ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/પારુલ કંદર્પ દેસાઈ
પારુલ કંદર્પ દેસાઈ
આશકા પંડ્યા
સર્જક પરિચય :
વાર્તાકાર, કવયિત્રી, વિવેચક અને સંપાદક પારુલ કંદર્પ દેસાઈનો જન્મ ૨૯ ડિસેમ્બર,૧૯૬૧ના રોજ મહુવામાં. મીરાં, અખો, લાભશંકર ઠાકર અને મધુ રાયની કૃતિઓમાં ભંગુરતાનું નિરૂપણ વિષય પર સિતાંશુ યશશ્ચન્દ્રના માર્ગદર્શન હેઠળ એમ. એસ. યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી. ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે તોલાણી આટ્ર્સ કૉલેજ, આદિપુરમાં(કચ્છ) જોડાયાં. બાર વર્ષ મહિલા આટ્ર્સ કૉલેજ, ધનસુરામાં અધ્યાપક તરીકે સેવા આપીને ૧૯૯૭થી ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક. લા. સ્વાધ્યાયમંદિરમાં રીડર અને પછી ૨૦૦૯થી નિયામક તરીકે કાર્યરત રહીને ૨૦૧૯માં નિવૃત્ત થયાં. ‘મધુ રાયની વાર્તાકલા’ (ઈ. ૧૯૮૭), ‘ભંગુરતાના સર્જક પરિમાણ મીરાં, અખો, લાભશંકર ઠાકર, મધુ રાય’ (ઈ. ૧૯૯૮), ‘ગ્રંથચર્યા’ (ઈ. ૨૦૦૭), ‘ગ્રંથયોગ’ (ઈ. ૨૦૨૦) જેવા વિવેચનસંગ્રહો; ‘ગુજરાતી નવલિકાચયન’ (ઈ. ૨૦૦૯), ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ (ગ્રંથ ૫થી ૮ના સંપાદનસહાયક), ‘પન્નાલાલની વાર્તાસૃષ્ટિમાં’ (ઈ. ૨૦૧૨, દૃષ્ટિ પટેલ સાથે સહસંપાદન) જેવાં સંપાદનો; ‘એક ડગલું આગળ’ (ઈ. ૨૦૧૪) વાર્તાસંગ્રહ તેમની પાસેથી મળે છે. આ વાર્તાસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનું દ્વિતીય પારિતોષિક મળ્યું છે.
કૃતિપરિચય :
ઈ. ૨૦૧૪માં પ્રકાશિત આ સંગ્રહમાં ૧૪ વાર્તાઓ (કુલ પૃષ્ઠ ૧૪૪) છે. સંગ્રહ વાર્તાકાર મિત્ર-જીવનસાથી કંદર્પ ર. દેસાઈને અર્પણ કર્યો છે. ‘દાંપત્યના પાયા ડગમગી રહ્યા છે’ એ શીર્ષકથી બિપિન પટેલે સંગ્રહની પ્રસ્તાવના લખી છે. તેમની પ્રથમ વાર્તા ‘વિપર્યાસ’ ઈ. ૧૯૯૮માં મળે છે અને અંતિમ વાર્તા ‘એક ડગલું આગળ’ ઈ. ૨૦૧૩માં પ્રગટ થઈ. પંદર વર્ષના અંતરાલમાં લખાયેલી આ વાર્તાઓનો પરિવેશ શહેરનો છે. કૌટુંબિક સામાજિક જીવનનું આલેખન કરતી આ વાર્તાઓમાં મહદ્અંશે સ્ત્રી – ખાસ કરીને નોકરિયાત અને ગૃહિણીની વાત થઈ છે. અગિયાર વાર્તાઓમાં દાંપત્યજીવન સંદર્ભે સ્ત્રી-પુરુષની, સ્ત્રીના અસ્તિત્વના પ્રશ્નોની વાત થઈ છે. ‘મોટી’ અને ‘એસએમએસ’ વાર્તાઓમાં પરિસ્થિતિવશ જીવનનો છૂટી ગયેલો લય અને ‘દૃષ્ટિભેદ’માં સર્જક નિવૃત્ત અધ્યાપકની