સફરના સાથી/‘શૂન્ય' પાલનપુરી

‘શૂન્ય’ પાલનપુરી

‘શૂન્ય’ પાલનપુરી માધ્યમિક શિક્ષણ પૂરું કરી ૧૯૪૦માં જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ માટે ગયા. એ દરમિયાન - જુનાગઢના બાબીવંશના પાજોદ દરબાર પણ ત્યાં – એમની સાથે રહસ્યમંત્રી રૂપે જોડાય છે - ત્યાં અમૃત ઘાયલ તો હતા જ એટલે ખાસ્સી જોડી જામે છે. ‘બલોચ’ નામે પુત શાયરી તો કરતા જ હતા તે ગુજરાતી ગઝલ તરફ વળ્યા - ‘શૂન્ય’ બન્યા. ૧૯૪૫ માં એ પાલનપુર પાછા ફર્યા અને અમીરબાઈ મિડલ સ્કૂલમાં જોડાયા તે ૧૯૫૭ સુધી. એમના વિદ્યાર્થીઓમાં ચન્દ્રકાન્ત બક્ષી અને અમર પાલનપુરી પણ હતા. પાલનપુર છોડી પાટણ ગયા. ત્યાં ત્રણ વર્ષ ‘ગીત-ગઝલ’ નામનું માસિક પ્રગટ કર્યું. તે દરમિયાન એમના બે ગઝલસંગ્રહ ‘શૂન્યનું સર્જન’ અને ‘શૂન્યનું વિસર્જન’ પ્રગટ થઈ ચૂક્યા હતા. પાટણ છોડ્યા પછી એ અમદાવાદ, વટવામાં પણ રહ્યા - એ અરસામાં એમણે ખૈયામની રુબાઈનો અનુવાદ કરવાનું આરંભેલું. ૧૯૮૨માં ‘મુંબઈ સમાચાર’ના તંત્રી મંડળમાં જોડાયા અને જીવનના સાઠમા વર્ષે નિવૃત્ત થયા. પણ કૉલેજપ્રવેશથી માંડી મુંબઈ ગયા ત્યાં સુધીમાં ચાર વાર એ પાજોદ દરબાર જોડાયા હતા. આ માત્ર ‘સ્થૂળ માહિતી’ છે. રાંદેર, સુરત, મુંબઈની જેમ પાલનપુર પણ ગુજરાતી ગઝલનો નિજી સૂર, આલાપનો ઘરાનો છે. ભાવનગરમાં કદાચ સૌથી વધારે ગઝલકારો છે, પણ ત્યાં નિજી મુદ્રાનો ઘરાનો હજી આકાર પામવાનો હશે. ઘાયલ, ગાફિલ માણાવદરી અને મકરંદ દવે તો ત્રિપુટી નથી, પણ સૌરાષ્ટ્રના ગઝલી પ્રતિનિધિ છે. સમયે ઘાયલ અને મને નિવૃત્ત કરી દીધા છે, પણ શૂન્ય પાલનપુરી જીવ્યા ત્યાં સુધી જાગ્રત, પ્રવૃત્તિશીલ હતા. પંડિત સાક્ષરોએ સ્વીકાર્યું અને આવકાર્યું એ ગઝલનું છંદશાસ્ત્ર ‘ઉરૂઝ’ ઝાર રાંદેરીએ આપ્યું તે અમારી ઊછરતી પેઢીના થોડાક જ જાણતા હતા અને જાણવા મથતા ત્યારે ફારસી, ઉર્દૂ જાણકારીને અભાવે મૂંઝાતા, અકળાતા હતા. માત્ર પાંચેક છંદમાં જ ગઝલ લખાતી તેને બદલે રંગ, ડમરો અને તુલસી, ગાતાં ઝરણાં-માં વીસથી તે સત્તાવીસ છંદોમાં ગઝલો છે. એના મૂળમાં મહાગુજરાત ગઝલ મંડળ જુદા જુદા છંદમાં પંક્તિ આપી મુશાયરા યોજતું તેનો દૃષ્ટિવંત ફાળો પણ ખરો. શરૂમાં ગઝલ પર અનેક આરોપો મુકાયા તેમાં શબ્દોની ઈષ્ટ્રી-ઉચ્ચાર દૃષ્ટિએ થાય છે. છંદોભંગ જેવું છે એવો આક્ષેપ, સંસ્કૃતવૃત્તના અભ્યાસુ વિવેચકો તરફથી થતો એટલે મેં ‘ડમરો