ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/વિનોદિની નીલકંઠ
વીરેન પંડ્યા
વાર્તાકારનો પરિચય :
ગુજરાતનાં પ્રથમ ગ્રેજ્યુએટ સન્નારી વિદ્યાબેન અને સુધારાવાદી સર્જક રમણભાઈ નીલકંઠને ત્યાં ૯ ફેબ્રુઆરી ૧૯૦૭નાં રોજ વિનોદિની નીલકંઠનો જન્મ થયો હતો. ૧૯૨૯માં અમેરિકાની મીશીગન યુનિવર્સિટીમાં એમ.એ.નાં અભ્યાસ માટે જનાર પ્રથમ ગુજરાતી મહિલા વિનોદિની નીલકંઠ બન્યાં. શિક્ષણ ક્ષેત્રે શાળાઓ તથા મહાવિદ્યાલયમાં શિક્ષિકા તથા પ્રિન્સીપાલ તરીકે વર્ષો સુધી સેવાઓ આપી. ચાળીસ વર્ષ સુધી `ગુજરાત સમાચાર’માં `ઘર ઘરની જ્યોત’ કટાર લખી સ્ત્રી જાગૃતિ માટે નોંધપાત્ર પ્રદાન આપ્યું. શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત સામાજિક, આરોગ્ય અને સેવાનાં ક્ષેત્રમાં પણ તેમનું યોગદાન રહ્યું છે. ગુજરાતની રંગભૂમિમાં સક્રિય રસ લઈ તેમણે શિષ્ટ નાટકોમાં પણ ભૂમિકા ભજવી હતી. પ્રેરણારૂપ વ્યક્તિત્વ ધરાવનારાં વિનોદિની નીલકંઠ પાસેથી કેટલીક નોંધપાત્ર સાહિત્યિક કૃતિઓ પ્રાપ્ત થઈ છે. ૨૯મી સપ્ટેમ્બર ૧૯૮૭નાં રોજ વિનોદિની નીલકંઠનું અવસાન થયું હતું.
સાહિત્યસર્જન :
‘કદલીવન’ નવલકથા લખીને ગુજરાતી સાહિત્યનાં પ્રથમ મહિલા નવલકથાકાર તરીકેનું સ્થાન પ્રાપ્ત કરનારાં, પોતાની ‘દરિયાવ દિલ’ ટૂંકી વાર્તા પર આધારિત ફિલ્મ ‘કાશીનો દીકરો’ના માધ્યમથી ગુજરાતી ચલચિત્રમાં આગવું યોગદાન આપનારાં, પોતાના નિબંધો, ટૂંકીવાર્તા અને બાળવાર્તા પ્રત્યે પોતાની સર્જકપ્રતિભાને જોરે સૌનું ધ્યાન ખેંચનારાં તથા વર્તમાનપત્રની કટાર દ્વારા ગુજરાતી સ્ત્રીઓના હૃદયમાં સ્થાન પામેલાં વિનોદિની નીલકંઠ બહુમુખી પ્રતિભા ધરાવતા સર્જક છે. તેમની પાસેથી નીચે મુજબની કૃતિઓ પ્રાપ્ત થાય છે : નિબંધ : ‘રસદ્વાર’ (૧૯૨૮); ‘આરસીની ભીતરમાં’ (૧૯૪૨); ‘નિજાનંદ’(૧૯૫૮) નવલકથા : ‘કદલીવન’(૧૯૪૬) ટૂંકી વાર્તા : ‘કાર્પાસી અને બીજી વાર્તાઓ’ (૧૯૫૧); ‘દિલ દરિયાવનાં મોતી’ (૧૯૫૮); ‘અંગુલિનો સ્પર્શ’(૧૯૬૫) બાળવાર્તા : ‘શિશુરંજના’ (૧૯૪૭); ‘મેંદીની મંજરી’ (૧૯૫૬) પ્રકીર્ણ : ‘ગુજરાતી અટકોનો ઇતિહાસ’ (૧૯૪૨); ‘ઘરનો વહીવટ’ (૧૯૫૯); ‘બાળસુરક્ષા’ (૧૯૬૧), ‘બાળકની દુનિયામાં’ (૧૯૬૧); ‘વિદ્યાગૌરી નીલકંઠ’ (૧૯૭૬). અનુવાદ : ‘મનુષ્ય સ્વભાવ અને સામાજિક ક્રમ’ (૧૯૩૪); ‘પરાજિત પૂર્વગ્રહ’ (૧૯૫૮); ‘મુક્તજનોની ભૂમિ’ (૧૯૬૬); ‘સુખની સિદ્ધિ’ (૧૯૬૯); ‘સફરચંદ’; ‘પડછંદ કઠિયારો’.
વાર્તાકારનો યુગસંદર્ભ :
વાર્તાકાર વિનોદિની નીલકંઠ ગાંધીયુગના સર્જક છે. ગાંધીજીનાં ભારત આગમન પછી સ્વતંત્રતા માટેની સક્રિય લડત, આઝાદીની લડતમાં લોકભાગીદારી, તત્કાલીન અમદાવાદ, ગુજરાતનાં અને ભારતનાં શહેરોનાં સંદર્ભો લેખિકાએ પ્રત્યક્ષ-પરોક્ષ રીતે પોતાની વાર્તાઓમાં ઝીલ્યાં છે. ઈ.સ. ૧૯૫૧થી ઈ.સ. ૧૯૬૫ દરમિયાન વિનોદિની નીલકંઠનાં ત્રણ વાર્તાસંગ્રહો પ્રગટ થયા છે. ગુજરાતની આઝાદી પૂર્વેની સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક સ્થિતિનો ચિતાર લેખિકાની વાર્તાઓની પશ્ચાદ્ભૂમાંથી મળે છે. ધૂમકેતુ, રા. વિ. પાઠક, ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી, સુન્દરમ્, ચુનીલાલ મડિયા જેવા વાર્તાકારોનાં સમયમાં થઈ ગયેલાં વિનોદિની નીલકંઠ મહિલાઓને કેન્દ્રમાં રાખી પોતાની નોંખી રીતે વાર્તાઓ લખે છે અને નારીજગતને પોતાનાં યુગથી ઉપર ઊઠીને આગવી રીતે આલેખે છે.
