ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/લક્ષ્મીકાંત ભટ્ટ

From Ekatra Foundation
Revision as of 15:45, 24 December 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વાર્તાકાર લક્ષ્મીકાંત ભટ્ટ

કિશન પટેલ

GTVI Image 54 laxmikant Bhatt.png

વાર્તાકાર લક્ષ્મીકાંત ભટ્ટનો જન્મ ૧૬ સપ્ટેમ્બર ૧૯૨૭માં સિદ્ધપુર પાટણ ખાતે થયો. એમના પિતા ભાવનગર પોર્ટમાં પોર્ટ ઑફિસર હતા. શાળાકીય શિક્ષણ એમનું ભાવનગરમાં થયું. બી.એ., એમ.એસ.સી અને એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો. સાવરકુંડલામાં શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરે છે. એમના વિદ્યાર્થી રતિલાલ બોરીસાગર શિક્ષક તરીકે તેમને યાદ કરતાં કહે છે કે તેઓ વર્ગમાં ઓ. હેન્રી જેવા વાર્તાકારોની વાર્તાવિદ્યાર્થીઓને કહેતા. શિક્ષક તરીકે શરૂ કરેલી આ યાત્રા રાજ્ય શિક્ષણ ભવનના પ્રવક્તા સુધી પહોંચે છે. નિવૃતિ પછી ચિત્રકળા શીખે અને અનેક સુંદર ચિત્રો પણ કર્યાં. ૨૬મી નવેમ્બર ૧૯૯૬ના રોજ તેમનું અવસાન થાય છે. ઉંમરના આટલા લાંબાગાળા દરમ્યાન તેમની પાસેથી માત્ર છ જેટલી ટૂંકીવાર્તા પ્રાપ્ત થાય છે. ૧૯૫૩થી ૧૯૬૦ના અરસામાં લખાયેલી આ છ વાર્તાઓનો સંગ્રહ છેક ૧૯૭૭માં ‘ટીપે...ટીપે...’ નામે પ્રગટ થાય છે. બીજી આવૃત્તિ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત કરવામાં આવી. છ વાર્તામાંથી પાંચ જેટલી વાર્તાઓ ‘સંસ્કૃતિ’માં અને એક વાર્તા ‘અખંડ આનંદ’માં પ્રગટ થઈ હતી. રતિલાલ બોરીસાગરના કહ્યા પ્રમાણે ઉમાશંકર જોશી જ લક્ષ્મીકાંત ભટ્ટ નામે વાર્તાઓ લખી રહ્યા છે એવી વાયકા પણ એ સમયે ચાલતી હતી. આ સંગ્રહમાં સમાવિષ્ટ કુલ છ વાર્તાઓમાંથી વિષયવસ્તુ અને કલાત્મક અભિવ્યક્તિના સ્તરે ‘યાદ’, ‘શું હું એ જ હતો’, ‘સમીર’ અને ‘ચોસઠથી આઠ ઉપર’ જેવી વાર્તાને નોંધપાત્ર વાર્તા તરીકે સ્થાન આપી શકીએ. સાંપ્રત સમયે આ સંગ્રહમાંથી પસાર થતાં ‘શું હું એ જ હતો’ અને ‘ચોસઠથી આઠ ઉપર’ જેવી વાર્તાઓ કૅમેરાનો એક વિશિષ્ટ ઘટક તરીકે કરેલા ઉપયોગને કારણે વિશેષ બની શકી છે. ગુજરાતી સાહિત્યના અનુગાંધી યુગ અને આધુનિક યુગના સમયગાળા દરમ્યાન આ છ વાર્તાઓ લખાઈ છે. આ સમયખંડના પરિપ્રેક્ષ્યમાં પણ ‘શું હું એ જ હતો’ અને ‘ચોસઠથી આઠ ઉપર’ જેવી વાર્તા અલગ તરી આવે છે. જ્યારે એ સિવાયની વાર્તાઓમાં વિશેષ અડધે રસ્તે છૂટી ગયેલા પ્રેમની વાત છે. આ વાર્તાઓમાં પ્રેમના ચિત્રણ સંદર્ભે Boldness જેવો શબ્દ વાપરી શકાય. તેથી સમયના આ લાંબા કાળખંડ પછી પણ આ વાર્તાઓનું ઐતિહાસિક મૂલ્ય સ્વીકાર્યા વગર છૂટકો નથી.

