સફરના સાથી/મરીઝ

From Ekatra Foundation
Revision as of 03:34, 26 December 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મરીઝ

‘મરીઝ’ એની નિખાલસતા બહુ પાછળથી સમજાઈ,
જે બરબાદીને ના સમજે અને બરબાદ થઈ જાએ.

મરીઝના આ શેરમાં, પહેલી પંક્તિમાં ‘એની’ શબ્દને સ્થાને ‘મારી’ શબ્દ મૂકો તો એ ‘મરીઝ’નો પોતાનો એકરાર થઈ જાય. પણ એ નિખાલસ થયો. બરબાદ થયો, પણ સમજદાર ન થયો. એ મૂળ સુરતના. મરીઝ, અમીન આઝાદ દોસ્ત. બંનેને શાયરીમાં ડૂબાડૂબ થવાની સ્વાભાવિકતા. બંને દાઊદી વહોરા. એક મૂળ સુરતના બીજા મૂળે અરબના દાઊદી વહોરાઓનો રમજાન એટલે માતમનો માસ. વડા મુલ્લાજીની મજલિસોમાં કાળાં કપડાંમાં સજ્જ સ્ત્રી-પુરુષો ડૂસકાં ભરે, આંસુ સારે એ તો વહોરવાડમાં પણ રહેવાનું થયેલું એટલે એ અનુભવ નહીં, પણ સાક્ષાત્કાર છે. હુસેની માતમની એવી ખાનગી મજલિસો પણ ખાનદાન ઘરોમાં થાય. કોણ જાણે કેમ પણ સાકીના હાથના પહેલા પ્યાલાના હકદાર જેવા મયપરસ્તોની સ્મૃતિ અવશ દશામાં પણ અદ્દભૂત હોય છે. એની સામે જુએ છે, પણ એક મિજાજી હવામાનમાં એમની સામે સ્મૃતિના શબ્દો, તે સૂચવતા ભાવો, દૃશ્યો અર્થો જાણે સાક્ષાત્કાર જેવાં હોય છે. મરીઝ મુશાયરામાં પણ ગઝલની બ્યાઝ ડાયરી લઈને આવ્યો હોય. ક્યારેક જ હાથમાં ન્યૂઝપ્રિન્ટનો ચોળાયેલો કાગળ હોય, બાકી તો માત્ર સ્મૃતિએ બોલે, કશા ડોળદમામ વિના અને બેસી જાય. તે પણ સહજ હસતાં હસતાં. ખાનગી મિજલસમાં અનીસ દબીરનાં અંજલિકાવ્યોનો એવો ભાવસભર પાઠ કરે કે બધા શ્રોતા કરુણરસમાં ડૂબી જાય. આપણે પ્રેમાનંદને એનાં આખ્યાનોને કારણે સંભારીએ છીએ, એની પ્રવાહી અસ્ખલિત શબ્દલયધારામાં વહીએ છે, સજીવ વર્ણનો અને ‘તડાક ટોડલો તૂટ્યો’ શબ્દો તો ધ્વનિકાવ્ય બની જાય છે, અનીસ દબીરનાં હુસેનની શહાદતના કથાકાવ્યો એટલાં જ પ્રભાવી, સજીવ અને કરુણરસમાં ડુબાડી દે એવા છે. ‘કિતાબ’ માસિકમાં અમે એ બંને કવિઓની સવિસ્તર પિછાણ આપી હતી. અમીન આઝાદનો તો અરબી વિશિષ્ટ કંઠ અને કાવ્યપાઠ કરે ત્યારે એવો આવેગમય કે જાણે સોનામાં સુગંધ ભળે. મરીઝમાં એવી વિશેષતા નહીં, પણ એવી અલગારી, સ્પર્શક્ષમ સાદગી કે એ અંગત વિશિષ્ટતાએ પણ એ સમજદાર શ્રોતાઓને સ્પર્શે. રમજાન સિવાયના દિવસોમાં ખાનગી મજલિસ થાય. ધાર્મિક કાવ્યોનો કાર્યક્રમ પૂરો થયે શાયરીશોખીન યુવાનો ઉર્દૂની બહેતરીન ગઝલો સાંભળવાનો આગ્રહ રાખે. મરીઝની સ્મૃતિ ગજબની. એ એકધારો એક પછી એક ગઝલ બોલ્યે જાય. એની સહજતા જ એની વિશેષતા બની રહે. કશી જ સજ્જતા