ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/બિપિન પટેલ

Revision as of 03:29, 25 December 2025 by Meghdhanu (talk | contribs) (Email / Footer Corrected)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
બદલાતા સમય અને સમસ્યાઓને
સમાંતરે આલેખતા વાર્તાકાર :
બિપિન પટેલ

દશરથ પરમાર

GTVI Image 130 Bipin Patel.png

સર્જક પરિચય :

વાર્તાકાર, અનુવાદક, સંપાદક બિપિન પટેલનો જન્મ ૦૧-૦૬-૧૯૫૩ના રોજ ઉત્તર ગુજરાતના દેત્રોજમાં. પિતાજી અમદાવાદમાં ન્યૂ કૉટન મિલમાં કામદાર, તેથી પ્રાથમિક ઉછેર પૂર્વઅમદાવાદના નિમ્નવર્ગીય વિસ્તાર અમરાઈવાડીમાં. પછીથી નવરંગપુરા ગામમાં. અભ્યાસ : અંગ્રેજી સાહિત્ય સાથે બી.એ., બી.ઍડ્‌. સમગ્ર કારકિર્દી ગાંધીનગર, સચિવાલયના વિવિધ વિભાગોમાં આસિસ્ટન્ટથી માંડીને ઉપસચિવ સુધી પસાર થઈ. એ જ હોદ્દા પરથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ અમદાવાદ ખાતે વાચન-લેખનની પ્રવૃત્તિમાં મગ્ન. વિશ્વસાહિત્યનો અભ્યાસ, સચિવાલયના મિત્રોના સાહિત્યવ્યાસંગ અને ‘બૃહસ્પતિ સભા’(રાત્રિ)ની નિયમિત હાજરીના ફલસ્વરૂપે ૧૯૯૦માં ‘હોળી’ નામની પ્રથમ વાર્તા લખી. ‘જે કોઈ પ્રેમઅંશ’ (૨૦૦૮) માટે ધૂમકેતુ નવલિકા પુરસ્કારથી પુરસ્કૃત બિપિનભાઈની ‘ગ્રહણ’ વાર્તાને રાષ્ટ્રીય કક્ષાનો કથા ઍવોર્ડ પ્રાપ્ત થયો છે.

સાહિત્ય સર્જન :

અનુવાદ :
(૧) ‘અસૂયા’ (જ્યૉર્જ સિમેનોનના ‘ધ ડોર’નો અનુવાદ (૧૯૯૨)
(૨) લાભશંકર ઠાકરના નાટક ‘વૃક્ષ’નો અંગ્રેજી અનુવાદ ‘Knit India Through Literature’ પુસ્તકમાં સમાવેશ.
સંપાદન :
‘ગુજરાતી નવલિકાચયન’ (૧૯૯૮)
વાર્તાસંગ્રહ :
(૧) ‘દશ્મન’ (બિપિન પટેલની વાર્તાઓ ખંડ ૧)
(૨) ‘સિલ્વર જ્યુબિલી’ (બિપિન પટેલની વાર્તાઓ, ખંડ ૨, ‘જે કોઈ પ્રેમઅંશ’ અને ‘વાંસનાં ફૂલ’ – બે વાર્તાસંગ્રહોનો સંયુક્ત સંગ્રહ)
(૩ ‘પંચદ્રવ્ય’ (બિપિન પટેલની વાર્તાઓ, ખંડ ૩)
કૃતિ પરિચય :

(૧) ‘દશ્મન’ (બીજી આવૃત્તિ, ૨૦૨૪, ઝેડ કેડ પબ્લિકેશન, અમદાવાદ).

પ્રસિદ્ધ ચિત્રકાર અતુલ ડોડિયાનું આવરણચિત્ર, મનીષ પટેલની ડિઝાઈન અને પંદર વાર્તાઓ ધરાવતો આ પ્રથમ સંગ્રહ લેખકે ‘આ વાર્તાલોકનાં ભાવ અને ભાષાનાં ઘડનારાં બા અને મોટાભાઈ(બાપુજી)ને’ અર્પણ કર્યો છે. અધિકાંશ રચનાઓ ઉત્તર ગુજરાતના ગ્રામસમાજનાં પાત્રો, સમાજમાં ભળી ન શકતા કે પોતાની જાતને એ વ્યવસ્થામાં ગોઠવી ન શકતા એકાકી પાત્રોની પીડા, સ્ત્રી-પુરુષ સંબંધની સંકુલતા અને પુરુષપ્રધાન સમાજની માનસિકતા સુપેરે અભિવ્યક્તિ પામી છે. સમાજ સામેના કશાક નકારની, વિરોધની વાત અને સવર્ણ સમાજ દ્વારા થતી દલિત સમાજની નાયિકાની અવહેલનાની વાર્તાઓમાં લેખકની સામાજિક પ્રતિબદ્ધતા વ્યક્ત થઈ છે. ગ્રામસમાજની સમસ્યાઓના આલેખનમાં વાર્તાકારે ઉત્તર ગુજરાતની લોકબોલીનો યથોચિત વિનિયોગ કર્યો છે. મોટા ભાગની વાર્તાઓ સર્વજ્ઞના કથનકેન્દ્રથી કહેવાઈ છે.

GTVI Image 131 Dashman.png

‘દશ્મન’માં બાપાના શ્રાદ્ધ નિમિત્તે સૌ પરિવારજનો શહેરમાં અનુભાઈને ત્યાં એકત્રિત થયાં છે. જાતજાતના ઑર્ડર છોડતાં બા પણ હાજર છે. બાપાની હયાતી દરમ્યાન રેકોર્ડ કરી રાખેલી એક કૅસેટમાં અનુભાઈ, આનંદીબેન, કાશી અને મોટાભાઈનાં બાપા વિશેનાં સંસ્મરણો સૌ અહોભાવથી સાંભળે એમાંથી બાપાનું એક ચિત્ર ઉપસી આવે છે. કૅસેટ પૂરી થયા પછી એક નાટ્યાત્મક ઘટના ઘટે છે અને જ્યોત્સ્ના બાપાના અવાજમાં બોલવા લાગે છે. મોટાભાઈને ખબર છે કે બાપાના અવસાન પછી ઘણીવાર એ આવો બબડાટ કરતી. પરંતુ, કોઈએ એ બાબત પર ધ્યાન આપ્યું નહોતું. ગોમતીબાની ઉપસ્થિતિમાં આમ થતાં તેઓ ભૂવાને બોલાવવાની તો અનુભાઈ ડૉક્ટર પાસે જવાની વાત કરે છે. એમને ભય છે કે, ભૂવો જ્યોત્સ્નાભાભીને ગભરાવીને બધું બોલાવે તો? સૌને કૅન્સર જેવી જીવલેણ બિમારીથી પીડાતા બાપાની અંતકાળે પોતાના દ્વારા થયેલી ઘોર ઉપેક્ષા ખુલ્લી પડી જવાની આશંકા છે. શ્યું કરવા દખી કરો છો – તમારું શું બગાડ્યું છ – દશ્મનો – તમારું – મારું લગાર હેંડવા – લગાર – ઘૈડપણ કુણે મોકલ્યું? કરતી જ્યોત્સ્ના ગાવા લાગે છે. ‘છ – તે – છ – તે – પરજા – દશ્મન –’ કરતી જ્યોત્સના અંતે ‘જઉં સું – દશ્મન’ કહી ઢળી પડે છે. સૌએ કૅસેટમાં બાપાની વિશેષતાઓ-મર્યાદાઓની અહોભાવથી કરેલી વાતો અને વાસ્તવમાં એમના પ્રત્યે આચરેલા અમાનવીય વર્તનની સહોપસ્થિતિની પ્રયુક્તિથી માનવીય સંબંધોના દંભ અને પાખંડના અકળ ભાવો લેખકે બરાબર ઝીલીને જ્યોત્સ્નાના ઉદ્‌ગારોમાંથી વૃદ્ધ મા-બાપ માટે પોતાના સંતાનો જ દુશ્મન છે, એવી વાત સુપેરે આલેખાઈ છે. પ્રતીકાત્મક વાર્તા ‘ગ્રહણ’માં મનુષ્યના જીવનના અધઃપતનનું સંયમપૂર્ણ આલેખન છે. ગ્રહણ વિશે વૈજ્ઞાનિક જ્ઞાન ધરાવતો સંદીપ પત્ની જાગૃતિને એ સંદર્ભે સમજાવે છે. તો સમાંતરે રામાયણ જેવા ધર્મગ્રંથોમાંથી પ્રાપ્ત કરેલો મણિબાનો પૌરાણિક અભિગમ પૌત્ર રીતુ સમક્ષ અભિવ્યક્ત થયો છે. સંદીપ ટી.વી. વિશેના જાગૃતિ અને સંતાનોના વ્યામોહથી પણ વાકેફ છે. ‘રંગોલી’ જોતાં જોતાં હીરોનું સ્ટૉનવૉશ્ડ પૅન્ટ અને ખુલ્લાં બટનવાળી કાળી જરસી, હાથ પર કાળું લૉકેટ, ગળામાં માદળિયું, જરસીની ચસોચસ બાંયમાંથી દેખાતા એના માંસલ હાથ, હીરોઈનની કમરે હાથ ભેરવીને ઘાસના મેદાનમાં નાચતા ક્લીન શેવ્ડ વિનોદ ખન્ના અને પતિ સંદીપ સામે વારંવાર જોતી જાગૃતિનો મજબૂત પુરુષ દેહ પ્રત્યેનો મોહ જાગૃત થયેલો જોવા મળે છે. મોટા સદરાની બાંયમાંથી પાતળા સ્ટમ્પ્સ જેવા હાથ, માથે પડેલી ટાલ અને આછા વાળને કારણે ચકલી જેવા ચહેરાવાળો સંદીપ જાગૃતિને કાયમ ચાડિયા જેવો લાગ્યો છે. ટી.વી. સ્ક્રીનમાં ઊતરી ગયેલી જાગૃતિનું ‘જામે છે સાલો, બાપુડી મજ્જા આવી ગઈ’ જેવું વિધાન સંદીપ પ્રત્યેના એના દૈહિક અભાવનું સૂચક છે, જેની ગ્રહણ દરમ્યાન માળિયાની સફાઈ વખતે ધનજી દ્વારા પૂર્તિ થાય છે. વાર્તામાં ઉલ્લેખાયું છે તેમ આ ખગ્રાસ; પૂર્ણ ગ્રહણ છે. સમાગમની ક્ષણે ચુંબન અને બચકાં વચ્ચેનો ભેદ ભૂલીને જાગૃતિની આખી કાયાને ગૂંદી નાખતો ધનજી જાણે ખગ્રાસ ગ્રહણનું પ્રતીક બની રહે છે. એક તરફ ધાર્મિકતાથી રંગાયેલો, બીજી તરફ ટી.વી. જેવાં મનોરંજનનાં માધ્યમોથી વ્યાપતી જતી વિકૃતિને પરિણામે નૈતિક પતન તરફ ધસી રહેલો સમાજ અને એના પ્રભાવમાં આવી જઈ નોકરને પોતાની જાત સોંપી દેતી નાયિકા. આ બધી બાબતો સૂચવે છે કે આપણાં રસરુચિને લાગેલા ગ્રહણમાંથી મુક્ત થવું અસંભવ છે. ‘ગુજરાતણો, ગાંગલી ઘાંચણો, ગ્રહણ છૂટી ગયું ને? લ્યો, અમે મોટું ચક્કર મારીને આવ્યા – શો પહાડ તૂટી પડ્યો?’ ગ્રહણ દરમ્યાન ઘટેલી ઘટનાથી અજ્ઞાત સંદીપનું આ વિધાન ખાસ્સું વ્યંજનાગર્ભ બની રહે છે. લોકબોલીનો સમુચિત વિનિયોગ અને ગ્રહણ વિશે પુરાકથાનો સંદર્ભ વાર્તાને એક ઊંચાઈ બક્ષે છે. ‘કસ્તર’માં બાની સાથે મામાના ઘેર લગ્નપ્રસંગમાં આવેલો કથક હરિજનો-ગિરિજનો પ્રત્યેની બા, મામા અને મોસાળના લોકોની ‘નોકરીમાં રીજવેશન, દાક્તરીમોં રીજવેશન, અચેકા ઘરમથી બબ્બે-તત્તૈંણનં નોકરી મળ.’ જેવી માનસિકતાથી પરિચિત છે. નાયકની સ્પષ્ટ માન્યતા કે, સદીઓની યાતના અને પછાતપણા પછી આટલી સગવડો મળે એમાં ખોટું શું છે? પરંતુ મામા એને નહીં પહોંચાય કહી એની વાતનો છેદ ઊડાડી મૂકે છે. નાયક જમણવાર વખતે છેલ્લી પંગતમાં ઘરનાં લોકો અને ગામનાં છોકરાં સાથે બેસેલી મંગુની દલિત સખી શાંતાને પીરસી રહ્યો છે. એની જાણ થતાં શાંતાને પંગતમાંથી ઊઠાડી મૂકવામાં આવે છે. વાત આટલેથી જ અટકતી નથી. એણે હાથઘરણા પેટે આપેલો ચાંલ્લો પરત આપવા મામા હરિજનવાસમાં જાય છે. જો કે, ‘કુંવાશીનં આલેલા પૈશ્યા પાછા ના લીજીયે..’ કહીને શાંતાની મા પાછા લેતી નથી. હરિજનવાસનાં સાદાં ઝૂંપડાંની જગ્યાએ પાકાં મકાનો, ઉપરનો સળંગ લીલો રંગ, દીવાલો પર લખેલાં ભક્તિપૂર્ણ સૂત્રો વગરે બદલાતા જતા સમાજની વાસ્તવિકતાને ચીંધે છે, જે સૂચવે છે કે દલિતોની સુધરતી જતી આર્થિક-સામાજિક સ્થિતિની સ્વીકૃતિ અન્ય સમાજો દ્વારા થવી હજી બાકી છે. તો ભોજન સમારંભ ટાણે શાંતાનું આંખોમાં ઝળઝળિયાં સાથે મંડપ બહાર નીકળવું, એને જતી જોઈ નાયકનો હાથ ધ્રૂજવો અને પવન ફૂંકાઈને વંટોળિયો ચડતાં ઘરડાં બાની થાળીમાં પડેલું કસ્તર વાંકા વળી લઈને બાજુમાં નાખી દેવું – કથકની આ તમામ ક્રિયાઓ એની વિક્ષિપ્ત માનસિક સ્થિતિની સૂચક છે. વ્યથિત નાયક એક ઓરડામાં ડામચિયે ચડીને બેસી રહે છે. હેઠ ઊતરી બધાં સાથે જમવા બેસતાં એને થાય છે કે બળ કરીને કહી દઉં : ‘મને પણ અલગ બેસાડો ને!’ આ મૂક વિધાનમાં નાયકની દલિતો-પીડિતો પ્રત્યેની અનુકંપા સબળ અભિવ્યક્તિ પામી છે. ‘વૉશિંગ મશીન’માં પુત્ર અને પુત્રવધૂ વડે થતી વયોવૃદ્ધ સાસુની અવહેલના અને બદલાતી જતી જીવનશૈલીનો અસ્વીકાર રેખાંકિત થયો છે. ઘરમાં આવેલાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો સામે સાસુ ડાહીબાને સૂગ છે. એમણે સ્વેચ્છાએ સૌનાં કપડાં ધોવાનું કામ સ્વીકારી લીધેલું છે. એમના માટે એ એક જ ક્રિયા જાણે જીવનાધાર સમાન છે. પરંતુ, એકવાર પેટમાં ગોળો ચડવાથી પોતે કપડાં ધોઈ શકતાં નથી. પરિણામે, દીકરા-વહુને મશીન લાવવાની તક મળી જાય છે. વાર્તાના ફ્લેશબૅકમાં આવતી પોતાના પિતા અને ભાઈની કૂવા પર મોટર મૂકવા બાબતે થયેલી ચડસાચડસી ડાહીબાની વર્તમાનની વ્યથાને વળ ચડાવે છે. દરમ્યાન બીજે દિવસે મશીન આવી પણ જાય છે. ઊંઘમાંથી જાગેલાં ડાહીબા જુએ છે તો, સહુથી ઉપર રહેલો એમનો સાલ્લો ધમ્મ ધમ્મ વલોવાતો હતો. અહીં બાની પીડાની પરાકાષ્ઠા પ્રતીકાત્મક રીતે અભિવ્યંજિત થઈ છે. ‘બુફે’માં હાસ્ય-કટાક્ષના સૂરમાં બુફેના નામે સમાજમાં થઈ રહેલા દેખાડાઓ સુપેરે ઉપસાવાયા છે. મોભાદાર ગણાતા મગનભાઈએ બધુ નક્કી કરી દીધું છે. પરંતુ, ભાઈઓ અને કુટુંબીઓને ખોટું ન લાગે એટલે એમને ‘મોટાભા’ કરવા રાત્રે પોતાને ત્યાં બોલાવ્યા છે. બે ભાગમાં વહેંચાતી લાગતી આ વાર્તાના પ્રથમ ભાગમાં ‘બુફે’ અને ‘આઈટમ્સ’ નક્કી કરવાનાં વર્ણન છે. તો બીજા ભાગમાં ‘બુફે’નું વાસ્તવિક ચિત્રણ છે. હૉલમાં વીડિયોગ્રાફર અલગ અલગ ઍંગલથી શૂટિંગ કરે છે. સૅન્ટ અને પાઉડરની સુગંધ રેલાવતા સૂટેડ-બૂટેડ બિઝનેસમેનો, એમની સભ્ય ભાષા અને મગનભાઈનાં સગાંવહાલાં અને કુટુંબીઓની તળભાષા – બધાની ભેળસેળ થતી રહે છે. ભોજન સમારંભને અંતે નંદાબેન થાકીને ડીશ લઈ નીચે બેસી પડે છે. એમની સાથે બીજાં લોકો પણ ‘બુફે’ છોડીને ભોંય બેસવા લાગે છે. સભ્યતાનો અંચળો ઓઢીને શહેરીજનો દ્વારા આચરવામાં આવતો દંભ અને ગ્રામજીવનની નિર્દોષ સંસ્કૃતિનો સંઘર્ષ લેખકે હળવા સ્વર અને બોલીના સાર્થક વિનિયોગ દ્વારા વ્યક્ત કર્યો છે. ‘કરિયાવર’, ‘તદ્‌ દૂરે તદ્‌ દૂરે’ અને ‘કારણ’ વાર્તાઓમાં નારીજીવનની કારુણિકા અભિવ્યક્તિ પામી છે. ‘કરિયાવર’ની નર્મદાના જીવનમાં અપાર પીડા છે. ઉડાઉ પતિના મરણ પછી કપડાં સીવીને બાપ જેવા જ પાકેલા દીકરા પ્રદીપને મોટો કરે છે. પરણાવે છે. વહુ કરિયાવરમાં ઘણું લાવી છે. પણ એથી બાળોતિયાની બળેલી નર્મદાના જીવનમાં કશો ફરક પડતો નથી. વાર્તાન્તે સંચા પર બેસી પરસેવે રેબઝેબ થઈ જતી નર્મદાનો કરુણ દુખાંત આપણને સાંપડે છે. તો, ‘તદ્‌ દૂરે તદ્‌ દૂરે’માં લગ્ન અને કુટુંબજીવનથી દુઃખી બે અભિન્ન સખીઓ સ્વાતિ અને વીણાની વેદનાની વાત છે. વીણાને વહેમ છે કે, એનો પતિ કોઈ શિક્ષિકા સાથે લપેટાયો છે. સ્વાતિના ડૉક્ટર પતિ કે પુત્રને લગ્નની વર્ષગાંઠ યાદ નથી. આ પીડાને લીધે એ વીણાનો સાથ ઝંખે છે. પરંતુ, વીણા ઘણા સમય પછી પતિ ઘેર પાછો ફરતો હોવાનું કહી, સ્વાતિને એકલી છોડી સડસડાટ આગળ નીકળી જાય છે. ‘ચાલ જીવ ત્યારે’ કહીને ધીમે ડગલે રોડ ક્રોસ કરી જતી સ્વાતિ, સંસ્થાકીય સંબંધોને દૂર સરતા જોઈ કૌટુંબિક સંબંધોનું પુનઃસંધાન રચવા સંચરે છે. એની આ એકલતાની પીડા સૂક્ષ્મ રીતે આલેખાઈ છે. બન્ને સ્ત્રીઓના પતિઓની અનુપસ્થિતિમાં એમની નબળી બાજુઓ વિશે લેખકે કથન-વર્ણનકલાના માધ્યમથી આપણને કુશળતાપૂર્વક અવગત કરાવ્યા છે. પ્રથમ પુરુષમાં કહેવાયેલી વાર્તા ‘કારણ’માં પોતાના સાળા દ્વારા ‘નવી જવાબદારી ઊભી ન કરતા’ કહીને થયેલા અપમાનનો બદલો લેવા રઘવાયો થયેલો મલય પત્ની કેતકી ઉપર બળજબરી કરવા પ્રયાસ કરે છે. પરંતુ, કેતકી મક્કમપણે વિરોધ કરતાં કહે છે કે, ‘હવે સહન નહીં કરું. ના, નહીં થવા દઉં!’ વાર્તામાં વરસાદ સાથે જોડાયેલાં કેતકી-મલયનાં પ્રણય-સંવેદનો સંવેદનક્ષમ બન્યાં છે. ‘ચકરાવો’માં સચિવાલયમાં કામ કરતા કર્મચારીની ટોળામાં ભળી ન શકવાની પીડા આલેખાઈ છે. તો ‘હેન્ડીકૅપ’માં અમદાવાદ-ગાંધીનગર રોજેરોજ અપ-ડાઉન કરતા સચિવાલયના કર્મચારીઓ દ્વારા બસમાં સોનીભાઈ નામના એક અપંગની અનામત સીટ વિશે ટીખળ અને મજાકો કરી, એને એનાથી દૂર રાખવાનાં કમઠાણ રચી, એની પીડાની અવગણનાની વાત વ્યક્ત થઈ છે. ‘આસ્થા’માં ગેરસમજનો ભોગ બનેલી નવ પુરુષ કર્મચારીઓ વચ્ચે નોકરી કરતી આસ્થાની કરુણ નિયતિનું આલેખન જોવા મળે છે. લેખકની પ્રથમ વાર્તા ‘હોળી’ ચોતરફ વ્યાપેલાં સામાજિક દૂષણો સામે છૂપો રોષ અને નકાર દર્શાવતા નાયકની કથા છે. તો, ‘નીતા’માં પ્રણયનું સંવેદન, ‘કહેવું પડે!’માં નાયક શાંતિલાલ અને ઘણા વર્ષે મળેલા મિત્ર દિનુભાઈની સામાજિક-આર્થિક સ્થિતિની અને અંતે પત્ની દ્વારા ઉશ્કેરવામાં આવતાં શાંતિલાલ જે ગરોળીથી કાયમ બીતા એના પર નિષ્ફળ હુમલો કરી બેસે છે. પોતાના પંથમાં બળજબરીથી શિરીષને ભેળવવા માગતા નાનાભાઈ-મોટાભાઈ અને નાયકના બૌદ્ધિક સંવાદો તળે દબાઈ જતી ‘ભાવસમર્પણ’ ખાસ્સી મુખર લાગે છે. આમ, પ્રથમ સંગ્રહમાં બિપિન પટેલ સામાન્ય મનુષ્યના વાસ્તવિક જીવનની અનેક વિસંગતતાઓ, વિષમતાઓ, ગ્રામજીવન અને નગરજીવનના સંઘર્ષો, માનવીય વૃત્તિઓ, દંભ-પાખંડ, સ્ત્રી-પુરુષ સંબંધોની સંકુલતા, અસ્પૃશ્યતા જેવા વિષયોને વાર્તામાં સફળતાપૂર્વક રૂપાંતરિત કરી શક્યા છે. લેખક દ્વારા થયેલી કથન અને કથ્યની માવજત અને સંયમિત વર્ણનો તેમજ સહોપસ્થિતિ, સ્મૃતિવ્યાપાર જેવી વિવિધ રચનાપ્રયુક્તિઓ અને ઉત્તર ગુજરાતની બળુકી લોકબોલીની સાથોસાથ નગરની શિષ્ટમાન્ય ભાષાનો સમુચિત વિનિયોગ આ સંગ્રહને નોંધપાત્ર બનાવે છે.

