સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ/Tableaux Parisiens અને પ્રવાલદ્વીપ
ફ્રેન્ચ કવિ બોદલેરના ‘Tableaux Parisiens’ નામે કાવ્યગુચ્છમાં પેરિસ નગરનાં વિવિધ દૃશ્યો રજૂ થયાં છે. કવિની વાસ્તવિક છતાં કરુણાર્દ્ર દૃષ્ટિ રચાયેલી આ કૃતિઓમાં આધુનિક નગરસભ્યતાનાં (Urban Civilizationનાં) ખરા રૂપમાં દર્શન થાય છે. રોમેન્ટિક કવિઓની જેમ પ્રકૃતિમાંથી પ્રેરણા ઢૂંઢવાને બદલે આ કવિ પેરિસના રાજમાર્ગો અને ગલીઓનાં દૃશ્યોમાં તથા તેના નિરંતર થતા રહેતા કોલાહલોમાં કવિતા નિહાળે છે. પેરિસનાં પ્રભાત, સંધ્યા અને રાત્રી, ત્યાંના ચોરો, જુગારીઓ અને ભિખારીઓ, આંખને વીજળીની જેમ આંજી જતી મોહક રમણીઓ અને મરવાને વાંકે જીવન પસાર કરતી વૃદ્ધાઓ – આ બધાં કવિની કવિતાનો વિષય બને છે. સાથેસાથે ઉપરથી હલચલ ભરેલી આ નગરીની ભીતરમાં રહેલી વ્યથા, નિરાશા અને અતૃપ્તિ આદિનો પણ તેના કાવ્યમાં અનુભવ થાય છે. બોદલેરના ‘Tableaux Parisiens’ના પછી બરાબર સો વર્ષે પ્રગટ થતા કવિ નિરંજન ભગતના ‘પ્રવાલદ્વીપ’નાં સોળ જેટલાં કાવ્યોમાં માયાવી મુંબઈ નગરી આળસ મરડીને ઊભી થાય છે. મુંબઈનાં સ્થળ, કાળ અને પાત્રો એ ‘પ્રવાલદ્વીપ’ની કવિતાનો વિષય છે. વિચિત્ર રીતે કરુણાનો ભાવ જગાવતાં આ કાવ્યોમાં નગરના ‘કુરૂપની કથા’ અને નગરજીવનની ‘વિરાટ વ્યથા’ રજૂ થયાં છે. આજના નગરજીવનના પરિવેશમાં કવિએ તેમાં નિવાસ કરતા લોકોની જિવાતી જતી જિંદગીને સમજવા સભાન પ્રયત્ન પણ કર્યો છે. કોઈ બે કવિઓની સરખામણી કરી એકાદની શ્રેષ્ઠતા સિદ્ધ કરવાનો પ્રયત્ન હાસ્યાસ્પદ થઈ પડે; પરંતુ સાહિત્યના તુલનાત્મક અધ્યયન દ્વારા આપણા સાહિત્યને સમજવાનું વધારે સુકર થઈ પડે છે. આ બન્ને કવિઓ જુદા જુદા સમયમાં થયા છે, એટલું જ નહિ પરન્તુ અન્યોન્યથી અલગ સંસ્કૃતિ ધરાવતા દેશોમાં થયા છે. તેમ છતાં આ બન્ને કવિઓની નગરકવિતામાં જે સામ્ય જોવા મળે છે તે આન્દ્ર જીદના "Some unknown man in Moscow and myself can be impelled toward the same idea, and despite the intervening centuries Jammes can link to Virgil" – આ કથન દ્વારા કહેવાતા એક સાહિત્યિક સત્યનું ઉદ્ઘાટન કરે છે. વળી પોતાના યુગને સમજવાનો પ્રયત્ન કરતાં કરતાં કવિ પૂર્વસૂરિઓના માર્ગનું અનુસરણ પણ કરે. બોદલેર નિરંજન કરતાં શતાધિક વર્ષે મોટો છે વયમાં, વળી