ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/પ્રાર્થના સમાજની સેવા

પ્રાર્થનાસમાજની સેવા[1]

‘અભંગમાળા’ના ભક્તકવિ ભોળાનાથ સારાભાઇ દ્વારા સ્થપાયેલા અહીંના પ્રાર્થનાસમાજની પષ્ટિપૂર્તિનો ઉત્સવ ઊજવવા આપણે ભેગા થયા છીએ. સાઠ વરસમાં એક સંવત્સરચક્ર પૂરું થાય છે, આખો જમાનો બદલાઇ જાય છે, અને નવા યુગની શરૂઆત થાય છે. સાઠ વરસ પહેલાં આ જ દિવસે ઇંગ્લંન્ડના શાહજાદાનું આરોગ્યચિંતન કરવા માટે અનેકધર્મી લોકો એકહૃદય થઈ પ્રાર્થના કરવા ભેગા થયા હતા. એમાંથી ગુજરાતના પ્રાર્થના સમાજનો ઉદય થયો. આજે સાઠ વરસે જ્યારે પૂર્ણ સ્વરાજની લડતને મોખરે ગુજરાત એકહૃદય થયું છે એવે વખતે આપણે આ ઉત્સવ ઊજવીએ છીએ. તે વખતે સરકારી કેળવણીખાતા તરફથી પ્રાર્થના સમાજને પ્રોત્સાહન હતું. આજે રાષ્ટ્રીય કેળવણીવાળા અમે કેટલાયે જણા આદર અને ભક્તિપૂર્વક આ મણિમહોત્સવમાં સામેલ થયા છીએ. પ્રાર્થનાસમાજ સાથેનો કેળવણીકારોનો સંબંધ ખાસ ધ્યાન ખેંચે એવો છે. સાઠ વરસ પહેલાં પ્રાર્થનાસમાજને લીધે ગુજરાતમહારાષ્ટ્રનો સંબંધ દૃઢ થયો હતો. આજે એ જ સમાજના ઉત્સવમાં ભાગ લેતાં મહારાષ્ટ્રી તરીકે મને વિશેષ આનંદ થાય છે. પ્રાર્થનાસમાજ એ પશ્ચિમ હિંદુસ્તાનના અનેક પ્રાંતો વચ્ચેની પ્રથમ પ્રેમશૃંખલા છે.

પ્રાર્થનાસમાજનો ૫રિચય

પ્રાર્થનાસમાજ સાથેનો મારો પરિચય બાળપણથી છે એમ કહું તો ચાલે. લગભગ તેત્રીશ વર્ષ થયાં હશે, કારવારની હિંદુ સ્કૂલમાં હું ભણતો હતો. ત્યાં અમારા અધ્યાપક પ્રાર્થનાસમાજી વલણના હતા. એમના પ્રવચનો હું રસપૂર્વક સાંભળતો. છેક બાળપણથી પંઢરપુરના સાધુસંતોની જે અસર હૃદય પર થઇ હતી તે પ્રાર્થનાસમાજના સંસ્કારથી વિશુદ્ધ અને દૃઢ થઈ. જે ઉમરમાં જાગતું હૃદય જરાજીર્ણ રૂઢિ સામે બળવો કરવાની શરૂઆત કરે છે, તે ઉંમરમાં રૂઢિ સાથે ધર્મસંસ્કારો પણ ભૂંસાઈ જવાની બીક રહે છે. શાસ્ત્રધર્મ કરતાં હૃદયધર્મને વધારે ઓળખનાર સાધુસંતોએ પોતાની આર્ષવાણીથી મને તે વખતે ઉગારી લીધો હતો. રૂઢિ સામે બળવો કરવા છતાં માણસ નીતિનિષ્ઠા અને ઈશનિષ્ઠા સાચવી શકે છે એ જે વિશ્વાસ અને માર્ગ સાધુસંતોએ આપ્યો, તે આજની પરિસ્થિતિમાં ચાલતો કરી આપવાનું કામ મારે માટે પ્રાર્થનાસમાજે કર્યું. ધર્મ તો ઐહિક તેમજ પારલૌકિક આત્મોન્નતિ માટે જ છે એવી કલ્પના તે દિવસોમાં રૂઢ હતી. એમાં સમાજસેવાનો ઉમેરા કરી જનસેવા તે જ ઈશ્વરસેવા છે એ જાતનો સમન્વય આપણા જમાનાએ વિશેષરૂપે કર્યો છે.

સંશયવાદ.

પણ આમાં કાળે કરી સમાજસેવાનું જોેર વધતાં ઈશ્વર અને શાસ્ત્રધર્મ બંને તરફ અનાસ્થા વધી. હું માનું છું કે સંશયવાદ અને નાસ્તિકતા સામાન્ય મનુષ્યને માટે લગભગ અપરિહાર્ય છે. જુવાની સાથે જેમ મોઢા ૫ર ખીલ ફૂટે છે તેવી જ રીતે વિચારજાગૃતિ સાથે સંશયવાદ અને નાસ્તિકતા આવવાનાં જ. ઑગસ્ટસ કોમ્ટ, હર્બર્ટ સ્પેન્સર, જૉન સ્ટુઅર્ટ મિલ, અને જૉન મોર્લી જેવા બુદ્ધિવાદી, ઈશ્વરવિમુખ પંડિતોનાં લખાણો વાંચ્યા પછી નાસ્તિકતા વધુ જોર પકડે એમાં આશ્ચર્ય શું? નાસ્તિકતાનું અને સંશયવાદનું મોજું આવે એમાં હું જરાયે જોખમ જોતો નથી. જોખમ છે એની સાથે આવતી અલંબુદ્ધિમાં અને ઉદ્દામ અહંકારમાં. નાનપણના સંસ્કારો જો સારા હોય, અથવા જો સત્યનિષ્ઠા અને ધર્મજિજ્ઞાસા પ્રખર હોય તો નમ્રતા અને શુદ્ધતા જળવાવાની જ. મારો સંશયવાદ અને બુદ્ધિવાદ મહામતિ રાનડેનાં લખાણોથી ઊતરી ગયો. એ જ અરસામાં ડૉક્ટર ભાંડારકરનું એક ભાષણ હું સાંભળવા પામ્યો. ભાંડારકરના ભાષણમાં તુકારામ જેટલી નિખાલસતા દેખાઈ. લેખકો અને વક્તાઓ મોટે ભાગે કળાકાર હોય છે. પોતાની સાહિત્યછટાથી વિશેષ અસર પાડવા તેઓ મથે છે. ભાંડારકરમાં એવું કશું ન મળે. નગ્ન બાળકની સ્વાભાવિકતાથી તેઓ પોતાના વિચારો રજૂ કરતા હતા. એમણે એ રીતે એક સુંદર આદર્શ રજૂ કર્યો. રાજદ્વારી ક્ષેત્રમાં એમના વિચારો ઉન્નતિને કે સ્વાભિમાનને પોષક નથી એ હું જાણતો હતો. પણ એ કારણે એમની બીજી સારી વસ્તુઓ તરફ દુર્લક્ષ કરવા જેટલો મતાંધ હું તે વખતે પણ ન હતો.