(૨) ‘સિલ્વર જ્યુબિલી’ (પ્રથમ આવૃત્તિ : ૨૦૨૪, ઝેડ કેડ પબ્લિકેશન, અમદાવાદ)

મુખપૃષ્ઠ પર વિશ્વપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી અતુલ ડોડિયાનું ચિત્ર અને ફ્લેપ પર શ્રી ગુલામમોહમ્મદ શેખનો કેટલીક વાર્તાઓ વિશેનો મિતાક્ષરી પરિચય ધરાવતા આ સંગ્રહની આવરણ ડિઝાઈન મનીષ પટેલે તૈયાર કરી છે. પોતાનાં ધર્મપત્ની ‘સુધાને...’ અર્પણ કરાયેલા આ સંયુક્ત સંગ્રહમાં, ઇમેજ પબ્લિકેશન્સ દ્વારા પૂર્વે પ્રકાશિત બે સંગ્રહો ‘જે કોઈ પ્રેમઅંશ’ (૨૦૦૮) અને ‘વાંસનાં ફૂલ’ (૨૦૧૭)નો સમાવેશ કરવામાં આવ્યો છે.

GTVI Image 132 Silver Jubilee.png

(૧) જે કોઈ પ્રેમ અંશ (બીજી આવૃત્તિ, ૨૦૨૪) આ સંગ્રહની નવ વાર્તાઓમાં લેખકના પ્રથમ સંગ્રહથી સાવ ભિન્ન વિશ્વનાં દર્શન થાય છે. અહીં લોકબોલીની લગભગ બાદબાકી થઈ ચૂકી છે. શિક્ષિત શહેરીજનો, સરકારી કર્મચારીઓ, અંગ્રેજીમિશ્રિત નાગરી ભાષા અને નગરજીવનની સમસ્યાઓ કેન્દ્રમાં આવ્યાં છે. સંગ્રહની અધિકાંશ રચનાઓમાં વહીવટી તંત્રની આમ આદમીને ન્યાયથી વંચિત રાખવા માટેની ખટપટો, બજારવાદની પ્રબળ અસરો, પ્રેમના બહાના હેઠળ પિતૃસત્તાત્મકતાની ધોંસ, દામ્પત્યજીવનમાં છેતરાયાની પીડા, માનવસંબંધોની સૂક્ષ્મ અને અકળ લીલાઓ વગેરેનું આલેખન જોવા મળે છે. ‘પિટિશન’માં દસ વર્ષ પૂર્વે ઑફિસમાં રોજમદાર તરીકે રાખેલા કેટલાક પટાવાળાઓએ કાયમી કરવા માટે કૉર્ટમાં પિટિશન કરી છે. એ સંદર્ભે કૉર્ટ તરફથી રિજીયોનલ ઑફિસમાં એક ઑર્ડર આવ્યો છે; નિશ્ચિત તારીખે તમામ પિટિશનર્સને કૉર્ટમાં ઉપસ્થિત રહેવાની જાણ કરવા માટે. સુપરિટેન્ડન્ટ ઉત્તમ પટેલ અંગ્રેજીના નિષ્ણાત છે. આખાય વિભાગમાં એમના સિવાય કોઈની તાકાત નથી કે આનો ડ્રાફ્ટ કે પેરવી કરી શકે. સાહેબના પી.એ.નો ફોન આવે છે. બધી જવાબદારી એમને અને પંચોલીને સોંપવામાં આવતાં ઉત્તમભાઈ ઍક્શનમાં આવી જાય છે. ચાવાળા ચમનનો કાકો વેલજી મુખ્ય પિટિશનર હોવાથી ચમનને પકડીને કહેવામાં આવે છે કે, ‘આ તો તારા કાકાના લાભની વાત છે. આમેય કેસ હારેલા જ છો. એકવાર તમારા વકીલને લઈને હાજર થશો તો કંઈક મેળ પડશે.’ થોડાક સમય પછી ચમન વેલજીને ઑફિસે લઈને આવે છે. ઉત્તમભાઈ પંચોલીને સમજાવી દે છે કે, આ બન્નેની સહીઓ લઈને તેઓ બીજાઓને એ પહોંચાડી દેશે – એ મતલબનું લખાણ લઈ ચૅપ્ટર ક્લોઝ કરી દો. મુદ્દતના દિવસે વેલજી અને એના ત્રણ સાથીદારો કૉર્ટમાં ઉપસ્થિત છે. પૈસાની લાલચે છૂમંતર થયેલા એમના વકીલ ઠક્કરની અનુપસ્થિતિમાં જજ કેસ ડિસમિસ કરી નીચલા અધિકારીને ફાઈલ સોંપી દે છે. એમના અંગ્રેજીપ્રચુર સંવાદો સમજ્યા વિના કશીક આશામાં ટળવળતા ત્રણ પૈકીનો રણછોડ પૂછે છે કે, ‘હવારના ધોડ ધોડ કર છ તે સાહેબ વેલજીનો મેળ પડી જશે ને?’ પોતાના કૉર્ટકેસમાં આમ બીજી વાર બન્યાનું ગૌરવ અનુભવતા ઉત્તમભાઈ ‘હા, હા, રણછોડ વેલજીનો મેળ પડી ગયો’ એમ કહી સડસડાટ પગથિયાં ઊતરી જાય છે. અભણ, અંગ્રેજી ન જાણતા પીટિશનરને ન્યાયથી વંચિત કેમ રાખવો એની કોઈને ગંધ પણ ન આવે તેવી વહીવટીતંત્ર, ન્યાયતંત્ર અને સરકારી કર્મીઓની ચાલ સંવેદનશીલ ભાવકને અચંબામાં મૂકી દે છે. ‘જે કોઈ પ્રેમ અંશ’ પ્રેમ, સંદેહ અને અંતે નાયકના મનમાં ઊભરી આવતા શાંત, હકારાત્મક ભાવ-ભાવનાના આટાપાટાની વાર્તા છે. માનવેન્દ્રની પત્ની સુમન પચીસ વર્ષના સહવાસ પછી પેટની કોઈક બીમારીને કારણે મૃત્યુ પામી છે. લગ્નજીવન દરમ્યાન એ ‘વહુઘેલો’, ‘હેનપેક્ડ’, ‘ચેલો’ જેવાં ઉપનામો કમાયેલો માનવેન્દ્ર જેને ‘બ્લૅક બ્યુટી’ તરીકે ઓળખે છે તે પત્ની સુમનનું સાંજે સાત વાગ્યે મૃત્યુ થયું છે. આખી રાત એની સાથે કાઢવાની છે. એ દરમ્યાન એને સુમન સાથેની વિરલ પળો યાદ આવતી જાય છે. સુમનને ગમે તે સ્થિતિમાં પોતે ઓળખી શકે એવું ગુમાન ધરાવતા કહો કે વિશ્વાસથી ભરપૂર માનવેન્દ્ર દ્વારા એને ‘સૌંદર્ય, સંસ્કાર અને ચારિત્ર્ય’ના કારણે જ પસંદ કરવામાં આવેલી. મિત્રો સાથેની ડ્રિંક્સ પાર્ટીમાં એકવાર પ્રેમ, શુદ્ધ પ્રેમ અને ચારિત્ર્ય વિશેની ચર્ચા થતાં માનવેન્દ્ર પોતાની થીસિસ પ્રમાણે જણાવી દે છે કે, ‘ગમે તેટલાં વિઘ્નો આવે, અવરોધો આવે, અરે! આંધી-તોફાન આવે કે લપસી પડાય એવાં લોભામણાં આકર્ષણો આવે તો પણ ટકી રહે એ પ્રેમ, બાકી બધાં દેહાકર્ષણો.’ એ જ બેઠકમાં સૅક્સની ચરમસીમા વખતે અન્ય પ્રિય પાત્રની કલ્પનાથી અઠ્ઠાણું ટકા પાર્ટનરોને વધારે આનંદ આવતો હોવાના મિત્રના સર્વેક્ષણ સંદર્ભે પણ માનવેન્દ્ર બાકીના બે ટકાના પક્ષમાં ઊભો રહે છે. એના ચિત્તમાં ચરમ પળે કે વિષમ ક્ષણે સુમન સિવાય કોઈ સ્ત્રી ક્યારેય નથી આવી. માનવેન્દ્રને ચીડવવા ખાતર એના રોમેન્ટિક મિત્ર પરાગે પણ એકવાર લગ્નબાહ્ય સંબંધો વિશેની વાત કરતાં પૂછેલું કે, સુમનભાભી કરે તો? –ના ઉત્તરમાં એ કહે છે કે, ‘ના, એ શક્ય જ નથી. કદાપિ નહીં. એને એવો વિચાર પણ ન આવે. એના કૅરેક્ટરની તને ખબર જ નથી.’ સુમનના ચારિત્ર્ય વિશે નિઃશંક માનવેન્દ્ર સુમનના દેહ પાસેથી ઊભો થઈને બીજા રૂમમાં જાય છે. વાતોમાં મશગૂલ મિત્રોથી દૂર બેસે છે. એને અડધુંપડધું સંભળાય છે. સુમન વિશેની વાતો સાંભળી એને લાગે છે કે, મિત્રો પણ એના દુઃખમાં સહભાગી છે. ત્યાં જ એનું ભ્રમનિરસન થાય છે. હકીકત અને કલ્પનાની ભેળસેળ સાથે માનવેન્દ્રને સંભળાય છે કે, ‘બાકી કહેવું પડે હોં, સુમનભાભી ચુસ્ત રહ્યાં છેક સુધી. મનિયાને જલસા કરાવતી હશે અને પેલા પરિતોષનેય. એનું, પરિતોષનું ને સુમનનું ખાસ્સું બે-ત્રણ મહિના ચક્કર ચાલેલું. એ લોકો મિત્રો, ગાઢ મિત્રો હતાં ને? એ જે હોય તે. પણ બન્નેનું જામેલું એ વાત સો ટકા સાચી. માનવેન્દ્રને ગંધ સુદ્ધાં આવવા નહોતી દીધી.’ માનવેન્દ્રનું નાક ગંધથી ભરાઈ જાય છે. મારી સુમન એવું કરે? ના, એ કદાપિ નહીં. સાલાઓની પાસે પુરાવા માગું તો બોલતી બંધ થઈ જાય. ભૂતકાળના પોપડા ઉખેડવા આવ્યા છે કે મારું દુઃખ હળવું કરવા માટે? એને પછીથી થાય છે કે, કદાચ સુમન લપટાઈ પણ હોય. એક વાર બધા મિત્રોની ડ્રિંક્સ પાર્ટી હતી. કાયમ કરતાં બધાએ બે પેગ વધારે ફટકાર્યા હતા. સુમન પણ બે પૅગ મારી ગઈ હતી. પોતે પણ ઢળી પડેલો. બાજુમાં ગોઠવાઈ ગયેલી સુમનના ચહેરા પર તૃપ્તિનું સ્મિત ફરકતું હતું. એ એટલી બધી સૅક્સી લાગતી હતી કે એણે પૂછેલું, ‘હો જાય?’ અને એ દિવસે બન્નેને પહેલીવાર મજા ન આવી. હાથી જેવી યાદશક્તિ ધરાવતો માનવેન્દ્ર એ પછી તો ઘણું બધું સાંભરે છે. પરંતુ થાય છે કે, એ બધું યાદ કરીને શું પામીશ, દુઃખ સિવાય? હવે શું? સુમનના શબને કાંધ આપતાં જાણે સાવ અજાણી બની રહે છે. સ્મશાનગૃહમાં ચંદનનાં લાકડાંની ચેહ તૈયાર કરેલી. માનવેન્દ્રને થાય છે કે, એના ચાલી ગયા પછી એકાદ વચન તોડીએ તો શો ફરક પડશે? પરંતુ વળતી જ પળે થાય છે કે મૃત્યુ પછી કેવા બધા સંબંધો પૂરા થાય છે? ના, જીવન પછી પણ જીવન છે સ્મૃતિઓનો સંસાર. સુમન સરળ હતી? હા, શરદઋતુના સ્વચ્છ-નિરભ્ર આકાશ જેવી સરળ અને સ્વચ્છ હતી. તો પછી પરિતોષ? એ હોય તો હોય, પણ મારી સુમન તો હવે નથી ને? અને જે છે જ નહીં તેનું આવુંતેવું, આમતેમ હોવું – મને શું કામ બાંધે? માનવેન્દ્રના આવા વિધાયક અભિગમ સાથે પૂરી થતી રચના એમ સૂચવતી લાગે કે, જીવનનાં મહત્ત્વનાં પરિબળો પ્રેમ અને મૃત્યુ છે. મૃત્યુ પછી સ્મૃતિઓના સારરૂપે ટકતા સંબંધો સારા લાગે છે. ‘રંડી’ પ્રથમ પુરુષ એકવચનમાં લખાયેલી, સચિવાલયમાં સાથે કામ કરતાં અપરિણીત વંદના અને પરિણીત રણમલની પ્રણયકથા છે. વંદનાના પહેલા વરસાદમાં ભીંજાવા સાથે આરંભાયેલી અને રણમલના વંદના માટેના ‘રંડી’ જેવા વિશેષણથી સમાપ્ત થતી વાર્તા ફ્લૅશબૅકમાં છે. વર્તમાનની ક્ષણે વંદનાને સાંભરે છે કે અઢાર વર્ષ પૂર્વે આ બધું શરૂ થયું હતું. પ્રણયનાં ગાઢ કાવ્યમય સંવેદનો, થિયેટરમાં ચુંબનની આપ-લે, રણમલના મિત્રના બંગલે પ્રથમ મિલન, ‘આર’ નામનું મંગળસૂત્ર, પપ્પા-મમ્મી અને ભાભીની આ સંબંધમાંથી પરત ફરવાની સમજાવટ વગેરેનું યથાર્થ આલેખન થયું છે. રણમલની પત્નીને આ સંબંધ વિશેની જાણ થતાં એ વંદના માટે વારંવાર ‘રંડી’ શબ્દ વાપરે છે. રણમલને ત્યારે એ વિશેષણ ગમતું નથી હોતું. પરંતુ એ વાંકમાં હોઈ કશું કરી શકતો નથી. ડિપાર્ટમૅન્ટમાં સૌને ખબર પડી જતાં રણમલની બીજા બ્લૉકમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. એ પછી રણમલ વંદનાને કોઈ બીજા પુરુષ સાથે જુએ તોય ખિજાઈ જાય છે. પોતાના સંબંધના ‘ડે’ નિમિત્તે રણમલને ગમતી સાડી પહેરી ઑફિસે ગયેલી વંદના બ્રાન્ચના ચીમને ધરેલી ગુલાબની છડી લઈ લે છે અને બદલામાં આખી બ્રાન્ચને કસાટા આઈસ્ક્રીમની પાર્ટી આપે છે. તોફાને ચડેલો ચોવટિયા ચૅલેન્જ ફેંકતો હોય એમ કહે છે, ‘બોલ ચીમન, તું વંદના, ના એમ નહીં, વંદનાબાને કૅન્ટીનમાં એકલો ચા પીવા લઈ જાય તો ખરો.’ ચીમન ચપટી વગાડતાં કહે છે, ‘એમાં શી મોટી વાત છે? રંડી તો શકરાજી જોડે પણ જાય.’ ધીમેથી બોલાયેલું આ વાક્ય વંદનાને ધ્રુજાવી મૂકે છે. નક્કી કરે છે કે, આજે તો રણમલને કહી જ દેશે કે, ‘કાં લગ્ન કરી લે ને કાં આ ખેલ ખત્મ!’ આ બધી ગતિવિધિથી અવગત રણમલ લંચ અવરમાં ગુસ્સે થઈ જાય છે : “ ‘ડે’ની ઉજવણી કરે એ પણ મારા સિવાયને પાછી એમાં શું થઈ ગયું એમ કહે છે, સાલી રંડી?” કહીને પાછું વાળીને જોયા વગર ચાલી નીકળતા રણમલનો માલિકીભાવ અને માનસિકતા અહીં ખુલ્લાં પડી જાય છે. પ્લેટોનિક લવને બદલે દેહધર્મનું માહાત્મ્ય સમજતાં પ્રેમીઓની પ્રણયકથા અહીંથી અધૂરી રહી જાય છે. અહીં, અગત્યની વાત લેખક સૂચવે છે તે એ છે કે, કાર્યસ્થળે પાંગરતી આવી પ્રણયકથાઓનો અંત સુખદ હોતો નથી. રણમલના સામંતી માનસની સાથોસાથ આપણી આસપાસનો સમાજ પણ આવા સંબંધોમાં પુરુષને દોષ દેવાને બદલે સ્ત્રીને જ દોષી ગણી હૃદયપૂર્વક ચાહતી હોવા છતાં સ્ત્રીને ‘રંડી’ જેવું વિશેષણ લગાડે છે. પિતૃસત્તાત્મકતાનું એક વરવું ઉદાહરણ કાવ્યાત્મક ગદ્યયુક્ત આ વાર્તામાંથી જડે છે. ‘કાચું કપાયું’માં સચિવાલયના નિવૃત્ત અધિકારી દ્વારા સમાજ અને રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની તમન્ના, એના માટેનાં વિવિધ અભિયાન, રિસર્ચ અને અંતે એક સરકારી શાળા વિદેશની ખાનગી કંપનીને આપવાના વિરોધમાં લડત માટે જોડાવું, સ્ટે લાવવો અને તાળું તોડવા માટેના કાર્યક્રમ દરમ્યાન વકીલની સલાહની અન્ય મિત્રોને જાણ ન કરતાં દીવાનરાય નામના કાર્યકરનું મૃત્યુ થવું. અને એ સંદર્ભે અનુભવાતા આત્મગ્લાનિના ભાવ સાથે પૂરી થતી વાર્તા વ્યવસ્થા સામેના રોષની પરિચાયક બની રહે છે. ‘લવ ધાય નેબર’ ગામડું છોડી શહેરમાં આવ્યા પછી પડોશીની તમામ ક્રિયાઓ પર નજર રાખતાં માતા-પિતા અને પુત્રીની નર્મ-મર્મયુક્ત રચના છે. પડોશી સાથે સંબંધ વધારવાની ઝંખના એળે જતાં ત્રણેય નિરાશ થઈ બેસી પડે છે. ‘સ્પ્લિટ એ.સી.’ બજારવાદના પ્રભાવ હેઠળ ગામડામાંથી શહેરમાં રહેવા આવેલા પરિવારની વાર્તા છે. ટી.વી. અને અન્ય માધ્યમો વ્યક્તિના જીવનને કેવી અને કેટલી પ્રભાવિત કરે છે, તે સહજ શૈલીમાં કહેવાયું છે. દ્વિતીય પુરુષ અને પ્રથમ પુરુષ એકવચનની મિશ્ર કથનપદ્ધતિથી કહેવાયેલી વાર્તા ‘ના ગમે તો...’માં પિતાનો પુત્ર પ્રત્યેનો અનર્ગળ પ્રેમ, એને ન ગમતું હોવા છતાંય લખાતા પત્રો, પોતાના કાનની તકલીફને લીધે પરિવારનાં સભ્યો એમને જ કાગળમાં લખી સંવાદ સાધે એવી સંનિધિ અને અંતે કાનનું મશીન ખરીદવા ગયેલો નાયક ‘બિલકુલ ન સંભળાય એવા મશીન’ની ડૉક્ટર સામે માગણી વ્યક્ત કરે, એવી આજના સમાજની કરુણતા નિરૂપાઈ છે. પ્રયોગશીલ રચના ‘કદી સાચ સાથે’માં કથક લેખક પણ છે. પોતાને લખવાના એક લેખ અંગે પરિવારનાં સભ્યો સામે કેટલાક મુદ્દા મૂકે. સાહિત્યેતર બાબતોમાં એને ઝાઝી ગમ પડતી નથી. ત્યાં પુત્ર પોતાની બહેન માટે એક સંબંધની વાત કાઢે. સોશિયલ સૅક્ટરમાં કામ કરતી બહેન આ વાતે સંમત નથી. ભાઈ ઊભો થવા જાય છે ત્યાં બહેન પપ્પાનો અભિપ્રાય જાણવા રોકે છે. બહારની દુનિયાની બે-ત્રણ દુઃખદ ઘટનાઓથી વિક્ષિપ્ત થયેલો નાયક કશું બોલી શકતો નથી. ‘એક રીતે જોઈએ તો’માં પિતૃસત્તાત્મક પરિવારમાં જીવતી દુઃખી સ્ત્રીની કથા છે. વાતનો વિસામો શોધતી સ્ત્રી સાવ અજાણી તિલોત્તમા સમક્ષ પોતાનું હૈયું ખોલી બેસે છે. દસ વર્ષે જન્મેલા પોતાના એકના એક દીકરાને અકસ્માતે ગુમાવ્યાનું દુઃખ વ્યક્ત કરે ન કરે ત્યાં તો એ જેના ત્યાં આવી છે તે બાઈ એને પરત બોલાવી લેતાં તિલોત્તમાને વાત અધૂરી રહી ગયાની લાગણી અનુભવાય છે. સાદી-સરળ કથનશૈલીએ કહેવાયેલી કરુણાંત વાર્તા. આમ, આ સંગ્રહની રચનાઓમાં લેખકના બદલાયેલા વિશ્વની અનુભૂતિ થાય છે.

