બાબુ સુથારની કવિતા/સર્જક-પરિચય

Revision as of 03:05, 30 December 2025 by Meghdhanu (talk | contribs)


સર્જક-પરિચય

બાબુ સુથાર

તેમનું જન્મસ્થળ વીરપુર તાલુકાના (ત્યારનું બાલાસિનોર) ભરોડી ગામ છે. જન્મ તારીખ (શાળાના પ્રમાણપત્ર પ્રમાણે) પહેલી જૂન, ૧૯૫૫. પિતા કોહ્યાભાઈ માંડ બે કે ત્રણ ચોપડી ભણેલા અને માતા આનંદીબેન પહેલીમાંથી ઊઠી ગયેલાં. પ્રાથમિક શિક્ષણ ભરોડીમાં અને જીતપુરામાં (પાવાગઢ પાસે, પંચમહાલ) લીધેલું. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સી.એમ. દેસાઈ હાઈસ્કૂલ, વીરપુર અને ઘડિયાના ટીમ્બા ખાતે મેળવ્યું. ઉચ્ચશિક્ષણ પહેલાં બે વર્ષ મોડાસા કૉલેજ અને ગોધરા કોમર્સ કૉલેજમાં લીધું. શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ, ગોધરામાંથી ગુજરાતી અને હિન્દી વિષયો સાથે બી.એ.ની ડીગ્રી મેળવી. ત્યારબાદ એમ.એસ. યુનિવર્સિટીમાંથી બે વાર એમ.એ.; એક ગુજરાતી વિષય સાથે, બીજું ભાષાશાસ્ત્ર સાથે કર્યું. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેલિયામાંથી ભાષાશાસ્ત્રમાં પીએચ.ડી.ની ડીગ્રી મેળવી. અને ત્યાર બાદ વધુ એક એમ.એ. સિનેમા સ્ટડીઝમાં પણ કર્યું છે. પરંતુ ડિઝર્ટેશન બાકી હોવાને કારણે ડીગ્રી નથી લીધી. પ્રારંભે પહેલાં ટેલિફોન ઓપરેટર તરીકે (ગોધરામાં અને વડોદરામાં) સેવાઓ આપી. ત્યારબાદ આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, સંતરામપુર અને મણીબેન નાણાવટી વિમેન્સ કૉલેજ, મુંબઈમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે જોડાયા. તેમણે ભાષાશાસ્ત્ર વિભાગ, એમ.એસ. યુનિવર્સિટીમાં ભાષાશાસ્ત્રના અધ્યાપક તરીકે અને ૧૯૯૭માં અમેરિકા ગયા પછી ત્યાંની યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ગુજરાતી ભાષા અને સાહિત્યના અધ્યાપક તરીકે અધ્યાપનકાર્ય કર્યું. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેલિયામાંથી અધ્યાપક તરીકે નિવૃત્ત થયા બાદ થોડો સમય હેલ્થ કેરમાં પણ કામ કર્યું. આ બધા વચ્ચે સાહિત્ય અને ભાષાશાસ્ત્ર ક્ષેત્રે સતત પ્રવૃત્ત રહ્યા અને હજુ પ્રવૃત્ત છે. આ ઉપરાંત બાબુ સુથારે પરદેશગમન પહેલાં ‘ગુજરાત સમાચાર’, અને ‘સંદેશ’માં સબ એડિટર તરીકે પણ સેવા આપી હતી.

લેખનઃ

સાત કાવ્યસંગ્રહો, પાંચ નવલકથાઓ, ચાર વિવેચન ગ્રંથો, એક દીર્ઘ કાવ્યનો અનુવાદ. પંદરેક પુસ્તકો થાય એટલું અગ્રંથસ્થ જેમાં વાર્તાઓ, નવલકથાઓ, કાવ્યસંગ્રહો, ગ્રંથસમીક્ષાઓ, વિવેચનો, અને અનુવાદોનો સમાવેશ થાય છે. તેમણે દસ વરસ સુધી ‘સન્ધિ’ સામયિકનું સંપાદન પણ કર્યું. અત્યારે ‘ઊહાપોહઃ૨’ નામના સામયિકનું સંપાદન કરે છે. તેમના રસનાં ક્ષેત્રો ફિલસૂફી, સાહિત્ય, નૃવંશવિજ્ઞાન, ડિજિટલ સંસ્કૃતિ, સિનેમા (ખાસ કરીને નાના દેશોનું) અને સમકાલીન રાજકીય ઘટનાઓ છે. ફેઈસબુક જેવા સમૂહમાધ્યમ પરના તેમનાં લખાણો અને ચર્ચાવિચારણા વિચારોત્તેજક બની રહે છે.

મો.: +૧(૮૧૪)-૨૭૯-૯૭૪૪
ઈ-મેઈલ : basuthar@gmail.com


સંપાદક-પરિચય

મનીષા દવે

Manisha Dave.jpg

શ્રી તલકચંદ મ્યાચંદ શાહ મહિલા આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક ડૉ. મનીષા દવે નવી પેઢીના સંનિષ્ઠ વિવેચક અને સંશોધક છે. ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા અને નાટકમાં મિથનો વિનિયોગ’ ઉપર એમણે શોધકાર્ય કર્યું છે, જેને વર્ષ ૨૦૦૨ના શ્રેષ્ઠ મહાશોધનિબંધનું શ્રી ઉપેન્દ્ર પંડ્યા પારિતોષિક પ્રાપ્ત થયું છે. પ્રશિષ્ટ સર્જકો અને કૃતિઓના વિવેચન તરફ એમની સવિશેષ રુચિ છે. એમના સંશોધન અને વિવેચન લેખો ગુજરાતીના ઉત્તમ સાહિત્યિક સામયિકો ‘એતદ’, ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’, ‘વિદ્યાપીઠ’, ‘સમીપે’, ‘તથાપિ’, ‘પદ્ય’માં સમયાંતરે પ્રગટ થતા રહ્યા છે અને વિદ્વાનોની પ્રશંસા મેળવતા રહ્યા છે. નિર્ભીકતા, સ્પષ્ટવકતૃત્વ અને ઊંડી કળાસૂઝ એમની લેખિનીના વિશેષ છે. સાહિત્ય ઉપરાંત ચિત્રકલા અને શિલ્પ-સ્થાપત્યકલામાં વિશેષ રુચિ ધરાવે છે. તેમનાં ત્રણ પુસ્તકો, જેમાં એક તેમનો શોધનિબંધ અને બે તેમના વિવેચન ગ્રંથો ટૂંક સમયમાં પ્રકાશિત થશે. તેઓ હાલ ગુજરાતી સાહિત્ય પરિષદની ઉમાશંકર જોશી સ્વાધ્યાયપીઠ અંતર્ગત ‘પ્રેમાનંદનો આવર્તનાનુસારી શબ્દકોશ’ તૈયાર કરી રહ્યાં છે. તેઓ ગુજરાતી અધ્યાપક સંઘના મંત્રી પદે રહી ચૂક્યાં છે અને હાલ ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિના નિયુક્ત સદસ્ય છે.

મો.: ૯૯૨૪૭૪૨૩૫૧
ઈ-મેઈલઃ manishadave@gmail.com