ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/નાનાલાલ જોશી
માવજી મહેશ્વરી
વાર્તાકારનો પરિચય : નાનાલાલ જોશી
જન્મ : ૨૨-૧૨-૧૯૨૭ અવસાન ૯-૯-૨૦૧૭ વાર્તાકાર નાનાલાલ જોશીનો જન્મ ભુજના એક સામાન્ય પુષ્કર્ણા બ્રાહ્મણ પરિવારમાં તારીખ ૨૧-૧૨-૧૯૨૭ના રોજ થયો હતો. તેઓનું આખું જીવન અત્યંત ચડાવ-ઉતારવાળું અને આશ્ચર્યોથી ભર્યું પડ્યું છે. બાળપણથી માંડીને છેક જીવનનના અંત સુધી અસ્થિરતા જાણે તેમને કોઠે પડી ગઈ હતી! (કે તેમણે સ્વીકારી લીધી હતી!) તેમના પિતાજી ‘રામદાસ રેંકડાવાળા’ ભુજથી મુન્દ્રા વચ્ચે રેંકડો ચલાવે. (રેંકડો એટલે ઓછા વજનવાળું મુસાફરી માટેનું બળદગાડું). ઘરમાં આવકનો બીજો કોઈ સ્રોત નહીં. ભુજની વાણિયાવાડ નામની પ્રાથમિક શાળામાં અને ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. એમને નાનપણથી રમત-ગમત અને તરણમાં ભારે શોખ. ફૂટબોલ અને બેડમિન્ટન એમની પ્રિય રમત. ગરીબ ઘરના તરુણ તરીકે એમણે ગાભાના ફૂટબોલ અને જાતે બનાવેલા રેકેટ અને કોકથી રમવાનું શરૂ કર્યું હતું. રમતની સતર્કતા અને કલ્પનાશીલતાએ જ કદાચ તેમના મનમાં વાર્તાનું બી નાખ્યું હશે. જે સમય જતાં નખશિખ વાર્તાકાર તરીકે અંકુરિત થવાનું હશે. ૧૯૪૭માં તેમણે મેટ્રીક પાસ કર્યું, આગળ ભણવાની ઇચ્છા કોઈ રીતે પૂરી ન થઈ. છેક કલકત્તા સુધી રખડ્યા. આખરે પાછા કચ્છ આવ્યા. એ દરમિયાન એમનું વાર્તાલેખન શરૂ થઈ ગયું હતું. યુવા વાર્તાકાર તરીકે એમની વાર્તાઓની નોંધ લેવાવા લાગી હતી. છતાં સ્થિરતા નહોતી, નોકરી નહોતી. જાણીતા દાર્શનિક હરીશ વાસવાણીએ એમના વતી પરબારી કંડલા પોર્ટમાં અરજી કરી નાખી અને એમને સીધો નોકરીનો હુકમ મળ્યો. એટલે તેઓ કંડલા પોર્ટની નોકરી સ્વીકારી અને અંત સુધી ગાંધીધામમાં જ રહ્યા. એમની વાર્તાઓમાં મોપાસા, ચેખોવ, ગોર્કીના પ્રયોગો જોવા મળે. એમનું વાર્તાસર્જન જ્યારે ચરમ પર હતું, એમની વાર્તાઓની રાહ જોવાતી હતી ત્યારે અચાનક જ એ વિરલ વાર્તાકાર સમાજ અને વાર્તાથી અલિપ્ત થઈ ગયો. વાર્તાથી છેડો જ ફાડી નાખ્યો. કોઈને જાણવા ન મળેલી ઘટનાથી તેઓ એટલા આહત થયા કે વાર્તાની વાત નીકળે તો એ ઊઠી જાય. એમના વિશે ગુલાબદાસ બ્રોકર, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ જેવા સાહિત્યકારોએ સેવેલી આશા અધૂરી રહી. થોડાં વર્ષ પહેલાં એમની વાર્તાઓ ઉપર સંશોધન કરનારે એમને પ્રશ્નાવલી મોકલી તો જવાબ આવ્યો, ‘જે પ્રયત્નપૂર્વક ભૂલી જવાનું મેં પસંદ કર્યું છે ને જેમાં હું સફળ થયો છું – તે પરિસ્થિતિમાં તમારા પ્રશ્નોથી ખલેલ પહોંચે છે. તો માફ કરશો.’ એમની કેટલીય વાર્તાઓ શ્રેષ્ઠવાર્તાનાં સંપાદનોમાં સ્થાન તો પામી, પણ પરિચયમાં કશું જ નહીં. તસ્વીરની જગ્યાએ માત્ર ખાલી ચોરસ બોક્સ, અમુક સંપાદકોએ તો એમને સ્વર્ગસ્થ બતાવી દીધેલા. તેઓ આવું જોઈને માત્ર હસે. એ વાર્તાકારને સમજવા મુશ્કેલ હતા. એમણે ક્યારેય પોતાના મનની વાત કોઈને કહી નહીં. લગ્ન કર્યાં નહીં. માઈલોના માઈલ પગે ચાલીને તેમણે પ્રકૃતિને માણી, વરસતો વરસાદ, અંધારી રાતો, ઉનાળાના ધગધગ બપોર અને ચામડી સૂકવી દેતી ઠંડીમાં એમણે કચ્છ જોયું. પોતાના એકાંતમાં ખોવાઈ જનાર એ અલગારી વાર્તાકાર તારીખ ૯-૯-૨૦૧૭ના રોજ આ દુનિયાને અલવિદા કહી દીધું. કચ્છનો એક વિરલ વાર્તાકાર પોતાના જીવનનાં રહસ્યોને મુઠ્ઠીમાં લઈને અનંતની વાટે ઉપડી ગયો.
સાહિત્યસર્જન :
નાનાલાલ જોશીએ એમના જીવનની પહેલી વાર્તા ૧૯૪૭માં લખી હતી. તેમણે એ વાર્તા ‘બે ઘડી મોજ’ના તંત્રી શયદાને મોકલી. એમની એ વાર્તા એવી નોંધ સાથે પરત આવી કે ‘મહાત્મા ગાંધીના જમાનામાં આવી હિંસાત્મક કૃતિ છાપી ન શકાય.’ તે પછી લખાયેલી વાર્તા પ્રસિદ્ધ કવિ ‘સ્વપ્નસ્થ’ના તંત્રીપદે નીકળતા સામયિકમાં છપાયેલી. વાર્તાને સમાજનો સંદર્ભ હોવો જોઈએ એવો કોઈ ખ્યાલ એ વખતે એમના મનમાં હશે એવું સમજી શકાય. એમના બે વાર્તાસંગ્રહ પ્રકાશિત થયા છે. ૧૯૬૨માં ‘અનુરાગ’ અને ૧૯૬૮માં ‘ધીમે પ્રિયે’ પહેલા સંગ્રહમાં કુલ ૨૦ વાર્તાઓ છે, જ્યારે ચાર વર્ષ બાદ તેમના બીજા સંગ્રહમાં ૧૫ વાર્તાઓ છે. અગ્રંથસ્થ ૨૨ વાર્તાઓ છે. કુલ ૫૭ વાર્તાઓ લખનાર નાનાલાલ જોશી તેમ છતાં વાર્તાજગતમાં અમર શા માટે છે? તો એનો જવાબ એમની વાર્તાઓમાં જ છે. એમણે વાર્તા સિવાય અન્ય સાહિત્યનું સર્જન કર્યું નથી. એ વિષયે એમને પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં તેમણે કહેલું, ‘ટૂંકીવાર્તા ફાવી ગઈ. અન્ય સ્વરૂપો તરફ ધ્યાન જ ગયું નહીં અને મારી ક્ષમતા પણ નહીં.’ એમની બળકટ વાર્તાઓની એ સમયમાં નોંધ જરૂર લેવાઈ હતી પણ એમને કોઈ પુરસ્કાર મળ્યા નથી. એમણે છેલ્લી વાર્તા ‘વલોણું’ લખી જે ‘કુમાર’માં છપાઈ હતી અને ‘ધીમે પ્રિયે’ સંગ્રહમાં સમાવિષ્ઠ છે.