(૨) ‘વાંસનાં ફૂલ’ (બીજી આવૃત્તિ, ૨૦૨૪)

પાંચ પ્રથમ પુરુષમાં અને સાત સર્વજ્ઞની કથનપદ્ધતિએ કહેવાયેલી કુલ બાર વાર્તાઓ ધરાવતો આ ત્રીજો સંગ્રહ લેખકે ‘આ વાર્તાઓને રંગ-રૂપ અને ઓળખ જેમણે આપ્યાં એ વાર્તાકાર મિત્રો – રમેશ ર. દવે, ભરત નાયક, કિરીટ દૂધાત અને અજય સરવૈયાને’ અર્પણ કર્યો છે. ‘સંગીત શિક્ષકનું વિશિષ્ટ સંગીત’ શીર્ષક હેઠળ જાણીતા ગદ્યકાર પ્રવીણસિંહ ચાવડાની પ્રસ્તાવના અને પ્રથમ આવૃત્તિ વેળાએ ફ્લૅપ પર કિરીટ દૂધાત દ્વારા લખાયેલો પરિચય અહીં ‘વાંસનાં ફૂલ’ શીર્ષક અંતર્ગત મૂકવામાં આવ્યો છે. લેખકે પોતાના અભ્યાસપૂર્ણ ‘નિવેદન’માં પ્રથમ વાર્તા ‘હોળી’થી માંડીને ત્રીજા તબક્કાઓની આ રચનાઓ વિશે વિગતે વાત કરી છે. સંગ્રહમાં જમીનોના સોદા, લે-વેચ, શિક્ષણમાં પ્રસરેલો ભ્રષ્ટાચાર, વિદેશગમનની ઘેલછા, ધર્મ, બજારવાદ તથા રાજસત્તાનો વૈયક્તિક અને જનસમૂહ પર દુષ્પ્રભાવ, પ્રણયની વિફળતા, માનવીય સંબંધોની આંટીઘૂંટીઓ વગેરે વિષયોને અપેક્ષિત કૌશલથી પ્રસ્તુત કરવામાં આવ્યા છે. ‘કંઈ કહેવાય નહીં’માં વિસારે પડેલી એક સંવેદનશીલ ક્ષણના સાંપ્રત ક્ષણે થતા વિસ્ફોટની વાતનું આલેખન છે. ભૂજમાં રહેતાં દીકરી-જમાઈને મળવા જતાં મમ્મી-પપ્પા પૈકી પપ્પાના, પ્રવાસ દરમ્યાન અને પ્રવાસ પછીના મનોવ્યાપારો આબાદ ઝીલાયા છે. બસમાં બેસતાં જ ધીમંતની આંતરયાત્રા આરંભાય છે. દીકરી વંદનાને લગ્નના ચાર દિવસ પૂર્વે લખેલો પત્ર એની સ્મૃતિમાં છે. દીકરીને ઘેર પહોંચ્યા પછી એના સામેના ઘેર રહેતી બે બહેનોની ભૂકંપ પછી પલટાયેલી માનસિકતા અને પત્રકાર જમાઈ સમીરના ભૂકંપ સંબંધી ઘટનાઓના વર્ણન પરથી ગમગીન થઈ ગયેલા વાતાવરણમાં અટકી ગયેલી પળને આગળ વધારતાં દીકરી પપ્પાને યાદ કરાવે છે કે, ‘એ જ દિવસે અમદાવાદમાં પણ ભૂકંપ આવ્યો ત્યારે તમે, હું અને મમ્મી કેવાં દોડીને બહાર જઈ એકબીજાના હાથ સજ્જડ પકડી રાખ્યા હતા? Doomsdayના દિવસે પણ આપણે કેવાં એકરાગ હતાં નહીં?’ ‘એકરાગ વિશે તો હું શું કહું? કંઈ કહેવાય નહીં! તું જ યાદ કર ને! આપણે બહાર આવી ગયા પછી બા તો એમના ડગુમગુ પગે એકલાં જ બહાર આવેલાં ને?’ ધીમંતનો આ સંવાદ વાર્તાની ચરમ ક્ષણ છે. ભૂકંપ સમયે બહાર દોડી ગયેલાં ત્રણમાંથી કોઈનેય બાને બહાર લાવવાનું સૂઝતું નથી. અપરાધભાવથી પીડાતા ધીમંતની અંદર ધરબાઈ રહેલી ક્ષણને વાર્તાકારે બખૂબી મૂકી આપી છે. પ્રવાસ દરમ્યાન પતિ-પત્નીના હળવાશભર્યા સંવાદોથી આરંભાયેલી આ વાર્તામાં, પત્ની અને દીકરી સાથે એકરાગ થયેલા ધીમંતના એકાકી થયેલાં બા સાથેના અસ્થિર સંબંધની કરુણતાને પણ સૂક્ષ્મ રીતે તાગવામાં આવી છે. પાત્રપ્રધાન ‘વિષ્ણુની ફેક્ટ’ કથક પરેશ દ્વારા કહેવાઈ છે. વિષ્ણુ પરેશનો સહકર્મી છે. વિષ્ણુને કોઈકે કહેલું કે કથક અર્થાત્‌ પરેશ વાર્તાકાર પણ છે. એટલે એક દિવસ સવાર-સવારમાં પરેશ સમક્ષ ઉપસ્થિત થઈ, ‘બૉસ તમે રાઈટર છો, આપણી વાર્તા લખોને!’ કહે છે. પરેશ કહે છે કે, ‘તારું જીવન સાવ સીધું, સપાટ છે. વાર્તા એની લખાય જેનું જીવન સંઘર્ષપૂર્ણ હોય.’ જો કે એ સારી પેઠે જાણે છે કે, આ લખું છું એટલે તો જીવું છું. જીવવું અર્થપૂર્ણ લાગે છે. આવી ફિલૉસોફીનો આધાર લઈ, એ વિષ્ણુની વાર્તા લખવા તૈયાર થાય છે. વિષ્ણુ અવારનવાર એની પાસે આવી બધા અધિકારીઓની વાતો કહેતો રહે છે. કથક ધીમે-ધીમે આપણી સમક્ષ વિષ્ણુનું જીવન પ્રસ્તુત કરે છે. નવા આવનાર કોઈ પણ અધિકારીનું હિસ્ટ્રીકાર્ડ વિષ્ણુ પાસે પહેલાંથી જ તૈયાર હોય છે. એવા અધિકારીઓની માહિતી એકઠી કરવી અને સાહેબોની મનગમતી વ્યક્તિ બનવા માટે એ સાહેબોની અનિચ્છાએ પણ ઑફિસમાં મોડે સુધી બેસી રહેવું વગેરે વિષ્ણુ માટે જીવનના અવિભાજ્ય અંગ જેવું બની ગયું છે. ‘નૉલેજ ઇઝ પાવર’ માનતો એ સાહેબના કાર્યાલયમાંથી મૅગેઝિનના જૂના અંક લાવી પોતાના ટેબલ પર રાખે છે. ‘ઇન્ડિયા ટુડે’ અને ‘ટાઈમ્સ’ વાંચે છે. અધિકારીઓની ઝૂંપડપટ્ટીવાસીઓના લાભાર્થે યોજાયેલી એક સમીક્ષાબેઠકમાં એમ તો સાહેબને અંગ્રેજીમાં જવાબ આપે છે. સાહેબોની જેમ ચાલે છે. પરંતુ, કોઈ એ વિશે મજાક કરે તો એની સાથે વિવાદ કરતો નથી. શર્મા સાહેબની સૂચનાથી મોડે સુધી રોકાવાને બદલે ઘેર વહેલો પહોંચી જાય તો બિન્ધાસ્ત પત્ની ચિત્રા મોળા સૂરે આવકારે છે. કથક સમક્ષ એ રાત્રે દસ વાગ્યે છેક બૅડરૂમ ભણી ધસી આવતા પડોશી રસિકની વાત પણ કરે છે. જો કે, એને ચિત્રા પર શંકા નથી. પરંતુ રસિકનું આંતરા દિવસે આવવું અને ચિત્રાનું ઘસઘસાટ ઊંઘમાંથી જાગી, એને જોઈ પુલકિત થવું ખટકે છે ખરું. ટી.વી.ને પણ એ મનુષ્યને ભરખી જનારો રાક્ષસ ગણે છે. એના જીવનમાં વિસંવાદિતા ભરપૂર છે. અધિકારીઓની સેવામાં સતત વ્યસ્ત રહેતા વિષ્ણુને આત્મસન્માન જેવું કશું નથી. ઑફિસના એના તમામ ક્રિયાત્મક આવેગોનો ઉત્તર છેક વાર્તાન્તે મળે છે. ઑફિસમાં કામ અર્થે રાતના મોડે સુધી રોકાયેલો કથક જુએ છે તો બધા ઘેર ચાલ્યા ગયા છે. લૉબીમાં ખાલી સેન્ટર લાઈટ ચાલુ છે. નાગર સાહેબની ચૅમ્બરનું બારણું સહેજ ખુલ્લું છે. હમાલ સ્ટૂલ પર બેઠો-બેઠો ઝોકાં ખાતો હોય છે. ઘેર જવાને બદલે નાગરસાહેબની કૅબિનના કાચ સાફ કરતા વિષ્ણુના એ સમયના દીદાર જોવા જેવા છે : ‘પોતામાંથી પાણીનાં ટીપાં વિષ્ણુના ચંપલ પર ટપ ટપ પડતાં હતાં. કાચ સાફ કરીને ડૂચા થઈ ગયેલા છાપાના કાગળ પાર્ટીશનને અડીને ફેલાયા હતા. ઠંડીનો આછો શો ચમકારો હતો, પણ વિષ્ણુ પાંચ દાદરા ચડ્યો હોય તેમ પરસેવે નાહી રહ્યો હતો.’ કથક અને શનાજી એને આવા વેશે જોઈ ગયા, તેથી ખસિયાણો પડી, ખુલાસો કરે છે : ‘કશું કામ નહોતું તે મને થયું ઠાલો બેસીને શું કરું? નાગરસાહેબ કહે છે કામમાં વળી, નાનમ શી? અને નાગરસાહેબ રોકાયા હતા, એ એમને કંઈક કામ પડે તો? તને તો ખબર છે મને વિભાગની રજેરજ ખબર હોય છે!’ અહીં, વિષ્ણુ કબૂલે છે કે એનું પોતાનું કેટલું બધું મહત્ત્વ છે. અને એ સાબિત કરવા એ કોઈ પણ કામ કરવા વિવશ બની જાય છે. વિષ્ણુએ અન્યો માટે જાતે જ ઊભી કરેલી પોતાની અનિવાર્યતા વાસ્તવમાં એના ભીતરના ખાલીપાને ભરવાની મથામણના નિરર્થક પ્રયાસોનું પરિણામ છે, એવું આ વાર્તા સૂચવે છે. ‘ઈમ આગળ નો અવાય’ માનસિક બીમારીથી પીડાતા પુત્રની કાળજી લેતી એક માની મમતાની વાર્તા તો છે જ. સાથોસાથે વૈશ્વિકીકરણ, બજારવાદ અને શેરબજાર વગેરે માણસને કેટલી હદે ભરખી જાય છે, તેનું ઉત્તમ ઉદાહરણ પણ એમાંથી જડી આવે છે. મામાની સલાહથી એક બ્રોકરના વાદે ચડી ફટાફટ નફો રળી લેવાની લાહ્યમાં શેરબજારમાં મોટું રોકાણ કરી મંદીના સમયમાં ઊંધા માથે પછડાઈને ગાંડા થઈ ગયેલા પુત્રની અવદશાની પીડા વેંઢારતી માનું વાત્સલ્ય અને કરુણતાનો ઘેરો સૂર વાર્તામાં સતત પડઘાયા કરે છે. ‘સંગીત શિક્ષક’નો કથક હેડપ્યુન શંકર છે. વીસ વર્ષ પૂર્વે આચાર્યને રોકડા રૂપિયા આપીને ‘સંસ્કારધામ વિદ્યાલય’માં પ્યુન તરીકે નિયુક્તિ પામેલા, ગ્રેજ્યુએટ શંકરની નિવૃત્તિને હજી દસ વર્ષની વાર છે. પોતાની જગ્યા પર નવા માણસ-શંભુ-ની નિમણૂક થવાથી ત્રણ વર્ષથી કરવી પડતી ડબલ ડ્યૂટી ખતમ થઈ એનો એને આનંદ છે. કાબેલ અને અનુભવી શંકર એ વાસ્તવિકતાથી પણ અવગત છે કે, પ્રિન્સિપાલ પહેલાદભાઈ સાહેબ એમને એમ માને એવા નથી. આ વખતે રોકડા ગણવાને બદલે શંભુના બાપા પશાભાઈ પાસેથી શિક્ષણના પવિત્ર કામના બહાને નિશાળને અડીને આવેલું એમનું ‘જાહુડીવારૂ’ ખેતર મફતના ભાવે ખંડી લીધું છે. શંભુ પાર્વતીને પરણેલો છે. એને એક બહેન પણ છે. પહેલા જ દિવસે શંભુ નાની-મોટી રિસેસ અને શાળા છૂટતી વખતે મંદિરનો ઘંટ વગાડતો હોય એમ આંખો મીંચી બાવડું કે ઘંટ નીકળી જાય એટલા જોરથી ઘંટ વગાડે છે. શંકરને અહીં થોડા સાવધ રહેવાની અનિવાર્યતા જણાય છે. એ શંભુને ઑબ્ઝર્વેશનમાં રાખે છે. પરંતુ શંભુ એનાથી સહેજ પણ પ્રભાવિત થતો નથી. એ, એનું સ્ટૂલ અને ઘંટ. હા, ઘેઘૂર લીમડા તરફ મીટ માંડીને જુએ ત્યારે એનો ચહેરો હસું હસું થાય છે. એ વખતે એ એવો તો ઊંડો ઊતરી જતો કે એક વાર નાની રિસેસમાં ઘંટ વગાડવાનું પણ શંકરે એને યાદ કરાવવું પડેલું. શંભુ લઘુશંકાર્થે ટૉઈલેટને બદલે સ્કૂલના પાછળના ભાગે જાય છે. શંકર ચેતવે છે કે, આમ જાહેરમાં ન જવાય. સાહેબ પત્તર ઝીંકી દેશે. એના ઉત્તરમાં શંભુ “ઈની બૂનનો વિવો. બેટીતલાક અમારા ખેતરમં અમન રોકનાર કુણ છ?” કહીને પરાણે આપવા પડેલા ખેતર પ્રત્યેનો પોતાનો માલિકીભાવ વ્યક્ત કરે છે. ગોરંભાયેલું આભ જોઈ એક કાળે જ્યાં પોતાનું ખેતર હતું ત્યાં બનેલા ક્રીડાંગણ તરફ તાકીને એ કોઈ બીજી જ દુનિયામાં જતો રહે છે. શંકર સમક્ષ વાત કરતાં-કરતાં ચાલુ વરસાદે મશીનની ઓરડીમાં પત્ની સાથે માણેલી અંગત, રોમાંચક પળો નજર સમક્ષ તાદૃશ્ય થતી અનુભવે છે. બીજી જ ક્ષણે સ્વસ્થ થઈ શંકરનો હાથ ઝાલી એને બગીચામાં ખેંચી જઈ એક લીમડા પાસે ઊભા રહી કહે છે કે, ‘અહીં અમારી મશીનની ઓયડી હતી. જતું રયું બધું. શ્યું કરીયે તાણ?’ નાની રિસેસમાં એ કોઈ દિવસ ન વગાડ્યો હોય એવા પ્રચંડ અવાજે ઘંટ વગાડે છે. શંભુની આ બન્ને ક્રિયાઓમાં એની ભીતરની વેદના વ્યક્ત થાય છે. ત્રણ ખેતરના ધણી શંભુના બાપાની લાચારી પણ આપણને શંકરના માધ્યમથી જાણવા મળે છે. ગામમાં જી.આઈ.ડી.