પછીનું ચણતર.

પ્રાર્થનાસમાજના આવા પાયા પર, મારે માટે, સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસનાં લખાણો પોતાનું ચણતર ઊભું કર્યું, અને ચિત્તને અનેક જાતનું આશ્વાસન તથા ઉત્તેજન મળવા લાગ્યું, ૧૯૦૮માં લૉ-ટર્મ ભરવા માટે મુંબઈમાં રહ્યો તે દરમ્યાન પ્રાર્થનાસમાજની ઉપાસના બનતા સુધી ચૂકતો નહિ. એ અરસામાં ત્યાંના એક ઉપાસકે વિલિયમ જેમ્સનું ‘વેરાએટીઝ ઑફ રિલિજિયસ એક્સપીરિયન્સ’ એ પુસ્તક મારા હાથમાં મૂક્યું. ધર્માનુભવનું પૃથક્કરણ કરવા માટે અને તેનું મૂલ્ય આંકવા માટે આ ચોપડી બહુ ઉપયોગી છે. બુદ્ધિ અને લાગણી, શ્રદ્ધા અને સંકલ્પ એ બધી વસ્તુઓનો સુંદર સમન્વય સ્વામી વિવેકાનંદ દ્વારા વેદાંતમાં મને જડ્યો. દ્વૈતઅદ્વૈતના ઝઘડા વ્યર્થ છે એ તો હું સહેજે સમજી શક્યો. હિંદુ સામાજિક જીવનમાં અને ધર્મવ્યવસ્થામાં આપણે આપણા તત્ત્વજ્ઞાનને વફાદાર રહ્યા નથી એ વાત ધ્યાનમાં આવવાથી ધાર્મિકતાને આધારે સામાજિક સુધારો કરવાની આવશ્યકતા વધુ ને વધુ સ્પષ્ટ થવા લાગી. ભગિની નિવેદિતા અને આનંદકુમારસ્વામી આદિ પ્રતિભાવાન લેખકોનાં લખાણોને લીધે ધર્મની સામાજિક બાજુ વધુ ને વધુ સ્પષ્ટ થવા લાગી. જીવનનો સમગ્ર ખ્યાલ મેળવવા માટે જે દૃષ્ટિ જોઈએ છે તે ખીલવા લાગી. આટલી તૈયારી પછી ગીતા, ઉપનિષદ, તુકારામ, કબીર આદિ આધ્યાત્મિક શક્તિઓનાં સ્વરૂપ અને સામર્થ્ય વધુ ને વધુ પ્રગટ થવા લાગ્યાં.

સાર્વભૌમ ધર્મ.

હિંદુ ધર્મમાં અન્ય ધર્મોનો તિરસ્કાર છે જ નહિ. ‘તમને તમારે ધર્મ, અને અમને અમારો ધર્મ,’ એ કુરાનનું વચન સંપ્રદાયબહુલ હિંદુધર્મના પ્રાણરૂપ છે. ‘એકં સત્‌ વિપ્રા બહુધા વદન્તિ |’ પ્રાર્થનાસમાજ બધા જ ધર્મો પાસેથી સરખી રીતે પ્રેરણા મેળવતો હોવાથી હિંદુધર્મમાં રહેલો સર્વધર્મસદ્‌ભાવ વિશેષ સ્પષ્ટ થયો; અને જેને આધુનિક લોકો ધાર્મિક ઉદારતા કહે છે, અને જેને હું જાગૃતિની સ્વાભાવિકતા કહું છું, તેનું દર્શન થયું. વેદ અને સ્મૃતિ, બાઈબલ અને કુરાન, શાસ્ત્રના સંસ્કારો અને લોકરૂઢ વિધિઓ કઇ રીતે જોવાં ને તપાસવાં એનો ખ્યાલ પણ હવે સ્પષ્ટ થયો. અને હિન્દુધર્મ કરતાં પણ વિશાળ એવા ભારતવર્ષીય સાર્વભૌમ ધર્મનો સાક્ષાત્કાર થયો. પ્રાર્થનાસમાજની નાનપણથી મળેલી આવી ઉદાર મદદ મારે માટે અનેક રીતે ઉપકારી નીવડી છે અને તેથી મારા મનમાં હંમેશાં પ્રાર્થનાસમાજ પ્રત્યે કૃતજ્ઞતા રહેલી છે. ધર્મકુટુંબનો તંબૂરો. આની પછીની પ્રવૃત્તિ તે આ નવી કેળવાયેલી દૃષ્ટિએ ભારતવર્ષના બધા ધર્મો અને સંપ્રદાયોનું નિરીક્ષણ કરવાની હતી. પ્રાર્થનાસમાજ અથવા બ્રાહ્મસમાજ, આર્યસમાજ અને દેવસમાજ, રામકૃષ્ણ મિશન અને થિયૉસૉફી, ચૈતન્ય સંપ્રદાય અને સ્વામીનારાયણ સંપ્રદાય બધા તરફ એ દૃષ્ટિએ જ જોવાનું મન થવા લાગ્યું. એમ જેતાં માલૂમ પડ્યું કે પ્રાર્થનાસમાજ એ ભારતવર્ષીય સર્વધર્મકુટુંબના સંગીતનો તંબૂરો છે. આત્માની અનંતતા વ્યક્ત કરતું ભાવવાહી સંગીત ગમે તેટલા સપ્તક ચડે કે ઊતરે, આરોહ- અવરોહ અને આલાપના વિવિધ વિલાસ બતાવે, તોયે એણે આ તંબૂરા સાથે તે મળતું રહેવું જ જોઇએ. તે જ રીતે બધા ધર્મોએ પ્રાર્થનાસમાજ સાથે મળતું રહેવું જોઈએ. તંબૂરા વગર સંગીત ખીલે નહિ; પણ તંબૂરામાં જ બધું સંગીત સમાઈ નથી જતું.