કુટુંબીજનો સાથે હોવા છતાં અનુભવાતી એકલતાને વાચા આપે છે. સર્જક કેફિયતમાં નોંધે છે – ‘આપણી આસપાસ વ્યક્તિનાં સતત થતાં અવમૂલ્યન, ઉપેક્ષા, અપમાન ને પીડાનાં અનેક રૂપો ચેતનામાં સંગોપાઈને પડેલાં છે. વાર્તા લખાય છે – લખું છું ત્યારે આ વેદનાની સન્મુખ હોઉં છું. એટલે મારી મોટાભાગની વાર્તાઓ નારીકેન્દ્રી બની છે પણ વાર્તાકાર તરીકે મને તો રસ પડ્યો છે આવી ક્ષણોમાં ચકડોળાતાં નાયિકાના મનોમય વિશ્વમાં.’ (પૃ. ૫) ‘વિપર્યાસ’, ‘ભણકાર’, ‘ગ્રહણ’, ‘અંદર-બહાર’ અને ‘એક ડગલું આગળ’ – આ પાંચ વાર્તાઓની નાયિકાઓ અનુક્રમે લોપા, અમોલા, મૈત્રેયી, સીમા અને નિશા સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતી હોવા છતાં લગ્ન બાદ પુરુષપ્રધાન સમાજવ્યવસ્થાના કારણે પોતાના શોખ, આવડત, પસંદ-નાપસંદ ભૂલી જઈ વાડમાં બંધાઈ ગઈ છે. ‘પ્રેમ’ના નામે ઘરની-બાળકોની જવાબદારીના નામે આ પાંચેય સ્ત્રીઓને તેમના જીવનસાથી પુરુષોએ સુવ્યવસ્થિત રીતે અદૃશ્ય જેલમાં પૂરી દીધી છે. સર્વજ્ઞનું કથનકેન્દ્ર ધરાવતી ‘વિપર્યાસ’માં ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાની વાઇસ ચેરપર્સન અપરિણીત માનસી અને પતિ તથા બે બાળકોની સગવડો સાચવવામાં સ્વ-ને ભૂલી ગયેલી લોપા – બંને કૉલેજકાળની ખાસ સહેલીઓ છે. વર્ષો બાદ માનસી લોપાને મળે છે અને તેની સાથે એક દિવસ વીતાવ્યા બાદ, માનસી અને લોપા બંને એકમેકના જીવન વિશે વિચારે છે. માનસીને લોપા-વિવેક અને તેમનાં બે બાળકો સાથેનું હર્યુંભર્યું જીવન જોતાં પોતાની એકલતા તીવ્રપણે અનુભવાય છે. સામાપક્ષે લોપાને લાગે છે કે તેનું માનસી જેવું સ્વતંત્ર વ્યક્તિત્વ હોત. ‘નોકરી કરતી સ્ત્રી ઘર ન સાચવી શકે. એ ઘર અને ઑફિસ વચ્ચે વહેંચાઈ જાય, રહેંસાઈ જાય’ એમ કહેનાર વિવેકને માનસી સાથે સ્ત્રીની સ્વતંત્રતા ને સ્વાધીનતા વિશે વાતો કરતો જોઈ લોપાનો ભ્રમ ભાંગે છે. કથક તટસ્થપણે બંને સખીઓના ભિન્ન વિશ્વને, બંનેના વિચારોને સહોપસ્થિતિની પ્રયુક્તિથી આલેખે છે. ‘ભણકાર’માં બહારગામ ગયેલા આલોકની ગેરહાજરીમાં અમોલા સ્વ-વિશે, પોતાના ચિત્રકલાના શોખ વિશે વિચારે એ બે દિવસનું ઝીણવટભર્યું નિરૂપણ થયું છે. કૉલેજમાં હતી ત્યારે આ જ શહેરમાં એકવાર પોતાના ચિત્રોનું પ્રદર્શન યોજાશે એવાં સ્વપ્નો જોનાર અમોલા લગ્ન બાદ ઘર, પતિ ને બાળકોની જવાબદારીમાં અટવાઈને આ સ્વપ્ન ભૂલી ગઈ છે. આલોકની