ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/મીસ મેરી સેમ્યુઅલ સોલંકી

Revision as of 12:18, 4 January 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
મિસ મેરી સેમ્યુઅલ સોલંકી

એ બ્હેન દેશી ખ્રિસ્તિ છે. મૂળ વતની સુરતના અને જન્મ પણ એ જ સ્થળે તા. ૨૧મી ડિસેમ્બર ૧૯૦૩ના રોજ થયો હતો. એમના પિતાનું નામ સેમ્યુઅલ મોન્ટી સોલંકી અને માતાનું નામ ગ્રેસ સેમ્યુઅલ છે. હજુ એ બ્હેન કુંવારા છે. એઓએ મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજમાંથી ત્રીજા વર્ષની પરીક્ષા સને ૧૯૨૪માં પહેલા નંબરે પાસ કરી હતી અને શિક્ષણનો મહીપતરામ ચાંદ મેળવ્યો હતો; તેમજ ઇંગ્રેજી પાંચ ધોરણનો અભ્યાસ કરેલો છે. વધુમાં શિક્ષણ માટેના એમના પ્રેમ અને લાયકાતથી અમદાવાદ મ્યુનિસિપાલેટીએ તેમને ભાવનગર દક્ષિણામૂર્તિ મોન્ટેસરી અધ્યાપન મંદિરમાં એક વર્ષ સુધી ટ્રેનિંગ લેવા તેમ બાળમંડળનો અનુભવ લેવા ખાસ ડેપ્યુટ કર્યા હતા. હાલ તેઓ અમદાવાદ મ્યુનિસિપલ બાલમંદિરમાં શિક્ષિકા તરીકે કાર્ય કરી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપાલેટીની શાળાઓમાં એક ઉત્તમ શિક્ષિકા તરીકે એમની ગણના થાય છે; અને એમના કાર્યથી જે કોઈ એમની શાળાની મુલાકાત લે છે, તે પ્રસન્ન થઈને આવે છે. તેમને સ્વભાવ આનંદી, હસમુખો અને મળતાવડો છે. ત્યાગવૃત્તિ અને ગમે તેની પણ સેવા કરવી એ તેમના સ્વભાવના ખાસ લક્ષણો છે. બાળકો એમને બહુ જ પ્રિય છે. શિક્ષિકા તરીકે જેમ એ યશસ્વી નિવડ્યા છે તેમ એક લેખિકા તરીકેનું એમનું કાર્ય ઉત્તેજનપાત્ર છે. બાળકો માટે એમણે “બટુક વાર્તાઓ”, “કેટલીક જુની વાર્તાઓ”, વગેરે પુસ્તકો રચ્યાં છે; અને તે સઘળાં આકર્ષક નિવડ્યાં છે. વળી એમણે સંપાદિત કરેલું ‘મધુરાં ગીતો’નું પુસ્તક પણ પ્રિય થયું છે. કેળવણીને લગતાં માસિકો અને ત્રિમાસિકો જેવાં કે “શાળાપત્ર” “સૌરાષ્ટ શિક્ષક” એઓમાં તેઓ પ્રાથમિક કેળવણી અને તેમાં ખાસ કરીને બાળશિક્ષણ ઉપર લેખો લખે છે. બાલશિક્ષણ માટે એમને નૈસર્ગિક પ્રેમ છે અને બાઇબલે એમનું જીવન ઘડવામાં માટે ફાળો આપ્યો છે.

: : એમની કૃતિઓ : :

મધુરાં ગીત સન ૧૯૨૬
કેટલીક જુની વાર્તાઓ  ”  ૧૯૩૧
બટુક વાર્તાઓ  ”  ૧૯૩૧