ધર્મનું વ્યાપક સ્વરૂપ

ધર્મમાત્રમાં બુદ્ધિ, અનુભવ, શ્રદ્ધા, અંતઃકરણની લાગણીઓ, કાવ્ય કલ્પના અને કલારસિકતા એ બધી વસ્તુઓ હોય છે, હોવી જ જોઈએ એની સાથે સાથે વ્યક્તિને સમાજ અને વિશ્વ સાથેનો સંબંધ, જીવનવ્યાપી સંઘ સ્થાપવાની વૃત્તિ અને આવશ્યક્તા, તેમજ ક્ષેમવૃત્તિ (Conservatism) અને ૫રિવર્તનવૃત્તિ (Radicalism) એ બંને બાજુ ધર્મમાં સ્વભાવતઃ હોય છે અને હોવા જોઈએ. આમાંથી એકે અંગ જો ઓછું કરીએ તો ધર્મ વિકલાંગ થવાનો, અને મનુષ્યજીવન માટે અપર્યાપ્ત નીવડવાનો. ધર્મમાં શ્રદ્ધાની માત્રા વધવાથી ધર્મ બગડતો નથી. લાગણી અને કોમળતા વધવાથી તે પોચો થતો નથી. કાવ્યકલ્પનાઓ વધવાથી તે અસત્યપ્રેરક થતો નથી. કલારસિકતા વધવાથી તે હિનતાનો સંગ્રાહક બનતો નથી. વિશ્વ સાથેનો સંબંધ પૂર્ણપણે સ્વીકારવાથી તે અવ્યવહારૂ થતો નથી. ક્ષેમવૃત્તિને અંગીકારવાથી તે જડ થતો નથી. પરિવર્તનશીલતાને આવકાર આપવાથી તે વિનાશક બનતો નથી. ધર્મનું મરણ તો અજ્ઞાન, વિલાસિતા અને બાહ્ય સત્તામાં છે. ભ્રમમૂલક અસત્યથી સત્ય ઢંકાય, પણ કોઈ કાળે વીંધાય નહિ. કેમકે અસત્યના પેટમાં પણ સત્ય જ છુપાયેલું રહે છે. સત્યનો પરાજય સત્તામાં છે. કોઈપણ ધર્મ જ્યારે અજ્ઞાનને સાંખે છે, વિલાસિતા સાથે માંડવાળ કરે છે, અથવા સત્તાની ઉપાસના કરે છે ત્યારે એ ધર્મ પ્રથમ સુલભ થાય છે, રોચક થાય છે, વિશાળ થાય છે, અને અંતે પરપોટાની પેઠે ફૂટી જાય છે. સરકારી ખાતાની સહાયથી પ્રસરેલો ધર્મ ક્ષીણવીર્ય અને ક્ષણજીવી બને છે એ સમ્રાટ અશોકે પણ અનુભવ્યું હતું.

ઈશ્વરનું અદ્વૈત.

પ્રાર્થનાસમાજે ઈશ્વરના અદ્વૈત ઉપર ખાસ ભાર મૂક્યો છે. ઇસ્લામ તરફનો આ ફાળો ગણાય. રાજા રામમોહનરાયે ઇસ્લામનો ઊંડો અભ્યાસ કર્યો હતો. ઈશ્વરના અદ્વૈતનું જાગ્રત ભાન એ ઇસ્લામની અસાધારણ સુંદરતા છે. સર્વોપરિ સત્તાને પૂજનાર યાહૂદી લોકોનો ઈશ્વર Jealous God રહે એમાં જરાયે આશ્ચર્ય નથી. એ વારસો ઇસ્લામને અને વિશ્વાસીધર્મને સરખો જ મળ્યો છે. ભારતવર્ષમાં પ્રથમથી જીવબ્રહ્મૈક્યની વિચારણા ચાલતી હોવાથી આપણે ત્યાં ‘એક કે અનેક’નો ઝઘડો ઉત્પન્ન થયો નથી, આપણને નડ્યો પણ નથી. ઈશ્વર છે, તે અદ્વિતીય છે, સર્વ સમર્થ છે, પ્રેમમય છે એ ભાવના અથવા અનુભવ ધર્મ માત્રની મૂડી છે. એ ઈશ્વર અંતર્યામી છે, આત્મસ્વરૂપ છે, સર્વસહ છે, અખૂટ ધીરજવાળો છે, એ જાગ્રત છે, એ ભક્તાનુકૂલ છે, આ પાછળથી થયેલી શોધ છે. એ શોધને અભાવે માણસે ધર્મજીવનમાં ઘણું સહ્યું છે, ઘણું વેઠ્યું છે. પણ આ પાછળની શોધનો વિસ્તાર કરવાનું આ સ્થળ નથી. આ શોધને લીધે ધર્મની મૂડી વધી છે. ઈશ્વર અનેક છે, એક નથી એમ જે માને છે તેનો તો નાશ જ છે. ‘મૃત્યોઃ સ મૃત્યુમાન્નોત્તિ ય ઇહ નાનેચ પશ્યતિ |’

ઐક્ય ઓળખો.