તે આધુનિકોમાં આદ્ય છે. કવિ નિરંજનની ‘પ્રવાલદ્વીપ’ની કવિતાઓમાં આ અસર અત્રતત્ર જોઈ શકાય ખરી પરંતુ અસરની વાત કરીએ ત્યારે Enid Starkie એ ‘From Gautier to Eliot’ નામના ફ્રેન્ચ સાહિત્યની અંગ્રેજી સાહિત્ય પર અસર દર્શાવતા ગ્રંથમાં ટાંકેલું જીદનું આ કથન પણ યાદ રાખવું ઘટે કે "Influences do not create anything; they merely awaken what is already there!" એટલે ‘પ્રવાલદ્વીપ’ એ માત્ર ‘Tableaux Parisiens’ના અનુકરણ પર રચાયેલી કૃતિ નથી, પરંતુ તેમાં કવિની પોતાની આગવી જીવનદૃષ્ટિ સ્પષ્ટ રીતે જોવા મળે છે. બૉદલેરનો કાવ્યગ્રંથ ‘Les Fleurs Du Mal’ (જેમાં ‘Tableaux Parisiens’નો સમાવેશ થાય છે) સને ૧૮૫૭માં પ્રગટ થયો હતો; જ્યારે ‘છંદોલય’ (જેમાં ‘પ્રવાલદ્વીપ’નો સમાવેશ થાય છે) સને ૧૯૫૭માં પ્રગટ થયો. બે વચ્ચે એક શતાબ્દીનું અંતર છે. પણ છેલ્લાં સો વર્ષોમાં દુનિયાની જે કાયાપલટ થઈ ગઈ છે, તે અતીતનાં સહસ્ર વર્ષોમાં થવી સંભવિત નહોતી. બૉદલેરના પૅરિસથી આજની પૅરિસ નગરી કેટલી બદલાઈ ગઈ હશે? બૉદલેરના વખતમાં જ પૅરિસની એટલી ત્વરાથી કાયાપલટ થતી હતી કે ‘Le cygne’ કવિતામાં તે કહે છે :
.....The ancient part
Of Paris is no more (a city’s form can change
more quickly than the human heart.)
આમ છતાં પૅરિસનો ‘નગર–આત્મા’ તેણે આબાદ રીતે પકડ્યો છે. તેનું આખું જીવનઘડતર આ શહેરી સભ્યતાના પરિવેશમાં થયું હતું. એટલે Peter Quennel-નું આ કથન યથાર્થ લાગે છે કે – "The background of Baudelaire’s development is the background of urban civilization." કવિ નિરંજન જે મુંબઈની વાત કરે છે તે તો આજની મુંબઈ છે, ટેકનોલૉજીની તમામ સુવિધાઓથી સજ્જ. એના વિકાસની ચરમસીમા જાણે આવી ગઈ હોય એવું કવિને લાગે છે. તેઓ આ નગરીના સર્વાન્તિક વિનાશની ઘોષણા કરે છે. કહે છે કે મુંબઈને –
રસ્તે રસ્તે ઊગે ઘાસ
કે પરવાળાં બાંધે વાસ
તે પ્હેલાં જોવાની આશ
હોય તને તો કાળ રહ્યો છે કગરી !
‘ઇન્દ્રજાલની લીલા ભૂલવે એવી સ્વર્ગની સામગ્રી’ જ્યાં છે તેવા તીરથની યાત્રા(!) કરાવવા કવિ આપણને લઈ જાય છે. પણ આ તીરથ તે તો ‘આધુનિક અરણ્ય’ છે !—
અરણ્ય, જન જ્યાં અગણ્ય પશુ હિંસ્ર શા ઘૂમતા.
બૉદલેર પૅરિસની ઢળતી સંધ્યાનું વર્ણન કરતાં લખે છેઃ
Man turns to a beast of prey and starts to rove.