ટૂંકી વાર્તા વિશે વિનોદિની નીલકંઠની સમજ :
વિનોદિની નીલકંઠ પોતાની આજુબાજુ બનતી ઘટનાઓમાં વાર્તાને અનુરૂપ વસ્તુ જુએ અને ખાસ તો તે મહિલાઓ સાથે સંકળાયેલું હોય ત્યારે તે પોતાની સહજ શૈલીમાં તેને વાર્તામાં ઉતારે છે. પોતાની વાર્તાઓ વિશે વાત કરતાં `દિલ-દરિયાવનાં મોતી’ની પ્રસ્તાવનામાં લેખિકા કહે છે : ``કોઈ વાર રસ્તામાં, મોટર-બસમાં, આગગાડીમાં, રેલ્વે સ્ટેશન ઉપર, ઇસ્પિતાળમાં, નદી કે દરિયા કાંઠે, અગર કોઈ મેળા કે મેળાવડામાં સંખ્યાબંધ માણસોની ઠઠ જામી હોય, ત્યારે મને વિચાર આવે છે કે દરેક માનવીના હૈયામાં સુખ દુઃખની વાર્તા છુપાયલી હશે... જીવનમાં મેં જે જોયું, જાણ્યું, સાંભળ્યું કે અનુભવ્યું, તે આ સંગ્રહમાં વાર્તાઓ રૂપે વ્યક્ત કર્યું છે.” (“દિલ-દરિયાવનાં મોતી’, વિનોદિની નીલકંઠ) `અંગુલિનો સ્પર્શ’માં પોતાની વાર્તાઓનાં ભૂમિકારૂપ લખાણમાં વિનોદિની નીલકંઠ ટૂંકી વાર્તા વિશેની પોતાની સમજ કલાત્મક રીતે મૂકે છે : “હું માનું છું કે નવલિકાકાર જ્યારે વાર્તા લખે છે, ત્યારે નવલકથાકાર જેટલો તે અત્યંત ઝીણવટભરી વિગતમાં ન ઊતરતાં, પોતાને જે કહેવાનું હોય તે અત્યંત હળવે હાથે આલેખે છે. તેમાં (ગર્ભમાં રહેલાં બાળકનાં માતાને ઉદરની અંદર થતાં) અંગુલિનાં સ્પર્શસમો હળવો નિર્દેશ માત્ર થયો હોય છે.” (`અંગુલિનો સ્પર્શ’, વિનોદિની નીલકંઠ) વિનોદિની નીલકંઠનાં ઉપરોક્ત બંને સંગ્રહનાં આરંભે મૂકેલાં લખાણો તેમની ક્રમશ: વિકસતી જતી ટૂંકી વાર્તા વિશેની સમજને સૂચવે છે. તેમની આ સમજ તેમની વાર્તાઓમાં પણ જોઈ શકાય છે.
‘‘કાર્પાસી અને બીજી વાર્તાઓ’ (૧૯૫૧)
ઈ.સ. ૧૯૫૧માં પ્રગટ થયેલાં ‘કાર્પાસી અને બીજી વાર્તાઓ’ સંગ્રહમાં `કાર્પાસી’ થી શરૂ કરીને `કાંકરીઓ કુંભાર’ સુધીની વીસ વાર્તાઓ સમાવવામાં આવી છે. આ સંગ્રહનાં આરંભે બળવંતરાય ઠાકોર જેવાં વિવેચકનો સ્વાગત લેખ છે. જે લેખિકાનાં પ્રથમ વાર્તાસંગ્રહને સાહિત્ય-જગતમાં મળેલાં પ્રવેશનો સંકેત છે. કાર્પાસી અને અનલકુમારની પ્રણયકથા અને કાર્પાસીની રાખમાંથી નર્મદા કિનારે ઊગેલાં કપાસનાં છોડની કાલ્પનિક કથા `કાર્પાસી’; પોતાનાં ખોવાયેલાં પુત્ર જેવાં દેખાતાં બાળકને દત્તક લીધાં પછી પોતાનો પુત્ર મળી જવા છતાં દત્તક પુત્રને જ અગ્રતા આપતી માતા ગોમતીની `આંગળીથી નખ વેગળાં’ કહેવતને ખોટી પાડતી વાર્તા `સોમ અને મંગળ’; અચાનક જ વરસાદી રાત્રે આવી ચડેલાં સ્ત્રી-પુરુષ સવાર થતાં વારાફરતી ગૂમ થઈ જાય છે. તેમનું આવવું-જવું મનુષ્યનાં જગતમાં આવવાં-જવાં સાથે જોડીને કથાને જુદું પરિમાણ આપતી વાર્તા `અજવાળી’; છૂટાછેડા માટે કોર્ટમાં પહેલી વાર પતિને મળીને તેનાં પ્રેમમાં પડી, પરિવાર વિરુદ્ધ જઈ પતિને પરણવા ભાગેલી સુશીલાની વાર્તા `છૂટાછેડામાંથી લગ્ન’; દરિયાકિનારે રજા ગાળવા બનાવેલાં બંગલામાં માળી તરીકે નોકરીએ રહેલાં વેસતાનાં પરિવારથી પણ વિશેષ કૂતરાં માટેનાં લગાવની વાર્તા `કુટુંબ અને કબીલો’; હિન્દુ ધર્મ અને હિન્દુ સમાજની અસંવેદનશીલતા અને ખ્રિસ્તી ધર્મની દયાળુતાની અનાથ આશ્રમમાંથી કાઢી મૂકાયેલાં કથક દ્વારા કહેવાયેલી અનુભવકથા `હું કોણ?’; દીકરીને દીકરા તરીકે