નાના દેવોની કલ્પનાથી થતું નુકસાન દૂર કરવાના બે જ ઉપાય છેઃ મુખ્ય દેવને રહેવા દઈ બાકીનાની કતલ કરો, એકેશ્વરવાદની લાકડીથી એમને સ્પર્શ કરી એમને ઉતારી પાડો; અથવા એકનાં જ એ અનેક રૂપો છે, અનેકથી એ એકનું એકત્વ નષ્ટ થતું જ નથી, એ વાત ઓળખો. ભારતવર્ષે આ બીજો માર્ગ પ્રથમથી જ ખેડેલો છે. ખરૂં જોતાં જે ઈશ્વરને આપણે ઉપાસીએ છીએ તે પરમેશ્વરની માનવી આવૃત્તિ છે. આપણો ઈશ્વર માણસે બનાવેલો તો ન કહેવાય, પણ માણસે ઓળખેલો છે. ઈશ્વરના સ્વરૂપ તરીકે જે આપણે ઓળખીએ છીએ તે માણસના અંતિમ પ્રાપ્તવ્યનું સ્વરૂપ છે. માણસ પોતાને ઓળખીને જ ઈશ્વરને ઓળખતાં શીખ્યો છે. માટે આપણે એને અંતર્યામી કહીએ છીએ, આત્મારામ કહીએ છીએ. ઉપનિષત્કાલીન ઋષિઓએ ઈશ્વરના સ્વરૂપનું જે ચિંતન કર્યું છે તે જ ચિંતનને પ્રાર્થનાસમાજે ફરી ચાલન આપ્યું છે; અને રૂઢિધર્મને આગ્રહ પૂર્વક કહ્યું છે :

‘તદેવ બ્રહ્મ ત્વં વિદ્ધિ, નેદં યદિદમુપાસતે |’

મૂર્તિપૂજાનો વિરોધ.

પ્રાર્થનાસમાજે મૂર્તિપૂજાનો વિરોધ પણ પ્રથમથી કર્યો છે. મને લાગે છે કે હિન્દુધર્મમાં મૂળ મૂર્તિપૂજા ન હતી; સંભવ છે કે તે બહારથી આવેલી હશે. આજનો મૂર્તિપૂજાનો વિરોધ પણ બહારથી જ આવેલો છે. ભારતના બધા જ ધર્મોએ મૂર્તિપૂજાને કલારસિકના ઉત્સાહથી વધાવી લીધી છે, એટલે મૂર્તિપૂજાનો વિરોધ કરવો એ સહેલી વસ્તુ નથી. મૂર્તિપૂજા કરતાં મૂર્તિપૂજાની આસપાસ જે આડંબર અને અનાચાર બાઝે છે તે વધારે ઘાતક હોય છે. મૂર્તિપૂજા વિષેનો પ્રાર્થનાસમાજનો વિરોધ શરૂઆતમાં ભારે ઝનૂની હતો. મૂર્તિપૂજા અસન્માર્ગ છે, ઈશ્વરનું અપમાન કરનાર છે, માણસમાં નીચત્વ આણનાર છે, અને દુરાચરણ તરફ લઈ જનાર છે, એવી પ્રાર્થનાસમાજની પ્રથમની માન્યતા હતી. ડૉ ભાંડારકરે એમાં ફેરફાર કરાવ્યો. મૂર્તિપૂજામાં પાપ નથી પણ તે એક નિરર્થક વસ્તુ છે એ જાતનો અભિપ્રાય એમણે પ્રાર્થનાસમાજમાં રૂઢ કર્યો. આગળ જતાં કોઈ કોઈ ઠેકાણે મૂર્તિપૂજા સામેનો વિરોધ એટલો મોળો પડ્યો છે કે પ્રાર્થનાસમાજની ઉપાસના વખતે મૂર્તિ ન વાપરી એટલે બસ. મૂર્તિપૂજાનિષેધને આપેલું વધારે પડતું મહત્ત્વ અંદરથી જ ઓછું થવા લાગ્યું એ એક રીતે સારું થયું છે. મૂર્તિપૂજામાં કંઈ ખાસ રહસ્ય રહેલું છે એવું તો છે જ નહિ. માણસની કલાવૃત્તિ સંતોષવાનો અથવા રમકડાં લઈને રમવાની બાલકવૃત્તિને પોષવાનો એ એક પ્રકાર છે. એનો ત્યાગ કરવો એ પીઢ વૃત્તિના માણસને સ્વભાવિક હોવું જોઈએ. પણ આજની પરિસ્થિતિમાં કીડી પર કટક લઈ જવાની જરૂર નથી. મૂર્તિપૂજાનિષેધનું ઝનૂન પ્રાર્થનાસમાજમાંથી ઓછું થયું એમાં પ્રાર્થનાસમાજ મોળો પડ્યો છે એમ માનવાનું કશું કારણ હું જોતો નથી.