તુલસી સંગ્રહમાં ગઝલોના છંદો પણ આપ્યા અને તટસ્થભાવે કહું તો, એ પરથી ગઝલ અને છંદ બંને સરખાવી છંદો સમજવા-શીખવા મળ્યાના પ્રતિભાવો મળતા રહ્યા. જમિયત પંડ્યા ગઝલમાં આગંતુક હતા, પણ પછી તો એમણે ગઝલને કેરિયર, કારકિર્દી બનાવી. પહેલી ગઝલ શયદા સાથે સુરત આવ્યા ત્યારે મંચ પરથી રજૂ કરેલી. પછી તો એમણે કલમ મંડળ સ્થાપી અમારા જ સહકારે અમદાવાદમાં, પ્રેમાભાઈ હૉલમાં મુશાયરો યોજ્યો. તે સફળ રહ્યો, પણ કલમમંડળના જ પ્રમુખ શ્રી અશોક હર્ષે એમના તંત્રીપદે પ્રગટ થતા અઠવાડિક ‘ભારતી’માં એમની વિરુદ્ધ, પરિચિત પરશુરામ શૈલીએ લેખમાળા લખી. પંડ્યા સમજવા જેટલી ઉર્દૂ શીખ્યા હશે, અને ઉર્દૂમાં તો ઉરૂઝના ગ્રંથો જ ગ્રંથો છે. એમણે ઉરૂઝના ઉર્દૂ ગ્રંથોની પોતાની સમજ જેટલી તારવણી કરી ‘ઉરૂઝ’ પ્રગટ કર્યું અને છંદો સાથે ઉદાહરણોરૂપે મોટા ભાગે પોતાના જ શેરો આપ્યા. તેમાં જ ખાસ્સા છંદદોષો અભ્યાસીને દેખાયા. માત્ર સાહિત્યપ્રીત્યર્થે સત્ય બોલવું, તે પણ અનિવાર્યતાએ જ. તે સામાજિક અને અંગત રીતે કેટલું જોખમી અને નુકસાનકારક છે તે આજીવન અનુભવતો રહ્યો છું અને વર્ષોથી માત્ર નિરીક્ષક રહ્યો છું. શૂન્ય પાલનપુરી માત્ર ગઝલકાર નહીં. શાયરી, છંદશાસ્ત્રના અભ્યાસી પણ ખરા. એમના શિષ્યોમાં—એમની રચનાઓમાં ‘શિસ્ત’ દેખાય છે. શૂન્ય વ્યવસાયે જ નહીં, સ્વભાવે પણ આજીવન મોજીલા અધ્યાપક હતા. એમણે પંડ્યાના ‘ઉરૂઝ’ની આકરી ઊલટતપાસ ‘મુંબઈ સમાચાર’માં કરી, એમાં એ તંત્રીલેખ લખતા હતા અને નિવૃત્ત થયા, થોડા દિવસ સુરત રહ્યા ત્યારે હવે અભ્યાસની અને બીજી જરૂરી સામગ્રી મેળવી ઉરૂઝનું સંપૂર્ણ શાસ્ત્રવિવેચન સહિત લખવામાં બધો સમય ગાળીશ એમ કહેતા હતા. પણ પાલનપુર ગયા પછી થોડાક જ દિવસોમાં એમનું અવસાન થયું. એમના ઘરમાં એમના ઓરડે ગયો ત્યારે ત્યાં મેં પૂર્વતૈયારીની સજ્જતા નજરે જોઈ હતી. જીવન દરમિયાન પણ એમણે ગઝલ વિશે અભ્યાસલેખો લખ્યા હતા અને ઘણા ખરા ‘આસિમ’ રાંદેરીના ‘લીલા’ માસિકમાં લખ્યા હતા એ દિલેર મિત્ર સાથે પણ અથડાવાનો અવસર — અમારે અવસર—ટાણાં જ હતાં. એમણે લગભગ અપરિચિત છંદમાં એક ગઝલ લખી ને આ છંદમાં લખાયેલી આ પહેલી ગઝલ છે એવો દાવો કર્યો ત્યારે મારે જાહેરમાં વાદ કરવો પડ્યો કે વર્ષો પૂર્વે ગુજરાતી રંગભૂમિ પર આ છંદમાં લખાયેલી ગઝલ, ત્યારે મારા જેવા અપરિચિત સુધી એ પહોંચી હતી. મિલનની રાતે રિસાઈ બેઠાં, જવાબમાં