ગેરહાજરીમાં આજે આ ઝંખના પાછી જાગી ઊઠે છે. તે અથાણાં બનાવવાને બદલે રંગ-પીંછી, કૅન્વાસ લેવા દોડી જાય છે. આટઆટલાં વર્ષો જવાબદારી વચ્ચે કાઢ્યાં હોય તો એમ અચાનક બે દિવસની મોકળાશે તે ચિત્રો દોરવા ન જ બેસી શકે. સર્જક બે દિવસની અમોલાની મનની યાત્રા આલેખે છે. આ બે દિવસની માનસિક ગતિવિધિનું અમોલાની નજરે ‘હું’ના કથનકેન્દ્રથી આલેખન થયું હોઈ પ્રતીતિકર બન્યું છે. આર્ટ ગેલેરીમાં નવી જનરેશન જોતી, પાડોશીને ત્યાં જમવાના આમંત્રણને ટાળતી, રાત્રે ધાબા પર સૂઈ ફરી વાર આકાશ, ચંદ્ર, તારાઓ સાથે મૈત્રી બાંધતી અમોલા નારીની અવકાશ ઝંખતી છબીને રજૂ કરે છે. ‘ગ્રહણ’ વાર્તામાં કૉલેજમાં ભણતી પુત્રી ઈષિરાના હાથમાં જૂનું મૅગેઝિન આવે અને તેમાં મમ્મી મૈત્રેયી મહેતાની કવિતા જોઈ ચોંકે. ઈષિરાની સ્મૃતિઓ વડે બપોરથી સાંજ સુધીના સમયમાં મૈત્રેયીના વ્યક્તિત્વને પ્રસંગોના લસરકાથી ઉપસાવી દીધું છે. દિગ્દર્શક પપ્પાનું ટાઇમટેબલ સાચવતી, સ્ક્રીપ્ટમાં સુધારા કરતી, પોતાને ભણાવતી, મમ્મીએ પપ્પા અને પોતાની પાછળ જાત હોમી દીધી છે એ વાતનો ખ્યાલ દીકરીને આવે છે. અંતે ઈષિરા મમ્મીને એના વિશ્વમાં પાછી લઈ જવાનો પ્રયાસ કરે છે, પણ સફળ થતી નથી. દીકરીનું કથનકેન્દ્ર હોઈ વાર્તા મુખર બની નથી. ‘અંદર-બહાર’ની સીમા લગ્ન બાદ વિનોદના ઘરની બધી જવાબદારી હોંશેહોંશે ઉપાડી લે છે. પાર્ટીમાં ગયેલી સીમાને ખબર પડે કે વિનોદ બિઝનેસ ટ્રીપ પર નહીં પણ અન્ય સ્ત્રી સાથે છે. કોઈને શંકા ન જન્મે એ સાવચેતી સાથે સીમા બાહર નીકળે તે ક્ષણથી વાર્તા શરૂ થાય છે. ૩૫ વર્ષના લગ્નજીવન બાદ આ સત્ય જાણ્યા બાદ સીમાના મનમાં જે વલણો જન્મે છે તેનું સ્મૃતિઓ, સ્વગતોક્તિ વડે નિરૂપણ થયું છે. અંતે ઘર છોડીને જવાના બદલે સીમા પોતાના ભરતગૂંથણના શોખને ફરી જીવતો કરે અને વિનોદ ઘરે આવે ત્યારે પહેલાંની જેમ તેની પાસે દોડી જાય નહીં. ભરત ભરવાની ક્રિયા સૂચક છે. ‘એક ડગલું આગળ’ની નિશાએ કિરીટ સાથે પ્રેમલગ્ન કર્યાં છે. બૅંકમાં નોકરી કરતી નિશા કિરીટની પરવાનગી વિના એક બેડશીટ પણ ખરીદી શકતી નથી. નિશા નિરુપયોગી, આવડત વિનાની છે એવું તેના મનમાં ઠસાવી દઈ તેનાથી ઓછું કમાતો કિરીટ નિશાને પૂછ્યા વિના નિશાના ખાતામાંથી પચાસ હજાર ઉપાડી લે. નિશા પોતાના પૈસામાંથી સહેલી રેણુકાને મદદ ન કરી શકે. અંતે તે લોન લઈ રેણુકાને મદદ કરવાનો નિર્ણય લે અને પ્રમોશન લઈ કિરીટથી દૂર જવાનો નિર્ણય લે. ‘એ કેવો પ્રેમ કે જે તારી પ્રગતિને અવરોધે?’ રેણુકાનો આ સવાલ આ પાંચેય નાયિકાનો સવાલ છે. ‘વિપર્યાસ’માં સર્જક જે પ્રશ્ન ઉઠાવે છે એ આ વાર્તાઓમાં ઘૂંટાઈને આવે છે. સંગ્રહમાં મા-દીકરીના સંબંધને નિરૂપતી ‘ગ્રહણ’, ‘છેડાછૂટ્ટા’, ‘મમ્મી’ અને ‘અરીસો’ એમ ચાર વાર્તાઓ મળે છે. ‘ગ્રહણ’ની ઈષિરા અને ‘છેડાછૂટ્ટા’ની અનુષ્કા માના સંવેદનોને સમજી તેની પડખે ઊભી રહે છે. અનુષ્કા કહે છે, ‘મારે મન તો તું જ મમ્મી અને તું પપ્પા છે.’ ‘અરીસો’માં નિરાલી રૂપાળી અને બુદ્ધિશાળી યુવતી છે. તેની બુદ્ધિ અને બહાદુરીની પ્રશંસા કરતો પ્રતીક, મમ્મી-પપ્પા બધાં જ એસિડ ફેંકવાની ધમકી આપનાર ગુંડાઓનો સામનો કરનાર નિરાલીને ધમકાવે છે. ફોઈ કાળી હતી એ વાતે તેને સમાજે નકારી હતી. આજના સમયમાં પણ સ્ત્રીને તેની બુદ્ધિથી નહીં પણ રૂપરંગથી જોવામાં આવે છે. અરીસાની પ્રયુક્તિ અને મૃત ફોઈ સાથેની નિરાલીની વાતચીત વડે સર્જક આ સવાલને વળ ચઢાવે છે. ‘અરીસો’ બુદ્ધિનો સ્વીકાર ઝંખતી સ્ત્રીનું પ્રતીક બને છે. ‘એસએમએસ’માં મોબાઇલ વડે બંધિયાર જીવન જીવતી નાયિકા પુનઃ પ્રકૃતિ અને સ્વ સાથે જોડાય છે. ટેક્નોલોજીને અહીં પ્રયુક્તિ તરીકે ખપમાં લઈ નાયિકાના બદલાતા માનસને સુંદર રીતે આલેખ્યું છે. ‘યક્ષપ્રશ્ન’, ‘મમ્મી’, ‘દૃષ્ટિભેદ’ એ સંગ્રહની લાગણીવેડામાં સરી જતી વાર્તાઓ છે. સંગ્રહની ભાષા સ્વચ્છ, સુઘડ છે. પરિવેશ અને પાત્રની મનઃસ્થિતિને સર્જક સહજ રીતે એકમેકમાં ગૂંથી લે છે. ઘીમાં સોજી શેકતી નિશાનું વર્ણન તેની મનઃસ્થિતિને તંતોતંત ઉપસાવે છે. નિશા-કિરીટના લગ્નજીવનની હકીકત એક જ લસરકામાં કેવી સચોટ રીતે આલેખી દે છે. ‘સવારના ઊઘડતા આકાશ જેવું એ જીવન લાલાશનો રંગ પકડે ન પકડે અને દઝાડે એવા તાપમાં ફેરવાઈ ગયું હતું.’ (પૃ. ૧૩૧) બિપિન પટેલ કહે છે, “વાર્તાકાર કે તેમનાં પાત્રો ‘સુધારાના કડખેદ’ નથી પણ ‘સુધારાનો ધીમે ધીમે સાર’નાં પ્રવાસી છે.” દાંપત્યજીવનના પ્રશ્નોને સ્ત્રીના દૃષ્ટિકોણથી આલેખતી, લગ્ન બાદ સ્ત્રીની પ્રતિભાને કુંઠિત કરતી સામાજિક સંરચનાને ઉજાગર કરતી; સરળ, સહજ ભાષા, કથકનો સહાનુભૂતિપૂર્ણ છતાં તટસ્થ સૂર, પાત્રની મનઃસ્થિતિને તાગતા પરિવેશને લીધે ‘એક ડગલું આગળ’ સંગ્રહ ગુજરાતી નવલિકાને ખરા અર્થમાં એક ડગલું આગળ લઈ જાય છે.
ડૉ. આશકા પંડ્યા
વિવેચક, સંશોધક
મો. ૭૪૦૫૮ ૮૨૦૯૭