નહીં. જ્યારે હોય ત્યારે અલગારી... એની એ લાક્ષણિકતા જ એની વિશેષતા હતી. એ મજલિસ માટેનો માણસ હતો. મોટી સભાનો નહીં. અમીન આઝાદ મજલિસ હોય કે મોટો મુશાયરો—બંનેને કંઠ અને રજૂઆત એક અદ્દભુત તન્મયતાભર્યા આવેશથી સ્પર્શે, ડોલાવે. ગુજરાતથી મરીઝ અજાણ્યો હતો ત્યારેય અમે એની વિલક્ષણતા અને વિશેષતા જાણતા, માણતા અને બીજાઓની ભાષા, બંદિશ આદિની સૂક્ષ્મ વિવેચના કરતા એનાથી એને પર જ રાખતા. એ અજાતશત્રુ, સૌનો પ્રેમભાજન હતો. મરીઝની સ્મૃતિસભા મારા પ્રમુખપદે નહીં, પણ માત્ર એક જ વક્તાની કહેવાય એવી યોજાઈ તે પ્રસંગે સંપૂર્ણ અભ્યાસ કરી વાંચેલો, વિવેચેલો નિબંધ આ લખું છું ત્યારે નથી. એ શાયરોનેયે ખૂબ ગમ્યો હતો અને છાપવાનો આગ્રહ કર્યો ને છપાયો, પણ અહીં એવો અભ્યાસ નથી ઠલવાતો. અમીન આઝાદની સાઇકલની દુકાને સાંજેકના મરીઝ આવ્યા છે. મરીઝ, અમીન, એક અભ્યાસીભાઈ અને હું જ હાજર. ટેબલ પર સળગતું ફાનસ, કાગળ પર ફરસાણનો ઢગલો, સાદો મય અને પ્યાલી. ખુરસી પર મરીઝ બેઠા છે. અમીન ઊભા જ રહે છે. અમે બીજી બેઠક પર બેસી સાંભળીએ છીએ. સહેજ ફરસાણ મોઢામાં મૂકે છે. મયની ચુસકી લે છે અને મરીઝ માત્ર સ્મૃતિથી એક પછી એક ઉત્તમ ગઝલો શેરે શેરે અટકીને, આપણાં સાંભળેલા વિચારનો ભાવ પ્રસ્ફુટ થાય એટલી ક્ષણ, બે ક્ષણનો વિરામ લઈ ફરી બોલે. એ બેઠક મધરાત સુધી ચાલેલી. એવાં કેટલાંક અંગત સ્મરણોમાં એક વિલક્ષણ, અલગારી પોતાની ભૂમિ કરતાં કોઈ પોતીકી ભૂમિ પર પગલાં માંડતો દેખાય છે. હું વહોરવાડમાં રહેતો. એક દિવસ બારી બહાર ડોકિયું કરું છું તો કદે ઊંચો, રસ્તે ચાલ્યો જતો મરીઝ જાહેરમાં સિગારેટ ફૂંકતો જતો જોયો. જીવનમાં ગમે તેવા આધુનિક વિચારના વહોરા યુવાનને કદી જાહેરમાં સિગારેટ પીતો જોઈ શકો નહીં. બીજો એક પ્રસંગ. અમદાવાદના કેટલાક મિત્રોએ એને આમંત્રેલો. મિત્રો લેવા રેલવેસ્ટેશન ગયા. એક ડબ્બાના દ્વારે ઊભેલા મરીઝ દેખાયા. મિત્રો દોડીને પાસે ગયા તો મરીઝે પહેલી માગણી કરી. ‘સાળા... પહેલાં સિગારેટ આપો.’ આખા પ્રવાસમાં પીધી નહોતી. એ તો તરત મળી અને ઊંડી તરસથી પીવાયે માંડી. બીજું આશ્ચર્ય તો હવે આવે છે. મરીઝ ટિકિટ લીધા વિના જ ટ્રેઈનમાં બેસી ગયેલા! સિગારેટનું પેકેટ ન ખરીદી શકે તે વળી રેલવેની ટીકીટ ખરીદે? ખૂબ કુશળતાથી તેમ પોતાની પણ જાહેર પિછાણથી મિત્રો એને સ્ટેશનની બહાર લઈ આવ્યા. સુરત છોડી કુટુંબ મુંબઈ ગયું. ત્યારેય મરીઝે કોઈ ધંધો નોકરી કરવાનું કે કુટુંબના નિર્વાહનો વિચાર કર્યો