એ કહે છે: ‘ઊંહુ!” એમણે ખેલદિલીથી માત્ર ‘સાળા’નો પ્રેમાળ ઉપાલંભ આપેલો, વ્યાકરણ, છંદશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર શું - પ્રત્યેક શાસ્ત્ર માટે મેં દૂરતા જ રાખી છે. કામ કરીએ તે વિષય પ્રામાણિકતાએ વિવેકબુદ્ધિએ જાણી લેવો, ઇસપની જેમ પોતે જ સાદા નિયમ તારવી તેને અનુસરવું છતાં છોકરવાદ એવો તે તર્ક થાય તો પંડિતોને પણ નરવા ચિત્તે બેધડક પ્રશ્ન કરવો. આમ તો શૂન્યનો પરિચય મુશાયરાના પ્રસંગે. ઉતારે અંગત પણ મર્યાદિત, પણ ઘાયલ અને શૂન્યનો સ્મરણીય સમય ઉર્દૂના શાયર અને પાજોદના દરબારના અંગત સહાયક અને શાહજાદા, શાહજાદીના શિક્ષકરૂપે વીત્યો, એમના ગઝલપ્રેમને અનુકૂળ અને પ્રોત્સાહક આબોહવા અને વાતાવરણ મળ્યાં જ હતાં, પણ પાજોદ ખાલસા થયા પછી દરબાર સુરત આવી વસ્યા ત્યારે અંગત મિત્ર વધારે અને રહસ્યમંત્રી માત્ર જાહેરની જાણ માટે—શૂન્ય પણ એમની સાથે સુરત રહ્યા. દરબારે ‘બહાર’ નામનું માસિક પ્રગટ કર્યું. મૂળે તો ગઝલો, રંગભૂમિ અને થોડી ચિત્રપટ વિષયની સામગ્રી. મુંબઈ કે. ઈ. એમ. હૉસ્પિટલમાં ત્રીજો માસ પૂરો થવામાં હતો. ગનીભાઈનો પત્ર આવ્યો કે સુરત આવી જા, ‘બહાર’માં જોડાઈ જા. હું સુરત આવ્યો અને પાંચ અંકનું સંપાદન કર્યું. ત્યારે શૂન્યનો કહો કે ‘સાક્ષાત્કાર’ થયો. ફિલ્મી વિભાગનું લખે એ સિવાય અંક પ્રગટ થાય ત્યાં સુધીની જવાબદારી મારી. એ શૂન્ય જરાયે ‘શિક્ષક’ નહીં રોમૅન્ટિક યુવાન, ગમે એવો મિત્ર, દિલેર રમૂજ કરનારો. સ્વતંત્ર કાર્યાલય હતું, પણ બહુ ઓછો ડોકાય, રૂસ્વા તેમના દમામદાર વિદેશી શ્વાન સાથે આવે, બેસે લગભગ એટલો જ સમય. આખો ગઝલવિભાગ આપું—તે વિશે પણ કશી નુક્તેચીની નહીં. મુશાયરાના ઉતારે ઘણીવાર ગઝલ વિશે ઊંચા સાદે પહોંચતી ચર્ચામાં ઊતરતો શૂન્ય સુરતમાં જુદો જ, એક મિત્રરૂપે જ અનુભવાયો. વલસાડ જિલ્લાના એક ગામમાં મુશાયરો. શૂન્ય, મસ્ત હબીબ અને હું - ત્રણ જ જાણીતા, બીજા બધા ઓછા પરિચિત શાયરો. શૂન્યનો કંઠ સુરીલો, રજૂઆત પોતીકી અને પ્રભાવપૂર્ણ, મસ્ત હબીબ તો કદીયે મંચના શાયર નહોતા. એ ગઝલ વાંચે, એમના વિચારો ઊફરા, મારું કંઈક ચાલે—આખો મુશાયરો સ્મરણીય એવો સફળ થયો. એનો યશ શૂન્યને તો ખરો જ, પણ મુશાયરા પછીનો સવાર સુધીનો સમય અવિસ્મરણીય બની ગયો. એની એક ગઝલ વિશે મને ને મસ્ત હબીબને કેટલાક પ્રશ્નો થયેલા તે અનાયાસ શરૂ થયા. કશા ગુસ્સા કે મિજાજ વિના હસતા ચહેરે એની ગઝલના એક-એક શેર પર તાર્કિક ધોરણે ચર્ચા શરૂ થઈ પણ એક પણ શેર એ ‘સંપૂર્ણ’ પુરવાર કરી શક્યો નહીં. એ તો એના અભ્યાસને કારણે નીવડેલા સેનાપતિ જેવો સુસજ્જ હતો, પણ અહીં સાદા સરળ ભોળા મનમાં ઊઠેલા પ્રશ્નાનું એ સમાધાન તાર્કિક પ્રમાણોથી કરી શક્યો નહીં, પણ એણે પ્રેમપૂર્વક ‘સાળાઓ’ સિવાય, હસતા મુખે કોઈ ઉપાલંભ આપ્યો નથી, ઊલટું એને લાગ્યું હશે કે આ રસિક જિજ્ઞાસુ છે – કોઈની લોકપ્રિયતા જોઈ આળા મને ફંટાયેલા મિત્રો નથી. એની ખેલદિલીનું ઉદાહરણ એ કે મૃત્યુ પહેલાં એ ખૂબ માંદો હતો, ત્યારે ઠીક સમય પાલનપુરી શિષ્ય શિક્ષકરૂપે તેમ ગઝલના માર્ગદર્શન લેતા શિષ્યને ત્યાં. એણે શિષ્યને કહ્યું. આમ તો પાલનપુરમાં શાંત ને અભ્યાસ જીવન પસાર કરીશ પણ મારું દર્દ મને ગમે ત્યારે આ જગત છોડાવે, તારી સામે તો આખી જિંદગી પડી છે. ગઝલ વિષે તને પ્રશ્નો થાય. નિર્ણય પર આવવાનું હોય ત્યારે તારે રતિલાલ ‘અનિલ’ પાસે જવું. વાસ્તવમાં એને ગઝલ પ્રત્યે પ્રીત હતી. એકાદ પ્રગટ સંશય કે પ્રશ્ન સાંભળ્યા પછી જીવનભર પૂર્વગ્રહ બાંધી એક્સાઇટ થનારાઓનો આજીવન અનુભવ રહ્યો છે તેમાં શૂન્ય, ઘાયલ ખરેખર ખેલદિલ ખેલાડી અમે અનુભવ્યા છે. શૂન્ય તો પોતામાં મસ્ત, પણ ઘાયલમાં તો સહાનુકંપાની પ્રગટ માણસાઈ પણ ખરી ઘણી સ્મરણસંપત્તિ એવી છે કે ઘાયલ—શૂન્ય એકસાથે જ સાંભરે! બંને મયપરસ્ત, પણ ઘાયલ ફરજની ક્ષણે હાજર થઈ જાય એવો એ સજાગ જીવ. ‘મુંબઈ સમાચાર’માં હતો ત્યારે એ એના સ્વભાવ અનુસાર રંગભૂમિ સાથે પણ કવિને મૈત્રી સંબંધે જોડાયો હતો. શૂન્યની ગઝલ વિષે મને લાગે છે કે આપણે ઉત્તર ગુજરાતની ભાષા નહીં તો કેટલાક શબ્દપ્રયોગો તેમ ઉર્દૂ શાયરીની પરંપરાના જ્ઞાનની પીઠભૂમિકા હોવી જોઈએ. ગઝલના વિવેચન વિષે મને એક પ્રશ્ન રહ્યો છે કે ગઝલ વિષેનું તેનું જ્ઞાન સરાહનીય હતું. મેં શૂન્યે લખેલા અગ્રલેખો વાંચ્યા નથી, પણ જે ગદ્ય જોયું તેમાં ગઝલકાર શૂન્યનું બિમ્બ તો દેખાય છે. એની ને ઘાયલમાં સડસડાટ, અટક્યા વિનાની ગતિ, વેગ છે. તે એમના વ્યક્તિત્વને જ પ્રગટ કરે છે. ‘મુંબઈ સમાચાર’ના તંત્રી જેહાન દારૂવાળાએ નિખાલસપણે પત્રકારરૂપે ‘શૂન્ય’ને વર્ણવ્યા છે, જે ગુણો વર્ણવ્યા છે, નીડરતા વખાણી છે તે જોતાં આપણે ‘શૂન્ય’ને માત્ર ગઝલકાર કહીએ એ અધૂરી, અડધી વાત બની રહે છે. એમની કલમ શમશેર બની ઊઠતી—એમ જેહાન કહે છે ત્યારે:

