ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/ખા. બા. મેહબુબમિયાં ઈમામબક્ષ કાદરી

From Ekatra Foundation
Revision as of 02:50, 12 January 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ખા. બા. મેહબુબમિયાં ઇમામબક્ષ કાદરી, ઓ. બી. ઇ.

એઓ જાતે સુન્ની મુસલમાન; અને અમદાવાદના વતની છે. એમના પૂર્વજો મૂળ અણહિલવાડ પાટણથી અમદાવાદ વસાવનાર સુલતાન અહમદશાની સાથે અમદાવાદમાં આવ્યા હતા. એમના પિતાનું નામ ઈમામબક્ષ દીવાનજીમિયાં અને માતુશ્રીનું નામ હુસેનબેગમ અબ્દુલામિયાં ઉરૈઝી હતું. એમનો જન્મ અમદાવાદમાં તા. ૪થી નવેમ્બર સન ૧૮૭૩ના રોજ થયો હતો. એમનું લગ્ન સન ૧૮૯૭માં સુરતમાં બેગમ સાહેબા કમરૂન્નિસા શમસુદીન બુખારી સાથે થયું હતું. એઓએ પ્રાથમિક કેળવણી પ્રેમચંદ રામચંદ ટ્રેનિંગ કૉલેજની પ્રેકટીસીંગ સ્કુલમાં લીધી હતી. તે પછી ઇંગ્રેજીનો અભ્યાસ અમદાવાદમાં સરકારી મિડલ સ્કુલમાં અને આર. સી. હાઈસ્કુલમાં કર્યો હતેા. એઓ સન ૧૮૮૮ માં મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં પાસ થયા અને પ્રથમ ગુજરાત કૉલેજમાં જોડાયા પછી સેંટ ઝેવિયર કૉલેજમાં ગયા હતા. સન ૧૮૯૨માં તેઓ ઈંગ્રેજી અને ફારસી ભાષાઓ ઐચ્છિક વિષય લઇને તે જ કૉલેજમાંથી બી.એ. પાસ થયા; અને સન ૧૯૦૧માં એલએલ.બી. થયા. હાઈસ્કુલ અને કૉલેજમાં સારા અભ્યાસ માટે કાઝી શાહાબુદ્દીન, જેરાઝભાઈ પીરભાઈ જે. એફ. ફરનાન્ડીઝ અને સર ફ્રેક સાઉટર સ્કોલરશીપો મેળવવા ભાગ્યશાળી થયા હતા. સ્વર્ગસ્થ રા. બા. કમળાશંકરનો, અભ્યાસ દરમિયાન, તેમણે સારો ચાહ સંપાદન કર્યો હતો; એટલુંજ નહિ પણ એમના ચારિત્ર્ય પર તેઓએ (કમળાશંકરભાઇએ) ઉંડી છાપ પાડી હતી; એવી પ્રબળ અસર એમના જીવન૫ર સર સૈયદ અહેમદે કરી હતી, જેમનું જીવનવૃત્તાંત એમણે ગુજરાતીમાં લખ્યું છે. સને ૧૮૯૩થી ૧૮૯૬ સુધી કેળવણી ખાતામાં અમદાવાદ, નડિયાદ અને મુંબાઈની એલ્ફીન્સ્ટન હાઇસ્કુલમાં તેમણે નોકરી કરી હતી. સને ૧૮૯૭માં જુનાગઢ સ્ટેટના કેળવણી ખાતામાં મહાબત મદ્રેસાના પ્રિન્સિપાલ તરીકે જોડાયા; અને સને ૧૯૦૧માં મરહુમ પાટવીકુંવર શાહજાદા શેર જુમાખાનજીના નેટીવ ટ્યુટર તથા કમ્પેનીઅન નીમાયા. તે ઓદ્ધાની રૂએ તેઓશ્રીએ શાહજાદા સાહેબ સાથે હિંદના પ્રખ્યાત સ્થળો અને સિલોનની મુસાફરી કરી. સને ૧૯૦૨ના દિલ્હી દરબાર વખતે તેઓ હાજર હતા. સન ૧૯૦૩ માં તેઓ ન્યાયખાતામાં જોડાયા હતા, અને નોકરીના અંગે તેમને ઈલાકાના અનેક શહેરોમાં રહેવાનું થયલું; અને તેઓ એમના માયાળુ અને એખલાસભર્યા વર્તનથી તેમ સાર્વજનિક સેવાભરી પ્રવૃત્તિઓથી હિંદુ મુસ્લિમ સૌની