ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/ગણપતરામ રાજારામ ભટ્ટનું આત્મવૃત્તાંત

From Ekatra Foundation
Revision as of 02:25, 11 January 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ગણપતરામ રાજારામ ભટ્ટ

મારો જીવન વૃત્તાંત.

મારૂં જીવનવૃત નોંધ લેવા યોગ્ય, લોકોને ઉદાહરણ આપવા જેવું હેાય એમ બહુધા હું માનતો નથી. જગતમાં કોઇ પણ અધિપતિ, અધિકારી વા વિદ્વાન પડે છે ત્યારે તેને માટે જે હોહા થાય છે. લખાય છે તથા તેના ગુણનાં ગીત ગવાય છે તેને હું પાણીમાં પથરો પડ્યા જેવું લેખું છું. ખરૂં જોતાં છે પણ તેમજ; કેમકે એ બધું થોડા વખતમાં શમી જાય છે, અને પછી કોઇ તે તરફ દૃષ્ટિ કરતું નથી. એથી વખત જતાં તેનું નામ પણ વિસરાઇ જાય છે. આથી મહજ્જનોને માટે જોઇશું તો તેમનાં કામજ સતત તેમનાં નામ લોકના સ્મરણમાં રાખનારાં છે એમ મારૂં માનવું છે. મારે માટે તેવું બહુ નથી. તોપણ જો યત્‌ કિંચિત્‌ હશે તો તેથીજ હું લોકસ્મરણમાં રહીશ; છતાં આપની ઇચ્છા છે તો કાળક્રમ પ્રમાણે મારે વિષે સારમાં હું નીચે પ્રમાણે નિવેદન કરૂં છું. હું જ્ઞાતિયે રાયકવાળ બ્રાહ્મણ, કૌશિક ગોત્રી, યજુર્વેદી, માધ્યંદિની શાખાનો છું. મારો જન્મ સંવત્‌ ૧૯૦૪ વૈશાખ વદી ૬ છઠ બુધવારે અમદાવાદથી છ કોશને અંતરે આવેલા ઝાંણું ગામમાં થયો હતો. મારી માતાનું નામ મહાકોર અને પિતાનું નામ રાજારામ હતું. પિતાનું નિવાસ સ્થળ ભરૂચ જિલામાં આવેલો આમોદ કસ્બો હતું. ઝાંણું મારૂં મોસાળ હતું. મારી માતા મને ત્રણ વર્ષનો મૂકી પહેલી વીશીમાંજ પરલોક પામી હતી, પણ તે પછી તેની ખોટ પીતાએ પૂરી હતી. મારાં માતા સાથે તેમનો લગ્નસંબંધ બીજી વારનો હતો, સંતતીમાં માત્ર હુંજ હોવાથી પોતાનું તન, મન, અને ધન તે, મનેજ ગણતા; અને તેથી મારૂં લાલન પાલન કરવામાં કસર રાખતા નહોતા. જંબુસર કસ્બાના એક શેઠીઆની ગુમાસ્તી તે કરતા અને કપાસ લોઢાવવાનો ધંધો ચલાવતા. સ્વભાવે ઉગ્ર, જીવના ઉદાર અને મનના ભોળા તે હતા. જો કે બાળપણમાં તે મારા કોડ પૂરતા તો પણ મોટો થતાં જતાં મારા ઉપર ધાકનો છાપ પાડવા સોટી સંભાળતા હતા. હું ગામઠી નિશાળમાં સાત વર્ષની ઉમરે જતો થયો એવામાં મને મારા પિતા ઘેર આંક ગોખાવતા હતા. દોઢ બે વર્ષ ગામઠી શાળામાં અભ્યાસ કરાવી મને તેમણે સરકારી શાળામાં મૂક્યો. પોતે વૃદ્ધ થયેલા હોવાથી, માંદા સાજા ચાલવાથી નવ વર્ષની વયે તેમણે મારૂં લગ્ન કરી નાખ્યું. આમોદની સરકારી ગુજરાતી શાળામાં ચારેક વર્ષે અભ્યાસ કર્યા પછી રૂા. ૩)ની સ્કોલરશીપ મળવાથી હું સન ૧૮૬૨ ની સાલમાં અંગ્રેજી અભ્યાસ કરવા સુરત ગયો, અને ત્યાં ગોપીપૂરા બ્રાંચ સ્કૂલમાં દાખલ થયો, જ્યાં હેડમાસ્તર રા. સા. નવલરામ લક્ષ્મીરામ હતા. સૂરતથી દોઢેક માસમાં મે માસની રજા ૫ડતાં હું ઘેર આવ્યો. સૂરતમાં રહેવાની અનુકૂળતા તથા ખાનપાનની જોગવાઇ ઠીક ન હોવાથી હું કેદમાંથી છૂટેલા કેદી જેવો દુર્બળ થયો હતો, એથી મારા પિતાએ ફરી મને ત્યાં મોકલવાનું માંડી વાળ્યું. મારા પિતા ત્રણ મળે તેરનું જોર કરે એવા હતા. તેમના શોખી સ્વભાવથી તે “રાજારામ ભાઉ” કહેવાતા; ભાઉ સાહેબો કહેવાતા જેમ “ભરમ ભારી ખિસ્સા ખાલી” હોય છે, તેમ તેમને થયું હતું. આથી તંગી રાખવા અને દેવું વાળવા તેમણે કપાસના વ્યાપારનો સટ્ટો કર્યો, જેમાં, “લેવા ગઈ પૂત અને ખોઈ આવી ખસમ” જેવું તેમને થયું. વૃદ્ધાવસ્થામાં તેમની આ દશા થવાથી અભ્યાસમાં આગળ વધવાની આશા મેં માંડી વાળી, અને સન ૧૮૬૫ના ફેબ્રુઆરીમાં રૂા. ૧૦) ના આસિસ્ટંટ મહેતાજીની નોકરીમાં સીતપોણ ટંકારીઆ ગામની નિશાળમાં જોડાયો. ત્યાંથી પાંચેક મહિના પછી રૂા. ૭)ની સ્કોલરશીપ લેઇ હું જુલાઈ માસમાં સુરત ટ્રેનિંગ સ્કુલમાં દાખલ થયો. હવે હું પૂર્વાવલોકનમાં મારી બાલ્યા અને કિશોરવય તરફ જરા દૃષ્ટિ કરાવીશ. નાનપણથીજ હું રસીક, પ્રેમી અને વાચાળ હતો. ગામમાં માણભટ્ટ ભારતની કથા કરવા આવતા તેમની ભારત કથા ભાવથી હું એકાગ્ર ચિત્તે બહુ પ્રેમથી સાંભળતો, અને રાત્રિએ જે સાંભળ્યું હોય તે મારા સંબંધી કે પાડોશીને દિવસે વ્યાસની રીતે થોડું ઘણું ગાઈ સંભળાવતો હતો. બાળપણથીજ મને કવિતાનો છંદ હતો. ચોથી ચો૫ડી શીખતો હતો ત્યારે તે ચો૫ડીમાંની લોભીયા બ્રાહ્મણની વાત કવિતામાં સ્લેટમાં લખીને મેં મારા સોબતીને બતાવી હતી; તથા તેજ રીતે સાતમી ચોપડી શીખતો હતો ત્યારે મંગો પાર્કની વાત કવિતામાં લખી ચો૫ડીમાં રાખી હતી. સોળ વર્ષની વય પછી મિત્રો સાથનો પત્ર વહેવાર બહુધો કવિતામાં ચલવતો હતો. હું ઉદ્યોગ કે બુદ્ધિ જેનામાં દેખું તેને બહું ચહાતો. નાનપણમાં આવી ચાહનાનું પાત્ર મારા મિત્ર રા. સા. ગણપતરામ અનુપરામ જે રાજકોટ ટ્રેનિંગના પ્રિન્સિપાલ અને જુનાગઢ કેળવણી ખાતાના ઉપરી અધિકારી થયા હતા તે હતા. હું રમતો રમવાનો છંદી નહોતો, પણ તે જોવાનો બહું રસિયો હતો. ગિલ્લી દંડા, ભમરડા તથા લખોટીઓની રમત માત્ર હું જોતો, પણ રમતો નહિ; તોપણ સારા રમનારના દાવ ખેલ દેખી બહુ ખુશ થતો, મારા મોટા માસી માનબાઇનો પ્રેમ મારા ઉપર બહુ હતો. અને તેમનો પુત્ર રામચંદ્ર જે મારાથી વર્ષક મોટો હતો ને મારો બાળપણનો સાથી હતો; તે પણ કવિતાનો શોકિન હતો; બેઠી બાંધણીની કુતોહલ (કૌતૂહલ) ઉપજે એવી કવિતા તે બનાવતો, જે પાંત્રીશેક વર્ષની