ધર્મના તમાચાઓ, બેડીઓ પ્રલોભનની, કોરડા સમય કેરા,
એક મૂંગી શ્રદ્ધાની વેદનાઓ માપીને, લો અમે તો આ ચાલ્યા!

આ શેર સાંભરે છે. બોલાતી ભાષા, એટલે રૂઢ ભાષા નહીં. માણસને સડેડાટ કશા ખચકાટ, આડંબર વિના પ્રગટ કરતી ભાષા અહીં જોઈ શકાય છે. શૂન્ય સ્પષ્ટવક્તા છે. એ માણસે ઈશ્વર, ધર્મ, પાપ, પુણ્ય, જીવન, મૃત્યુ, પ્રેમ, સંસાર વિષે વિચાર્યું છું અને સડેડાટ સોંસરું કહ્યું છે, એની ગતિ એ શબ્દના સ્થૂળ અર્થ તરફ ઉપલક જોનારને લાગે, પણ એ કસોટી વાચક—ભાવકની હોય— કવિની નહીં.

તું જ અંત-આદિમાં, તું જ તેજ અંધારે,
તું જ સાર છે કેવળ આ અસાર સંસારે.
* * *
તેજ કિરણની થાય છે ઝાંખી માત્ર પ્રકાશિત દૃષ્ટિથી,
ઈશ્વર કેરું દર્શન દૃષ્ટિ માનવ પરથી પામી છે.
* * *
નિકટ છે મારો મુરારિ મને ખબર નો’તી,
બજાવી શ્વાસની વાંસલડી એટલે જાણ્યું.
* * *
રક્તનાં બિન્દુ તસ્બી-દાણા, દેહની રગરગ મારી જનોઈ,
ધર્મ સ્વયં છું એટલે મારે અંગત બીજો ધર્મ ન કોઈ.
* * *
તને એકમાંથી બહુની તમન્ના, બહુથી મને એક જોવાની ઈચ્છા,
કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી.
* * *
સમજી શકે જો ધર્મ તણો સાર માનવી,
સર્વાંગ એ જ ‘શૂન્ય’ અઢારે પુરાણ છે.
* * *
કાબા ને સોમનાથના પાષાણ ભિન્ન છે,
સમજી શકો તો એથી વધુ ફેર કંઈ નથી.
* * *
માયા પણ છે એક પૂજારણ,
નોખી ભક્તિ, નોખો તોર.
આનંદે ચાખી લે મનવા,
સમજીને શબરીનાં બોર.
* * *
ભક્તિ કેરી કાકલૂદી, સ્વાર્થ કેરા જાપ બંધ,
શંખનાદો, ઝાલરો ને બાંગના આલાપ બંધ,
મેં જરા મોટેથી પૂછ્યો પ્રશ્ન કે, ‘હું કોણ છું?.
થઈ ગયાં ધર્માલયોનાં દ્વાર આપોઆપ બંધ!
* * *
ડગલે પગલે હું જેનાથી ભરમાયો હતો
કોને જઈ કહેવું કે એ મારો જ પડછાયો હતો.
* * *
- હસતાં રહે છે ફૂલ, ગમે તે પ્રસંગ હો,
- કમળને પંકના સૌંદર્યનો જવાબ કહો.
- ઉન્નતિ હો જ્યોત જેવી, મેહુલા જેવું પતન.
- કબરોના ભાગ્યમાં કોઈ માઠું વરસ નથી.

આ પંક્તિઓ તો સ્વયં પૂર્ણ સૂત્ર રૂપે પણ માણી શકાય. અને ચિંતક લાગતો કવિ પ્રેમના વિષયમાં કેવો અલબેલો દેખાય છે

ડાહીડમરી વાત પ્રણયમાં, ‘શૂન્ય’, બનાવટ લાગે છે,
કાલુંઘેલું બોલો ત્યારે કેવાં સુંદર લાગો છો.
 *
પ્રીતની પેલે પાર મધુવન,
બાંધો સેતુ હૈયાં જોડી.

