ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/કિશનસિંહ ચાવડા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કિશનસિંહ ચાવડાકૃત બે વાર્તાસંગ્રહો ‘કુમકુમ’ અને ‘શર્વરી’

કિશોર પટેલ

Kishansinh Chavda.jpg

વાર્તાકારનો પરિચય :

કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા(જ. ૧૭ નવેમ્બર ૧૯૦૪, અ. ૧ ડિસેમ્બર ૧૯૭૯)નું વતન સૂરત જિલ્લામાં સચીન પાસેનું ભાંજ ગામ. એમનું શાલેય શિક્ષણ વડોદરામાં થયું. ગૂજરાત વિદ્યાપીઠમાંથી તેઓ સ્નાતક થયા. થોડોક સમય તેઓ શાંતિનિકેતનમાં રહ્યા, મુંબઈમાં ફેલોશિપ સ્કૂલમાં શિક્ષક રહ્યા અને ૧૯૨૭–૨૮માં પોંડિચેરી આશ્રમમાં રહ્યા. ૧૯૪૮માં અમેરિકામાં પીટર્સબર્ગ કાર્નેગી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્‌નોલોજીમાં એમણે પ્રિન્ટિંગ પ્લાન્ટ મેનેજમેન્ટનો છ મહિનાનો કોર્સ કર્યો. વડોદરામાં એમણે સાધના મુદ્રણાલય(ચેતના પ્રેસ)નો પ્રારંભ કર્યો અને પછીથી એ પ્રેસ એમણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને સોંપી દીધું. ‘ક્ષત્રિય’ માસિકના તંત્રી અને પછી ‘નવગુજરાત’ના સહતંત્રી રહ્યા. અનેક આધ્યાત્મિક સંસ્થાઓ જોડે તેઓ ગાઢ સંપર્કમાં હતા. ૧૯૫૫માં એમને નર્મદ સુવર્ણચંદ્રક એનાયત થયેલો. ૧૯૬૦થી અલમોડા પાસે મીરતોલા આશ્રમમાં નિવાસ. વડોદરામાં અરવિંદ વ્યાખ્યાનમાળાના આશ્રયે પ્રવચન આપતાં આપતાં જ એમણે મૃત્યુને મંગલમય બનાવ્યું. ‘કુમકુમ’ (૧૯૪૨) અને ‘શર્વરી’ (૧૯૫૬) એમ બે વાર્તાસંગ્રહો ઉપરાંત એક નવલકથા ‘ધરતીની પુત્રી’ (૧૯૫૫) એમણે આપી છે. વિવેચનક્ષેત્રે ‘હિન્દી સાહિત્યનો ઇતિહાસ’ (૧૯૩૦) અને ‘કબીર સંપ્રદાય’ (૧૯૩૭) એમ બે અભ્યાસગ્રંથો એમણે આપ્યાં છે. ‘અમાસના તારા’ (૧૯૫૩) અને ‘જિપ્સીની આંખે’ (૧૯૬૨) સ્મૃતિચિત્રો અને રેખાચિત્રો આપ્યાં છે. એમણે આપેલા અનુવાદગ્રંથો : ટાગોરની વાર્તાઓના અનુવાદ ‘રવિકિરણો’, ધોંડો કેશવ કર્વેનું આત્મચરિત્ર (૧૯૨૭), ‘ગરીબની હાય, જીવનનાં દર્દ’ (૧૯૩૦), ‘સંસાર’ (૧૯૩૧), ‘અંધાપો યાને ગામડિયો સમાજ’ (૧૯૩૩), ‘કુમુદિની, ભૈરવી’ (૧૯૩૫), ‘પ્રેમાશ્રય’ (૧૯૩૭), ‘સંત કબીર’ (૧૯૪૭), ‘ચિત્રલેખા’ (૧૯૫૭), ‘અનાહત નાદ’ (૧૯૬૦), ‘જ્ઞાનેશ્વરી’ (૧૯૭૯). એમણે કરેલાં સંપાદનો : રમણલાલ વસંતલાલ દેસાઈ અભિનંદન ગ્રંથ (અન્ય સાથે, ૧૯૪૨), પંચોતેરમે (૧૯૪૬), પ્રો. બ. ક. ઠાકોર અધ્યયન ગ્રંથ (અન્ય સાથે, ૧૯૬૯), અરવિંદ ઘોષના પત્રો, પ્રેમાનંદ સાહિત્ય સભા રજતમહોત્સવ ગ્રંથ. (માહિતીસંદર્ભ : ગુજરાતી વિશ્વકોશ)