વયે કાળવશ થયો હતો. સૂરત ટ્રેનિંગમાં હું દશ માસ રહ્યો, જ્યાં નિબંધો રચી વાંચવાનો ધારો હેડમાસ્તર નંદશંકર તુળજાશંકરે કાઢ્યો ત્યારે તેમના માન્યા પ્રમાણેનો “સુલેહ” વિષે નિબંધ મેં લખી વાંચ્યો હતો, તેથી તેઓ પ્રસન્ન થયા હતા; વાર્ષીક પરિક્ષા વખતે ઈન્સ્પેક્ટર ટી. બી કર્ટિસ મારે મુખે કવિતાનો મુખ પાઠ સાંભળી એવા તાનમાં આવી ગયા હતા કે, પરીક્ષા વખતે બેઠેલા સભ્ય રા. સા. મોહનલાલ રણછોડદાસ આદિએ પોતાના મુખે રૂમાલ ધર્યા હતા. એ સમયનાં અભ્યાસનાં ધેારણ હમણાના જેટલાં ઉંચા નહોતાં. એવી ઉઘડેલી નિશાળોમાં–મહેતાજીઓની તાણ ઘણી હતી, તેથી પ્રાથમિક શાળાઓને યોગ્ય શિક્ષક તૈયાર કરી નોકરી આપતાં હતા. આ કારણથી જોઇએ તેવી ઉંચી કેળવણીનો લાભ મને મળ્યો નહિ. મહેતાજીની નોકરીમાં હું તા. ૧ લી જુન સન ૧૮૬૬માં જોડાયો. આમોદ તાલુકાના ઈખર ગામમાં રૂા. ૧૫)ના પગારમાં મહેતાજી થયો, ત્યાંથી વર્ષ દિવસમાં એજ તાલુકાના સરભોણ ગામમાં મારા વતન પાસે રૂ. ૧૮) માં બદલી થઈ, અને ત્યાંથી સન ૧૮૬૮ના નવેંબરમાં રૂ. ૧૫) માં દહેજ બંદર બદલી થઇ. પગારની વધઘટનું કારણ ઉપરીની કદરદાની અને શાળાની સ્થિતિને અવલંબી રહ્યું હતું. આ વિષે વિવેચનની અત્ર જરૂર નથી. મુખ્ય ડેપ્યુટી રા. સા. મોહનલાલ રણછોડદાસે ઉન્નતિમાં આણ્યો, અને તેમના પછીના આસિસ્ટંટ ડેપ્યુટી પ્રાગજી વલ્લભભાઇએ અવનતિમાં તાણ્યો. દહેજ ગામ મારા વતનથી દૂર દરિયા પાસે એકાંતમાં હતું, ત્યાં જવાથી હું અશાંત થયો હતો, અને મારૂં મન શોક નિમગ્ન મારી દૈવ્ય સ્થિતિને લીધે હતું. એવામાં એ વર્ષના ડીસેમ્બર માસમાં ભરૂચમાં સંગ્રહસ્થાન ઉઘડવાનું હતું, તે જોવા હું ત્યાં ગયો હતો, તેવામાં દુર્દૈવે જાંગે ગુમડું થઈ આવવાથી સંગ્રહસ્થાન જોવાનો જોગ આવ્યો નહોતો, તોપણ બહારની બધી રચના જોઈ હતી. સંગ્રહસ્થાન વિષે ત્રીશ પુષ્ટ “બુદ્ધિપ્રકાશ” નાં ભરાય એેવો નિબંધ રચનારને રૂા. ૫૦)નું ઇનામ આપવાની જાહેર ખબર એ વખતે એજ્યુકેશનલ ઇન્સન્સ્પેક્ટર કર્ટિસ સાહેબે બહાર પાડી હતી. દહેજ આવ્યા પછી તે નિબંધ મેં આઠ દિવસમાં રચી મોકલ્યો હતો, પણ તેનું ફળ મને પ્રાપ્ત થયું નહોતું. દહેજમાં ભરૂચનાં કલેક્ટર સાહેબનો મુકામ આવેલો ત્યારે એ નિબંધ તેમના કચેરી મંડળ આગળ વાંચવાનો જોગ આવવાથી મેં તેમાંની કવિતાઓ સંભળાવી જેથી શ્રોતા મંડળ ખુશ થયું હતું, પણ મને એ નિબંધનું ફળ નહિ મળેલું જાણી જ્ઞાતા પુરૂષો આશ્ચર્ય પામ્યા હતા, પણ એમાં આશ્ચર્ય જેવું હતું નહિ, કેમકે નિબંધ સંગ્રહસ્થાનને લગતી હકિકત, તેનો પૂર્વાપરનો ઇતિહાસ જાણવાનો હેતુનો માગ્યો હશે અને મેં તો જે જોએલું તે ગદ્ય-પદ્યમાં લખ્યું હતું. વીશ વર્ષની ઉમર સુધીમાં એટલે કાચી વયમાં હું ઈખર સરભોણમાં મહેતાજી તરીકે રહેલો ત્યાં આસિસ્ટંસ્ટોમાં મારૂં વજન પડેલું તથા ગામ લોકના મનમાં મારી સારી છાપ પડેલી મેં જોઇ હતી. વયોવૃદ્ધ ડાહ્યા પુરૂષો મારા કવિતા આદિના વાંચનથી ચહાતા અને માન આપતા હતા, તથા જુવાનિયા મારા ઉપર સારો સ્નેહ રાખતા હતા. દહેજ ગામમાં આવ્યા પછી પણ તેવુંજ જોવાયું, અને ત્યાં વિશેષ રહેવું થવાથી ગામના લોકોનો તથા ગામના ઠાકોરનો બહુ સ્નેહ થયો હતો. જો કે ટ્રેનીંગ સ્કુલમાં મને ઉંચી કેળવણી મળી નહોતી, તોપણ નોકરી મળ્યા પછી અભ્યાસી જેવી જીંદગી ગુજારી હું મારા જ્ઞાનમાં વૃદ્ધિ કરતો રહ્યો હતો. જેમાં સંસ્કૃત તથા અંગ્રેજીનો અભ્યાસ કરતો, કવીશ્વર દલપતરામની “બુદ્ધિપ્રકાશ” માં આવતી કવિતા મોટી મીઠાસથી વાંચતો, તથા પ્રેમાનંદ શામળ આદિ પ્રાચિન કવિવરોનાં કાવ્ય અને બીજા સારા લેખકોનાં ગદ્યપદ્ય પણ વાંચતો હતો. દહેજમાં મારૂં મન ઉદ્વિગ્ન રહેતું હતું. માથે પિતાનું ઋણ, ૫હેલી વીશીમાં સંસારની જાળમાં ગુંથાવું, જેમાં બે પુત્રની પ્રજા થઇ હતી, તથા કમાણીનો માર્ગ બહુ સાકડો હતો, એથી દુસ્તર સંસાર શી રીતે તરાશે એ વિષેના વિચારની હારમાળા ઊગ્રતાનું કારણ હતી. મનની આવી સ્થિતિ ચાલતી હતી તેવામાં દહેજમાં પૂર્વાપર નહિ અનુભવેલો એવો ભીષ્મ (ભયંકર) ગ્રીષ્મકાળ કાળજું ઉથલપાથલ કરે એવો પ્રથમજ સંવત ૧૯૨૫ માં જોવામાં આવ્યો, જેથી મારી અંતર લાગણી ભારેલા અગ્નિ પેઠે, કાળના વહેવાથી શાંત પડી હતી. તે એ સમયના દહેજ બારામાં વાતા ભયંકર વાયુથી ભડકો થઈ ઉઠી, તેથી મેં મારો જન્મ વૃતાંત જન્મથી તે એ સમય સુધીનો કવિતામાં લખ્યો ને તેનું નામ “દેણ દુઃખ દર્શક” આપ્યું. વળી એ વખતમાં ઇખર, સરભોણ તથા દેહજમાં રહી જે કઈ પ્રાસ્તાવિક ગદ્યપદ્ય લખ્યું હતું તે ભેગું કરી “પ્રથગ વિષય” નામનું પુસ્તક લખ્યું. આ પ્રમાણે મેં અત્યાર સુધીમાં ભરૂચ સંગ્રહસ્થાન, દેણ દુઃખદર્શક તથા પ્રથગ એ ત્રણ પુસ્તક લખ્યાં હતાં. ઉપર જણાવેલા મારા ત્રણ લેખ કવિતાના કાચા ફાળ જેવા હતા. દેહજમાં આવે તેર માસ વીત્યા પછી મારે એક વિદ્યાનુરાગી મિત્ર સાથે મૈત્રી થઈ. તે મિત્ર અમલેશ્વરના મહેતાજી બહુધા મારી વયના હતા. તેમનો તા. ૧૫મી સપ્ટેંબર સન ૧૮૬૯નો પત્ર મારા ઉપર આવ્યો. તે પોતાને અનુરૂપ મિત્ર મેળવવા બહુ ઉત્સુક હતા. તેમણે પોતાનો અભિલાષ પાર પાડવા કેટલાક મહેતાજીઓને પત્ર લખી જોયા હતા, જેમાં તેમના મનની તૃપ્તિ મારાથી થઇ હતી, અને તેથી મારો તેમનો પત્રવ્યવહાર ગદ્યપદ્યમાં ચોપાનિયા રૂપે ચાર વર્ષ ચાલ્યો હતો. આ મિત્ર તે કવિ છોટાલાલ નરભેરામ હાલ વડોદરા નિવાસી, ગુજરાતી પ્રાચીન કાવ્યોના ટીકાકાર અને વિવેચક તથા વાગ્‌ભટાદિ સંસ્કૃત પુસ્તકોના ભાષાંતર કર્તા, ગુજરાતીમાં ‘રસશાસ્ત્ર’ અને ‘શાંતિસુધા’ કાવ્યના રચનાર હતા. એ મિત્રના પત્રવ્યવહારથી મારી કાવ્યશક્તિ ખીલતી જતી હતી અને સંસ્કૃત આદિ જ્ઞાનમાં વૃદ્ધિ થતી હતી. મારી કવિતાને ખીલી ઉઠવાનું, નવો રસાલ કાલ આવવાનું “ચાવડો ચરિત્ર” કાવ્યના રસાનુભવથી થયું હતું. ઘણું કરી હું સરભોણ હતો ત્યારે “બુદ્ધિ પ્રકાશ”માં કવિ હરજીવન કુબેરજી જે હમણા રૂષિરાજ નામથી પ્રસિદ્ધ છે, તેમના ચાવડા ચરિત્ર કાવ્યની પહોંચ મારા વાંચવામાં આવી હતી; જેમાંની બે કવિતા વાંચી તે પુસ્તક આખું વાંચવાને હું બહુ ઉત્સુક થયેા હતો, પણ તે વખતે એ પુસ્તક મળ્યું નહોતું. દહેજ આવ્યા પછી લખી ગામની નિશાળમાંથી તે મળી આવ્યું; જે ગામના સભ્ય લોકને સંભળાવી મેં એવા પ્રસન્ન કર્યા હતા કે, જેમણે મારાથી સાંભળ્યું હશે તે જીવતાં સુધી મને સ્મરણમાં રાખ્યા વિના રહેશે નહિ. ચાવડા ચરિત્રે ગામ લોકનો ચાહ મારા ઉપર ઘણોજ વધાર્યો હતો, એ વિષે સારમાં લખતાં પણ લંબાણ થાય માટે કશું લખતો નથી. ચાવડાચરિત્ર કાવ્ય મારી કવિતાની છાપને સ્વાતિજળ જેવું, કાવ્ય વાટિકાને મઘાની વૃષ્ટિ જેવું તથા નવોઢાને રસિક રમણ મળ્યા જેવું થઇ પડ્યું. હું ખરૂં કહું છું કે, એ કાવ્યે કરી મારી કવિતાવેલી ખીલી. એ સમયથી તેનું રૂપ બદલાયું અને ગજરેલ સરાણે ચઢાવ્યા જેવો ચમત્કાર એ પછી અનુભવાયો. ચાવડા ચરિત્રની ચૂટકી લાગ્યા પછી સંવત ૧૯૨૭માં મેં શ્રાવક લોકના ભોજકને મુખે સાંભળેલા લીલાવતીના રાસ ઉપરથી છંદોબદ્ધ “લીલાવતા કથા” રચી, જે મારા ગ્રંથોમાં જનપ્રિય ગણાઈ છે, એ કથામાંના “આત્મજ્ઞાનોપ્રદેશ” પરથી થતી મારી પરિક્ષા જોવા તે વૃદ્ધ ડોશીઓને સંભળાવ્યો હતો, જે સાંભળી તેમનાંમાં મારે વિષે ગુરૂ જેવી ભાવના સ્ફુરેલી મેં જોઈ હતી. લીલાવતી કથાને પ્રસિદ્ધિમાં લાવવા, એ દ્વારે મારૂં દારિદ્ર્ય દૂર કરવા મેં મનમાં ઘણાં ઘણાં હવાઈ કિલ્લા ચણ્યા, પ્રયત્ન કરી જોયા પણ કશું વળ્યું નહિ. વય, વસિલો અને વિખ્યાતી નહિ એવાનું નજ વળે એ સિદ્ધાંત પાકો કરી મેં એ વિષે પાંપળાં કરવાં પડ્યાં મૂક્યાં–એવામાં ૧૮૭૧ ના જુલાઇ માસમાં ભરૂચ જિલ્લા ખાતે રા. સા. ગોપાળજી ગુલાબભાઇ દેશાઈ સબ ડેપ્યુટી થઈ આવ્યા. પાછળથી તેઓ ડેપ્યુટી થયા હતા. તેમણે આવતાં વારને પોતાના રોપનો કોરડો મહેતાજીઓ ઉપર મોટી ચોંપથી ચલાવવા માંડ્યો. મારે ને તેમને એક વાતમાં મતભેદ પડવાથી બન્નેની તકરાર ઈન્સ્પેક્ટર સુધી ગઈ. મેં સત્ય વાત અર્જી દ્વારા ઇન્સ્પેક્ટર સાહેબને જણાવવા ઉપરીના ભયથી ન ડરતાં મનનું સાચ્ચું સ્વાતંત્ર્ય દર્શાવ્યું, તેમ તેમણે પોતાના સામે માથું ઉંચકનારને નોકરીથી દૂર કરી પોતાના કામનો માર્ગ મોકળો કરવા ડૉક્ટર જી. બુલર, એજ્યુકેશનલ ઇન્સ્પેકટરને વિનંતી કીધી; જેમાં બન્નેને શાંત પડવાનો ન્યાય મળ્યો હતો. આ તોફાની ગડગડાટ એક બીજાને જાણ્યા પ્રીછ્યા પહેલાંજ થયો હતો અને તેથીજ “પાણીમાં રહેવું અને મગર સાથે રોશણાં” જેવું જોઈ તેમના તાબામાંથી છુટવા મેં વિચાર્યું હતું. પણ પછી મારૂં તેમને મળવું થતા અન્યોન્યે એક બીજાને એાળખી લીધા હતા. તોપણ મારી નિશાળની પરિક્ષા તેમને હાથે ઠીક ન ઉતરવાથી મારો પગાર રૂ. ૨૦) થયો હતો, તે પરિક્ષા પછી રૂા. ૧૫) થયો. વખત જતાં મારી શુદ્ધ વૃત્તિ અને નિર્દોષ સ્વતંત્ર સ્વભાવ જોઇ મારી સાથે તેમનો સ્વાભાવિક સ્નેહ થયો, ત્યારે મેં મારી “લીલાવતી કથા” તેમને બતાવી તે ઉત્તેજન મળવા શું કરવું તે વિષે પૂછ્યું : તેમણે એ કથા અવકાશે અવલોકિ ઇન્સ્પેક્ટર સાહેબ તરફ મોકલી ઉત્તેજન મળવા અરજી કરવા પત્રદ્વારે જણાવ્યું, પણ તેમ કરી જોવાનો પરિણામ નિષ્ફળતામાંજ આવ્યો; એ પછી સન ૧૮૭૫માં પરિક્ષા માટે તેમનું દહેજ આવવું થયું ત્યારે મેં તેમને પૂછ્યું કે, હવે હું શો વિષય લખું કે સરકારમાંથી ઉત્તેજન મળે? તેમણે વિચારી ઉત્તર આપ્યો કે, કેળવણી ખાતા સંબંધમાં કવિતારૂપ ઇતિહાસ લખો એમાં બુક કમીટીને વાંધો કાઢવા જેવું કશું નહિ આવે. વળી એ વિષય નવોજ ગણાઈ એને કેળવણીખાતા તરફથી ઉત્તેજન મળશે. મેં આ સૂચના સાંભળી કહ્યું કે, એ વિષય કવિતામાં મારાથી લખી નહિ શકાય. વિષય કવિતા ગ્રહણ કરે એેવો જોઇએ. એ વિષયમાં કવિતા રસયુક્ત રચાય નહિ. અને જેમાં રસ ન આવે તે કવિતા કહેવાય નહિ. આ પ્રમાણે સમજાવી મેં કહ્યું. તોપણ યત્ન કરી જોવા મને તેમણે આગ્રહ કર્યો હતો, તથા એક બે વાર મળવું થતાં તે વિષે ટોકણી કરી હતી; એથી થોડો વખત વીતતાં મેં એ કામનો આદર કર્યો હતો. આ સમયમાં મારા પિતા તા. ૫મી ઑગસ્ટ સન ૧૮૭૫, સંવત્‌ ૧૯૩૧ ના શ્રાવણ સુદિ ૪ ગુરૂવારે દહેજમાં દેવલોક પામ્યા. પરલોક ગમન પહેલાં પહોરવારજ તેમણે મને પોતાની પાસે બોલાવ્યો, અને ખાટલામાં બેઠા થઈ લાકડીનો ટેકો રાખી સ્થિર રહી પ્રસન્ન મુખમુદ્રા કરી બોલ્યા કે— “ગણપત! આજ હું બહુ પ્રસન્ન છું! તારા ઉપર બહુ પ્રસન્ન છું!! તેં મારે માટે બહુ કર્યું છે. બા૫ માટે તારા જેવું કરનાર થોડાંજ હશે. આજ તને આશિષ આપું છું કે, તારૂં કોટિ કલ્યાણ થજો!” ઈત્યાદિ. આમ છેલ્લો આશિર્વાદ આપ્યા પછી રાતના સાડા સાત વાગે તેઓ નિર્વાણ પામ્યા હતા.