ઉછેરી અને મરતાં પતિને રાજી રાખવા દીકરો જન્મ્યો છે એમ કહી વતનથી દૂર આસામ રહી દીકરીને ઉછેરતાં દીવાળીબેન અને તેની દીકરી કાંતિની વાર્તા `પુત્ર-જન્મ’; પોતે પત્રવ્યવહારથી જેનાં પ્રેમમાં પડ્યો છે તે શ્યામમોહિનીની ડૉક્ટરને પરણવાની ઇચ્છા પૂરી કરી શકે એ માટે પોતાની બદલે ડૉક્ટર શ્રીધરને મળવા મોકલનારા, પોતાના પ્રેમનું બલિદાન આપનારા સમીરની વાર્તા `અપરિચિતા’; સાહ્યબી ભોગવવા માટે પોતાનાથી ત્રીસ વર્ષ મોટી ઉંમરનાં નૌતમલાલ શેઠને પરણેલી અને શેઠનું મૃત્યુ થતાં મુક્તિ અનુભવતી ગિરિજાની વાર્તા `બંધન-મુક્તિ’; પતિને અંધારામાં રાખી બીજાંનાં બાળકને પતિનું જ સંતાન હોવાનાં ભ્રમમાં રાખનારી અને પુત્રનાં મૃત્યુ વખતે એ ભ્રમ તૂટતાં પાગલ થઈ ગયેલાં પતિ માટે દુ:ખ અનુભવતી પારૂની સંકુલ માનવ સંબંધોની વાર્તા `બાપનું હૈયું’; બદ્રીનાથની જાતરામાંથી સસરાંને મળેલાં અનાથ બાળકને સગાં દીકરા જેવો પ્રેમ આપતી વહુ અને બદ્રીનાં મૃત્યુ પછી પોતાને ત્યાં બદ્રી પુત્ર તરીકે જન્મે તેવી કામના કરતી ચમત્કૃતિયુક્ત વાર્તા `બદ્રી-કેદાર’; પોતાનાં તમિળ મા- બાપથી ચાર વર્ષની ઉંમરે છૂટી પડી ગયેલી અને ગુજરાતી પરિવારે ઉછેરીને મોટી કરેલી દીકરીની વાર્તા `અનામિકા’; સાચી મોતીની માળા ન ખોવાય એ માટે પતિ, પત્ની અને શેઠાણી ત્રણેયે દાખવેલી સાવચેતીમાંથી હાસ્ય નિષ્પન્ન કરતી વાર્તા `મોતીની માળા’; પતિએ લખેલી નવલકથાઓથી પ્રસિદ્ધ થયેલી અને પતિનાં મૃત્યુ સાથે સર્જકત્વ પણ ગુમાવતી લેખિકાની વાર્તા `લવંગલતા’; સુખથી તરબતર જીવન ત્યજીને ભવિષ્યમાં આવનારું દુઃખ સહન કરવું પડે એ માટે સંન્યાસી બનનારાં વિચક્ષણ નારીની કથા `વીતરાગ’; જેને બહેનપણી માની હતી તે શિક્ષિકા દ્વારા પોતાની દીકરીનું અપહરણ અને ત્યાંથી ધીરજ અને સમજદારીથી પોલીસની મદદ મેળવી માતા પાસે પરત ફરતી દીકરીની નાટ્યાત્મક વળાંકો લેતી વાર્તા `બહેનપણી’; બાર વર્ષ પછી પિયર આવી શકેલી પાર્વતી એક સાથે પોતાનાં બધાં સ્વજનોનાં મૃત્યુ વિશે અને પોતાનાં ભાઈએ જ બહેન સરસ્વતી પર કરેલી કુદૃષ્ટિની વાત ભાઈનાં અંતિમ પત્રમાંથી જાણે છે. વાર્તાનાં અંતે પત્રમાંથી થતો ઘટસ્ફોટ લેખિકાએ વર્ષો પહેલાં હિંમતપૂર્વક નિરૂપ્યો છે તે વાર્તા `બાર બાર વર્ષે’; જેને પથ્થર માની હતી તે કુટુંબને ઉજાળનાર પુત્ર સમોવડી દીકરી ડૉક્ટર પવનકુમારીની વાર્તા `પહાણો’; પોતાને ત્યાં એક વરસાદી તોફાનમાં આવી ચડેલાં બાળકને ઉછેરી તેનાં દીકરા માટે વાત્સલ્ય વહાવતી સ્ત્રીની વાર્તા `પારકો જણ્યો’; ગાંડો બનીને બધું સહી લેતો ગોવિન્દો પોતાની વિધવા બહેનનાં પોષણ માટે ઓરમાન ભાઈ પાસે ભાગ માંગીને આશ્ચર્યચકિત કરે છે તેવી નાટ્યાત્મક દૃશ્યોયુક્ત વાર્તા `કાંકરીઓ કુંભાર’ એમ દરેક વાર્તા એક નવું ભાવવિશ્વ લઈને આવે છે. આપણી પરંપરાગત વાર્તાની સમજથી થોડી જુદી પણ વિનોદિની નીલકંઠની નિજી મુદ્રા ઉપસાવતી આ વાર્તાઓ ભાવકને આકર્ષવામાં સ્હેજ પણ ઊણી ઊતરતી નથી. લેખિકાનો આ પ્રથમ વાર્તાસંગ્રહ વિષય વૈવિધ્ય અને વિવિધ પ્રયુક્તિઓને કારણે ધ્યાન ખેંચે છે. આ સંગ્રહની કેટલાંક અરૂઢ વિષયો પરની વાર્તા વિશેષ આકર્ષે તેવી છે.