*

સંગ્રહની પ્રથમ વાર્તા ‘ટીપે...ટીપે...’ને નાયિકાની ગ્લાનિ કથા તરીકે ઓળખાવી શકાય. નાયિકાને વરસાદના બદલાતાં રૂપો સાથે વિશિષ્ટ ઘરોબો છે. આ રૂપો જ આપણને નાયિકના મનોભાવ સમજવામાં મદદરૂપ બને છે. વાર્તાની શરૂઆત જ કઇંક આ રીતે થાય છે, ‘કોણ જાણે કેમ ક્યાંય ચેન પડતું નથી. વહેલી સવારથી ઉદાસ મુખ લઈ આ વાદળો ઘેરી વળ્યાં છે. નથી કોઈમાં ગતિ, નથી ગર્જના. ખાલી ઘેરાં શ્યામ મુખ લઈ સવારથી માથે ઝૂમે છે. હા, જમીન ભીની થઈ છે એની મીઠી વાસ આવે છે. પણ વાસ કાંઈ આ ગ્લાનિ હટાવી શકતી નથી.’ પોતાની મિત્ર શીલાને ભણાવા આવતા શિરીષ નામના યુવકના પ્રેમમાં છે. અનેક પ્રસંગોને કારણે તેઓ એકબીજાની નજીક આવે છે. આખી વાર્તા નાયિકની નજરથી આપણે જોઈ છે તેથી પ્રેમ પ્રસ્તાવ નાયિકા મૂકશે એવું ધારતા વાચક માટે પણ આ અણધાર્યો પ્રસંગ બની રહે છે. તેથી શિરીષ પ્રસ્તાવ મૂકે છે ત્યારે નાયિકા કોઈ જવાબ આપી શકી નથી. શિરીષે જતી વખતે કરેલો પ્રશ્ન કે ‘બસ જરા ‘આવજો’ કહેવાય પાછળ નહીં જોવાય?’ આ જ પ્રશ્નની ગ્લાનિ જ વાર્તાનું સંઘર્ષ બિંદુ છે. આ ગ્લાનિ ઘટ્ટ બનતી જાય છે જ્યારે વર્ષો પછી શિરીષ મળે છે અને તે અપરણિત છે. અહીં નાયિકાને પોતાની જાત કોઈનું ટીપે ટીપે લોહી ચૂસતી નાયિકા જેવી લાગે છે. સમગ્ર વાર્તામાં ખીલતી કળી, સ્નેહપુષ્પ, સ્નેહવર્ષા તથા વરસતા વરસાદનાં અનેક રૂપો વગેરેનો ઉપયોગ વર્ણનોમાં છૂટથી કર્યો છે. આ ઉપયોગ ઘણી વખત Monotony પેદા કરે છે. ઘણી વાર્તામાં ‘વાર્તા’ કરતાં ‘વર્ણન’ જ વાર્તાનો ઘણો વિસ્તાર રોકી લે છે. ‘ક્યાં છે ચાંદો’ વાર્તા સ્પર્શના અનુભવની કથા છે. અહીં પણ પહેલી વાર્તાની જેમ શરૂઆત લાંબા વાતાવરણના વર્ણનથી થાય છે. ચાંદની પથરાયેલી રાતમાં વિશિષ્ટ આવેશમાં આવી જઈ મધુ અને કુમુદિની બંનેના હોઠોનો સ્પર્શ થાય છે. આ વાર્તાનું સંઘર્ષ બિંદુ છે ‘સ્પર્શ’. આ સ્પર્શ પછી મધુ અને કુદુ વચ્ચે હતું એ એ બધું પરિવર્તન પામે છે. ચાંદની રાતમાંથી જાણે બધા રંગ ઊડી જાય છે. ફ્રોક પહેરતી કુદુ ઓઢણી ઓઢતી થઈ. એક સ્પર્શ માત્ર એ એને બિડાયેલા પુષ્પમાંથી પૂર્ણ વિકસિત ફૂલ બનાવી દીધી હતી. થોડી ક્ષણ પહેલાનો ‘મધુ’ હવે ‘મધુભાઈ’ બની ગયો. એક પ્રકારના માનસિક સંઘર્ષમાંથી પેદા થતી કુદુની અસ્થિરતા, વાર્તાકારના આ વર્ણનમાં દેખાઈ આવે છે, ‘મધુનો પોતાની તરફનો ભાવ બદલાયો છે. એની પાસે શું સાબિતી હતી? અવાજની ધ્રુજારી – પરસ્પર બંને હૃદયનો થડકાર અને એક આવેશમય પ્રેમચુંબન. પણ એને પ્રેમચુંબન જ શું ભાર દઈને ગણાવી શકાય? શું એક ભાઈની પોતાની નાની બેન પ્રત્યેની વ્હાલ ભરી બકી (બચી) ન ગણાય?’ અહીં સંબંધનું Blending થાય છે જે સ્પર્શે જન્માવેલ માનસિક સંઘર્ષમાંથી પેદા થયું છે.