સન ૧૮૭૬ના ડિસેંબર આખરે દહેજથી મારી બદલી ભરૂચમાં નં. ૩ ની નિશાળમાં થઈ. ભરૂચમાં પ્રસિદ્ધિમાં આવવાનો મને પ્રથમ પ્રસંગ મળ્યો. એ યોગ એવી રીતે આવ્યો કે, એ શહેરમાં નાના પાયા ઉપર પ્રાર્થના સમાજ ચાલતો હતો, તેના પ્રમુખ રા. રા. સુરજરામભાઈ ભાર્ગવ બ્રાહ્મણ, જે એ શહેરમાં રેજીસ્ટ્રાર હતા તેમને મેં તા. ૨૮ મી જુલાઇ સન ૧૮૭૭ શનિવારે ચીઠી લખી જણાવ્યું કે–રવિવાર આપને ત્યાંનું પ્રાર્થનાદિનું કામ પત્યા પછી મને કંઇક બોલવા અવકાશ આપશો કે શી રીતે? મને ઉત્તર મળ્યો કે–ઘણી ખુશી સાથે આપને પહેલી જોગવાઇ આપીશું, તા. ૨૯ મી રવિવારે સાયંકાળે હું સમાજમાં ગયો, ત્યાં ક્રમ પ્રમાણે સમાજનું કામ ચાલવા દેવાનું કહી પછી મેં બોલવાનું રાખ્યું. એ વર્ષમાં અષાડ માસ વીત્યા સુધીમાં વર્ષાદ નહિ થયેલો તેથી મેં તે સંબંધમાં ઈશ્વર પ્રાર્થનાની કવિતા રચી હતી. એ સમયે તે સંભળાવતાં સમાજ બહુજ પ્રસન્ન થયો અને મારાપર પ્રેમ દર્શાવ્યો. પ્રમુખે પછી વર્ષાદ સંબંધમાં ઈશ્વર પ્રાર્થના કરવા મોટો જનસમાજ તા. ૧૯મી ઓગસ્ટ સંવત્‌ ૧૯૩૩ શ્રાવણ સુદિ ૧૧ રવિવારે મેળવવા ગોઠવાણ કરી, તે મેળામાં વાંચવા નવી પ્રાર્થના રચી લાવવા ચીઠ્ઠી લખી મને વિનતિ કીધી હતી. શ્રાવણ સુદિ ૧૧ રવિવારે શહેરના નામાંકિત નરો, સંભાવિત ગ્રહસ્થો તથા બીજાઓનો મોટો મેળો મળ્યો હતો, જેમાં પ્રાર્થના સમાજના મેંબરો તથા અન્યજનો પણ હતા. અનેક ઉત્સાહીઓ ગદ્ય પદ્યમાં પ્રાર્થના રચી લાવ્યા હતા, અને સભાનું પ્રમુખસ્થાન રા. બા. ચુનીલાલ વેણીલાલ ડેપ્યુટી કલેક્ટરે દીપાવ્યું હતું. એ સમયે ઈશ્વર પ્રાર્થનાનું લાંબું ભાષણ પ્રમુખના સુપુત્ર મોતીલાલ ચુનીલાલ હાલ જેઓ ભરૂચ મ્યુનિસીપાલીટીના પ્રેસિડેન્ટ અને તે સમયે ટ્રેઝરી ઓફીસના હેડ એકાઉન્ટેટ હતા તેમનું હતું; કવિ દલપતરામ દુર્લભરામે, પ્રાર્થનાની કવિતા સુકંઠે ગાઈ સંભળાવી હતી તથા બીજાઓએ પણ સમયાનુસાર ભાષણ કર્યાં હતાં. સર્વ બોલી રહ્યા પછી પ્રમુખને અપરિચિત એવો, તે વખતમાં ચોથિયા તાવથી તવાયલો હું બોલવા ઉભો થયો. મારી કવિતારૂપ પ્રાર્થના સાંભળી શ્રોતાઓ બહુ પ્રસન્ન થયા; જેમાં સભાધ્યક્ષ ઉપર તેની ઘણી અસર થઈ. આથી તેમણે મારી પાસે બેઠેલા પોતાના શિરસ્તેદાર રા. રા. હરિનારાયણ બાપુરામ જે મારા જ્ઞાતિબંધુ અને સંબંધી હતા, તેમને મારે વિષે પૂછ્યું; જેમણે તે વિષે ખુલાસો કરતાં ઉભા થઇ ખુલ્લા અંતઃકરણથી ભાષણ કરતાં તેઓ બોલ્યો કે–“અહિં બહુ પ્રાર્થનાઓ બોલાઈ પણ પ્રભુ જે સાંભળી પ્રકટ થાય અને તેમના અંતરમાં ઉતરે એવી પ્રાર્થના મહેતાજી ગણપતરામની છે, આપણ ચર્મચક્ષુથી ઈશ્વરને જોઈ શકાતા નથી, પણ આ ગણપતરામની પ્રાર્થના સાંભળવા પ્રભુ અત્રે પધારેલા હોવા જોઇએ, અને તેથી આપણે ખુરશીઓ અને બાંક ઉપર બેસી એ પ્રાર્થના સાંભળી એ અઘટિત કીધું છે. ખરી રીતે તો એ છે કે એ પ્રાર્થના આપણે સર્વેએ ઉભા રહી હાથ જોડી સાથે ઉચ્ચારવી જોઇએ, છાપેલી તેની પ્રતો આપણી પાસે નથી તેથી તેમ થઇ શકતું નથી. એ દિલગીર થવા જેવું છે; તોપણ આપણી ભુલ સુધારવા હવે બેઠકો ઉપરથી હેઠે બેસી જઇ ગણપતરામને આપણી વચ્ચે બેસાડી હાથ જોડી પ્રભુનું ધ્યાન ધરી જાણે આપણેજ પ્રાર્થના કરતા હોઈએ તેમ એ પ્રાર્થના ફરી વંચાવવી.” આ પ્રમાણે અધ્યક્ષના કહેવા પછી તેમ કરવામાં આવ્યું હતું; એવામાં કોઇએ તેમને કહ્યું કે, ગઇ વખતની પ્રાર્થના આ કરતાં ઉતરે એવી ન હતી. આ ઉપરથી તે પ્રાર્થના પણ ફરી વંચાવી હતી. સભાધ્યક્ષ રા. બા. ચુનીલાલે એ પછી મારી પ્રાર્થનાની નકલ કરી તેમને આપવા ઇચ્છા જણાવી. દર રવિવારે અવકાશે પોતાને ત્યાં આવવા મને મીઠા બોલોમાં કહ્યું હતું. ત્રીજી પ્રાર્થના રચાતી હતી એવામાં વર્ષાદે લીલાલહેર કરવાથી તે પ્રાર્થના, ઈશ્વરનો ગુણાનુવાદ તથા તેનો ઉપકાર કૃષ્ણાષ્ટમીની સભામાં વાંચ્યો હતો. સંવત્‌ ૧૯૩૪ આષાઢ સુદિ ૧૧ના દિવસે એ વર્ષમાં સવેળા દાદ સાંભળી ૫ર્જન્યપ્રેર્યા સંબંધમાં ઉપકાર સ્તવન ગાયું હતું. કોઈ પણ સભા પ્રસંગે હું બોલવાનો છું એમ જાણતા તો ત્યાં રા. બા. ચુનીલાલ અવશ્ય પોતાની હાજરી આપતા હતા. વર્ષાદ સંબંધની ઇશ્વર પ્રાર્થનાની એક નાની ચો૫ડી તે વખતની લખેલી મારા લેખોમાં ગણવા જેવી છે. સન ૧૮૭૭ ના અક્ટોબરમાં રા. સા. ગોપાળજી ડે એ. ઈ. ની બદલી ખેડા જીલ્લામાં થવાથી તે ત્યાં જવાના હતા, તેવામાં ભરૂચ જીલ્લાના ઘણાખરા મહેતાજીઓ મળવા–ભેટવા ભરૂચ આવ્યા હતા. એવામાં તે તેમના મકાનમાં મહેતાજીઓનું થોડું મંડળ બેઠું હતું તે વખતે રા. સા. ગોપાળજીએ સુચવેલો કેળવણીનો કવિતારૂપ ઇતિહાસ જેને મેં “ભરૂચ જીલ્લાનો કેળવણી ખાતાનો ઇતિહાસ” એવું નામ આપ્યું હતું તેમાંનો અમુક થોડો ભાગ વાંચી સંભળાવ્યો. જેની અસર રા. સા. ગોપાળજી ઉપર એવી થઇ કે, તેથી તેમને હર્ષાશ્રુ આવ્યા અને તેથી તેઓ ગદગદ સ્વરે બોલ્યા કે—“ગણપતરામ! હું ગરીબ છું; જો રાજા હોત તો તમારી કવિતા એવી છે કે, એક ગામ આપત! તોપણ મારી ગુંજાસ પ્રમાણે હું તમને રૂા. ૨૦૦) આપીશ તે સ્વીકારજો.” આ વખતે ભરૂચના તાલુકા માસ્તર મગનલાલ હરિભાઈ ત્યાં હતા તેમણે કહ્યું કે, “અમો સર્વ મહેતાજીઓ એ પુસ્તકના ગ્રાહક થઈ ઉત્તેજન આપીશું માટે આપે એમ કરવાની જરૂર નથી.” આ પછી તા. ૧૫ અક્ટોબરને દિવસે ભરૂચની મુખ્ય નિશાળમાં મહેતાજીઓ તથા શહેરના સંભાવિત ગ્રહસ્થોની સભા ભરવામાં આવી, જેમાં અંગ્રેજી સ્કુલના માસ્તરો આદિ પણ હતા. પ્રમુખપદ એ સભામાં રા. બા. ચુનીલાલ વેણીલાલને આપવામાં આવ્યું હતું; જે વખતે મેં પ્રાચીન કેળવણી સંબંધની કવિતાઓ ગાઈ સંભળાવી હતી; જે સાંભળી અંગ્રેજી સ્કુલના સ્વદેશાનુરાગી, દેશાભિમાની માસ્તરો ભારતવર્ષની પૂર્વ કેળવણીનો વૃત્તાંત સાંભળી મોટી હર્ષ ગર્જના કરી ઉઠ્યા હતા. સભાધ્યક્ષ તુષ્ટિદાનમાં મને બંધાવવાની પાઘડી હાથમાં લઈ એ વખતે બોલ્યા હતા કે,–“તમારા ગુણના પ્રમાણમાં આ વસ્તુ નહિ જેવી છે; તોપણ ફુલ નહિ, ફુલની પાંખડી ગણી કબુલ રાખશો.” એ પછી મેળાવડો વિસર્જન થયો હતો. સન ૧૮૭૭ના આક્ટોબર માસની આખરમાં રા. સા. ગોપાળજીભાઈનું ખેડા જીલ્લા ખાતે જવું થયું અને મને મારા ગ્રંથ સંબંધમાં રૂ. ૨૦૦) ઉત્તેજન મળ્યું. એથી “ભરૂચ જીલ્લાનો કેળવણી ખાતાનો ઇતિહાસ” છપાઈ પ્રસિદ્ધ થયો. સમય આવેજ ફળ પાકે છે, તેમ એ સમય પછી “લીલાવતી કથા” માટે પણ થયું. રા. બા. ચુનીલાલ વેણીલાલને તેમના