* * *

‘કુમકુમ’ની વાર્તાઓ વિશે સમીક્ષાલેખ :

Kumkum 1.jpg

વાર્તાસંગ્રહ ‘કુમકુમ’ પ્રગટ થયો ઈ. સ. ૧૯૪૨માં. આ એ સમય હતો જ્યારે આપણો દેશ બ્રિટિશોના શાસન હેઠળ હતો. સંગ્રહની સોળ વાર્તાઓમાંથી પસાર થતાં સૌપ્રથમ નજરે પડે છે વાર્તાકારનું ભાષાસૌંદર્ય. લગભગ બધી જ વાર્તાઓનું આલેખન કાવ્યાત્મક શૈલીમાં થયું છે. વાર્તાઓમાં સામાજિક સમસ્યાઓ, રાજ્ય સામે બળવો, ફેન્ટેસી (કપોળકલ્પિત), પ્રકૃતિસૌંદર્ય જેવું વિષયવૈવિધ્ય જણાઈ આવે છે.

હાંસિયામાં રહેતા સમાજની કેટલીક વાર્તાઓ :

‘ફૂટેલાં કરમ’માં કહેવાતી નીચલી કોમના માણસોની વ્યથા-વેદનાની નોંધ લેવાઈ છે. અસ્પૃશ્યતાને કારણે સમયસર પાણી પીવડાવી ના શકાતાં એક કહેવાતી નીચલી કોમનું બીમાર બાળક મૃત્યુ પામે છે. આ જ વાર્તામાં ઉપકથા છે, મુઠ્ઠીભર રૂપિયામાં જમીનદારોને ત્યાં વેચાયેલા અથવા ગિરવે રખાયેલાં માણસોની. ‘ભિખારણની દુવા’માં ગાનારીઓની દુનિયાની ઝલક મળે છે. પોતાના નિયમોનુસાર મર્યાદામાં રહીને ગાવાનો વ્યવસાય કરતી એક બાઈના પાત્રનો પરિચય થાય છે. આ વાર્તામાં ઘણો મેદ છે. ‘મૌનનો અવાજ’માં તૃતીયપંથીઓની વ્યથાનું અચ્છું આલેખન થયું છે.

ફેન્ટસી વાર્તાઓ :

‘સપનાંનું સત્ય’માં કાંચનજંઘાની પેલે પારના આકાશમાંથી એક સુંદરી નાયકને એમના દેશની સફર કરાવે છે. ‘આત્માનો વધ’માં પૃથ્વી પર થઈ રહેલા અનિયંત્રિત વસ્તીવધારાની વિકરાળ સમસ્યા કેવી રીતે ઉકેલવી એ વિશે સ્વર્ગલોકમાં દેવો વચ્ચે મંત્રણા થાય છે.

જૂની શરમજનક રૂઢિઓ અંગે વિધાન

આપણા દેશના દક્ષિણનાં રાજ્યોમાં પરાપૂર્વથી ચાલી આવેલી દેવદાસીની પ્રથાની ઝલક ‘જીવનકલા’માં મળે છે. સ્થૂળ દ્રષ્ટિએ કદરુપી જણાતી મલ્લિકાની ભીતરનું સૌંદર્ય સર્વપલ્લી નામના શિલ્પકારે જોયું. આ મલ્લિકા જ્યારે એવું કહે કે એ કદરૂપી છે માટે જ એનો શીલભંગ થયો નથી ત્યારે સમગ્ર પુરુષ જાતિની મથરાવટી અંગે એ એક ઉગ્ર વિધાન કરે છે.

અંધવિશ્વાસનું પરિણામ :

‘વંધ્યા’માં ઇચ્છાગૌરીએ સંતાનપ્રાપ્તિની માટે પહેલો પુત્ર જન્મે તો એને બહેચરા માતાને અર્પણ કરવાની આકરી માનતા માની. જન્મેલો પુત્ર પાંચ વર્ષનો થતાં જ એનું જનનેન્દ્રિય કાપીને એને માતાને ખોળે અર્પણ કર્યો. કરુણતા એ થઈ કે એ પછી એમને બીજું કોઈ સંતાન થયું જ નહીં.

અન્ય કેટલીક વાર્તાઓ :

‘એક કોયડો’માં વિદ્વાન, કવિ, ફિલસૂફ અને ચિત્રકાર બધાં પોતપોતાની માન્યતાઓમાં મસ્ત રહેતાં માણસો છે, પણ જ્યારે કોઈકને લોહીની જરૂર પડે છે ત્યારે આ ચારમાંથી કોઈ નહીં પણ એમનો જ એક મિત્ર જે સામાન્ય માણસ ગણાય છે એ પોતાનું લોહી આપીને પેલાનો જીવ બચાવે છે. ‘આદિ અને અંત’માં બ્રિટિશ સરકાર વિરુદ્ધ બહારવટે પડેલા યુવાન અને એક શિક્ષિકાની પ્રેમકથા છે. ‘હરિહર ટપાલી’માં શાંતિનિકેતનમાંના એક રમતિયાળ સ્વભાવના ટપાલીનું શબ્દચિત્ર છે. ‘પ્રીતમ’માં કલાને વરેલી પ્રીતમ નામની કન્યાએ અપરિણીત રહેવાનું નક્કી કર્યું છે. ‘પ્રતિધ્વનિ’માં બાઉલ ગીતો ગાતા એક કલાકારની વાત થઈ છે. ‘નાસ્તિકતા’માં કેવળ ચર્ચા-વિચારણા થાય છે. ‘સંગમ’માં મયૂર અને ઢેલના નૃત્યનું આલેખન છે. ‘પલ્લવી’માં પ્રકૃતિસૌંદર્યનું વર્ણન થયું છે. આ સાત-આઠ વાર્તાઓ રજૂઆતની દૃષ્ટિએ સાધારણ કક્ષાની છે. જો કે આ બધી આશરે એંસી વર્ષ પહેલાં લખાયેલી વાર્તાઓ છે. જે તે સમયના પ્રશ્નો અને સાહિત્યનાં ધોરણો જુદાં હતાં એટલે આ વાર્તાઓને આજના માપદંડથી મૂલવવી અનુચિત ગણાશે.

સંગ્રહની ઉત્તમ વાર્તા :

‘કુમકુમ’ આ સંગ્રહનું શીર્ષક સાર્થક કરતી સરસ વાર્તા છે. પ્રગતિવાદી વિચારધારા ધરાવતી નાયિકા ઘરસંસારમાં પડી જઈ ચીલાચાલુ જીવન જીવતી કન્યાઓની ટીકા કરતી રહે છે. એક બહેનપણીના નાનકડા બાળકના સંપર્કમાં આવ્યા પછી એના અભિગમમાં ૩૬૦ અંશનું પરિવર્તન આવી જાય છે.