‘દિલ-દરિયાવનાં મોતી’ (૧૯૫૮)
પ્રથમ વાર્તાસંગ્રહ પછી સાત વર્ષ બાદ ઈ.સ. ૧૯૫૮માં પ્રગટ થયેલાં વિનોદિની નીલકંઠનાં બીજાં વાર્તાસંગ્રહ `દિલ-દરિયાવનાં મોતી’માં `દરિયાવ દિલ’થી `જો’ અને `તો’ સુધીની ૨૭ વાર્તાઓ સંગ્રહિત થઈ છે. વિષય વૈવિધ્ય અને પ્રયુક્તિઓનાં વિનિયોગની દૃષ્ટિએ આ વાર્તાઓ પ્રથમ સંગ્રહની વાર્તાઓ કરતાં એક ડગલુ આગળ વધી છે. પોતાનાં પતિ દ્વારા દુષ્કર્મનો ભોગ બનેલી વિધવા દેરાણી કરુણાને બહારગામ લઈ જઈ તેને કે પતિને લાંછન ન લાગે એ રીતે તેની પ્રસૂતિ કરાવી તેનાં બાળકને પોતાનું ગણાવનાર અંબાનાં દરિયાવ દિલની વાર્તા `દરિયાવ દિલ’ મિલકતનાં લીધે અણબનાવથી જુદાં થયેલા નરેશ અને દિનેશ દીકરી પંખીનાં લીધે ભેગાં થઈ જાય છે અને વાર્તાનું શીર્ષક સાર્થક થાય છે તેવી વાર્તા `બે માળાનું પંખી’; ટાગોરની `પાગલ હવા’ કવિતા ગાતી વિધવા બિન્દુ સાથે માતાની અનિચ્છા હોવાથી પ્રિયરંજનબાબુનાં લગ્ન નથી થઈ શકતા, વર્ષો બાદ એ જ ગીત પોતાની પત્ની પાસે સાંભળીને બેભાન થઈ જતાં અને પત્નીને પૂર્વ જીવનની વાત કરવી કે કેમ? તેની અવઢવ અનુભવતા નાયકની વાર્તા `પાગલ-હવા’; `સરસ્વતીચંદ્ર’ નવલકથાની અસરમાં જીવતાં અને હાસ્યાસ્પદ બનતાં પરિવારની વાર્તા `કુમુદ અને કુસુમ’; નિરસ માલિનીને નદી કિનારે ત્યજાયેલું બાળક મળે છે અને તે બાળક સાથે મમતા બંધાતા તેનો સ્વભાવ રસમય બને છે તેવી નાયિકાની વાર્તા `જલકમલવત્’; ઊટી અને કુનૂરમાં વસતાં રાધા અને કૃષ્ણમનાં સહજ સ્વીકારયુક્ત પ્રેમની વાર્તા `રાધા-કૃષ્ણ’; પરિવાર અને સમાજનો સતત તિરસ્કાર પામવા છતાં પરિવારને જરૂર વખતે મદદ કરનારી હલિમાની હિન્દુ-મુસ્લિમ હુલ્લડોની પાર્શ્વભૂને કલાત્મક રીતે ઝીલતી વાર્તા `ચુડેલ’; કેશવરામે ઉછેરીને મોટો કરેલો ભાઈ ત્રિકમ તેની પત્નીની ચડામણીથી મોટાભાઈ પાસેથી મિલ્કત પડાવી લે છે, એ આઘાતમાં જમણું અંગ ખોટું પડી જાય છે તેવાં કેશવરામની વાર્તા `મારું-તારું’; પોતાની પત્નીએ ઘરેથી કાઢી મૂકેલી બહેન ગંગુ દેહવ્યાપાર કરતી વર્ષો બાદ શહેરમાં ભાઈ ગણપતને મળે છે, પોતાને દેહવ્યાપાર માટે આમંત્રણ આપતી સ્ત્રી પોતાની જ બહેન છે, તે જાણ્યાં પછી આઘાતમાં રડવાનું રોકી ન શકનારા ભાઈની વાર્તા `બહેનનો ભાઈ’; કલકત્તાનાં આઈ.સી.એસ. ઑફિસર ચંદ્રશેખર મઝૂમદાર અને દાર્જીલિંગની વિધવા સ્ત્રી મીરાંની કરુણ પ્રેમકથા `મીરાં-આરામ’; મહાગુજરાતનાં આંદોલનની પશ્ચાદ્ભૂમાં લખાયેલી હસુમતીનાં સાસરે રહેતાં તેનાં ભાઈની દયાજનક સ્થિતિ અને તેમાંથી બહાર આવવા મોટરનાં કારખાનામાં જોડાવાનાં દિવસે જ પોલીસનાં ગોળીબારમાં મૃત્યુ પામનારાં ભાઈ મધુની વાર્તા `વાજબી-ગોળીબાર’; પોતાનાં પ્રેમીની અટક ન ગમવાથી તેની સાથે લગ્ન કરવાનું પુષ્પાવતી માંડી વાળે છે, પણ પછી અન્ય શિક્ષિકા હેમાંગિની સાથે તેની સગાઈ બાદ પ્રેમી પ્રફુલ્લવદન અટક બદલાવી નાંખે છે ત્યારે પોતાને એ વિચાર ન આવ્યો તેનો અફસોસ કરતી પુષ્પાવતીની અંગ્રેજી વાર્તાનાં આધારે લખાયેલી વાર્તા` બાસમતીનો ચોખો’; પોતાનાં પિતાનાં દાક્તર મિત્રનાં કહેવાથી શૈવલિનીની માતા પાગલ હોવાથી તે પણ પાગલ થઈ શકે માટે તેની સાથે લગ્ન ન કરનાર તુષાર વર્ષો પછી શૈવલિનીને પાગલ અવસ્થામાં જુએ છે ત્યારે પિતાનાં મિત્રની વાત સાચી લાગવાની સાથે શૈવલિનીની અવસ્થા માટે પોતે પણ જવાબદાર હોવાનું અનુભવતા તુષારની વાર્તા `નંબર ૨૦૭૦૭’; ધનાઢ્ય લોકોને સસ્તી લાગતી ચીજો ગરીબ લોકોને માટે કેવી મોંઘી હોય છે, તેનો ચિતાર આપતી વાર્તા `ગણવેશ’; ત્રણ વર્ષનાં લગ્નજીવન પછી પશ્ચિમી ઢબનું જીવન ઇચ્છતો જયરાજ અને ભારતીય પરંપરા મુજબ જીવવા ઇચ્છતી કિશોરીનાં પ્રકૃતિ ભેદનાં લીધે છૂટાં પડવાની વાર્તા `ખરાબ સ્વપ્ન’; જે સમાજમાં સ્ત્રીનું શિક્ષિત હોવું સ્ત્રીને પોતાને જ ભૂલ ભરેલું લાગે તેવાં સમાજની વરવી વાસ્તવિકતા દર્શાવતી વાર્તા `મેં ભૂલ કરી?’; ત્રણ પડોશીઓનાં રોજીંદા કંકાસમાંથી હાસ્ય નિપજાવતી વાર્તા `રોજની રામણ’; પોતાને કેન્સર ન હોવા છતાં કેન્સર હોવાનાં ભયને કારણે મૃત્યુ પામનારા અવિનાશની નોંધપોથીની પ્રયુક્તિ દ્વારા કહેવાયેલી વાર્તા` ભયગ્રસ્ત’; અંધ અનંત સાથે પરણેલી વિભાવરી અનંતને આંખો મળતાં સુંદર ન ગણાય એવી પોતાને પસંદ કરશે કે કેમ તેવી અવઢવ અનુભવતી નાયિકાની વાર્તા `વિભાવરી’; બે બહેનો વચ્ચેનાં સંબંધોની સંકુલતાને અભિવ્યક્ત કરતી વાર્તા `અંબિકા’; બહારગામ ગયેલાં પોતાનાં માસ્તર પતિ ભારે વરસાદને કારણે મૃત્યુ પામે છે, પતિની ઘણાં દિવસથી રાહ જોતી કૈલાસને પોતાનાં આ દુર્ભાગ્યની ખબર સમાચારપત્રમાં છપાયેલી સદ્ભાગ્યની ઘટનાથી પડે છે –તેવી વિશિષ્ટ વાર્તા `સદ્ભાગ્યે’; શેરબજારમાં નુકસાન જવાથી પથારીવશ થયેલાં પોતાનાં ગ્રાહક સાથે લગ્ન કરી, ગામડાંમાંરહી તેની સેવા કરતી વારાંગનાની પ્રેમસગાઈની વાર્તા `શબરી’; પોતાનાં પ્રોફેસર પતિને પુસ્તક લખવામાં અડચણ ન આવે એ માટે પોતાની દીકરી સાથે દરિયાકિનારાના ગામડાંમાં એકલી રહેતી પારસી સ્ત્રી રોશનની વાર્તા `એકાકિની’; પૈસાદાર હોવા છતાં ગરીબ હોવાનો દેખાવ કરતી કિશોરી અને ગરીબ હોવા છતાં પૈસાદાર અને ચિત્રકાર હોવાનો દેખવા કરતો પ્રિયગોપાલ એક હોટલમાં એકબીજાંનાં પરિચયમાં આવે છે અને વાસ્તવિકતા જાણ્યા પછી પરણવાનું નક્કી કરે છે તેવાં કથાનકની વાર્તા `છેતરપિંડી’; નર્સ તરીકે ક્ષમાને એક મનોરોગી ડૉ. હરિવદનની સેવા કરવાનું થાય છે, પણ તેનાં પત્ની ગુલાબબહેનને ન ગમતાં ત્યાંથી રજા લે છે. પછીથી દર્દીની તબિયત બગડતાં ફરવા જવાની તૈયારી કરતી ક્ષમાએ ફરવા જવું કે દર્દી પાસે જવું તેવી અવઢવ અનુભવતી નર્સની વાર્તા `મારો ધર્મ શો?’; વાસ્તવમાં ખોવાઈ ગયેલી શાંતા કથકને સ્વપ્ન દ્વારા પરત મળે છે. પણ ઊંઘ ઊડતાં જ કથકને વાસ્તવનું ભાન થાય છે. એ સ્વપ્ન અને વાસ્તવનાં સંમિશ્રણથી રચાયેલી વાર્તા `ક્યાં ગઈ?’; પોતાનાં કોઈ વાંક વગર સજા પામનારી અને પછી પોતાની સાથે બનતી દુઃખદ ઘટનાઓમાંથી મજા લેવાનું શીખી જનારી સ્ત્રીની વાર્તા `જો અને તો’ – એમ દરેક વાર્તામાં નારીનાં જુદાં જુદાં રૂપો અભિવ્યક્ત થયાં છે. આ સંગ્રહની મોટા ભાગની વાર્તાઓની પશ્ચાદ્ભૂ ગુજરાત નથી. લેખિકાનાં ભારતનાં જુદાં જુદાં રાજ્યોનાં પ્રવાસનાં અનુભવનો લાભ આ વાર્તાઓને મળ્યો છે. અન્ય રાજ્યોનાં પરિવેશમાં લખાયેલી આ વાર્તાઓ ગુજરાતી ટૂંકી વાર્તામાં અલગ ભાત પાડે છે. આ સંગ્રહની વાર્તાઓમાં નોંધપોથીનાં પાનાઓનો કલાત્મક વિનિયોગ કે પારસી બોલીનો વાર્તાને વધુ અસરકારક બનાવવા થયેલો પ્રયોગ ધ્યાન ખેંચે છે. આ સંગ્રહની વાર્તા `દરિયાવ દિલ’ પરથી `કાશીનો દીકરો’ જેવી જાણીતી ફિલ્મ બની છે, જે સંગ્રહની વાર્તાઓમાં રહેલી મંચનક્ષમતાને સૂચવે છે. કથકની પસંદગી અને તેનો યથાર્થ વિનિયોગ આ સંગ્રહની ઘણી ખરી વાર્તાઓમાં જોઈ શકાય છે. `દિલ-દરિયાવનાં મોતી’ વિનોદિની નીલકંઠની વૈવિધ્યપૂર્ણ વાર્તાઓનો સંગ્રહ છે.