આપણને પ્રશ્ન થાય કે શું સાચે જ મનુષ્ય હિંસ્ર પશુ – a beast of prey-ના રૂપમાં પલટાઈ જાય છે ! આવા ‘હિંસ્રપશુ’ની વાત આપણા મનમાં ભયની લાગણી જગાડી જાય છે. પરન્તુ બૉદલેર તો એમ સ્વીકારી લે છે કે મનુષ્યમાં crime is natural, virtue is artificial – એટલે તેવા માણસો સાથે નિબિડ એકાત્મતા અનુભવે છે, પણ નિરંજન ભગત આવા માણસોની વાત કરે છે ત્યારે તેમની નફરત cynicism ની હદ સુધી પહોંચી જાય છે. ‘પ્રવાલદ્વીપ’માં વારેવારે ડોકાય છે આજનો નગરવાસી. ‘ઝૂમાં સિંહને જોઈને કે ‘એકવેરિયમમાં’ માછલીને જોઈને કવિ માણસને જ સમજવાનો પ્રયત્ન કરે છે. ‘એકવેરિયમમાં’ માછલી દ્વારા કવિ કેવું અર્થ-લાઘવ સાધે છે!–
વેંત વેંતમાં જ ગાઉ ગાઉ માપવા
અને ન ક્યાંય પ્હોંચવું;
સદાય વેગમાં જ પંથ કાપવા,
ન થોભવું, ન શોચવું
મનુષ્ય.....
કને જ આ કલા ભણી...
આજનો નગરનિવાસી આટઆટલી ગતિ કરે છે પણ ગન્તવ્ય ક્યાં છે? કવિના ચિત્તતંત્રને આ પ્રશ્ન વારે વારે ઝણઝણાવી જાય છે—
સર્વ આ કઈ દિશા ભણી રહ્યા ધસી?
સવેગ શી ગતિ
તમિસ્રલોકની પ્રતિ?
કવિ ભારે નિરાશા સાથે આ પ્રશ્ન કરે છે. આવી વ્યગ્રતાથી બૉદલેર કહેતો નથી. તેના રોષ, નિરાશા અને વ્યગ્રતા ઉકળાટનું નહિ, નિર્વેદ (Ennui)નું રૂપ ધારણ કરે છે. જાણે સ્વગતોક્તિ કરતો હોય તેવી રીતે તે કહે છે. નિરંજનમાં ઉત્કટ વિષાદ છે, જે નિરાશાનું રૂપ ધારણ કરી અનાસ્થાના માર્ગે કવિને દોરી જાય છે. નગરનિવાસી લોકોના જીવનની વાત કહેવામાં નિરંજન ભગત ‘Tableaux Parisiens’ના કવિ બૉદલેર કરતાં ‘The Waste Land’ના કવિ એલિયટ સાથે વધારે સારી રીતે બેસી શકે. આ Waste Landમાં વસનારા લોકોનું ચિત્રણ એલિયટ—
not as lost
Violent souls, but only
As the hollow men.
The stuffed men.
–તરીકે કરે છે. ‘પ્રવાલદ્વીપ’ના કવિ પણ તેમાં વસનારની વાત કરતાં કહે છે :
નટો સમાન વેશ સૌ કરે, ધરે મુખે સુરમ્ય મહોરું હાસ્યનું
રસાર્દ્ર, ભાવ ઊર્મિ રંરાગ પૂર્ણ, હોય શું ન એ જ અસ્લ રૂપ આસ્યનું !
સર્વ માણસો મહોરું પહેરીને ફરે છે. આ યંત્રયુગમાં માણસો નિઃસંગતાનો ભાવ વિશેષ અનુભવે છે. સર્વે—
પાપત્રસ્ત, શાપગ્રસ્ત, સર્વ નામહીન.
સ્ટીફન સ્પેન્ડર તો આજના માણસોને "mechanic ghosts moving in a machine made society" કહે છે. સ્પેનનો જિપ્સી જીવનના રોમાન્સ ગાનાર કવિ લૉર્કા જ્યારે ન્યૂ યૉર્ક નગરની મુલાકાતે જાય છે ત્યારે ત્યાંના જીવનને જોઈ કેવો આંચકો અનુભવે છે તેની વાત એ ‘Poeta en Nueva York’. માંનાં કાવ્યોમાં કહે છે. એક કાવ્યમાં એ કહે છે :
I have come to see the turbid blood.