જાતિભેદનો વિરોધ

પ્રાર્થનાસમાજે કરેલું સુધારાનું ત્રીજું કાર્ય તે જાતિભેદનો વિરેાધ છે. જાતિભેદ એ ધાર્મિક સંસ્થા નથી, પણ મનુષ્યસ્વભાવમાં દ્રઢમૂલ એવો જે ટોળાધર્મ છે તેનું જ તે એક રૂપ છે. હિંદુધર્મે એને ઉન્નત કરી વર્ણવ્યવસ્થાનું રૂપ આપવાનો સતત પ્રયત્ન કર્યો છે એમ હું માનું છું. જાતિભેદનો વિરોધ પ્રાર્થનાસમાજે સર્વ સ્થળે સરખી રીતે નથી કર્યો. બંગાળે વિશેષ કર્યો; મહારાષ્ટ્રે નહિજેવો; ગુજરાતની તો વિરોધ કરવાની હિંમત જ ન ચાલી. જાતિભેદની સંસ્થા મનુષ્યપ્રકૃતિમાંથી ઉદ્‌ભવેલી હોવાથી એનો વિરોધ કરવો એ અઘરું કામ છે. હિંદુસ્તાનમાં એને ધર્મની માન્યતા મળવાથી એની શક્તિ પહાડી કિલ્લામાં ભરાઈ બેઠેલી ફોજ જેવી થઈ છે. બાહ્ય વિરોધથી કે હુમલાથી એ મરવાની નથી. એને તો અંદરથી જ ઓગાળી નાખવી જોઈએ, અને તે કામ આજની પરિસ્થિતિ અને રાજકીય આકાંક્ષાઓ કરી રહી છે.

સ્વભાવે ગૃહસ્થાશ્રમી

આજ સુધીના અનુભવ પરથી જણાય છે કે પ્રાર્થનાસમાજે એક બાજુ જીવનવિમુખ વૈરાગ્ય અને બીજી બાજુ અનાચારી વિલાસિતા બંનેનો છેદ ઉડાડ્યો છે. પ્રાર્થનાસમાજ સ્વભાવે ગૃહસ્થાશ્રમી છે. પ્રોટેસ્ટંટ ખ્રિસ્તી લોકોની અંગ્રેજી કેળવણીમાં આપણે બધા ઊછરેલા, એટલે છેલ્લી અર્ધશતાબ્દિમાં આપણા જીવનમાં આપણે અલૌકિક ત્યાગ વૈરાગ્ય પણ રૂઢ કરી શક્યા નથી, અને કલ્પનાશક્તિને ઊંચે લઈ જાય એવા ઉત્સવો કે તહેવારો પણ ગોઠવી શક્યા નથી. તેથી, પ્રાર્થનાસમાજમાં જોકે જેમને વિષે આપણે આદર કેળવી શકીએ એવા ઘણા સત્પુરુષો થયા છે, તોપણ એ સમાજમાં ભવ્ય પુરુષોની પરંપરા આપણે નથી જોતા. જીવનકુળ લોકો જીવનવીર હોય જ છે એમ નથી. પ્રાર્થનાસમાજે હવે વીરવૃત્તિ કેળવવાનો સમય આવ્યો છે.

ગ્રંથપ્રામાણ્યનો છેદ

મારે મન પ્રાર્થનાસમાજનું મુખ્ય કાર્ય તો એણે ગ્રંથપ્રામાણ્ય ઉડાવી દીધું એ છે. એમ તો નાસ્તિકો, તર્કવાદીઓ અને ધર્મશૂન્ય લોકો હંમેશાં શાસ્ત્રગ્રંથોને ફગાવી દેતા આવ્યા છે, પણ સમાજમાનસ પર એની કશી ઇષ્ટ અસર થતી નથી. ધર્મપરાયણ સાત્ત્વિક લોકો જ્યારે બુદ્ધિ, અનુભવ અને શ્રદ્ધા પર આધાર રાખી ગ્રંથપ્રામાણ્ય સ્વીકારવાની ના પાડે છે, ગ્રંથપરતંત્ર થવાની ના પાડે છે ત્યારે જ સમાજ બૌદ્ધિક અને ધાર્મિક સ્વાતંત્ર્ય મેળવી શકે છે. પ્રાર્થનાસમાજે એ કાર્ય કરી આપ્યું એ એની કીમતીમાં કીમતી સેવા છે.