શૂન્યનું મહત્વનું પ્રદાન ખૈયામની રુબાઈના પુસ્તકોરૂપે કરેલો, માણીને પ્રસન્ન થઈ જઈએ એવો અનુવાદ છે એક સ્વતંત્ર રચનારૂપે પણ તે માણી શકાય એવો છે. ખૈયામને ગ્રીકદર્શન પ્રત્યે અભિરુચિ હતી કે કેમ તે હું જાણતો નથી. એની કવિતા દેહવાદ તરફ જાય છે એવો અભિગ્રહ પણ કેળવવાનો નથી. જીવન પ્રત્યેનો અભિગમ જોવાની દૃષ્ટિ શી છે? એ જાણવામાં આપણને રસ હોવો જોઈએ. તે રસિક ભોક્તા છે, તે ઘરડો પિતા વિલાસ માટે પુત્રની યુવાની માગતો આસક્ત તો નથી જ. ખજૂરની પેશી, રણ જેવા પ્રદેશમાં તાડ નીચે બેઠાં હોઈએ અને મધની પ્યાલી આપનાર સાકી જેવું પાત્ર હોય તો બીજું શું જોઈએ? કહેનાર ખૈયામ આપણી ફૂટપટ્ટીના માપનો માણસ નથી. એક રુબાઈમાં એ કહે છે કે, ‘આસમાન સાથે વાત કરતા મહેલ પર બાદશાહો શિર ઝુકાવતા હતા ત્યાં હવે હોલો બેસીને હૂ હૂ... કરે છે...’ (કાકા કાલેલકર હું નહીં, પ્રભુ તું. પ્રભુ તું. સાંભળે છે.)

ભલભલા સમ્રાટ ધરતા શીશ જેના ઉંબરે,
એ મહેલના જીર્ણ નિર્જન કાંગરે;
કોણ જાણે કેમ કાલે કાગને સૂઝી મજાક,
શોર કા..કા..નો કરી મૂક્યો બહુ ખંધા સ્વરે.

શૂન્ય અહીં હોલાના સ્થાને કાગડો પ્રયોજે છે.

લેખ વિધિએ લખ્યા મારા, મને પૂછ્યા વગર,
કર્મની લીલા રચી, રાખી મને ખુદ બેખબર,
આજ પણ ચાલે છે ક્યાં મારું મનસ્વી દોરમાં,
હું કયામતમાં હિસાબ આપું કયા આધાર પર?

* * *

ધાર કે સોનું છે ભારોભાર આ ધરતી બધી,

જરજવાહરની નથી એના ખજાનામાં કમી,
કિન્તુ નિર્જનમાં વરસતા હિમ પેઠે આ જગે,
તું અતિથિ છે ઘડીભરનો, કશું તારું નથી.

બીજી રુબાઈઓમાં પણ ખૈયામ અનિત્યતા, નશ્વરતાની વાત કરે છે, તે હિન્દુ દર્શનથી જુદી નથી, પણ એમાં ઉપદેશકના શબ્દો નથી, કવિતા છે. આપણું દર્શન તો મોઢું ફેરવી લેવાની એકાંગી દૃષ્ટિ જ ચીંધે છે, પણ ખૈયામ જીવન પ્રત્યે પીઠ ફેરવી લેવાની, દસ દિશાની આ દુનિયામાં એક જ દૃષ્ટિ માંડવાની વાત કરતો નથી.

જો, સરિતાતટની આ લીલોતરી
એમ લાગે છે કો દૈવી હોઠ પર છે પાંગરી,
આમ નિર્દયતાથી એને પગ વડે તું ખૂંદ ના,
એક દિ’ એ પણ હતી કો પુષ્પવદના સુંદરી.

આ રુબાઈ સમજવા માટે આપણું શરીર છેવટે રાખ થઈ જવાનું છે એ વીસરી મૃત્યુ કેડે આ શરીર માટી ભેગું માટી થઈ જવાનું છે એ દૃષ્ટિ હોવી જોઈએ. ખૈયામ પણ છેવટે માટીમાં જ મળી ગયો ને! સંભવ છે, જે માટી તું ખૂંદે છે તે કબરમાં પોઢેલી પુષ્પવદના સુંદરીની પણ હોય! આ કેવી ઋજુ સૌંદર્યદૃષ્ટિ, અને તે જ માનવીય દૃષ્ટિ નથી? માણસ આ ધરતીને ચાહે છે તો એ તોપ ધરાવતી રણગાડી ફેરવે ખરો? આવી દૃષ્ટિએ ખૈયામે ઘણી રુબાઈ લખી છે એમાં એનો માત્ર ધરતીપ્રેમ જ નહીં, સૌંદર્યમય માનવીય પ્રેમ પણ પ્રગટ થાય છે.