વાર્તાકારનો યુગસંદર્ભ :
નાનાલાલ જોશીએ પહેલી વાર્તા ૧૯૪૭માં લખી હતી અને છેલ્લી વાર્તા ૧૯૬૬માં લખી હતી. ૧૯૬૮ પછી તેઓ વાર્તા અને સાહિત્ય જગતથી (વાચન સિવાય) વિમુખ થઈ ગયા. એમનું મૃત્યુ ૨૦૧૭માં થયું. એટલે એમનો જીવનકાળ જોતાં એમના કાળમાં જ સુધારકયુગ, ગાંધીયુગ અને આધુનિકયુગ આવ્યા. એમણે લખેલી પહેલી વાર્તા એવી નોંધ સાથે પરત આવી હતી કે મહાત્મા ગાંધીના સમયમાં આવી હિંસાત્મક વાર્તા ન છાપી શકાય. એમના પહેલા વાર્તાસંગ્રહની નોંધ લેનાર ગુલાબદાસ બ્રોકર અને બીજા સંગ્રહ વિશે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટની નોંધ વાંચતાં લાગે કે નાનાલાલ જોશી આધુનિક વાર્તાના લેખક હતા. એમની વાર્તાઓના વિષયો અને એમની દૃષ્ટિ, પાત્રોના મનોભાવો અને એમણે કરેલા પ્રયોગોમાં નગરજીવનનો અનુભવ એની સંકુલતા અને વાતાવરણ સાથેનાં નિરૂપણોમાંથી તેઓ આધુનિક વાર્તાકાર હોવાના ચિહ્નો સાંપડે છે.
ટૂંકીવાર્તા વિશે નાનાલાલ જોશીની સમજ :
ગુજરાતી ભાષાના સમર્થ વાર્તાકાર ડૉ. જયંત ખત્રીનું લેખન કાર્ય આથમ્યું એ ગાળામાં જ નાનાલાલ જોશીના બે વાર્તાસંગ્રહો પ્રસિદ્ધ થયા. એ ગાળો ટૂંકીવાર્તામાં અવઢવ અને અસ્થિરતાવાળો હતો. ઘટનાલોપ, રચનારીતિનું નાવીન્ય અને ધમધમાટ આવી રહેલા યંત્રયુગના પરિણામે સાહિત્યકારો પણ વિચ્છિન્નતાની ઘેરી છાયાથી ઢંકાયેલા હતા. એ વખતે કચ્છના જયંત ખત્રી, વનુ પાંધી, મનુભાઈ પાંધી જેવા સર્જકો દરિયા અને રણ વચ્ચે જીવતી પ્રજાના દોહ્યલા જીવતર ઉપર પ્રકાશ પાડતી વાર્તાઓ લખી રહ્યા હતા. એવા સમયે નાનાલાલ જોશીની કલમે ચૂપચાપ નવું ભાવજગત લઈને પ્રવેશી હતી. ગાંધીયુગની અસર વર્તાતી હતી એવા સમયમાં નાનાલાલ જોશીની વાર્તાએ અનોખી મુદ્રા ઉપસાવી હતી. લેખક જે પ્રદેશમાં જન્મ્યા હતા તે કચ્છ પ્રદેશ એમની વાર્તાઓમાં સીધી રીતે પ્રવેશ્યો નહોતો. ક્યાંક વર્ણનોની છાયામાં, ક્યાંક અલંકરણમાં, ક્યાંક ઊંડા વિષાદમાં આછી રેખાઓ બનીને આવ્યો છે. ભાવકને કોઈ ઉપદેશ આપવાની ખેવના રાખ્યા સિવાય લખાયેલી તેમની વાર્તાઓમાં અનાયાસે મૂલ્યબોધ જળવાઈ રહ્યો છે. એમની વાર્તાઓના વિષય અને ઘટના જુદા હોવા છતાં બધી જ વાર્તાઓમાં નિષ્ફળતા પછીનો ક્ષોભ પ્રગટ થાય છે. તેમની વાર્તાઓ ટીસની હોવા છતાં વાર્તામાં જીવન અભિમુખ તત્ત્વને કારણે ઉદાસીન વાર્તાઓ બનતાં અટકે છે. આ લેખકની જીવન પ્રત્યેની દૃષ્ટિ એમનાં પાત્રોમાં દેખાય. એમનું વ્યક્તિત્વ અત્યંત ઋજુ અને અંતર્મુખી. એમનાં પાત્રો પણ એવાં જ. અહીં એક પ્રસંગ મુકવાનું મન થાય છે. એમના મિત્ર રહેલા રમણીક સોમેશ્વરે પોતાના જન્મ દિવસે એમને નિમંત્રેલા. ખાસ્સી રાહ જોઈ તો પણ તેઓ આવ્યા નહીં. એમણે બહાર આવીને જોયું તો બારણા પાસે થોડાં ફૂલો પડેલાં. નાનાલાલની વાર્તા પણ કંઈક એવી જ, પાત્રો પણ કંઈક એવાં જ. એમની સમજ અને સુવાસ અનુભૂતિ કરાવે, જગ્યા ન રોકે. એમની વાર્તાઓ કવિતાગોત્રની લાગે. એમના બન્ને સંગ્રહોનાં નામ પણ કાવ્યાત્મક છે. એ નામની કોઈ વાર્તા સંગ્રહોમાં નથી. એમની વાર્તાનો પ્રાણ કવિતા છે. એમની વાર્તાઓનું ઐતિહાસિક સંદર્ભમાં પણ ચોક્કસ મૂલ્ય છે. એમની વાર્તાઓ વાંચતાં સહેજે ધૂમકેતુ યાદ આવે. પણ ધૂમકેતુ યંત્રના વધતા વ્યાપ વચ્ચે પરાણે ગામડાંનું મહત્ત્વ બતાવે છે, જ્યારે નાનાલાલ જોશીની વાર્તાઓમાં કોઈ એવું તત્ત્વ છે જે વ્યક્તિના જીવનમાં એવી જ પરિસ્થિતિ સર્જે છે. જે નિગૂઢ વેદનાના અનુભવમાં મૂકી દે છે.
નાનાલાલ જોશીના વાર્તાસંગ્રહોનો પરિચય
(૧) અનુરાગ (૧૯૬૨), (૨) ધીમે પ્રિયે (૧૯૬૮)
પહેલા સંગ્રહમાં વીસ અને બીજા સંગ્રહમાં પંદર વાર્તાઓ છે. નાનાલાલ જોશીની મોટાભાગની વાર્તાઓમાં પ્રેમનાં વિધવિધ સ્વરૂપો એના વિધવિધ આરોહ-અવરોહ અને માનવજીવનની બધી બાજુઓ જોવા મળે છે. વિશ્વ સાહિત્યમાંથી નાનાલાલ જોશીએ મેળવેલાં રસસ્થાનો અને મર્મસ્થાનો એમની રસરુચિના પરિચાયક પણ બની રહે છે અને એ માધુકરી એમના સંવેદનશીલ ભાવતંત્રની, એમનાં પાત્રોના વાર્તાલાપોમાં પણ આમાંના કેટલાય ઉલ્લેખો આવ્યા કરે. તો ન્હાનાલાલ, રાજેન્દ્ર શાહ, ઉમાશંકર, સુંદરમ્, બાલમુકુંદ દવેની કાવ્યપંક્તિઓ પણ આવે. નાનાલાલ જોશીને ચિત્ર, ફોટોગ્રાફી અને ફિલ્મ જેવાં દૃશ્ય માધ્યમનું ભારે આકર્ષણ હતું. એ આકર્ષણ એમને મુંબઈ, દિલ્હી, કલકત્તા સુધી ખેંચી ગયું હતું. ‘સીમાડે’, ‘અંધારું’ જેવી વાર્તાઓમાં સ્થળકાળ ચરિત્ર સંકલન પામે છે એમાં એમની આ દૃષ્ટિ જોઈ શકાય છે. ‘નીલકંઠ’, ‘વલોણું’, ‘બીજ’, ‘પરિણામ’, ‘અંદાજ’, ‘નવી પેઢી’ જેવી વાર્તાઓનાં દૃશ્યો લાંબા-ટૂંકા અંતરેથી ઝડપાયાં છે અથવા સ્થળને વિભાજિત કરીને બે સમાંતર ઘટનાઓને વાર્તાવસ્તુમાં ગૂંથવામાં આવી છે. એમાં લેખકની દૃશ્ય સંરચનાની સૂઝ વર્તાય છે. ‘નવી પેઢી’માં ગીતાના ખંડમાં અજિત ગીતાને મળે છે. એ દૃશ્ય એક બાજુ માસ્તર બે ખંડ વચ્ચેના બારણાની તિરાડમાંથી