પુરાણી પ્રેરણા

ભાંડારકર અને રાનડે જેવા પ્રાર્થનાસમાજના આદિપુરુષોએ શાસ્ત્રો અને સંતવચન તરફનો આદરભાવ કાયમ રાખ્યો, પણ બુદ્ધિને સ્વતંત્રતા આપી ગ્રાહ્યાગ્રાહ્યનો વિવેક માણસના જ હાથમાં રાખ્યો. ‘કેવળ મારા ધર્મના જ શાસ્ત્રગ્રંથો સાચા’ એ સંકુચિતતા કાઢી નાંખી; સત્ય જ્યાંથી જડે ત્યાંથી લઇ લેવું, સત્ય એ આપણી જ ખોવાઈ ગયેલી વસ્તુ છે, હકપૂર્વક તે આપણે લઇ શકીએ છીએ, એવી ઉદારવૃત્તિ એમણે સમાજને શીખવી. અગ્નિ શીતળ છે એમ સો શ્રુતિવચનો કહે તોયે આપણે તે ન સ્વીકારીએ, એમ શંકરાચાર્યે કહ્યું છે. સત્યજ્ઞાન યવનાચાર્યો પાસેથી પણ લેવાય એવી શિખામણ આપણા પૂર્વજોએ આપી છે. ઉત્તમ વિદ્યા ગમે તેની પાસેથી લેવાય એમ આપણાં સુભાષિતો કહે છે. છતાં આપણે ગ્રંથ પ્રામાણ્યને વળગી જ રહેતા હતા. પરિણામે બુદ્ધિને ગ્રંથપરતંત્રતાની બંધિયાર હવામાં રહેવું પડતું હતું, અને બીચારાં શાસ્ત્રગ્રંથોને તાર્કિકોએ કરેલી શાસ્ત્રાર્થની જાદુઈ કસરતના ભોગ થવું પડતું હતું. દુનિયામાં માણસે વકીલ, ડૉક્ટર અને ગોર વગર ચલાવવું જોઈએ. માણસ પોતે જ પોતાનો વકીલ થાય, પોતે જ પોતાનો વૈદ થાય, અને પોતે જ પોતાનો શાસ્ત્રજ્ઞ ધર્મગુરુ થાય એ જરૂરનું છે, એમ એક જર્મન ફિલસૂફે કહ્યું છે. મનુષ્ય સ્વાતંત્ર્યની આ ત્રિવિધ શિખામણમાંનો એક ભાગ પ્રાર્થનાસમાજે બરાબર સિદ્ધ કર્યો છે. અને સદ્‌ભાગ્યે એ સંપ્રદાયમાં પ્રથમથી જ મતવૈચિત્ર્ય દાખલ થવાથી આપ્તવાક્યની ધૂંસરી પણ એને માથે આવી નથી. રાજા રામમેહનરાયે ઉપનિષદ અને ઈસ્લામની અસર સ્વીકારી. મહર્ષિ દેવેન્દ્રનાથે ઉપનિષદો અને બૌદ્ધ સાહિત્યમાંથી પ્રેરણા મેળવી. ન્યાયમૂર્તિ રાનડે અને ભાંડારકરે ઉપનિષદ સાથે સાધુસંતોની વાણીનો છૂટથી ઉપયોગ કર્યો. કેશવચંદ્ર સેને ઈશુ ખ્રિસ્તની વિશેષ ઉપાસના કરી. અને રવીન્દ્રનાથ ઠાકુરે કબીરપંથ અને લોકગીતમાં ફેલાયેલા અનેક સ્વતંત્ર લોકધર્મોની અસર સમાજ પર પડવા દીધી છે. આ બધું પ્રાર્થનાસમાજની ઉદારતાનું ઇષ્ટ ફળ છે. મહારાષ્ટ્રના પ્રાર્થનાસમાજે મરાઠી સાધુસંતોનાં ભજનો અને ગીતો સહેજસાજ ફેરફાર સાથે પોતાનાં કર્યાં. ભોળાનાથ સારાભાઈની ‘અભંગ માળા’માં મહારાષ્ટ્રની અસર દેખાય છે. જ્યારે સાહિત્યશૂર બંગાળે તો ગદ્ય અને પદ્ય, ઇતિહાસ અને વિવેચન દરેક બાજુએ એક નવું જ સાહિત્ય નિર્માણું કર્યું છે.

સમાજસેવા.

પ્રાર્થનાસમાજે સમાજસેવાનું કામ પણ ઠીકઠીક કર્યું છે; પણ એમાં નવી દિશા કે અલૌકિક ત્યાગ જેવું કશું નથી. અનાથાલયો, રુગ્ણાલયો, વિદ્યાલયો, પુસ્તકાલયો કે ચર્ચાલયો ચલાવવાં એ કંઈ વિશ્વવ્યાપી ધાર્મિક પ્રવૃત્તિનો પૂરતો ફાલ ન ગણાય. પ્રાર્થનાસમાજે અખિલ પ્રજાને મંત્રમુગ્ધ કરે એવું ધાર્મિક વાચન મોટા પાયા ઉપર પૂરું પાડ્યું છે એમ પણ એ કહી ન શકે. પ્રાર્થનાસમાજની આખી પ્રવૃત્તિ મધ્યમવર્ગનાં ઘર અને એમની રહેણી, એમની ધર્મબુદ્ધિ અને એમની સેવાબુદ્ધિ સાફસૂફ કરવામાં જ સમાપ્ત થઈ છે. ઈશ્વરનિષ્ઠા અને સદાચાર એ પ્રાર્થનાસમાજનો પ્રધાન સૂર ગણાય. બંગાળમાં ઘણા કેળવણીકારો બ્રાહ્મસમાજી છે એ ખરું, પણ આપણે ત્યાં રાષ્ટ્રવ્યાપી, જીવનસ્પર્શી, સ્વતંત્ર અને નવી એવી કેળવણીનો પ્રાર્થનાસમાજે વિચાર સરખો કર્યો નથી. જેની અસરથી આખો સમાજ જોતજોતામાં દ્વિજ નથી બની જતો તે પ્રવૃત્તિમાં ધર્મવીર્ય છે એમ ન કહી શકાય. The religion of a thorough-going gentleman મનુષ્યહૃદયને બહુ આકર્ષી ન શકે. વીરધર્મ હોય તે જ ફેલાય.

કેળવણીનો યુગ

એક જમાનો એવો હતો કે જ્યારે મનુષ્યનું સંપૂર્ણ જીવન વ્યક્તિગત તેમજ કૌટુંબિક, સામાજિક તેમજ રાજદ્વારી ધર્મવ્યવસ્થાના તાબામાં હતું. સમગ્ર જીવન ઉપર ધર્મનું સામ્રાજ્ય ચાલતું. આજે એ જમાનો ગયો; સકારણ ગયો. અને એને ઠેકાણે લોકમાન્ય રાજ્યસત્તાનો જમાનો આવ્યો. રાજ્યસત્તા એકના હાથમાં રહે કે અનેકોના એ સવાલ ઉપર લોકો ગમે તેટલા લડ્યા હોય, પણ જીવન આખું રાજ્યસત્તાના, રાજદ્વારી સંસ્થાઓના હાથમાં સોંપી દેવાનું વલણ તે જામતું જ જાય છે. રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેનો વહેવાર, સંસ્કૃતિઓનો સહકાર, ભિન્નભિન્ન વર્ગો વચ્ચેના સંબંધ, કેળવણી, વેપારઉદ્યોગ, ધર્મવ્યવસ્થા, કુટુંબસંસ્થા, અરે! આરોગ્યની સંભાળ સુદ્ધાં બધુંજ સરકાર મારફતે થાય અને કાનૂનના નિયંત્રણમાં રહે એવું વલણ આજકાલ વધતું જાય છે. દુનિયામાં જેટલી શક્તિઓ છે, સમાજમાં જેટલાં બળો છે તે બધાં આજે રાજ્યતંત્રને આધીન રહે છે, એની જ સેવા કરે છે, એનાં જ પ્રસાદથી પરિપુષ્ટ થાય છે. પણ આ સ્થિતિ લાંબા કાળ સુધી ટકવાની નથી. આ જમાનાનો અંત વહેલોમોડો આવવો જ જોઈએ. મોડો નહિ, વહેલો જ આવવો જોઈએ. એક વખતે ધર્મવ્યવસ્થા સાર્વભૌમ હતી, આજે રાજ્યવ્યસ્થા સાર્વભૌમ છે. પણ ભવિષ્યમાં તે કેળવણીવ્યવસ્થા જ સાર્વભૌમ થવાની છે એ આપણે ઓળખવું જોઈએ.