The blood that takes the machines to the cataracts,
And our soul to the cobra’s tongue.
નગર-સભ્યતાની વિરૂપતાનું દર્શન આજના યુગના ઘણાખરા કવિઓને થયું છે; અલબત્ત, સર્વેની પ્રતિક્રિયા એકસરખી નથી. બૉદલેર અને નિરંજન ભગત આ બન્ને કાવ્ય-ગુચ્છોમાં નગરજીવનની વાત કરે છે, પણ તે બન્નેમાં કેટલીક વિભિન્નતાઓ છે. દેખાઈ આવતી વિભિન્નતાઓમાં એક કાલગત, બીજી દેશગત અને ત્રીજી પણ મહત્ત્વની કવિગત છે. ‘પ્રવાલદ્વીપ’માં ‘ઍરોડ્રામ પર’ કવિતા હોય; ટ્રેન, ટ્રામ બસ અને કારની વાત હોય; તાર-ટેલિફોનની વાત હોય. બૉદલેરના પૅરિસમાં આ નથી. ન હોય; વળી આ બે દેશો જુદી જુદી પ્રણાલિકાવાળા દેશો છે. Danse Macabre – મૃત્યુનું નૃત્ય – કવિતા બૉદલેરમાં હોય અને ‘Skeletons Diigging’ ની કવિતા પણ હોય. ‘પ્રવાલદ્વીપ’ માં આવી કવિતા નહિ મળે, ન હોય. ‘Danse Macabre’ નામનું બૉદલેરનું પ્રસિદ્ધ કાવ્ય અર્નેસ્ટ ક્રિસ્ટોફ નામના કલાકારે કાષ્ટમાં કોતરેલી નારીકંકાલની મૂર્તિ પરથી રચાયું છે. આપણે ત્યાં આવી કવિતા સહજ નથી. અરે, સ્વયં બૉદલેરને પણ કહેવું પડેલું કે, ‘Perhaps our nerves are too delicate to accept a symbol so manifestly dreadful !’ અર્ધનારી અને અર્ધકંકાલરૂપે આલેખાયેલી આ મૂર્તિ તેના પિશાચ જેવા ભયંકર હાસ્યથી તમામ જીવતાં માણસો પ્રત્યે જાણે વ્યંગ કરે છે. કવિતાનો એક અંશ જોઈએ :
Her eyes are depths of gloom and vacuity
And her skull, with flowers in the artful braid,
Sways gently on her fragile vertebra
O spell of nothingness foolishly arrayed!
‘પ્રવાલદ્વીપ’માં તો ફ્લૉરા ફાઉન્ટન છે :
કાચકાંકરેટના અનન્ય કાનને
સદાય શાંત, સ્વસ્થ, આશવંત આનને
ઊભી છ વિશ્વમાલણી, વસંતસ્વપ્ન નેત્રમાં અમૂલ;
– બેમાં કેટલું અંતર છે! ‘Les Sept Vieillards’ માં એક વૃદ્ધના દર્શનમાંથી સાત સાત વૃદ્ધોનાં થયેલાં દર્શનને પ્રતીકરૂપે યોજે છે. આ કાવ્યની આરંભિક પંક્તિઓમાં નગરીની ભીડને એક જ સામાસિક શબ્દના image દ્વારા કવિ પ્રત્યક્ષ કરે છે :
An-theap city, city filled with dreams
where specters in broad day grab him who passes.
નગરની આ ભીડને, કોલાહલને એક જુદા જ image દ્વારા કવિ નિરંજન ભગત રજૂ કરે છે :
પૂડલે પડ્યો શું પહાણ? મક્ષિકાસહસ્ર શું ઘૂમંત ક્રોધમાં !
કવિ નિરંજનની આ પંક્તિમાં તો કોલાહલ પણ સંભળાય છે.