જુએ-સાંભળે છે. બીજી બાજુ વાચક માસ્તરની આંખે અજીત-ગીતાની અને પોતાની આંખે માસ્તરની હિલચાલના સાક્ષી બને છે. આ કલા તેમના ફિલ્મોના શોખને કારણે આવી હોય એવું બન્યું છે. એમની વાર્તાનાં વર્ણનોમાં રેખાઓ સંયોજન પામી સુરેખ દૃશ્ય ઊભું કરતી નથી કે કલ્પન રચાયું નથી. તેમ છતાં એમાં ચિત્રાત્મકતા અને ગત્યાત્મકતા નજરે ચડે છે. જ્યાં જરૂર પડી છે ત્યાં તેમણે ભાષા પાસેથી કામ લીધું છે જેમાં અલંકાર મુખ્ય છે. પરંતુ શું વર્ણનોમાં કે શું બીજે, ભાષાનું પોત એકંદરે સાદગીભર્યું છે. એમના પોર્ટ ઑફિસની કામગીરીને લઈને થયેલો દરિયાકિનારાનો પરિચય ‘દૂરના લંગર’ અને ‘અરેબિયન નાઇટ’ વાર્તાઓમાં પ્રવેશને મદદરૂપ થયો છે. તો પ્લુરસીની સારવાર માટે સેનેટેરિયમમાં રહેવાનું થયું એ વાતાવરણ એ ‘ભૂખરી ટેકરીઓ’માં સક્રિય થયેલું જોવા મળે છે. લેખકે એમનાં બંને પુસ્તકોમાં આગવા વિષયો ખેડ્યા અને છેડ્યા છે. ‘સીમાડે’, ‘અંધારું’ જેવી વાર્તાઓમાં જોગીઓની જમાત અને એમની વેદના આલેખાયાં છે. જે ગુજરાતી વાર્તા સાહિત્યમાં વિરલ છે. તો ‘ફાતમાં ડાકણ’ અને ‘અરેબિયન નાઇટ્સ’ જેવી વાર્તાઓમાં રહસ્યનું જગત ખડું થયું છે. જે બહારથી બિહામણુ કંઈક અજૂગતું જણાતું હોવા છતાં એમાં રહેલી માનવીય સંવેદનાઓને લઈને આ વાર્તાઓને પ્રત્યાયનક્ષમ બનાવવામાં બાધારૂપ બનતું નથી. લેખકની ભરપૂર સૌંદર્યાનુરાગિતા વાર્તાની ભાષાને વૈભવી રૂપ અર્પે છે. સૌંદર્યના આરાધક સર્જકે વર્ણનને ભાષા દ્વારા આહ્લાદક ચિત્રો રચ્યાં છે. જેમાં કેટલાંક દૃષ્ટાંતો સવિશેષ નોંધપાત્ર બને છે. નાનાલાલની વાર્તાઓમાં પાત્રોમાં સરળતા, સચ્ચાઈ અને નિખાલસતા પ્રગટે છે. કેટલાંક પાત્રો એમની વિષમ સ્થિતિને અતિક્રમીને ભલે ચરિત્ર ન બન્યાં હોય તોય એમની ગરવી છાપ ભાવકના ચિત્ત પર છોડી જાય છે. ‘જાગતી જ્યોત’ની રુખી ‘નીલકંઠ’નો નરેશ જેવાં પાત્રો એનું દૃષ્ટાંત છે. જીવતરના વાળાઢાળાના મૂળમાં નિયતિનું નાયકત્વ કહો કે ખલનાયકત્વ સ્વીકારતી આ વાર્તાઓમાં કરુણનો સૂક્ષ્મ પ્રવાહ વહેતો રહ્યો છે. એ કરુણને પ્રેરવામાં ક્યાંક સંવેદનોની માવજત ન થઈ હોવાનું કારણભૂત છે. ક્યાંક માતૃત્વની ઝંખના છે ક્યાંક જીવતરનો માર્ગ ચૂકી ગયાનું અનાયાસે થયેલું સ્ખલન છે, તો ક્યાંક એકલતાનો વિષાદ છે. આ બધું છતાં પાત્રો ભાવકની અને સર્જકની સાથે સહાનુભૂતિ પ્રાપ્ત કરી શકે એ રીતે આલેખવામાં લેખક સફળ થયા છે.