સુશિક્ષિતોનો ધર્મ

પ્રાર્થનાસમાજે કેળવણીનું કામ સહેજસાજ કર્યું છે. પણ કેળવણીમાં સ્વતંત્ર વિચારની દૃષ્ટિએ, દીર્ઘ તપસ્યાની દૃષ્ટિએ, અથવા વ્યાપક સંગઠનની દૃષ્ટિએ પ્રાર્થનાસમાજનો ફાળો કશો નથી. પ્રાર્થનાસમાજે પોતાની જીવનદૃષ્ટિનો પ્રકાશ પાડી કેળવણીનું એક સ્વતંત્ર, સંપૂર્ણ અને સમર્થ દર્શન ઊભું કરવું જોઈતું હતું. હજી પણ એ ધારે તે કરી શકે છે. આજનો સર્વસાધારણ ધર્મ કેળવણી મારફતે જ પ્રસરી શકે. ગાંધીજીએ તે વર્ષે આ જ ઠેકાણે કહ્યું હતું કે ‘પ્રાર્થનાસમાજ એ સુશિક્ષિતોનો ધર્મ છે.” પ્રાર્થનાસમાજની ખૂબી અને ખામી, એની શક્તિ અને અશક્તિ બંને આમાં જ સમાયેલાં છે. આપણે ધારીએ તો આ સ્થિતિને આપણે આપણી નવી શક્તિ, નવી પ્રેરણા અને નવી દિશા બનાવી શકીએ.

ધર્મનું નવું સ્વરૂપ

“અંતર્યામી, પરમાત્મા એ જ મારો સ્વામી છે, આધાર છે, સર્વાત્મૈક્ય અને સર્વસદ્‌ભાવ એ જ મારો પરમ પુરુષાર્થ છે. કેળવણી – સર્વાંગી કેળવણી એ જ એની સાધના છે.” એ હવે પછીનો બ્રાહ્મધર્મ છે. એ જ પ્રાર્થનાસમાજ છે. આ નવી કેળવણીમાં પાંચ વસ્તુનો સમાવેશ થવો જોેઈએઃ પ્રાર્થના, બોધ, ધીરજ, સેવા અને કુરબાની. Prayer, Persuasion, Patience, Service & Sacrifice. કેળવણીનું પ્રથમ ક્ષેત્ર હૃદય છે. હૃદય જો પૂરેપૂરૂં ખેડાયું હશે તો જ બુદ્ધિનું ખેડાણ વ્યક્તિને માટે અને સમાજને માટે આશીર્વાદરૂપ નીવડશે. હૃદય જો બરાબર કેળવાયેલું હોય, બુદ્ધિ પ્રગલ્ભ થઈ હોય, અને શરીર નિરોગી અને કસાયું હોય તો જ ધર્મજીવન જીવવું શક્ય થશે. આવી ધર્મપ્રધાન કેળવણી જ્યારે દરેકને મળશે ત્યારે વ્યક્તિ અને સમાજનો સંબંધ મંગલમય થશો સમાજની સર્વાંગી સેવા એ જ આત્મોન્નતિનો એક માત્ર ઉપાય છે.