પરિચયમાં આવ્યા પછી એ કથા મેં જોવા આપી હતી; તેમણે તે પ્રસિદ્ધ રીતે વંચાવવા સભા ભરી એજ વર્ષના નવેંબરમાં મારી લીલાવતી કથાને પ્રસિદ્ધિમાં આણવા ઉત્સાહ દર્શાવ્યો, જેનું પરિણામ બહુ સારૂં આવ્યું. ભરૂચમાંથી એ કથાને સારૂ અનુમોદન મળ્યું, તેમજ મુંબઈને નામાંકિત નરો રા. બા. ચુનીલાલભાઈના મિત્રો, ડીસેંબરમાં નાતાલ ટાંકણે ભરૂચ આવ્યા હતા તેમના તરફથી પણ સારૂં ઉત્તેજન મળ્યું. કચ્છના દિવાન રા. બા. મણિભાઇ જશભાઇને વિનંતીપત્ર લખવાથી ત્યાંથી પણ જોઈએ તેવું ઉત્તેજન મળ્યું, તેમજ બીજેથી પણ ઠીક ગ્રાહક મળી આવ્યા; આથી એ ગ્રંથ છપાવવાને જોગવાઇ મારાથી થઈ શકી. આ પ્રમાણે મારા કાર્યનો ઉદયકાળ થતાં હું સન ૧૮૭૭માં ભરૂચ જીલ્લાનો કેળવણી ખાતાનો ઇતિહાસ અને સન ૧૮૭૮ માં લીલાવતી કથા પ્રસિદ્ધ કરી શકી કંઈક પ્રસિદ્ધિમાં આવી શક્યો, તથા અનેક સુજ્ઞ જનોના હૃદયમાં પ્રેમથી વસી શક્યો. નામાંકિત નરમણી દિવાન બહાદુર મણીભાઈ જશભાઈના અંતરમાં પણ અપરિચિત લાંબે અંતરે છતાં એ વખતથીજ વસ્યો, સમય જતા ઘણોજ ઠસ્યો, એવો કે તેમના અવસાન સુધી ખસ્યો નહિ. તેમના છેલ્લા મંદવાડ સમયે સંવત ૧૯૫૬ના ફાગણ માસમાં હું તેમને જોવા પેટલાદ ગયો હતો ત્યાં બે દિવસ રહી તેમની આજ્ઞા લેવા હું તેમની પાસે ગયો ત્યારે તે પોતાની પાસે બેઠેલા સ્વજ્ઞાતિ નાગર મંડળ પ્રત્યે બોલ્યા હતા કે— “જીવતાને કોઈ જાણતું નથી, પણ મુઆ પછી તેના ગુણ ગવાય છે. આ કવિ છે, હમણાં એ બહુની જાણમાં નથી, પણ પાછળથી ગુજરાતમાં એ બીજા પ્રેમાનંદ કહેવાશે!” મારી ગ્રંથ કૃતિઓથી મારી ગણના તેમને વખતના વહેવા સાથે એ પ્રમાણે થઈ હતી. ભરૂચમાં લીલાવતી કથા સભામાં સંભળાવતા શ્રોતા બહુ પ્રસન્ન થયા હતા, તે સમયે રા. બા. ચુનીલાલ પોતાને ઉપજેલો આનંદ દર્શાવતા બોલ્યા હતા કે, “અમદાવાદ શહેરને માટે જેમ કવીશ્વર દલપતરામ છે, તેમ હવેથી આપણા શહેરના કવિ ગણપતરામને ગણવા.” ઉપર પ્રમાણે ભરૂચમાં મારા ઉદયનું પ્રભાત થઈ ભાગ્ય ભાનુનાં કિરણ જરા જણાતાં કષ્ટનું કાળુ વાદળ ચઢી આવ્યું; રા. સા. ગોપાળજીને ખેડા જીલ્લામાં ગયા પછી તેમના સ્વભાવની ઉગ્રતાને લીધે પોતાની ઓફીસના કારકુનો તથા કેટલાંક મહેતાજીઓ સાથે અણરાગ થયો. સાવધાનપણું થોડું, તડાક ભડાક દેશ કાળ જાણ્યા વીના બોલવું અને અંતઃકરણ ઉઘાડુ એ દોષે તેમનું અનિષ્ટ ઇચ્છનારાઓએ એમના ઉપરી ઇન્સ્પેક્ટર સાહેબના કાન ભર્યા તથા તેમના ભડભડિયા સ્વભાવનું છીદ્ર તેમના આગળ ધર્યું. આથી થયું એમ કે, એમના સંબંધમાં જે જે આવેલા તેમને માથે તવાઈ આવી; જેમાં મુખ્ય હું હતો. જો કે રા. સા. ગોપાળજીએ મારૂં કશું દળદર ફેડ્યું નહોતું, પણ આવતાવારને તેમની મારેલી પાટૂથી હું પાછો પડ્યો હતો, તોપણ મારા ગુણ જાણી પાછળથી મને તેમને ચાહ્યો હતો અને તેમની રૂડી સલાહ સ્વીકારી મેં ભરૂચ જીલ્લાનો કેળવણી ખાતાનો ઇતિહાસ કેળવણી ખાતાના વરિષ્ટ અધિકારી સાહેબ તરફથી મારી સારી કદર થવા મેં રચ્યો હતો. ઈન્સ્પેક્ટર મી. ઈ જાઇલ્સ સાહેબને ગોપાળજી સંબંધમાં વાંકું પડવાથી મારૂં ઈષ્ટ થવા મેં કીધેલો યત્ન મારૂં અનિષ્ટ કરતાં થઈ પડ્યો. જો કે મારા યત્ન સંબંધમાં વિદ્વદ્વર્ય ગુજરાતી ગ્રંથ વિવેચક રા. સા. નવલરામ લક્ષ્મીરામે ૧૮૯૮ના “ગુજરાતી શાળા પત્ર” અંક પાંચ-છ માં ભરૂચ જીલ્લાના કેળવણી ખાતાના ઇતિહાસનું વિવેચન કરતાં મારી કૃતિની પ્રશંશા કરી મારૂં ભવિષ્ય સારૂં ભાળ્યું હતું, છતાં આ વખતે તો તેથી હું રાહુની દશામાં આવી પડ્યો; મારો પાંચ વર્ષનો પુત્ર ગત થયો હતો, હું અવસાનના મંદવાડમાંથી જરા પાસુ ફેરવતો થયો હતો તેવામાં ઈન્સ્પેક્ટર સાહેબે મુકામ અમદાવાદથી ભરૂચ તા. ૧૬ ડીસેંબર સન ૧૮૭૮ના રોજ સાંજરે આવી ગોપાળજી સંબંધમાં તથા મારા ગ્રંથ સંબંધમાં મને સતાવી જોયો, પણ મેં નિડરપણે જે સત્ય હતું તેજ નિવેદન કર્યું; તા. ૨૨મી ફેબ્રુઆરી સન ૧૮૭૯ના દિવસે પણ તેમને મને પોતાની પાસે તેડી ફરી વાત છેડી પોતાને વહેમ હતો તે સંબંધમાં પૂછ્યું, પણ તેમને પથ્ય ન આવે એવું કહે મારી નોકરી જશે, કે મને પગારમાં નુકશાન થશે એ વાતનો જરા પણ ધોકો ન ધરતાં મેં સત્યજ નિવેદન કર્યું; પણ તેથી તેમનાં મનની તૃપ્તિ થઇ નહિ જેનું પરિણામ એ આવ્યું કે સન ૧૮૭૯ના મે ની આખરે મારી બદલી રૂા. ૧૫) ના પગારમાં ખેડા જીલ્લાના કરમસદ ગામમાં થઇ. ભરૂચમાં મને એ વખતે રૂા. ૨૧) પગાર હતો અને રૂા. ૨૫) થવાની વકી હતી, એવામાં અજવાળામાં આવતો આ જીવ અંધારામાં ફેંકાયો. આ સમયમાં રા. સા. ગોપાળજીના પ્રસંગીઓ પણ ઓછે પગારે અનુચિત સ્થાને જઈ પડ્યાની પીડામાં આવી પડ્યા, અને તેમને પોતાને અધુરી મુદ્દતે પેન્સન લઇ “રિટાયર્ડ” થવાની જરૂર પડી. મારે રાહુ સ્થાનમાં આવ્યા જેવું થયું, તોપણ હું નિસ્તેજ થયો નહિ, પણ થોડો સમય વીત્યા પછી પાછો અજવાળામાં આવવાનું તપ આદરી બેઠો. કેળવણી ખાતા તરફની લેણાં દેણી મેં જોઈ લીધી, એથી અભ્યુદયનો રસ્તો સરસ્વતી સેવનમાં જ જોયો. મારે બરનો માર્ગ તેજ જણાયો, અને તેથી પ્રકાશમાં આવવા “પ્રતાપ નાટક” લખવા લક્ષમાં લીધું. એ નાટક લખવાની પ્રેરણા રા. સા. ગોપાળજીએજ કીધી હતી. એ વિષે પ્રતાપ નાટકની પ્રસ્તાવનાનાં પરિચ્છેદ ચાર, પાંચ, માં જણાવ્યું છે. એટલે અત્ર તે વિષે કશું જણાવતો નથી. પ્રતાપ નાટકનો પોણો ભાગ કરમસદમાં લખી નડિયાદમાં મેં તે પૂર્ણ કર્યું હતું. સન ૧૮૮૦ માં સપ્ટેંબરમાં મારી માંગણીથી મારી બદલી સરખે પગારે નડિયાદ બ્રાંચ નં. ૩ જાની નિશાળમાં થઈ હતી પણ રાહુની દશામાં ઉણું હશે તે પૂરૂં થવા ત્યાંથી સરખેજ પગારે ખેડાની નિશાળમાં સન ૧૮૮૧ ના ઓક્ટોબર આખરે, ખરે મને પૂણ દુઃખી થવા ત્યાંના પહેલા આસિસ્ટંટની જગોએ મારી બદલી થઈ. આ બદલી મારી કોઇ પણ કસુર માટે નહિ પણ ખેડાની કન્યાશાળાના મહેતીની બદલી નડિયાદ થવાથી તેમના સ્વામીની સગવડ નડિયાદમાં કરવા માટેજ કરવામાં આવી હતી; જે મારા ભાવીમાં ઉદ્યોત કરાવનારી હતી, છતાં તેને મેં મારા અભ્યુદયમાં પૂર્ણ અંધારૂં કરનારી જાણી. મારા પુત્રો નડિયાદમાં અંગ્રેજી કેળવણી લેતાં હતાં એથી મારૂં ગૃહસુત્ર મારે ત્યાંજ રાખવું પડ્યું અને જાતેજ ખેડામાં રહેવું પ્રાપ્ત થયું; આથી અદ્યાપિ સૂધી બહુધા હાથે “રોટ મંથન” નહિ કરેલું એવો હું બહુજ અકળાયો, અને તેથી શુભેચ્છુઓની સલાહ માની પ્રતાપ નાટક દ્વારા મેં મારૂં ભાવિ જોવાનો