પૅરિસના રાજમાર્ગો પર જોયેલી, વૃદ્ધાવસ્થાને આરે પહોંચેલી વિગતવૈભવ નટીઓ વિષેનું બૉદલેરનું કાવ્ય ભારે કરુણા જગાવી જાય છે. કવિ કહે છે :
Their eyes are wells filled with a million tear
તેઓ જાણે મરવાની જ રાહ જુએ છે – ‘Ripe for eternity.’આ કાવ્યની અંતિમ પંક્તિ તો જુઓ : આ વૃદ્ધાઓને અનુલક્ષીને કવિ પ્રશ્ન કરે છે :
where will you be
To-morrow underneath God’s terrible claw?
‘પ્રવાલદ્વીપ’માંનાં ‘પાત્રો’ એક વિશિષ્ટ કાવ્ય છે. ફેરિયો, આંધળો, ભિખારી, વેશ્યા, પતિયો અને કવિ. આ સર્વે પણ મુંબઈની ‘મોંઘી મિરાત’ છે! વેશ્યા પર તો ‘ફૉક્લેન્ડ રોડ’ નામે અલગ કાવ્ય પણ છે. સમાજના કલ્યાણવિધાયકો તો આ વેશ્યા-સંસ્થાને સમાજના કલંકરૂપ ગણે છે અને એને નિવારવા મથે છે. માણસજાતનું આ અનિવાર્ય અનિષ્ટ ભલે હોય, પણ એ કહે છે તેમ :
સલામત છે તમારા મ્હેલની ભીંતે
મઢેલી કો છબી જેવી કુંવારી કન્યકા નિત્યે;
અમારી જાત જીવે છે, પ્રભુની મ્હેરબાનીથી
સદા જીવશે જ ધરતી પર—
‘પ્રભુની મ્હેરબાની’ માં કેવી ક્રૂર વ્યાજસ્તુતિ છે? પતિયાને જોઈને એના પર અનુકંપા લાવવાને બદલે તે તેની ખુશનસીબીની વાત કરે છે :
અહો, શી ખુશનસીબી ! કોઈનીયે આંખ જ્યાં રોકાય ના,
છૂરી સમી ભોંકાય ના !
‘સ્વર્ગમાં બેઠાં બેઠાં જગતની કીર્તિ સુણીને અહીં આવવાની લાયમાં ને લાયમાં કલ્પદ્રુમની છાંયમાં કીકીઓ ભૂલી જનાર ‘આંધળો’ જગતનો સાર જોઈ શકે છે. તે તેજની ભીતર વસેલા અંધારની વાત કરે છે. આંધળો કહે છે :
હવે ચશ્મું થવા ચાહે સળગતો આ સૂરજ રે તોય શા ખપનું?
ઊંચે માથું ઉઠાવી આભ સામે પણ હવે ધરવું નથી,
આ એકમાંથી એ બીજા અંધારમાં સરવું નથી.
અહીં આંધળાની સ્વગતોક્તિ ગર્વોક્તિ નથી લાગતી? પરન્તુ બૉદલેર જ્યારે Les Aveugles-માં આંધળાની વાત કરે છે ત્યારે કવિ તેના પ્રત્યે આપણા મનમાં દયાની કેવી લાગણી જન્માવે છે? આખા કાવ્યની એકેએક પંક્તિ કરુણા જગાવી જાય છે. પૅરિસ નગર ભલે ગાય કે બરાડે પણ —
Their eyes, in which the holy spark is dead.
Are raised toward the sky.
................................................
They wander thus through blackness beyond measure,
That brother of eternal silence. Even
Now, O city, while you sing and bray.
ભિખારી પણ આ જગતના નાથે સરજેલા જગતમાં જ રહે છે ને? ‘વગર હસ્યે જિંદગી ગુજરી ગઈ’ એમ જાણીનેય એકાદ હસવાનું બહાનું મળતાં પ્રભુનો પાડ માનવા તૈયાર થનાર આ ભિખારી સૂનકારના ભારને ભલે વહેતો હશે પણ લાગે છે તો ખુમારીવાળો. જગતના લોકોને એ ઘણો સારી રીતે સમજી ગયો લાગે છે, (અને જગતના નાથને પણ.) વેશ્યાને જોઈને વિચારે છે :
અરે, આ દેહ પર છે કેટલી દોલત !