સમાજસેવાધર્મ

હવે આપણે બરાબર જોઈ શકીશું કે દુનિયાનો ભવિષ્યનો ધર્મ એ સોશ્યાલિઝમ જ છે. સોશ્યાલિઝમ એટલે સમાજસેવાધર્મ. આજે જે સોશ્યાલિઝમ અનેક દેશેમાં ચર્ચાય છે અને એને અંગે જે અખતરાઓ ચાલે છે તેમાં અનેક બાજુએ સુધારાવધારા થવાની જરૂર છે. આજની સોશ્યાલિઝમે ત્રણ ભૂલો કરી છે. એણે સંપત્તિશાસ્ત્રનો પાયો લીધો એ એની પહેલી ભૂલ. એની બીજી ભૂલ રાજદ્વારી સંસ્થાઓ ઉપર એને વિશ્વાસ એ છે. અને ત્રીજી ભૂલ તો, ધર્મવ્યવસ્થા તોડવા જતાં એણે મૂળ ધાર્મિકતા પ્રત્યે જ સૂગ કેળવી છે અને એને વિરોધ ચલાવ્યો છે એ છે. સોશ્યાલિઝમ માને છે કે આ એની ભૂલો નથી, પણ એ જ એનો ભવિષ્ય માટેનો કીમતીમાં કીમતી ફાળો છે. એના વગર સોશ્યાલિઝમ સંભવે જ નહિ. જે સોશ્યાલિઝમ પૂરેપૂરૂં અમલમાં આવે તો કેન્દ્રીભૂત રાજ્યસત્તાનો નાશ એની મેળે થશે. તે એટલે સુધી કે શારીરિક બળ ઉપર નભનારી રાજ્યસત્તાનું મીડું જ વળે. જીવન એટલું બધું સાદું, સ્વાવલંબી અથવા પરસ્પરાવલંબી થશે કે અટપટું અર્થશાસ્ત્ર ટકે જ નહિ, અને લોટમાં એવી તો સંસ્કારી કેળવણી સાર્વત્રિક થશે કે એમાંથી શુદ્ધ આધ્યાત્મિક જ્યોત પ્રગટ થવી જ જોઈએ. સોશ્યાલિઝમની ખોજ સાચી છે, એની પ્રેરણા શુદ્ધ છે, એનો સમય પણ આવી ચૂક્યો છે, એટલે દોષમુક્ત થતાં એને બહુ દાયકાની આવશ્યક્તા નથી. ગરીબોનો દેવ હવે જાગ્રત થયો છે. કેળવણીકારોએ પોતાની ઢબે એના ઉપાસક થવાની જરૂર છે. સત્ય ને અહિંસા એ જ પોતાનું બિરુદ હોઈ શકે, એ જ પોતાની ટેક છે, એમ ઓળખી એમણે લોકસેવાનું કામ હાથમાં લેવું જોઈએ. કેળવણીખાતું અત્યારસુધી નિર્વીર્ય નીવડ્યું છે. ધર્મસમાજે લોકકેળવણીનું કામ જેટલું કર્યું છે, રાજદ્વારી પ્રચારકોએ જેટલું કર્યું છે તેટલું કેળવણીખાતાએ કર્યુ નથી. શુદ્ધ ધર્મની પ્રેરણા લઈ શાળાની ચાર દીવાલની બહાર નીકળી સાચા કેળવણીકારોએ લોકશિક્ષણ અને લોકસેવાનું કામ કરવાનું છે. ધર્મસંસ્કરણ, સમાજસંસ્કરણ, કુટુંબસંસ્કરણ — ટૂંકામાં જીવનસંસ્કરણ કરવાનો જમાનો આવ્યો છે. આવ્યો છે શું, એ ક્યારનો શરૂ પણ થઈ ચૂક્યો છે. હવે આપણે ઉજળિયાત, બેઠાડુ, સલામતીના ઉપાસક, એવા મધ્યમ વર્ગની સાફસૂફી પાછળ સહેજસાજ શક્તિ ખર્ચીને સંતોષ માનવાનો નથી. દીન, અનાથ, પતિત અને પરિત્યક્ત એવા લોકોના હૃદયમાં રહેલા નારાયણની ઉપાસના કરવાની છે. પાર્થિવ મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા કરવાના મંત્રો અત્યારસુધી લોકો બહુ બોલ્યા. હવે તો દલિતમૂર્તિ દેશવાસીઓમાં સ્વાતંત્ર્ય, સ્વાશ્રય અને સ્વાભિમાનની પ્રાણપ્રતિષ્ઠા કરવાની છે. સ્ત્રીઓ, મજુરો, ખેડુતો, કારીગરો અને કારકુનોનું જીવન સુવાસિત અને સારગર્ભ કરવાનું છે. જાતિભેદ તોડવાનો એ અર્થ ન જ થવો જોઈએ કે આપણે કેવળ મધ્યમવર્ગના ઉજળિયાત લોકો રોટીબેટી વ્યવહારની અગવડો દૂર કરવા માગીએ છીએ. અનાચારી સ્વચ્છંદી લોકો ૫ણ એટલું કરી શકે છે. પછાત અને પતિતોના કેવળ હિતેચ્છુ મુરબ્બી થવામાં પણ આજે મોટી બહાદુરી નથી. એતો સાત્ત્વિક માણસોનો વિનોદ થયો. ખરી ધાર્મિકતા એમાં રહેલી છે કે ગરીબો સાથે, પતિતિ સાથે, અજ્ઞાન અને અસંસ્કારી લોકો સાથે આપણે ઐક્યભાવે ભળી જઈએ, એમને પોતાનાં કરીએ, આપણે એમના થઈ જઈએ, અને એમને સાથે લઈને ઉન્નતિનો પહાડ ચઢીએ. આવી વીરવૃત્તિ વગર ધાર્મિકતા સંભવે જ નહિ. વીરત્વ એ જ ખરો ધર્મ છે. માત્ર બીજાને મારીને વીર નથી થવાનું, પણ નિર્વૈર વૃત્તિથી પોતાની જાતને મારીને વીર થવાનું છે.

ધર્મોનું ‘લિવ્હર’

અહીં જે બ્રાહ્મધર્મની અને ધર્મસમાજની ઝાંખી કરી છે તે અલગ નોખા ધર્મ તરીકે રહેવાની ના જ પાડશે. ધર્મમાત્રમાં એ પરોવાયેલા રહેશે. સમાજની ઉન્નતિ માટે જુદાજુદા ધર્મો પ્રવર્તેલા છે. એ બધા ધર્મોને ચડાવનાર ‘લિવ્હર’ની ગરજ આ બ્રાહ્મધર્મ સારશે. આને આધારે ધર્મમાત્રની ઉન્નતિ થશે. એકે ધર્મનો નાશ કર્યા વગર આ બ્રાહ્મધર્મ સર્વત્ર પોતાનું સામ્રાજ્ય જમાવશે. આ શ્રદ્ધા ધારણ કરી આપણે પ્રાર્થના કરીએ કે પરમમંગલ પરમેશ્વરની કૃપાથી આવો ધર્મ હૃદયમાત્રમાં પ્રગટ થાઓ અને એનો જ વિકાસ થાઓ.

‘ઉદયોસ્તુ, વિજયોસ્તુ, પ્રભવોસ્તુ |
કલ્યાણમસ્તુ |’


  1. અમદાવાદ પ્રાથનાસમાજના મણિમહોત્સવ પ્રસંગે તા. ૧૭મી ડિસેંબરે આચાર્યશ્રી કાકાસાહેબ કાલેલકરે આપેલું વ્યાખ્યાન.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.