે તોય માલુ અકળાઈને કાઢી મૂકે છે. મગનના સગડ કે વાવડ નથી. બીજાં માલ-ઢોરને પડતાં મૂકી માલુ સીમમાં આવી જુએ તો આઠ દિવસથી ઘરની બહાર ન નીકળતા અને સખત ડરી ગયેલા મગન ટપાલીની ચિતા સળગતી જોવા મળે છે. માલુના વર્તનમાં ફેરફાર આવી જાય છે. પ્રથમ ખંડકના એના તમામ ક્રિયાત્મક આવેગો અહીં સંધાન પામે છે. વાર્તાન્તે, માલુને પગથિયાં પરથી ઊભી થયેલી જોઈ, થરથર કાંપતા ભગત વિચારે છે કે ‘નજર બગાડવાથી મગન, મોર, પાડો... ને હવે પોતાનો વારો છે!’ ભગતનો અપરાધભાવ તેમને આવું વિચારવા પ્રેરે છે. કથન, વર્ણન, ગ્રામ્ય પરિવેશ અને બોલીયુક્ત બળકટ સંવાદો વાર્તાનું જમા પાસું છે. પરંતુ કથક અને કથનની ભાષિક સંપૃક્તિ રચનાની પ્રભાવકતાને કેટલેક અંશે અળપાવે છે. સંગ્રહની અધિકાંશ વાર્તાઓમાં ગ્રામજીવનનાં વિવિધ રૂપો પ્રગટ્યાં છે. કથાને અનુરૂપ વાતાવરણ, પરિવેશ, વર્ણન અને સંવાદો પ્રયોજીને એકીભૂત અસર પ્રગટાવવામાં લેખક સફળ રહ્યા છે. લોકકથા જેવું કાઠું ધરાવતી રચનાઓમાં પણ એમણે કલાસંયમ જાળવીને વાર્તાનાં વ્યાવર્તક લક્ષણોને પ્રમાણ્યાં છે. રાઘવજીની સવાસો જેટલી વાર્તાઓમાંથી પસાર થયા પછી કહેવાનું થાય કે ગ્રામજીવનના અખૂટ અનુભવોનું પોતીકી શૈલીએ વાર્તાન્તરણ કરવાના એમના એકધારા પ્રયાસ ‘ઝાલર’થી માંડીને ‘પછી આમ બન્યું’ સુધીમાં જોવા મળે છે. પરિસ્થિતિઓ ઊભી કરી ગ્રામજીવનનાં પાત્રો, લોકબોલી, સંવાદો, પરિવેશ વગેરેના માધ્યમથી વાર્તા રચતા લેખક ગ્રામચેતના અને ગ્રામસંસ્કારને આલેખી શકે છે. યદ્યપિ, દરેક વખતે તેઓ સફળ થયા જ છે તેવું પણ નથી. પાત્રસૃષ્ટિ સન્દર્ભે જોઈએ તો એમનાં મોટાભાગનાં સ્ત્રી પાત્રો નાની ઉંમરે વિધવા બને છે. યુવાન દીકરાઓ મૃત્યુ પામતાં વૃદ્ધ માવતર એકલતાની પીડા વેઠે છે. લગ્નબાહ્ય સંબંધોની ભરમાર છે. પાત્રનામોનું સામ્ય પણ અખરે છે. પરસ્પરના પ્રેમમાં પાગલ પાત્રો વિચિત્ર પરિસ્થિતિમાં વિચ્છેદાય છે. અમરેલી પંથકની લોકબોલીનો વિનિયોગ લેખકની વિશેષતા છે તો મર્યાદા પણ છે. એકના એક શબ્દો અને રૂઢિપ્રયોગોનો વારંવારનો વિનિયોગ ખટકે છે. પ્રથમ સંગ્રહથી જ પારંપરિક કથનશૈલીએ આલેખન કરતા લેખક એકાદ બે વાર્તાઓને બાદ કરતાં રચનારીતિ કે કથનપ્રયુક્તિના કોઈ નોંધપાત્ર પ્રયોગો કરતા જોવા મળતા નથી. એમની ગ્રામજીવનની રચનાઓ જેટલી પ્રભાવક નીવડી છે, તેટલી નગરજીવનની નથી નીવડતી. હા; દલિત વાર્તાના આલેખનમાં એમની કલમ ખીલી ઊઠે છે એ નોંધવું રહ્યું. આ બધી બાબતોને આધારે એવું તારણ નીકળે કે ગ્રામજીવનની રગેરગના જાણતલ લેખક રાઘવજી માધડ પરંપરાગત ધારાના લોકપ્રિય અને જીવનવાદી કથાકાર છે.
દશરથ પરમાર
વાર્તાકાર, સંપાદક.
મો. ૯૪૨૭૪ ૫૯૩૦૫, ૭૬૯૮૪ ૦૦૨૩૩
Email: dasharth.parmar૦૨@gmail.com