ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/લલિતમોહન ચુનીલાલ ગાંધી

From Ekatra Foundation
Revision as of 03:26, 3 January 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
લલિતમોહન ચુનીલાલ ગાંધી

એઓ જ્ઞાતે દશા મોઢ વાણીઆ અને સુરતના વતની છે. જન્મ પણ સુરતમાં તા. ૮ મી મે ૧૯૦૨ના રોજ થયો હતો. એમતા પિતાશ્રી ચુનીલાલ માણેકલાલ ગાંધી એક અગ્રેસર વકીલ અને લોકનેતા તરીકે જાણીતા છે. એમના માતુશ્રીનું નામ કમળાબ્હેન છે, જેઓ જમનાદાસ વિજુભાઈના પુત્રી થાય. એમનું લગ્ન સન ૧૯૨૨ના એપ્રિલમાં ઉમરગામના સૌ. પ્રભાવતી-તે રા. મગનલાલ હરિભાઇ સંજાણવાળાના પુત્રી–સાથે થયેલું છે. પ્રાથમિક અને માધ્યમિક કેળવણી એમણે સુરતમાં લીધેલી, અને કૉલેજ શિક્ષણ માટે તેઓ મુંબાઇ એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયલા. સન ૧૯૨૩માં તેઓ બી. એ. થયા હતા. ભૌતિકશાસ્ત્ર અને રસાયનશાસ્ત્ર એમને ઐચ્છિક વિષય હતો. રસાયનશાસ્ત્રનો ઐચ્છિક વિષય લઇને સન. ૧૯૨૪માં તેઓ બી. એસ. સી. થયા હતા. સન ૧૯૨૫માં એમ. એ. ની પરીક્ષા એમણે ગુજરાતી અને ઇંગ્રેજી લઈને પસાર કરી હતી; અને સન ૧૯૨૫ માં એલ એલ. બી. થયા હતા. હાલમાં તેઓ સુરતમાં વકીલાત કરે છે. એમના પ્રિય વિષયો માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને નાટકો તેમ ટુંકી વાર્તાસાહિત્ય છે; અને એ ક્ષેત્રમાં ટુંકી વાર્તાઓ અને નાટકો લખવાનો થોડાક સમયથી પ્રયત્ન કરી રહ્યા છે. “કલ્પના કુસુમો” એ એમની પ્રથમ કૃતિ છે, જેનો પરિચય જાણીતા સાક્ષર નરસિંહરાવે કરાવ્યો છે; અને પ્રિન્સિપાલ ધ્રુવે તેની ગુણપ્રશંસા ‘વસન્ત’માં કરી છે. તે આગમચ ‘જ્ઞાનવર્ધક ગ્રંથમાળા’માં ટુંકી વાર્તાઓ એડિટ કરી, એ વિષય પ્રતિનો પોતાનો શોખ પ્રદર્શિત કર્યો હતો. નવમી સાહિત્ય પરિષદમાં એમણે “નવલિકા સાહિત્ય, એના રૂપ રંગ અને કલાત્મા” એ નામનો નિબંધ વાંચ્યો હતો, સાહિત્યની પેઠે ટેનિસની રમત તેમને અત્યંત પ્રિય છે અને અનેક ટુર્નામેન્ટમાં તેમને તે માટે ઇનામો મળેલાં છે. એમનું પ્રથમ પુસ્તક સાહિત્યરસિકોમાં સારો આદર પામ્યું હતું અને, આપણે આશા રાખીશું કે એમના તરફથી આપણને વધારે અને કિમતી સાહિત્ય મળતું રહેશે.

: : એમની કૃતિઓ : :

કલ્પના કુસુમો સન ૧૯૩૦