સી. આવતાં ‘રાબડિયું’ ખેતર વેચાઈ જાય છે. શંભુનાં લગ્ન પછી એ કમને ખેતરે જતો તેથી એના બાપાએ ટેંબાવાળું વેચીને કરિયાણાની દુકાન કરી આપી. એમાંય કંઈ ભલીવાર આવ્યો નહીં. છેલ્લે વધ્યું આ ‘જાહુડીવારૂ’. પહેલાદભાઈ સાહેબને નિશાળના બગીચા માટે જમીન જોઈતી હતી. પશાભાઈને આમ પણ શંભુ આખોય દહાડો પત્નીની સોડમાં ભરાઈ રહેતો તે ગમતું નહીં. પરંતુ, ખેતર વેચાઈ જાય તો પછી શંભુ કરશે શું? ખેતરના બદલે નોકરી એવો સોદો થાય છે. પણ પ્રશ્ન આવે છે, હોદ્દાનો. શંભુ ઝાઝું ભણ્યો નથી. કરવું શું? પહેલાદભાઈ પાસે એનોય ઇલાજ છે. એ તોડ કાઢે છે, ‘તો પછી સંગીતશિક્ષક તરીકે રાખી લઊં.’ પશાભાઈને આશ્ચર્ય થાય છે. ‘હપુચો ભણ્યો નહીં ઈન સંગીતશિક્ષકની નોકરી ચેવી રીતે આલો?’ પહેલાદભાઈ સમજાવે છે, ‘એ તો કહેવાની રીત પશાભાઈ! એને શાળાનો ઘંટ વગાડવાનું કામ સોંપું. બસ સમયસર ઘંટ વગાડવાનો.’ આમ, છેક વાર્તાન્તે આપણને જાણવા મળે છે કે ખેતરના બદલામાં શંભુને પટાવાળાની નોકરી મળી છે. આચાર્યની રમૂજવૃત્તિ અને શબ્દરમતથી ખેતરવિહોણા થયેલા, માલિક મટીને નોકર બનેલા શંભુની લોક ઠેકડી ઊડાડે છે. એ શંકરને પ્રશ્ન પૂછે છે, ‘પટાવારાની નોકરી મળી તેય હારું થ્યું. બે પોંદડે થઈશ્યું. શેતીમંય ભલીવાર નતો. પણ તમે જ ક્યો લોક સંગીતશિક્ષક સંગીતશિક્ષક કઈ ઊડાડ એ હારું લાગતું અશેં?’ આ પીડા અંતે એની આંખમાંથી સરી પડે છે. શંકર પાસે જવાબ તો ઘણા છે. પણ એની અસમર્થતા સાથે પૂરી થયેલી વાર્તામાં જોશથી વાગતો ઘંટ આપણા કાનમાં ગૂંજ્યા કરે છે. સાંપ્રત સમયમાં અમલમાં આવી રહેલા, બલ્કે આપણી આસપાસ ફેલાઈ ચૂકેલા નવ્ય સામાજિક વાસ્તવને તાગતી આ વાર્તા અનેક રીતે નોંધપાત્ર છે. ‘એન.આર.આઈ.’માં મુદ્દો છે, માતૃત્વનો. પરંતુ એ તદ્દન અકુદરતી છે. બધું જ ગણતરીપૂર્વકના ષડ્‌યંત્ર સમાન છે. ધર્મિષ્ઠા સગર્ભા બને, એને અમેરિકા મોકલવામાં આવે અને ત્યાં જઈ સંતાનનો જન્મ આપે તો એને એન.આર.આઈ.નું પદ પ્રાપ્ત થાય. આખી યોજનાના સૂત્રધાર છે, ત્યાં વસેલા કનુભાઈ. ડૉક્ટરના કન્ફર્મ રિપોર્ટથી માંડીને ખાવા-પીવાની સાવચેતી, વિઝા માટેનો ભ્રષ્ટાચાર, ત્યાં લઈ જવાના સામાનની યાદી, એનું વજન, પ્લેનમાં શું કરવું અને શું ન કરવું એની મનીષની ગાઈડલાઈન, ત્યાં પહોંચેલી ધમુ અમેરિકાના કોઈ વિશાળ બિલ્ડીંગના ટૉપ ફ્લોરની ઑફિસમાં લૅપટોપ પર પ્રેઝન્ટેશન કરતા ‘રાજા’ દીકરાનાં સપનાં જુએ, સમયસર પ્રસૂતિ થઈ જાય અને ડૉ. સમીર પટેલ કહે છે તેમ ‘ઇન્ડિયન જેવો વિકલિંગ બેબી બૉય’ લઈ ધમુ ઇન્ડિયા પરત ફરે. અહીં ચતુરભાઈ પાછા નિવૃત્તિની પા ભાગની રકમ ખર્ચીને ગ્રાન્ડ પાર્ટી કરે, નીલ (કનુભાઈ પાડેલું નામ ‘નોએલ’)ને સારામાં સારી સ્કૂલમાં દાખલ કરવો – વાર્તામાં વર્ણવાયેલાં આ બધાંય કમઠાણ કેટલાં હાસ્યાસ્પદ લાગે છે! ઍડમિશન માટે ‘જે. જે. ઇન્ટરનેશનલ સ્કૂલ’માં ગયેલી ધમુ એટલી હરખઘેલી થઈ ગઈ છે કે, પ્રિન્સિપાલ બાબાનું નામ પૂછે ત્યારે બોલી ઊઠે કે ‘એન.આર.આઈ.’ અહીં એમનો ફુગ્ગો ફૂટી જાય છે. પહેરવેશ પરથી ધર્મિષ્ઠાને ઓળખી જતા પ્રિન્સિપાલ રોકડું પરખાવે છે : ‘શીનો એન.આર.આઈ.? એ તો ભફલા જેવો હોય. આ તો તંતેડો છે.’ ‘સંગીતશિક્ષક’ની જેમ આ રચનામાં પણ લેખક બદલાયેલા સામાજિક વાસ્તવને સૂક્ષ્મ રીતે તાગે છે. વિદેશ જવાની, સંતાનને એન.આર.આઈ. બનાવવાની ઘેલછામાં સ્ત્રી માતૃત્વ ધારણ કરવાનું સુખ પણ વિસરી જાય, નીતિ-અનીતિ, ધર્મ, સંસ્કારો બધુંય નેવે મૂકી બસ એક જ ધખના પાછળ દુરાચરણ કરતી રહે, એ સ્ત્રીત્વના બલ્કે, મનુષ્યત્વના સહસ્ત્રમુખી વિનિપાતની નિશાની છે. વિવિધ પશુ-પ્રાણીઓના વર્તનની સમીક્ષા કરવા એક હૉલમાં એકત્રિત થયેલા રાજ્યના તમામ તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા એમના ઉપરી અધિકારીને અપાતા અહેવાલની હળવા ટૉનમાં ચાલતી વાર્તા ‘રિવ્યૂ’ એક પ્રતીકધર્મી રચના છે. અહીં કેટલાંક પશુઓનું ડાબે-જમણે ઢળવું, કેટલાંકનું સાવ તટસ્થ રહેવું અને એમની સમીક્ષા કરતાં કરતાં સમીક્ષકોનું મસ્તક નીચે નમેલું રહેવું એ સાહેબની યોજનાનો જ એક ભાગ છે. એ રાજસત્તાનું અને એમની નીતિ-રીતિઓનું એમના પરનું હાવીપણું અને એ કર્મીઓની સહર્ષ સ્વીકૃતિનું ઉદાહરણ છે. તો કેટલાક સમીક્ષકોનું આકાશ સામે જોયા કરવું અને જેમની આ મિટિંગમાં ધરાર ઉપેક્ષા કરવામાં આવી છે એમને જુદા રૂમમાં બેસાડવામાં આવ્યા છે. એ દર્શાવે છે કે સરકારની જોહુકમીને એ લોકો અવગણે છે. પશુ-પ્રાણીઓની મશે અહીં ‘મોટા સાહેબ’ દ્વારા મનુષ્યો અને એમની વિચારધારાની સમીક્ષા કરાવવામાં આવી છે. જો કે, ફૅન્ટસી અને કટાક્ષનો ટૉન ધરાવતી આ રચના પર કલાને બદલે કોઈ વિચાર હાવી થતો અનુભવાય છે. ‘હું’ના કથનકેન્દ્રથી કહેવાયેલી ‘બકાભાઈ’ પણ ‘રિવ્યૂ’ના જ કુળની છે. દોઢ વર્ષે જેન્તીમામાની સાઈકલના કૅરિયર પર બેસી મોસાળમાં પ્રવેશતાંની સાથે જ ભાણો બધા બદલાવો નોંધે છે. મામાના કથનાનુસાર ‘હળંગમળંગ’ ગામમાં આ બધોય પ્રતાપ બકાભાઈનો જ છે. ગામમાં આવેલા ભવાયાનો બકાસુરનો ખેલ કથાપ્રવાહને વેગ આપે છે. ખેલ પછી ભાણાને ઊંઘમાં સપનું આવે છે. ગામલોકોને વડના થડ સાથે બાંધીને બકાસુર અને બીજા રાક્ષસો હાથમાં ખડગ લઈને મોંમાંથી ભડકા કરી બોલતા હતા, ‘પ્રેમથી બોલો, પ્રેમથી બોલો.’ પરંતુ કેટલાક ન ઓળખાતા ચહેરા હાથ લાંબા કરીને, ‘પણ ના બોલીએ તો?’ કહી એમનો વિરોધ કરે છે. બકાસુરની લાલ આંખો એમના પર પડે છે. અને એ લોકો પણ ‘પ્રેમથી બોલી’ ઊઠે છે. ભાણાને દેખાય છે કે બકાભાઈની પાછળ બીજાં સગાંવહાલાં અને આખું ગામ દેખાય છે. આ સ્વપ્નદૃશ્યના માધ્યમથી લેખકે બકાસુરની જેમ પ્રજાને ભયભીત બનાવી ગામલોકો પર બકાભાઈએ વર્તાવેલી આણ દર્શાવી છે. પુરાકથાનો સંદર્ભ જોડીને લેખકે મૂડીવાદ, બદલાયેલો સમાજ, સમય, ધર્મ અને રાજકારણ વગેરેની સામાન્ય મનુષ્ય પરની મજબૂત પક્કડ વગેરે કટાક્ષના હળવા ટૉનમાં આલેખ્યાં છે. મુખ્ય પાત્ર બકાભાઈનું નામ પણ અનેક રીતે સૂચક છે. ‘ગોપાલ ફાર્મ’માં મુક્ત બજારવ્યવસ્થાનો ભોગ બનેલા એક સામાન્ય વ્યવસાયીની કરુણ નિયતિનું આલેખન થયેલું છે. અહીં, દર દાયકે ઘર બદલતો કથક ‘હું’ છે. પાંચ બૅડરૂમનો એનો બંગલો છે. કામત જેવો વિચારશીલ પડોશી છે. અને સોસાયટીથી એકાદ કિલોમીટર દૂર કાચા ઊબડખાબડ રસ્તે આવેલાં એક રૂમ-રસોડાનાં હારબંધ મકાનો છે. રહેવા આવ્યાના બે-ત્રણ મહિના પછી વધી ગયેલા વાળ કપાવવા જતો નાયક મિડલ ક્લાસની વરવી વાસ્તવિકતાથી મુખોમુખ થાય છે. એ જે વાળંદ-અશોક-ને ત્યાં વાળ કપાવે છે, એના બાપાની ઇચ્છા હતી કે પૈસા બૅન્કમાં મૂકવામાં વ્યાજ ઓછું મળે એના કરતાં જમીનમાં રોકો. એના બાપા તો રહ્યા નથી પરંતુ, અશોકનું સપનું છે કે બાપાના નામે એક નાનકડું ફાર્મ લેવાઈ જાય એટલે જગ નાહ્યા. બૅન્કમાં નોકરી કરતા કથક પાસેથી લોનની અપેક્ષા રાખતા અશોકનો ભ્રમ ભાંગતા એ કહે છે કે એમાં કોલેટરલ સિક્યુરિટી તરીકે મિલકત ગિરવે મૂકવી પડે, દુકાન ન ચાલે. મક્કમ અશોક કહે છે કે, ‘ગમે તે થાય, સાહેબ, બાપાની યાદમ ફાર્મ લેવું છ એટલે લેવું જ છ.’ એ પછી એના આગ્રહને વશ થઈ કથક એક વાર અશોકના ઘેર જાય છે. એના ઘરના બારણામાં જ બે માણસો મોટેથી બોલતા સંભળાય છે, ‘વ્યાજ આલવાનું છૉણ નતું તો શ્યું લેવા અમારી ફાયે આયો’તો?’ અશોક હાથ જોડી એમને એકાદ કલાક માટે રવાના કરે છે. અશોકને મદદરૂપ ન થઈ શકેલો કથક એની સાચી સ્થિતિથી વાકેફ થાય છે. અશોકે હજી આશા છોડી નથી. કાટમાળમાંથી બૅકગ્રાઉન્ડમાં લાલ અક્ષરે ‘ગોપાલ ફાર્મ’ ચીતરેલું બૉર્ડ બતાવે છે, જેમાં ડાબી બાજુ એના બાપાની છબી ચીતરેલી હતી. એમના મોં પરથી રંગનો રેલો ઊતરેલો જોતાં કથક કહે છે કે, ‘બાપા તો રડે છે’. અશોક ગુસ્સે થતાં કહે છે, ‘હોતોં હશે? બાપા ઓલે તો આ બધો ડફારો કર્યો છ. પડતું નહીં મેલવાનો. જોવું છું. કુણ થાક છ. હું, ભગવોંન ક સરકાર!’ નાયકને ત્યાંથી નીકળતો જોઈ, અશોકના ઘરને તાકીને લીમડા નીચે બેસેલા પેલા બે શખ્સો લાકડી લઈને ઊભા થાય છે. વાચક ને ખબર પડી જાય છે કે એ લોકો હવે ક્યાં જવાના છે. કથકે વાર્તામાં જ કામત સાથે કરેલી ચર્ચા વાર્તાને ઘણી ઉપકારક બની રહે છે. નાયકની દલીલ છે કે સુધારાને કારણે એક સમયનો લોઅર મિડલ ક્લાસ ‘ગ્રેટ ઇન્ડિયન મિડલ ક્લાસ’ બની ગયો છે! પરંતુ, કામતને વિશ્વાસ છે કે, અગ્ર વર્ગ સમૃદ્ધ થશે તો એ પૈસા વાપરશે અને ‘Trickle Down Theory’ અનુસાર બૉટમ ઑફ ધ પિરામિડ સુધી મૂડી પહોંચશે. દુર્ભાગ્યે, આપણે ત્યાં હજી સુધી એવું થઈ શક્યું નથી. પરિણામે ‘ગોપાલ ફાર્મ’ જેવી વાર્તાઓ સમયોચિત અને પ્રસ્તુત લાગે છે. ‘કુંવાશીઓ ઓલે તો’માં મોહનભાઈ, નાથુભાઈ અને બકુલ – ત્રણ સગા ભાઈઓની મજિયારી જમીન વેચવાની વાત છે; જેની કિંમત ‘સો ખોખાં’ એટલે કે સો કરોડ થવા જાય છે. જમીનનો તમામ વહીવટ મોહનભાઈના હાથમાં છે. ભાઈઓ, પત્નીઓ અને પુત્રો – સૌની નજર આ રકમ પર છે. પરંતુ, વ્યવધાન એ છે કે આઝાદી પછીના બંધારણમાં વારસાઈના કાયદાનુસાર વડીલોપાર્જિત મિલકતમાં બહેનો-દીકરીઓ ભાગ માગી શકે. અગાઉ હાઈવેવાળું ખેતર વેચ્યું ત્યારે બાંધી મુઠ્ઠીએ બહેનોને રાજી કરેલી. પરંતુ આ વખતે બધા ભાઈઓ-ભત્રીજાઓ સાથે મળી કોઈ કુંવાશીને સહેજેય ગંધ ન આવે એવી વ્યૂહરચના ગોઠવે છે. યદ્યપિ, એમની એકની એક બહેનના ભાણિયાએ મામલતદાર મારફતે વારસાઈમાં પોતાનું નામ દાખલ કરવા અરજી કરી નૉટિસ મોકલાવી છે. ઍક્શનના મોડમાં આવી ગયેલા મોહનભાઈની ચાણક્યબુદ્ધિ કામ કરી જાય છે. મરનાર લલીબેનનું નામ કમી કરવાનું રહી ગયેલું તે એક કાગળના કમી કરાવી લે છે. પરિણામે, ભાણિયાનો હક મિલકતમાંથી આપોઆપ નીકળી જાય છે. જો કે, ભાણિયાને પરાજિત કર્યા પછી મોહનભાઈને મૃતક બેન પ્રત્યે ભાવ જાગે છે, “લલીબુનના ભોણીયાએ ભલે નાગઈ કરી પણ આપણ હાવ મોણહમથી થોડા જઈએ? મેં ચિતુને પચ્ચી લાખ આલવાનું નક્કી કર્યું છ.’ આટલું કહેતાં કહેતાં એમની આંખોમાંથી ટપ ટપ આંસુ સરી પડે છે. ગંજી ઊંચી કરી લૂછતાં કહે છે, ‘તાણ કુંવાશીઓ ઓલે તો છ બધું.’ આમ, બધું સમુસૂતરું પાર પડે છે. મોહનભાઈનો હૃદયપલટોય થાય છે. પરંતુ વાર્તામાં સમાંતરે ચાલતી એક સૂક્ષ્મ ઘટના જરા જુદી રીતે સૂચક છે. વાર્તારંભે બકુલની પત્ની પોતાની પુત્રી વિશે પૃચ્છા કરે છે કે, ‘ચકુનો મૅસેજ આવ્યો કે નહીં? બળેવના આગલા દિવસે આવવાની છે કે પછી સવારે વહેલા?’ ભાઈઓ-ભત્રીજાઓની બેઠક વખતે બકુલના ફોનમાં ચકુનો SMS Alert આવે છે. આ ષડ્‌યંત્રથી સાવ અજાણ બહેન પોતાના ભાઈ પ્રત્યે પ્રેમભાવ દાખવતાં લખે છે કે, ‘બળેવે ઑફિસના કામને કારણે કદાચ છેક સાંજે યા બીજા દિવસે આવે.’ આ સંદેશ જાણી બકુલા કહે છે, ‘એમ ટાણે ન આવે તે ચાલતું હશે?’ એક તરફ બહેન-દીકરીઓને વારસાઈ હકમાંથી બાકાત રાખવાની વ્યૂહરચના અને બીજી તરફ દીકરી સમયસર ન આવે તો નારાજગી! પૈસાની લાલચમાં બેવડાં ધોરણો ધરાવતાં સ્વાર્થી મા-બાપોની વરવી વાસ્તવિકતાને વેધક રીતે રજૂ કરતી વાર્તા. ‘વાંસનાં ફૂલ’ અને ‘સિલ્વર જ્યુબિલી’ બન્ને એક જ કુળ અને સૂર-ટૉનની વાર્તાઓ છે. બન્નેમાં પ્રણયની વિફળતાનું આલેખન છે. ‘વાંસનાં ફૂલ’નાં બન્ને પાત્રો પરિણીત છે. માંડ ત્રણેક મહિના ચાલેલો આ સંબંધ મોહિતના ઇચ્છવા છતાં લાંબે સુધી ખેંચી શકાયો નથી. સુનીતાએ એના પર મૂકેલા પૂર્ણવિરામને લીધે એ કેવળ પરિચિતતામાં પરિવર્તિત થઈને રહી જાય છે. વાર્તાન્તે, મોહિતને માસિવ ઍટેક આવ્યો છે. એવું જાણ્યા પછી સુનીતા તિજોરીમાંથી પ્લાસ્ટિકમાં લપેટેલાં વાંસનાં ફૂલનો ગુલદસ્તો એના મિત્ર તપનને બતાવતાં કહે છે કે, ‘વાંસને ત્રીસ વર્ષે ફૂલ આવે અને ફૂલ આવે એ જ વર્ષે વાંસનો અંત આવે.’ એક ક્ષણે એ તપન સાથે હૉસ્પિટલ જવા ઊભી થાય છે. પરંતુ અટકી જઈને સંબંધનો સમજપૂર્વક અંત આણે છે. ‘સિલ્વર જ્યુબિલી’માં શ્લોક અને સ્તુતિના સંબંધમાં એક પ્રકારની ખાઈ સર્જાઈ છે, જે અંતે વધુ ઊંડી થતી જણાય છે. શહેરથી દૂર એક રિસોર્ટના કૉટેજમાં સંબંધની સિલ્વર જ્યુબિલી ઉજવવા સ્તુતિ ખૂબ ઉત્તેજિત હતી. પરંતુ શ્લોકના અજાણ્યા વર્તનથી એમ થઈ શકતું નથી. રાત્રે શરાબ પીને સૂઈ ગયેલા શ્લોકને મૂકી બહાર આવેલી સ્તુતિ જુએ છે તો પોતાના કૉટેજથી દૂરના એક કૉટેજમાં લાઈટ બંધ થાય છે. સ્ત્રી-પુરુષના મિશ્ર ઉંહકારા સંભળાય છે. થોડીવારમાં પુરુષનો કદાવર દેહ ગળું ફાડીને બોલતો બહાર નીકળી, પાછળ દોડી આવેલી સ્ત્રીને રોકવા છતાં સ્ત્રી કારમાં બેસી જાય છે. અને વરસાદથી પોચી થયેલી જમીનમાં ઊંડો ચીલો પાડીને અંધારું ચીરતી કાર અલોપ થઈ જાય છે. સવારે સ્તુતિ પણ ત્યાંના ચોકીદારને બોલાવી, પૈસા ચૂકવી રાત્રે પેલી ગાડીએ પાડેલા ચીલા પર ગાડી દોડાવી પરત ફરે છે. અહીં સંબંધોનો કદાચ અંત નથી આવતો. પરંતુ, એમાં ઓટ જરૂર આવી ગઈ છે. આમ, બન્ને રચનાઓનાં સ્ત્રી પાત્રોના સંયમપૂર્ણ વર્તનને લીધે એકસમાન સૂરની અનુભવાય છે. ‘પેશકદમી’નો બૌદ્ધિક અને વિચારશીલ અપિતુ એકલહુવોર ગણાયેલો વાર્તાકથક શિરીન પોળોના રહેવાસ દરમ્યાન પડોશીઓની અંગત જીવનમાં થતી દખલથી સંત્રાસ પામી, ‘ઈન્ડસ બંગલોઝ’માં મકાન રાખે છે. બાને પોળ વહાલી છે. બાપાએ પણ એમની ઇચ્છાનુસાર અંતિમયાત્રા સિવાય પોળની બહાર એમણે ડગલું પણ મૂક્યું નહોતું. બા અનિચ્છાએ પુત્રના આગ્રહ સામે મૌન રહે છે. સોસાયટીની દંભી રીત-રસમો અને હોદ્દેદારોએ બંધારણથી વિરુદ્ધ જઈ જાતે જ ઘડી કાઢેલા બાયલૉઝ વગેરેથી શિરીન ઊલટાનો વધુ ત્રાસદાયક સ્થિતિમાં મૂકાય છે. મૂળ માલિકે સોસાયટીના ચૅરમેન અને અન્ય હોદ્દેદારો સાથેની ક્લબહાઉસમાં ગોઠવેલી પ્રથમ મુલાકાતમાં જ શિરીનને એમની નિમ્ન માનસિકતાનો પરિચય સાંપડે છે. એની પાસેથી નામ, જૂના ઘરનું સરનામું, ઘરના સભ્યોની વિગતો, સાત પેઢીના વડવાઓનાં નામ, કઈ ઉંમરે સદ્‌ગત થયા, કઈ રીતે થયા, એક જ ગામ, શહેર, ઘરમાં રહ્યા કે પછી પેઢી દર પેઢી ઘર બદલ્યાં? વેજ છો કે નોનવેજ – આ બધી વિગતો ધરાવતું ત્રણ પાનાનું ફૉર્મ ભરાવવામાં આવે છે. અહીં શિરીનની શરૂઆતમાં ખૂબ ભસતા અને ચોકીદાર દ્વારા બરાબર ઝૂડીને શાંત કરી દેવામાં આવેલા મૂંગા અને વિવશ કૂતરા ‘દેવદૂત’ સાથે પણ મુલાકાત થાય છે. નવરાત્રિ માટે લઘુતમ પાંચ હજારના યોગદાન માટેનો પરિપત્ર, છવ્વીસમી જાન્યુઆરીએ દેશાભિમાનના ઓઠા હેઠળ ક્લબહાઉસ આગળ સૌને એકત્રિત કરવા જેવી કમિટી મૅમ્બર્સની પ્રવૃત્તિઓથી જયેશ નારાજ છે. એક વાર અઠવાડિયા માટે બા શ્રીનાથજી ગયાં હોવાથી શિરીને ઈંડાંનું સેવન કર્યું છે, તેની કચરા ટોપલી પાસેનાં કોચલાં ચાડી ખાઈ જાય છે. ત્યાર બાદ રાત્રે અગિયાર વાગ્યે મિત્ર સાથે પરત ફરતાં ચોકીદાર રજિસ્ટરમાં ઍન્ટ્રી કરાવે છે. કારણ? તો કહે, ‘આજકલ ટેરરિઝમ બઢ ગયા હૈ. મનેજમૅન્ટને તય કિયા હૈ કિ દસ કે બાદ સબકો એન્ટ્રી કરના હોગા.’ શિરીનના સોસાયટીના ચૅરમેન વગેરેની મરજીથી વિપરીત વર્તન અને ઈંડાંના સેવનનો મુદ્દો આગળ ધરી એક રવિવારે અરજન્ટ મિટિંગ રાખવામાં આવે છે. એજન્ડા છે : ‘સોસાયટીમાં શોભાસ્પદ વર્તન અંગે વિમર્શ.’ ચૅરમેન દ્વારા, આપણે તો અહિંસામાં માનનારા, ગાંધીબાપુના સાચા વારસ, પશ્ચિમનું આંધળું અનુકરણ ન કરવું, ધાર્મિક પરંપરાઓનું પાલન કરવું, અન્ય આદરણીય સભ્યોની લાગણી ન દૂભવવી, વાંધાજનક પદાર્થોના સેવનનો નિષેધ – વગેરે પૉઇન્ટ બતાવી આનો જે ભંગ કરશે એનું સભ્યપદ રદ કરવા સુધી મૅનેજમૅન્ટ મુખત્યાર છે એવો ઠરાવ થાય છે. સૌની સંમતિ વિરુદ્ધ શિરીન આ સરમુખત્યારશાહીનો ઉગ્ર સ્વરે, અંગ્રેજીમાં વિરોધ કરે છે. બહુમતી સામે એની પિપૂડી વાગતી નથી. ઊલટાની એની મધ્યયુગીન વાતો, ડાર્કએઈજ, બ્રુટ મૅજોરિટી, ઈનટિમિડેશન જેવા ઊંચા અવાજે થતી દલીલોને અર્થહીન ગણી એનો ટપલીદાવ કરવામાં આવે છે. કોઈક જોરથી તમાચો મારી દે છે. ધ્રૂજતા હાથે શર્ટનાં બટન બંધ કરતા એને કોઈક ઘેર મૂકી જાય છે. એની આ સ્થિતિ જોઈ બા ‘ભઈ શું લેવા ઝોબડિયાં લીધાં?’ કહી, પોક મૂકે છે. રીના પણ છોકરાંઓને લઈ ચિંતિત છે. વિક્ષુબ્ધ શિરીન જમી પણ શકતો નથી. ડૂસકું પરાણે રોકી રાખે છે. ઊંઘ આવતી નથી. બારણું ખોલી, સોસાયટી વટાવી સામેના મેદાનમાં એક પીપળાના ઝાડ નીચેના બાંકડા પર બેસી અધૂરી સ્પીચ પાસેના કૂતરા ‘દેવદૂત’ને સંભળાવે છે. એ પણ કંઈ બોલતો નથી. બન્નેની વેદના સરખી છે. દૂરથી સંભળાતા કોઈ દેશી ગરબાનો લય સાંભળતાં એ ‘દેવદૂત’ને પૂછે છે, ‘ત્યારે કરીશું શું?’ થાકીને ઘેર પરત ફરતાં બાજુના રૂમમાંથી બાનો અવાજ સંભળાય છે : ‘તમે ચિંતા ના કરતા. પોળનું મકાન ફરી લઈ લઈશું. હવે તો શિરીન પણ માની જશે.’ બાનો આ સંવાદ સૂચવે છે કે, શિરીનની હાર થઈ ચૂકી છે. સંગ્રહના ‘નિવેદન’માં લેખકે ઑક્સફર્ડે આપેલી ‘Post Truth’ની વ્યાખ્યા નોંધતાં કહું છે કે, “ ‘સત્ય પછી’ એટલે લોકમત ઊભો કરવામાં વાસ્તવિક તથ્યોને સ્થાને લાગણીસભર અને અંગત માન્યતાઓ વિશેષ સ્વીકૃતિ પામે તેવા સંજોગો સર્જવા.” આ વાર્તા એનું સબળ સમર્થન કરે છે. આપણે જાણીએ છીએ કે, આ કેવળ એક ‘ઈન્ડસ બંગલોઝ’માં જ નથી થઈ રહ્યું, આપણી આસપાસ, ગલી, મહોલ્લા, પોળો, સોસાયટીઓ, ઈવન ઝૂંપડપટ્ટીઓમાં પણ અવારનવાર બની રહ્યું છે. આપણે શું કરવું અને શું ન કરવું? કેમ રહેવું. કેવી રીતે રહેવું. શું ખાવું ને શું પીવું. આપણી તમામ ક્રિયાઓ માટેના આદેશો બહાર પડી રહ્યા છે. સંસ્કૃતિની દુહાઈ આપી આપીને આપણા સ્વાતંત્ર્ય પર કેટલા બધા પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે! તમે આ બધાથી ચીલો ચાતરીને ચાલી જ ન શકો. ભૂલેચૂકે જો એનાથી કશુંક જુદું કરો તો તમને ‘દેશદ્રોહી’ ઠરાવવામાં આવી શકે છે. અથવા તો કાયમ માટે ચૂપ કરી દેવામાં આવે છે. આ વાર્તાનો નાયક તો એક ઉદાહરણ માત્ર છે. શોધવા નીકળીએ તો એવા અસંખ્ય શિરીન મળી આવે. સામાન્યજનના અંગત જીવનમાં દખલ કરતો ‘નવ્ય રાષ્ટ્રવાદ’ આજના મનુષ્યના ઘર-જીવન-સમાજ-સંસાર પર પેશકદમી કરી રહ્યો છે, તેની આ સાહસપૂર્ણ અભિવ્યક્તિ. સમગ્રતયા, સંગ્રહની ત્રીજા તબક્કાની તમામ રચનાઓ સાંપ્રત સમયનું યથોચિત પ્રતિનિધિત્વ કરે છે. શિક્ષણનું વ્યાપારીકરણ, સ્વાર્થ, દંભ, જમીનોના સોદા, પરદેશગમનની ઘેલછા, રાષ્ટ્રવાદને બહાને સામાન્ય મનુષ્યના સ્વાતંત્ર્યનું હનન, તંત્રની જોહુકમી, રાજસત્તાના પ્રભાવથી લોકોનાં વાણી-વર્તનમાં આવી રહેલાં સૂક્ષ્મ પરિવર્તનો, માનવીય સંબંધોનાં સ્વાર્થી સમીકરણો, પ્રેમસંબંધોની વિફળતા વગેરે સંકુલતાથી, યદ્યપિ સામાન્ય વાચક પણ સમજી શકે તેવી રીતિએ કહેવાઈ છે. વાર્તાઓનું ગદ્ય પણ રચનાને અનુરૂપ છે. જ્યાં પાત્ર ગ્રામીણ છે, ત્યાં સંવાદો પૂરતી લોકબોલી પ્રયોજાઈ છે. તો શિક્ષિત પાત્રો અંગ્રેજી મિશ્રિત નાગરી ભાષા વાપરે છે. ભાષાનું આવું મિશ્રણ જે-તે રચનાને ઉપકારક નીવડ્યું છે.