નહોતો. હા, સૈફ, અમીરીનું મુંબઈના પત્રકારજગતમાં સ્થાન હતું. ‘લડ કે લેંગે પાકિસ્તાન’નો દાવાનળ ચાલ્યો ત્યારે એમના ‘વતન’ દૈનિકમાં થોડો સમય મરીઝે ટ્રાન્સલેટરનું કામ કર્યું હતું, પણ પાકિસ્તાન થતાં એ બંધ પડ્યું એટલે નવરા. એટલો આધાર પણ ગયો. મુંબઈમાં મુશાયરો, મળવા, ભાગ લેવા ગયેલો. એ મુશાયરામાં મરીઝ નહોતા. હું સગડ કાપતો એમને મળી ગયો ત્યારે એ વડા મુલ્લાજીની ભક્તિમાં નીકળતા ‘ગુલશને-દાઊદી’ના ખાસ અંકના સંપાદનનું કામ લઈ બેઠેલા! મેં આશ્ચર્ય વ્યક્ત કર્યું. તો મરીઝ નિખાલસપણે હસતા બોલ્યા, ‘સાળા, પૈસાની જરૂર પડે તો કરી નાખીએ આવું.’ વડા મુલ્લાજીના એકચક્રી સામાજિક ધાર્મિક શાસન સામે દાઊદી વહોરા સુધારકોનું ખાસ્સું હિંમતવાન જૂથ બહાર પડેલું છે – આ ભૂમિકા સમજવા જેવી છે. અમીન આઝાદ જેવા ઉદ્દામ વિચારના અને બીજા એવા યુવાન મિત્રોને કારણે એ આખી નક્કર પશાદ્ભૂ મારી સામે છે. અલ્લાહ વિશેના સૂક્ષ્મ ચમકતી લકીર જેવા સીધા આરોપથી પર એવા સૂક્ષ્મ વ્યંગની તેજરેખા ‘મરીઝની ગઝલો’માં દેખાય છે તે માત્ર વૈચારિક નથી. એના અલગારી વ્યક્તિત્વની મોહિની—એ ગમે ત્યાં હોય—રહેલી મેં જોઈ છે. મારો શાયરીમાં પ્રવેશ ત્યારે તો એ મુંબઈમાં હતા, ક્યારેક સુરત આવે. અમીન આઝાદની દુકાને બેઠક જામે એટલો પરિચય. મુંબઈના શાયરોમાં બે તડાં ખરાં જ એટલે આઈ.એન.ટી.ના મુશાયરા બાદ કરતાં મુંબઈમાં યોજાયેલા બીજા સ્મરણીય મુશાયરાઓમાં એ હોય નહીં. આસિમ રાંદેરી, મરીઝ, ફખ માતરીએ ગઝલ મંડળ સ્થાપ્યું, આસિમે ‘લીલા’ માસિક પ્રગટ કર્યું ત્યારે મરીઝ એમની સાથે હતા અને આસિમ આદિ મિત્રો એને દોસ્તરૂપે સાચવતા હતા. એના શોખની પૂર્તિ થતી રહેતી હતી, પણ સૈફે અલગ ગઝલ મંડળ સ્થાપ્યું ત્યારે મરીઝ એમની સાથે, એમની ઓફિસ અને ક્લબમાં હોય. મરીઝની જાહેર પરિચિતતાનો સમય અહીંથી શરૂ થાય છે. તેઓના બહોળા મિત્રમંડળ અને આસ્વાદકોને કારણે એમની જાહેર ઓળખ વધતી ગઈ. એ મંડળીમાં હરીન્દ્ર દવે પણ મૂળે ગઝલ તરફ આકર્ષાયેલા ને ગઝલ લખતા હતા એટલે આવતા જતા. એમણે મરીઝમાં રહેલી અનોખી પ્રતિભા જોઈ અને સાહિત્યમાં ‘મરીઝ’ની પરિચિતતા વધી. હરીન્દ્ર દવે ‘આગમન’ સંગ્રહનો માત્ર ચાર પાનાંનો પ્રવેશક લખે છે. એમાં મરીઝની શક્તિના સ્વીકાર સહિત એમની મર્યાદાનો નિર્દેશ પણ કરે છે. કેટલાક ઉત્સાહીઓ એમને ગુજરાતના ગાલિબ કહીને મરીઝ અને ગાલિબ બંનેને અન્યાય કરે છે. ગાલિબની જોડનો શાયર આજેય ઉર્દુમાં છે? તે ગુજરાતીમાં હોય? અને સૌ પોતપોતાના સ્વરૂપમાં હોય