* * *

‘શર્વરી’ની વાર્તાઓ વિશે સમીક્ષાલેખ

Sharvari.jpg

વર્ષ ૧૯૪૨માં ‘કુમકુમ’ વાર્તાસંગ્રહ પ્રગટ થયા પછી વર્ષ ૧૯૫૬માં આ ‘શર્વરી’ વાર્તાસંગ્રહ આવ્યો છે. વચ્ચેનાં ૧૪ વર્ષ દરમિયાન દેશમાં બની ગયેલી ઐતિહાસિક ઘટનાઓ આ વાર્તાઓમાં ઝિલાયેલી જોઈ શકાય છે. બ્રિટિશ સરકારના શાસનમાંથી દેશ સ્વતંત્ર અવશ્ય થયો પરંતુ દેશવાસીઓએ એની ભારે મોટી કિંમત ચૂકવી દેશના ભાગલા રૂપે. ધર્મના આધારે પડેલા આ ભાગલા દરમિયાન સરહદી વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી અને બંને દેશોમાં મોટી સંખ્યામાં નાગરિકોએ જાનમાલનું નુકસાન ભોગવવું પડ્યું હતું. સંગ્રહની કુલ સોળ વાર્તાઓમાંથી ચાર વાર્તાઓ ‘ખાખનું પોયણું’, ‘રહેમત’, ‘લજ્જાવતી’ અને ‘અસ્મત’માં આ કરુણાંતિકાની ઝલક નજરે પડે છે.

પ્રસ્તાવનામાં જાણીતા વાર્તાકાર ગુલાબદાસ બ્રોકરનો અભિપ્રાય :

સંગ્રહમાંની વાર્તાઓ વિશે એ સમયના જાણીતા અને લોકપ્રિય વાર્તાકાર બ્રોકરસાહેબ લખે છે કે, ‘... ભાગલા થયા એ પછી તરતની ઘટનાઓ આપણા ઇતિહાસનું કાળું પ્રકરણ છે. સ્થિર, સંવેદનભર્યા કલાસ્વરૂપે એ સમયની વાતો ઓછી જ લખાઈ છે. આપણા ગુજરાતમાં ગણ્યાગાંઠ્યા અપવાદો સિવાય એવી વાતો લખાઈ જ નહીં હોય. કારણ કે એ વિશે લખવું એ અત્યંત સૂક્ષ્મ સૂઝ અને એટલી જ સૂક્ષ્મ સંવેદનશક્તિ માગી લે છે. શ્રી ચાવડા આ વાતોમાં એ બંને ગુણોનો સમજણભર્યો સદુપયોગ કરી શક્યા છે એ આપણા સાહિત્યજગતનું સદ્‌ભાગ્ય જ ગણાય.’

ભાગલા પછીની કરુણાંતિકાઓ :

‘ખાખનું પોયણુ’માં હિન્દુ-મુસ્લિમ કોમ વચ્ચે રમખાણની વાત થઈ છે. ‘રહેમત’માં લાહોરમાં ફાટી નીકળેલા હુલ્લડમાં માતા અને ભાઈને ગુમાવીને રહેમત દિલ્હી આવી છે. આ રહેમતની સલામતીની વ્યવસ્થા કરવા જતાં યુવાન પત્રકાર રાજેન્દ્ર પોતે અને રહેમત બંને ઝનૂની ટોળાના શિકાર બની જીવ ગુમાવે છે. ‘લજ્જાવતી’માં પેલી તરફથી ભાગીને આવેલા હિન્દુ કુટુંબના પિતા-પુત્રી છૂટાં પડી જાય છે. ડૉક્ટર પિતા પોતાનું દુઃખ વિસારે પાડી માનવતાના ધોરણે ઘાયલોનો ધર્મ જોયા વિના એમની સારવારમાં લાગી જાય છે. દર્દીઓની છાવણીમાં એમને પોતાની દીકરી જખ્મી સ્થિતિમાં મળી આવે છે. ‘અસ્મત’માં મુસ્લિમ કન્યા અસ્મત હિન્દુ પ્રેમી પ્રીતમને મળવા પેલી તરફથી ભાગીને આવી છે. જ્યારે વિસ્થાપિત થયેલી કન્યાઓને બંને તરફ એમના મૂળ વતનમાં મોકલવાની શરૂઆત થઈ ત્યારે ખરે ટાણે અસ્મતે પોતાનું બયાન બદલીને કહ્યું કે, એ ભારતમાં જાતે નહોતી આવી, એનું અપહરણ થયું હતું. અસ્મતનું ફરી જવું આઘાતજનક છે. અસ્મત દ્વારા થયેલા દગાના કારણે પ્રીતમ લગભગ ગાંડો થઈ જાય છે. સામાજિક કાર્યકર્તા સુનંદા પણ અસ્મતનું બદલાયેલું રૂપ જોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે. આ ચાર વાર્તાઓ અંગે એક વિશિષ્ટ નિરીક્ષણ. આમાંની એક પણ વાર્તામાં ગાંધીજી પાત્રરૂપે ક્યાંય આવતા નથી, પરંતુ એમની હાજરી સતત અનુભવાયા કરે છે. આના પરથી દેશના જનમાનસ પર એમના વ્યક્તિત્વની કેટલી ગહન અસર હશે એનો આછો ખ્યાલ આવે છે.

શ્રીમંતોના મનોરંજનની દુનિયાની વાર્તાઓ :

‘બાવન પાર્ક સ્ટ્રીટ’માં કલકત્તા શહેરમાં રાજા-દરબારોની અય્યાશીના અડ્ડા પર એક દરબારે યુવાન વેશ્યાનું અપમાન કર્યુ ત્યારે એ વેશ્યાએ એનો કેવો બદલો લીધો એની વાત થઈ છે. નારી વિફરે તો શું કરી શકે તે અહીં બતાવ્યું છે. ‘નીલેશ્વરી’માં કલકત્તામાં ભરાયેલી હિંદુસ્તાની સંગીત પરિષદમાં એક ગાનારી નીલેશ્વરીને જોઈ-સાંભળી રાજનગરના મહારાજાનો સેક્રેટરી નરેન્દ્ર બેચેન બની જાય છે. એના ઉતારે મળવા જઈ બનારસના ઘેર પધારવાનું આમંત્રણ મેળવે છે. બનારસની મુલાકાતમાં નરેન્દ્રની બેચેનીનું રહસ્ય ખૂલે છે. નીલેશ્વરી બીજું કોઈ નહીં પણ બાળપણમાં ખોવાયેલી એની બહેન હોય છે. ‘ઘીનો દીવો’માં કલકત્તાના એક વેશ્યાબજારમાં પહેલા પૈસા ના માગતી દુર્ગેશને ભગવાનની મૂર્તિને કે છબીને નહીં પણ કેવળ ઘીના દીવાને શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરતી જોઈને કંદર્પને એની સરળતા અને નિર્દોષતા સ્પર્શી જાય છે. વખાની મારી બદનામ ધંધામાં આવી પડેલી દુર્ગેશનો ઉદ્ધાર કંદર્પ કરે છે. ‘ગૌરી’ માનવીય સંબંધની અદ્‌ભુત વાર્તા છે. બનારસથી આવેલી ગૌરી કેવળ ગાયનકળા પર નભે છે, એ દેહવ્યવસાય નથી કરતી. સંગીતના જાણકાર યુવાન ધીરેન્દ્રએ ગૌરીનું ગાયન બનારસમાં પણ સાંભળ્યું હોય છે. વાર્તા ગૌરી અને ધીરેન્દ્રના અદ્‌ભુત અને પવિત્ર સંબંધની છે. ગૌરી ધીરેન્દ્રને રૂપિયા ૨૫૦૦૦ સોંપે છે અને કહે છે કે આ રૂપિયાથી મારા જીવનનાં પાછલાં વર્ષોમાં મારી સંભાળ રાખજો. ધીરેન્દ્ર એની પાસે બંને હાથ માગે છે. એ કહે છે, એક હાથ પકડનાર પતિ કહેવાય છે, બંને હાથ પકડનાર ભાઈ કહેવાય છે, બંને હાથ આપનાર જીવનવિધાતા હોય છે. ગૌરી કહે છે, તમને પામી એ મારા જીવનની કમાણી છે. ધીરેન્દ્ર કહે છે મારું જીવન કૃતાર્થ થયું. આવા બદનામ વ્યવસાયમાં પણ ઉચ્ચ માનવીય ગુણોનું આલેખન કરીને લેખક જીવનનાં શુભ તત્ત્વની ખોજ કરીને વાચકો સમક્ષ મૂકી આપવામાં સફળ થયા છે.