(૩) પંચદ્રવ્ય (પ્રથમ આવૃત્તિ : ૨૦૨૫, ઝેડ કેડ પબ્લિકેશન્સ, અમદાવાદ)

GTVI Image 133 Panchdravya.png

અતુલ ડોડિયાના ચિત્રનું મુખપૃષ્ઠ અને મનીષ પટેલની આવરણ ડિઝાઇન ધરાવતો આ સંગ્રહ લેખકે ઉશનસ્‌ની ચાર કાવ્યપંક્તિઓ સાથે પોતાનાં પરિવારજનોને અર્પણ કર્યો છે. નિવેદનમાં લેખકે વાર્તાસર્જન પાછળની ભૂમિકા બાંધી આપી છે. ત્યાર બાદ આભારદર્શન અને સિતાંશુ યશશ્ચન્દ્રનો બિપિન પટેલની વાર્તાકલા વિશેનો પ્રતિભાવાત્મક લેખ, જેમાંથી કેટલાક અંશો ફ્લૅપ પર પણ મૂકાયા છે. સંગ્રહની મોટા ભાગની વાર્તાઓમાં ધર્મસત્તા અને રાજ્યસત્તા દ્વારા સામાન્ય મનુષ્યના અંગત જીવનમાં થતી દખલ, લોકશાહી પર તરાપ મારી પોતાની વિચારધારા પ્રજા પર થોપવાનાં ષડ્‌યંત્રો, એ માટેનાં બેવડાં વલણો, મૂડીવાદ અને મુક્ત બજારવ્યવસ્થાની વ્યાપક-નકારાત્મક અસરો, જનસમૂહની બદલાતી જતી માનસિકતા, માનવસંબંધોમાં આવેલી ઓટ વગેરે વિષયોનું નિરૂપણ થયું છે. ‘મિશન’ના પ્રથમ વાક્યમાં જ સૂચવાય છે કે, વિકાસના વાણોતરો જેને ટાઉન કે નગરપાલિકા કહે છે, તેવા કસબામાં ઘરની ઓસરીથી માંડી સૂવાના ઓરડા સુધીની માહિતી પીરસાય અને અંગતતા અળપાય કે લગભગ ન રહે એવી સ્થિતિ છે. વાર્તાન્તે આપણે પામી શકીએ છીએ કે એ સ્થિતિ વણસી, વિસ્તરીને એક પ્રબુદ્ધ નાગરિકની ‘પ્રાઈવસી’ પર એવી જીવલેણ તરાપ મારે છે કે એના અંગત જીવનને સાવ બિનંગત બનાવી મૂકે છે. ‘જય માડી મંડળ’, પોળોના ખાંચે ખાંચેથી માહિતી એકત્રિત કરવા નિમાયેલા અવેતન અભણ પેઈજ પ્રમુખો, લેભાગુ પત્રકાર, નગરપાલિકાના કર્મચારીઓ, પોલીસ વગેરે ખાંચામાં રહેવા આવેલા નવા ભાડૂઆત ઉદ્દાલકની માહિતી મેળવવાના આશયથી જે કમઠાણ રચી એની હયાતી પર કારમા ઘા કરે, તે કેટલું તો અમાનવીય જણાય છે! ઉપનિષદકાળના મહાન તત્ત્વવેત્તા અને ચિંતક ઉદ્દાલક મુનિ જેવા જ જ્ઞાની પાત્ર ઉદ્દાલકની અવદશાની આ વાર્તા એમ સૂચવે છે કે સાંપ્રત સમયમાં પ્રબુદ્ધ વર્ગના જ્ઞાન કે અંગતતાનું આ સંવેદનહીન સમાજ કે જગતમાં કોઈ જ સ્થાન નથી. ‘પંચદ્રવ્ય’માં રાજસત્તા દ્વારા લોકતંત્ર પર પોતાની વિચારસરણી ઠોકી બેસાડી સામાન્ય નાગરિકો દ્વારા ખુદ એના પર સંમતિની મહોર મરાવવાની રમત સુપેરે આલેખાઈ છે. પાલિકા દ્વારા સોસાયટીની પાણીની ટાંકીમાં નિશ્ચિત માત્રામાં પંચદ્રવ્ય નાખવામાં આવે, જેનાથી પ્રજાના શરીરમાં શક્તિસંચાર અનુભવાય, ઝડપ વધે, ધીરે ધીરે દેશની ઉર્જા આકાશને આંબે, ઉત્પાદનમાં અકલ્પ્ય વધારો થાય, જી.ડી.પી. કૂદકે ને ભૂસકે વધે, પરિણામે કલ્યાણરાજ્ય રચાય – એવાં સુફળની લાલચ આપી સૌને સંમત કરવામાં આવે છે. એટલું જ નહીં, માનસશાસ્ત્રના અભ્યાસી વાર્તાકથક ‘હું’ને સોસાયટીના સભ્યોનાં વાણી-વર્તનમાં થતા ફેરફારો નોંધવાની કામગીરી એની અનિચ્છાએ સોંપવામાં આવે છે. પંચદ્રવ્યના ડોઝથી પ્રજા ઘેલી બની જાય છે. કથક બધાં અકલ્પનીય પરિવર્તનો નોંધી, પરિણામોનો અહેવાલ બનાવી ચૅરમેનને સોંપવા જાય તો ઊલટું જ દૃશ્ય જોવા મળે છે. એના સિવાય બીજા લોકોને પણ નિરીક્ષણોનું કામ સોંપાયું હોય છે. અને એ લોકો એમના અહેવાલમાં એવું સાબિત કરે છે કે, કથક પર પંચદ્રવ્યના સેવનથી વિપરિત અસરો થઈ છે. એ રાત્રે ગાર્ડનમાં ફરતો જોવા મળે છે. વરંડામાં ઊભો રહી સામેનાં મકાનો તરફ એકધારું જોયા કરે છે. બહેન-દીકરીઓને પણ તાકી રહે છે. ગમે તે સમયે ગાંડાની માફક સોસાયટીમાં ચાલ્યા કરે છે. વાસ્તવમાં, જે લોકો અહેવાલ આપી રહ્યા છે, એમના પર પંચદ્રવ્યની અવળી અસરો થઈ છે, એવા કથકના તારણનો છેદ ઉડાડી એને જ ટારગેટ કરવામાં આવે છે. અંતે નિરાશ કથક પાણી પીધા વગર પથારી ભેગો થઈ જાય છે. વિકાસની રેસમાં તંત્ર દ્વારા ન સંડોવાતા સામાન્ય મનુષ્યને આ રીતે ખેંચી જઈને એની આવી જ અવદશા કરવામાં આવી રહી છે, એવું સૂચવતી આ રચના અંતે હાસ્યમિશ્રિત કરુણ નીપજાવે છે. ‘આશિયાના’માં વિકાસના બહાને અમદાવાદ જેવા મૅટ્રો સિટીના પોશ વિસ્તારમાંથી ઝૂંપડપટ્ટી અને ગરીબોને હટાવી, દૂર મોકલી દેવાની સરકારની બેધારી નીતિઓની ક્રૂર વાસ્તવિકતાની વાત આલેખાઈ છે. ઝૂંપડપટ્ટીના પોતાના નાનકડા આશિયાનામાં રહી ગુજરાન ચલાવતા લોકોને સ્વચ્છતાના અભિયાનને નામે ત્યાંથી દૂર ખસેડવાની તંત્રની નીતિનો ભોગ બનેલાં ભૂરી, કાળી અને બસતીના અન્ય લોકો પ્રત્યે જે પ્રપંચ રચાય છે તે માનવતા વિરુદ્ધનું છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફૉર્મ ભરી આપનાર મૅડમ ખુદ, એ જગ્યા પર ગરીબો માટે જગ્યાની ફાળવણી થઈ ગયા પછી એરિયાના અસાધારણ વિકાસ અને તંત્ર દ્વારા વસતીના પ્રમાણમાં પૂરતા પાર્ક બનાવવાના અભિયાનની આગેવાની લે અને પાછાં કાળી-ભૂરીને ફોસલાવી પટાવીને શહેરના પોશ એરિયાથી દૂર જવા માટે તૈયાર કરે એવી સિફતપૂર્વકની રમત પેલી ગરીબ કામવાળી બાઈઓ પારખી શકતી નથી અને એમના વિશ્વાસે વહાણ હાંક્યે રાખે છે. આગળ જતાં એમનું શું થશે એ તો આવનાર સમય જ જણાવી શકે એમ છે. સ્વાતંત્ર્યના સાત દસકા પૂર્ણ થઈ ચૂક્યા છે અને સાંપ્રત સત્તાધીશો; વિકાસના નકલી ચહેરા લગાવી સમગ્ર વિશ્વ સમક્ષ આકંઠ અભિનય કરી રહ્યા છે. ગરીબો અને પછાતોના જીવનનું મુખ્ય નિર્ણાયક પરિબળ કેવળ અને કેવળ રાજકારણ બની રહ્યું છે. એવામાં આવી રચનાનું ઔચિત્ય એ અર્થમાં કે; આપણો કોઈ વાર્તાકાર આવું સાહસ કરી શકતો નથી. બિપિન પટેલે એ કર્યું છે. ‘જદુનાથનો ઉંદર’માં ભૂમંડલીકરણ, ઉદારીકરણ, બજારવાદ, નિજીકરણ વગેરેના બહાને ધર્મસત્તા, રાજ્યવ્યવસ્થા અને એક મોટા સમૂહ દ્વારા મનુષ્યત્વને રોળી નાખવા અને પોતાની ચોક્કસ વિચારધારા સમાજમાં પ્રસ્થાપિત કરવા સારુ કરવામાં આચરવામાં આવતી સૂઝબૂઝપૂર્વકની ચાલનું ઉંદરના રૂપક દ્વારા આસ્વાદ્ય આલેખન થયું છે. ઑફિસ, ઘર, ગામ, નગર અને સમગ્ર સમાજ કોઈ એમાં બાકાત નથી. જદુનાથ નામના ઉંદરની લુપ્ત થતી પ્રજાતિને બચાવવાના બહાને રાજતંત્ર પોતાનું મિશન પાર પાડવાના કારસા રચી મનુષ્યના સ્વાતંત્ર્ય અને ગરિમાની હત્યા કરવા સમગ્ર સમાજને હિલોળે ચડાવી રહ્યું છે. તંત્ર દ્વારા આ ષડ્‌યંત્ર એટલી ચાલાકીથી પાર પાડવામાં આવી રહ્યું છે કે, એની વિપરીત અસરો પતિ-પત્નીના નાજુક સંબંધો પર પણ પડ્યા વિના રહેતી નથી. મીઠ્ઠુ મહારાજની રામકથામાં કહેવાયેલી ઉંદરની પુરાકથાનો વિનિયોગ રચનાને બળકટતા બક્ષે છે. પુરાકથા, ફૅન્ટસી અને હાસ્યના સબળ સામંજસ્ય દ્વારા કહેવાયેલી એક સંતર્પક રચના. કોઈ પણ લેખકની એ જવાબદારી બની રહે છે કે એ પોતાના સમયના ક્રૂર યથાર્થ અને એની વ્યાપક સચ્ચાઈને પોતાની કૃતિના માધ્યમથી પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરે. કેમ કે સાંપ્રત સમયમાં વિરાટ મનુષ્યત્વનું સ્વપ્ન જોવાની અને મુક્તિનો પ્રશ્ન ઊઠાવી સત્તા સામે ટક્કર લેવાની સામાન્ય નાગરિકનાં વૃત્તિ અને સાહસ ઘટતાં જાય છે. તંત્ર દ્વારા આવા નાગરિકને હાંસિયામાં ધકેલી દેવાની વાત ‘ઊધઈ’માં ગરોળી, વંદા અને ઊધઈના પ્રતીકો વડે સબળ અભિવ્યક્તિ પામી છે. ‘આદમી’માં વયોવૃદ્ધ મંગળદા અને એમના મિત્ર બેચરની દમિત વૃત્તિઓના ધખારા આલેખવામાં આવ્યા છે. ભેંસને દવરાવવાની ક્રિયા, વરસાદ, કૃત્રિમ બીજદાન દ્વારા ગાભણી બનાવવામાં આવેલી ભેંસ વગેરે એમાં ઉદ્દીપક બને છે. વાર્તાન્તે, કૂતરાંની વહાલ કરવાની ક્રિયાથી અકળાઈને ઢેખાળો મારવા તત્પર બેચરને ‘પેલ્લાં કૂતરાંને રમવા દેજે, બહેચર’ કહેતા મંગળદાની અતૃપ્ત ઇચ્છાનું શમન ઘર તરફની દોટમાં અનુભવાય છે. ‘એક્ઝિટ’માં સ્મૃતિવ્યાપારોનું ભરપૂર આલેખન