નિશ્ચય કરી નોકરી ઉપરથી રજા લઈ દેશાટન કરવાનો આદર કર્યો. રાહુની છાયામાં રહે કોઇ પણ ગ્રહનું ગ્રહણ છૂટતું નથી. જો તે ગતિ કરી ખસે તોજ પાછો તેનો પ્રકાશ થાય છે; મેં આ વાતનું અનુકરણ કરી મારા ભાવીનો પ્રકાશ થવા પ્રતાપ નાટકના પ્રસિદ્ધિ પત્રરૂપે ખેડેથી ખશી મારૂં અદૃષ્ટ અજમાવી જોયું; જેનું પરિણામ ધાર્યા કરતાં અતિ ઉત્તમ આવ્યો. પ્રતાપ નાટકની કૃતિએ મારા ભાગ્યની ઉધી પડેલી નૌકા છતી કરી નાખી. રા. સા. મોતીલાલ ચુનીલાલ એ સમયે મહેમદાબાદમાં મામલતદાર હતા, અને ભરૂચમાંથીજ મારા શુભેચ્છક સ્નેહી થયા હતા. તેમના આગ્રહથી દીન ૬ની “કેજ્યુયલ” રજા લઈ તા. ૧૬ મી માર્ચ ૧૮૮૨ માં મેં લીંબડીના ઠાકોર સર જસવંતસીંહની ભેટ લઈ સભા ભરાવી પ્રતા૫ નાટક પ્રદર્શિત કર્યું. જ્યાં મારૂં સારૂં સન્માન થયું. એ પછી તા. ૧૩મી એપ્રિલથી માસ ૧)ની હકની રજા લઇ ભાવનગર, પાલીતાણા આદિ સ્થળે ફર્યો પણ સમયની પ્રતિકુળતાથી ધાર્યો અર્થ સર્યો નહિ. તોપણ ફેરો નિષ્ફળ ન જતાં ત્યાં સારૂં બીજારોપણ થયું. જેથી બીજી વખતના પ્રવાસમાં ઇચ્છિત કામ ભાવનગર તથા જુનાગઢ જવાથી થયું. ટૂંકી રજામાં ધાર્યું કામ કરવામાં ઠીક ન પડવાથી મેં તા. ૧૯મી ઑગસ્ટથી એક વર્ષની પગાર કપાતે રજા લીધી, અને “આટા તોલ ઠીકરી જલતી હૅ” એ સ્થિતિમાં અમદાવાદમાં ગૃહસુત્ર મુકી કમ કસી જોવા હું બહાર પડ્યો; જેનો પરિણામ એ આવ્યો કે. પ્રતાપ નાટકે મારા અભ્યુદય ઉપર આવેલું કાળું વાદળ ખસેડી નાખ્યું : અને ઋણ મુક્ત કર્યો; દારિદ્ર્યને મારા ઘરમાંથી હાંકી કાઢ્યું. પ્રતિષ્ઠા સાથે પૈસાની પ્રાપ્તિ કરાવી; સ્વપ્ને પણ જેમનો સમાગમ દુર્લભ એવાં નામાંકિત નરો નરવરો સાથે સ્નેહ જોડાવ્યો તથા મારી પ્રખ્યાતિ ગુજરાત, કાઠીયાવાડ, કચ્છ, મુંબઈ ઉદયપુર, અને કાશી સુધી પ્રસારી. આજ સુધી એ નાટકની ચાર આવૃતિ પ્રસિદ્ધ થઈ ચૂકી છે. પ્રતાપ નાટક સંબંધના પ્રત્યેક પ્રસંગની વિગત જણાવતાં એક નિબંધ રચવા જેવું થાય, જેમાં મારી આત્મશ્લાધાનો દોષ આવી જાય એવા ભયથી તે વિષે કશું લખવા હું નથી ઈચ્છતો, તોપણ ઈચ્છવા યોગ્ય નૃપતિ અને નામાંકિત નરોના પ્રસંગમાં આવતા મેં જે સાંભળેલું જોએલું તે દેખાવ લાંબો કાળ વિત્યા છતાં મારી નજરે તરે છે તેમાંનું કંઈક જણાવું છું; સન ૧૮૮૨ ના સપ્ટેંબરની તારીખ ૨૩ મીએ ભરૂચમાં પ્રતા૫ નાટકનું વ્યાખ્યાન મેં આપ્યું ત્યારે સભાના પ્રમુખ રા. બા. ચુનીલાલ વેણીલાલ બોલ્યા હતા કે–“આજે કવિ ગણપતરામે આપણને તૃપ્ત ન થઈએ એવું તેમની વાણીનું અમૃત ચખાડ્યું, પણ તેમની વાણીના પ્રમાણમાં તેમનું શરીર બળવાન નથી, માટે ઈશ્વર તેમને એવા બળવાન બનાવો કે આપણે તેમની વાણીનો પૂર્ણ સ્વાદ અનુભવીએ.” મુંબઇમાં તા. ૬ઠી અક્ટોબરે શેઠ લક્ષ્મીદાસ ખીમજીને હું મળ્યો, અને તેમનાં મિત્રમંડળ સમક્ષ તેમના મકાનમાં ચારેક દિવસ રાત્રિએ અવકાશે એ નાટક સંભળાવ્યું તેથી એ એટલા પ્રસન્ન થયા કે, તેમણે ઉદયપુરના મહારાણા દીવાળી ઉપર મુંબઇ ૫ધારવાના છે માટે ત્યાં સુધી મને થોબવા કહી અંતર ઉર્મી દાખી પ્રતા૫ નાટકના બદલામાં મહારાણાશ્રી પાસેથી એક ગામ અપાવવા પોતાનો ઉદ્‌ગાર કાઢ્યો હતો. મહારાણા મુંબઈ આવી ન શકવાથી તા. ૨૨મી અક્ટોબરે શેઠ લક્ષ્મીદાસે ભાટીઆ મહાજન વાડીમાં સભા મેળવી પ્રતાપ નાટકનું વ્યાખ્યાન અપાવી મને ઘણા સજ્જન સમાગમનો લાભ આપી સારૂં ઉત્તેજન મળે તેમ કર્યું હતું. આ સમયમાં સર મંગળદાસ નથ્થુભાઈએ પોતાના વાલકેશ્વર ઉપરના બંગલામાં મને રાત રાખી મારૂં નાટક સાંભળી પ્રસન્ન થઈ સારૂં ઉત્તેજન આપ્યું હતું. શેઠ લક્ષ્મીદાસે એ સમયમાં ઉદયપુરના મહારાણાશ્રી સજનસિંહજી ઉપરનો પત્ર લખી આપી આગ્રહ કરી ઉદયપુર એ પછી મને મોકલ્યો હતો, ત્યાં મને સારૂં ઉત્તેજન મળ્યું હતું, પણ શેઠ લક્ષ્મીદાસને તેથી જોઇએ તેવી તૃપ્તી થઇ નહોતી. સન ૧૮૯૬ એપ્રીલમાં જે સમયે મેં લઘુભારત ભાગ ૧લો રચ્યો હતો તેવામાં ઈડરના ન્યાયાધીશ નડિયાદ નિવાસી કવિ મહાશંકર પીતાંબર, જે મારા મિત્ર હતા તેમના આગ્રહથી હું ઈડર ગયો હતો, તે સમયે ત્યાંના મહારાજા સર કેશરીસિંહજીના મેળાપમાં કાવ્ય વિનોદ કરતાં તે નામદાર ઉચ્ચર્યા હતા કે, “ગ્રંથ કર્તા કોઈ અને નામ હોય બીજાનું હાલ એમ જોવાય છે. મેં પ્રતાપ નાટક પાંચ વાર વાંચ્યું છે અને તેના કર્તા તમેજ છો એવી મારી ખાત્રી થઈ છે.”—ઈત્યાદિ. મહારાજાશ્રીએ મને રૂ. ૧૦૦) રોકડાનો શીરપાવ કર્યો હતો. પ્રતા૫ નાટક સંબંધના કાર્યથી પરવારી રહેવા આવતાં મેં સન ૧૮૮૩ ના નવેંમ્બરમાં ગુ. વ. સોસાયટીની જાહેર ખબર ઉપરથી કચ્છ દરબાર તરફથી રૂા. ૩૦૦) ના ઇનામનો–“આરોગ્યતા અને સ્વચ્છતા” નો નિબંધ નવ માસમાં લખી મોકલવાનો છતાં મુદત પાસે આવેલી તેથી દોઢ માસમાં લખી મોકલ્યો; જેની “ફેર કોપી” કરવાનો સમય મળ્યો નહોતો. હરિફાઇના ત્રણ નિબંધ ગએલામાં મારો પાસ થવાની પૂર્ણ આશામાં હું હતો, પણ તેમાં વેવિશાળિઓ વર થવા જેવો જોગ બનવાથી હું નિષ્ફળ થયો હતો; પણ એ પછી કચ્છ દરબાર તરફના “મનોવિકાર તથા આશા નિરાશા” નાં બે નિબંધ લખી રૂા. ૧૫૦) પારિતોષિક મેળવી શક્યો હતો. પ્રથમનો નિષ્ફળ નીવડેલો નિબંધ “બુદ્ધિપ્રકાશ”ના પૃષ્ટ ૨૦૦ ના પુરતો રૂા. ૩૦૦) ઇનામ માટે હતો ત્યારે આ સફળ થએલા નિબંધ પ્રત્યેક “બુદ્ધિપ્રકાશ” જેવડા પૃષ્ટ ૪૦ માં માંગ્યા હતા. કચ્છ દરબાર તરફ આઠ નિબંધો રચાવવાની જાહેર ખબર સન ૧૮૭૮માં પ્રસિદ્ધ થઈ હતી તેમાંનાં એ બે નિબંધો હતા. એ આઠ નિબંધમાં પ્રત્યેકનું ઈનામ રૂા. ૫૦) રાખ્યું હતું, જેમાં “સત્સંગ” વિષેનો રા. રા. મણીશંકર પ્રભુરામ પંડિતનો પસંદ પડ્યો હતો. એ પછી બીજા નિબંધોનું ઈનામ વધારી પ્રત્યેકના રૂ ૭૫) કરી અમુક ગ્રંથ કર્તાને આપવા ઠરાવ થયો હતો; જેમાં જે લખવાની ધર કોઈએ નહિ ઝીલેલી એવા બે—“મનોવિકાર તથા આશાનિરાશા” નાં મને આપવામાં આવ્યા હતા, જે પરિક્ષકને બહુજ પસંદ પડ્યા હતા, તેથી દિ. બા. મણીભાઈએ તેમના અભિપ્રાયની નકલ મને જોવા મોકલી તે સાથે એ નિબંધથી પોતાને ઉપજેલો પરમ સંતોષ પત્ર દ્વારે લખી જણાવ્યો હતો. આ નિબંધોનું પારિતોષિક આપવા ૫છી કચ્છ દરબારને ખર્ચે છપાવી તેના ગ્રંથ સ્વામિત્વનો લાભ પણ મનેજ આપવામાં આવ્યો હતો, આ પછી સન ૧૮૮૫માં કચ્છ દરબાર તરફના નિબંધેમાનો “શૌર્ય” વિષેનો નિબંધ જેને સોંપ્યો હતો તે લખી ન શકવાથી મને આપવામાં આવ્યો, જે લખી હું રૂા. ૭પ) મેળવી