‘અંગુલિનો સ્પર્શ’ (૧૯૬૫)
વિનોદિની નીલકંઠનો ત્રીજો વાર્તાસંગ્રહ `અંગુલિનો સ્પર્શ’ શીર્ષકથી ઈ.સ. ૧૯૬૫માં પ્રગટ થયો છે. `તૃપ્તિની તૃષ્ણા’થી માંડીને `ઉપાધિ’ સુધીની ૨૬ વાર્તાઓ `અંગુલિનો સ્પર્શ’ સંગ્રહમાં સમાવવામાં આવી છે. વાર્તાકાર વિનોદિની નીલકંઠની કલમથી નારીનાં ભાવોની વિશિષ્ટ અભિવ્યક્તિ આ સંગ્રહની વાર્તાઓનાં માધ્યમથી થઈ છે. પોતાની વિધવા ભાભીનાં સંતાનને પોતાનું ગણાવી ભાભીને કલંકમાંથી બચાવનાર અને પોતાનાં નિ:સંતાનપણાનું હકારાત્મક સમાધાન લાવનાર નાયિકા તૃપ્તિની વાર્તા `તૃપ્તિની તૃષ્ણા’; પૂર્વાશ્રમનાં પ્રેમીઓ વિમલેન્દુ અને હેમાંગિની ૨૫ વર્ષ બાદ અચાનક મળે છે ત્યારે તેનાં ઔપચારિક અને ઉષ્માહીન બની જતાં વ્યવહારની વાર્તા `રોમાંચની અવદશા’; ચાનો વ્યવસાય કરતાં હિન્દુ પાલક પિતા અદિતરામ અને તેનાં પુત્ર ગનીની કોમી એખલાસનું વિશિષ્ટ ઉદાહરણ પૂરું પાડતી વાર્તા `ઈશ્વર અલ્લા તેરે નામ!’; ભીખારીને ભગવાન માની પોતાને આંગણેથી ખાલી ન જવા દેતાં જયાનાં દાદી, ભીખારી દ્વારા જયાનું અપહરણ થયાં પછી તેને આંગણે આવવા દેતાં નથી એ કથાનકની વાર્તા `ભગવાન કે સેતાન’; નિવૃત્તિ પછી હિમાલય પાસે જગતસુખ નામનાં ગામમાં રહી પોતાની ફોટોગ્રાફી અને ચિત્રકલાની ગમતી પ્રવૃત્તિ કરનાર દંપતી જગજીવન અને કૌશલ્યાની વાર્તા `નિવૃત્તિ પછી નવજીવન’; લગ્નની આગલી સાંજે ઘર છોડીને ભાગી જનારી અને પાંચ વર્ષ ભણ્યાં પછી એ જ શિશિર સાથે લગ્ન કરવા ઇચ્છતી નન્દિતાની રોમાંચક વાર્તા `વસન્તાવતાર’; સાંકું નામનાં ગલૂડિયાની સાંકળરૂપ ભૂમિકાથી બે ભાઈઓ વચ્ચેનો કુસંપ સંપમાં પરિણમે છે એવી કથકની શંકા-કુશંકાથી શરૂ થઈ ને સુખદ અંતમાં પરિણમતી વાર્તા `સાંકળચંદ’; યુવાનીનાં ઉંબરે ઊભેલી કન્યાનાં મનમાં રજોદર્શન, ગર્ભાવસ્થા જેવી બાબતો અંગે અધૂરી માહિતીનાં લીધે થતી મૂંઝવણ અને માતા દ્વારા તેનું યોગ્ય નિરાકરણને કલાત્મક રીતે નિરૂપતી વાર્તા `યુવાનીના ઉંબરા ઉપર’; આવનારાં બાળકનો ઉદરમાં સ્પર્શ અનુભવીને પોતાની એકલતા ભૂલી સભરતા અનુભવતી નાયિકા ઉત્પલાની વિશિષ્ટ અનુભૂતિની અને આ સંગ્રહને જેના પરથી શીર્ષક મળ્યું છે તેવી વાર્તા `અંગુલિનો સ્પર્શ’ પોતાના પ્રિય બકરાને ઈદના દિવસે હલાલ થતો બચાવવા ઘરેથી ભાગી જનારા હબીબ અને આ ઘટના પછી ઈદના દિવસે શાકાહારી ભોજન જમતા તેના પરિવારની વાર્તા `બકરી ઈદ’; પોતાની ઓરમાન અને કદરૂપી દીકરી માટે સાચો પ્રેમ ધરાવતી સાંકેતિક રીતે જશોદા નામ ધરાવતી માતાની લોહીની સગાઈથી વિશેષ સગાઈની વાર્તા `પ્રેમની સગાઈ’; દુનિયા સાથેના સંબંધો તોડી દૂર ગામડાંમાં વસતી ચંદાનાં પ્રેમીની પુત્રી આશા પોતાનાં પિતા સાથેનાં ચંદાનાં સંબંધોથી આઘાત પામી પત્ર લખીને રોષ ઠાલવે છે, ચંદા વિગતે આશાને પત્ર લખી પોતાનો પક્ષ રજૂ કરે છે. એવી માત્ર બે પત્રો દ્વારા નિપજાવેલી સરસ વાર્તા `ઢાલની બીજી બાજુ’; કોઈ લેખકના શ્રેષ્ઠ પાત્રોને મળવાની ઇચ્છા વ્યક્ત કરતા કથકને મજનુ અને રોમિયો જેવાં અમર પ્રેમીઓ મળવા આવે છે અને સ્ત્રીઓની છેડતી કરતા બદમાશો સાથે તેનું નામ જોડવામાં આવે છે તેનું દુઃખ વ્યક્ત કરી અદૃશ્ય થઈ જાય છે. આવી કૃતિનાં પાત્રોને સદેહે મળવાની કાલ્પનિક છતાં રોમાંચક વાર્તા `એક અદ્ભુત મુલાકાત’; ગાંધીજી અને લીંકનનો ચાહક વૈજ્ઞાનિક રૂસ્તમ રંગભેદ મિટાવવા કાળાને ગોરા બનાવવાનો ઉપાય શોધી રહ્યો છે, તેની રહસ્યમય વાર્તા `કાયાનો રંગ કાચો રે!’; છત્રીસ વર્ષની પ્રૌઢ કુમારિકા એવી નાયિકા વિચારે છે કે પોતે વાર્તાની નાયિકા હોત તો કેવાં કેવાં પુરુષો લેખક દ્વારા પોતાને પ્રાપ્ત થયાં હોત – એવી અનેક પુરુષોની કલ્પના કરતી ને અંતે વાસ્તવિકતા સ્વીકારી પોતાની રહી ગયેલી અનુભવતી નાયિકા `જો હું વાર્તાની નાયિકા હોત તો...’; ચોરવિદ્યામાં પાવરધો કરસણ હજ કરીને આવેલાં નબુ મિયાંને ત્યાં ચોરી કરે છે, ને શહેરમાં વેચવા જતા અકસ્માતે નબુ મિયાંને હાથે જ પકડાય છે. ને પોતાની પત્ની નંદૂની ચોરી મૂકવાની વાતને ન ગણકારતો કરસણ નબુ મિયાંની સલાહથી ચોરીનો ધંધો છોડી દે છે – એવી ચોર્ય કલાની બારીકીઓને નિરૂપતી વાર્તા `ફળીભૂત હજ’; ઊર્મિપ્રધાન નમિતા વિવિધ પુરુષોનાં પ્રેમમાં પડે છે, નમિતાનાં જીવનની સાક્ષી રહેલી લલિતા નમિતા વિશે વાર્તા લખવાની ઇચ્છા વ્યક્ત કરે છે, એ રીતે આ વાર્તા ત્રીજો પુરુષ કથકના બદલે પ્રથમ પુરુષ કથક દ્વારા કહેવાયેલી બને છે. ને ત્રીજો પુરુષ પ્રથમ પુરુષમાં પરિવર્તિત થાય છે – એવી કથકનાં વિશિષ્ટ નિરૂપણવાળી વાર્તા `નમિતા લવંગલતા’; સ્ટીફન લીકોકના એક લેખની સ્મૃતિને આધારે વાસ્તવિક જીવનમાં ગંભીર એવા હાસ્યલેખક પિનુભાઈથી નિરાશ થતા ભાવકો અને ભાવકોથી પીછો છોડાવતા પિનુભાઈની વાર્તા `બિચારો હાસ્યરસિક લેખક!’; પોતાની ગરીબ દર્દી-વિધવા સગર્ભા-ની નવજાત દીકરીને પંદર દિવસ પોતાની પાસે રાખી, તેને બદનામીમાંથી બચાવી અને પિયર જતી વખતે સ્ટેશન પર વિધવાને તેની દીકરી સોંપતા દાક્તરની વાર્તા `ઘટમાળા’; પોતાનાં જ ઘરમાં ગૂંગળામણ અનુભવતી, નાની વાતમાં દખલગીરી કરતા નિવૃત્ત પતિ સાથે રહેવાં કરતાં મૃત્યુને પસંદ કરતી નંદગૌરીની પીઠઝબકાર પ્રયુક્તિનાં માધ્યમથી કહેવાયેલી વાર્તા `પાછલી અવસ્થા’; પ્રૌઢ નર્મદા સાથે અવારનવાર જોવા મળતાં યુવાનને જોઈ તેનાં ચરિત્ર પર શંકા કરતી વિદ્યાર્થિનીઓને જ્યારે એ યુવાન તેનો દીકરો છે એવી ખબર પડે છે ત્યારે માણસને સમજવામાં થયેલી ભૂલનો ક્ષોભ અનુભવે છે તેની વાર્તા `જાણ્યે-અજાણ્યે’; પોતાની યુવાનીની ફોરમ ગુમાવેલી બેઠેલી અને ચિડિયા સ્વભાવની થઈ ગયેલી નાયિકા રસિકાની, ચમેલીનાં ફૂલની સુગંધને યુવાનીનાં પ્રતીક તરીકે રજૂ કરતી વાર્તા `ચમેલીનાં ફૂલ’; ઘર ઘર બની શકે તે માટે તેમાં રહેનારા માણસો ઇચ્છતા ઘરની પોતાના મુખે જ કહેવાયેલી વિશિષ્ટ કથકના વિનિયોગવાળી વાર્તા `પગલીનો પાડનાર દેને રન્નાદે’; પોતાનાં મૃત્યુ પછી પોતાની અંધ દીકરીને આંખો આપવાનું નક્કી કરી, પોતાનાં ગયાં પછી આંધળી દીકરી જોઈ શકશે તેવા સંતોષ સાથે મૃત્યુ પામતી માતાની વાર્તા `બીજીની જનેતા’; નોંધપોથીનાં થોડાં પાના દ્વારા કુંવારી સ્ત્રીને અનુભવાતી પરણેલી સ્ત્રીની અને પરણેલી સ્ત્રીને અનુભવાતી કુંવારી સ્ત્રીની ઈર્ષ્યાને નિરૂપતી વાર્તા `અમાસની રાતે - પડવાને વહાણે’; પોતે જેને નફરત કરતા હતા, તે જ કૂતરીનાં પ્રેમથી સુખ અનુભવતા દેવજી મિસ્ત્રી અને તેની કૂતરીની વાર્તા `ઉપાધિ’ – એમ અહીં નારીનાં વિભિન્ન રૂપોની સાથે કથનકેન્દ્ર ને કથકનાં વિશિષ્ટ પ્રયોગોવાળી ટૂંકી વાર્તાઓ લેખિકાએ ગ્રંથસ્થ કરી છે. આ સંગ્રહની વાર્તાઓમાં અગાઉનાં બે સંગ્રહની જેમ સ્ત્રી તો કેન્દ્રસ્થાને છે જ, પણ સાથે સાથે અહીં લેખિકાએ ચોરી સાથે જોડાયેલા, પોતાની બકરીને બચાવવા ઘર છોડી દેનારા, પોતાના સ્ત્રી દર્દીને બદનામીમાંથી બચાવનારા એમ અનોખા પુરુષોની વાર્તાઓ પણ આલેખી છે. માત્ર બે પત્રો મૂકીને કે બે અલગ અલગ વ્યક્તિની નોંધપોથીનાં પાનાં મૂકીને વાર્તા નિપજાવવાનો કળાત્મક પ્રયોગ આ સંગ્રહની એકથી વધુ વાર્તામાં સફળતાથી થયો છે. રવીન્દ્રનાથની `ઘાટની કથા’ વાર્તાની યાદ અપાવતી કથક તરીકે ઘરને પ્રયોજીને કહેવાયેલી વાર્તા `પગલીનો પાડનાર દેને રન્નાદે’ ખાસ ધ્યાન ખેંચે તેવી કલાત્મક વાર્તા છે. આ સંગ્રહની કેટલીક વાર્તાઓનાં તેનાં વિશિષ્ટ કથક અને નિરુપણરીતિને કારણે આકર્ષે છે. વાર્તાકાર વિનોદિની નીલકંઠનો આ સંગ્રહ `અંગુલિનો સ્પર્શ’ ભાવક હૃદયને પણ સ્પર્શી જાય એવો છે.