છે. મોસાળમાં ગયેલો કથક ત્રણ અલગ-અલગ સમયની ડાયરીના માધ્યમથી સાંપ્રત અને તત્કાલીન ગ્રામસમાજનું ચિત્ર રજૂ કરે છે. લેખકે વિષ્ણુ અને બોથાનાં પાત્રો દ્વારા નાનપણમાં મોસાળનાં સગાંવહાલાં અને ભાઈ-ભાંડુ તેમજ મિત્રો સાથેનો નિર્દોષ આનંદ અને હવે આધુનિક ટૅક્‌નોલોજીના લીધે કેટલાક મિત્રોનાં પાત્રો વડે વૉટ્‌સઍપના ગ્રુપ થકી નાની નાની વાતોમાં નારાજગી દર્શાવી અક્ઝિટ થઈ જવાની માનસિકતાને ચીંધી આપી છે. બાલ્યકાળનાં સંસ્મરણોમાં, ગાડીમાં સંકડાશ હોવાથી વિષ્ણુને ગાડીમાં ન લઈ જવાથી કથકે અનુભવેલી પીડા અને પોતાના ગ્રુપમાંથી ફટાફટ એક્ઝિટ લઈ લેતા મિત્રો દ્વારા થતી એની અવહેલના – આ બે ઘટનાઓના સન્નિધિકરણથી લેખક બદલાયેલા સમયને યથાર્થ રીતે રજૂ કરે છે. કથક કહે છે કે ઘર, કુટુંબ, મહોલ્લો, મંડળી, ગામ, શહેર, દેશ અને દુનિયામાં એક ‘બીજો’ જણ હોય છે. ના, હોય તો ઊભો કરીએ છીએ. એને પુરાવા વગર સાબિત કરી કોઈક ખાનામાં ખતવી દઈએ છીએ. આવો બોધ આપતી વાર્તાના અંતે ગ્રુપના મિત્રો દ્વારા વિચારભેદને લીધે ‘અધર’ના ખાનામાં ખતવાઈ ગયેલા કથકને પોતાની પીડા, વિષ્ણુ અને બોથા સાથે થયેલા દુર્વ્યવહારની પીડા એકાકાર થઈ જતી અનુભવાય ત્યારે એને પ્રકૃતિમાંથી એનું સમાધાન પ્રાપ્ત થાય છે. ડાયરી અને કથનના મિશ્રણવાળી રચનારીતિને લીધે પણ આ રચના ધ્યાનાર્હ બની છે. ‘ફાધર’ દર વખતની જેમ એક જ લૉજિંગ ઍન્ડ બૉર્ડિંગમાં રોકાતા પરંતુ ભાગ્યે જ વાત કરતા ત્રણ સેલ્સમૅનના પોતપોતાના પિતાઓ વિશેના અલગ-અલગ, યદ્યપિ એકસમાન અનુભવની વાર્તા છે. પિતૃસત્તાત્મકતાનો ભોગ બનેલા ત્રણેય વારાફરતી પિતાની જોહુકમી વિશે જણાવે છે. એમાં સૌથી વધુ ભોગ બન્યો છે, પરેશ. નાનપણથી જ એણે સ્વકેન્દ્રી પિતાને જોયા છે. એની આંખની બિમારીથી માંડીને બેનનાં ખોટી જગ્યાએ લગ્ન કરવા સુધી બાપનો એકાધિકાર ચાલે છે. પરંતુ, બેનના અયોગ્ય જગ્યાએ થનાર લગ્નના મુદ્દે પરેશની ખુલ્લેઆમ ધમકીને લીધે લગ્ન અટકી જાય છે. છેલ્લાં દસ વર્ષથી એ મા-બાપને મળ્યો નથી. સમાચાર મળ્યા છે કે, બાપાને પ્રોસ્ટેટનું કૅન્સર છે. એ મિત્રોનો અભિપ્રાય માગે છે. જવું કે નહીં? સવારે સૌ જાગીને જુએ છે તો પરેશ પથારીમાં નથી. વાચક સમજી જાય છે કે એ ક્યાં ગયો હશે. દીકરાનો બાપ સાથેનો સંબંધ એમની હયાતીમાં ‘લવ-હેટ રિલેશનશીપ’વાળો હોય છે. પરંતુ એમના અંતકાળે આપણને સમજાય છે કે બાપ તો આખરે બાપ હોય છે, આવો અર્થ નિષ્પન્ન કરી આપતી આ રચનામાં ઠાંસી-ઠાંસીને ભરાયેલું મૅલોડ્રામાનું તત્ત્વ જો કે, વાર્તાને સામાન્ય બનાવી મૂકે છે. ‘ટાઢું ટબુકલું’માં કોરોનાકાળ દરમ્યાન ચોરીછૂપીથી મળતા સોસાયટીના ત્રણ મુગ્ધોની ગતિવિધિને આલેખાઈ છે, જીગલો, રાજિયો અને અમુ પૈકી કોરોનામાં સપડાયેલા જીગલાને રૂમમાં પૂરી તાળું મારી દેવામાં આવે છે. મિત્રો સાથે સંવાદ સ્થાપવાનો એક માર્ગ એમણે શોધી કાઢ્યો છે. બારીના સળિયા પર ટક ટક કરતો જીગલો, રાજિયો અને એમના સૌ દોસ્તારો એકસાથે બારીના સળિયા પર અવાજ કરતા રહે, અમુનો કોઈ ઉત્તર ન મળે અને સૌ મોટેરાં તથા ચોકીદારો સ્ટૅચ્યૂ બની જાય એવો ચમત્કારિક અંત ધરાવતી આ વાર્તા કોરોના દરમ્યાન સરકારે લાદેલાં નિયંત્રણોની અનિવાર્યતા કેટલી, એવો પણ પ્રશ્ન ઊભો કરે છે. ‘સમરસ’માં સચિવાલયનો પરિવેશ અને નિવૃત્ત થનાર અધિકારીની વેદના કરુણ રીતે અભિવ્યંજિત થઈ છે. નવરાત્રિ, નવું વર્ષ કે અન્ય ધાર્મિક પ્રસંગોએ ઑફિસમાં તમામ પ્રસંગોએ સમરસતાનું વાતાવરણ ધરાવતી ઑફિસમાંથી નિવૃત્ત થનાર નિ.ના.ને એમની તામસી પ્રકૃતિને લીધે કોઈ વિદાય આપવા તૈયાર નથી. કથકે એની સાથે પાંચ વર્ષ કામ કર્યું હોવાથી સંબંધો સારા છે. સાંજે ઘેર જતાં પહેલાં એને મળવાના આશયથી મોડે સુધી એ રોકાય છે. અંતે, સૅમિનાર રૂમમાં રાઉન્ડ ટેબલની મુખ્ય ખુરશીમાં અંતર્મુખ થઈ બંધ આંખે બેઠેલા નિ.ના., ભીની આંખો, સામે પડેલા આઈસ્ક્રીમના કપમાંથી બહાર આવતો રેલો, બાજુમાં પડેલાં એવાં જ બીજાં બે બૉક્સ. કથક અંતે નિ.ના.ને ‘છેવટે પાર્ટિંગ ગિફ્ટ આપી ખરી!’ કહી ત્યાંથી નીકળી જાય છે. સમરસતાની ઠેકડી ઊડાડતી વાર્તાની બીજી વિગતો નોંધ નિરપેક્ષ છે. ‘શાખ’માં પલટાયેલો સમય, આર્થિક ઉદારીકરણ અને બજારવાદના દુષ્પ્રભાવ તળે કચડાયેલા એક આમઆદમીની આર્થિક તાણની વાત છે. ગામમાં નાની દુકાન ધરાવતા કથકના; પાટડી દરબાર જોડે એક પાટલે જમતા, લોકોની સમસ્યાઓનાં સમાધાન શોધી આપતા ‘ઑટકૉટિયા’ બાપાની આસપાસનાં બાર ગામમાં શાખ હતી. સમય બદલાતાં જાહોજલાલી ખતમ થાય છે અને બાપા પથારીએ પડે છે. શાખ કશાય કામમાં આવતી નથી. કથકને કો’ક જ્યોતિષીએ કહ્યું છે કે, ગમે તે ધંધો સદી જશે. અને એ ન સદે તો છેવટે નોકરી તો છે જ છે. એ વાત સાવ ખોટી ઠરે છે. અને દુકાન વેચવા કાઢવાનો વારો આવે છે. વર્તમાનની ક્ષણે કથકનો દીકરો બાજુના ગામે દુકાન માટે ઘરાક શોધવા ગયો છે. અંતે, ધાર્યા કરતાં ઓછી રકમે પણ દુકાન વેચીને કથક વિચારે છે કે, જોશીબાપાની સલાહ માની નોકરી કરીશ. આટલાં વર્ષોમાં મારી પણ શાખ તો બંધાઈ હશે ને? કથક પાસે ‘શાખ’ના ઠાલા આશ્વાસન સિવાય કોઈ વિકલ્પ નથી. ટૂંકમાં ‘પંચદ્રવ્ય’માં બિપિન પટેલની ત્રીજા તબક્કાની વાર્તાઓ આપણું ધ્યાન ખેંચે છે. ધર્મસત્તા અને રાજ્યસત્તા દ્વારા લોકતંત્ર પર થતાં સૂક્ષ્મ આક્રમણો, આમઆદમીની અંગતતાને અળપાવતી નિષ્ઠુર સમાજવ્યવસ્થા, અન્યો સાથે દુર્વ્યવહાર, પોતાનાં ચોક્કસ મિશન પાર પાડવા માટેની તંત્રની ચાલાકીપૂર્ણ તરકીબો, સામાન્ય નાગરિકના અધિકારોનું હનન, જનમાનસમાં સંકુચિતતાનું બીજારોપણ વગેરે ભાષિક સાચકલાઈના માધ્યમથી વ્યક્ત થયાં છે. સંવાદો અને વર્ણનમાં પ્રયોજાયેલાં હાસ્ય-કટાક્ષને લીધે સંગ્રહની મોટાભાગની વાર્તાઓ આસ્વાદ્ય બની છે. બિપિન પટેલની વાર્તાકલા વિશે શ્રી સિતાંશુ યશશ્ચંદ્ર ઉચિત રીતે કહે છે કે, “તમારી વાર્તાઓમાં ભાષા કે બોલી, બિપિન, દૂબચેકના એ નિવેદન જેવી છે. વાક્યની વચ્ચે લાંબા પીડાજન્ય અને પીડાકારી વિરામો અકબંધ રાખવાની કલા, એ તમારી વાર્તાકલા.” આધુનિકતાનાં પૂર ઓસરી રહ્યાં હતાં એવા સમયે વાર્તાલેખન આરંભનાર બિપિન પટેલ ઉત્તર ગુજરાતના બદલાતા જતા ગ્રામસમાજ અને ગ્રામમાનસના ચિત્રણની સાથોસાથ શહેરી મધ્યમવર્ગના વિવિધ સમસ્યાઓથી સંત્રસ્ત મનુષ્યના વેધક આલેખનને લીધે આધુનિકોત્તર વાર્તાકારોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એમની વાર્તાકલા ત્રણ તબક્કાઓમાં વિભાજીત થયેલી જોવા મળે છે. પ્રથમ તબક્કામાં ગ્રામજીવન, બીજા તબક્કામાં ગામડાની સાથોસાથ નગર અને સચિવાલયનો પરિવેશ પ્રવેશે છે. તો, ત્રીજા તબક્કામાં સંવેદનશીલ મનુષ્યના અંગત જીવનમાં ધીરે-ધીરે અને સૂક્ષ્મ રીતે પ્રવેશી રહેલાં રાજકારણ તેમજ સમાજકારણનો દુષ્પ્રભાવ અને એને પરિણામે નીપજતું કારુણ્ય. આ ત્રણેય તબક્કે હાસ્યના પણ વિવિધ તબક્કા જોવા મળે છે. એમાં મજાક કે ઠેકડીનો ભાવ નથી. વિનોદવૃત્તિયુક્ત ગદ્ય પાત્રની વિશેષતાઓને ઉજાગર કરવા માટે પ્રયોજાયું છે. આવું હાસ્ય મોટેભાગે સંવાદોમાંથી નીપજી આવે છે. અસ્પૃશ્ય વિષયોને સ્પર્શતાં તેઓ સહેજ પણ અચકાયા નથી. તો સ્ત્રી પુરુષના સંબંધોને પણ એમણે પોતીકી રીતિએ આલેખવાનો પ્રયાસ કર્યો છે. વિષયવસ્તુ અને રચનારીતિનો સમ્યક વિનિયોગ કરી ધાર્યું પરિણામ નિપજાવવાની એમની ખાસિયત એમને અન્ય સમકાલીનોથી નોખા પાડે છે.

દશરથ પરમાર
વાર્તાકાર, સંપાદક.
મો. ૯૪૨૭૪ ૫૯૩૦૫, ૭૬૯૮૪ ૦૦૨૩૩
Email: dasharth.parmar02@gmail.com