એકસરખી પ્રીતિ મેળવવા શક્તિમાન થતા. આજે પણ હિન્દુઓમાં એમના સેંકડો મિત્રો માલુમ પડશે અને મુસ્લિમ હિતના તેઓ ખાસ હિમામતી છે. કોઈ સુશિક્ષિત મસ્લિમ બંધુ એવો નહિ મળી આવે કે જેણે એમની પાસેથી કોઇ પ્રકારની સલાહ, સૂચના કે મદદ એક વા અન્ય પ્રકારે મેળવી નહિ હોય. તે કારણે તેઓ આજે અંજુમને ઇસ્લામ, ગુજરાત મુસ્લિમ અજ્યુકેશન સોસાયટી તથા સુન્ની વકફ કમિટીના પ્રેસિડેન્ટ છે; તેમ અમદાવાદની જાણીતી લોકોપકારી સંસ્થાઓ-મુક્ત બંધીવાન સહાયક મંડળી અને મુંગા પ્રાણી પ્રત્યે ઘાતકીપણું અટકાવનારી મંડળીના તેઓ વાઇસ–પ્રેસિડેન્ટ છે. છેલ્લી લડાઈ દરમિયાન જુદી જુદી નિમાયેલી કમિટીઓમાં તેમણે બહુ સુંદર કાર્ય કર્યું હતું; અને તેની કદર તરીકે એમને ખાન બહાદુરનો અને ઓ. બી. ઈ. નો ચાંદ અને ઈલ્કાબ મળ્યા હતા. સમાજમાં એમની આવી ઉચી પ્રતિષ્ઠાને લઈને સરકારે સંમતિવય કમિશન નિમ્યું હતું, તેના એક સભ્ય તરીકે એમની પસંદગી કરી હતી; અને તેમાં સાનંદાશ્ચર્ય ઉપજાવનારૂં એ હતું કે એઓ વડીધારાસભા બહારના મુંબાઇ ઇલાકાના એકલા જ પ્રતિનિધિ હતા. કમિટીમાં એમનું કામ ઉપયોગી અને સંતોષકારક લેખાયું હતું. તે સંબંધમાં નોંધ લેતાં, કમિટીના સભ્યોએ જુનાગઢના નવાબને–કેમકે તેઓ એ વખતે જુનાગઢ રાજ્યમાં જ્યુડિશિયલ ઓફીસર હતા–નીચે પ્રમાણે ૫ત્ર લખી મોકલ્યો હતોઃ “It is not for us to state how invaluable Mr. Kadri’s advice has been to the Committee. His unrivalled knowledge both of Muslim Law and particularly of Muslim sentiments, in an inquiry of the sort which we had to undertake was of immense help to the Committee.” મુસ્લિમ હિત અને હક્ક માટે જેટલા તેઓ મક્કમ છે, તેટલા હિન્દુ અને મુસ્લિમ એકતાના હિમાયતી છે. તેઓ એવું સાદું અને નિરભિમાની જીવન ગાળે છે કે તે જોઇને એમના માટે કોઇને પણ માનની લાગણી ઉદ્‌ભવે. ધાર્મિક લાગણી એટલી તીવ્ર છે કે ભાગ્યેજ તેઓ નિમાઝ પઢવાનું ચૂક્યા હોય; ૫છી તેઓ મુસાફરી કરતા હોય કે ઘરમાં બેઠા હોય; સાજા હોય કે માંદા હોય. ખરેખર એમનું જીવન આખો દિવસ કાંઇને કાંઇ જાહેર પ્રવૃત્તિઓમાં રોકાયલું રહે છે; તેમ પ્રજા અને સરકાર ઉભયનો તેઓ સારો વિશ્વાસ ધરાવે છે. એમની લોકપ્રિયતા પણ થોડી નથી. તેમ છતાં યથાવકાશે તેઓ સાહિત્યમાં થોડું થોડું લખતા રહે છે. હમણાં તેમણે સોસાયટી માટે ઉર્દુ સાહિત્યનો ઇતિહાસ લખી આપવાનું કામ સ્વીકાર્યું છે.

: : એમની કૃતિઓ : :

મુસલમાનોની ચડતી પડતીનો ઇતિહાસ સન ૧૯૦૬
લવાદ માર્ગદર્શક  ”  ૧૯૧૧
સર સૈયદ એહેમદનું જીવનચરિત્ર  ”  ૧૯૧૩