GTVI Image 55 Tipe Tipe.png

‘યાદ’ એક વિશિષ્ટ વાર્તા બની શકી છે. અહીં પણ ગ્લાનિનો ભાવ વાર્તાનું સંઘર્ષ બિંદુ છે. પત્ની બળીને મૃત્યુ પામી છે. ગ્લાનિ છે, પત્ની બળી રહી હતી ત્યારે જો એ વહેલો પહોંચી શક્યો હોત. વહેલો પહોંચી શક્યો હોત એના કરતાં એ આ દ્વિધામાંથી ઊગરી ગયો હોત કે આ કોઈ અકસ્માત હતું કે પછી આત્મહત્યા? આત્મહત્યાની શંકા ખસેડી શકાય એમ તો નથી. આ વાર્તા વિશિષ્ટ બની શકી છે તો તે મુખ્ય પાત્રના Post Traumatic Stress Disorderને કારણે. નાયક એક જગ્યા કહે છે, ‘જેમ જેમ ઊંઘની પ્રતીક્ષા કરતો જતો હતો, તેમ તેમ ઊંઘ આવવાને બદલે નિરંકુશપણે વિચારો તેના મગજમાં ઘૂસ્યે જતા હતા. અને આખો દિવસ એ જે વિચાર પરાણે દાબી રાખતો, એ અત્યારે એના મગજ પર સવાર થઈ બેસતા.’ આખી વાર્તામાં મૃત પત્ની હાજર છે. આખી વાર્તામાં નાયક સતત આ અદૃશ્ય પાત્ર સાથે સંવાદ કરે છે. નાયક Auditory verbal hallucinationની અનુભૂતિ સાથે જીવે છે. માનસની આ અરાજકતા અને તેને કારણે પાત્રની ક્રિયા-પ્રતિક્રિયા વાર્તાકાર કુશળતાથી બતાવી શક્યા છે. ‘સમીર’ વાર્તા સુધી પહોંચતાં લેખકની ચોક્કસ કહેવાની રીતિનો ખ્યાલ વાચકને જડી જાય છે. વર્ણનમેદ અને અયોગ્ય પ્રસ્તાર વાર્તા સંદર્ભે પ્રતિકૂળ અસર જન્માવે છે. સુશીના સાસરે જવાના પંદર દિવસ રહ્યા છે. આજે રાતે ભાઈએ એના માટે સંગીત બેઠકનું આયોજન કર્યું છે. બપોરે રશ્મિનો પત્ર મળ્યો ત્યારથી એની આસપાસનું આખું વાતાવરણ બદલાઈ ગયું છે. સંગીતની બેઠક અને રશ્મિના આવવાનો સમય એક જ છે તેથી બારી બહાર અચાનક બદલાયેલા વાતાવરણમાં વરસાદની સંભાવના જોઈને સુશી ખુશ થઈ ગઈ છે. પણ એવું થતું નથી બેઠક થાય છે. બીજી તરફ રશ્મિ પણ બારીએ મળવા આવ્યો છે. રશ્મિને જુએ ત્યારે આ એ રશ્મિ તો નથી જેની તેણે કલ્પના કરેલી હતી. સંગીતની બેઠક અને બારી વચ્ચે અવરજવર ચાલુ રહે છે. રશ્મિ સાથે થોડીવાર વાત કર્યા પછી ફરી બેઠકમાં જવું પડે છે. બહાર વરસાદનું જોર અચાનક વધ્યું છે. સુશીથી રહેવાતું નથી અને ત્યાંથી ઊભી થઈને બગીચા તરફ દોડી ગઈ, ‘એય ગાંડી! ત્યાં બગીચામાં અત્યારે શું છે?’, ‘મારો ગુલાબનો છોડ’ સુશીનો આ જવાબ સાંકેતિક છે. બંને કોલસાના ભંડક તરફ વધે છે. રશ્મિ આખો પલળી ગયો છે. સુશીનો પણ છાતી સુધીનો જ ભાગ કોરો છે. રશ્મિ ઊભો થઈને નીકળે છે એ આખી વાર્તાની શીર્ષક્ષણ છે. રશ્મિ જઈ રહ્યો છે અને એ જે કહેવા આવ્યો હતો એ વાક્ય તો બોલાયું જ નથી. વાર્તાની શરૂઆતમાં એક શ્લોકનો ઉલ્લેખ છે. તેનો અર્થ કઈક આ મુજબનો છે, ‘ચાતકના મોઢામાં પાણીનું ટીપું પડવા જતું હોય એ જ વખતે પવન એને દૂર ફેંકી દે.’ વાર્તાના અંતે ચાતકની તરસ સુશીમાં ઊતરી આવી છે. એક અદ્‌ભુત પ્રેમ વૈફલ્યની કથા આંશિક વર્ણનભેદને બાદ કરતાં વાચકના હૃદયમાં વિશિષ્ટ અસર જન્માવતી કથા છે. ‘શું એ હું જ હતો’ અને ‘ચોસઠથી આઠ ઉપર’ બંને વાર્તામાં એક સમાન બાબત હોય તો તે એટલે ‘કૅમેરો’. ‘શું એ હું જ હતો’ વાર્તાની પરિસ્થિતિ અને એની ભીષણતામાં ફસાયેલો નાયક આપણને રશિયન વાર્તાકાર ગોગોલની જગવિખ્યાત વાર્તા ‘ઓવરકોટ’ની યાદ અપાવે છે. એ વાર્તામાં ઓવરકોટ જેમ વાર્તાના સહનાયક તરીકે કાર્ય કરે છે એમ અહીં કૅમેરો છે. જાદુકાકાનો જાગો પરણે છે અને એના ફોટા પાડવા નાયકે એક કીમતી કૅમેરો ઉધાર લીધો છે. ઉષાએ માત્ર અડવા માગ્યો તો એને અડવાની પણ ના પડી દીધી પણ એ જ કૅમેરો એની પોતાની બેજવાબદારીને કારણે તે ગુમાવી ચૂક્યો છે. અહીં વાર્તાની વિશેષતા કહી શકાય તે તો પાત્રનું ચિત્રણ. વાર્તાકાર પાત્રને અસ્સલ માનવસ્વભાવ બક્ષી શક્યા છે. કૅમેરો શોધવા નીકળેલો મધુ પાટા પર ચાલતો અંધેરી સ્ટેશન તરફ વધી રહ્યો છે. ત્યારે એના મનમાં એ પોતાના સિવાય જદુકાકા, જગુ, પરિસ્થિતિ બધાને જ દોષી ગણે છે. એને વેવલા-રોતલ-અતિશય લાગણીપ્રધાન માણસો પ્રત્યે ચીડ છે. પણ આ પરિસ્થિતિએ એને જ વેવલો-રોતલ બનાવી દીધો છે. વાર્તાના ઉતરાર્ધમાં પોતે ધીરેધીરે લાગણીપ્રધાન બનવા લાગે છે. અંધેરી સ્ટેશને કોઈ વૃદ્ધ પર એ ઉકળી ઉઠેલો એ વૃદ્ધને દુઃખ થયું હશે અને એના જ પરિણામ સ્વરૂપ એનો કૅમેરો ખોવાઈ ગયો. મધુ અંધેરી પહોંચ્યો. સંતોષને બદલે એની છાતી ધડકવા લાગી છે. ઑફિસ આગળ કૅમેરા અંગે પૂછ્યું. (અહીં પણ ઑફિસરોનું વર્તન ઓવરકોટના જ સરકારી અધિકારીઓની યાદ અપાવે છે.) કૅમેરો અંધેરી સ્ટેશન પરથી મળ્યો. અહીં જ વાર્તા ઓવરકોટથી સ્હેજ પડખું બદલે છે. આ ઘટનાને વર્ષો થયાં. મધુ બધાને આ કહાણી સંભળાવતો અને એને હજુય વેવલા રોતલ માણસો પ્રત્યે અણગમો હતો. તેથી કહાણી સંભળાવતી વખતે જ્યારે એના વેવલા રોતલપણાની વાત આવતી તે વાત બદલી નાખતો. અહીં વાર્તાકારે જે રીતે કૅમેરાનો ઉપયોગ કર્યો છે એનાથી સાવ નવીન રીતે જ ‘ચોસઠથી આઠ ઉપર’ વાર્તામાં કર્યો છે. આ વાર્તા સાથે બીજો એક રોચક પ્રસંગ જોડાયેલો છે. રતિલાલ બોરીસાગર કહે છે, ૧૯૫૬ની સાલ, કચ્છમાં આવેલા ધરતીકંપના આંચકા સમગ્ર ગુજરાતમાં અનુભવાયેલા અને સાવરકુંડલા લક્ષ્મીકાંત ભટ્ટના ઘરે અનંત મહેતા વગેરે મિત્રો બેઠા હતા તેમણે આ આંચકા