દશમા ભાગની મારી કને જો હોત ને તો આમ ના બોલત !
અને કદી ન ફરતો ફેરિયો આંધળાને જોઈ ને વિચારે છે :
આ આંધળો છે તે છતાં
ફરતો ફરે છે બેપતા !
કવિ આ બધાંને જોનાર છે અને આ બધાં દ્વારા નગરના જીવનને જોવા મથનાર છે.
*
‘Tableaux Parisiens’ અને ‘પ્રવાલદ્વીપ’ નાં કેટલાંક કાવ્યો થોડુંક સામ્ય ધરાવે છે. પ્રભાત અને સંધ્યા જગતના તમામ કવિઓને કવિતા લખવા લલચાવે છે. રંગભર્યા પ્રભાતને જોતાં જ કવિઓની કલ્પના સળવળી ઊઠે છે. રોમેન્ટિક કવિઓ માટે તો તેમની કવિતાના પ્રિય વિષયોમાં તેનું સ્થાન હોય જ. પરન્તુ બૉદલેરની કવિતામાં પ્રભાત એની પર પરાગત રીતે નથી આવતું. ન તો નિરંજન ભગતમાંય નાનાલાલીય પદ્ધતિથી ‘ઊગે પ્રભાત આજ ધીરે ધીરે’ની જેમ આવે છે. બૉદલેરમાં પ્રભાત જુઓ :
Reveille was blown in the barrack’s yard;
Snuffed by the morning wind, the Lanterns flared,
It was the hour.......
When the lamp, like a bleeding, restless eye
Makes a red Freckle on the face of day :
અહીં તહીં ઘરોની ચીમનીમાંથી ધુમાડો નીકળવા માંડે છે. કાગડાનો કાકા અવાજ ધુમ્મસને ચીરી પસાર થાય છે. ઇસ્પિતાલમાં મૃતપ્રાય રુગ્ણો આખરી શ્વાસ લઈ રહ્યા છે. રાત આખી રખડી રખડીને હવે લંપટો ઘર ભણી જાય છે. કાવ્યની અંતિમ પંક્તિઓમાં કવિ એક સંપૂર્ણ ચિત્રને ઉઠાવ આપે છે—
Dawn, shivering in a robe of rose and green
Slowly advanced along the deserted Seine
And somber Paris. rubbing his, eyes, began
To gather his tools, an aged working man.
પૅરિસને એક કામદારના રૂપમાં કવિ બતાવે છે. એ જ જુગજૂનો ચરખો ચાલવા લાગે છે. એને કોઈ અંત છે ? હવે ‘ગાયત્રી’ માંની સવાર લઈએ. કવિએ, દગમાં ગીતનો સુરમો આંજી, મુખે મૃત્યુનો લેપ કરી, આછેરાં અંચલો ધારણ કરી, સ્વપ્ન જોતી સિન્ધુશય્યા પર સૂતેલી નગરદ્વીપ સુન્દરીનું વિરાટ શબ્દચિત્ર અંકિત કર્યું છે. આ વિશાળ હલચલભર્યા નગરમાં શાંતિ કેમ જીવી શકે? શબ માત્ર છે તેનું તો અને ઘોંઘાટથી પરિચિત આ નગરમાં શાંતિના આ શબની નથી થતી કોઈ ને જાણ કે નથી આવતી કોઈ ને ગંધ.
—કંપારી છૂટતાં ધ્રૂજે
માત્ર સૌ પથના દીવા, નેત્રો મીંચી જતાં બૂઝે.