નાનાલાલની વાર્તાઓમાં પાત્રોમાં પ્રેમ ને જીવનની સમજના તાણાવાણા એવી રીતે ગોઠવાયા છે કે ક્યાંય પ્રેમ નથી થયો કે એનો સંતોષ સાંપડ્યો નથી. ત્યારે પણ કરુણની ગમગીની વચ્ચે પણ અધિકારભાવની કોઈ ખેંચતાણ વર્તાતી નથી. નારી સંવેદનના સૂક્ષ્મતળ અને પડોને ઉખેડતા લેખકની સર્જક ચેતનાએ ઊંડી નિસબતથી ઉકેલવાની સચ્ચાઈસભર મથામણ કરી છે. છેક ધૂમકેતુથી માંડીને અત્યાર સુધીના વાર્તાકારોની વાર્તાઓમાં આલેખાયેલી નારીની માંગ નારીની પ્રકૃતિગત લાક્ષણિકતાઓ જુદા અભ્યાસનો વિષય બને છે, ને બની પણ છે. નાનાલાલ જોશીની વાર્તાઓ આજથી સાત દાયકા પહેલાં સ્વયં સ્ત્રી પણ ન ઉકેલી શકે એવી નારી સંવેદના અશ્લીલતાથી અભડાયા વિના અનાવૃત્ત થઈ છે. પુરુષોને ઇચ્છતાં, એના માટે ઓળઘોળ થઈ જતાં આવાં નારી પાત્રો પણ અહીં છે. તો બીજી બાજુ પુરુષે આપેલી વેદનાથી કાળજાળ થઈને ખૂંખાર સ્વરૂપે પ્રગટાવી ‘અંધારું’ની નાયિકાની રૌદ્રતા નારીનું બીજું એક વણસ્પર્શ્યું પાસું પણ દર્શાવે છે. નાનાલાલ જોશીએ વાર્તાઓમાં ઘટનાને ઓગાળીને, વાતને વળ ચડાવ્યા વગર સૌંદર્યબોધી ભાષામાં કથાનકો મૂક્યાં છે.
નાનાલાલ જોશીની વાર્તાના વિવેચકો :
‘ભાઈ નાનાલાલ જોશીની મૃદુ કાવ્યાત્મકતા એ એમની આગવી શક્તિ છે. એમની શક્તિની પિછાન આ સંગ્રહની વાર્તાઓમાં ઠેર ઠેર થયા કરે છે.’ (અનુરાગની પ્રસ્તાવનામાંથી)
– ગુલાબદાસ બ્રોકર
‘શ્રી નાનાલાલ જોશીની વાર્તાઓ કોઈ કોઈ વાર જ દેખા દે છે. વધુ લખવા તરફ નહીં પણ સારું લખવા તરફ એમની નજર રહેલી છે. કચ્છના સીમાડેથી ડૉ. જયંત ખત્રી પછી ટૂંકીવાર્તાની ક્ષેત્રે એમની ઠરેલ કલમની ધીમી પણ સ્વસ્થ ગતિએ ધ્યાન ખેંચ્યું જ છે.
– અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
સંદર્ભ :
‘નાનાલાલ જોશીનો વાર્તાલોક’, સંપા. દર્શના ધોળકિયા
માવજી મહેશ્વરી
નવલકથાકાર, વાર્તાકાર
અંજાર (કચ્છ)
મો. ૯૦૫૪૦ ૧૨૯૫૭