અનુભવેલા. આ જ અનુભવને આધારે અનંત મહેતા અને લક્ષ્મીકાંત ભટ્ટ બંને અલગ અલગ વાર્તા લખે છે. ૧૯૭૫માં રાધેશ્યામ શર્મા એ ‘નવી વાર્તા’ નામના એમના એક સંપાદનમાં આ વાર્તાનો સમાવેશ કર્યો છે. રાધેશ્યામ શર્મા વાર્તા લખે છે, ‘દૃશ્ય-ગતિની દ્રુતતાને વિલંબિત લયમાં કૅમેરાથી ઝડપી પ્રસ્તુત કરવાની ટેક્‌નિકલ ગિમિક, ધરતીકંપના સંદર્ભમાં નાણી જોવાનો કુતૂહલપ્રેરક પ્રયોગ લેખકે કર્યો છે. પણ એમાં નામની સફળતા મળી છે.’ ચંદુભાઈના નિવાસસ્થાને મંડળી જામી છે. એકબાજુ સ્ત્રીસમાજ વાતોમાં મશગૂલ છે. બીજી તરફ વસુભાઈ પોતાનો લેખ વાંચવાના છે ‘સ્રષ્ટાનો સૃષ્ટિના સર્જન પાછળનો હેતુ’. આ વાર્તાને બરાબર ઉકેલવા એના ત્રણ ભાગ પાડવા પડે. એક જેમાં કેૅમેરા અંગેની ટેક્‌નિકલ વિગતો. જેમ કે, ‘કૅમેરાની, ચલચિત્ર પોતાની ફિલ્મ-પટ્ટી ઉપર ઝીલવાની શક્તિ એક સેકેન્ડમાં આઠ-સોળ-બત્રીસ-ચોસઠ સુધી વધારી શકાતી હતી.’, ‘કોઈ ગતિની પળ-ચોસઠની ઝડપે ઝીલી લો અને પછી ધીરે ધીરે પડદા ઉપર આઠની ઝડપે પાડો, પછી એની ખરી મજા સમજાય.’ કૅમેરા સાથે જોડાયેલી આવી નાની મોટી અનેક વિગતો વારતાના અંતે પ્રગટતી ફિલસૂફી માટે ટેકા રૂપ મૂકી હોય એ સાભિપ્રાયતા છૂપી રહેતી નથી. બીજો જેમાં વસુભાઈનો લેખ અને ત્રીજો એટલે ધરતીકંપ. છ સેકન્ડ માટે ધરતીકંપના થયેલા અનુભવના અંતે આગળના બંને ભાગના છેડા અડે છે. કઈ રીતે? તો ધરતીકંપના બંધ થયા પછી નાયક કહે છે, ‘એ બધું એવી રીતે હું અનુભવી કે જોઈ શક્યો ન હતો. જે જે થોડો થોડો અણસારો મળ્યો હતો તે બધાને ચોસઠથી આઠ ઉપર લાવવા મેં પ્રયાસ કર્યો.’ અને ‘...મને એક પછી એક વસ્તુ યાદ આવવા લાગી-ફોન-જરૂરી ‘કામ-સ્રષ્ટાનો સૃષ્ટિ સર્જન પાછળનો હેતુ’ – જીવ્યા કરતાં જોયું ભલું. પરંતુ વાર્તાનો અંત, ‘મેં માથું અને ખભા આંચકા સાથે હલાવ્યા, ધીમા સાદે એક હલકી મજાક સહુને કહી અને પછી બધાયે જરા અસ્વાભાવિક વધુ પડતાં મોટેથી હસ્યા.’ સંપૂર્ણ વાચકને હાથે છોડી દીધો છે ને એ વાચકના હાથમાં છે કે અહીં તે શું સમજે છે.

સંદર્ભ :

૧. ‘ટીપે...ટીપે...’, લે. લક્ષ્મીકાંત ભટ્ટ, ૧૯૭૭, વોરા એન્ડ કંપની, અમદાવાદ.
૨. ‘નવી વાર્તા’, સં. રાધેશ્યામ શર્મા, ૧૯૭૫.
૩. લક્ષ્મીકાંત ભટ્ટના જન્મદિવસ નિમિતે ઓમ કમ્યુનિકેશન દ્વારા આયોજિત સાહિત્યવિમર્શ કાર્યક્રમમાં રતિલાલ બોરીસાગરનું વક્તવ્ય.

કિશન પટેલ
આસિ. પ્રોફેસર
અનુસ્નાતક ગુજરાતી વિભાગ
એન. એસ. પટેલ આટ્‌ર્સ (ઓટોનોમાસ) કૉલેજ, આણંદ
મો. ૮૪૬૯૬ ૪૬૭૩૮
Email : pakishan87@gmail.com