શક્યો હતો. મારા સાંભળવા મેળે એ નિબંધ ગુ. વ. સોસાયટીને છપાવી પ્રસિદ્ધ કરવા આપેલો પણ ગેરવલ્લે પડી જવાથી છપાયો નહોતો. બાકીના નિબંધોનું શું થયું તે જાણવામાં આવ્યું નથી. આઠ નિબંધમાં નવમો “બાળલગ્ન” વિષેનો લખવા ઉમેરાયો હતો. એ નિબંધો ભેગા છપાવી તેને “કચ્છ નિબંધ સંગ્રહ” એવું નામ આપવું એવી દિ. બા. મણિભાઈની ઇચ્છા હતી. આ ૫છી શેઠ હરિવલ્લભદાસ બાળગોવિંદદાસ સ્મારકનું રૂ. ૧૫૦) નું ઈનામ–“બાળલગ્નથી થતી હાનિ” વિષે ઇનામી કાવ્ય કલ્પિત સરસ્વતી ગુણવંતની કથા લખવાથી ગુ. વ. સો. તરફથી મને ૧૮૮૯માં મળ્યું હતું, તથા તે ૫છી પારવતી કુંવર સ્મારકનું રૂા. ૩૦૦) નું ઇનામ “પાર્વતિ કુંવર ચરિત્ર” લઘુ કાવ્યમાં રચી સન ૧૮૯૦ ના નવેંબરમાં મેળવ્યું હતું. આ કાવ્યનું પારિતોષિક, સભામાં તે વંચાવી આપવાનું ઠર્યું હતું, એથી તેમ તથા સભાધ્યક્ષ કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઇ ઇનામની રકમ સ્વહસ્તે આપતા ઉચર્યા હતાં કે–“રા. ગણ૫તરામની કવિતા ઘણી સારી છે; અને તેથી હું ધારૂં છું કે જેમ સોસાયટીએ મને સોનાને અક્ષરે કવીશ્વર પદ કોતરાવી આપ્યું છે તેમ એમને પણ આપે તો ખોટું નથી. એવા ગ્રહસ્થોને તો સેસાયટી સરખાએ રૂા. ૧૦૦) ને દર માહે કવિતા કરવા રાખવા જોઇએ.” પરોક્ષે મારી શક્તિનું મા૫ જાણી લીધા પછી વિદ્વાનો વખાણે, વારંવાર જેની કથા થતે અભાવ ન થાય, જે ચિરકાળ પર્યંત નાશ ન પામે, પણ જેની પરંપરા ચાલુ રહે તથા જેમાંથી જાણવાનું, બોધ લેવાનું ભારત જનો બહુ મળે એેવો શિષ્ટ ગ્રંથ રચવાનો મને અભિલાષ થયો. વિચાર કરતાં એ વાતને યોગ્ય વિષય મને શ્રી વ્યાસ નારાયણ કૃત મહાભારત ભાસ્યું. અને તેથી મેં સંવત્‌ ૧૯૪૮, સન ૧૮૯૨ માં ગુર્જરગિરામાં કવિતા રૂપ લઘુભારત રચવાનો આદર કર્યો. કામનું મંડાણ કરતાં તો કર્યું;પણ પછી મને એ કામ મારી શક્તિ–ઉપરાંતનું સમજાયું; તો પણ પુરૂષ પ્રયત્ન શું કરી શકતો નથી. એ વિચાર દ્રઢ કરી હું મારા યત્નમાં લાગું રહ્યો, એથી કામની કઠિનતા સરલ રસવતિ થતી ગઈ જેથી હું આજ સુધીમાં લધુ ભારત ના ચાર ભાગ રચી પ્રસિદ્ધ કરી શક્યો છું; જેમાં મારી યોજના હતી એટલુ આવી ગયું છે. પ્રથમ ભાગના પ્રસિધિ પુત્ર રૂપે મેં જાતેજ વેશ ભજવ્યો હતો, જેમાં પ્રશંસાના મોજા કાને બહુ અથડાઈ કવિવર પ્રેમાનંદ જેવો કહેવાતો સંભળાઈ મારી કૃતિનું માપ જાણી લેઇ હું ઘેર આવ્યો હતો; પણ તેથી પ્રતાપ નાટકના જેવું ઉતેજન મેળવી શક્યો નહોતો, જે માત્ર એ કામનીજ બલીહારી હતી. પણ ખરી બલિહારી મેં દિ. બા. મણીભાઈની ‘ઉદયે સવિતા રક્તો, રક્ત, રક્તશ્ચાસ્તમને સ્તથા’ જેવી જોઈ, કે જેમના સહાયે કરી લઘુભારત ભાગ ૧ લો પ્રસિધ થયો. ભોજ જેવા સાહિત્ય ભોગી તે નામાંકિત નર સ્વર્ગવાસી થયા પછી વિના પ્રયાસે અમદાવાદ શહેરના શ્રીમાન્‌ રા. રા. ચીનુભાઈના ઉદાર હૃદયમાં દિ. બા. મણિભાઈ વિદેહ થતાં નિવસ્યા નહિ હોય શું? એવો અનુભવ તેમના સમાગમથી મને થયો છે. એક ઉદાર આત્મા અનેક શુભ કાર્ય કરી શકે છે તો જ્યાં એક દેહમાં તેવા બે મળે તો શું ન થઇ શકે? મેં મારા પ્રત્યેક ગ્રંથની પ્રસ્તાવનામાં મારે લગતી હકિકત ટૂંકામાં લખી પ્રસિદ્ધ કીધી છે, એટલે અત્ર તે વિષે પુર્નરૂક્તિ કરતો નથી. મારી બદલી ખેડે થયા પછી સન ૧૮૮૨ સંવત્‌ ૧૯૩૮ માં મેં મારૂં નિવાસ સ્થળ અમદાવાદમાં કરી જ્ઞાતિ વહેવાર ત્યાંજ બાંધ્યો. આમોદનું ઘરબાર પિતાના દેવામાં ડૂબી ગયું હતું, છતાં ઇશ્વર કૃપાથી વાગ્દેવીના સહાયે અમદાવાદમાં પ્રતિષ્ટા સાથે હતું તેથી શ્રેષ્ટ સર્વ સંપાદન થયું, સન ૧૮૮૮ની સાલમાં અમદાવાદના જોઈન્ટ સેશન જજ દયારામ ગીદુમલે “હિંદુસંસાર સુધારા સમાજ”માં ઉપદેશકની જગોએ મારી યોજના રા. સા. મહીપતરામ રૂપરામ તથા વકીલ કેશવલાલ મોતીલાલના અભિપ્રાયથી કરવાથી હું મારી નોકરી પરથી વર્ષ એકની રજા લેઇ એ જગોએ જોડાયો હતો. એ જગોએ જોડાતા વારમાં મેં ભાષણ વખતે શ્રોતાઓને શીઘ્ર બોધ કરે એવી “બાળ લગ્નનો નિષેધ” એ નામની કવિતા રૂપ રૉયલ સોળ પેજી એક ફર્માની ચોપડી ચાર દિવસમાં તૈયાર કરી તેની બે હજાર પ્રત છપાવી; જે ભાષણો આપતાં થોંડા વખતમાં ખપી જવાથી તેની બીજી આવૃતિની બે હજાર પ્રત છપાવી હતી તે પણ શ્રોતાઓમાં ઉપડી ગઇ હતી. ગુજરાતના ઘણાખરા કસ્બા, શહેરો, તથા મુંબઈમાં મારા ભાષણોથી સારી અસર થયેલી મેં જોઇ હતી અને તેથી મારે બહુ સુજનો સાથે સ્નેહ થયો હતો. પ્રતાપ નાટકની પ્રસિદ્ધિ માટે મેં લીધેલી રજા પુરી થયા પછી મારી બદલી નડિયાદ મારી મૂળ જગોએ થઇ હતી જ્યાં જગ્યામાં ત્યાંને ત્યાં ફેરફરીમાં મારો પગાર રૂા. ૨૦) થયો હતો, એકંદરે મેં ઓગણીસ વર્ષ નડિયાદમાં ગાળ્યા હતા; જ્યાં રહી કાર્ય પરત્વે લાંબી રજાઓ ભોગવી હતી. નડિયાદમાં મારો પગાર વધવાનો વેત નહોતો, એથી ડેપ્યુટીઓએ બીજે બદલી કરાવી પગારમાં વધારો કરાવવા પ્રેરણા કરી હતી; પણ મેં જે મિષથી મને હાનિ પહોંચી હતી તેથીજ મારી વૃદ્ધિ કરવાનો સંકલ્પ કર્યો હતો તેથી નડિયાદ છોડી બીજે જવાની ના પાડી હતી. ઈશ્વરે મારે સંકલ્પ સિદ્ધ કર્યો અને હું ૫૧ વર્ષની વયેજ સંતોષ માની પંચાવન પુરા થયા પહેલા નોકરીથી છૂટો થયો. મૂળથીજ હું છુટા વિચારનો, સાકર માંખણ ધરાવી મોટાઓના મન મેળવનારો નહોતો, પણ પ્રસંગે સત્ય વાતનું મારી વાણીથી નિદર્શન કરી જ્ઞાનવાન મહજનો અને તેવાંજ મહીશોના મન આકર્ષનારો હતો, તેને માટે એકજ ઉદાહરણ અત્ર આપું છું :— નામદાર શ્રીમંત સયાજીરાવ ગાયકવાડની સવારી સન ૧૮૮૫ના એપ્રીલમાં પેટલાદ મહાલમાંથી પાછી ફરતા વડોદરે જવા નડિયાદ સ્ટેશને આવી હતી; એ સમયે નડિયાદના દેશાઈ બેચરદાસ વિહારીદાસે તેમના સન્માન માટે સ્ટેશન પાસે શમિયાનો ઉભો કરી સારો સમારંભ કર્યો હતો. તે તકે મહારાજાને સંભળાવા મારા હિતેચ્છુ મિત્ર માસ્તર મનસુખરામ નરસીહદાસના આગ્રહથી મેં એક કવિતા આગળથી રચી રાખી હતી, જે મહારાજા શ્રીના સન્માનની પ્રક્રિયા પૂર્ણ થતા તેમને શ્રવણ કરાવવા હું તે નામદારના સન્મુખ ગયો, તે વખતે નડિયાદના સબજજ રા. સા. હરિલાલ સત્યવાદીએ મને કહ્યું કે–“વખત થોડો છે માટે selected portion (પસંદ કીધેલો ભાગ) વાંચજો.” મેં કહ્યું કે, “જે છે તે તેવુંજ છે.” કવિતા મહારાજાની પ્રશંસાની નહોતી, પણ રાજાને ઉપયુક્ત તત્વ બોધની આશીર્વાદ યુક્તની હતી. તેના આરંભનો દોહરો આ પ્રમાણે હતોઃ—

દોહરો.