આ નારકી નગર પર સૂર્યને ઊગવાનું શાનું? એની ‘લીલા’ જોતાં તો આ નગરને સદા અંધકારમાં જ સબડવું ઘટે, પરન્તુ ‘કોઈ બહાને’ સૂર્ય ઊગ્યો છે ! અણુ અણુમાં સભાનતા પ્રવેશ કરે છે. નગરદ્વીપ સુંદરી શય્યા ત્યાગે છે અને —
બગાસું ખાઈ ને ખાસ્સું સુસ્તીથી જે ભરી ભરી
આંખો બે હાથથી ચોળી, અંગે આળસ જે નરી
ખંખેરી, ત્યાગતી શય્યા નગરદ્વીપ સુન્દરી;
બૉદલેર પૅરિસને ‘aged working man’ કહે છે, નિરંજન નગરદ્વીપ સુન્દરી.’
અહીં લૉર્કાએ ‘Poeta En Nueva York’-માં ન્યૂયૉર્કની સવારનું કરેલું સ્મરણમાં આવશે.
ન્યૂયૉર્કની ધમાલ જોઈ ને લૉર્કાનું સ્પેનના રોમાની લોકજીવનનું ચાહક ચિત્ત ત્રાસ પામે તેમાં નવાઈ શી? પણ બૉદલેરે તો પૅરિસના જીવનને પોતાનું અંગ જ માન્યું છે. પૅરિસના સવારની તેણે વાત કરી. હવે મધ્યાહ્નનું વર્ણન. સૂર્ય પ્રખરતર બનવા માંડે છે. નગરની પરિક્રમા કરે છે. સર્વત્ર એની ગતિ છે. કવિની જેમ સ્તો :
Shining on the cities he exalts
Like a poet, all he sees, despite its faults.
And enters like a king, without noise or vassals
All the hospitals and all the castles
નિરંજન મધ્યાહ્નને જિપ્સી સાથે સરખાવે છે. પણ એ જિપ્સીય ‘આ શ્હેરનું ભાવિ’ કોણ જાણે કેવું નિહાળે છે કે ‘ફાટી આંખે ફરી ગયો.’ આ કાવ્યમાં કવિ અનેક નગરજન્ય કલ્પનો (Images) દ્વારા મુંબઈની જિન્દગીને ઉપસાવવામાં સમર્થ થયા છે. પસાર થઈ જતી ટ્રામ કે બસને— ‘લાલ પેન્સિલની લીટી તાણીને ઉપસાવતી.’ કહી કવિ આ નવી ઉપમાનરીતિ નીચે જાણે ધ્યાન ખેંચે તે રીતની લીટી તાણી રહ્યા છે. દિવસ ઢળવા માંડે છે. રાત્રીના આગમનનાં ચિહ્નો દેખાય છે. આખો દિવસ પરિશ્રમ કરનારને તો ‘હાશ’ કહેવાની વેળા. પરન્તુ પૅરિસ – માયાવી પૅરિસ નગરી – ની અનેક અન્તર્લીલાઓ તો હવે જ શરૂ થવાની, જે અત્યાર સુધી સુપ્ત હતી, કારણ કે ‘યસ્યાં જાગ્રતિ ભૂતાનિ સા નિશા પશ્યતો મુનેઃ’ – આ ‘મુનિજગત’ તો હવે જાગવાનું ને? બૉદલેર વર્ણવે છે :
Among the Lamps tormented by the wind
Prostitution flares up in the streets
Like an ant-heap...
‘કૉલાબા પર સૂર્યાસ્ત’ માં કવિ નિરંજન કહે છે :
—આ શહેરની કામના
આમંત્રે ફૂટપાથપે અરવ ર્હૈ જે મંદ નારી સરી
એને અંગ અસહ્ય વાસ વસતી (ચિત્તે અસંતોષની)...
બૉદલેર વર્ણવે છે :
One hears the kitchens hissing here and there
The theaters are yelling, orchestras blare,
નિરંજનમાં પણ સંભળાય છે :
કાફે રોયલના હજુય ખખડે પ્યાલા રકાબી છરી
કાંટા કાન મહીં ..........
દૃગે રિગલની આંજી હજુ રોશની.