કળાની દુનિયાની વાર્તાઓ :

‘જિજ્ઞાસાની મૂર્તિ’માં મૂર્તિના ચહેરા પર કારુણ્ય આવતું નહોતું એટલે શિલ્પી સંજય બેચેન હતો. છેવટે એની મોડેલ બનેલી દુલન એક હથોડી ઉપાડી પોતાના બે દાંત તોડી નાખે છે. સંજય દોડાદોડ કરી દુલનની સારવાર કરાવે છે. પણ ત્યાર બાદ એણે મૂર્તિના બે દાંત પાડી નાખ્યા એ પછી જ શિલ્પ એને જોઈએ તેવું કારુણ્યસભર થયું. ‘મનોમયી’માં પ્રતિભાશાળી યુવાન કવિ ઉદયને પ્રિય થઈ પડવાની ચાર-પાંચ કન્યાઓ વચ્ચે સ્પર્ધા થાય છે. ‘શર્વરી’માં શિલ્પીએ નિર્ધાર કર્યો છે કે, સર્જન કરવું તો સંપૂર્ણતાનું, અંશનું નહીં. પોતાનું શિલ્પ બનાવવા ઉર્વશી, ક્લિયોપેટ્રા, એસ્પશિયા, સરસ્વતી, સીતા અને રાધા સહુના પ્રસ્તાવ શિલ્પી વિનયપૂર્વક નકારે છે. એ કહે છે, મારે સંપૂર્ણતાનું શિલ્પ કરવું છે, અંશનું નહીં. છેવટે સાગરના નિઃસીમ વક્ષસ્થળ પર પૂર્ણિમાના ચંદ્રનો ચાંલ્લો કરીને તારાઓ મઢી ચૂંદડીથી શોભતી અંધકારમાંથી આકારાતી એક મૂર્તિ શિલ્પીએ જોઈ અને એ બોલી ઊઠ્યો, ‘તમે જ, તમે જ મારા સ્વપ્નાની સિદ્ધિ!’ રજનીએ અવતાર ધારણ કર્યો હોય છે શર્વરીનો. શિલ્પી સંજયની સંપૂર્ણતા પામવાની આ ધગશ દ્વારા કળાની દુનિયામાં શ્રેષ્ઠ સર્જન કરતા રહેવાની કળાકારોની મથામણ ચિત્રિત થાય છે. આ સર્વે વાર્તાઓનું આલેખન કાવ્યાત્મક શૈલીમાં થયું છે.

અન્ય કેટલીક વાર્તાઓ :