એ રૂપે જોઈએ નીરખીએ તો તેમને ન્યાય મળે એ માણસ જાણે વ્યવહારથી પર પોતાના વ્યવહારમાં જીવ્યો અને એમાં જ પસાર થઈ ગયો. ગાલિબના જમાનામાં — આજે અનેક સાહિત્યસ્વરૂપે ઉર્દૂ ગદ્ય, ભાષા વિધમાન છે એવું ગાલિબના સાહિત્ય ન હતું એટલે કેટલાયે ગુજરાતી ગઝલને રેખ્તો કહી છે. વાસ્તવમાં રેખ્તો એટલે ઉર્દૂ ભાષા. જ્યારે મરીઝ સ્વીકારે છે : ‘ગઝલના ક્ષેત્રમાં મહામહેનતે ગોઠવાયો છું. એક તો ઓછું ભણેલો (પણ આ લખનાર કરતાં વધારે) ભાષા, વ્યાકરણ અને જોડણીનું ખાસ જ્ઞાન નહીં. સંવેદન, અનુભૂતિ અને અવલોકનના બળ પર મેં ગઝલોનું સર્જન કર્યું છે.’ અને એના ‘આગમન’ સમગ્ર સંગ્રહનો રસિક અભ્યાસી પણ પોતાની જાત કે અભ્યાસને લાધ્યા વિના જોઈ શકે છે, છતાં ‘મરીઝ’માં કેટલુંક એવું છે જે પોતીકું છે અને ગઝલનું પણ છે. પોતાને, પોતાના પ્રિયને ઉપસાવવા અને ઉલ્લેખનીયનુંય સજાગ વિસ્મરણ કરવાની વિવેચનાલીલા સામાન્ય બની ગઈ છે, પણ તેઓ પ્રિયને તેની અમુક ન્યૂનતાને કારણે વિવાદમાં ખેંચે છે, એ તે કેવો મિત્રપ્રેમ, સાહિત્યપ્રેમ? મરીઝ વિશેની એક સભામાં મને સમકાલીનરૂપે ઠઠાડેલો. પૂર્વતૈયારીરૂપે ‘આગમન” સંગ્રહ ખોળ્યો, ન મળ્યો, પણ મરીઝના અવસાન પછી એમના ચાહકમિત્રોએ પ્રગટ કરેલો સંગ્રહ વાંચ્યો અને સમસમી ગયો! તમે જેને ગાલિબ કહો છો તે પોતાને માટે ય બેદરકાર હતા, પણ એની અપ્રગટ રચના જેમની તેમ પ્રગટ કરી ‘મરીઝ’ને કોઈએ ન કર્યો હોય એટલો, એવો અન્યાય કર્યાનાં ઊંડા દુ:ખ અને રોષ સાથે સભામાં ગયો અને બે શબ્દમાં સભ્ય ભાષામાં વ્યક્ત કર્યા વિના રહેવાયું નહીં. હરીન્દ્ર દવે સૌમ્ય ભદ્ર પ્રકૃતિના, ઋજુ સ્વભાવના વિવેકપુરુષ હતા. ગઝલના સ્વરૂપ અને હૃદય સુધી પહોંચ્યા હતા અને એમનું છેવટનું લક્ષ્ય તો સૂફીમર્મ પ્રગટ કરવા સુધીનું હતું. એમણે ‘આગમન’ની પ્રસ્તાવનામાં આત્યંતિક વિધાનો કર્યા વિના થોડાંક રસસ્થાનો જ નિર્દેશ્યાં… મરીઝનું રસવિશ્વ કંઈ વિશાળ નથી, અલબત્ત, માન્યું એટલું વિશ્વ એમને માટે નાનું નહોતું. સતત નવોન્મેષ પ્રગટાવ્યા કરે છે ત્યારે આશ્ચર્યવત્ થઈ જવાય છે. આમ ‘નાનું રસવિશ્વ’ શબ્દોયે વિવિધતાની અપેક્ષાએ જ યોજાયા હોય. મરીઝના કેટલાક શેરો, કેટલાક મક્તા એમની નોંધપાત્ર વિશેષતાને પ્રગટ કરે છે. તેનું ભાવના વિશ્લેષતામાં એમની વિશેષતા, અન્યયતા આપોઆપ પ્રગટ થયા વિના ન રહે. એ માણસનું ક્યાંક મોનાલીસા જેવું સ્મિત વ્યંગ્ય બને છે પરંતુ પક્ષકારરૂપે નહીં. તટસ્થરૂપે એમની એ કળાને વિવેચન દ્વારા ઉપસાવી શકાય.