આપણે નો’તા એ પહેલાં પણ હતું જીવન-વહન,
એ જ સૂરજ-ચંદ્ર-તારા, એ જ પૃથ્વી ને ગગન;
હળવે હળવે નમ્રતાથી મૂક ધરતી પર કદમ,
કો’ પ્રિયાની આંખનું એ પણ હતી એક દિ’ રતન.

આ ગોળ ધરતી કોઈ પ્રિયાની આંખનું રતન હોય તો, એ પ્રિયા કઈ, કોણ? આ દ્રષ્ટિ હોય તે પૃથ્વીનું કેવું સૌંદર્યમય ગૌરવ કરે? આમેય, સૂફી કવિ ઈશ્વરને પ્રિયારૂપે જોતો નથી? પૃથ્વી માટીની, માણસ માટીનો આ રાત્ય ખૈયામનાં હૈયા અને ચેતનામાં વસી ગયું છે એ માટીને માનવીય સંદર્ભે જુએ છે એમાં કેવી રમણીયતા, કવિતા પ્રગટ થાય છે.

કાલ કુંજાગરને જોયો બેફિકર અંજામથી,
ચાક પર એને હતું બસ કામ કેવળ કામથી,
રંકના કર મેળવીને રાયનાં મસ્તકની સાથ,
દાંડીઓ ને કાંઠલા ઘડતો હતો આરામથી.

* * *

જામ ઘડનારા! કરે છે શું તને કૈ જ્ઞાન છે?

જેને તું ખૂંદી રહ્યો છે એ એક ઇન્સાન છે.
આંગળી અકબરની, માથું કોઈ આલમગીરનું
ચાક પર શું શું ધર્યું છે, મૂર્ખ તુજને ભાન છે?

અને ખૈયામની સૌંદર્યદૃષ્ટિ અહીં સીધા ઉદ્દબોધન પરથી કેવળ રમ્ય કવિતા રચે છે:

એમ લાગે છે કે કૂજો પણ ખરો પ્રેમી હશે,
કો’ સનમની આ રેશમી જુલ્ફોનો એ કેદી હશે,
હાથ આ રીતે વળે ના ડોક પર કારણ વિના,
યારની ગરદનનો મારી જેમ એ ભોગી હશે!

સુરાહીનું ચિત્ર સાકાર કરો અને મીસરની સુરાહદાર ગરદનની રમણીને આંખ સામે તાદશ કરો — કવિતા માણો. ખૈયામ પોતે જ એક રુબાઈમાં પોતાને વિશેની ગેરસમજ વિશે સ્પષ્ટતા કરે છે.

દુશ્મનો વાતો ઉડાવે છે કે હું ફિલસૂફ છું
માત્ર જાણે છે ખુદા બહેતર કે એમાં શું ખરું?
માનવીરૂપે જનમ લીધો છે જો સંસારમાં,
કોણ છું હું? એટલુંવ શું વિચારી ના શકું?

‘કુમાર’ની બુધસભામાં શૂન્યે મધુર કંઠે ભાવ સ્વયં પ્રગટ થાય એ રીતે આ રુબાઈઓનો પાઠ કર્યો છે અને સાવ બારીક પોતની સૂક્ષ્મ છિદ્રોવાળી ચાળણીથી બધુ ચાળનારા સ્વ. બચુભાઈ રાવત પણ પ્રસન્ન પ્રસન્ન થયા હતા અને લેખિત શબ્દોમાં પણ એમણે હૃદય મોકળું કરી દીધું હતું અને મુશાયરાના મંચ પર તો... શૂન્યનો આ અનુવાદ શબ્દશઃ નહીં એટલો અનુસર્જન છે. એના વિશે લખેલો પરિચયલેખ પણ ગદ્યનો સરસ પરિચય આપે છે. એક કાળે ગઝલ/ગઝલકારો પર વરસેલા ટીકાકારોએ કદી તપાસ પણ કરી હતી કે એમાં સૌંદયર્યાનુરાગી વ્યાપક દૃષ્ટિ ધરાવનારા ખંતીલા અભ્યાસુઓ પણ છે શું? એ રુબાઈ વાસ્તવમાં પ્રચલિત ગઝલી છંદમાં રચાયેલી કત્આત છે.

