ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી
એઓ જાતના બાજ ખેડાવાળ બ્રાહ્મણ અને ઉમેરઠના વતની છે. એમનો જન્મ એ જ સ્થળે તા. ૪થી જુલાઈ સન ૧૮૯૯ ના રોજ થયો હતો. એમના પિતાશ્રીનું નામ રણછોડલાલ પ્રાણનાથ ત્રિવેદી અને માતાનું નામ જેઠીબાઈ હરિપ્રસાદ ભટ્ટ છે. લગ્ન એમના સોળમે વર્ષે સૌ. તારામતી પ્રાણશંકર મહેતા સાથે થયું હતું. પ્રાથમિક શિક્ષણ એમણે ઠાસરામાં લીધું હતું. માધ્યમિક ઠાસરા, કપડવંજ અને નડિયાદમાં અનુક્રમે લીધેલું; અને મેટ્રિકમાં ભાઉ સાહેબ સ્કોલરશિપ મળી હતી. સન ૧૯૧૬ થી ૧૯૨૦ તેઓ ગુજરાત કૉલેજમાં હતા; અને બી. એ.ની પરીક્ષા ફર્સ્ટ ક્લાસ ઑનર્સ સાથે પાસ કરી હતી. પરિષદ ભંડોળ કમિટી તરફથી લેવાયલી ગુજરાતીની પરીક્ષામાં (સન ૧૯૧૮) ચંદ્રક મેળવવા ભાગ્યશાળી થયા હતા. બીજે વર્ષે કૉલેજમાં દક્ષિણા ફેલો નિમાયલા અને સન ૧૯૨૩ માં એમ. એ. ની પરીક્ષા સંસ્કૃત અને ગુજરાતી લઈને બીજા વર્ગમાં પાસ કરી હતી. હાલમાં તેઓ સુરતની એમ. ટી. બી. કૉલેજમાં અંગ્રેજી અને ગુજરાતીના અધ્યાપક છે; અને સુરત સાર્વજનિક કેળવણી મંડળમાં એક આજીવન સભ્ય તરીકે જોડાયલા છે. એમના પર ગોવર્ધનરામની અસર ખાસ થયલી તેઓ કહે છે. કાવ્ય, ભાષાશાસ્ત્ર અને ચિન્તનાત્મક સાહિત્ય એમના પ્રિય વિષયો છે; અને તેની છાયા આપણને એમની ‘ભાવના સૃષ્ટિ’માં દૃષ્ટિગોચર થાય છે. અવારનવાર માસિકોમાં એમના લેખો આવે છે તે વિવેચનાત્મક તેમ ચિંતનાત્મક હોય છે; અને એક વિવેચક તરીકે તેઓ નામના મેળવે તો અમે નવાઈ પામીશું નહિ. ટુંકાણમાં જે કાંઇ એમના તરફથી લખાઇ આવે છે તે જેમ અભ્યાસપૂર્ણ તેમ મનનીય હોય છે.
: : એમની કૃતિઓ : :
| ૧ | ભાવના સૃષ્ટિ | સન ૧૯૨૪ |