થઈ ગયું એકાંત પૂરું ઓ ‘મરીઝ’,
અંતકાળે લોક ભેગા થઈ ગયા.

આ માણસ પૂર્ણ થયેલા જીવનને સહજ ઘટનારૂપે નિર્દેશે છે, એમાં જ કેટલો ન્યાયને કેવો અવિસ્મરણીય કટાક્ષરૂપે કળાકાર એકાંત પૂરું થઈ ગયાના ગાણિતિક ઊપસાવે છે.

એ મારા પ્રેમમાં જોતા રહ્યા સ્વાભાવિકતા
કે મારા હાલ જુએ છે અને ચકિત નથી.

* * *

એની દયાથી સંકલિત ન રાખ તારી નાવને,
કાંઠો તને નહીં મળે, એની દયા અપાર છે.

* * *

રાખો મસ્જિદને સાફ કે એક દિન,
મુજ જનાજાની ત્યાં નમાજ હશે.

* * *

લક્ષ્ય વિના તીર કેવાં તટસ્થ છૂટે છે અને લક્ષ્ય વીંધે છે. આ છે કળાકારની તટસ્થતા. એ જ કળા વિવેચક માટેય અપેક્ષિત નહીં?

જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે,
અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે.

છોડ એવા શ્વાસને કે કશો એમાં દમ નથી,
જે મોતનો પસીનો સૂકવવા હવા ન દે.

મનદુઃખ થશે જરામાં કે ઊર્મિપ્રધાન છું,
તારી બધીય વાત મને જાણવા ન દે.

તુજ દર્દ જોઈએ છે મગર આટલું નહીં,
થોડી કચાશ કર, મને પૂરી દવા ન દે.

એના ઈશારા રમ્ય છે પણ એને શું કરું?
રસ્તાની જે સમજ દે અને ચાલવા ન દે.

કોઈ દિલેરની સંગત દે ઓ ખુદા,
સંજોગને જે મારું મુકદ્દર થવા ન દે.

એ અડધી મોત કષ્ટ બની ગઈ છે પ્રાણ પર,
જે ઊંઘ પણ ન આપે અને જાગવા ન દે.

આનંદ કેટલો છે બધી જૂની યાદમાં,
કિન્તુ સમય જો એમાં ખયાલો ન દે.

કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું મરીઝ?
પોતે ન દે, બીજાની કને માગવા ન દે.

બસ દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું મુજથી સમજદાર હોય છે.

ઝંખે મિલનને કોણ જો એની મઝા કહું,
તારો જે દૂર દૂરથી સહકાર હોય છે.

ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર,
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે.

કાયમ રહી જો જાય તો પયગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે.

હો કોઈ પણ દિશામાં બુલંદી નથી જતી,
આકાશ જેમ જેઓ નિરાધાર હોય છે.

જો એ ખબર પડે તો મજા કેટલી પડે!
ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે.

જાણે છે સૌ ગરીબ કે વસ્તુ ઘણી ‘મરીઝ’
ઈશ્વરનીથી પણ વિશેષ નિરાકાર હોય છે.

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.

એની બહુ નજીક જવાની સજા છે એ,
મળતો હતો જે દૂરથી, સહકાર પણ ગયો.

રહેતો હતો કદી કદી જુલ્ફોની છાંયમાં,
મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો.

સંગતમાં જેની, સ્વર્ગનો આભાસ હો ખુદા,
દોજખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો.

એ પણ છે સત્ય એની ઉપર હક નથી હવે,
એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો.

સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ,
પીનારા સાથે કામથી પાનાર પણ ગયો.

કેવી મઝાની પ્રેમની દીવાનગી હશે,
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.