“રાવ વખાણ કરીજલે, કંઇ કવિ શુભ શીરપાવ,
રાવ બોધ કરી રીઝ શુભ, માંગુ શયાજીરાવ.”

મારી કવિતા અર્ધિક વંચાતા મહારાજાના સેક્રેટરીએ–તેઓ શ્રીને સ્પેશીઅલ ટ્રેન ઉપડવાના સમયની સ્મૃતિ આપી, એથી મહારાજાએ “વૉચ” કાઢી જોઈ ચંચળ વૃતિ કરી, તે સમયે મેં કહ્યું કે—“રાજાઓ પ્રત્યેક કામ માટે ઘડિયાળ કાઢી વખત સામે જુએ છે, પણ કવિઓ તથા કારીગરો તેમને માટે જે કરે છે તેમાં તેમ કરતાં નથી.” મારૂં આ કહેવું સાંભળી મહારાજા શ્રી ઉભા થએલાં છતાં મુખ મલકાવી પોતાના આશન ઉપર બેસી ગયા, અને મારી કવિતા સંપૂર્ણ લક્ષપૂર્વક એક ચિતથી સાંભળી બહુ પ્રસન્ન થયાં, અને મનન કરવા તે માંગી લીધી. એ પછી ટ્રેનમાં બેસતાં તેમને વડોદરે હું જાઉં તો તેમને મળું એવી ઇચ્છા જણાવેલી. તે ઉપરથી નડિયાદના નાગર સદ્‌ગૃહસ્થ, રા. રા. મોતીભાઇ રૂઘનાથજી પંડ્યાએ એ વાતની ખબર મને કરી હતી પણ કાળ બળે તેવો યોગ આવ્યો ન હતો. સંવત્‌ ૧૯૫૮ ના જેષ્ટ માસમાં કચ્છના નામદાર મહારાવ શ્રી ખેંગારજી સવાઇ બહાદુરનાં કુંવરી શ્રી બા. કુંવરબાના લગ્ન પ્રસંગની કંકોત્રી આવવાથી હું ત્યાં ગયો હતો. ભુજનગર જતાં ગાડાનું પૈડું મારે ડાબે પગે ભીસાવાથી મને મોટી ઇજા થઇ હતી, એથી ત્યાં એક માસ પર્યંત ખાટલો સેવવો પડ્યો હતો, એ વખતે કવિઓ અને સુજનો મારી પાસે આવતા અને દીલગીર થઇ મને કહેતાં કે, અહિં આવ્યાનો કશો લહાવ કે લાભ લેવાયો નહિ, એ ખોટું થયું. હું તેમને કહેતો કે દૈવઈચ્છા બળવાન છે; આપણું ધાર્યું થતું નથી, ઉપરથી આમ કહેતો, પણ મનમાં નિશ્ચય હતો કે. ઈશ્વર મારૂં ધાર્યું પાર પાડશે, અને મારૂ અત્ર આવવું સાર્થક થશે. મહારાવશ્રીની મુલાકાત થતાં તેમને મારે શું સંભળાવવું એ વાતનો નિશ્ચય કરી ખાટલામાં પડે પડે મેં કંઈક કવિતા કરી હતી. જરા ટટાર થતા મેળાપનો યોગ આવતાં તે સંભળાવી, એથી તેઓ એટલાં પ્રસન્ન થયા કે. મારો સત્કાર બીજા કવિઓ કરતાં શ્રેષ્ટ થયો હતો. મારી કવિતામાં મહારાવશ્રી પાસે મારૂં આવવાનું કારણ, તેમને વિષે શું જોયું તથા આશીર વચન. આ ત્રણ વાત હતી. જે તેઓ શ્રીએ પ્રસંન્ન વદને એકાગ્ર થઈ સાંભળી કવિતાવાળો કાગળ મારી પાસેથી માંગી લઇ તેમાંની કવિતાઓનું લક્ષપૂર્વક અવલોકન કર્યું હતું. હું મારે ઉતારે જતાંજ રૂ. ૧૫૦) ની શીખ મારે માટે એ પછી દરબાર તરફથી આવી હતી. ભાવનગરનાં જોઇન્ટ સેશન જજ રા. રા. મોતીલાલ ત્રીભોવનદાસ સટ્ટાવાળા જે વગર મળે મારી ગ્રંથ કૃતિ આદિથી મારા મિત્ર થયા હતા તેમના આગ્રહથી તેમને મળવા હું સંવત્‌ ૧૯૬૧ ના ભાદરવામાં ભાવનગર ગયો હતો. ભાવનગરના એ સમયના દિવાન રા. રા. પ્રભાશંકર દલપતરામ ૫ટણીનાં સૌજન્ય વિષે મેં પુર્વાપર સારૂં સાંભળ્યું હતું, એથી ત્યાં ગયા પછી તેમને મળ્યો, અને સાંભળ્યા પ્રમાણેના તેમના સુગુણનો અનુભવ કર્યો જો કે હું તેઓને ઓળખતો નહોતો, પણ તેઓ મને નામથી જાણતાં; એથી તેમની મુલાકાતનો લાભ સારી રીતે મળ્યો. તેઓશ્રી સાહિત્ય ભોગી અને કવિતા કરી જાણનાર હોવાથી તેમની સાથે સ્વલ્પ સમયમાં કાવ્ય વિનોદ કરવાથી મારાથી તેમને બહુ આનંદ ઉપજેલો મેં જોયો હતો. તેઓશ્રીએ ભાવનગરના નામદાર ઠાકોર શ્રી ભાવસિંહજીની મુલાકાતનો યોગ કરી આપવાથી હું તે નામદારને મળ્યો હતો અને મુલાકાતમાં તેઓ શ્રીને આશીરવાદની કવિતા સંભળાવી હતી. એથી તે નામદાર ઉદાર નૃપતિ તરફથી રૂા. ૧૫૦) શીરપાવના મને મોકલવામાં આવ્યા હતા. આજ સુધીમાં કચ્છ દરબાર તરફથી મારા ગ્રંથોને બીજા સ્થળો કરતાં સારૂં ઉત્તેજન મળ્યું છે. મૂળથીજ કચ્છ દરબાર કવિઓનો આશ્રયસ્થાન છે; હાલના મહારાવશ્રી ખેંગારજી સવાઇ બહાદુર કવિઓના કદરદાન છે; તેમના મૂળ દિવાન બહાદુર મણીભાઈ જશભાઇ ગુર્જર સાહિત્યની વૃદ્ધિના સંપૂર્ણ સહાયક હતા તથા તેમના પછી મહારાવશ્રીના મંત્રી રા. રા. છોટાલાલ સેવકરામ, જે જાતેજ ઉત્તમ કવિ છે, જેમના હાથમાં ભાષા સાહિત્યને ઉતેજન આપવાનું સોપવામાં આવ્યું છે; કચ્છ રાજ્ય તરફથી ગ્રંથકારોને સારૂં અનુમોદન મળવાનાં કારણ એજ છે. અત્યાર સુધીમાં પ્રસંગોપાત મારા હાથે લખાયલી એક એક કમાની સાત નાની ચો૫ડીઓ છપાઈ છે; આરોગ્યતા અને સ્વચ્છતાનો તથા શૌર્ય વિશેનો નિબંધ અને કેટલીક પ્રાસ્તાવિક કવિતાઓ છપાવવાની છે; પણ મારા જે ગ્રંથો લોકપ્રિય થઈ છપાઈ પ્રસિદ્ધ થયા છે, જેની સંખ્યા દશની છે; તેણેજ મારો યશ વિસ્તાર્યો છે; જે નીચે પ્રમાણે છેઃ—

(૧) લીલાવતી કથા
(૨) ભરૂચ જીલ્લાનો કેળવણી ખાતાનો ઇતિહાસ
(૩) પ્રતાપ નાટક
(૪) મનોવિકાર તથા આશા નિરાશા વિષે નિબંધ
(૫) લઘુભારત ભાગ ૧લો (આદિ, સભાપર્વ)
(૬) લઘુભારત ભાગ રજો (વન ૫ર્વ)
(૭) લઘુભારત ભાગ ૩જો (વિરાટ તથા ઉદ્યોગ પર્વ)
(૮) લઘુભારત ભાગ ૪થો (ભીષ્મ, દ્રોણ, કર્ણ, શલ્ય શોક્તિક તથા સ્ત્રી પર્વ)
(૯) બાળલગ્નથી થતી હાની વિશે સરસ્વતી ગુણવંતની કથા
(૧૦) પાર્વતી કુંવર ચરિત્ર
છેલ્લા બે ગ્રંથો ગુજરાત વર્નાકુલર સોસાયટીએ છપાવ્યા છે.

અમદાવાદ,
તા. ૨૯–૧–૦૭.

સંવત ૧૯૬૩ માઘ શુક્લ ૧૫ મંગળવાર
ગ. રા. ભટ.