‘અસ્ત અને ઉદય’માં પ્રેમાલાપ કરતા યુગલની વાત છે. આ વાર્તામાં પ્રકૃતિવર્ણન સિવાય અન્ય કશું નથી. ‘બિચારા!’માં સુમનભાઈ અને કમળાબેનના ઘેર રાત્રિભોજન માટે આવેલાં મહેમાન દંપતીમાંના તારાબેન જમ્યા પછી હાથ ધોતાં ધોતાં સુમનભાઈનો હાથ ચોક્કસ હેતુસર દબાવે છે પણ સુમનભાઈ સમજવા છતાં ના સમજ્યાનો ડોળ કરે છે. કોઈક વાતે કમળાબેન કોઈને ‘બિચારાં!’ કહે છે અને તારાને લાગે છે કે જાણે એના માટે જ કહેવાયું છે. ‘ચંદનનો સાબુ’માં એવા કુટુંબની વાત છે જ્યાં ઘરનાં સહુ વચ્ચે એકબીજાં માટે પ્રેમ અને આદરની લાગણી છે, મહેમાનને પણ આપ્તજન ગણીને તેમની પર વ્હાલ વરસાવવામાં આવે છે. સમગ્ર વાર્તામાંથી જાણે ચંદનના સાબુની સુગંધ આવ્યા કરે છે! ‘ચન્દ્રાવતી’માં ચન્દ્રાવતીને જીવનમાં ઘણું દુઃખ પડ્યું છે. પતિનું મૃત્યુ, એ પછી બીજા માણસે એને દુઃખ અને કુરૂપતા આપ્યાં. છેવટ સુધી કથક એની કથની પૂરી જાણી શકતો નથી. ‘નર અને નારી’ સત્યઘટનાના આધારે કહેવાયેલી કથા છે. પોતાના કરતાં સિંહણ વધુ જોરાવર છે તે વાત સહન ના કરી શકતાં સિંહ તેની હત્યા કરી નાખે છે. સિંહણ સ્હેજ પણ પ્રતિકાર કરતી નથી! સિંહનું આ કૃત્ય એટલે ખરેખર તો એની પોતાની હતાશા હતી. માણસ પણ અદ્દલ આવું જ કરતો હોય છે. પ્રસ્તાવનામાં બ્રોકરસાહેબે નોંધ્યું છે એમ આ વાર્તામાં ‘...આખી સૃષ્ટિમાં પુરુષના અહમ્‌ અને સ્ત્રીના અબોલ સમર્પણના ભાવની વાત થઈ છે.’

* * *

ઉપસંહાર

‘કુમકુમ’ અને ‘શર્વરી’ બંને વાર્તાસંગ્રહની તમામ વાર્તાઓ આદિ-મધ્ય-અંત એમ પરંપરાગત સ્વરૂપમાં રચાઈ છે. સ્મરણ રહે કે આ વાર્તાઓ એક ૭૦-૮૦ વર્ષો પૂર્વેની છે. ટૂંકી વાર્તાના સ્વરૂપમાં પ્રયોગો કરવાની શરૂઆત કદાચ ત્યારે થઈ નહોતી.

કિશોર પટેલ

કિશોર પટેલ સમાજશાસ્ત્ર વિષય જોડે મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા છે. ‘સમકાલીન’, ‘ગુજરાતી મિડ-ડે’ અને ‘જન્મભૂમિ’ જેવાં મુંબઈના પ્રતિષ્ઠિત ગુજરાતી અખબારોમાં ૧૯૮૬થી ૨૦૦૨ સુધી એમણે નાટ્યસમીક્ષાની અઠવાડિક કટાર લખી છે. એક વાર્તાસંગ્રહ, એક નવલકથા અને બે જીવનચરિત્ર એમ ચાર પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. વાર્તાસંગ્રહ ‘ડિવોર્સ@ લવ.કોમ’ને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો વર્ષ ૨૦૧૦નો રામનારાયણ પાઠક પુરસ્કાર તેમ જ કલાગુર્જરીનો વર્ષ ૨૦૧૦નો એવૉર્ડ મળ્યો છે. હાલમાં છેલ્લાં ચાર વર્ષથી આપણા સામયિકોમાં પ્રગટ થતી સાંપ્રત ટૂંકી વાર્તાઓ વિષે સોશિયલ મીડિયામાં નિયમિતપણે નુક્તેચીની કરતા આવ્યા છે. ‘એતદ્‌’ સામયિકમાં છેલ્લા ત્રણ વર્ષથી ટૂંકી વાર્તાઓનું વાર્ષિક સરવૈયુંના એમના લેખો પ્રગટ થાય છે.

શ્રી કિશોર પટેલ
વાર્તાકાર, વાર્તાવિવેચક
મુંબઈ
મો. ૯૮૬૯૭ ૧૭૦૧૦