ગઝલ

આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે અંતરો ગાય પંચમના સૂરે ગઝલ
દર્દ અંગડાઈ લે, પ્રેમ ઝૂમી ઊઠે, રૂપ ઝણકાવે પાયલ ને સ્ફુરે ગઝલ.

દૃશ્ય સર્જાય મોંઘું મિલનનું અને સાથિયા ચાંદ-સૂરજના પૂરે ગઝલ
દોર ગોઝારો જામે વિરહનો અને રાતના ઘોર સન્નાટે ઝૂરે ગઝલ.

ઊર્મિઓને કશું ક્યાંય બંધન નથી, લાગણી મુક્ત છે સ્થળ અને કાળથી
બુલબુલોએ રચી ગુલશનોમાં અને આમ્રકુંજોમાં ગાઈ મયૂરે ગઝલ.

જન્મ-મૃત્યુ છે મત્લા ને મક્તો ઉભય શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય,
રંગ લૌકિક છે પણ અલૌકિક લય, ગાય છે શૂન્ય ખુદની હજૂરે ગઝલ.

પોક મૂકીને બુદ્ધિ રોઈ

પ્રેમને કારણ આજ લગી મેં એક જ ધારી હાલત જોઈ,
દિવસો કાઢ્યા વલખાં મારી, રાત વિતાવી છાનું રોઈ.

રક્તનાં બિન્દુ તસ્બી દાણા, દેહની રગ રગ મારી જનોઈ,
ધર્મ સ્વયં છું એટલે મારે અંગત બીજો ધર્મ ન કોઈ.

વિશ્વઉતારે ભીડ જીવોની થાય તો ક્યાંથી ઓછી થાયે
જીવનનાં પણ સાધન સારાં, મરવાની પણ ઉત્તમ સોઈ.

શ્વાસની તો ફરિયાદ વળી શું! શ્વાસ છે ખુદ ફરિયાદ જીવનની,
એની દાદ તો એ જ છે સાચી, ધ્યાન દઈને સમજે કોઈ.

રોજ પ્રભાતે ફૂલ કહે છે ખૂબ હસો એ મિત્ર હવે તો.
આખી રાત વિતાવી દીધી તારલા હેઠે રોઈ રોઈ.

અંત ને આદિ બેઉ અજાણ્યા, કેવું અધૂરું જીવન પામ્યા?
કોઈ કથાનકની વચ્ચેથી જાણે ઉઠાવ્યો ટુકડો કોઈ.

એક દી જ્યારે મોજમાં આવી શૂન્ય મેં છેડી જીવનગાથા,
પાગલતાએ સ્મિત વહાવ્યું. પોક મૂકીને બુદ્ધિ રોઈ.

દુશ્મન છે જવાની ફૂલોની

પાગલ છે જમાનો ફૂલોનો, આવી છે જવાની ફૂલોની
ઉપવનને કહી દો ખેર નથી, આવી છે જવાની ફૂલોની.

સૌંદર્યની ચાહતના પરદે, સૌંદર્યની લૂંટો ચાલે છે,
ફૂલે તો બિચારાં શું ફૂલે! દુશ્મન છે જવાની ફૂલોની.

અધિકાર હશે કૈં કાંટાનો, એની તો રહી ના લેશ ખબર,
ચિરાઈ ગયો પાલવ જ્યારે છેડી મેં જવાની ફૂલોની?

ઉપવનને લૂંટાવી દેવાનો આરોપ છે કોના જોબન પર?
કાંટાની અદાલત બેઠી કાં લેવાને જુબાની ફૂલોની?

ઝૂરંતો પરિમલ ભટકે છે કાં વહેલી સવારે ઉપવનમાં?
વ્યાકુળ છે કોનાં દર્શનની એ રડતી જવાની ફૂલોની?

બે પળ જીવનની રંગત છે, બે પળ આ ચમનની શોભા છે,
સંભળાય છે નિશદિન કળીઓને આ બોધકહાની ફૂલોની.

તું ‘શૂન્ય’, કવિને શું જાણે? એ કેવો રૂપનો પાગલ છે,
રાખે છે હૃદય પર કોરીને રંગીન નિશાની ફૂલોની.