વિનોદિની નીલકંઠની વાર્તાકલા :
વિનોદિની નીલકંઠનાં લખાણોમાં નારી કેન્દ્રસ્થાને છે. પણ અહીં `કાર્પાસી અને બીજી વાર્તાઓ’, `દિલ-દરિયાવનાં મોતી’ અને `અંગુલિનો સ્પર્શ’માંથી પસાર થતાં અનુભવાશે કે માત્ર નારીનું મહિમામંડન જ લેખિકાને અભિપ્રેત નથી. નારીનાં સારા-નરસાં તમામ રૂપો તટસ્થપણે વાર્તામાં નિરૂપવાનો લેખિકાનો પ્રયાસ રહ્યો છે. ઘણી ખરી વાર્તાઓ બિનજરૂરી રીતે પ્રથમ પુરુષ કથક દ્વારા કહેવાઈ છે અને એ નિમિત્તે આરંભે અને અંતે લેખિકાએ વાર્તામાં હાજરી નોંધાવી છે. કેટલીક વાર્તાઓમાં ઘટના રસપ્રદ હોવા છતાં લંબાણનો અનુભવ થાય છે, ત્યાં વાત ક્યાંથી શરૂ કરવી તેનો વિવેક ન જળવાયો હોવાનું અનુભવાય છે. તેમ છતાં દરેક વાર્તા તાજગીસભર વિષય લઈને આવે છે. જો કે પ્રથમ સંગ્રહની તુલનાએ બીજા અને ત્રીજા સંગ્રહમાં લેખિકાનો હસ્તક્ષેપ ઓછો થતો જાય છે અને વાર્તાઓ વધુ ચુસ્ત બનતી જાય છે. ગાંધીજી, મહાદેવભાઈની જેલયાત્રાનાં વર્ણનો, અમદાવાદનાં વિસ્તારોનાં ઉલ્લેખ આ વાર્તાઓને એક નવું પરિમાણ આપે છે. કેટલીક વાર્તાઓમાં પાત્રોનાં જીવંત ચિત્રણ આકર્ષક બન્યાં છે. વાર્તાને અનુરૂપ વિશિષ્ટ ગદ્યનાં નમૂનાઓ ઓછા પણ અમુક અમુક જગ્યાએ ચમકારા જેમ મળ્યાં છે. વાર્તામાં ચમત્કૃતિનો વિનિયોગ લેખિકા અસરકારક રીતે કરી શકે છે. અનેક વાર્તાઓમાં નાટ્યાત્મક વળાંકો સરસ રીતે નિરૂપાયા છે. `બ્હેનપણી’ કે `કાંકરીઓ કુંભાર’ જેવી વાર્તાઓ બહુ ઓછા ફેરફારો સાથે ભજવી શકાય તેવી છે. લેખિકાનો રંગભૂમિ સાથેનો નાતો તેમને વાર્તાઓમાં પરોક્ષ રૂપે ઉપયોગી થયો છે. લેખિકાની આ વિશિષ્ટ શૈલીને કારણે જ તેમની વાર્તા પરથી સરસ ફિલ્મ બની શકી છે. લેખિકાએ ભારતનાં વિવિધ પ્રદેશોમાં કરેલાં પ્રવાસનો લાભ તેમની વાર્તાઓને મળ્યો છે. બીજી ભાષાની અનુવાદિત કૃતિઓમાં તો આપણે જે-તે ભાષા સાથે જોડાયેલાં પ્રદેશનો આનંદ માણીએ જ છીએ, પણ ગુજરાતી ભાષાનો સર્જક અન્ય રાજ્યોની પશ્ચાદ્ભૂમાં વાર્તાઓ લખે તો કેવી હોય? તેનાં અનેક નમૂનાઓ વિનોદિની નીલકંઠની વાર્તાઓમાં મળે છે. પ્રથમ સંગ્રહમાં કથક અનેક વાર્તાઓનાં અંતે `આ ઘટના તો વાર્તા લખી શકાય તેવી છે’ એમ કહી વાર્તામાં પોતાની બોલકી હાજરી પૂરાવતાં વાર્તાકાર પછીના સંગ્રહોમાં માત્ર બે પત્રો કે નોંધપોથીનાં થોડાં પાનાંથી વાર્તા નિપજાવતાં થયાં છે. `પગલીનો પાડનાર દેને રન્નાદે’ જેવી પ્રયોગશીલ કથકનું નિરુપણ કરતી વાર્તા ખાસ ધ્યાન ખેંચે તેવી છે. વિષયવૈવિધ્યની દૃષ્ટિએ તેમજ નારીકેન્દ્રી વિશિષ્ટ વાર્તાઓ તરીકે આ વાર્તાઓ નોંધપાત્ર છે. કેટલાંક અરૂઢ વિષયો પણ લેખિકા પોતાની વાર્તાઓમાં હિંમતપૂર્વક આલેખે છે. સમર્થ સર્જકો વચ્ચે પોતાની સહજ શૈલીમાં લખતાં વાર્તાકાર પાસે નિરાળું ભાવવિશ્વ છે, જે તેને અન્ય સર્જકોથી અલગ પાડે છે. ગુજરાતી ટૂંકી વાર્તાની વાત કરતી વખતે નારીકેન્દ્રી વાર્તાઓનાં સર્જક તરીકે તો ખરાં જ, પણ એક પ્રયોગશીલ અને કેટલીક કલાત્મક વાર્તાઓનાં સર્જક તરીકે પણ વિનોદિની નીલકંઠને યાદ કરવા જ પડે તેવી વાર્તાઓ તેમનાં ત્રણ વાર્તાસંગ્રહોમાંથી પ્રાપ્ત થાય છે.
વિનોદિની નીલકંઠની વાર્તા વિશે વિવેચકો :
“વાર્તાકાર તરીકે એમણે, સહજતયા સ્ત્રીનાં સાંસારિક જીવનનાં બાળપણ, ઉછેર, કેળવણી-શિક્ષણ, પ્રેમ, લગ્ન, માતૃત્વ, વૈધવ્ય, પુનર્વિવાહ – જેવાં પાસાંને વિષયવસ્તુ તરીકે આલેખ્યાં છે.”
– શરીફા વીજળીવાળા
“સર્જનાત્મક ભાષાકર્મના આગ્રહી સંપાદકો આ વાર્તાઓની વિધાયક ભાવનાસૃષ્ટિની કદર કરી શક્યા નથી.”
– રઘુવીર ચૌધરી
“માનવતાવાદી અભિગમ વિનોદિનીબહેનની નવલિકાઓનું મુખ્ય લક્ષણ છે.”
– રઘુવીર ચૌધરી
“એમનાં લખાણોનું મુખ્ય આકર્ષણ, તેમાં સ્પર્શાતા સૂચવાતા વિષયો ઉપરાંત, એમની શૈલી છે.”
– બળવંતરાય ઠાકોર
સંદર્ભ :
૧. ‘વિનોદિની નીલકંઠની સાહિત્યસૃષ્ટિ’, નીલકંઠ, વિનોદિની; પ્રથમ આવૃત્તિ : ૨૦૦૭; પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર.
૨. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ-૬’, સં. દવે, રમેશ ર., દેસાઈ પારૂલ કંદર્પ; પ્રથમ આવૃત્તિ : ૨૦૦૬; પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ.
શ્રી વીરેન પંડ્યા
કવિ
ગુજરાતીના અધ્યાપક,
ગઢડા સરકારી વિનયન કૉલેજ
મો. ૯૪૨૮૪ ૩૧૮૧૬