બન્ને કવિઓ મોહક લાગતી આ નગરીની રાત્રીની નારકીય લીલા જોતાં અકળાઈ ઊઠે છે. રાત્રીના આગમનની સાથોસાથ કવિ નિરંજન ‘સાચના સંસાર’ને તિમિરમાં ડૂબતો નિહાળે છે. અને –
રૂંધાતા શ્વાસને મીંચ્યાં નયનથી શો જીવ ત્રાસી જતો,
આખાયે નભ વિસ્તર્યાં તિમિરમાં રહું દ્વારને ઠેલતો,
રે ત્યાં કોણ મને ‘હું’ માં, મુજ જગે પાછો જ હડસેલતો?
આ પંક્તિઓ આપણને બૉદલેરની નીચેની પંક્તિઓનું સ્મરણ કરાવે છે, જેમાં કવિ પેરિસની આ નારકીય લીલા જોતાં પોતાને કહી બેસે છે :
Collect yourself, my soul, at this grave hour,
And close your ears to confusing roar.
રુગ્ણતા જ સર્વત્ર વ્યાપ્ત થયેલી જણાય છે. મનોરુગ્ણ લોકોની વાત કરી, પરન્તુ દેહરુગ્ણ લોકોની પણ સૃષ્ટિ આ કવિઓના ધ્યાનમાં છે. રાત્રિનો વધતો જતો અંધકાર માંદા માણસના દુઃખને તીવ્રતર કરી મૂકે છે. સૂરજ અસ્ત થતાં —
ચિતાનું ચિત્ર આ પેખી પોતાનું ભાવિ ભાખતા,
મૃત્યુશય્યા પરે સૂતા રુગ્ણો નિશ્વાસ નાખતા.
બૉદલેરમાં આ માંદાઓની રાત્રિ જુઓ :
This is the time that sharpens sick men’s sorrow !
Somber night is choking them —
જીવન શું? આત્મપ્રતારણા તો મૃત્યુને જિંદગી માનવા પ્રેરે છે. રોજ સવારે સેવેલું આશાયુક્ત સ્વપ્ન સાંજે તો ‘ભગ્નખંડિત’ થઈ જાય છે. કવિ નિરંજન કહે છે :
આ તો સૌ નિત્ય જન્મે ને પાછા નિત્ય જ જે મરે!
(પરન્તુ કૈંક એવાયે કે જે પાછા ન હો ફર્યા.
વળી છે કેટલાયે જે જન્મતાં વેંત હો મર્યા !)
નગરજીવનના આ કારુણ્યની આવી જ વાત કરતાં બૉદલેર પણ કહે છે :
Most of them have never knowna hearth
Or home - it migat be said they died at birth.
આ રીતે નગરજીવનની નારકીયતનાં બન્ને કવિઓ દર્શન કરે છે, કરાવે છે. પોતે જે યુગમાં જીવે છે, તે યુગના જીવનને પોતાની નાડીઓમાં ધબકતું અનુભવવાનું અઘરું છતાં મહત્ત્વનું કાર્ય ‘યુગદ્રષ્ટા’ કવિનું છે. બૉદલેર પોતાના યુગનો ખરેખરો ‘દ્રષ્ટા’ છે. Peter Quennelના શબ્દોમાં કહીએ તો "He has enjoyed a sense of his own age." નિરંજન ભગત આજના યુગને સમજવા મથ્યા છે, પણ સુરેશ જોષીને લાગે છે કે કવિ નિરંજન ભગતને "આપણા યુગની comprehensive myth હાથ લાગી નથી." નિરંજન ભગત હજુ આ યુગની Patternને પૂરા રૂપમાં ઓળખી શક્યા નથી. ‘Tableaux Parisiens’અને ‘પ્રવાલદ્વીપ’ના કવિમાં એક બીજું પણ અંતર છે; અને તે એ કે કવિ નિરંજન ભગત દાન્ટેની જેમ આ ‘નરક’ (નગર)ના મુલાકાતી માત્ર જ રહ્યા છે, બૉદલેરની જેમ તેના રહેવાસી નથી બની શક્યા !
૧૯૬૩ (‘અધુના’)
૦૦૦