ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/ઉછંગરાય કેશવરાય ઓઝા
એઓ જ્ઞાતે વડનગરા નાગર ગૃહસ્થ અને જૂનાગઢના વતની છે. જન્મ એ જ શહેરમાં અધિક ભાદ્રપદ સં. ૧૯૪૬ વદ ૭-સપ્ટેમ્બર ૧૮૯૦ ના રોજ થયો હતો. લગ્ન વસાવડમાં સન ૧૯૧૦ માં સૌ. સવિતાલક્ષ્મી સાથે થયું હતું. પ્રાથમિક કેળવણી રાજકોટ અને ધ્રાંગધ્રામાં અને માધ્યમિક એ ગામો ઉપરાંત વેરાવળ, જૂનાગઢ વગેરે સ્થળોએ લેવાનો પ્રસંગ પ્રાપ્ત થયો હતો. સન ૧૯૧૩ માં તેઓ બહાઉદીન કૉલેજ જૂનાગઢમાંથી ઇતિહાસ અને અર્થશાસ્ત્ર ઐચ્છિક વિષય લઈને બી. એ. માં ત્રીજા વર્ગમાં પાસ થયા હતા. મેટ્રીક્યુલશમાં અંગ્રેજીમાં ઉંચા માર્કસ માટે શ્રી જામશ્રી વિભાજી સ્કોલરશીપ તેમ સન ૧૯૧૧ માં ઐતિહાસિક વિષય પર નિબંધ લખવા માટે સર ગ્રાન્ડ લી જેકબ પ્રાઈઝ મુંબાઈ યુનિવર્સિટી તરફથી મેળવ્યાં હતાં. હાલમાં તેઓ કેનિયામાં વસે છે. ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કં. લી. મુંબાઈના ચીફ એજંટ છે અને વધુમાં “બૃહદ્ ગુજરાત” નામનું સાપ્તાહિક પોતાની માલિકીનું ચલાવે છે, એ ખુશી થવા જેવું છે. કેનિયા જતાં પૂર્વે કેટલોક સમય એમણે મુંબાઈમાં રાષ્ટ્રીય શાળાના પ્રિન્સિપાલ તરીકે સન ૧૯૨૦ થી ૧૯૨૬ સુધી કામ કર્યું હતું અને તે પછી ત્રણેક વર્ષ મુંબાઈનાં દૈનિક પત્રોઃ મુંબાઈ સમાચાર, પ્રજામિત્ર પારસી, Voice of India વગેરેમાં ઇંગ્રેજી વિભાગ, તંત્રી તરીકે સંપાદન કર્યો હતો. સન ૧૯૨૬-૨૭ માં તેઓ ટેંગેનિયિકા ઓપિનિયનના અને સન ૧૯૨૮-૨૯ માં ડેમોક્રેટનું તંત્રીપદ ધારણ કર્યું હતું. આમ એમનું જીવન બહુધા એક પત્રકાર તરીકે વ્યતીત થતું માલમ પડે છે. પત્રદ્વારા એક તંત્રી તરીકે સુંદર જનસેવા કરતા રહ્યા છે; એટલું જ નહિ પણ એમની કસાયલી કલમમાંથી આપણને ‘અજોજી’ ઠાકર જેવું એક ઉત્તમ વાર્તાપુસ્તક પ્રાપ્ત થયું છે. વધુમાં જયા અને જયન્ત જેવી કવિશ્રી ન્હાનાલાલની એક ઉમદા કૃતિનું ઈંગ્રેજીમાં ભાષાન્તર કરીને જગતસાહિત્યમાં એનું સ્થાન છે એમ પૂરવાર કરવાને પ્રયાસ કર્યો છે, તે સ્તુતિપાત્ર છે. તેઓ ઇતિહાસરસિક હોઇને ગીબત, ગીઝો વગેરે ઇતિહાસકારો માટે એમને અતિ પ્રેમ છે. કાલિદાસ અને શંકર માટે પણ એટલે પૂજ્ય ભાવ અને મમત્વ ધરાવે છે; અને એની છાયા એમના લેખમાં, પુસ્તકમાં ઉતરતી જોવામાં આવે છે. વિદેશ રહ્યા છતાં ત્યાં પણ હિન્દીઓની અનેક અડચણો જોખમ ખેડીને દૂર કરી રહ્યા છે, એ એકલું કાર્ય એમના માટે આપણને માન ઉપજાવે છે અને એક લેખક-પત્રકાર તરીકે પણ એમનું સ્થાન કોઈપણ બાહોશ તંત્રીની હરોળમાં ઉભું રહી શકે એવું ઉંચી કોટિનું છે, એમ એમના, તંત્રી નોંધ વાંચનાર કોઈપણ કહેશે.
: : એમની કૃતિઓ : :
| ૧ | The Rise and spread of Individualism in India | સન ૧૯૧૪ |
| ૨ | બળવાન બાળકી-જીવનશાલિની | ” ૧૯૨૦ |
| ૩ | આજોજી ઠાકોર ભા. ૧ | ” ૧૯૨૪ |
| ૪ | ,, ,,, ભા. ૨ | ” ૧૯૨૮ |
| ૫ | જયા અને જયન્તનું ઇંગ્રેજી ભાષાન્તર | ” ૧૯૨૯ |
| ૬ | Rift in the Lute of the Empire અગર History of Indian Position in Kenya. | ” ૧૯૩૨ |